એકબંધ રહસ્ય
ભાગ - 22
Ganesh Sindhav (Badal)
રાષ્ટ્રીય સેવા યોજનાના કેમ્પમાંથી સુમન ઘરે આવ્યો.આ કેમ્પ દરમિયાન વનવાસી ઉત્કર્ષ સંસ્થાની મુલાકાતે જવાનું બન્યું હતું. એની વાત એની મમ્મી અને નાના-નાનીને કહી.
એણે કહ્યું, “એ સંસ્થામાં અમને બધાને ખૂબ મજા આવી. મારા દાદા-દાદી અને પપ્પાની મુલાકાત થઈ. મારા દાદા કૃષિ વિજ્ઞાન પ્રયોગશાળા ચલાવે છે. તેમાં હાઈબ્રીડ બીજના પ્રયોગો થાય છે. કપાસ, બાજરી, ઘઉં, મકાઈ અને કઠોળના પાકની નવી નવી જાતના બીજ તૈયાર કરીને ખેડૂતોને આપે છે. એ બીજના વાવેતરથી ખેત પેદાશમાં ધરખમ વધારો થઈ શકે છે. છેલ્લા ઘણા વરસોથી વિઠ્ઠલદાદા કૃષિના આ પ્રયોગો પાછળ રાતદિન મથે છે. એમાં એ સફળ થયા છે. એમણે એમની એ કૃષિ વિજ્ઞાન લેબોરેટરીનું તમામ કામકાજ મને સોંપવાની વાત કહી છે.”
રમેશ પટેલ કહે, “એમના કૃષિ વિષયના પ્રયોગોની વિગત મેં છાપામાં વાંચી છે. ત્યાં બોલાવીને પ્રયોગશાળાનો કારોબાર તને સોંપે તો તારા માટે એ સારો ચાન્સ છે. આજના જમાનામાં ભણ્યા પછીથી નોકરી મળતી નથી. કદાચ મળે તો એ નોકરી દાતા ઓછો પગાર આપીને વધારે કસ ખેંચે છે. મારું માન તો તારા દાદાની એ ઓફરને ઠુકરાવવા જેવી નથી.”
વચ્ચે મધુ બોલી, “તમે આગળ-પાછળનો કોઈ વિચાર કરતા જ નથી. સુમન હજી છોકરું છે. એ ભોળો છે તેથી એ લોકોની વાતની અંદાજ એને ન હોય. એણે લાલચ આપીને ત્યાં બોલાવે છે. એનો મતલબ મા-દીકરાને વિખૂટાં પાડવાની એમની મેલી રમત છે. આપણે સુમનને મોટો કર્યો, ભણાવ્યો, ને એ ત્યાં જઈને રહે, એટલે આપણું કર્યું કરાવ્યું એ બધું પાણીમાં. એમની સોનાની લંકા આપણા માટે તો રાવણની માયાવી નગરી છે. સુમનને ત્યાં મોકલવાનું ગાંડપણ આપણાથી ન થાય.”
જયા બેઠી બેઠી એની માની વાત સાંભળી રહી હતી. એ કહે, “તું અને પપ્પા બંને પાણી પહેલાં મોજડાં ઊતારવા મંડ્યા છો. હજી સુમનનું પરિણામ તો આવવા દો.”
સુમન જુદા જુદા અભિપ્રાય શાંત ચિતે સાંભળતો હતો.
જેઠ મહિનાની ગરમીથી લોકો ત્રસ્ત હતા. પંખીઓ ઝાડની શીળી છાયાના આશારે લપાઈને હાંફતાં હતાં. એવા તાપમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ પરિણામ લેવા દોડાદોડી કરતા હતા. સુમનના હાથમાં પરિણામ આવ્યું. પંચોતેર ટકા મેળવીને એ ઉત્તીર્ણ થયો હતો. ખુશ થતો એ ઘરે આવ્યો. એની મમ્મી અને નાના-નાની રાજી થયાં. રમેશ પટેલે પેંડા વહેંચ્યા. સુમને પોસ્ટકાર્ડ લખીને એના પપ્પા અને દાદાને પરિણામની જાણ કરી. એણે સામેથી અભિનંદન આપતો પત્ર મળ્યો. એમાં લખ્યું હતું,
ચિ. સુમન,
તારો પત્ર મળ્યો, તું પંચોતેર ટકાથી ઉત્તીર્ણ થયો એ તારી મોટી સિદ્ધિ છે. અમને ખુબ આનંદ થયો છે. તને ખુબ ખુબ અભિનંદન. અહીં કૃષિ વિજ્ઞાન લેબોરેટરી તારી પ્રતીક્ષા કરે છે. તું અહીં આવીને પ્રયોગની કામગરીમાં જોડાઈ જા એવી અપેક્ષા છે.
લિ. તારા પપ્પા સુરેશભાઈ
અને દાદા વિઠ્ઠલભાઈના શુભાશિષ
સુમને એની મમ્મીને પત્ર આપ્યો. જયાએ પત્ર વાંચીને કહ્યું, “સુમુ, દરેક માણસને પોતાનું સ્વમાન હોય છે. આપણે આપણા સ્વમાનનો વિચાર કરવો જોઈએ. તું ત્યાં જઈને રહે એટલે તારી પાસે મારે આવવું પડે. તને કામ આપીને ત્યાં રાખે એ એમના તરફથી સપાડું બને છે. એમના એ ઉપકારનો સ્વીકાર કરવો એ આપણી હિણપત અને નાલેશી બને છે. મેં આખી જિંદગી અહીં મારા મા-બાપને ઘરે રહીને વિતાવી તને મોટો કર્યો, ભણાવ્યો. હવે એમની સાડાબાર શા માટે રાખવી ? હું જે ખુમારીથી અહીં રહી છું. એજ રીતે હવેની જિંદગી હું પુરી કરીશ. તું ત્યાં જઈને રહે એ મને બિલકુલ પસંદ નથી.”
જયાની વાત સાંભળીને સુમન કહે, “દાદાએ મને કીધું છે, ગઈ ગુજરી ભૂલીને તારી સાથે તારી મમ્મી અહીં આવીને રહે તો અમને કોઈ વાંધો નથી.” સુમન આગળ બોલ્યો, “મમ્મી, પાછળનું જે કંઈ બની ગયું એણે ભૂલી જવામાં હું માનું છું. તારે ત્યાં ન આવવું હોય તો ન આવતી. તું દેવપરામાં સર્વિસ કર્યા કર. હું ત્યાં જઈને મારી કારકિર્દી શરૂ કરું એ માટે તું હા પાડે દે.”
“મેં તને વિગતે વાત કરી છે. તું ત્યાં જઈને કામ કરે એ મને મંજૂર નથી.”
“તું રાજીખુશીથી મને ત્યાં મોકલ એવું હું ઈચ્છું છું.”
જયા કહે, “હું તને ત્યાં જવાની છૂટ આપું એનો મતલબ મેં એમની શરણાગતિ સ્વીકારી લીધી છે.”
“મમ્મી, તું તારો જ વિચાર કર્યા કરે છે. મારી કારકિર્દીનો વિચાર તને આવતો નથી. મારા હિતની ચિંતા તને થતી નથી. મારી કૉલેજનો ગીરીશ બી.એસસી., બી.એડ. થઈને ત્રણ વરસથી બેઠો છે. હાઈસ્કૂલમાં ટીચરની નોકરી માટે એક લાખ રૂપિયા માગે છે. એ પૈસા એની પાસે નથી. થાકીને એણે પી.ટી.સી. ની કૉલેજમાં દાખલ થવાનું ફોર્મ ભર્યું છે. મારે ટીચર થવું નથી. તું મને કોઈ જગ્યાએ ત્રણ હજાર રૂપિયાની નોકરી અપાવી દે. હું દાદા પાસે નહીં જાઉં.”
“તારા નસીબમાં હશે તો તને સારી નોકરી મળશે.”
“મમ્મી, તું મારી આગળ નસીબની વાત ના કર. હું તારી જેમ જૂનવાણી વિચારનો નથી. નસીબમાં હું માનતો નથી. સામેથી મળતી તકની અવગણના કરવી એ મુર્ખામી છે.”
મોટા અવાજે જયા બોલી, “મેં તારી પાસે આવી અપેક્ષા રાખી નહોતી. તું ત્યાં જા. ગયા પછીથી મને ક્યારેય તારું મોઢું બતાવતો નહીં. તારા બાપે મારો તિરસ્કાર કર્યો, હવે તું એની ભેગો બેસીને મારો તિરસ્કાર કર એટલે હું ઘરની કે ઘાટની ક્યાંયની ન રહું. મને લાગે છે, તું મારી વાત માનવાનો નથી. તારું ધાર્યું કરીને જ તું રહીશ.”
સુમન ઊભો થઈને ઘરની બહાર ચાલ્યો ગયો.
જયાનો અવાજ સાંભળીને એની મા મધુ દોડતી આવી. જયા સામે જોઇને એ બોલી, “સુમનને એના દાદાએ હથેળીમાં ચાંદો બતાવ્યો છે, તેથી એને ત્યાં જવું છે તો જવા દે.” પરમદા’ડે તારા બાપા સુમનને કહેતા હતા કે, “તને વિઠ્ઠલભાઈ સામેથી બોલાવીને કામ આપતા હોય તો તારે ત્યાં જવું જોઈએ. તું ત્યાં જઈને એમની સાથે રહીશ તો ભવિષ્યમાં રામપુરાની જમીનનો કાયદેસરનો વારસ તું બનીશ. કંઈ પણ મેળવવું હોય તો દીકરો થઈને મેળવી શકાય. દૂર ભાગવાથી આપણને નુકશાન છે.” મધુ આગળ બોલી, “તારા બાપાની વાતનો વિચાર કરવા જેવો છે. સુમન ત્યાં રહે તો ભવિષ્યમાં રામપુરાની જમીનનો હક્કદાર બને.”
રામપુરાની જમીનનો કાયદેસરનો વારસ સુમન બનશે એવું દિવાસ્વપ્ન જયાને દેખાયું. એ ઢીલી પડી. એણે સુમનને બોલાવ્યો ને કહ્યું, “તારી કારકિર્દી બનતી હોય તો તું વનવાસી ઉત્કર્ષ સંસ્થામાં જઈને કામ કર. તારા ઉજ્જવળ ભવિષ્ય માટે મારે તને રોકવો ઉચિત નથી.”
સુમન રાજી થયો. માત્ર બે જ દિવસમાં તૈયારી કરીને એ વનવાસી ઉત્કર્ષ સંસ્થાએ પહોંચી ગયો.