Pincode - 101 - 35 books and stories free download online pdf in Gujarati

પિન કોડ - 101 - 35

પિન કોડ - 101

પ્રકરણ-35

આશુ પટેલ

સલીમ, ‘હું થોડી વારમાં જ એ હોટેલમાં પહોચું છું. ત્યાં સુધીમાં કદાચ તે છોકરી ઓમરને મળવા જવા માટે હોટેલની બહાર નીકળે તો તારે એક જોખમ ઉઠાવવું પડશે. તારો વાળ પણ વાંકો નહીં થવા દઉં એ ભરોસો રાખજે. તે કહ્યું છે એમ તે છોકરી તારા કોલને કારણે ગભરાઇ ગઇ છે એટલે કદાચ ઓમરને મળવા નહીં જ જાય, પણ છતાં તે હોટેલ બહાર નીકળે તો તરત જ તેને રોકીને કહેજે કે મેં જ તમને કોલ કર્યો હતો. અને એ કોલ કરવા માટે મને ઇન્સ્પેક્ટર વાઘમારેએ કહ્યું હતું. તેઓ તમને મળવા આવી રહ્યા છે અને તેઓ તમને મળીને બધુ સમજાવશે. હું થોડી વારમાં જ ત્યાં પહોચું છું...’ વાઘમારે ઓમરના માણસ એવા પોતાના ખબરીને સૂચના આપી રહ્યા હતા.
થોડી વાર પહેલા જ ડીસીપી સાવંતે વાઘમારેને કહ્યું હતું કે પેલી છોકરી ઓમરની ઓફિસમાં નહીં જાય તો ઓમર ચેતી જશે. એટલે તમે તે છોકરી જ્યાં ઊતરી છે એ હોટેલમાં જઈને તેને મળો અને તમારી સાચી ઓળખ આપીને તેને કહો કે મેં જ તમને એવો કોલ કરાવ્યો હતો કે તમે ઓમરની ઓફિસમાં ન જતા. એ છોકરી ઓમરની સાથે મળેલી હશે તો પોલીસના નામથી ચોંકી જશે અને જો તે ‘ક્લીન’ હશે તો સહકાર આપવા તૈયાર થઈ જશે. એ સ્થિતિમાં તેને કહો કે તે ઓમરને કોલ કરીને કોઈ બહાનું કાઢીને કહી દે કે મને આવતા મોડું થશે. એ છોકરીને મળીને એકવાર સમજી લો કે તે ઓમર હાશમી સાથે કઈ રીતે સંકળાયેલી છે. જો તે ક્લીન હોય તો તેને ઓમરની ઓફિસમાં જવા કહો અને તેને વિશ્ર્વાસ અપાવો કે અમે તેને કઈ નહીં થવા દઈએ. આપણાં માણસોને ઓમરની ઓફિસ આજુ-બાજુ ગોઠવી રાખો. એ છોકરી તેને મળે પછી શું થાય છે એ જુઓ. અને કશું ન થાય તો ઓમર હાશમીને ઈન્ટરોગેશન માટે ઊંચકી લો અને તેની પાસેથી બધી માહિતી ઓકાવો.
વાઘમારે સલીમ સાથે વાત કરી રહ્યા હતા એ દરમિયાન જ તેમના મોબાઇલ ફોન પર ડીસીપી સાવંતનો કોલ આવ્યો. વાઘમારેએ સલીમનો કોલ પડતો મૂકીને તરત જ એ કોલ રિસિવ કરતા કહ્યું: ‘સર.’
વાઘમારે, તમે પેલી છોકરી પાસે પહોચ્યા?’ ડીસીપી સાવંતે પૂછ્યું. તેમનો અવાજ તનાવભર્યો હતો.
‘બસ સર થોડી મિનિટમાં જ પહોચું છું. હું ‘ધ ક્લબ’ પાસે પહોંચી ગયો છું, પણ થોડો ટ્રાફિક છે એટલે...’
‘વાઘમારે, તમારો ખબરી સાચો નીકળ્યો. કોઇ બહુ મોટી ગરબડ છે. સેંટ્રલ આઇ.બી. તરફથી ચોંકાવનારા ઇનપુટ્સ મળ્યા છે...’
* * *
નતાશાને કેટલીક વ્યક્તિઓ સાથે હોટેલમાંથી બહાર નીકળીને એક એમ્બ્યુલંસમાં બેસતી જોઇને સલીમ અને મોહસીન ગૂંચવાઇ ગયા. બન્ને થોડા ફૂટના અંતરે ઊભા હતા.
સલીમે તરત જ સિનિયર ઇન્સ્પેક્ટર વાઘમરેનો મોબાઇલ નંબર લગાવ્યો, પણ તેમનો નંબર બિઝી છે એવો રેકોર્ડેડ મેસેજ તેને સંભળાયો. વાઘમારેએ તેની સાથે વાત કરતા કરતા બીજા કોઇનો કોલ રિસિવ કરી લીધો હતો એ પછી તેમનો નમ્બર બિઝી જ હતો. સલીમે ફરી વાર કોશિશ કરી જોઇ, પણ તેને પેલો રેકોર્ડેડ મેસેજ જ સંભળાયો.
એ જ વખતે તેણે જોયુ કે મોહસીને તેની મોટરબાઇક પર પેલી એમ્બ્યુલંસનો પીછો કરવો શરૂ કરી દીધો છે.
* * *
‘ભાઈ, પેલી છોકરી કેટલાક માણસો સાથે એમ્બ્યુલંસમાં નીકળી છે. હું બાઇક પર તેમની પાછળ જાઉં છું.’ મોહસીન ઓમરને સેલફોન પર કહી રહ્યો હતો.
