વમળ : અંતિમ પ્રકરણ -27 Shabdavkash દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વમળ : અંતિમ પ્રકરણ -27

વમળ

પ્રકરણ-27

લેખક: -અજય પંચાલ

શ્વેતાની ગુંચવણનો કોઈ જ પાર નહોતો. જે કાંઈ ઘટના બની હતી અને બની રહી હતી એમાં એનાથી એના મનમાં હજારો પ્રશ્નો ઉઠતા જતા હતા. પ્રોફેસર કરીમે કરેલી વાતો થોડી સમજાતી હતી પણ સાથે સાથે નવા નવા પ્રશ્નો ઉભા કરતી જતી હતી. શુબાને અચાનક જ લગ્ન કરીને આંચકો તો આપ્યો જ હતો. પણ એની સાથે સાથે સોનિયા વિષે ગૂંચવાડો ઉભો થયો હતો. પાપાના ગુસ્સાએ અને એમાં દાદાજીને આવેલા એટેકે એમાં આઘાત ઉમેર્યો હતો. એના નાનકડા-નિર્દોષ મગજમાં અસંખ્ય પ્રશ્નો હતાં. હોસ્પિટલની કોરીડોરમાં મોટો જમેલો ઉભો થયો હતો. દાદાજીને હોસ્પિટલમાં દાખલ કરવા આવેલા વિનાયક, શ્વેતા સાથે પ્રોફેસર કરીમ, શુબાન અને સોનિયા મોજુદ હતા. ઇન્સ્પેક્ટર પાટીલ આર્યન-જસબીર-સલોનીના કેસને કારણે ત્યાં જ હતા. એમાં જેપી અને જગડુ ખરબંદાની એન્ટ્રી થઇ. શ્વેતાની આખો ચકળવકળ થતી હતી. આમ તો ફક્ત શ્વેતા જ નહીં, પણ ત્યાં હાજર રહેલા દરેકના મગજમાં પ્રશ્નો જ પ્રશ્ન હતા. કોઈને ય પરિસ્થિતિનું સ્પષ્ટ ચિત્ર માલુમ નહોતું.

હોસ્પિટલ તરફ ગતિમાં ધસ્તી કારમાં રોહિણીનું મન સતત પરિતાપમાં હતું. સવારમાં જ અચાનક બંને દીકરીઓ તરફથી બે આઘાતજનક ન્યુઝ મળ્યા. સોનિયાએ છુપી રીતે લગ્ન કર્યા એ બાબત એના મગજમાં ઉતરતી નહોતી. આશ્ચર્યની બાબત એ હતી કે રોહિણીએ ક્યારેય દીકરીઓ સાથે માં જેવું વર્તન રાખ્યું જ નહોતું. એ હંમેશા દીકરીઓ સાથે સહેલી જેવું જ વર્તન રાખતી હતી. સોનિયા ખુબ જ ખુશમિજાજી હતી.એ એની મા સાથે કોલેજની બધી જ વાતો શેર કરતી હતી. રોહિણી એવો ખ્યાલ હતો જ કે સોનિયા કોઈની સાથે હળીમળી રહી છે. પણ એને ખબર હતી કે વખત આવે સોનિયા એની સાથે એના બોય ફ્રેન્ડની વાત શેર કરશે જ. એણે સામેથી કોઈ વાત કાઢી જ નહોતી. પણ આજે અચાનક જ લગ્ન કરીને એણે એક આઘાત આપ્યો હતો. એ આઘાત શમે એ પહેલા જ અનુરાધાએ કરેલા ટેક્ષ્ટ મેસેજથી એ ખળભળી ગઈ હતી. સલોનીને એક્સીડેન્ટ થયો હતો અને એ હોસ્પટલમાં ખુબ જ સિરિયસ હાલતમાં એડમિટ કરાઈ હતી. હોસ્પિટલના ગેટ પર કારમાંથી ઉતરતા જ અનુરાધા હાંફળી ફાંફળી દોડી આવી. રોહિણી અનુરાધા પર પ્રશ્નોનો મારો જ ચલાવ્યો. અનુરાધાએ ખુબ જ ઝડપથી આખી વાત રોહિણીને સમજાવી. રોહિણી આઘાત અને આશ્ચર્યથી આખી વાત સાંભળી રહી. ઓહ માય ગોડ, મારી દીકરીએ આ શું ગાંડપણ કરી નાખ્યું. એ આર્યનના પ્યારમાં પાગલ હતી પણ આવું પાગલપન કરશે એવો તો એને ખ્યાલ જ નહોતો.

"અનુરાધા, તું મને જલ્દીથી સલોની પાસે લઇ જા. મારું કાળજું ધડકે છે."

અનુરાધા એ કહ્યું, "આન્ટી, સલોની તો આઈ સી યુમાં દાખલ કરાઈ છે."

એ બને લગભગ દોડતાં દોડતાં હોસ્પિટલમાં દાખલ થયા. રોહિણીએ રસ્તામાંથી જ નિર્મલને ફોનથી જાણ કરી દીધી હતી. એ પણ ત્યાં આવી પહોંચ્યો. એ ત્રણે ઝડપથી આઈસીયુ કોરીડોરમાં દાખલ થયા. અને આખો ઝમેલો ત્યાં જોઈને એ ય ચોંકી ઉઠ્યા.

"રોહિણી તું ? અહીંયા…?

"વિમલ, તમે અહીંયા? તમને કોણે સમાચાર આપ્યા?"

રોહિણીને જોઈને સોનિયા દોડતી આવીને માં ને વળગી પડી. "મોમ, આઈ એમ રિયલી સોરી!" એની આંખમાંથી અશ્રુ વહેતા હતા. રોહિણીનો હાથ દીકરીની પીઠ પર સર્વ લાગ્યો. "બેટા, વાય ડીડ યુ રશ. યુ શુડ હેવ ટોક્ડ ટુ અસ. વી વુડ સૉર્ટ આઉટ થિંગ્સ. એની વે, વી કેન ટોક અબાઉટ ધેટ લેટર. ડીડ યુ ફાઇન્ડ આઉટ હાઉ સલોની ઇઝ?

"સલોની.......?" સોનિયાની સાથે સાથે વિનાયકના મોંમાંથી સલોનીનું નામ સાંભળી આશ્ચર્યથી ઉદગાર નીકળી ગયો.

"સલોની અહીંયા શું કરે છે? અમે તો અહીંયા બાપુજીને લઈને આવ્યા છે. આ હાલતમાં જો બાપુજી તને પણ અહીંયા જોશે તો એ વધુ ગુસ્સે થશે. પણ આ સલોની........!!"

નિર્મલે વિનાયકને આખી ઘટના જણાવી. નિર્મલની વાત સાંભળી ઇન્સ્પેક્ટર પાટીલ પણ આ વાતમાં જોડાયા.

" આ સલોની તમારી શું થાય છે મી. વિનાયક?"

"સલોની...... સલોની.... મારી ડોટર છે."

આ સાંભળી બધા જ ચોંકી ઉઠ્યા.

શ્વેતાના માથા પર તો જાણે આ સાંભળીને વીજળી પડી. એના માન્યામાં નહોતું આવતું. એના પાપાની બીજી ડોટર?? હજુ સોનિયાનો પ્રશ્ન તો એના માથામાં ઘૂમ્યા જ કરતો હતો. રોહિણીનો ચહેરો એણે કૈક જોયો હોય એવું લાગ્યું.

ઇન્સ્પેક્ટર પાટીલે આર્યનને ભગાડવા માટેની આખી ઘટના વર્ણવી. આ સાંભળીને જેપીનો પિત્તો ઉછળ્યો.

"જો મારા સનને કઈ પણ થયું છે તો હું બધાની બેન્ડ બજાવી દઈશ." જેપી ખુબ જ ધૂંધવાયો હતો. વિનાયક આમ તો બિઝનેસ હરીફ હતો અને અહીંયા આજે એના સનનું ભવિષ્ય વિનાયકની ડોટરને કારણે જોખમાયું હતું.

ઈન્પેક્ટર પાટીલે બાજી સાંભળી.

"જેન્ટલમેન, બી કામ! ધીસ ઇઝ નો ટાઈમ ફોર ફાઇટ. આર્યનને આજે અમે કોર્ટમાં જ લઇ જઈ રહ્યા હતા. કેસ ટર્ન લઇ રહ્યો હતો પણ આમ પોલીસના હાથમાંથી ભાગવાને કારણે હવે કેસ વધારે ગૂંચવાયો છે. પણ એ બધાથી પહેલા તો એ જોવું પડશે કે એમની તબિયત કેવી છે હવે."

ઇન્સ્પેક્ટર પાટીલે કાર ચેઇઝનો આખો પ્રસંગ વર્ણવ્યો. પાટીલની વાત સાંભળી બધા જ આશ્ચર્યચકિત થઇ ગયા. સલોની અને એના મિત્રોએ એક ખતરનાક પગલું ભર્યું હતું.

વિનાયક અને જેપી એકે સાથે જ પ્રશ્ન કર્યો, "હવે એમની હાલત કેમ છે?"

ફરજ પરના ડોક્ટરે પરિસ્થિતિ સમજાવી. જયારે એ બધાને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા ત્યારે સલોનીની અને જશબીરની હાલત અત્યંત ગંભીર હતી. આર્યન પણ ઘવાયો હતો પણ બીજા બેની સરખામણીમાં તેની હાલત ઘણી સારી હતી. એટલે એને ઓર્થોપીડીક વોર્ડમાં ખસેડાયો હતો. એના હાથ મલ્ટીપલ ફ્રેક્ચર્સ થયા હતા એટલે હાથ પર પ્લાસ્ટર લગાડવામાં આવ્યું હતું. પગ મચકોડાયો હતો એટલે એ ચાલી શકે તેવી હાલતમાં નહોતો. આમ છતાં ઇમર્જન્સીમાં લાવ્યા ત્યારે પણ એ સલોનીની ચિંતા કરતો બબડતો હતો. ઓર્થોપીડીક વોર્ડમાં પણ એણે સલોની સાથે રહેવા ધમાલ મચાવી હતી એટલે ડોકટરે એને સિડેટિવ્સ આપીને નરમ પાડ્યો હતો. જેપી અને જગડુ ઓર્થોપીડીક વોર્ડ તરફ રવાના થઇ ગયા હતા. સલોની અને જસબીરની હાલત પ્રમાણમાં ગંભીર હતી. જસબીરને હાથે પગે ઠેર ઠેર ઈજાઓ અને ફ્રેક્ચર્સ થયા હતા. એનું માથું વિન્ડશીલ્ડમાં અથડાયું હતું અને માથામાં ગંભીર ઘા થયા હતા. વિન્ડશીલ્ડ ગ્લાસની કચ્ચરો એના માથાના ઘામાં ભરાઈ હતી. એની હાલત ગંભીર હતી. સલોનીના ઘા માંથી બહુ લોહી વહી ગયું હતું. એને વાગેલી બુલેટ ઊંડી ઉતરી હતી. એના ય માથામાં નજસબીર જેવા જ ઘા હતા. વિન્ડશીલ્ડની કચ્ચરો માથા અને આંખમાં ઘુસી હતી. લોહી ખુબ જ વહ્યું હતું. એ બંનેને ઓપરેશન થિયેટરમાં ખસેડાયા હતા. ડોક્ટરોની આખી ટિમ એ બંનેને ઓપરેટ કરી રહી હતી. પરિસ્થિતિ ખુબ જ નાજુક હતી. રોહિણી બેબાકળી બની ગઈ હતી. વિનાયકની હાલત પણ એવી જ હતી. એ રોહિણીને બાથમાં લઈને સાંત્વન આપી રહ્યો હતો. અનુરાધા અને શ્વેતા અવાક હતા. ઘણી બધી ઘટનાઓ એક સાથે બની રહી હતી એટલે બધા જ બેબાકળા અને ગૂંચવાયેલા હતા.

નિર્મલે વિનાયક સાથે ખૂણામાં જઈને થોડી મસલતો કરી. વિનાયક નિર્મલ સાથે સંમત થતો હોય એવું ના લાગ્યું. એ બંનેની વાત ચાલતી હતી ત્યારે જ ડોક્ટરે સમાચાર આપ્યા કે એના પિતાજી હવે સ્વસ્થ છે. એ એમને આઈસીયુ રૂમમાં જઈને મળી શકે છે. વિનાયક અને શ્વેતા આઈસીયુ રૂમમાં દાખલ થયા. શ્વેતાને દાદાજી આજે ખુબ જ વૃદ્ધ લાગ્યા. એણે દાદાજીને હંમેશા મજબૂત અને અડગ જ જોયા હતા. પણ આજે એ નંખાયેલા જણાતા હતા. વિનાયકે જઈને પિતાજીનો હાથ પકડ્યો। શ્વેતાએ દાદાજીના માથા પર હળવેથી હાથ ફેરવ્યો અને કહયું; "દાદુ, કેમ છે હવે?"

વિનાયક અનીમેષ પિતાજીની સામે જોઈ રહ્યો. એની આંખો સજળ હતી. દાદાજીએ શ્વેતાને કહ્યું, "બેટા, પેલા પ્રોફેસરને અંદર બોલાય ને!"

વિનાયક ચોંક્યો. પ્રો. કરીમે કહેલી વાતો તો પિતાજી પચાવી નહોતા શક્યા. અને અચાનક આ હાલતમાં પ્રો. કરીમ સાથે વધુ વાર્તાલાપ યોગ્ય નહોતો. પણ એને એ ય ખબર હતી કે પિતાજી કોઈના રોક્યા રોકાય એમ નહોતા.

પ્રોફેસર કરીમ અંદર દાખલ થયા. શ્વેતા દાદાજી પાસે આવીને બેઠી. એણે ધીમેથી કહ્યું. "દાદુ, બહુ સ્ટ્રેસ ના લેશો. પ્લીઝ." દાદજીએ હળવેથી હસીને કહ્યું કે "બેટા, મારી ચિંતા ના કરીશ.હું સ્વસ્થ છું. મેં પ્રોફેસર કરીમને એટલે બોલાવ્યા છે કે હું એમની હાજરીમાં તમારી સાથે શુબાન બાબતે વાત કરવા માંગુ છું." એમણે પ્રોફેસર અને વિનાયકની સામે જોઈને કહ્યું કે; " સૌ પ્રથમ તો મને તમારી વાત સાંભળી ગુસ્સો આવ્યો હતો. પણ ઘરથી હોસ્પિટલની સફર દરમ્યાન મારા મનમાં ઘણી બધી ગડમથલો ચાલી હતી. મારુ શરીર પીડામાં હતું પણ મન તો એનાથી ય વધુ પીડાતું હતું."
બધા દાદાજીને બોલતા સાંભળી રહ્યા હતા.
દાદાજીનું વાક્ય પૂરું થાય એ પહેલાં એક તીણી દર્દનાક ચીસથી હોસ્પિટલ ગુંજી ઉઠી. વિનાયકે એ ચીસ સાંભળી. એણે રોહિણીનો દર્દનાક અવાજ પારખ્યો. એ સહસા બહાર દોડ્યો. શ્વેતા પણ ડેડની પાછળ દોડી. જયારે વિનાયક બાપુજીની તબિયત જોવા માટે અંદર આવ્યો ત્યારે રોહિણીએ બહાર રોકાવાનું જ મુનાસીબ સમજ્યું હતું. એ આવી પરિસ્થિતિમાં પણ વિનાયકના પિતાજીની સામે જઈને એમના ગુસ્સનુ કારણ બનવા માંગતી નહોતી. એનું મન પણ પોતાની દીકરીના સ્વાસ્થ્યની ચિત્તમાં જ અટવાયેલું હતું. એ વ્યગ્રતાથી આંટા મારતી હતી. સોનિયા માને સાંત્વન આપવાનો ઠાલો પ્રયત્ન કરતી હતી.

ત્યાં જ ઓપરેશન થિયેટરનો દરવાજો ખુલ્યો. બહાર આવેલા ડોકટરે નિસ્તેજ ચહેરે પોતાના માથાની કેપ ઉતારતા રોહિણીને કહ્યું, " સોરી મેમ, વી ટ્રાઇડ આવે બેસ્ટ, બટ વું કુડન્ટ સેવ હર. આઈ એમ એક્સસ્ટ્રીમલી સોરી!"

રોહિણી પર આ સાંભળી વજ્રઘાત થયો. એના શરીરમાંથી જાણે બધી જ ચેતના સરી ચુકી હતી. એ ચીસ પાડીને ફર્શ પર જ ફસડાઈ પડી. એનું આખું શરીર ધ્રુજતુ હતું. હૈયું આંક્રન્દ કરી રહ્યું હતું. આંખોમાંથી શ્રાવણ-ભાદરવો વહી રહ્યા હતા. એના કલ્પાંતે હોસ્પિટલને ગજાવી મૂકી. એની લાડકી દીકરી એને કાયમ માટે છોડીને ચાલી નીકળી હતી. વિનાયક બહાર આવ્યો અને એ પણ આ દ્રશ્ય જોઈને દ્રવિત થઇ ચુક્યો. એનું હૈયું રડતું હતું પણ મોં માંથી કોઈ અવાજ નહોતો નીકળતો. આંખો વરસતી જતી હતી. શુબાન અને શ્વેતાએ પિતાને સંભાળ્યા. ડોકટરે થોડીવાર પછી બધાને સલોનીની રૂમમાં જવા દીધા. દીકરીના નિષ્પ્રાણ શરીર પર રોહિણી અને વિનાયક ઢળી પડ્યા. દીકરીના અચેતન શરીરને વળગીને બંને કલ્પાંત કરતા રહ્યા. રૂમનું વાતાવરણ અત્યંત ગમગીન હતું. બધાની આંખોમાંથી અશ્રુઓ વહેતા હતા. બધાની આંખોમાંથી અશ્રુઓ વહેતા હતા. ઇન્સ્પેકટર પાટીલે વિનાયકને સંભાળવા પ્રયત્ન કર્યો પણ એ કલ્પાંત કરતાં પિતાને અટકાવી ના શક્યો. નિર્મલ ચોધાર આંસુએ રડતો હતો. એ પોતાની જાતને ગુનેગાર માનતો હતો. આ બધું એના એક અવિચારી પગલાંને કારણે જ થયું હતું. એના અવિચારી પગલાંને કારણે આજે સલોની એ પોતાનો જાણ ગુમાવ્યો હતો. કલ્પાંત કરતા વિનાયકની પીઠ પર માયાળુ હાથ ફર્યો.

"દીકરા વિનાયક!" પિતાજીની આખો પણ અશ્રુભીની હતી. પણ એ મક્કમ હતા. એમને ખબર હતી કે એમણે પોતાના પુત્રને આ કરુણ ઘડીમાં સાચવવાનો હતો.

"બેટા, કાળની સામે કોઈનું ય ચાલતું નથી. વિધાતાએ આપણી દીકરીનું આયુષ્ય બહુ જ ટૂંકું લખ્યું હતું. કલ્પાંત કરીને તું વહુ ને પણ દ્રવિત કરી રહ્યો છું. તું એને સંભાળ."

શ્વેતા-શુબાન-પ્રો. કરીમ દાદાજીના શબ્દો સાંભળીને ચોંક્યા. દાદાજીએ એક જ વાક્યમાં દીકરાને સાંત્વન તો આપ્યું જ હતું પણ સાથે સાથે સલોનીને 'દીકરી' અને રોહિણીને 'વહુ' કહીને સંબોધ્યા હતા. વિનાયક કલ્પાંત કરતા કરતા ય ચોંકી ઉઠ્યો. એક કઠણદિલ બાપ બીજા બાપે દીકરી ગુમાવી એમાં કૂણો પડ્યો હતો. વિનાયક ઉભો થઈને પિતાજીને ભેટીને ફરીથી રડવા લાગ્યો. પિતાજીનો એક હાથ વિનાયકની પીઠ પર અને બીજો હાથ રોહિણીના માથા પર ફરતો રહ્યો.

***

ભારદ્વાજ કુટુંબમાંથી એક માત્ર શ્વેતા જ આ બધી બાબતોથી અજાણ હતી. વિનાયકે પૂરેપૂરી પ્રમાણિકતાથી શ્વેતાને તેનાં અને રોહિણી તેમજ તેનાં બીજા પરિવાર વિશે તેમજ બાકીના સહુને સલોનીનાં આર્યન પ્રત્યેના એક તરફી પ્રેમ અને ઝુનુન વિશે પણ જણાવી. શ્વેતાને એની બહેન ગુમાવવાનો સખ્ત અફસોસ હતો. જો એને આ બાબતની સહેજ પણ ખબર હોત તો એ આપોઆપ પોતાની બહેનના માર્ગમાંથી ખસી ગઈ હોત. એણે પોતાની બહેન અને સખી સીમાને ગુમાવી હતી. એ ખુબ જ વ્યથિત થઇ ગઈ હતી. દાદાજીએ વિનાયકનો રોહિણી સાથેના સંબંધને સ્વીકારી લીધો હતો.

સલોનીના મૃત્યુથી દ્રવિત થયેલા નિર્મલે ઇન્સ્પેકટર પાટીલની સામે આત્મ સમર્પણ કર્યું હતું. એણે સીમાની હત્યાનો ગુનો સ્વીકારી લીધો હતો. નિર્મલને સજા થઇ હતી. આર્યનને ભગાડવાના આરોપસર જશબીર અને અનુરાધાને પણ ટૂંકી કેની સજા થઇ હતી. પણ જશબીર હજુ હોસ્પિટલમાં જ હતો. આર્યનને બરી કરવામાં આવ્યો હતો.

બે અઠવાડિયા પછી આર્યનને હોસ્પિટલમાંથી રજા મળી હતી. પણ એને હજુ ઘરે આરામ કરવાનો હતો. એ પછીનો આખો મહિનો હાથ અને પગની ફિજિકલ થેરાપી પણ કરવાની હતી. જશબીર હજુ હોસ્પિટલમાં જ હતો. એની હાલત સુધારતા વાર લાગે એમ હતું. જેપીએ ભારદ્વાજ હાઉસની મુલાકાત લીધી હતી.

"વિનાયક...આય એમ સોરી વિનાયક.. આઈ કેમ ટુ નો એબાઉટ સલોની. તેણે મારા દિકરા માટે પોતાનું બલિદાન આપ્યું." જેપીના અવાજમાં પશ્ચાતાપ અને સમાધાનનો સ્વર હતો.

"ઓહ.. જે.પી. સોરી તો મારે પણ તને કહેવું છે કેમકે આર્યનની આ સ્થિતિનો જવાબદાર આડકતરી રીતે હું પણ છું..". અને નિર્મલે વિનાયકની જાણ બહાર કેવું ષડયંત્ર રચ્યું હતું તેની નિખાલસ કબૂલાત કરી "

આર્યન ઇસ ટૉટલી આઉટ ઓફ ડેન્જર.. બટ વિનાયક લેટ્સ ફિનીશ અવર રાઇવરી.. આટલો લોહિયાળ અંત આવવા છતાં જો આપણે નહીં સુધરીએ તો આપણી સાથે આપણી આવનારી પેઢી પણ હેરાન થશે.. "

"જે હું કહેતાં ખચકાટ અનુભવતો હતો તે તારા મુખે સાંભળતા મને ઘણી રાહત થઈ છે જે.પી.. મારી એક લાડકી દિકરી મેં ખોઈ પણ હવે આપણે કારણે આપણાં સંતાનો દુઃખી નહીં જ થાય.. નિર્મલે આત્મસમર્પણ કર્યું છે.. આર્યન નિર્દોષ છૂટ્યો છે તો આપણે આપણી દુશ્મની દોસ્તીમાં નહીં પણ સંબંધોમાં પરિવર્તિત કરી.. મારી શ્વેતા અને આર્યન સારસ જોડી છે.. " હજુ વિનાયકની આંખ અવિરત રડી રહી હતી. સંબંધ સ્વીકારાઈ ગયો. પણ સલોનીના મૃત્યુનો ઘા હજુ ઘણો તાજો હતો. આર્યન પણ હજી સંપૂર્ણ સારો નહોતો થયો.


શુબાન - સોનિયાના સંબંધનું ગુંચળું ઉકેલવાનું મુશ્કેલ હતું. પણ અચાનક બની ગયેલી કરું ઘટનાઓ અને વિનાયકના ભુતકાળના પર્દાફાશ પછી બધાએ એ તો સ્વીકાર્યું હતું કે સંબન્ધોને છુપાવવાથી, અવગણવાથી કે અસ્વીકાર કરવાથી આખા પરિવારને દુઃખના વમળોના ચકરાવે ચઢ્યા કરવું પડ્યું હતું. પ્રોફેસર કરીમની સમજાવટ અને પરિસ્થિતિની ગંભીરતાને કારણે શુબાન-સોનિયાના સંબંધનો કમને અને ખચકાટ છતાં પણ સ્વીકાર તો થઇ જ ગયો. પારિવારિક સબન્ધોમાં ખચકાટ ના રહે એટલે છેવટે શુબાન-સોનિયાને કેન્યાના બિઝનેસની બાગડોર સોંપાઈ. શેલ ગેસનો સોદો પણ ભારદ્વાજ એમ્પાયરની તરફેણમાં જ આવ્યો હતો. જેપી અને આલોક વિનાયકની તરફેણમાં એમાંથી ખસી ગયા હતા.

શ્વેતા એની રૂમમાં પડી પડી ફોન પર આર્યન સાથે વાત કરતી હતી. હવે ટૂંક સમયમાં એમનો પરિણય કાયમી બંધનમાં બંધાવાનો હતો.

***

પહાડી પરથી આથમતાં સૂર્યના કિરણો કેન્કુનની પથરાળ જમીનને આવરી રહ્યા હતા ત્યારે બે ઘોડેસવાર એકબીજા સાથે હરીફાઈમાં ઉતર્યા હોય એમ ઘોડા દોડાવતા હતા. આથમતા સૂર્યના કિરણોમાં યુવતીનો ગૌર ચહેરો ચમકતો હતો. એ ચમક સુર્યકીરણો કરતા એના મનના અરમાનોને કારણે વધુ હતી. શ્વેતા આજે ખુબજ ખુશ હતી. છ મહિનાના ગાળા બાદ ધીરે ધીરે પરિસ્થિતિ થાળે પાડીહતી. છેલ્લા થોડાક મહિનામાં ઘણી જ ઘટનાઓ બની ગઈ હતી, દુઃખદ, સુખદ અને ચોંકાવનારી. શ્વેતા માટે શરૂઆતના ગાળામાં એ પચાવવું મુશ્કેલ હતું કે પોતાની જ બહેન કે જેને એ જાણતી પણ નહોતી એ પણ આર્યનના જ ગળાડૂબ પ્રેમમાં હતી. જો એને સહેજ પણ અણસાર આવ્યો હોત તો એ જરૂર બહેન માટે પોતાના પ્રેમનું બલિદાન દઈ જ દીધું હોત. સીમા એની બહેન સમાન હતી પણ એનો કરુણ અંજામ આવ્યો. સલોની ભલે સહોદર નહોતી પણ એના જ પિતાનું જ સંતાન હતી. પણ એણે તો પોતાના પ્રેમને માટે જાનનું જોખમ ઉઠાવીને આર્યનનો છુટકારો કરવાની કોશિશ કરી હતી. સમય વહેતા પરિસ્થિતિ થાળે પડી હતી. આર્યન સાથે એના લગ્ન ધામધૂમથી થયા હતા. ભારદ્વાજ અને પંડિત પરિવારો એક થયા હતા. બંને બિઝનેશની બાગડોર આર્યન- શ્વેતાના હાથમાં આવી હતી. આજે બંને મેક્સિકોના કેન્કુનમાં હનીમૂન માટે આવ્યા હતા.

શ્વેતાનો ઘોડો આર્યનથી ઘણો દૂર નીકળી ગયો હતો. આર્યન રેવાલ ચાલે ઘોડો દોડાવતો દોડાવતો ટુલુંમના બીચ પર આવી પહોંચ્યો. સૂર્યના અસ્તની ઘડીઓ હતી. આથમતા સૂર્યના પ્રકાશથી આસમાન કેસરવર્ણનું થઇ ગયું હતું. વાદળોની કિનારીઓ ચમકતી હતી. કેરેબિયન દરિયાના નિર્મલ જળ કિનારાની સફેદ રેતીને ભીની કરતા જતા હતા. આથમતા સૂર્યનો કેસરવર્ણો પ્રકાશ ભીની રેતને ચમકાવતા હતા. એ ભીની રેત પર શ્વેતા આડી પડી હતી. એની આંખો આસમાનને તાકી રહી હતી. અને એનું મન એના માણીગરનો ઇંતજાર કરતુ હતું. એનાથી થોડે દૂર આર્યનને એનો ઘોડો ઉભો રાખ્યો અને છલાંગ લગાવીને નીચે ઉતર્યો. હળવે ચાલે એ શ્વેતા તરફ ગયો. શ્વેતાની બાજુમાં બેસીને ધીરેથી એણે શ્વેતાનો હાથ હાથમાં લીધો. શ્વેતા એની સામે માર્દવતાથી જોઈ રહી. આર્યનનું વાંકડિયા ઝુલ્ફાંવાળું મુખ શ્વેતા તરફ ઝૂક્યું. શ્વેતાની આંખો બંધ હતી. શ્વાસ લયબદ્ધ રીતે ઝડપથી ચાલતા હતા. શ્વેતાનું ઉન્નત વ્રક્ષસ્થળ આર્યનના મજબૂત દેહ સાથે ચંપાયું. આર્યનના હોઠ એના હોઠો સાથે ચંપાયા. હવાની એક લહેરખી ફરી વળી. બંનેનો આશ્લેષ ગાઢ બન્યો. એ સાથે જ સૂર્ય પણ દરિયાની પેલી પાર ક્ષિતિજમાં ઝૂકીને ધરતીની આગોશમાં સમાઈ ગયો. વાતાવરણ શાંત થઇ ગયું. આજે સંબંધોમાં ઉઠેલા બધા જ વમળો સ્થિર થઇ ગયા.

વમળ અંતિમ પ્રકરણ -

લેખક : અજય પંચાલ

****** સમાપ્ત ******