પિન કોડ - 101 - 34 Aashu Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પિન કોડ - 101 - 34

પિન કોડ - 101

પ્રકરણ-34

આશુ પટેલ

રૂમની ડોરબેલ વાગી એટલે નતાશાને એવી આશા જાગી કે કદાચ સાહિલ આવી ગયો હશે. સાહિલ સામે આવે તો તેને વળગીને રડી લેવાની ઉત્કટ ઈચ્છા તેના મનમાં જાગી રહી હતી. વ્યક્તિ ગમે એટલું મજબૂત મનોબળ ધરાવતી હોય પણ તેના જીવનમાં ક્યારેક તો એવા સંજોગો સર્જાય જ છે જ્યારે તે કોઈનો સહારો ઝંખે છે અને તે પોતાની આજુ-બાજુની વ્યક્તિમાંથી સહારો શોધવાની કોશિશ કરે છે. નતાશાએ તેની મમ્મીને કોલ લગાવ્યો હતો પણ મમ્મીનો પ્રેમાળ, હૂંફભર્યો અને ચિંતિત અવાજ સાંભળીને તો તે વધુ પડી ભાંગી હતી. તે એક પણ અક્ષર બોલી નહોતી છતા તેની મમ્મી તેનો જ કોલ છે તેવી ખાતરીથી તેની સાથે વાત કરવા માંડી હતી એટલે તે કેટલી તીવ્રતાથી પોતાને યાદ કરતી હશે એનો અહેસાસ નતાશાને થયો હતો અને એ જ ક્ષણે તેને એ પણ વિચાર આવ્યો હતો કે તે પોતાની મમ્મીને શું કહે.કે હું કોઈ મુશ્કેલીમાં મુકાઈ ગઈ છું અને મને મદદ કર? સાત સમુદ્ર પાર બેઠેલી એની માતા આમ પણ તેની ચિંતામાં અડધી થઈ ગઈ હશે અને એમાં આવા કોલથી તો તેની કેવી દશા થાય? પોતાની મમ્મીને પોતાના વિશે ખબર પડતી રહે એ માટે નતાશા પોતાના ફેસબુક એકાઉન્ટમાં પોતાના એવા ફોટોઝ પોસ્ટ કરતી રહેતી કે તેને ધરપત થાય. નતાશાને ખબર હતી કે તેની મમ્મીએ મહાતોબ બાનો નામથી એક ફેક એકાઉન્ટ બનાવ્યું હતું અને તે નતાશાની પોસ્ટ્સ લાઈક કરતી રહેતી હતી. નતાશાના પિતા પણ ફેસબુક અને બીજી સોશિયલ નેટવર્કિંગ વેબસાઈટ્સ પર હતા, પણ નતાશાએ તેમને અને તેમણે નતાશાને બ્લોક કરી રાખ્યા હતા.
નતાશાને પોતાના અતિ શ્રીમંત પપ્પા સામે રોષ હતો, પણ મમ્મી માટે તેને દયા આવતી હતી અને ક્યારેક તે અપરાધની લાગણી પણ અનુભવતી હતી કે પોતાને કારણે મમ્મીએ પપ્પાના મહેણાં સાંભળવા પડતા હશે અને બીજી બાજુ તેને સતત પોતાની ચિંતા સતાવતી હશે. નતાશા જે રીતે ઘર છોડીને મુંબઈ આવી ગઈ હતી એને કારણે તેની મમ્મીની હાલત કફોડી થઈ ગઈ હતી.
નતાશા હજી દરવાજો ખોલવા ઊભી થાય એ પહેલાં ફરીવાર ડોરબેલ વાગી અને દરવાજા પર ટકોરા પણ પડ્યા. મમ્મીના વિચારો અને સાહિલના આગમનની આશા સાથે તેણે દરવાજો ખોલ્યો તો હૉટેલના એક કર્મચારી સાથે સામે ચાર વ્યક્તિ ઊભી હતી! એમાં ત્રણ કરડા ચહેરાવાળા પુરુષો હતા અને એક યુવતી હતી. આટલી અજાણી વ્યક્તિઓને પોતાના રૂમની બહાર ઊભેલી જોઇને નતાશા સહેમી ગઇ.
નતાશાએ દરવાજો ખોલ્યો એ સાથે આગંતુકોમાથી એક માણસે હૉટેલના કર્મચારીને કહ્યુ, ‘તું હવે જઇ શકે છે.’
એ કર્મચારી લિફ્ટ તરફ ચાલતો થયો, પણ તેને સૂચના આપનારા પેલા માણસે સત્તાવાહી અવાજે કહ્યુ, ‘લિફ્ટમાં અમે લોકો આવીએ છીએ, તું પગથિયા ઊતરીને નીચે જા.’
‘મુંબઈ પોલીસ, ક્રાઇમ બ્રાંચ.’ આ દરમિયાન આગંતુકોમાની યુવતીએ નતાશાની સામે હૂંફાળું સ્મિત કરતા કહ્યું
એ બધામાથી લીડર જેવા માણસે પોતાની ઓળખ આપતા કહ્યું, ‘હુ ઇંસ્પેક્ટર રવીન્દ્ર જાધવ છું. તમે હવે ખતરાથી બહાર છો. અમે ઓમર હાશમીની ધરપકડ કરી લીધી છે અને તમે એક મોટા કાવતરાનો ભોગ બનવામાંથી બચી ગયા છો.’
નતાશાના જીવમાં જીવ આવ્યો. તેણે પોતાની આંખો લૂછી. તેને વિચાર આવ્યો કે અત્યાર સુધી તેને કેમ
ન સૂઝ્યું કે તેણે મુંબઈ પોલીસનો સંપર્ક કરવો જોઈતો હતો.
જોકે, તે હજી આઘાતમાંથી બહાર આવી નહોતી અને બીજી બાજુ પોતાની મમ્મીનો અવાજ સાંભળીને તે માનસિક રીતે ખળભળી ગઇ હતી એટલે તે કશું બોલ્યા વિના એ બધાને જોઇ રહી.
પોતાની ઓળખ ઇન્સ્પેક્ટર રવીન્દ્ર જાધવ તરીકે આપનારા માણસે કહ્યું, ‘તમારે અમુક ફોર્માલિટી માટે ડી. એન. નગર પોલીસ સ્ટેશન આવવું પડશે. ઓમર હાશમી પાસેથી તમારો નંબર અને તમારા નામનું એક એગ્રીમેન્ટ મળ્યું છે એટલે તમારું નિવેદન નોંધવું પડશે.’
નતાશાને કંઈ વિચારવાની તક આપ્યા વિના પેલી યુવતીએ કહ્યું, ‘તમે એક કલાકમાં તો અહીં પાછા આવી જશો.’
નતાશાએ કશું બોલ્યા વિના યંત્રવત્ તેમની સાથે જવા પગ ઉપાડ્યો. એ વખતે પેલી યુવતીએ તેને યાદ અપાવ્યું એટલે નતાશાએ સેંડલ પહેર્યા અને દરવાજો બંધ કર્યા વિના જ તેમની સાથે ચાલતી થઈ.
નતાશા એ બધા સાથે લિફ્ટ તરફ આગળ વધી એ વખતે આગંતુકોમાથી એક માણસ રૂમમાં ધસી ગયો અને તેણે નતાશાનો મોબાઇલ ફોન ઉઠાવીને પોતાના પેંટના ખિસ્સામાં સરકાવી દીધો.
એ બધા હૉટેલના રિસેપ્શન પાસે પહોંચ્યા ત્યારે હૉટેલનો માલિક ચિંતાતુર ચહેરે ત્યાં ઊભો હતો. ઇન્સ્પેકટર રવીન્દ્ર જાધવે તેની સાથેની વ્યક્તિને બહાર નીકળવા ઇશારો કર્યો અને તે હૉટેલમાલિક પાસે થોડી સેકંડ ઊભો રહ્યો. તેણે હૉટેલમાલિકને કહ્યું, ‘થેન્ક્સ ફોર યોર કો-ઓપરેશન. તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી તમને કે તમારી હૉટેલને કોઈ પ્રોબ્લેમ નહીં આવ પણ તમારા સ્ટાફને સૂચના આપી રાખજો કે કોઇ ગ્રાહક સહેજ પણ શંકાસ્પદ લાગે તો તરત જ પોલીસને માહિતી આપી દે. આ છોકરીની સાથે રાતે તેના રૂમમાં કોઇ છોકરો પણ રોકાયો હતો. ક્યારેક તમારે પ્રોસ્ટિટ્યુશનના મામલામા પણ ફસાવાનો વારો આવી શકે.’
