મોરલી કરે છે સાદ... Sultan Singh દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મોરલી કરે છે સાદ...

મુરલી કરે છે સાદ...

લહેરાતા શીતળ પવનના હલેશા આજે યમુનાના જળને જેમ સુતેલા બાળકને એની માતા હાલરડું ગાઈને પછી પોતાના ખોળામાં જ ઝૂલાવતી હોય એમ ઝુલાવી રહ્યા હતા. સમયની ગતિ પણ આજે અટકીને મંદ પડી ગઈ હોય એમ સ્થિર હતી, અને યમુના નદીના નીર શરદપૂનના દિવસે ગરબે ગુમતી બાળાઓ ની જેમ એ જ તાલે ગુમતા આજે આનંદિત જણાતા હતા. આજે તો ગોકુળના વાતાવરણમાં માત્ર અને માત્ર પ્રીતના સંગીતનો કલરવ ગુંજતો સંભળાઈ રહ્યો હતો. કદાચ સમય અને પવન બંને આજે યમુના કાંઠે બેઠેલા એ યુગલ તરફ આશ્ચર્ય ભાવે જોઈ એક નજર માણી રહ્યા હતા. બ્રહ્મા પણ પોતે જાણે વિચારોમાં અટવાઈને બેસી ગયા હતા અને સમજી શકવા પ્રયત્ન કરતા હતા કે આગળનું ચિત્ર કયું હશે. કારણ કે એમની આંખો સામે આજે તો સ્વયં સૃષ્ટિનો આધાર સમો પ્રેમ યમુનાના નીરમાં પોતાના ચરણોને ભીંજવી રહ્યો હતો. કદાચ યમુનાના નીર પણ આજે પોતાનું અવતરણ ધન્ય ગણી રહ્યાની લાગણીઓ અનુભવતા હતા. આજે અલગ જ રૂપે સૃષ્ટિ રંગાઈ હતી અને પ્રકૃતિ પણ આજે મુક્ત બનીને મન મુકી આનંદ ઉત્સવોમાં રાચતી હતી. ચારે તરફ એક મોહિત કરી દેતું મધુર સંગીત રેલાતુ અનુભવાતું રહ્યું હતું. જાણે પ્રેમની વસંત ખીલી ઉઠી હોય એવું મોહકદ્રશ્ય સર્જાયું હતું જ્યાં વૃક્ષો પર કોયલના મીઠા ટહુકાઓ, મોરલાના અવાજો, પંખીઓનો કલરવ અને ખળખળ વહેતા પાણીના આવજો સંભળાતા હતા.

કાનાના સાથને માણતી રાધાના મનમાં હજુ સુધી કાલનો આ દિવસ અને સમય જાણે તાદ્રશ્ય આંખો સામે સરતો જતો જોઈ શકાતો હતો. રાધા કાલે પણ આ જ સમયે ગામના પનઘટ પર પાણી ભરવા જયારે આવી હતી ત્યારે પણ એ કોઈક ગહન વિચારોમાં મગ્ન હતી. એની ત્રણેય સખીઓ પણ ત્યારે એની સાથે જ હતી. એ ત્રણેય રાધાની ખોવાયેલી આભાને સમજી ચુકી હતી એટલે જ સુનીતાએ એને ખભે હળવો સ્પર્શ કરતા કહ્યું. ‘રાધા ક્યાંક તને કાનાની યાદ તો નથી આવતી ને...?’ કાનાનું નામ સાંભળી રાધા હજુ તો શરમાય ત્યાજ બીજીએ વાતનું સુકાન સાંભળી લીધું હોય એમ બોલી ‘એવું નથી આ તો બસ અમસ્થા જ દિલમાં પ્રીતમને જોવાની ઝંખનાઓ ઝાગી રહી છે હે ને રાધા...?’ બંને જણી આમ કહીને પછી એક બીજા સામે જોઈ ખડખડાટ હસવા લાગી હતી. રાધા પાસે પણ અત્યારે એમને કહેવા માટે કોઈ શબ્દો જ ના હતા. એ જ્યારે પણ યમુનાના ખળખળ વહેતા નીર જોતી ત્યારે રાધાને યમુના કાંઠે વિતાવેલી પળો, એ આડછે બેઠેલો કાનો અને મોરલીના એ હદય સ્પર્શી સુરોની યાદો તાજી થઇ જતી હતી. એના કાનમાં કાલે પણ આજની જેમ જ જાણે મોરલીના કર્ણપ્રિય સુરો છેક અંતરના ઊંડાણ સુધી પડઘાતા અનુભવાઈ રહ્યા હતા. એણે હવામાં જ જાણે કાનાને સાક્ષાત જોઈ લીધો હોય એમ એ એક નજરે એ મુખાકૃતિને નિહાળી રહી હતી. ત્યારે પણ નીતાએ એને હાથથી પકડીને વાસ્તવિકતામાં લાવી દીધી. એ કદાચ રાધાને વધુ સમજી શકતી હતી એટલે એણે પેલી બંને સખીઓ પાણી ભરીને પાછી ફરે અને ફરી એની હસી ઉડાવે એ પહેલા જ પૂછ્યું ‘સાચે સાચું કહેજે રાધા તું ક્યારની કાનાને જ યાદ કરે છે, અને એનાજ વિચારોમાં ખોવાયેલી છે ને...?’ રાધા મૌન બનીને નિતાની સામે જોઈ રહી હતી. રાધાના આ મૌનને જાણે નીતા પામી ગઈ હોય એમ બોલી ‘તને ખબર છે રાધા કાલે ગામના વડીલો પંચાયતના કામે ગોકુળ જવાના છે. અને એમાં તારા પિતાતો ત્યાં નક્કી જશે જ...’ નીતાએ વાત અધુરી છોડી કદાચ એને લાગ્યું રાધા એનો મર્મ સમજી ગઈ હશે. પણ રાધાના ચહેરા પર વ્યાપેલું આશ્ચર્ય એ દર્શાવતું હતું કે ક્યાંક સમજવામાં ભૂલ છે, એટલે એણે ફરી વાતનો દોર સાધ્યો. ‘જો પેલી બંને પાણી ભરીને પાછી ફરે એ પહેલા સાંભળી લે કાલે જ્યારે ગામના મુખિયા તારા પિતા અને બધા ગ્વાલાઓ ગોકુળ જવા તૈયાર થાય ત્યારે જ તું પણ હઠ પકડી લેજે ગોકુળ ફરવાની. મને ખબર છે તારા અબ્બા જરૂર માનશે અને તને પણ સાથે લઇ જશે. એટલે ત્યાં તો તારો પ્રિયતમ કાનો પણ તને મળી જ જશે.’ આટલું સાંભળીને રાધા રીત સર ઉછળી પડી હતી. એના ચહેરા પર આખોય પ્રસંગ અત્યારે અફળાતી હવા સાથે ભમી રહ્યો હતો. એણે બધું યાદ કરતા કરતા ફરી કાનાના હાથને સહેજ મજબૂતાઈ પૂર્વક જકડી લીધો હતો.

જ્યારથી આવી ત્યારથી કાનો અને રાધા બસ મૌન વ્રત ધરીને બેસી ગયા હોય એમ બેસી રહ્યા હતા. એમની વાતો હમેશની જેમ આંખો દ્વારા અને દિલના સંવેદનો દ્વારા જ થતી હતી. બંને શાંત બેઠેલા જીવો એકમેકના સ્પર્શને માણતા ભૂતકાળના દિવસો અને મુલાકાતોને વાગોળી રહ્યા હતા. એક તરફ રાધા પોતાના પ્રિયતમની મોરલીના સુરે થનગનાટ કરતી નજરે પડતી હતી તો બીજી તરફ રાધાના વસ્ત્રો પહેરીને બાગમાં રાધાની વેશભૂષા ભજવતો કાનો એકલા એકલા મુસ્કુરાઈ રહ્યો હતો. આ યાદોની દુનિયા વાસ્તવિક દુનિયાના સાથ અને અહેસાસને આભારી હતી. રાધા અને કાનો એકમેકની આંખોમાં આખો પરોવીને ક્યારના બેઠા હતા. ઘણી વાર એમને સાવ મૌન અને ખોવાયેલ બેઠેલા જોઇને કદાચ પ્રકૃતિ પણ પળવાર માટે તો એકાકાર જ થઇ જતી હશે. રાધા અને કૃષ્ણ કદાચ આજની ભાષામાં બે જિસ્મ એક જાન સમાન હતા. બેઠા ત્યારથી હજુય બંનેના હાથ એકમેકના સપર્શને માણતા હતા એમના ચરણો એકમેકને સપર્શીને યમુના ના જળને જાણે પ્રીતનો રસાસ્વાદ કરાવી રહ્યા હતા. યમુના એમના ચરણોને પોતાના ઉછળતા પાણી વડે પખાળી રહી હતી ત્યારે રાધાએ પોતાના માથાને કાન્હાના ખભે ઢાળી દીધું હતું. રાધા પાછલા લાંબા સમયથી માં અને બાબાને સખીઓ સાથે ગોકુલ ફરવાનું બહાનું કાઢીને અહીં આવીને કાના પાસે બેસી ગઈ હતી. રાધાના માં અને અબ્બાતો પંચાયતના કામથી જ ગોકુળમાં આવ્યા હતા. અને રાધા માત્ર કાનાને મળવા જ આવી હતી. ચોરી છુપે મળવા આવ્યા હોવા છતાં હમેશની જેમ આજે પણ રાધા અને કાનાને મૌન પ્રેમાલાપમાં સમયનું ભાન રહ્યું જ નાં હતું.

‘રાધા... અરે ઓ રાધા... તારી માં ક્યારની તને શોધે છે હવે ચાલ, કદાચ મૈયા પણ આ તરફ જ આવી રહ્યા છે’ લગભગ આ દશમી વાર એણે બુમ મારી હતી જેમાંથી પ્રથમ અવાજ રાધાના કાને અથડાયો હતો. ઓચિંતા આવેલા અવાજથી રાધા વાસ્તવિકતામાં આવી ગઈ હતી. કાન્હાના ચહેરા પર હરહમેશ જેવું જ મોહિની સ્મિત વહી રહ્યું હતું. એ પાછળથી આવેલો આવાજ એની સખીઓનો હતો જે પાછળથી એને બોલાવી રહી હતી. બીચારી સખીઓને હાલ જ આવું એમ કહીને રાધાએ કોઈ આવીના જાય એનું ધ્યાન રાખવા માટે ઉભી રાખી હતી. છતાય પોતે એમણે આપેલા શબ્દો અને વચન વાયદા ભૂલી ને પ્રેમના રસાસ્વાદમાં લીન થઇ ગઈ હતી.

રાધા અવાજો સાંભળ્યા પછી તરત જ કઈ પણ જાણ્યા કે જોયા વગર કાનાના આલિંગનમાંથી છૂટી ઉઠીને આવતા અવાજની દિશામાં ચાલવા લાગી.

‘રાધા, શું થયું તને...?’ કાનાએ એજ મોહિની સ્મિત સાથે પૂછ્યું હતું. કેટલું ગુઢ હતું એ સ્મિત પોતે બધુંજ જાણતો હોવા છતાં એ રાધાના મુખે જ સંભાળવા માંગતો હોય એમ સામાન્ય વ્યક્તિની જેમ એણે રાધાને આ સવાલ કર્યો હતો. અને એટલી જ સહજ નિખાલસતાથી એણે રાધા તરફ નજર ટકાવી દીધી હતી.

‘મારે જવું પડશે...’ રાધા એ સહેજ ચાલતી વખતે અટકી સ્થિર થઈને કહ્યું.

‘પણ કેમ?’ આ સવાલ કાનાનો ભલે ન હતો પણ એની આંખોનો ભાવ રાધા સમક્ષ આ જ પ્રશ્ન રજુ કરી રહ્યો હતો.

‘મારે જવું પડશે કાના, સમજ... નહીં તો મૈયા હમણા જ મને શોધતા શોધતા અહિયાં આવી જશે. કદાચ બાબાનું કામ પણ હવે તો પતી ગયું હશે અને હવે એ પણ તૈયાર હશે જવા માટે.’

‘ભલે તારે જવું હોય તો હું નથી રોકતો તને, પણ એક વાત કેતી જા કે તું કાલે તો ફરી મળવા આવીશ ને રાધા.’

‘ના, મારાથી કાલે તો નહિ આવી શકાય.’

‘પણ કેમ?’

‘તું જ કહે જોઉં રોજ રોજ છેક બાજુના ગામેથી ગોકુળમાં કેવી રીતે આવું. અને મૈયા પૂછે તો શું કહીને આવું? આજે પણ તને મળવા કેટ કેટલા બહાના બનાવવા પડ્યા હતા એટલે જ તો બાબા સાથે આવી શકાયું છે. એ પણ એમને પંચાયતનું કઈક કામ હતું એટલે હુય ગોકુલ ફરવાના બહાને આવી ગઈ. અને મારી સાથે મૈયા પણ આવી ગયા. પણ કાના જરીક તો વિચાર કે હું કાલે તો કયા બહાને આવું?’ રાધાએ પૂરી રજૂઆત કરી. અને કાનાની આંખોમાં જોઈ રહી એ પારદર્શક આંખોમાં કાનો કઈક અદભુત તથ્ય જોઈ રહ્યો હતો.

‘તો કાલે હું આવી જઈશ તારા ગામે યમુનાના સામે કાંઠે અને પછી ત્યાં પહોચીને મોરલી વગાડીશ એટલે તું સમજી જઈશ કે હું યમુના કાંઠે તારી રાહ જોઈ રહ્યો છું.’ કાનાએ રાધાની સામે સ્મિત વેરતા કહ્યું.

‘ના... ના... કાના તું ન તો મારા ગામ આવજે કે નાં ત્યાં આવીને મોરલી વગાડજે...’

‘પણ, રાધા કેમ? ભલે તું મારા ગામ ના આવે, પણ કેમ હું પણ તારા ગામ ના આવું...? અને મોરલી પણ ના વગાડું?’

‘સાચું કહું તો મને નથી ખબર કે એવું શું હોઈ શકે પણ, જાણે કે તારી મોરલીના સૂરોમાં એવો કયો જાદુ છે. તને ખબર છે જ્યારે પણ તું મોરલી વગાડે છે તો આખાય ગામની ગોવાળણો જે બપોરે ઘરમાં સુતી હોય છે એ પણ તારી મોરલીના સૂરોથી જાગી જાય છે. અને જાગ્યા પછી એ બધી મુઈ પોતાના ઘરની ડેલીથી મારા ઘર તરફ ડોકિયા કાર્યા કરે છે.’ રાધા સહેજ કાનાના પાસે આવીને એને સમજાવી રહી હતી. એની આંખોમાં વેદના હતી કદાચ પોતે પણ કાનાની સાથે જ બેસી રહેવા માંગતી હતી પણ આ દુનિયાના બંધનો પોતાને એમ કરતા રોકી લેતા હતા.

‘ભલે ને જોવે...’ કાનાએ ફરી હસતા હસતા જવાબ આપ્યો.

‘શું ભલે જોવે... અને તું હશે છે?’

‘હા તો શું કરું.’

‘તને નથી ખબર એ મારા ઘર તરફ મને જોવા માટે જ ડોકિયા કરે છે. એ લોકોને તારી મોરલીના આવજો સાંભળી ને જ તારા આવવાની માહિતી મળી જાય છે, અને પછી તો હું ગમે એટલી છુપતા છુપાવતા આવું બધાને ખબર પડી જ જાય છે.’

‘હા... તો...’ કાનાએ ફરી સવાલ કર્યો.

‘પછી આખા ગામમાં એ બધી વાતો ફેલાઈ જાય છે. ઘરે ઘરે તારી અને મારી ચર્ચાઓ થાય છે. અને પછી હું જયારે શેરીમાં થઈને પાણી લેવા નીકળું ત્યારે તારા નામથી બધા મારા પર હશે છે. બધા મારી મશ્કરી કરે છે.’

‘પણ રાધા બિચારી એ બધી તો તારાથી બળે છે એટલે એવું કરે છે.’

‘એ તો હું જાણું છું કાના. પણ, તું તો એ પણ નથી જાણતો કાના કે તારા માટે આ રાધાને બધાની કેટકેટલી નિંદાઓ સહેવી પડે છે.’

‘જો રાધા નિંદાઓથી ડરીને જીવવા વાળા વ્યક્તિએ તો પ્રેમના રસ્તે ક્યારેય ચાલવું જ ન જોઈએ.’

‘તું રાધા નથી ને એટલે આવી વાતો કરે છે.’

‘હા ભલે, તો કઈ વાંધો નહીં હું આવીશ અને મોરલી વગાડીશ તું ભલે ન ઘરેથી નીકળ જે કે ન સુરોના પાછળ દોડીને આવજે.’ કાનાએ પણ હાથ પકડી લીધો હોય એમ મક્કમતા પૂર્વક જવાબ અપ્યો.

‘તને શું ખબર આ રાધાના રુદિયાની, બળ્યું તારી મોરલીના સુરો જ તો પાપી સોતન જેવા બન્યા છે કે એને સાંભળ્યા પછી મારાથી તો આવ્યા વગર રહી શકાતું પણ નથી. આ સોતનના સુરો જ તો મને જાણે બાંધી ને લઇ આવે છે. એટલે જ કહું છું કાના મહેરબાની કરીને મારી વાત માની જા. અને ના તો તું આમારા ગામ આવ કે નાં મોરલી વગાડ.’

‘તો પછી પ્રેમ કરવાનું પણ છોડી જ દે રાધા...’

‘એ પણ શક્ય નથી આ પાપી રૂદિયા માટે તો, કાના.’

‘તો પછી એ પણ શક્ય નથી મારા માટે, કે હું આવવાનું છોડી દઉં.’ કાન્હા એ રાધાના ચહેરા સામે જોઈ એની હડપચી પર આંગળીના ટેરવા અડાડયા અને કહ્યું. ‘જો રાધા મને દુનિયા કે સમાજ કોઈની નિંદા અને વાતોનો ડર નથી. હું તો માત્ર અને માત્ર પ્રેમના અંકુશમાં છું અને પ્રેમને જ હું સર્વોપરી માનું છું. એટલે તું ભલે આવીશ કે નહિ પણ મારે તો આવવું જ પડશે.’

‘અને પછી હું નહીં આવું તો...?’

‘તો હું તારા પદ ચિન્હોને જ મોરલીના સુરો સંભળાવીને પાછો આવી જઈશ.’ કાનાએ તરત જ જવાબ વાળ્યો. કાના પાસે હંમેશા શબ્દોના શસ્ત્રો હાથવગા જ હોય છે, એમ જ આજે પણ એણે એક પછી એક છોડવાનું ચાલુ રાખ્યું હતું.

‘મારા પદ ચિન્હોને...?’ રાધાના ચહેરા પર કેટલાય સવાલો ઉભરાઈ આવ્યા.

‘હા, રાધા જ્યારે દરરોજ સવારે તું સખીઓ સાથે પાણી ભરવા આવે છે. એ વખતે તમારા બધાના પદ ચિન્હો પણ ત્યાં પડેલા હોય જ છે. હું એ બધામાં તારા પદ ચિન્હોને ઓળખી શકું છું. એટલે તારા એ પદ ચિન્હોને જ પ્રેમ કરીને હું પાછો ફરી જઈશ.’

કાનાના આ શબ્દો સાંભળીને રાધાની આંખોમાં પાણી ઉભરાઈ આવ્યા હતા. પોતાના માટેનો નિસ્વાર્થ પ્રેમ રાધાને કાના સામે શરણાગત થઇ જવા માટે મજબુર કરતો હતો. રાધા ભીની આંખે કાના સામે નજર કરીને એના ચરણો પાસે બેસી ગઈ હતી. પોતાના નકાર બદલ એને પારાવાર દુઃખ અનુભવાઈ રહ્યું હતું. એક તરફ આંખોની ભીનાશ એક તરફ કાનાની પોતાને મળવા આવવાની જીદ, અને બીજી બાજુ એની સહેલીઓનો આવાજ જેમ જેમ વધુ જડપી અને ઉતાવળો બનતો જઈ રહ્યો હતો એમના કહ્યા પ્રમાણે એની મૈયા પણ જેમ જેમ નજીક આવતી જઈ રહી હતી.

‘હવે તો મને જવાની મંજૂરી આપી દે ને કાના. સાચે જ કાના મૈયા અહી આવી જશે.’ રાધાએ હવે આજીજીના સુરમાં કહ્યું.

‘પેલા કાલે ફરી મળવાનું વચન આપ.’ કાનાએ પણ આજે પોતાની હઠને જાળવી રાખી હતી.

‘મૈયા અહી આવી જશે કાના, કેમ જીદ કરે છે.’

‘ઉ...હું... મારે કોઈ બહાના નથી સાંભળવા, પેલા તું મને મળવાનું વચન આપ... બોલ હા.’

‘હા... બાબા... આવીશ બસ, હવે તો હું જાઉં ને...?’

‘મારી કસમ...?’

‘અરે હા બાબા તારી કસમ હું આવીશ બસ.’ આટલું કહીને રાધા દોડીને એની સખીઓ અને માં પાસે ચાલી ગઈ. એની માં પણ સાવ નજીકમાં આવી ગઈ હતી અને સખીઓ પણ સાથે જ હતી. રાધા અને એની સખીઓ બધાયે મળીને રાધાની મૈયાને સમજાવી પણ લીધી હતી.

~ લેખક – સુલતાન સિંહ

[આપના અમુલ્ય પ્રતિભાવો નીચેના કમેન્ટ બોક્ષમાં જરૂર આપજો...]

------------

-----[ સમાપ્ત ]-----

------------