Vamad - 1 books and stories free download online pdf in Gujarati

વમળ પ્રકરણ -1

વમળ પ્રકરણ -1 લેખક - અજય પંચાલ

મેક્સિકોના પ્રખ્યાત સહેલાણીઓના સ્વર્ગ સમાં કેનકુનથી ટુલુંમ જતી નાનકડી કેડી પર પુરપાટ વેગથી ઘોડો દોડી જતો હતો. આમતો આ આ બન્ને સ્થળો ને જોડતો મુખ્ય સડક માર્ગ પણ છે. પણ આ કેડી થોડો નિર્જન પણ ટૂંકો માર્ગ છે. પગે ચાલતા કે ઘોડા, ખચ્ચર જેવા જાનવરો સાથે જવા માટે આ કેડી ઘણી સારી પડે. ભૂખરા રંગનો જાતવાન ઘોડો અસવારનો મિજાજ પારખી ગયો હોય એમ એકધારી ગતિથી ચારે પગે દોડી રહ્યો હતો. ઘોડા પર સવાર થયેલી યુવતીએ ક્રીમ કલરનું કોડડ્રોયનું ચુસ્ત પેન્ટ પહેરેલું હતું. ઉપર મુલાયમ પોતનું શરીર પર ચસોચસ બેસતું કથ્થાઈ કલરનું ટોપ, પેન્ટમાં ઇન્ કરેલું હતું. એની ઉપર પાતળું સફેદ કલરનું નાનું જેકેટ, ગળામાં સુંદર મજાનો આછા કથ્થઈ કલરનો સ્કાર્ફ, કમર પર મોટાં બક્કલવાળો ચામડાનો બેલ્ટ, માથે ક્રીમ કલરની ફેલ્ટ હેટ અને પગમાં ઘુંટણ સુધી આવતાં કથ્થઈ વાધરી વાળા મોંઘા શુઝ પહેરેલા હતાં. આંખો પર ઓકલીના સનગ્લાસીસ સાથે એક હાથે ઘોડાની લગામ પકડીને ઘોડાને દોડાવતી યુવતીએ બીજા હાથે ઘોડા પર લાદેલા જીનનો હાથો પકડી રાખ્યો હતો. ઘોડો અસવારના મનમાં ચાલતા વિચારોની જેમ જ વાંકીચૂંકી કેડી પર પુરપાટ દોડતો જતો હતો. દોડતાં ઘોડા સાથે યુવતીનુ શરીર પણ લયબદ્ધ રીતે તાલ મેળવતું હતું. ખાસ કરીને હેટ નીચેના આછા ભૂખરા વાળ ઘોડાની પૂંછડીની જેમ આમતેમ ઉછળતાં જતા હતા. પહાડની સાઈડમાં પૂર્વમાં ઉગેલા સૂર્યના કિરણો યુવતીના મ્હોં પર પડતા હતા. સતત ઘોડેસવારીને કારણે યુવતીના ગૌર ચહેરા પરથી પ્રસ્વેદના રેલાં દડતાં હતા. યુવતીના મોઢા પરની મક્કમતા જોતા લાગતું હતું કે એ ઘોડેસવારીમાં ઘણી કાબેલ હતી. એના દેખાવ પરથી તો એ ધનિક પરિવારની ફરજંદ લાગતી હતી પણ ઘોડેસવારી તો એ દેહાતી કરતા ય કુશળતાથી કરતી હતી. પહાડી રસ્તો હતો એટલે ઉંચી નીચી ટેકરીઓ આવતી હતી. છતાં ય એ ઘોડાની સ્પીડને ઓછી પvney

ડવા દેતી નહોતી. લાગતું હતું કે ઘોડેસવારીમાં ઘણી જ માહિર હતી. ઉબડ ખાબડ રસ્તો પૂરો થતાં ટુલુંમ પાસે આવતાં આગળ જતા થોડી સમતલ જમીન હતી. ત્યાં આવીને એણે લગામ ખેંચીને ઘોડાની ગતિ ધીમી પાડી. ઘોડો થાક્યો હતો અને અસવાર પણ. મેક્સિકોની સવાર આમતો ખુશનુમાં હોય છે પણ પહાડી વાતાવરણમાં ઘોડેસવારી કરવાથી ગરમી ઘણી લાગે અને એ પણ જયારે સૂર્ય નો પ્રકાશ સામે જ આવતો હોય. ઘોડે સવારી શ્વેતાનો શોખ હતો. ઘોડો રેવાલ ચાલે સવારે ચિંધેલા માર્ગ પર ચાલવા લાગ્યો. એ ટુલુંમ પાસે આવી પહોંચી હતી. ટુલુંમ એ મેક્સિકોનું ખુબ જ પ્રખ્યાત માયા સંસ્કૃતીના ખંડેર સાચવતું ઐતીહાસિક સ્થળ છે. જે રીતે ઇન્ડીયામાં સિંધુ નદીની સંસ્કૃતિ વિકસી હતી એમ સાઉથ અમેરિકામાં સેંકડો વરસો પહેલા માયા સંસ્કૃતી અહિયાં વિકસી હતી અને સમયની આધુનિકતા સાથે સાથે માયા સંસ્કૃતિ ધ્વંસ પણ થઇ ગઈ હતી. ટુલુંમ પાસે માયા સંસ્કૃતિ ના અવશેષો સાચવતા ખંડેરો છે.

ઘોડા પર સવાર થયેલી યુવતી હતી શ્વેતા. શ્વેતા, ભારદ્વાજ કુટુંબની લાડકવાઈ દીકરી હતી. એ હંમેશા વેકેશનનો સમય ગાળવા દુનિયાના અલગ અલગ સ્થળોએ જતી. મેક્સિકોમાં કરેબિયન દરિયાકિનારે આવેલું કેનકુન એનું પ્રિય સ્થળ હતું. આમતો કેન્કુનમાં ઘણા રીઝોર્ટ્સ હતા. આ બધાં રીઝોર્ટ્સથી થોડે દુર ભારદ્વાજ કુટુંબનું બીચ હાઉસ હતું. ઇન્ડીયાના આંગળીના ટેરવે ગણી શકાય એવા અતિ ધનિક પરિવારોમાં ભારદ્વાજ કુટુંબ મોખરે હતું. ભારદ્વાજ કુટુંબના સર્વેસર્વા એવા વિનાયક ભારદ્વાજની મિલકતો દુનિયામાં ઠેર ઠેર પથરાયેલી હતી. ભારદ્વાજ કુટુંબના સભ્યોમાંથી કોઈક તો આ બીચ હાઉસ પર ના હોય એવું બનતું નહિ. આ વખતે શ્વેતા એની ખાસ ફ્રેન્ડ સીમા સાથે વેકેશન માણવા આવી હતી. સીમા શ્વેતાની અંતરંગ સહેલી હતી. સીમા પણ શ્રીમંત કુટુંબમાંથી આવતી હતી પણ એમનું કુટુંબ ભારદ્વાજ કુટુંબની સરખામણીએ ઘણું જ પાછળ હતું. વેકેશન દરમ્યાન થતી મોડી રાતની પાર્ટીઓને કારણે સીમા સવારે મોડેથી ઉઠતી. પણ શ્વેતા તો અર્લી બર્ડ હતી. તે વહેલી સવારે સૂર્યોદય થતાં પહેલા જ ઘોડેસવારી માટે નીકળી જતી. આજે સવારે જ સ્નેહલતાએ એને ફોન કર્યો હતો. મા ફોનમાં થોડી વિહ્વળ જણાતી હતી. એણે અસ્પષ્ટ વાતો કરી. એમ લાગ્યું કે એ કઈ ખાસ વાત કરવા માંગતી હતી, પણ પછી એણે ઠીક થી વાત ના કરી અને ફોન મુકાઈ ગયો. શ્વેતા એની મા અને પાપાની લાડકી હતી. ગમે ત્યાં હોય પણ એ એની સાથે વાત ના કરે એમ ક્યારેય બનતું નહિ. શ્વેતા માટે એનો પિતા એક હીરો હતાં. એ એના પિતાને ખુબ જ ચાહતી. એ ટુલુંમ પાસે થઈને ત્યાંથી દરિયા કિનારા તરફ ઘોડાને વાળ્યો. હવે ઘોડો દરિયા કિનારાની રેતીમાં રેવાલ ચાલે ચાલતો હતો. થોડે દુર એક પાલ્મ ટ્રીનું થડ પડ્યું હતું. એણે ઘોડો ત્યાં રોક્યો અને બાજુમાં રેતીના ઢગ પાસે એ બેઠી. એનાં ગૌર ચહેરા પર પ્રસ્વેદબિંદુઓ બાઝ્યાં હતા. એણે હેટ કાઢીને બાજુ પર મૂકી. વાળની લટો પ્રસ્વેદથી ભીની થઈને એના ચહેરાને ચોંટતી હતી. પ્રસ્વેદના રેલા મુખ પરથી રેલાઈને ગળા પર થઈને એના ટોપની અંદર જતા હતા. એનો શ્વાસોશ્વાસ ખુબ ઝડપથી ચાલતો હતો. એણે જેકેટ અને સ્કાર્ફ ઉતારીને બાજુ પર મુક્યાં. ટોપને હાથની બે આંગળીઓ વડે બટન પટ્ટીથી પકડીને સહેજ ઊંચું કર્યું જેથી એના પ્રસ્વેદવાળા બદનમાં કઈંક ઠંડક થાય. એ પગ લાંબો કરીને પાલ્મ ટ્રી ના તૂટેલા થડીયા પર બેઠી. દ્રશ્ય ખરેખર મનોહર હતું. વહેલી સવારના ઉગતા સૂર્યના કિરણો દરિયાના પાણી પર પડતા હતા. સોનવર્ણા સૂર્યકિરણો બેઠેલી શ્વેતા પર પડતા હતા. કરેબિયન સાગરના મોજા ખડક પર અથડાવાના અવાજ સાથે મંદ મંદ વહેતો સમીર શ્વેતાના વાળની લટો સાથે અડપલાં કરતો જતો હતો. વાતાવરણ ખુબ જ સુદર હતું. આસમાની પાણી વાળા સુંદર દરિયા કિનારે બેઠેલી શ્વેતા સૌન્દર્યની આધુનિક મુરત જેવી લાગતી હતી.

વહેલી સવારે ટુલુંમ પાસે બહુ થોડા માણસો રહેતા. બપોરે ત્યાં પર્યટકોની બહુ જ ભીડ રહેતી. આર્યન વહેલી સવારે ટુલુંમ પર આવ્યો હતો. આર્યનને ઐતીહાસિક સ્થળોમાં બહુ જ રસ પડતો. આમ એ ઘણીવાર ટુલુંમ જોવા આવ્યો હતો. પણ દિવસ દરમ્યાન પર્યટકોની ભીડને એવોઈડ કરવા એ વહેલી સવારે ટુલુંમ જોવા આવ્યો હતો. પણ દુરથી જ એની નજર દરિયા કિનારાની નજીક બેઠેલી સુંદર યુવતી પર પડી. આર્યને આ દ્રશ્ય જોયું અને એ જોતો જ રહી ગયો. શ્વેતા વિચારોમાં ગર્ત હતી.આર્યનને એવું લાગ્યું કે જાણે જલપરી દરિયામાંથી નીકળીને કિનારે થાક ઉતારવા બેઠી છે. અલબત્ત એ આધુનિક જલપરી હતી.

ભારદ્વાજ કુટુંબ ફક્ત મુંબઈના જ નહીં પણ ભારતના અતિ શ્રીમંત પરિવારોમાં અગ્રેસર હતું. ભારદ્વાજ એમ્પાયર ભારતમાં મોટાભાગના સ્થળોમાં પ્રસરાયેલું હતું. ટેક્સટાઈલ ઇન્ડસ્ટ્રીમાંથી શરૂઆત કરીને આજે ભારદ્વાજ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ ટેક્સટાઈલ, પેટ્રોકેમિકલ્સ, પેટ્રોલીયમ રીફાઇનરી, સ્ટીલ, માઈનીંગ, ટેલીકોમ્યુનીકેશન વિગેરે ધંધાઓમાં અગ્રેસર રહીને હવે રીટેઈલ બીઝનેસમાં પણ ઝંપલાવી ચુક્યું હતું. ભારદ્વાજ ઇન્ડસ્ટ્રી દુનિયાની ફોર્ચ્યુન 500 કંપનીઝ માં સ્થાન પામી ચુકી હતી. કહેવાતું હતું કે વિનાયક ભારદ્વાજે પોતાના એકલા હાથે આ અઢળક સંપતિ હાંસિલ કરી હતી. વિનાયક ભારદ્વાજ એક અતિ ગરીબ કુટુંબમાંથી આવેલ સામાન્ય વ્યક્તિ જ હતો. મહારાષ્ટ્રના માલેગાંવ નામના એક નાના ગામમાં એનો ઉછેર થયો હતો. નાની ઉમરે જ એણે અવનવા ધંધા કરવા માંડ્યા હતા. પણ નશીબ તો આડુ જ રહ્યું. પિતાએ નાનપણમાં જ એના વિવાહ એમના મિત્ર સખારામ કોન્ડકેની પુત્રી સ્નેહલતા સાથે કરી દીધા હતા. જાત જાતના ધંધામાં નશીબ અજમાવતો અને દરેક ધંધામાં ખોટ ખાતો વિનાયક કોઈ પણ રીતે પૈસાદાર થવાય એ મહેચ્છા ધરાવતો હતો. છેવટે એના એક મિત્ર સાથે નશીબ અજમાવવા શારજાહ ગયો. શારજાહમાં પણ એ જાતજાતની નોકરીઓ કરી અને પૈસા કમાવવાનો પ્રયત્નો કરતો રહ્યો. શારજાહમાંથી સામાન્ય નોકરી કરવા ગયેલા વિનાયકના નશીબનું પાંદડું એ શારજાહથી કેન્યામાં ગયો ત્યાં ફરી ગયું હતું. દેશમાં નિષ્ફળ નીવડેલાં વિનાયકની જીંદગીમાં અચાનક જ બહાર આવી હતી. વિનાયક ઘણો જ પ્રમાણિક અને સાહસિક વ્યક્તિ હતો. પણ સંજોગોના વમળમાં ઘેરાયેલો વિનાયક પૈસાદાર બન્યો હતો. એ મનનો મેલો નહોતો. પણ સંજોગો એની સાથે એવી રમત રમી ગયા કે એને જીંદગી સાથે સમાધાન કરવું પડ્યું હતું. પણ એના સંજોગોને જોતાં એ વખતે એને લાગ્યું હતું કે એ સમાધાનમાં જ ઘણા બધાનું શ્રેય સમાયેલું હતું. શારજાહ ગયા પછી એના તરફથી સંદેશાવ્યવહાર બંધ થઇ ગયો. ઘણા સમય સુધી તો એનો કોઈ જ પત્તો નહોતો. લગભગ ચાર વરસ વીતી ગયા. ઇન્ડીયામાં સ્નેહલતા વિનાયકના માતા પિતા સાથે વિનાયકે શારજાહ જતા પહેલા એનામાં સીંચેલી ભેટ સાથે ચિંતામાં જીવતી હતી. સ્નેહલતાએ વિનાયકના પુત્રને જન્મ આપ્યો હતો. વિનાયકના પિતાએ એમના પૌત્રનું નામ રાખ્યું હતું શુબાન. વિનાયકના પિતા મૂળ તો ઉત્તર ભારતના બ્રાહ્મણ હતા પણ વરસોથી એમનો વસવાટ નાશિક પાસેના માલેગાંવમાં હતો. ગણપતિ ગજાનંદમાં અપાર શ્રદ્ધા એટલે દીકરાનું નામ વિનાયક અને પૌત્રનું નામ શુબાન રાખ્યું હતું.

આખરે શુબાન સાડાપાંચ વરસનો થયો ત્યારે અચાનક જ એક દિવસ વિનાયક પરત આવ્યો. પરદેશથી પાછા આવેલા વિનાયકના ઠાઠ બદલાઈ ચુકેલા હતા. એ એની સાથે પારાવાર ધન કમાઈ લાવ્યો હતો. એ ધનના સહારે જ વિનાયકે ટેક્સટાઈલ મિલ શરુ કરી હતી. વિનાયકમાં હવે ધંધાની રુખ પકડવાની કુશળતા આવી ગઈ હતી. ક્યારે કોને કઈ રીતે હાથમાં રાખવા એની ફાવટ વિનાયકને શારજાહમાંથી જ આવી ગઈ હતી. મિલમાં પણ અઢળક ધન કમાઈને વિનાયકે ધીરે ધીરે બીજા ધંધાઓમાં પણ હાથ અજમાવવા માંડ્યો અને ધીરે ધીરે સફળતાની સીડીઓ ચઢતો વિનાયક ભારદ્વાજ ગ્રુપ્સ ઓફ ઇન્ડસ્ટ્રીઝનો સર્વેસર્વાં બની ગયો. આ દરમ્યાન વિનાયક -લતાના ઘરે નાનકડી પરી શ્વેતાનું આગમન થઇ ચુક્યું હતું. સાત વરસના શુબાન માટે નાનકડી પરી શ્વેતા ખુબ જ વ્હાલસોઈ હતી. એ જયારે પણ બાળકોને પ્રેમ કરતો ત્યારે અઢળક સંપત્તિના માલિક વિનાયક ભારદ્વાજની રુક્ષ પણ આકર્ષક ચહેરા પર હમેશા આછું દર્દ ભર્યું સ્મિત છવાયેલું રહેતું. ક્યારેક એમ લાગતું કે એની જિંદગીમાં ક્યાંક કશું ખૂટતું હોય કે કોઈને અન્યાય કર્યો હોય એ જાતનું દર્દ એના મનમાં આવી જતું. પણ એ ક્યારેય સ્નેહલતા કે પોતાના પિતાને એવું કળવા નહોતો દેતો. સમયે સમયે વિનાયક બીઝનેસ ટુર પર તો જતો જ હતો. પણ ઘણી વેળા એનું વિદેશમાં રોકાવાનું અકારણ લંબાતું. સ્નેહલતા બાળકોના અભ્યાસ અને ઉછેરમાં જ ધ્યાન આપતી. એ સીધી સાદી અને ખુબ જ સાલસ સ્વભાવની સ્ત્રી હતી. વિનાયક ધંધાના વિકાસ માટે દેશ-વિદેશમાં ફરતો રહેતો હતો. ભારતમાં ઔદ્યોગિક જગતમાં પગ જમાવવાની સાથે સાથે એ વિદેશોમાં પણ પોતાની ઓફીસ ખોલતો જતો હતો. શારજાહ અને કેન્યાનું એને આકર્ષણ વધારે રહેતું.

