અકબંધ રહસ્ય - 23 Ganesh Sindhav (Badal) દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અકબંધ રહસ્ય - 23

એકબંધ રહસ્ય

ભાગ - 23

Ganesh Sindhav (Badal)

સંસ્થામાં સુમન પહોંચ્યો. વિઠ્ઠલભાઈ, રેવા, સુરેશ અને રઝિયા સહિત બધાએ એણે આવકાર આપ્યો.

વિઠ્ઠલભાઈ સાથે એણે છ માસ કામ કર્યું. આ પછીથી એ ગુજરાત કૃષિ યુનીવર્સીટી જૂનાગઢ ખાતે એક વરસના ડીપ્લોમાના અભ્યાસક્રમમાં જોડાયો. અહીં કૃષિ સંશોધન, પૃથક્કરણ અને એના વિશ્લેષણ માટે જવું જરૂરી હતું. અહીંના કૃષિ વૈજ્ઞાનિક શ્રી ડો. વેકરીયાના માર્ગદર્શનથી એ અભ્યાસમાં રત બન્યો. અહીં એની સહાધ્યાયી વિદ્યાર્થીની વિભા ભગોરા હતી. એ જિલ્લા ખેતીવાડી અધિકારી એમ.આર. ભગોરાની પુત્રી હતી. સાબરકાંઠાના લુસડીયાની વતની હોવાના કારણે સુમન સાથે એની મિત્રતા સહજ બની. વિભા મિશનરી સ્કૂલની વિદ્યાર્થીની હોવાથી એનું અંગ્રેજી સારું હતું. બંને વિજ્ઞાનના વિદ્યાર્થી હોવાથી રસ અને રુચિ સમાન હતા. તેઓ અભ્યાસમાં એકબીજાને પૂરક બનતા. ધીરે ધીરે એમની મૈત્રી પ્રણયમાં પરિવર્તિત બની. ઘણીવાર સુમન વિભાને ઘરે જઈને અભ્યાસના મુદ્દાની આપ-લે કરતો. આથી વિભાનો પરિવાર સુમનથી પરિચિત બન્યો.

વિભાના ઘાટીલા દેહના ઘડનારને ક્યારેક નવરાશ મળી હશે ત્યારે એણે એના રૂપને કંડાર્યું હશે. એવી રૂપાળી વિભાથી સુમન પ્રભાવિત બને એ સહજ હતું. વિભા પાસે બુદ્ધિસંપદા તો હતી જ. એની સાથે રૂપનો વૈભવ હોવો એ નિસર્ગના આશિષની એંધાણી હોવાનું સંભવ છે. ગોરોવાન, મોટી આંખો, સુરેખ નાક, શુભ્ર દંતાવલી, હીર જેવા સુંવાળા અને લાંબાવાળ હોવાથી સ્વયભું એ વિભૂષા લાગતી હતી.

હસમુખા અને મળતાવડા સ્વભાવથી સુમન એના અધ્યાપકોનો પ્રિય વિદ્યાર્થી હતો. વૈજ્ઞાનિકની હેસિયતથી એ એના પ્રયોગના પરિણામ માટે આતુર રહેતો. ઘઉંવર્ણવાન, લાંબાવાળ, વિશાળ ભાલથી એનું વ્યક્તિત્વ મોહક લાગતું હતું. વિભાને થતું હતું કે આ પટેલનો છોકરો છટકી તો નહીં જાય ને ?

સુમને એની મમ્મીને પત્ર લખ્યો. એમાં એણે જણાવ્યું કે હું જૂનાગઢમાં છું તે દરમિયાન તું અને નાના-નાની અહીં આવો. તમને અહીં ફરવાની મજા પડશે. આ પત્ર વાંચીને જયા, મધુ અને રમેશ પટેલ જૂનાગઢ ગયાં. અહીં તેઓએ ઉપરકોટના સ્થળો જોયાં. ભવનાથના સ્થળોએ ફર્યા. શહેર પણ જોયું. એમની સાથી વિભા જોડાઈ હતી. વળતી વખતે એ બધાને પોતાના ઘરે લઈ આવી. એનું ઘર મોટું અને સુંદર હતું. આંગણે નાનો બગીચો હતો. એમાં ગુલાબ, મોગરો અને ગલગોટાના ફૂલ ખીલ્યાં હતાં. ફર્નીચરની ગોઠવણ સુઘડ હતી. દીવાલે ઇસુ ખ્રિસ્તનો ફોટો હતો. ટેબલ પર વધસ્તંભનું પ્રતિક મૂકેલું હતું. વિભાએ બધાની આગળ પાણી ધર્યું. એ સુમન સિવાય કોઈએ પીધું નહીં. એણે ચા અને નાસ્તો મૂક્યો. એમાંથી કશું કોઈએ લીધું નહીં. થોડી જ વારમાં એ બધા ત્યાંથી નીકળી ગયાં. વિભાનું મોઢું પડી ગયું. સુમને એની નોંધ લીધી. સુમનની હોસ્ટેલ શહેરથી દૂર હતી. ત્યાં જઈને બધાએ પાણી પીધું.

સુમને કહ્યું, “વિભાએ આપણી સાથે આખો દિવસ કાઢ્યો. હોંશથી એ એના ઘરે લઈ ગઈ અને ત્યાં તમે નાસ્તો, ચા કે પાણી ન પીધું એથી એની લાગણીને ઠેસ પહોંચે એ સહજ છે. એ મિશનરી સ્કૂલની વિદ્યાર્થીની છે એથી એનું અંગ્રેજી સારું છે. મારે એના ઘરે જઈને એની પાસેથી ઘણું જાણવવાનું અને શીખવાનું છે. તમે એની લાગણીને દુભવી એ મને ગમ્યું નથી. એ ખ્રિસ્તી છે એથી એના પ્રત્યે અનાદર કરવો એ આપણી મૂઢતા છે. એના આંગણે નાનો બગીચો છે. આપણા આંગણે ભેંસના છાણ મૂતર સિવાય બીજું શું હોય છે ? એના ઘરની સ્વચ્છતા જેવી ચોખ્ખાઈ આપણા ઘરે નથી. એના ઘરનું પાણી તને ન પીવો એ તમારી સૂગ કેવી ? વિધર્મી ના ઘરનું પાણી પીવાથી વટલાઈ જવાશે. આ સંકીર્ણતાથી દેશને પારાવાર નુકશાન થયું છે. આ આપણી સંસ્કૃતિ નહિ વિકૃતિ છે.”

રાતની ગાડીમાં એ બધાં ગયાં. બીજા દિવસે સુમનને વિભા મળી. એના મોઢા પર ખિન્નતા હતી. એ કંઈ બોલી નહીં. તેથી સુમને એને કહ્યું, “ગઈ કાલે તારા ઘરે જે કંઈ બન્યું, એનો મને ભારોભાર રંજ છે. તારી લાગણીને ઠેસ પહોંચે એ સહજ છે. એ માટે હું તારી માફી માંગું છું.”

વિભા કહે, “તારા પરિવારનું આવું જ કલ્ચર હોય તો હું લગ્ન માટે કઈ રીતે વિચાર શકું ? ગઈ કાલથી મારા મનમાં વિચારના વમળ ચાલે છે. આપણી મિત્રતા ન તૂટે એ માટે હું સજાગ છું. હંમેશ માટે આપણી મૈત્રી ટકી રહે એ માટે તારી તત્પરતા હોવી જરૂરી છે. લગ્ન અને મિત્રતા જુદી બાબત છે.” એટલું બોલીને એ એના કામ પર ચાલી ગઈ.

પ્રયોગ માટેના ખેતરમાં વિભાના પ્લોટની બાજુમાં સુમનનો પ્લોટ હતો. એ પોતાના પ્લોટ જેટલી જ માવજત વિભાના પ્લોટની લેતો. એથી વિભાને કામમાં રાહત રહેતી. થિયરીના મુદ્દાની નોંધ માટે એ વિભાના ઘરે જતો. એ રીતે આજે એ એના ઘરે ગયો. જે મુદ્દાની ચર્ચા કરવાની હતી એને વિભાએ ઝડપથી પતાવી દીધા. એ પછીથી એ ઘરના કામમાં લાગી ગઈ. એની સાથે સુમનને ઘણી વાતો કરવી હતી. વિભા એને મોકો આપ્યા વિના કામ કરતી રહી. છેવટે સુમન ગયો.

સુમનને વિભા સાથે લગ્ન કરવાનું સ્વપ્ન હતું. એના એ સપનાની પરી સુમન પર પ્રસન્ન હતી એથી સુમનના રથના સાત ઘોડા આસમાને ઊડતા હતા. વિભાનું વલણ બદલાયા પછી સુમનનો એક દિવસ યુગની લંબાઈનો બન્યો. ઊંધ એની વેરણ બની. ભૂખ ઘટી ગઈ. એને ઉદાસી ઘેરી વળી. એ એની હોસ્ટેલની બારીએ બેઠો હતો. ત્યાંથી એણે બહાર જોયું તો કૃષિ એન્જિનિયર કૉલેજના જે.એસ. ભાલોડિયા પાસે વિભા બેઠી હતી. ઘણા સમયે એ બંને છૂટા પડ્યા. ભાલોડિયાનું વ્યક્તિત્વ પ્રભાવશાળી હતું. મધ જેવી એની જીભ હતી. સુમને એ બંનેને સાથે જોયા. માનવ સહજ એને ઈર્ષા થઈ. એની ઉદાસીનતા સાથે ઈર્ષાની આગ ભળવાથી એની તબિયત લથડી. એને સખત તાવ આવ્યો. રેકટરે તાત્કાલિક યુનિવર્સીટીના ડોક્ટરને બોલાવ્યા. એને દવા આપી. સહાધ્યાયી વિદ્યાર્થીઓએ એની સારવાર કરી. સુમનની સાથે બે વિદ્યાર્થીઓ મોકલીને એને વનવાસી ઉત્કર્ષ સંસ્થાએ પહોંચાડ્યો.