‘શું? ઓમરના અવાજમાં આશ્ર્ચર્યનો આંચકો હતો અને એમાં બીજી જ સેકંડે એમાં ચિંતા પણ ભળી ગઇ: કઇ બાજુ ગઇ એ...’
ઓમર વાક્ય પૂરું કરે એ પહેલા અચાનક કોલ ડિસ્કનેક્ટ થઇ ગયો.
મોહસીને ફરી વાર ઓમરનો કોલ લગાવ્યો. સામા છેડેથી સંભળાયું કે આ નંબરનો અત્યારે સંપર્ક થઇ શકે એમ નથી, થોડી વાર પછી સંપર્ક કરવાની કોશિશ કરો.
* * *
ઓમર તેના માણસ મોહ્સીન સાથે ફોન પર વાત કરી રહ્યો હતો ત્યારે જ પાંચ જણ તેની ઓફિસમાં વાવાઝોડાંની જેમ ધસી આવ્યા. મોહસીનના કોલને કારણે ગૂંચવાઇ ગયેલો ઓમર કઇ સમજે એ પહેલા તો એમાંના એક માણસે તેના હાથમાંથી મોબાઇલ ફોન આંચકી લીધો અને ડિસ્કનેક્ટ કરી નાખ્યો.
ડઘાઇ ગયેલો ઓમર કશું બોલી શકે એ પહેલા એક પડછંદ માણસે તેને બોચીએથી પક્ડ્યો અને બીજા માણસે તેનું બાવડું પકડીને તેને ઊંચો કર્યો. પેલા પડછંદ માણસે તેને કહ્યું: ‘ક્રાઇમ બ્રાંચ. *%... *%... તેરા ખેલ ખતમ હો ગયા!’
* * *
‘ભાઇ, કેટલાક માણસો ઓમરની ઓફિસમાં ગયા છે. પાંચ-છ જણા છે.’ અંડરવર્લ્ડ ડોન ઇકબાલ કાણિયાએ ઓમર પર નજર રાખવા મૂકેલા બે માણસો પૈકી યાકુબ કાણિયાને ફોન પર કહી રહ્યો હતો.
‘પાકી ખબર છે કે એ બધા ઓમરની ઓફિસમાં જ ગયા છે?’ કાણિયાએ પૂછ્યું.
‘જી ભાઇ, મે તેમને ઓમરની ઓફિસમાં જતા જોયા એટલે જ તમને તરત કોલ લગાવ્યો.’
‘તું મને કહેતો રહેજે કે આગળ શું થાય છે. અને મારો નંબર બિઝી આવે તો અય્યાઝનો નંબર લગાવજે. તે મારી બાજુમા જ છે.’
‘જી ભાઇ.’ યાકુબે કહ્યું એટલે કાણિયાએ કોલ ડિસ્કનેક્ટ કર્યો.
એ જ વખતે યાકુબે જે દૃશ્ય જોયું એના કારણે તે થોડી ક્ષણો માટે જાણે થીજી ગયો.
* * *
‘કોઈ ગ્રાહક સહેજ પણ શંકાસ્પદ લાગે તો મને પૂછ્યા વિના રૂમ ના આપતા. ‘અંધેરીની ગ્રેસ રેસિડેન્સી’ હોટેલનો માલિક રીસેપ્શન એરિયામાં તેના કર્મચારીઓને ખખડાવી રહ્યો હતો: ‘આ છોકરી ભળતાં જ નામના ડોક્યુમેન્ટ્સ સાથે આપણી હોટેલમાં ઊતરી અને તમને શંકા પણ ન ગઈ? અને આખી રાત કોઇ છોકરો પણ તેના રૂમમાં હતો! હું તમારા ભરોસે રહીશ તો તમે એક દિવસ મારી હોટેલને તાળા મરાવી દેશો!’
‘સોરી સર. તેણે બતાવેલો પાસપોર્ટ એકદમ ઓરિજિનલ જેવો હતો અને પાસપોર્ટમાં તેનું નામ નતાશા નાણાવટી લખ્યું હતું. એ છોકરી અગાઉ પણ આપણે ત્યાં એ જ નામથી રોકાઈ હતી એવું મેં કોમ્પ્યુટર પર રેકોર્ડમાં જોયું હતું એટલે...’ રિસેપ્શન કાઉન્ટર પર ઊભેલા કર્મચારીઓમાંથી એક છોકરીએ બચાવ કરતા કહ્યું.
‘મારે કોઈ દલીલ નથી સાંભળવી.’ હોટેલ માલિકે ઊંચા અવાજે કહ્યું અને પછી અત્યંત અકળાયેલા અવાજે તેણે ઉમેર્યું: ‘સાંભળ્યું નહી, પેલા ઇન્સ્પેક્ટરે શુ ંકહ્યું? એ છોકરી મલ્ટિપલ પર્સનેલિટી ડિસઓર્ડરની દર્દી છે અને તેનું સાચું નામ મોહિની મેનન છે. તે બધે પોતાની ઓળખ નતાશા નાણાવટી તરીકે આપતી ફરે છે. તેનો પાસપોર્ટ પણ નકલી છે. પોલીસવાળાઓએ મને તેનો અસલી પાસપોર્ટ બતાવ્યો. એ તો સારું થયું કે પોલીસ ઇન્સ્પેક્ટર સારો હતો. નહીં તો લાખ-બે લાખની અડી જાત! પોલીસના ચક્કરથી મારે સો માઈલ દૂર રહેવું છે...’
એ હજી બોલી રહ્યો હતો ત્યાં ત્રણ-ચાર જણ હોટેલના મુખ્ય દરવાજેથી તેના તરફ ધસી આવ્યા. એમા સૌથી આગળના માણસને જોઈને હોટેલ માલિક ધ્રૂજી ગયો.

(ક્રમશ:)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED