કેફિયત Madhu Rye દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભીતરમન - 41

    મેં ખૂબ જ હરખાતા મારા રૂમમાંથી સીધી બહારના ગેટ તરફ દોટ મૂકી...

  • મારા જીવનના અનુભવો - 2

    જય માતાજી હું કંઈક જાણી ગયો છું હું કંઈક જ્ઞાની પુરુષ છું બધ...

  • ખુશી

    “વિહાભાઈ ખુશીની ઉંમર તો નાની કહેવાય. તેની આગળ તો હજુ આખી જિં...

  • હમસફર - (અંતિમ ભાગ)

    બીજી તરફરુચી : ના.... બેસ્ટ ફ્રેન્ડ ક્યારેય ન લડે બંને ની ડ્...

  • ખજાનો - 43

    આપણે જોયું કે ચારેય મિત્રો રાજા સાથે કોટડીમાંથી બહાર નીકળવાન...

શ્રેણી
શેયર કરો

કેફિયત

કેફિયત

કાઝુઓ ઇશિગુરો / રાગ વિશ્વરંજની

જ્યારે નાગાસાકી શહેર ઉપર અમેરિકાએ એટમબોમ્બનો વિસ્ફોટ કર્યો ત્યારે કાઝુઓ ઇશિગુરો(Kazuo Ishiguro)ની માતા ત્યાં હતી. ઘણાં સગાંસંબંધીઓ મૃત્યુ પામ્યાં તો કેટલાંક ગંભીર રીતે ઘવાયાં પણ એની માતાનો ચમત્કારિક બચાવ થયો હતો. ૧૯૫૪માં એ જ શહેરમાં કાઝુઓનો જન્મ થયો ત્યારે પિતા ઓશનોગ્રાફર હતા. એ પાંચ વર્ષનો થયો ત્યારે પિતાને લંડનમાં નોકરી મળી અને સમસ્ત પરિવાર ઇંગ્લેન્ડ સ્થાયી થઈ ગયો. નાનપણથી જ એનો ઉછેર ઇંગ્લેન્ડમાં થયો અને ત્યાંના જીવનમાં એ ગોઠવાઈ ગયો. સ્કૂલનો અભ્યાસ પૂરો કર્યા પછી એક વર્ષ માટે અમેરિકા અને કેનેડાના પ્રવાસે નીકળી ગયો. આ રખડપટ્ટીમાં એક ડાયરી લખી પણ તે સમયે મુખ્ય ધ્યેય હતું પોપ સંગીતમાં બોબ ડાયલન જેવા ગીતકાર બનવાનો. ઇંગ્લેન્ડ પરત આવી સર્જનાત્મક લેખનનો કોર્સ કર્યો. ઓગણીસમી સદીના સાહિત્યકારોને વાંચી નવલકથાઓ લખવાની પ્રેરણા મળી. ત્યાં સુધી એણે ટૂંકી વાર્તાઓ અને ગીતો ઉપર જ હાથ અજમાવ્યો હતો. પોતે કબૂલ કરે છે કે શરૂઆતની વાર્તાઓની શૈલી પણ ગીતો જેવી કાવ્યાત્મક છે.

***

પ્રથમ બે નવલકથાઓમાં જાપાનની પૃષ્ઠભૂમિ છે જે દેશના જીવનનો એને કોઈ જ પ્રત્યક્ષ અનુભવ થયો નહોતો. દાદા જાપાની સાહિત્યનાં પુસ્તકો મોકલતા અને ઘરમાં બોલાતી જાપાની ભાષા સિવાય બીજો કોઈ જ સંપર્ક નહોતો. ૨૮ વર્ષની ઉંમરે એણે બ્રિટિશ નાગરિકતા સ્વીકારી અને પોપ સંગીતની દુનિયાથી વિદાય લઈ સાહિત્યના ક્ષેત્રમાં પ્રવેશ કર્યો. “એન આર્ટિસ્ટ ઓફ ધ ફ્લોટિંગ વર્લ્ડ” નવલકથાએ કાઝુઓને પ્રસિદ્ધ અપાવી. ૧૯૮૯માં એની કૃતિ “રિમેન્સ ઓફ ધ ડે”ને બુકર પારિતોષિક મળ્યું અને એના ઉપર બનેલી ફિલ્મ પણ સફળ થઈ. અન્ય જાણીતી કૃતિઓ છે — “વ્હેન વી વેર ઓરફન્સ”, “નેવર લેટ મી ગો”, “ધ બેરિડ જાયન્ટ” વગેરે. વાર્તા અને નવલકથા ઉપરાંત એણે પટકથા, સાયન્સ ફિક્શન અને ફેન્ટસી — આ બધાં જ ક્ષેત્રમાં સર્જન કર્યું છે. એની નવલકથાઓ પ્રથમ પુરુષ એકવચનમાં વધારે લખાઈ છે. પાંત્રીસ વર્ષની ઉંમરે એ પહેલી વાર જન્મભૂમિ જાપાન ગયો હતો. એ પોતાને મિશ્રિત સંસ્કૃતિનો લેખક કહે છે, તેમ છતાં એને એ વાતનો આનંદ છે કે જાપાની વાચકો એને પોતાનો માને છે.

એણે આપેલી મુલાકાતોમાં દર્શાવાયેલા થોડા વિચારો જોઈએૹ

આજે હું ફુલટાઇમ લેખક છું અને સવારે દસથી સાંજે છ વાગ્યા સુધી લખું છું. ઘરમાં જ રહીને લખતો હોવાથી પરિવાર સાથે નિકટતા રહે છે. પ્રથમ ડ્રાફ્ટ હંમેશ હાથથી લખી એને મઠાર્યા પછી જ ટાઇપ કરું છું. મારી કૃતિઓનાં શીર્ષક નક્કી કરતાં પહેલાં એવી જ કાળજી રાખું છું જેવી બાળકનું નામ પાડતાં પહેલાં રાખવી પડે છે. મારું પ્રથમ નાટક સ્વીકારાયું નહોતું અને ગીતકાર તરીકે પણ સફળતા મળી નહીં. છેવટે નવલકથાઓથી જ પ્રસિદ્ધિ મળી છે. મને ડિટેક્ટિવ વાર્તાઓ અને રોક સંગીત ગમે છે. દોસ્તોયવ્સ્કી મારા પ્રિય લેખક છે. ઓગણીસમી સદીની નવલકથાઓ વાંચ્યા પછી પ્લોટનું મહત્ત્વ સમજ્યો છું. મને કાંઈ ખાસ સમયગાળા વિશે લખવું ગમે છે અને તેના વિશે સંશોધન કરવામાં આનંદ આવે છે.

વ્યક્તિની યાદદાસ્ત અને સમાજની યાદદાસ્તમાં રહેલો તફાવત મને હંમેશ રહસ્યમય લાગ્યો છે. મોટા પાયા પર થયેલા માનવસંહારને પણ સમાજ સહેલાઈથી ભુલાવી દે છે જે મને સમજાતું નથી. આજે હું વિવિધ દેશોના વાચકોની લાગણીઓને ધ્યાનમાં રાખીને લખું છું. સ્વપ્ન કે ફેન્ટસીની ભાષાને કાંઈ સીમાઓ નડતી નથી માટે એ મને સુરક્ષિત લાગે છે. મારી કૃતિઓનો જ્યારે અનુવાદ થાય છે ત્યારે એક જ આશા રાખું છું કે મારા શબ્દોના અર્થ જળવાઈ રહે. નવલકથા ઉપરથી ફિલ્મ બને ત્યારે એની સરખામણી કરવી વાજબી નથી. ફિલ્મને હું ફિલ્મ તરીકે જ જોઉં છું, કારણ કે બંને માધ્યમો જુદાં છે. હું માનું છું કે નવલકથામાં કંઈક એવું હોવું જોઈએ જેને ફિલ્મમાં ન દર્શાવી શકાય. નવલકથા વાંચવાનો અનુભવ જુદો હોવો જોઈએ. સાહિત્યના સ્તર અને પુસ્તકોના વેચાણને કોઈ જ સંબંધ નથી. નોબેલ વિજેતા લેખકોનાં પુસ્તકો પણ ઘણી વાર નથી વેચાતાં.

એનાં લખાણોમાંથી ટાંકવામાં આવતાં અમુક અવતરણો જોઈએૹ

યાદ અેક એવું ફિલ્ટર છે જેના દ્વારા જીવનના અનુભવોને સ્પષ્ટ જોઈ શકાય છે. બાળકોને આપણે હંમેશ દુનિયાનું અેક સારું સ્વપ્ન બતાવતા હોઈએ છીએ. એમને કડવી વાસ્તવિકતાનો ક્યારે અનુભવ કરાવવો એ એક દુવિધા હોય છે. હું કદાચ જુદા પ્રકારનું જીવન જીવી શક્યો હોત પણ હવે જે મળ્યું છે તેનાથી ટેવાઈ જવું પડશે. મને આશ્ચર્ય થાય છે કે લોકો નસીબને કેટલી સહજતાથી સ્વીકારી લેતા હોય છે. જે લેખક અેક નવી દુનિયા ઊભી કરે છે તે મને ગમે છે અને માટે જ ફેન્ટસીનું આકર્ષણ છે. જાણે પોતે એક ‘પર્ફોર્મિંગ આર્ટિસ્ટ’ હોય તે રીતે આજે લેખકો પુસ્તકોનાં વિમોચન અને સમારંભોમાં વ્યસ્ત થઈ ગયા છે. મને સંધ્યા હંમેશ ગમે છે. આ એ સમય છે જ્યારે તમે દિવસભરના કામથી પરવારી ચૂક્યા હો. મારા બાળપણનું ઇંગ્લેન્ડ શુદ્ધ બ્રિટિશ હતું જે આજે બહારના લોકો આવવાથી ઘણું બદલાઈ ગયું છે.

ઇંગ્લેન્ડમાં જ ઊછરેલો કાઝુઓ ઇશિગુરો આજે પૂર્વ અને પશ્ચિમ બંને સંસ્કૃતિઓનો પ્રતિનિધિ બની શક્યો છે.