દરિયા કિનારે બેઠેલી શ્વેતા કયાંય સુધી વિચારોમાં ડૂબેલી જ રહી. એના મનમાં આજે માના આવેલા ફોનની વાત ઘુમરાતી હતી. એને લાગ્યું કે મા થોડી પરેશાન લાગતી હતી પછી એમ પણ વિચાર્યું કે કદાચ મા એને મિસ કરતી હશે એટલે એવું લાગ્યું હશે. થોડીવાર પછી શ્વેતા એ ઉભા થઈને જેકેટ પહેર્યું, માથે હેટ પહેરી એનો ઘોડો પલાણ્યો અને સડસડાટ કેડી માર્ગે નીકળી ગઈ. દુરથી જ આર્યને એણે જોઈ હતી. દુરથી જ એને લાગ્યું હતું કે જલપરી જેવી યુવતી ઇન્ડિયન હતી. એ એના સૌન્દર્યથી અભિભૂત થઇ ગયો હતો. એ ઝડપથી શ્વેતા બેઠી હતી ત્યાં આવ્યો પણ એટલામાં તો શ્વેતા નીકળી ચુકી હતી. એને બુમ મારવાનો પ્રયત્ન પણ કર્યો પણ શ્વેતાના કાને એનો અવાજ પડ્યો જ નહીં. આર્યને નજીક આવીને જોયું તો એને શ્વેતાનો કથ્થઈ કલરનો સ્કાર્ફ દેખાયો. શ્વેતા ઉતાવળમાં એ ભૂલી ગઈ હતી. આર્યને સ્કાર્ફ ઉઠાવ્યો, એમાંથી એક અનેરી સુગંધ આવતી હતી. આર્યને શ્વેતાને દુરથી જ જોઈ હતી. શ્વેતાએ આર્યનના મનમાં કશી ના સમજાય એવી લાગણી જન્માવી હતી. એણે સ્કાર્ફને પોતાની પાસે રાખ્યો. એક એ આશા એ કે આ યુવતી એને ક્યાકતો ભટકાશે જ.

બીચ હાઉસ નજદીક આવતાં શ્વેતાએ ઘોડાને ધીમી ગતિએ ચલાવ્યો. બીચ હાઉસના પ્રાંગણમાં શ્વેતા છલાંગ મારતી ઘોડા પરથી ઊતરી. શ્વેતાએ અશ્વપાલકના હાથમાં ઘોડાની લગામ સોંપી, ઘોડાની પીઠ થપથપાવી, ગરદન પાસે હાથ પંપાળીને વ્હાલથી આભારની લાગણી વ્યક્ત કરી. શ્વેતાને મુક જાનવર પ્રત્યે ખુબ જ હમદર્દી હતી. એમાં ખાસ કરીને હોર્સ અને ડોગ્સ પ્રત્યે. મુંબઈ એમના બંગલામાં ત્રણ ઉંચી ઓલાદના કૂતરાં હતા. બે ઊંચા અને પડછંદ એમાં “ટાઇગર” આલ્શેશીયન, “ચંક્સ” રોટ વાઈલર અને નાનકડો મજાનો પ્યારો “ચાર્લી” છુવાવા. ત્રણે ઉમદા ઓલાદના ખતરનાક પણ એટલા જ પ્યારા કૂતરાં હતા. ઘોડાને અશ્વપાલકને સોંપીને એ વિશાળ દિવાનખાનામાં આવી તો ત્યારે સીમા ઉઠી ચુકી હતી.

એને જોતા જ સીમા બોલી, “હાય ગુડમોર્નિંગ ડીયર! તું તો સવાર સવારમાં જ નીકળી પડી ને? મને ઉઠાડી કેમ નહિ?”

શ્વેતા એ હસતા કહ્યું, “તું વળી કયા દિવસે વહેલી ઉઠે છે. હું નીકળી ત્યારે તો તું ઘોરતી હતી. તને ખબર છે ને કે મને ઘોડેસવારીનો કેટલો શોખ છે? અને અહી મેક્સિકોનું ખુલ્લું, ખુશનુમા વાતાવરણ, સવારની ઠંડકમાં ઘોડેસવારી કરવાની મજા જ કઈ ઓર છે. મુંબઈમાં આવો લ્હાવો નથી મળતો”

બોલતા શ્વેતાના મુખ પર એક ખુશીની લહેર ઉભરાઈ આવી.

