વમળ પ્રકરણ 6 Shabdavkash દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વમળ પ્રકરણ 6

વમળ પ્રકરણ -6 લેખિકા:- નીવારાજ

ઘણા દિવસ પછી પાર્લર જવા નીકળ્યા …સીમા રોજ એકાદ વાર યાદ અપાવતી પણ શ્વેતા કોઈને કોઈ રીતે ટાળતી . કોણ જાણે કેમ પણ સીમાને લાગતું હતું કે સાવ નોર્મલ દેખાતી શ્વેતા સાથે બધું ઠીક નથી. વાત ઉખાળવા બેસતી તો વાતનો છેડો બીજે લંબાઈ જતો અને આર્યન કેન્દ્રસ્થાને આવી જતો. આ ત્રણેય ઘણી વાર મળતા…એક સમજણ આવતી હોય એવું લાગતું હતું પણ હજુ બધું ધૂંધળું હતું… શ્વેતાને આર્યનનું સાનિધ્ય ગમતું તો સીમાને પણ ગમતું….સીમા રસ્તા પર પસાર થતા વાહનો જોતી આ બધું વિચારતી હતી… કાર સિગ્નલ પાસે ઉભી રહી ગઈ ..બંધ બારી વીંધી બહારથી આવતા હોર્નના અવાજોથી શ્વેતા વિચારોમાંથી જાણે ઝબકી .

સીમાનો બડબડાટ ચાલુ હતો .

“સામે દેખાય છે કે લાલ લાઈટ છે ..સિગ્નલ છે ..તોય આ લોકો હોર્ન કેમ મારતા હશે? આગળવાળા અહીં ઉભા રહેવા આવતા હશે ? અવાજ અવાજ અવાજ … ઘરમાં ટીવીનો અવાજ ..રસ્તામાં હોર્નનો અવાજ ..લગ્નમાં બેન્ડ કે ડી જે નો અવાજ …ધાર્મિક સ્થળોએ ભક્તિનો અવાજ …બસ આ ઘોંઘાટ જ આપણી ઓળખ બની ગયો છે . ”

એને આમ ગુસ્સે થતી જોવી એ શ્વેતા માટે એક લ્હાવો હતો . તો બહુ ગોરી નહી પણ એકંદરે સુંદર નાક નકશી ધરાવતી સીમાને એકદમ ગોરી અને લહેરાતા વાળવાળી શ્વેતા કાયમ ગમતી.

એક હળવા ઝટકા સાથે ડ્રાઈવરે કાર ચાલુ કરી . અને ગતિ સાથે વિચારો પણ ગતિ કરવા લાગ્યા. પાર્લર આવતા સુધીમાં તો સીમાએ આખા ભારત દેશની કેટલીય અવ્યવસ્થા પર નાનકડું ભાષણ આપી દીધું હતું.

પાર્લરમાં એમના માટે સમય નક્કી હતો એટલે કોઈ રાહ જોયા વગર શ્વેતા વાળ ટ્રીમ કરાવવા બેસી ગઈ . એના લાંબા કાળા અને ઘટ્ટ વાળ ખુરશી પાછળ ફેલાઈ ગયા ..વાળ પર પાણી સ્પ્રે કરતા જ હેર ડ્રેસર સુલભાથી બોલાઈ ગયું . ” તમારા લાંબા વાળ તમારા મમ્મીનો વારસો છે. આપણે મરાઠી સ્ત્રીઓને થોડા વાંકડિયા પણ કાળા વાળનું વરદાન હોય છે. પણ સ્નેહલત્તામેમના વાળ તો કેટલા ચમકદાર અને લાંબા હતા” …સુલભા બોલતી રહી અને એનો અવાજ શ્વેતાના કાનમાં ગુંજતો રહ્યો ..મમ્મીની યાદ મનનાં એક ખૂણેથી સરકીને સપાટી પર આવી ગઈ . તે દિવસે પપ્પા સાથે થયેલી વાત યાદ આવતા.બધું ભેળસેળ થવા માંડ્યું. એની આંખો એકદમ લાલ થઇ ગઈ. આંસુઓને એમનો રસ્તો મળતો નથી ત્યારે એ બોજ બની જાય છે . એક પિતા પોતાની દીકરી સાથે પત્નીના અવસાનના દિવસોમાં આવી વાત કરે ? …ઉફ્ફ મમ્મી સાથે કેટલો મોટો દગો થયો … !!!

