અકબંધ રહસ્ય ભાગ - 9 Ganesh Sindhav (Badal) દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અકબંધ રહસ્ય ભાગ - 9

એકબંધ રહસ્ય

ભાગ - 9

Ganesh Sindhav (Badal)

દિવાળીની રજાઓમાં ચતુરભાઈ રતનપર ગયા. જયા પણ અહીં હતી. એને એમણે કહ્યું, “જયા, તું અને સુમન મારી સાથે અમદાવાદ આવો. હું તમને સુરેશના ઘરે લઈ જવા આવ્યો છું. તારા આ સુમનને જોઇને કદાચ એનું મન કૂણું પડે. તમારા બંને વચ્ચેની કડવાશ ઘટે તો આ બાળકને મા-બાપ બંનેનો પ્રેમ મળે. મને આ ફૂલશા બાળકની ચિંતા થયા કરે છે.”

જયા કહે, “ફુવા, વરસોના વહાણાં વાયાં છે. એમને મારી જરૂર હોત તો એ મને તેડી ગયા હોત. મેં મારા મનને મનાવી લીધું છે. હું સુમનને સહારે જીવ્યા કરીશ. હું મા-બાપને બોજારૂપ નથી. મારા પગ પર ઊભી રહેવાની તાકાત મારામાં છે. સામેથી એમના ઘરે જવામાં મારું મન માનતું નથી.”

ચતુરભાઈ મોટેથી બોલ્યા, “સામેથી એના ઘરે જવામાં તને નાનપ શાની ? સુરેશ તારો પતિ છે. એનું ઘર એ તારું પણ છે. તારે ત્યાં હક્કથી રહેવું જોઈએ. તારી આ જીદ છોડી દે, તમે બંને મા-દીકરો મારી સાથે અમદાવાદ ચાલો.”

જયાએ પૂછૂયું, “સુરેશે તમને અહીં મોકલ્યા છે ?”

ચતુરભાઈ કહે, “એ મને અહીં મોકલે તો જ હું તને તેડવા આવી શકું ? તમારા કજિયાનો અંત લાવવો એ મારી ફરજ નથી ? તારી ફઈ રોજ ઊઠીને મારો જીવ ખાધા કરે છે. એ કહે છે- તમે જાતે જઈને જયા અને એના દીકરાને અમદાવાદ મૂકી આવો. બીજી તરફ મારા બહેન બનેવી મારી પર ખફા છે. તમારા અણબનાવને કારણે મારે બધી બાજુથી સંભાળવું પડે છે.”

જયા કહે, “ફુવા તમે મારી પર દબાણ કરો છો એવું દબાણ સુરેશ પર શા માટે કરતા નથી ? એમને મારી જરૂર હોત તો એ મને તેડવા આવત અથવા તમને મોકલ્યા હોત. હું સામેથી એમને ત્યાં જાઉં એનો મતલબ કે મારે એમની ગરજ છે. ગરજ તો બંને પક્ષે હોવી જોઈએ.”

ચતુરભાઈ કહે, “જયા, દરેક માણસ નાની મોટી ભૂલો કરે છે. ભૂલનો સ્વીકાર કરે એ માણસ છે. એકવાર ભૂલ થયા પછી બીજીવાર ભૂલ ન થવાની જે કારજી રાખે એ પણ માણસ છે. કોઈ માણસ પોતાની ભૂલને કાયમ માટે સ્વીકારીને જીવ્યા કરે એ માણસની અબુદ્ધતા છે.” ચતુરભાઈએ માર્મિક રીતે જે કહેવાનું હતું તે કહું દીધું. એમની વાતનો અણસાર જયા પામી ગઈ હતી. એથી જ એ થોડીવાર મૂંગી રહી હતી. છેલ્લે એ બોલવા ખાતર બોલી, “ફુવા મેં કોઈ ભૂલ કરી નથી. મારા માટે સ્વીકાર અસ્વીકારનો પ્રશ્ન આવતો નથી.”

ચતુરભાઈ કહે, “તેં કોઈ ભૂલ કરી છે એમ હું કહેતો નથી. આ તો સામાન્ય રીતે આવું બનતું હોય છે એનો દાખલો આપ્યો છે. આવી કોઈ નાની ભૂલને કારણે ઘણા પતિ-પત્નીને બનતું નથી. એના કારણે બાળકોને શોષવું પડે છે.” ચતુરભાઈએ ભૂલનો દાખલો આપ્યો એ સાંભળીને જયા થોડી નરમ પડી હતી.

જયા કહે, “ફુવા, તમે કહો છો તેથી હું અને સુમન તમારી સાથે આવીશું. સુરેશ કંઈક આડું અવળું બોલીને મારી ફજેતી કરે તો તેને સંભાળવાની જવાબદારી તમારે માથે રહેશે.”

ચતુરભાઈ કહે, “એવું કંઈક બને તો તું મારી સાથે પાછી આવજે.”

