વમળ પ્રકરણ -7 Shabdavkash દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

વમળ પ્રકરણ -7

વમળ પ્રકરણ -7 લેખિકા:- રીટા ઠક્કર

શું થયુ બાપુજી? તમારી તબિયત કેમ છે?”

વિનાયકે નરમાશથી વાત શરુ કરવાની નાકામ કોશિશ કરી, કારણકે તે કલ્પી શકતો હતો તેઓ શું વાત કરવાના છે,અને એ વાત પર તેમના રીએક્શન્સ શું હશે તેની પણ વિનાયકને ઘણીખરી ખબર હતી. એણે ઉંડા શ્વાસ લીધા કારણકે મારે આ અનિવાર્ય પળનો સામનો કરવા સ્વસ્થતા જાળવી રાખવી ખુબ જરૂરી હતું અને તે તેમની લગભગ સામે જ કહી શકાય તેવી ખુરશી પર બેઠો, વિનાયકની નજર એ કિંમતી બ્રાસના ડાઈનીંગ ટેબલના પાયા પર હતી અને કાન બાપુજી શું કહેશે સાંભળવા ડરથી બેબાકળા.

બાપુજી વૃધ્ધ થઈ ગયા હતા,તેમની આંખો નિસ્તેજ થઈ હતી,ચહેરા પર કરચલીઓ અને ગળુ તો જાણે પલાળીને નીચોવેલા કપડાંનુ બનાવ્યુ હોય તેમ ચામડી લટકતી હતી, પણ તેમના મિજાજને ઉંમર સાથ વેર હોય તેમ તે આજે પણ ખુબ ગરમ મિજાજના હતા.વર્ષો પહેલા આવા ગરમ સ્વભાવના લીધે તેમના મિત્રની દિકરી સાથે લગ્નની ના પાડવાની વિનાયકમા હિંમત નહોતી આજે પણ જુઓ, રોહીણીને સામાજીક સ્થાન અપાવાની તેનામાં ક્યાં હિંમત છે?

એટલામાંજ્ એક સત્તાવાહી અવાજ કાને અથડાયો.

“વિનાયક…કોણ છે આ રોહીણી?”

“બાપુજી”

રોહીણીના નામનો ઉલ્લેખ થતાં જ વિનાયકના ચહેરાનો રંગ ઉડી ગયો.ક્ષણાર્ધમા જીવનના બે દાયકા આંખ સામેથી ઝપાટાભેર પસાર થઈ ગયા.

એના ગળામા કશુંક અટકી ગયું હતુ, જાણે કશુંક ગઠ્ઠો થઈ જામી ગયુ હોય તેવુ લાગતું હતુ, શબ્દો અને અવાજે પણ વિનાયકનો વિરોધ કરવાનું નક્કી કર્યુ હોય તેમ તેનાથી બાપુજી-બાપુજી થી વધુ આગળ કંઈ બોલી જ ના શકાયુ. કદાચ વિનાયકને પોતાની જાત ઉપર ખુબ જ શરમ આવતી હતી, મહાપ્રયત્ને કઈ બોલવા જાય એ પહેલા બાપુજીનો ઘેરો અવાજ તેના કાને અથડાયો.

” તે પર સ્ત્રી સાથે સંબધ બાધી સ્નેહલતા સાથેના પવિત્ર લગ્નસંબધને અને મારા વિશ્વાસને તોડ્યો છે,જુઠ અને અપ્રમાણિક્તાના પાયા પર બાંધેલા ખોખલા

સંબધના લીધે પ્રેમ અને વિશ્વાસના મંદિર જેવા આપણા સંબધની તે હાંસી ઉડાવી છે. સમજાતુ નથી શા માટે તું જ તારો દુશ્મન બની બેઠો?”

થોડીક ક્ષણો પિતા-પુત્ર વચ્ચે મૌન ઘુમરાતુ રહ્યુ, વિનાયક એકીટશે બાપુજી તરફ જોઇ રહ્યો, પોતાની અંદર કૈક પિગળતુ હોય તેવું ફીલ કરતો રહ્યો.

બાપુજી મોતિયાવાળી આંખે તેને તાકી રહ્યા હતા. આંખોમા પાણી વળતા હતા છતાં ગુસ્સાથી વિનાયકને ઘુરી રહ્યા.તે કંઈ કહેવાની હિંમત કરે એ પહેલા બાપુજી ગર્જ્યા.

“અત્યારસુધી હું એવા ભ્રમમાં હતો કે તુ નાદાન છે- નાસમજ છે- પૈસા પાછળ પાગલ છે પણ હુ ખોટો હતો.મુરખ તો હું જ હતો કે તારા પર વિશ્વાસ કરતો આવ્યો.તારી બનાવટી નિર્દોષતાને વર્ષો સુધી માસુમિયત સમજ્યો.

કાશ…મેં ક્યારેક સ્નેહલતાની વાત પુરી સાંભળી હોત અને તેના પર વિશ્વાસ કર્યો હોત,તારા પાસપોર્ટ અંગે તેની શંકા સાચી હતી ,કાશ..મેં તેને ચુપ ના કરી હોત તો આજે પરિસ્થિતિ કૈક જુદી હોત. સ્નેહલતા સાથે થયેલા અન્યાયમાં હું પણ ઈશ્વરનો ગુનેગાર બની ગયો.”

તેમના ચહેરાની લાલાશ તેમના દિલમા મારા માટે ઘુંટાતી નફરત વ્યક્ત કરી રહી હતી.એક ઉંડો નિઃશ્વાસ નાખી તે આગળ બોલ્યા,

“ખેર્…જે થયુ એ ખુબ ખોટુ થયું.મારે એનુ પ્રાયશ્ચિત કરવું છે.હું મારી જીન્દગીના બાકી રહેલા દિવસો આપણા વતન માલેગાવમા આવેલા રામમંદિરમા રહીને વિતાવીશ. આવતી કાલે મળસ્કે હું નીકળી જઈશ, બની શકે તો સ્નેહલતાના બાળકોની સંભાળ લેતો રહેજે.”

વિનાયકના પગ નીચેથી જમીન સરી રહી હોય તેવું લાગ્યુ, વરસોથી દબાવી રાખેલ સત્ય કહેવાનુ બાજુ પર રાખી બાપુજીને બાળકો સાથે રહે તે માટે વીનંતી કરતો રહ્યો. બરાબર એક કલાકની ગડમથલ પછી એક વાત ક્લીઅર થઈ ગઈ, કે આ ઘરમાં બાળકો સાથે બાપુજી રહેશે,અને વિનાયકે નીકળી જવુ.

* * *

પોતાના રુમમા જતા જ વિનાયકને ખ્યાલ આવ્યો કે રોહીણી ક્યારનીય તેના ફોનની રાહ જોઈ રહી હશે,શું કહે એને? આમ જોઈએ તો શું છુપુ છે એનાથી??

રોહીણીના વિચારમા સરી ગયો વિનાયક.

રોહીણી!

અડધા ઉપરની અંગ્રેજ હશે કહુ તો ચાલે.મોટાભાગે વેસ્ટર્ન ગેટઅપ માં જ હોય.જિન્સ ને ટી અથવા વનપીસ ડ્રેસ,કાનથી નીચે વાળ તો મેં ક્યારેય જોયા જ નહી તેના.તના સમગ્ર કદના પ્રમાણમા ડોક થોડી વધુ લાંબી હતી,અને એ કારણે જ તે ખુબ આકર્ષક લાગતી, એ ડોક પર ગોઠવાયેલ ઓવેલ આકારનો એ ચહેરો અદભુત આકર્ષક,તેના જેવી સર્વાગ સંપુર્ણ આકૃતિ મેં ક્યારેય જોઈ ના હતી. કાળી કાળી ગોળ આંખો, નકશીદાર નાક અને સપ્રમાણ ઉપસેલા હોઠ.