‘સોરી સર.’
‘તે છોકરાનો આ છોકરી માટે કોલ આવે તો તેને કહેજો કે તે મને કોલ કરે. અમારે તેની પણ પૂછપરછ કરવી પડશે. તે છોકરો પણ આ છોકરીને નતાશા નાણાવટી નામથી જ ઓળખે છે.’ ઇન્સ્પેક્ટર રવીન્દ્ર જાધવે પોતાનો નંબર હૉટેલની સ્ટેશનરી પર લખતા લખતા સૂચના આપી અને પછી તે હૉટેલના મુખ્ય દરવાજા તરફ ચાલતો થયો.
હૉટેલમાલિક પણ તેની સાથે દરવાજા સુધી ગયો. તેણે દબાયેલા અવાજે પૂછ્યું, ‘સર. મારે કઇ...’
તે આગળ કઇ બોલે એ પહેલા જ ઇન્સ્પેક્ટર રવીન્દ્ર જાધવે તેની સામે ધારદાર નજરે જોઇને કહ્યું: ‘તમે ખોટા માણસને આ પૂછી રહ્યા છો! અત્યાર સુધી તમને મારે લોકઅપમાં ધકેલવા પડે એવું કશું તમે કયુર્ં નથી, પણ આ વાક્ય તમે પૂરું બોલ્યા હોત તો મારે તમારી સામે એ માટે કેસ કરવો પડત!’
‘સોરી, સોરી, સોરી, સર.’ ડઘાઇ ગયેલા હૉટેલ માલિકે કહ્યું. તે આગળ બીજું કઇ બોલે એ પહેલા ઇન્સ્પેક્ટર રવીન્દ્ર જાધવ સડ્સડાટ બહાર નીકળી ગયો.
***
નતાશા મુંબઇ પોલીસની ક્રાઇમ બ્રાંચની ટીમ સાથે હૉટેલના દરવાજાની બહાર નીકળી. તે ચૂપચાપ તેમની સાથે તેમના વાહનમાં ગોઠવાઈ, તેનું મગજ બહેર મારી ગયું હતું. અને પોતાની સાથે શું બની રહ્યું છે એ સ્વસ્થ રહીને વિચારવા માટે પણ તે સક્ષમ નહોતી.
‘રિલેક્સ. અમે તારી સાથે છીએ હવે ચિંતા કરવાનું કોઈ જ કારણ નથી.’ પેલી યુવતીએ ચહેરા પર સ્મિત સાથે તેને કહ્યું.
નતાશાને યાદ આવ્યું કે પોતે સેલફોન હૉટેલના રૂમમાં જ ભૂલી ગઈ છે. સાહિલ પોતાનો સંપર્ક કરવાની કોશિશ કરશે તો પોતાનો ફોન બંધ આવશે. નતાશાને સાહિલની ચિંતા થઈ આવી કે તેનો કેમ હજી કોઈ પત્તો નથી. ક્યાંક પોતાના લીધે તેના પર પણ મુશ્કેલી નહીં આવી હોય ને?
નતાશા સાહિલનો વિચાર કરી રહી હતી એ દરમિયાન ઇન્સ્પેક્ટર રવીન્દ્ર જાધવ આવીને ડ્રાઇવરની બાજુની સીટ પર ગોઠવાયા. વાહન ગતિમાં આવ્યું અને હૉટેલથી થોડા ફૂટ દૂર પહોચ્યું ત્યારે અચાનક નતાશાને લાગ્યું કે, વાહનની પાછળની સીટ પરથી કોઈ તેના તરફ ઝૂક્યું છે. નતાશા પાછળ ફરીને જોવા ગઈ એ પહેલાં તો તેના મોઢા પર કોઇ વસ્તુ ભારપૂર્વક દબાઇ અને તે કઈ સમજે કે પ્રતિક્રિયા આપે એ પહેલાં તો તે બેહોશીમાં સરકી પડી!

(ક્રમશ:)