બીજા દિવસે જયા, સુમન અને ચતુરભાઈ સુરેશને ઘરે પહોંચ્યા. જયાએ ચતુરભાઈ અને સુમનને પાણી આપ્યું. સોફા પર જગ્યા હોવા છતાં એ એકબાજુ નીચે બેસી. સુરેશે ચતુરભાઈ સામે જોઇને કહ્યું, “આવું નાટક કરવાથી મારામાં કોઈ પરિવર્તન થશે એવી કોઈ સમજણથી તમે જયાને અને દીકરાને અહીં લાવ્યા હો તો એ તમારી ગેરસમજ છે. જયાને અહીં લાવવાને બદલે મારા મા-બાપ પાસે લઈ જાવને ? મારા કરતાં એ વધારે દુઃખી છે. તમારામાં હિંમત હોય તો એમની પાસે જાવ. તેઓ જે કહેશે એમ હું કરીશ.” સુરેશની વાત પૂરી થયા પછી વાતાવરણ નિરવ બન્યું.

ચતુરભાઈ કહે, “ભાણા, આ નાટક નથી. જયા તારી પરણેતર છે. તારા આ ઘરમાં એને રહેવાનો પૂરેપૂરો હક્ક છે. તમારા બંને વચ્ચે જે કંઈ ગેરસમજ હોય તો તેની ચર્ચા કરીને નિવેડો લાવી શકાય છે. તમે બંને શિક્ષિત છો. તમારા આ બાળકના ભવિષ્યનો તો વિચાર કરો ?”

સુરેશ કહે, “મામા, તમને જે કહેવું હતું તે મેં વિગતથી કીધું છે. એકની એક વાત ઘૂંટ્યા કરવાનો શો અર્થ છે ?” જયા કંઈ પણ બોલ્યા વિના બેઠી હતી. જોગાનુજોગ બરાબર આ સમયે સુરેશને ઘરે નજમા આવી. સુરેશ પર એ ખફા તો હતી જ. આજે એ કંઈક ફેંસલો કરવાના મૂડમાં આવી હતી. એની મુખમુદ્રા જોઇને સુરેશે એને વિનયપૂર્વક કહ્યું, “નજમા આજે મારે ઘરે મહેમાન છે. તેથી આપણા પ્રોજેક્ટ વિશે વાત થશે નહીં. તું મંગળવારે આવજે.” નજમા તરત ઊભી થઈને બારણાં બહાર નીકળી ગઈ. જતાં પહેલાં એણે જયાની સામે જોયું ને જયાએ એની સામે જોયું. એ બંનેની નજરમાં કરોળિયાના જાળાં જેવી શંકા દેખાતી હતી. નજમાના ગયા પછી કોઈ કંઈ બોલતું ન હતું. સુમન એની મમ્મી પાસે જઈને એના કાનમાં કંઈક કહેતો હતો એણે ચતુરભાઈએ કહ્યું, “સુમન, અહીં મારી પાસે આવ.” એ એની મમ્મી પાસેથી ખસતો ન હતો. જયાએ ચતુરભાઈને કહ્યું, “ફુવા, મૂંગા મૂંગા અહીં બેસી રહેવાનો શો અર્થ છે ? તમારા કહેવાથી હું સુમનને લઈને અહીં આવી. પરિણામ તમારી નજર સામે છે.”

સુરેશ કહે, “હું પણ એમ જ કહું છું. પ્રમાણપત્ર તમારી સરે જ છે.”

ચતુરભાઈ કહે, “શેના પ્રમાણપત્રની તું વાત કરે છે ?”

સુરેશ કહે, “જયાના.”

જયા કહે, “ફુવા તમે ઊભા થશો ? આ સુમનને ઘરે જવાની ઉતાવળ છે. એને ભૂખ લાગી છે.” એ સાથે એ ઊભી થઈને ચંપલ પહેરવા લાગી. એણે સુમનને બુટ પહેરાવ્યા. ઘરના પગથિયાં ઊતરીને એ આંગણે ઊભી રહી.

ચતુરભાઈ ઘરમાં હતા. એમણે સુરેશને કહ્યું, “સુરેશ તારા માટે આ છેલ્લી ટ્રેન છે. જયાને લઈને હું ફરીથી તારા ઘરે આવવાનો નથી. તારી મા રેવા મારી મોટી બહેન છે. એનું દુઃખ મારાથી જોવાતું નથી. એ મારા ઘરે આવતી નથી. મારી સાથેનો વહેવાર એણે તોડી નાખ્યો છે. આખરે હું એનો માડીજાયો ભાઈ છું. એના માટે મારો માંહ્યલો દાઝે છે. જયા સાથે તારા લગ્નની ગોઠવણ મેં તારા સુખી સંસાર માટે કરી હતી. આ દુઃખના દિવસો મારે જોવા પડશે એવી મને ખબર ન હતી.” ચતુરભાઈની આ વાતનો સુરેશે કોઈ પ્રતિભાવ આપ્યો નહીં. આખરે એ પણ જયાની પાછળ ચાલતા થયા.

સુરેશ માટે આજનો દિવસ દુઃખનો હતો. રજાઓના આ છેલ્લા દિવસોમાં એની ગણતરી જૂનાગઢ જવાની હતી. રઝિયા અને આયશા હજુ અહીં શહેરમાં હતાં. મંગળવારે નજમા આવશે. આ દિવસે એ બંને અહીં ભેગી થશે તો આજના જેવો જ ભવાડો થશે.