વેસ્ટર્ન ડાન્સ અને પાર્ટીની ખુબ શોખીન.ગજબની યાદશક્તિ, એકવાર મળેલ વ્યક્તિને તે ક્યારેય ભુલતી નહી, દરેકને તે નામથી બોલાવે.સગા-સંબધી-મિત્રો દરેકની માહિતિ રાખતી.એના ઓળખિતા દરેકની જન્મતારીખ-લગ્નતિથિ તેઓના ફોનન્ંબર બધુ તેને મોઢે હોય. અરે,બાપુજી-સ્નેહલતા-શ્વેતા-શુભાનના જન્મદિવસ યાદ અપાવવાનુ તેમના માટે કિંમતી ભેટસોગાદ લઈ આવવાનુ રોહીણી ક્યારેય ના ભુલે.વિનાયકના પરિવારની પ્રગતિનો અહેવાલ અવારનવાર પુછતી, જરુર હોય ત્યા વિનાયકને સલાહ પણ્ આપે.સ્વભાવે સરળ-ખેલદિલ,એના ઉપર તો તે આટલા વર્ષો જીવી શક્યો.

જેટલી રૂપાળી તેટલી જ મસ્તીખોર પણ….!!!

કોઇના કોઇ બહાને પાર્ટીનુ આયોજન કરી દઈ ખુબ મહેમાનોને આમંત્રી દેતી, અને આવી પાર્ટીમા કોઇ મસ્ત છોકરી જોવે તો ભ્રમર ઊંચી કરી મને તેનો હાથ પકડાવી તેને ડાન્સ માટે લઈ જવા કહેતી,મને તેની સાથે ડાન્સ કરતો જોઇ દુરથી આંખો મિચકારી ચિડવવામા તેને ખુબ મઝા આવે.બિસનેસટ્રીપ પરથી પાછો આવુ ત્યારે એરપોર્ટ પર જ ઉમળકતાથી ભેટી પડે પછી પ્રેમભરી કીસથી નવરાવી દે.હુ તેનો જીવતો-જાગતો એકમાત્ર પ્રેમ અને આ વાતનો મને ગર્વ છે.

કોઈ પણ પુરુષને જીન્દગીની લડાઈ જીતવાનું હથિયાર એનો હાથ પકડીને એનામા વિશ્વાસ રાખી એને હિમ્મત આપતી એક સ્ત્રી જ છે..!!

સાચ્ચેજ્…

જીવનમા પ્રેમ પહેલા આવવો જોઇએ અને પછી લગ્ન.

અને વિનાયકે પોતાની જાતને પ્રોમિસ કર્યુ કે તે પોતાના બાળકોના પ્રેમને સફળ બનાવવા બધી કોશિશ કરીશે.

રુમમા આવી વિનાયકે ઘર છોડવાની તૈયારી રૂપે એક બેગ હાથમાં લીધી…વોર્ડરોબ ખોલીને ઉભો રહ્યો,શું સાથે લઈ જવું??

હજ્જારો મધમાખીઓ કાનમા ધસી આવી હોય તેવા ભણકારાં વાગ્યા,ખભાના હાડકાં તુટી પડ્યા હોય અને ઢીંચણ ઓગળી ગયા હોય તેમ વોર્ડરોબ પાસે જ ફસડાઈ પડ્યો.મહાપ્રયત્ને ઉભા થઈ ડાઈનીગરુમમા ફ્રીજ સુધી પહોચ્યો. ગળુ સુકાતુ હતુ પણ ફ્રિજમાથી બોટલ લઈ પાણી પીવાની હિમ્મત ક્યાં હતી? બસ ,થોડીવાર બા ની તસ્વીર સામે બેઠો,અને મનમાં બોલ્યો બા…તુ સાંભળીશને મારી વાત? બસ એક વાર્…!

* * *

શુબાન આજે સોનિયાની યાદમા ખોવાઈને જીવવા માગતો હતો.ડીનર પછી સીધો સેક્ન્ડફ્લોર પર આવેલ પાર્ટીલોન્જમાં આવી ગયો.લોન્જની મધ્યમાં લટકતા ઝુમ્મરના દીવાનો આછો પ્રકાશ રેલાઈ રહ્યો હતો. રાતરાણીના ફુલોની સુગંધવાળુ એરફ્રેશન વાતાવરણને મદહોશ કરી રહ્યુ હતુ, ચાંદીના નકશીકામવાળા ચળક્તા ગ્લાસમા સોનિયાનો પ્રિય સ્ટ્રોબેરીવાઈન અદભુત લાગતો હતો. એકલો હતો છતાં બે ગ્લાસ ભર્યા વાઈનના, વર્ચ્યુઅલ સોનિયા સાથે કલાકો વાતો કરી મોડીરાતે બેડરુમમાં આવીને સુતો.માં પાસેથી રોમિઓ-જુલિએટ કે શીરી-ફરહાદની વાર્તા સાંભળતી ત્યારે શંકા રહેતી કે આવો હોય પ્રેમ? પણ સોનિયાના તેના જીવનમાં આવ્યા પછી આ બધી શંકાઓ ચુર-ચુર થતી હોય તેવો અહેસાસ થાય છે.માં કહેતી ‘પ્રેમને વાચા નથી હોતી, પ્રેમ કેવળ દૈહિક હોય છે તેને સ્વરપેટીની જરુર નથી,શરીરના રોમેરોમમાથી પ્રગટે છે પ્રેમ.’ અને શુબાન હસતો. આજે તેને પોતાના હસવા પર હસવું આવે છે.ચારવર્ષ દરમ્યાનની તેની અને સોનિયાની લવસ્ટોરી ઑક્સ્ફર્ડ યુનિવર્સિટિની દિવાલો પર લખાયેલ છે.અભ્યાસ પુરો કરી જ્યારે તે ઈન્ડીયા પાછો આવતો હતો ત્યારે ઍરપોર્ટ પર સોનિયાએ તેને જોરથી ધક્કો મારી ખસેડયો હતો, તેના સુંવાળા સફેદ ગળા ઉપર લાલ ચકામુ ઉપસી આવેલું, છુટા પડવાનું દર્દ શુબાનને પણ હતુ અને સોનિયાને પણ્..!

શુબાન્ સોનિયા સાથે અંગતજીવનમા ખુબ આગળ નીકળી ગયો પણ હજુ તેને સામાજીક સ્થાન નથી અપાવ્યુ,કાલે સવારે બ્રેકફાસ્ટ વખતે ડેડીને વાત કરવી જ પડશે.એમ વિચારતા આંખો ઘેરાઈ ગઈ.

* * *

ડીનર પછી શ્વેતા સીધીજ પોતાના રુમમા આવી ગયી. તેનો મોબાઈલ ફોન બેડ પર જ રહી ગયેલો, ફોન બ્લીન્ક થઈ રહ્યો હતો,જોયુ તો આર્યનના આઠ મિસ્ડકોલ હતા.તરત આર્યનને ફોન લગાવીને આવતી કાલની પાર્ટીનુ ક્ન્ફર્મેશન આપી દીધુ.હકીકતમા તો તે પોતે ખુબ ઉત્સુક હતી આર્યનની ખાસ સહેલી સલોનીને મળવા.ખુબ વખાણ સાંભળ્યા હતા આર્યનના મોઢે,આર્યનની એ ખાસ ફ્રેન્ડ છે એ વાતની તેને જલન કેમ થાય છે તે વાત તેને વિચારતી કરી ગઈ.

સવાર આઠ વાગ્યા હતા, ડાઈનીંગટેબલ પર શ્વેતા શુબાનના આવવાની રાહ જોઈ રહી હતી. શુબાને દુરથી જ નોંધ્યુ આજે શ્વેતા ખુબ રડી છે. રડીને લાલચોળ આંખો- રતુમડો ચહેરો,આજે પણ શ્વેતા એટલી બ્યુટીફુલ લાગે છે જેટલી તે કાયમ જોતો આવ્યો હતો. ચોક્કસ માં ને મિસ કરતી હશે નહીતર આમ રડે નહીં.તેની બિલ્કુલ નજીક જઈ તેના માથા પર હાથ ફેરવતા શુબાન બોલ્યો.

“બસ કર શ્વેતા, આપણે આપણી નજીકની વ્યક્તિને ગુમાવવાનો ગમ વેઠવાની તાકાત કેળવવી જ્ પડશે.”

“પણ ભાઈ …જેને ગુમાવવાની આપણામાં શક્તિ જ ના હોય તેને કેવી રીતે ગુમાવવાના.?”

શ્વેતા બોલી અને એક ચબરખી આપી, ડેડીની ચિટ છે, ફ્રિજના ડોર પરના મેગ્નેટ નીચે હતી. અને આંખ નીચે છુપાયેલ આંસુ ધાર બની વહી રહ્યા.રડતાં-રડતાં તુટક અવાજે બોલી દાદાજી અને ડેડ વચ્ચે કાલે ખુબ માથાકુટ થઈ , દાદાજી અને ડેડી એક્સાથે નહી રહે તેવું નક્કી થયું છે.શુબાન બે-ત્રણ વાર આ ચિટ વાંચી ગયો.કેટકેટલી વેદના ભરી હતી એ ચાર શબ્દોમા. વાંચીને વિચારવા મજબુર થઈ ગયો કે શું તેના ડેડી હતાશ થઈ ગયા હશે? ચોક્કસ થયા જ હશે નહીતર ”યોર ડેડ…!!!’ લખીને આમ ત્રણ-ત્રણ આશ્ચર્ય ચિન્હ ના મુક્યા હોત. સ્વગત બબડ્યો.. ”

કાશ… તેમની પાસે ગયો હોત ને તેમની વાત સાંભળી હોત્…!!!”

* * *

સુખ કેમ એકલું નહી આવતુ હોય? સુખ શું કાયમ એકધારું રહી ના શકે? શા માટે સુખની સાથે દુઃખની કાળી પરછાઈ તેની જોડવા બહેનની જેમ હાજર થઈ જતી હશે? આજે બાપુજી અને બાળકોને મુકી વિનાયક કર્જત ફાર્મહાઉસ પર જવા નીકળ્યો ત્યારે એક ખામોશ દર્દ એને ખબર પણ ના પડે એવી રીતે એની સાથે એની વોલ્વો એસ સિક્સટીમાં ગોઠવાઈ ગયું.સુનકાર ઓઢીને સુતેલા રસ્તા ક્રોસ કરી વિનાયક ફાર્મ હાઉસ પર પહોંચે ત્યાંજ સલોની મુંબઈના ઈન્ટરનેશનલ ઍરપોર્ટના ગેઈટ ટુ પર આવી પહોચી છે તેવો મેસેજ જોયો અને કાર સલોનીને લેવા ઍરપોર્ટના રસ્તે દોડવા લાગી.

ગણતરીની મીનીટો પસાર થતા જ ઘરના દરવાજે સલોનીને જોતા વિનાયક ખુશખુશાલ થઈ ગયો.ખરી રોલર-કોસ્ટર જેવી છે આ જીન્દગી, ઘડીભરમા બધું ઉલટપુલટ થઈ જાય, શ્વાસ અધ્ધર થઈ જાય, ગતિ પર આપણો અંકુશ જ ના રહે ત્યારે સપાટી પર કૈક નવું જ આવી જાય. હજુ હમણાં તો વિનાયક ભારદ્વાજ હતો, ને આમ પળભરમાં વિમલ ભારદ્વાજ બની ગયો.! શ્વેતા હજુ નજરથી દુર થઈ નથી ત્યાં સલોની હાજર થઈ ગઈ.

“વેલકમ હોમ માય બ્યુટીફુલ બેબી”

કહી વિમલે તેની તરફ બેઉ હાથ પહોળા કર્યા અને સલોનીને પોતાના આલિંગનમા લઈ લીધી.વિમલની આંખમાથી અશ્રુ સરી પડયા અને કહ્યુ ,

“મિસ્ડ યુ માય બેબી ડોલ”

“ઓહ ડેડ્..યુ ક્રાઈઈઈગ્?”

‘કહી ચુલબુલી સલોનીએ વિમલના ચહેરા પર પ્રેમથી હાથ ફેરવી લીધો અને બોલી,

“વ્હાય યુ ક્રાઈગ ડેડ્?”

“તને નહી સમજાય, હજુ તું નાની છે.”

“ઓયે હલો ડેડ…હું નાની છું?? નેક્સ્ટ મન્થ મારો બર્થડે છે…આઈ વીલ બી ટ્વેન્ટીઇઇઇ…!!!!”

“સલોની,મને ગભરાવ નહી પ્લીઝ્ઝ્ઝ્”

“અરે…ક્યાં સુધી મને નાની રાખવી છે?”

વિમલ મલક્યો,

“મને તો નાનકડી સલોની જ પસંદ છે. દોડીને વળગી પડતી સલોની, સોનિયાના હાથમાંથી આઈસક્રીમ ઝુંટવી લેતી સલોની, સોનિયાના ટીવીનું

રીમોટ ઝુંટવી લઈ મારા ખોળામાં ટીવી જોતા-જોતા સુઈ જતી સલોની….!!!આ ૨૦ વર્ષની સલોની મને માફક જ નથી આવતી, તું મોટી થઈ જાય એટલે તારો બોયફ્રેન્ડ આવે, પછી તારો હબી આવશે, અને તારું ફેમીલી આવશે તને મારાથી દુર લઈ જવા. આ બધી બાબતમા હું ક્યાં ફીટ થઈશ એજ નથી સમજાતુ”

.

“પ્લીઝ સ્ટોપ ઈટ ડેડ…આમ આવી ટીપીકલ ડેડ જેવી વાતો ના કરો, હું તમને મુકીને ક્યાંય જવાની નથી, ઈઝ ધેટ ક્લીઅર???”

“ઓકે ડાર્લિંગ…વી વીલ સી…”

કહી વિમલે સલોનીના કપાળ પર હળવું ચુંબન કર્યુ.

“જો કે…તારો હબી મારા જેવો મેચ્યોર હોય તો મને બહુ ટેન્શન નહી રહે’

કહી વિમલ મલક્યો.

“સ્ટોપ ડેડા…પ્લીઝ ડોન્ટ ટીઝ્…”

“કમાલ કરો છે હો…હમણા મારા બાળપણની વાતો કરતા હતા ને પાછા એકદમ ક્યાંથી મારા લગ્નના સપના જોવા લાગ્યા, હજુ બહુ વાર છે મારા લગ્નની. ઓકે?”

“એન્ડ લીસન ડેડ,

મારી અને મારા ફ્રેન્ડ્સની ઈન્ડીયામા રહેવાની સગવડ મારા ફ્રેન્ડ આર્યન પંડીતે કરી છે, હું તમને ખાસ મળવા જ આવી છું.”

વિમલ ગંભીરતાથી સાંભળી રહ્યો અને પુછ્યુ…

“સલોની….કોણ છે આ આર્યન પંડીત??”

“કમોન ડેડ્….હી’ઝ માહ ફ્રેન્ડ.”

કહી સલોનીએ તેના ડેડનો હાથ દબાવ્યો, વિમલ આન્ંદિત થઈ ઉઠ્યો.

પણ એને ક્યાં ખબર હતી આ ક્ષણના પેટાળમા એક પ્રચંડ વિસ્ફોટની ચિનગારી છુપાઈ છે.

ક્રમશ:
— રીટા ઠક્કર