સુલભાની સૂચનાઓ એ માનતી ગઈ અને એનું સ્પાથી લઈને બોડી મસાજ થતું રહ્યું . બંધ આંખો પાછળ માબાપના જીવનનું ચિત્ર ચાલતું રહ્યું. માબાપ વિષે , એમના જીવન વિષે આવું વિચારવું કોઈ વયસ્ક સંતાન માટે પણ બહુ મુશ્કેલ બને.

એ દિવસે વિનાયકે દિલ ખોલી વાત કરી નાખી ત્યારે પોતે સ્વસ્થ હોવાનો ડોળ કરી રૂમમાં તો આવી આર્યન સાથે વાત કરી મનને અન્યત્ર ખસેડવા ધાર્યું પણ ઊંઘમાં પણ મમ્મીનો ચહેરો ઘુમરાયા કર્યો …અંતિમ ક્ષણોમાં એ કેવી તૂટી ગઈ હશે ..એને કેવો આઘાત લાગ્યો હશે એ વિચારે એ ઝબકીને જાગી જતી. વળતી સવારે મમ્મીના રૂમમાં જઈ એના કબાટને ખોલી એની સાડીઓ અને ઘરેણા પર હાથ ફેરવ્યા કર્યો. હવે એને સમજ પડી હતી મમ્મી શું કહેવા માંગતી હતી . પણ શુબાનના કહેવા પ્રમાણે મમ્મી તો તરત … તો એને શું કહેવું હશે ? સજળ આંખે એણે ઝડપભેર કબાટ ફંફોસવા માંડ્યો અને એક ડાયરી સરી પડી. એક ઝડપે એ ડાયરી લઈ એ પથારી પર બેસી પડી અને પાનાં ફેરવવા માંડી . મમ્મીને કશુંક ટપકાવ્યા કરવાની ટેવ હતી. નાની મોટી ચીજો ખરીદતી વખતે એની નોંધ કરવાની ટેવ હતી એનો એને ખ્યાલ હતો. પણ શ્વેતા આશ્ચર્યચકિત થઇ ગઈ જ્યારે એણે લાંબા લખાણો ડાયરીમાં જોયા. લાગણીસભર વાતો ..બંને બાળકો વિષે ઝીણી ઝીણી વાતો એમાં લખેલી હતી. બહાર ફરતા બાળકોને ઘરમાં રહેલી મા એમના માટે શું વિચાર્યા કરતી હશે એનો ખ્યાલ નથી આવતો .શ્વેતાની આંખો છલકાઈ ઉઠી . સામે પડેલી ડાયરીના અક્ષરો ધૂંધળા થઇ ગયા …બેય હથેળી બે આંખ પર ભીડી એણે આંસુઓ ટપકાવી લીધા. ડાયરી હાથમાં લઇ એ પલંગ પર આડી પડી. અને સ્નેહલતા જાણે એની સાથે વાતો કરતી હોય એવું એણે અનુભવ્યું. લગભગ દોઢેક કલાક આમ જ એ વાંચતી રહી. અને અચાનક એ એક ઝાટકા સાથે ઉભી થઇ ગઈ .

સામે દેખાતા અક્ષરો એને ભાલાની જેમ વાગ્યા.

” વિનાયકનો પાસપોર્ટ હાથમાં આવ્યો. શારજહામાં કામ છે એવું કહીને એ કેન્યા છ મહિના જેટલો સમય કેમ રહેતા હશે ? આ સવાલનો જવાબ મેળવવો જરૂરી છે . પણ એવો કોઈ મોકો ક્યાં મળે છે કે મનની વાત પૂછી શકું ….!! ”

શ્વેતાએ ફટાફટ આગલા પાના ફેરવ્યા . બે ત્રણ પાના ..એકાદ મહિના પછીની નોંધ હતી …

” આજે વિનાયકે શુબાનના જન્મદિવસ વિશ કરવા ફોન કર્યો .લેન્ડલાઇનથી આવેલા ફોનનો કોડ નંબર પછી તપાસ્યો . વિનાયક કેન્યામાં શું કરે છે ? ત્યાં બિઝનેશ છે એવી વાત કેમ ખ્યાલ નથી ? કેન્યામાં ભારતીયો ભારે દબદબાભેર જીવે છે એ તો ખબર છે પણ વિનાયક ત્યાં કેમ છે ? ”

” મેં વિનાયકને પૂછી લીધું કે કેન્યા શું કામ જાઓ છો ? એમણે કહ્યું કેન્યા કેમ જવાનું હોય? અને એકાદ દિવસ માટે તો કોઈ મીટીંગમાં જવાનું પણ બને ..એમની વાતમાં મજબુતી કેમ ન લાગી ? અને પાસપોર્ટ તો અલગ જ વાત કહે છે . શું હું સાવ સામાન્ય , સાધારણ સ્ત્રીની જેમ પતિ પર શંકા કરું છું ? મારે વિનાયક પર વિશ્વાસ કરવો જ રહ્યો પણ મારું મન ઘણું હાલકડોલક છે …ઘણી વાર છીદ્રોમાંથી આખું આકાશ દેખાઈ જાય છે … આ નાની નાની ઘટના મને કોઈ એક આખી વાસ્તવિકતા તો નથી બતાવતી ને ? શંકાનું બીજ વટવૃક્ષ બને એ પહેલા એના પર એસીડ રેડવું જરૂરી છે .”

આટલું વાંચતા જ શ્વેતા ધ્રુસકે ધ્રુસકે રડતી રહી. એની ભોળી મમ્મી પપ્પાની વાતમાં કેવી આસાનીથી આવી ગઈ હશે અને જયારે ઘટસ્ફોટ થયો ત્યારે પોતાના પતિ તરફનું માન સન્માન કેવું ધરાશયી થયું હશે …!! પૈસા , મોભો , દેખાડો , દંભ આ બધું ઈજ્જત વગર શું કામનું ? પોતાના પતિએ કરેલા વિશ્વાસઘાતને એ સ્ત્રી કેટલો દિલ પર લઇ બેઠી કે એ પ્રાણ સુધ્ધા ગુમાવી બેઠી . વિનાયક તરફ થયેલો અણગમો નફરતનો રંગ લઇ રહ્યો હતો.

અચાનક એના માથે કોઈએ કોમળતાથી હાથ ફેરવ્યો. રડતી આંખે એણે માથું ઊંચું કર્યું …. દાદાજી ….!! એમ બોલતી એ એમની કમર પર બે હાથ વીંટાળી સધિયારો મેળવવા રડતી રહી. જમાનાને ઓળખનાર દાદાજીએ એને રડવા દીધી અને પાસે બેસી ગયા.

મન એક બહુ ગજબ જગ્યા છે …હજાર પ્રયત્ન કરવા છતાં ન ખુલે એવા દરવાજા એક નાનકડી હૂંફની ફૂંકે ખુલી જાય છે . પોતાના ઘરની આટલી ગંભીર વાત સીમાને કહી શકે એટલી નાદાન શ્વેતા ન હતી અને શુબાન આ વાતને કેવી રીતે લેશે એનો કોઈ અંદાજ શ્વેતાને આવતો ન હતો ….તો આ ઉભરાટ ઠાલવવાનું ઠેકાણું મળ્યું હોય એમ એ વડીલ પાસે પોતાના મનનો આટલો તલસાટ અને માતા સાથે થયેલા અન્યાયની વાત એ સાવ સહજતાથી કહેતી ગઈ.

નિશબ્દ રહેલા પણ છેક અંદર સુધી ખળભળી ઉઠેલા દાદાજીને પોતાના જ પુત્ર ધ્વારા પોતાના ખાસ મિત્રની પુત્રી સાથે થયેલા અન્યાયની ઝાળ દઝાડતી રહી.એમણે ચુપચાપ બધું સાંભળ્યા કર્યું…પોતાના ખાનદાન અને ખોરડાની આબરુની દીવાલ પર પડેલું મોટું ગાબડું એમને સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. સ્નેહલતા એમના માટે સર્વસ્વ હતી. એમનું જીવન વિનાયક નહી સ્નેહલતાની આજુબાજુ જ ફર્યા કરતું હતું. પુત્રવધુ જયારે પુત્રી બને ત્યારે કોઈ સમસ્યા રહેતી નથી. અત્યંત મહત્વાકાંક્ષી પુત્રની ઝડપ પર લગામ કસવા જ આ ગભરુ અને શાણી દીકરીને એ ઘરમાં લાવ્યા હતા . અને એના મરણનું કારણ વિનાયક છે એ વિચારતા એમને કંપારી છૂટી ગઈ. પણ આઘાતને પચાવતા હોય એમ એ એમ જ બેઠા રહ્યા . દાદા અને દીકરી એકબીજાને સમજતા રહ્યા.

સીમાના અવાજે શ્વેતા પાછી વર્તમાનમાં ફરી .અને ઉદાસી પર એણે સ્વસ્થતાનું મ્હોરું ચડાવી દીધું. માણસ મોટાભાગનું જીવન મ્હોરા બદલીને વિતાવી લે છે. કયારેક કહેવું હોય છે પણ કહેવાતું નથી ક્યારેક કીધું હોય તો કોઈ સમજતું નથી. આપણી આજુબાજુના વાતાવરણને ખુશ રાખવા આવા મ્હોરા ઘણા કારગર નીવડે છે.

એ રાત પછી શ્વેતાના મનોજગતથી અજાણ વિનાયકે શ્વેતાને ઘણી સ્વસ્થ જોઈ રાહતનો શ્વાસ લીધો હતો અને રોહિણી સુધી આ વાત પહોંચતી કરી હતી. રોહિણી પણ થોડી હળવી બની હતી . UK ગયેલી ભણેશરી સોનિયા અને ફરવા નીકળેલી ચુલબુલી સલોની આ બે વચ્ચે સ્વભાવ , રસ રૂચી અને વલણ એનાં માટે કોયડા જેવા હતા. સોનિયા અને સલોનીના પિતા અલગ હતા પણ માતા તો રોહિણી જ હતી . ઉછેર સમાન , સગવડો , વૈભવ બધું સમાન પણ એક દિવસની જીંદગીમાં માનતી સલોની ઠાવકી બને એવા અરમાન રોહિણી અને વિનાયક બંનેના હતા.

રોહિણી કાયમ કહેતી ” તમારા લાડ અને વધારે છૂટછાટના કારણે જીદ, હઠ, નાદાની, બેફિકરાઈ, અને ઉડાઉ સ્વભાવ થઇ ગયો છે ..સલોની એટલે પતંગિયું . પણ ધ્યાન આપો , થોડો ઠપકો આપો …બાળપણમાં રહેલી નિર્દોષ મસ્તી ધીમે ધીમે અલગ રૂપ લઇ રહી છે.. સ્વતંત્રતા ક્યારે સ્વચ્છંદતા બની જશે એ ખબર નહી પડે .” પણ ફર્યા કરતા વિનાયકને ફોન કરી પોતાની વાત મનાવ્યા કરતી સલોનીને જોઈ રોહિણીને લાગતું કે બાજી હાથમાંથી સરકી રહી હતી. વિનાયક તો બે પરિવાર , ધંધા અને મુસાફરીમાંથી બહાર આવે તો આ બધાની ચર્ચા કરી શકાય એવું હતું . કેન્યામાં રહેલા ભારતીયો પોતાની જાતને ત્યાંના રહેવાસીઓ કરતા ઘણા ઊંચા અને કલ્ચર્ડ માને છે. અને ગરીબ , અભણ આફ્રીક્ન્સને નોકર બનાવી રાજ કરવા ટેવાયેલા હોય છે એવામાં સલોનીને છૂટો દોર ન મળે તો જ નવાઈ હતી.

સલોની આવે છે એ સમાચારે આર્યનને વધુ આનંદમાં લાવી દીધો હતો. જૂવાનીયાઓને પોતાને સમજે અને સાંભળે એવા મિત્રોથી ઘેરાયેલા રહેવું ગમતું હોય છે … સલોની બોલવાનું શરુ કરે ત્યારે બાકીનાએ સાંભળવાનું જ રહે એ વાત તો નક્કી હતી. શાંત અને સમજુ અને શાંત શ્વેતા , થોડીક ચુલબુલી સીમા સામે આ તોફાની વાવાઝોડા જેવી લાગશે એ વિચારે એરપોર્ટ જતી વખતે મોં પર સ્મિત ફેલાઈ ગયું.એ જ સમયે સીમા એના માટે મેસેજ ટાઈપ કરતી હતી .’હેય, અમે બેન્ડ સ્ટેન્ડ પર શહેનાઝ હુસેનના પાર્લરમાં છીએ … શ્વેતા થોડી ઉદાસ લાગ્યા કરે છે ..તું આવ તો એને થોડી મૂડમાં લાવીએ …ફિલ્મમાં જવા જેવું એનું માઈન્ડ સેટ નથી … માઉન્ટ મેરી જઈને બેન્ડ સ્ટેન્ડ પર બેસી ગપ્પા મારીએ’ સીમાને ખબર હતી કે આર્યન પર ફિલ્મ સિતારાઓની ઘણી ઘેરી અસર છે અને બેન્ડ સ્ટેન્ડ સિતારાઓથી ઝગમગતો વિસ્તાર ગણાય …અને એને લોકોથી ઘેરાઈ રહેવું ગમે છે એટલે સાંજે ઉભરાતી માનવભીડ એને ગમશે. જવાબ માટે મોબાઈલ સામે એક નજરે એ જોઈ રહી હતી. વોશ કર્યા પછી સેટ થયેલા વાળને ઠીક કરતી શ્વેતા એને અરીસામાંથી જોઈ રહી હતી. સીમાએ માથું ઊંચું કરી એને કહ્યું :’આર્યનને મેસેજ કર્યો છે …સાંજે એની સાથે રહીએ’ શ્વેતાએ કશું બોલ્યા વગર અરીસામાં પોતાની આંખો આસપાસના ઝાંખા કુંડાળા તરફ ધ્યાનથી જોયું. સીમાના મોબાઈલમાં મેસેજ ટોન વાગ્યો … એ વાંચતા સીમાના મોં પર પ્રસરી ગયેલી ઉદાસી જોઈ શ્વેતા બે ધડી સ્તબ્ધ બની ગઈ. સીમા …અને આર્યનને … !!! ‘ચાલ, ઘરે જઈએ’ …એમ કહી પર્સને હાથ પર લટકાડી સીમાએ નોર્મલ થવા પ્રયત્ન કર્યો.

સીમાને એના ઘરે ઉતારી શ્વેતા પોતાના રૂમમાં પુરાઈ ગઈ. બહાર દાદાજીને ત્રણે કુતરાઓ સાથે ટહેલતા અને વાતો કરતા સાંભળી રહી હતી … ઘરડા માણસને પોતાને સાંભળે એવા સાથીઓ પોતે પસંદ કરી લેવાના હોય છે . એ દરવાજો ખોલી બહાર આવી પણ વિનાયકના સ્ટડી રૂમ તરફ એની નજર પડતા જ એની સામે રોહિણીનો ચહેરો તરવરી ગયો. ફરી પાછી એ રૂમમાં ધુસી ગઈ અને રોહિણીના ચહેરાને બહાર રાખવો હોય એમ દરવાજો જોરથી ભીડી દીધો. એને વિચાર આવ્યો કે શુબાનને આ વાત કીધી હતી પણ એને કેમ સામાન્ય લાગી હશે ? કદાચ એટલે જ દીકરીઓ માતાને , એની પીડાને વધુ સમજી શકતી હશે .ગમે તેટલા આધુનિક જમાનામાં પિતા વિષે આવું જાણીને પુત્રને કેમ પીડા નહિ થતી હોય ?

વિનાયક ઘરમાં પ્રવેશ્યો ત્યારે પિતાજીને એકલા જમતા જોઈ જરા અચકાઈ ગયો. સ્નેહલત્તાના મૃત્યુ પછી વિનાયક થોડું વધુ કામમાં ખુંપેલો રહેતો. રાતે જમવાના ટેબલ પર પણ ભાગ્યે જ મળતો. મોટા ઘરોની આ વિડમ્બના હોય છે . હુંફ અનેક ઓરડા વહેંચાઇ જઈ તાર તાર થઇ જાય છે.

એણે પોતાના રૂમમાં જવા ફેરવેલી પીઠ પર એક ભારેખમ અવાજ અથડાયો …

‘વિનાયક , થોડી વાત કરવી છે ‘

ક્રમશ: — નીવારાજ