અકબંધ રહસ્ય - 10 Ganesh Sindhav (Badal) દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અકબંધ રહસ્ય - 10

એકબંધ રહસ્ય

ભાગ - 10

Ganesh Sindhav (Badal)

રઝીયાની હીલચાલ પર નજમાની બારીક નજર હતી. આયશા અને રઝિયા સુરેશના ઘરે મીઠાઈ લઈને ગયાં હતાં એની ગંધ એને આવી હતી. નજમા અને રઝિયા એકબીજા વગર રહી શકતાં ન હતાં. એમને નોકરી મળ્યા પછીની રજાઓમાં પણ એ એકબીજાને ઘરે ગયાં નથી. આ માટે સુરેશ નામના કારણ સિવાય બીજું કોઈ કારણ નથી. નજમાનો જીદ્દી અને ગરમ સ્વભાવ સુરેશને પસંદ નથી. જયારે પહેલીવાર એ બંને સુરેશને મળવા આવ્યાં હતાં ત્યારે રઝિયાનું મોહક વ્યક્તિત્વ સુરેશના દિલના કોઈક ખૂણે છુપાઈને બેસી ગયું હતું. એથી વિશેષ રઝિયાના આંતરમનની વિશાળતા હતી. એના અબ્બુ અને અમ્મીના હત્યારા પ્રત્યે એને કટુતા નહોતી. એ જડ લોકો સાથેના વેરનો ભાર ઊપાડીને જીવ્યાં કરવું એને મંજુર નથી.

નજમા કહે, “રવિવારે હું આવી હતી ત્યારે તમે મને પાછી કાઢી. હું એક શબ્દ બોલ્યા વિના સમસમીને ચાલી ગઈ. તમારા એ મહેમાન કોણ હતા ?”

સુરેશ કહે, “એ મારી પત્ની જયા અને એનો બાબો હતા. મોટી ઉંમરના હતા એ મારા મામા હતા.”

નજમા કહે, “એનો બાબો એ તમારો પણ ખરો ને ?”

સુરેશ કહે, “હાલ એ જયા પાસે રહે છે એટલે એનો.”

નજમાએ સીધે સીધું પૂછ્યું, “તમે મારી સાથે શાદી માટે તૈયાર છો ?”

સુરેશ કહે, “આ પહેલા મેં તને મારી વિટંબણા જણાવી છે. રવિવારે જયાને અહીં મૂકવા માટે મારા મામા આવ્યા હતા. જયા અડિંગો જમાવીને બેઠી હતી. એ કેહતી હતી- આ મારું ઘર છે. હું અહીં હક્કથી રહેવાની છું. એ પરાણે અહીંથી ગઈ છે. હવે તું જ કહે, અમે અહીં પતિ-પત્ની તરીકે રહેતા હોઈએ ને તારી સાથે લગ્ન કરીને તને આ ઘરમાં કઈ રીતે રાખી શકું ? હિન્દુ કાયદા મુજબ બે પત્ની રાખવી એ કાનુનભંગ છે. એ બદલ મને સજા થઈ શકે. મારે નોકરી ગુમાવવી પડે.”

નજમા કહે, “મેં વકીલની સલાહ લીધી છે. શાદી પહેલાં તમે ઇસ્લામ ધર્મ અંગીકાર કરો તો તમને કાનૂનમાંથી આપોઆપ છૂટકારો મળે. મંજિલે પહોંચવા માટે એના માર્ગે ચાલવું તો પડે ને ?”

સુરેશ કહે, “આ માર્ગ મારા માટે સરળ નથી. તને ખ્યાલ નથી. હું ઇસ્લામ ધર્મ અંગીકાર કરું તો પેલો શંભુ અને સાધુરામ બળજબરીથી મને હિન્દુ ધર્મમાં પાછો લાવે. એના પ્રત્યાઘાતથી તારો ભાઈ મારો જાન લેવા ઊભો થશે. ગોળના પટેલો મારો બહિષ્કાર કરશે. આ સંજોગોમાં આપણા બંનેની સ્થિતિ ધોબીના કૂતરા જેવી થશે.” નજમાએ એના દિલમાં હતો એ સવાલ કર્યો, “તમે રઝિયા સાથે નિકાહ કરશો ત્યારે પણ આ બધા અવરોધો તો આવશે ને ?”

સુરેશ કહે, “એની સાથે હું નિકાહ પઢવાનો છું એવું તને કોણે કીધું ?”

નજમા કહે, “આ તો મનમાં આવ્યું ને તમને પૂછી નાખ્યું.”

નજમાના છેલ્લા પ્રશ્નથી સુરેશને વિશેષ ખ્યાલ આવ્યો કે જો રઝિયા સાથે પોતાની શાદી થશે તો અન્ય અવરોધો સાથે નજમા નામનો અવરોધ નડી શકે છે. આ દરમિયાન રસોઈ કરવા માટે મણીબહેન આવ્યાં. એમને જોઇને સુરેશે કહ્યું, “નજમા આજ તો તું જમીને જ જજે.”

નજમા કહે, “માથું વાઢીને પાઘડી પહેરવાની એ ઘૃણાસ્પદ ચેષ્ટા છે.” આ વ્યંગબાણ બોલીને એ ચાલી ગઈ. સંવેદનશીલ દિલના સુરેશને નજમાનો વ્યંગ કાંટો વાગવા જેવો લાગ્યો. એ કાંટાને કાઢવા માટે ચુપ રહેવું જરૂરી હતું.

રજાઓ પછીના રવિવારે સુરેશ જૂનાગઢ ગયો. આયશાની હાજરીમાં એણે રઝિયા સાથે લાંબી ચર્ચા કરી. શાદી પછીથી જે પ્રત્યાઘાતી ઝંઝાવાત ઊભા થશે તેના વિવિધ પાસાંનો ચિતાર એણે આપ્યો. એણે પોતાની વાત આગળ ચલાવતા કહ્યું, “આપણાં લગ્ન એ કોઈ પ્રેમલા પ્રેમલીએ કરેલા મોહાંધ લગ્ન નથી. આપણી શાદી એ હિન્દુ-મુસ્લિમ એકતાનો દેખાડો નથી.” રઝિયા સામે જોઇને એણે કહ્યું, “આયશા માસીએ તને તારા મા-બાપની ખોટનો અનુભવ થવા દીધો નથી. એમના પ્રતાપે તને અનુસ્નાતકની ઉપાધી મળી છે. તારી તમામ જરૂરિયાતો એમણે પૂરી કરી છે. સુખમાં તારો ઉછેર થયો છે. તને ગરીબાઈનો અનુભવ નથી. આપણા દેશમાં પ્રશ્નોનો પાર નથી. એમાં સૌથી જટિલ અને વિકટ પ્રશ્ન ગરીબીનો છે. આ ગરીબો વચ્ચે બેસીને કામ કરવાની મારી મહેચ્છા છે. સમા પૂરે તરવા જેટલું કઠીન આ કામ છે. એમાં તારો સથવારો હોય તો આપણે બંને ગરીબીના આનંદ સાથે જીવન જીવીશું.” હું એક અલગારી પુરુષને મળ્યો હતો, એનું નામ જુગતરામ દવે છે. એમણે મને કહ્યું હતું,

“સુરેશ! ધ્યેય વિનાના જીવનનો કોઈ અર્થ નથી. જે લોકોએ જરૂર છે એવાને ઉપયોગી બનવાનો ધ્યેય સૌથી શ્રેષ્ઠ છે.”

ગરીબો માટે કામ કરવું એ કપરા ચઢાણ છે, ત્યાં જઈને પાછા ફરવું એ સરળ નથી.

સુરેશે રઝિયાને કહ્યું, “ આ વિકટ કામમાં તું મારી સાથે ચાલી શકીશ ?”

રઝિયા કહે, “હું સમજું છું. તમે પસંદ કરેલો માર્ગ ખુદ્ધારીનો છે. એમાં મારે તમારી આગળ ચાલવું જોઈએ. જે કોઈ કઠણાઈ આવશે એની સામે આપણે એક સાથે ઝઝુમીશું.”

આજ રાત્રે સુરેશનો ઇસ્લામ ધર્મ અંગીકાર થયો. સુરેશનું નામ અરહમ રાખ્યું. આ પછીથી નિકાહ પઢવાની વિધિ પૂર્ણ થઈ. બીજા દિવસે જિલ્લાની કોર્ટમાં શાદીને કાયદેસર નોધણી કરાવીને એ અમદાવાદ પહોંચી ગયાં.

આયશાએ રઝિયાને ગુજરાતણનો પોષાક પહેરાવ્યો. સુરેશ ઘડીભર એની સામે જોઈ રહ્યો. ગાડી ભાડે કરીને નવયુગલ રામપુરા પહોંચ્યું. રેવાએ પોતાના દીકરા સુરેશને જોયો. એની સાથે એની નવી વહુ હતી. એ બંનેએ માતા-પિતાના ચરણનો સ્પર્શ કર્યો. રેવાએ વહુ અને દીકરાના ઓવારણાં લીધાં. પોતાનો દીકરો સુરેશ રાજકુંવરી સાથે લગ્ન કરીને આવ્યો છે. રેવાની આંખોમાં હરખના આંસુ ડોકાયા. રેવાએ પાણીથી ભરેલો કળશિયો વહુના માથે ફેરવીને એમાંનું પાણી ચૌટે જઈને ઢોળ્યું. રૂપાળી વહુનું રૂપ જોઇને રેવાને થયું કે પોતે સપનું તો નથી જોતી ને ? રેવા સુરેશના કારણે દુઃખી હતી. આજે અચાનક એ દુઃખનો અંત આવવાથી એણે ઠાકોરજીના ગોખલે દીવો કર્યો. વળી પાછી એ વહુ પાસે આવીને બેઠી. એણે વહુને પૂછ્યું, “તમારું નામ શું છે ?”

વહુએ જવાબ આપ્યો, “મારું નામ રાજલ છે.”

વિઠ્ઠલભાઈએ પતાસા મંગાવીને સૌનું મોઢું મીઠું કરાવ્યું/

સુરેશે એની મા રેવાને કહ્યું, “મા આંગણે ઊભેલી ગાડી ભાડાની છે. એમાં અમારે પાછું જવાનું છે.”

રેવા કહે, “એ મોટરનું જે ભાડું થાય તે હું એને ચૂકવી દઉં છું. તમારાથી આટલું જલ્દી નહીં જવાય !”

સુરેશ કહે, “મા, આજે અમારે અમદાવાદ પહોંચવું જરૂરી છે. માંડ માંડ રેવાને માનવીને તેઓ શહેરમાં પાછા ફર્યા.”