” તે કોફી – નાસ્તો કર્યો કે બાકી જ છે ?”

“ડાર્લિંગ, તારી જ રાહ જોતી હું બેઠી હતી.”

બોલતા સીમા એ પાસે પડેલું ગોંગ વગાડ્યું અને નોકરને કોફી અને નાસ્તો સર્વ કરવા કહ્યું. બીચ હાઉસમાં બધા જ નોકરોની ભરતી એમની લાયકાત જોઇને જ કરાતી. બધા જ નોકરો આમ તો મેક્સિકન હોવા છતાં અંગ્રેજી ઘણું સારું બોલતાં. ડાઈનીંગ ટેબલ પર કોફી સાથે નાસ્તાને ન્યાય આપતાં સીમા એ કહ્યું,

“એય, વહેલી સવારે કોનો ફોન હતો? પાપાનો ફોન હતો?” સીમા પણ શ્વેતાના પિતાને ને પાપા જ કહીને બોલાવતી. સીમા-શ્વેતાની દોસ્તી મિડલ સ્કુલથી વિકસી હતી. લગભગ સાથે જ મોટા થયેલા એટલે એ બેમાં બહેનો જેવો પ્રેમ હતો. ક્યારેય કોઈ વસ્તુ માટે એ બે માં કોઈ ઝઘડો નહતો થયો કે નહોતું કોઈ વાત પર માઠું લાગ્યું. બંને એકબીજાને સાથે લગભગ બધી જ વાતો કરતી. શ્વેતા બધાની લાડકવાયી હતી પણ સીમા માટે તો શ્વેતા દિલોજાન દોસ્ત હતી.

“ના, પાપા તો એમની બીઝનેસ ટુર પર છે, એમનો sms મેસેજ તો રાતે જ આવી ગયો હતો. મા નો ફોન હતો ” કહીને શ્વેતાએ વાત ઉડાડી દીધી. આમ તો શ્વેતા સીમાથી કોઈ વાત છુપાવતી નહિ પણ આ માની વિહવળતાનો તાગ મેળવ્યા વિના તે કશું કહેવા કે ચર્ચવા નહોતી માંગતી. કદાચ એ એના મનનો વહેમ પણ હોય.

“એય, ચાલ જલ્દીથી તૈયાર થઇ જા, પછી આપણે ડાઉન-ટાઉન જઈએ” સીમા બોલી. શ્વેતા થોડી થાકી હતી તેથી હમણા બહાર જવાના મૂડમાં નહોતી.

“ના રે બાબા! હમણાં નહિ, સાંજે જઈશું. રાત્રે ડીનર પણ બહાર કરીશું અને પછી “કોકો બોન્ગો” માં ડાન્સ માટે ય જઈશું. હમણાં તો મારો સ્વીમીંગનો ઈરાદો છે!” આંખો નચાવતાં શ્વેતા બોલી ને પછી કપડાં બદલવાં એના રૂમમાં ગઈ. કોકો બોંગો કેન કુન-રિવેરા વિસ્તારની પ્રખ્યાત નાઈટ ક્લબ હતી.

સીમાને દીવાનખાનામાં જ છોડી શ્વેતા એના રૂમમાં ગઈ. રૂમમાં જઈને એણે ફરીવાર ઇન્ડિયા ફોન લગાવી જોયો પણ ફોન લાગ્યો નહિ. શ્વેતાના મનમાં કોણ જાણે કેમ પણ માના ફોનની વાત ઘર કરી ગઈ હતી. દીકરી હતીને? માના અવાજની વિહવળતા એને પણ વિહ્વળ કરી ગઈ હતી. માના ફોનને કારણે શ્વેતાના મનમાં કંઈક વિચિત્ર ફીલિંગ ઉભી થઇ હતી. ભવિષ્યની ગર્તામાં શું હતું એ શ્વેતાને ખબર નહોતી.

(ક્રમશ:)— અજય પંચાલ (USA)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED