વમળ પ્રકરણ -26 Shabdavkash દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

વમળ પ્રકરણ -26

વમળ

પ્રકરણ -26

લેખક બેડલી: અજય પંચાલ અને નિમિષ વોરા


સાયરન વગાડતી એમ્બ્યુલન્સ આવી પહોંચી. એમ્બ્યુલન્સને આવતા અડધો કલાક લાગ્યો. ઇન્સ્પેક્ટર પાટીલનું મગજ સુમ મારી ગયું હતું એવું નહોતું કે એની કારકિર્દીમાં આવી ઘટનાઓ નહોતી બની, પણ આ કેસમાં પાટીલે આવો અણધાર્યો વળાંક નહોતો વિચાર્યો. . એણે ઝડપથી મગજને કાર્યરત કર્યું. એમ્બ્યુલન્સના આવતા પહેલા ઇન્સ્પેક્ટર પાટીલ પલ્ટી ખાઈ ગયેલી જીપ પાસે પહોંચી જઈને અંદર જોયું. ઉતાવળમાં થયેલી ચેઇઝમાં ત્રણે ય સવારોએ સીટબેલ્ટ નહોતા પહેર્યા. જસબીર બેભાન હાલતમાં સ્ટિયરિંગ અને વિન્ડશીલ્ડ વચ્ચે લબડતો હતો. જીપ વેગમાં અથડાઈ અને ઘસાઈને પલટી ખાધી એટલે એનું માથું વિન્ડશીલ્ડમાં અથડાઉં હતું. વિન્ડશીલ્ડ ગ્લાસની કચ્ચરો ચારેકોર વેરાયેલી હતી. જસબીરનું માથું વિન્ડશીલ્ડની બહાર હતું અને પગ સ્ટિયરિંગ પાસે લટકતા હતા. એના શરીરમાંથી ઠેર ઠેર લોહી નીકળતું હતું. પેસેન્જર સીટ લોહીથી ખરડાયેલી હતી. સલોનીની હાલત ખુબ જ ગંભીર હતી છતાં ય એ ચેતન અવસ્થામાં હતી. એનું શરીર લોહીથી ખરડાયેલું હતું. એનો એક હાથ ગિયર પાસે હતો. જીપ અથડાઈ ત્યારે એણે ઈમ્પૅક્ટથી બચવા બીજા હાથે ડેશબોર્ડનો ટેકો લેવાનો ટ્રાય કર્યો હતો. જેનાથી એનો હાથ કઢંગી રીતે વળી ગયો હતો. એનું માથું પણ ડેશબોર્ડ પાર અથડાયેલું હતું. પાછલી સીટ પર બેઠેલા આર્યને જીપ અથડાઈ એ પહેલા એનો ડાબો હાથ ડરાઇવર અને પેસેન્જર સીટ વચ્ચેથી લંબાવીને સલોનીને પકડવા પ્રયત્ન કર્યો હતો. પણ જીપ પલ્ટી ખાઈ જવાથી એનો હાથ ત્યાં ભરાઈ ગયો હતો એનું માથું જીપની ઉપરના પતરાને અથડાયું હતું. એ ઉછળીને પડ્યો હતો પણ એનો હાથ કઢંગી રીતે બે સીટ વચ્ચે અટવાયો હતો. એના માથામાંથી થોડું લોહી નીકળતું હતું. સલોની અનિમેષ નજરે આર્યન તરફ જોઈ રહી હતી. એ અસહાય હતી.

એમ્બ્યુલન્સ આવતા જ ઝડપથી બધાને સ્ટેચરમાં નખાયાં. વારાફરતી ત્રણે યને એમ્બ્યુલન્સમાં ગોઠવ્યાં. ત્રણેય માં આર્યનની હાલત ઓછી ખરાબ હતી. એણે એનો જમણો હાથ સલોનીના માથા પાર રાખ્યો હતો. એણે જીદ કરી હતી કે એ સલોનીનું માથું એના ખોળામાં રાખે પણ એ શક્ય નહોતું. ઝડપથી ભાગતી એમ્બ્યુલન્સમાં આર્યન માંથી ખુબ જ ગમગીન થઇ ગયો હતો. સલોનીએ આજે એના માટે બહુ મોટી બાજી ખેલી નાંખી હતી. એની આંખોમાં આંસુ હતા. સલોની દર્દથી કરાહતી હતી. જશબીર બેભાન હાલતમાં જ હતો. હોસ્પિટલમાં એમને તાબડતોડ ઈમરજન્સીમાં દાખલ કરવામાં આવ્યા. પ્રાઇવેટ ડિટેક્ટિવ જગડૂએ જેપીને ફોન કર્યો. અનુરાધા આ બધું બન્યુ એનાથી ઝાઝી દૂર નહોતી. પણ મારમાર કરતી હોસ્પિટલ પર આવી પહોંચી. અનુરાધા ખુબ જ ગભરાયેલી હતી. એણે ઝડપથી સલોનીની મધરને ફોન કર્યો. અનુરાધાએ ફોન કર્યો એની થોડી મિનિટોમાં પહેલા જ રોહિણી પર સોનિયાનો ટેક્સ્ટ મેસેજ આવ્યો હતો જેનાથી એ ખળભળી હતી. રોહિણી વિનાયકને જ ફોન કરતી હતી એટલે ફોન બીઝી આવ્યો. એણે રોહિણીને ટેક્સ્ટ કરીને તાબડતોડ ઇન્ડિયા આવવા લખી નાખ્યું. એને ખબર નહોતી કે રોહિણી પણ આ જ શહેરમાં મોજુદ હતી.

'મોમ, આઈ ગોટ મેરિડ ટુ ડે વિથ શુબાન ભારદ્વાજ... ગોઇંગ ટુ મીટ પાપા.. વિલ કોલ યુ લેટર..' મોબાઇલ પર આવેલો સોનિયાનો મેસેજ વાંચતા જ રોહિણીનાં હોશ ઊડી ગયા.. તે શું કરવું એ સમજી જ ના શકી.. તે ઈન્ડિયા છે એનો સોનિયા કે સલોનીને ખ્યાલ ના હતો. બેબાકળી બની ગયેલી રોહિણી વિનાયકને ફોન જોડતી હતી અને એ જ વખતે અનુરાધાનો મેસેજ ઝબક્યો.

'સલોની ઇઝ સિરિયસલી ઈન્જર્ડ ઈન કાર એક્સીડેન્ટ. કમ સુન.' સાથે હોસ્પિટલનું એડ્રેસ પણ હતું. વિનાયકનો ફોન લાગ્યો નહીં એટલે બેબાકળી રોહિણી ઝડપથી હોસ્પિટલ પર જવા નીકળી. એણે હોસ્પિટલમાંથી વિનાયકને મેસેજ કર્યો,

લગભગ સવારે સાડા નવ-દશના સુમારે જ્યારે એક બાજુ વિનાયક-જેપીની હાઈ પ્રોફાઇલ મીટીંગ ચાલુ હતી અને બીજી બાજુ સલોની-આર્યનની દિલધડક પોલીસ ચેઝ ચાલુ હતી. ત્યારે શુબાન અને સોનિયાએ પ્રો.કરીમની હાજરીમાં તેમની જ સલાહથી આર્ય સમાજમાં લગ્ન ગ્રંથીથી બધાઈ રહ્યા હતા. એક બાજુ ઘવાયેલી સલોનીનો હાથ આર્યનને એના હાથમાં લીધો એ જ સમયે સોનિયા-શુબાનના હસ્ત મેળાપ પણ થયા. લગ્ન બાદ શુબાનમાં થોડો આત્મ-વિશ્વાસ આવ્યો હતો. તેથી જ તેણે સોનીયાને તેની મમ્મી રોહિણીને મેસેજ કરવાનું કહ્યુ. એનો વિચાર સૌ પહેલા દાદાજી અને શ્વેતાને મળીને પછી પાપા અને સોનિયાની મધરને મળવાનો હતો. તે પોતાની નવપરિણીત દુલ્હનને સોનિયાને દાદા અને શ્વેતાને મેળવવા માટે નીકળ્યો.. આમતો તેને વિનાયકને પણ મેળવવી હતી પણ આ વખતે એક વહુનાં રુપમાં.. દાદાને આ બધી હકીકત કેમ કહેવી તે મનમાં વિચારતા ક્યારે તેનું ઘર આવી ગયું તે તેઓને ખ્યાલ જ ના રહ્યો.. અચાનક જેપી સાથેની મીટીંગ ટૂંકાવાથી ફ્રી થયેલો વિનાયક આજે ખાસ કામ કરવાનાં મૂડમાં ના હોવાથી એ બાપુજીને મળવા ઘરે જ આવી ગયો હતો. વિશાળ હોલના રાજાશાહી સોફા પર બેઠો વિનાયક તેના પિતાજી સાથે વાત કરી રહ્યો હતો ત્યારેજ દરવાજા પાસેથી પહેલા શુબાન અને પછી સોનિયાનો અવાજ આવતાં ચમક્યો.

"સોનિયા, તું બે... " બાપુજી સામે તે 'બેટા ' બોલતાં ખચકાયો.. "તું અહિ.. ? શુબાન સાથે.. ?" સાથે પ્રોફેસર કરીમને પણ દાખલ થતા જોઈને એ બોલ્યો, " અને આ મહાશય કોણ ? " તેને શું બોલવું તે સૂઝતું ન હતું તેથી જે પ્રશ્નો મગજમાં આવ્યા તે પૂછી નાખ્યા..

"વિનાયક કોણ છે આ છોકરી ?" હજુ તેના ખુદના પ્રશ્નોના જવાબ નહોતા મળ્યા ત્યાં બાપુજી એ બીજો સવાલ કરતાં તે મૂંઝાયો. વિનાયકને આશ્ચર્ય અને મુંઝવણમાં જોઈને પ્રોફેસર કરીમે બાજી સંભાળી. એમણે ઝડપથી એમણે એમનો પરિચય આપ્યો. સાથે સાથે એમણે વિનાયક અને રોહિણી કેવા સંજોગોમાં કેન્યામાં મળ્યા અને વિનાયકે રોહિણીનો જીવ અને એના પિતાની આબરૂ બચાવવા શું કર્યું એ પણ જણાવ્યું. વિનાયક આશ્ચરાયચકિત થતો હતો પણ એ કઈ પણ બોલી શકવા અસમર્થ હતો. એને પ્રોફેસરને બોલવા દીધા. વિનાયકનો ભૂતકાળ તો આમે ય બાપુજી સામે ખુલી જ ચુક્યો હતો. પણ શ્વેતા અદમ્ય આઘાતથી બેબાકળી નજરે પોતના ડેડી સામે, દાદાજી સામે અને પ્રોફેસર કરીમ સામે જોઈ જ રહી હતી. એના મગજમાં ઘમસાણ જામ્યું હતું. કૈક ના માની શકાય એવી વાતો એની સામે થઇ રહી હતી. તો દાદાજીના મગજની નસો ફૂલી રહી હતી. વિનાયકનો ભૂતકાળ એમના માટે ય અસહ્ય હતો જ પણ એમાં એક અજાણ્યો પ્રોફેસર એમના જ દીકરાની તરફેણ કરતો ફરીથી એ મુદ્દો ઉખેળી રહ્યો હતો.

પ્રોફેસર કરીમે એમની ઝડપથી એમની વાત આગળ ચલાવતા કહ્યું,

"સોનિયા એ રોહિણીની પુત્રી છે. લંડનના અભ્યાસ દરમ્યાન સોનિયા-શુબાન એકમેકના પરિચયમાં આવ્યા. પરિચય પ્રણયમાં પરિણમ્યો અને એનાથી ય આગળ વધી ચુક્યો.'

ગુણવંતરાય ફાટી આંખે આ બધું સાંભળતા ગયા.

પ્રોફેસર કરીમેં વાત આગળ વધારી. 'એ બંને ખુબ જ ગૂંચવાયેલા હતા અને સખત માનસિક પરિતાપથી પીડાતા હતા. પહેલી નજરે જોવા જઈએ તો એ સાવકા ભાઈ-બહેન ગણાય. પણ ઊંડાણથી વિચારો તો એ બે વચ્ચે કોઈ જ લોહીની સગાઇ નથી. જો એ બે અલગ રહેત તો એમની જિંદગી પણ એક ઝંઝાવાત બની જાત. એટલે એ બે લગ્ન કરીને આપના આશીર્વાદ મેળવે એ જ યોગ્ય હતું."

હવે વિનાયકને અને બાપુજીને આખી વાતનો ખ્યાલ આવ્યો.

"વ્હોટ... ? ધે... હાઉ કૂડ ધે..??" વિનાયક બોલી ઉઠ્યો. "ઓહ બાપુજી આય એમ સોરી.. મને ખબર ન હતી આ બન્ને આવું કરશે !! "

અચાનક શુબાનને વિનાયકની ત્રાડ સંભળાઈ, "નાલાયક, તારી આ હિમ્મત? સાલા કપાતર, આવું કરતા પહેલા તને તારી બાપદાદાની ઈજ્જતનો ય ખ્યાલ ના આવ્યો?"

અચાનક હોલમાં શ્વેતાનું ધ્યાન સહુથી પહેલા દાદાજી પર ગયું અને તે ચીસ પાડી રહી

"દાદુ....."

તેની ચીસમાં વિનાયકનું વાક્ય દબાઈ ગયું.. સહુની નજર છાતી પકડી સોફા પરથી પડી ગયેલા દાદાજી પર ગઇ અને સહુ એકસાથે તે તરફ દોડ્યા.. પ્રો. કરીમે એમ્બ્યુલન્સને ફોન કર્યો. દાદાજીને તાબડતોડ હોસ્પિટલમાં દાખલ કર્યા. એમના પાર હાર્ટ એટેકનો હુમલો આવી ગયો હતો. લગભગ અડધા કલાક બાદ સહુ લીલાવતી હોસ્પિટલના આઈ.સી.યુ વિભાગની બહાર પ્રાર્થના કરતાં બેઠા હતાં જયાં થોડો સમય પહેલા જ બીજા બે દર્દી પણ આવેલા હતાં સલોની અને જસ્બીર. પણ ભારદ્વાજ ફેમિલી તેનાથી અજાણ હતું.

જગડુ ખરબંદાના મેસેજથી બેબાકળો બનેલો જેપી હોસ્પિટલમાં આવી પહોંચ્યો. આઈસીયુ રૂમની કોરીડોરમાં ભારદ્વાજ કુટુંબ અને જેપી અચાનક ફરી એકબીજાની આમનેસામને આવી ગયા. ત્યાં જ રોહિણી પણ આવી પહોંચી. અને વિનાયકના મોંમાંથી નીકળી પડ્યું,

"રોહિણી તું? અહીંયા.....................?"

ક્રમશ:

લેખલ- અજય પંચાલ-નિમિષ વોરા

સૂત્રધાર-અજય પંચાલ