એક નાની સરખી ઘટના Madhu Rye દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક નાની સરખી ઘટના

એક નાની સરખી ઘટના

અભેસિંહ પરમાર / અતીતરાગ

દક્ષિણ ગુજરાતના ચીખલી પાસેના સાવ નાનકડા ગામ કુકેરીમાં જન્મેલા અભેસિંહ હરિભાઈ પરમાર (૧૯૨૮–૧૯૯૭) બહુ ગંભીર પ્રકૃતિના અને બહુ મંજાયેલી શૈલીના વાર્તાકાર હતા, જે શૈલીએ ૧૯૫૦–૧૯૭૦ના ગાળાના વાર્તાકારો વચ્ચે એમની અલગ મુદ્રા ઉપસાવી આપી હતી. સંવાદો ઓછા અને અનિવાર્ય હોય તેટલા જ પરંતુ ચિત્રાત્મક વર્ણન જ મૂક સંવાદો વ્યક્ત કરનાર ું બની રહે તે આ વાર્તાકારની ખાસિયત. પ્રસ્તુત વાર્તા એ વાતની પ્રતીતિ કરાવી આપે છે. વયોવૃદ્ધ બીમાર દાદા અને એને એમની કાળજી લેતા અને દરેક વાતે દરકાર કરતા કિશોર વયના પૌત્ર વચ્ચેના સંબંધોમાં વચલી કડી જેવાં મા અને બાપની ખલેલ બહુ લાગણીભીની ઢબે નિરૂપણ પામી છે.

જિલ્લા શિક્ષણાધિકારી એવા અભેસિંહ પરમારે એક વાર્તાસંગ્રહ ‘ભિન્ન હૃદય ‘અને એક નવલકથા ‘થીજેલી આગ’ આપ્યાં છે પણ પ્રસ્તુત વાર્તા જ્યાંથી લેવામાં આવી છે તેમાં ‘વાર્તાલોચન’ નામના વાર્તાસંગ્રહનો પણ ઉલ્લેખ જોવા મળે છે.

***

પંકજે આંખ ઉઘાડી. બધે અજવાળું અજવાળું થઈ ગયું હતું. બા આયના પાસે ઊભી ચાંલ્લો કરતી હતી. બાપુજી હાથમાં બ્રશ લઈને આમતેમ ફરતા હતા. તે પથારીમાંથી નીચે ઊતર્યો, ને ઓટલે જઈને ઊભો રહ્યો. એણે જોયું કે કોઈએ ત્યાં હજી સાદડી નહોતી મૂકી. લોટો નહોતો ભર્યો, દાતણ નહોતું છૂંદ્યું. તે ઠેઠ પગથિયાં સુધી ગયો. દાદા ઘણી વખત હરતાંફરતાં દાતણ ચાવતા હોય છે અને પછી આસોપાલવના ઝાડ પાસે જઈને ઊલ ઉતારતા હોય છે. એણે પગથિયાં ઊતરીને બધે તપાસ કરી. તે ધીમે પગથિયાં ચડ્યો. પાછળ ફરીને બધે જોઈ લીધું. પોતાને જોઈને કોઈ ઝાડ પાછળ સંતાઈ તો ગયા ન હોય? દાદા ઘણી વખત એને આ રીતે છેતરે છે અને પછી હસતાં હસતાં બહાર નીકળી આવે છે. એણે લીમડાના જાડા થડ સામે જોયા કર્યું. દાદા ત્યાં ન હોય. હોત તો હસતાં હસતાં બહાર નીકળી આવ્યા હોત. તે આગળ ચાલ્યો. એણે જોયું કે બારણા પાસેની ખીંટીએ હજી પહેરણ લટકતું નથી.

‘અલ્યા શું કરે છે? દાડે દાડે એદી થતો જાય છે.’ એના બાપુજીએ કહ્યું. એણે બાપુજીના ચહેરા ઉપરથી નજર ખસેડી લીધી અને ધીમે ધીમે ત્યાંથી ખસી ગયો.

‘દાતણ નથી કર્યું હજી?’ બાએ પૂછ્યું. પોતે કંઈ ન બોલ્યો. એક પાતળું દાતણ લઈને ઘર પાછળના ચોકમાં ગયો. ચોક ખાલી હતો. માત્ર ચૂલો બળતો હતો અને ચરુમાંથી વરાળ નીકળતી હતી.

તે ધીમે ધીમે દાદાની ઓરડી પાસે જઈ પહોંચ્યો. બારણાં બંધ હતાં. અવાજ ન થાય એ રીતે એણે ધીમે ધીમે બારણું ઉઘાડ્યું. હા. હજી ઊંઘે છે. દાદાને જગાડવા એણે બેત્રણ ડગલાં ભર્યાં અને અટકી ગયો. દાદા રાત્રે ઊંઘ્યા જ નહીં હોય. રાતે બે વાગ્યે કેટલી જોરજોરથી ખાંસી ખાતા હતા. ખાંસી પણ ખરી છે. દાદાને ઊંઘવા જ નથી દેતી. એણે થોડીક ક્ષણ દાદાની પથારી સામે જોયા કર્યું. અંધારું છે. ઝાંખું દેખાય છે. ચાદર નીટે લટકે છે. ઓઢાડી દઉં ચાદર? ઊંહું જાગી જશે તો. છો નિરાંતે ઊંઘતા. એક બારીમાંથી થોડો પ્રકાશ આવતો હોય એવું એને જણાયું અને હળેથી એણે બારી બંધ કરી લીધી. ઓરડામાં વધારે અંધારું થયું. એ મનોમન મલકાયો. દાદા નિરાંતે કેટલું ઊંઘશે હવે! એને યાદ આવ્યું કે એ બપોરે ઊંઘતો હોય છે ત્યારે દાદા ઘણી વખત બારણું સહેજ આડું કરી જાય છે અને માખી હેરાન ન કરે એટલા માટે હળવેથી ચાદર પણ ઓઢાડી જાય છે. દાદાને એ આજે કહેશે કે મેં બારી બંધ કરી હતી, તે ખબર પડી હતી, દાદા? અને પછી દાદા એની તરફ જોઈને હસશે અને એ દાદાને વીંટળાઈ વળશે. એ ધીમે ધીમે બહાર આવ્યો અને પછી અવાજ ન થાય એ રીતે બારણું બંધ કરી દીધું.

એ રસોડામાં ગયો. ‘દાદાને આજે ખૂબ ખાંસી આવી હતી.’ એણે કહ્યું. બા ધીમેથી ગીત ગાતી સ્ટવમાં હવા પૂરતી હતી. એને લાગ્યું કે અવાજને લીધે બાએ એની વાત સાંભળી નથી. એણે ફરી કહ્યું, ‘દાદાને રાતે ખૂબ ખંાસી આવી હતી.’

‘હા હા, ખાંસી ન આવે તો બીજું શું થાય?’ બાએ કહ્યું અને પછી તે પિન મારવા લાગી.

તે એના બાપુજી પાસે ગયો અને કહ્યું, ‘દાદાને રાતે ખૂબ ખાંસી આવતી હતી.’

‘હા, હા, આવે એ તો. ચાલ, પછી તું વાંચવા બેસ.’ બાપુજીએ કહ્યું. પંકજ ત્યાંથી ખસી ગયો અને ઓટલા ઉપરના થાંભલાને પકડીને થોડીક ક્ષણ ઊભો રહ્યો. કામવાળી બાઈ આવતી હતી. તેને પગથિયાં પાસે અટકાવીને એણે કહ્યું, ‘દાદા હજી ઊંઘે છે હોં કે. ઓરડીમાં ન જતી.’ કામવાળી બાઈ એની સામે જોઈને હસી અને અંદર જતી રહી. તે બાઈની પાછળ પાછળ ગયો અને બીજું કોઈ ન સાંભળે તેમ કહ્યું, ‘અવાજ ન કરતી, દાદા જાગી જશે.’ એને લાગ્યું કે બાઈ કાંઈ સમજતી જ નથી. બા સાથે વાત કરે છે તેમાં આવા ઘાંટા પાડવાની શી જરૂર? દાદાને જગાડી મૂકશે. તે એક સાદડી ઓટલે પાથરી આવ્યો. પાણી ભરેલો એક લોટો ત્યાં મૂક્યો અને જાડા દાતણના એક છેડાને પથ્થર વડે છૂંદવા લાગ્યો. દાદાને તે છૂંદેલું દાતણ આપતો હોય છે ત્યારે તે કેવા હસતાં હસતાં લેતા હોય છે.

તે રસોડામાં ગયો. બા સ્ટવ પાસે બેઠી હતી અને બાપુજી સામે સાદડી ઉપર એણે કહ્યું, ‘દાદા હજી જાગ્યા નથી.’

‘જાગશે જાગવું હશે ત્યારે. ઊંઘવા સિવાય એમને બીજો ધંધોય શું છે? તું ચા પીને વાંચવા બેસ.’ બાએ કહ્યું.

તે થોડીક ક્ષણ સૂનમૂન ઊભો રહ્યો. ત્યાં એની બાએ કહ્યું, ‘પંકજ ચાડિયો થઈ ગયો છે હવે. તે દી ઝઘડો કરાવ્યો.’

દાદાની ચા પછીથી મૂકજો, એવું કહેવા એ આવ્યો હતો. પણ એને અવકાશ મળ્યો નહી. બાપુજીની પહોળી થયેલી આંખો જોઈને એ બહાર નીકળી ગયો. પુસ્તક લઈને ઓટલે બેઠો. એને થયું કે દાદાને ચાના સમયે ઊઠી જ જવું જોઈએ. ઉઠાડી દઉં એમને? એણે ચોપડી મૂકી દીધી અને ઊઠવા વિચાર કર્યો, પણ બાપુજી ગયા એટલે એણે ફરી ચોપડી બંધ કરી આમ તો દાદા પાસે ઠંડી ચાનો પ્યાલો જશે. તે દી પોતે જ ઠંડી ચાનો પ્યાલો આપવા ગયો હતો. દાદાએ ઠંડી ચા બારીમાંથી ઢોળી હીધી હતી અને ઉધરસ ખાતાં ખાતાં પોતાની પથારીમાં આવીને બેસી ગયા હતા. થોડીક ક્ષણ એમણે છત સામે જોયા કર્યું હતું અને પછી તેઓ બીડી માટેની તમાકુ મસળવા બેઠા. તેમણે ખિસ્સું ફંફોસીને એને દીવાસળીની પેટી લઈ આવવાનું કહ્યું હતું અને એ બા પાસે ગયો હતો.

‘બા, દાદા માટે એક પેટી.’

‘એમને બીડી ફૂંકવા સિવાય બીજો ધંધો શું? આ રહી સાણસી, સગડીમાંથી અંગારો લઈ જા.’ બાએ કહ્યું હતું.

એ સગડીનો એક અંગારો લઈને ગયો હતો અને દાદાના હાથમાં સાણસી મૂકી હતી. દાદા ફિક્કું હસ્યા હતા અને પૂછ્યું હતું, ‘તારી બાનું મેં શું બગાડ્યું હશે, બેટા?’ પછી તેમણે અંગારા સાથે બીડી અડાડી હતી અને એક આંસુ અંગારા ઉપર ગબડી પડ્યું હતું.

એને થયું કે દાદાની ઓરડીનું બારણું ઊઘડ્યું છે. ચાલો સારું થયું દાદા ઊઠી ગયા એ. ગરમ ચા પીવાની મળશે એમને. એણે બારણામાંથી ડોકિયું કર્યું. બાપુજી અહીં જ બેઠા હતા. દાદા બારી ઉઘાડતા હોય એવું લાગ્યું. ખરા છે દાદા, વહેલા વહેલા દાતણ કરી નાખતા હોય તો ગરમ ગરમ ચા પીવાની મળે કે નહીં? દાદા ઉધરસ ખાતા હોય એવું એને લાગ્યું. એને કોઈનાં પગલાંનો અવાજ સંભળાયો. દાદાનાં પગલાં જેવો જ અવાજ. કેટલું ધીમું ચાલે છે, દાદા. લો હજી બહાર આવતા નથી. પાછળ ગયા કે શું? હું દાતણ મૂકી રાખું છું. તે ભૂલી ગયા કે શું? કે પછી મારાથી પણ રિસાઈ ગયા? બા એવું વર્તે છે. કાંઈ થોડો ગઈ કાલે રાતે હું એમની પાસે ગયો હતો ત્યારે મારી સાથે ક્યાં ખુલ્લા મને બોલ્યા’તા. ખાસ્સા ચાદર ઓઢીને સૂઈ ગયા હતા. મારે બોલવું જ નથી હવે એમની સાથે. તો પછી એમને બીડી કોણ સળગાવી આપે? પાણી કોણ લાવી આપે? પણ તો પછી દાદાએ ઊઠતાની સાથે મને બોલાવ્યો કેમ નહીં? રોજ તો દાતણ લાવ, સાદડી લાવ, ચા લાવ, તમાકુ લાવ, પહેરણ લાવ, લાકડી લાવ, એવું કહી કહીને થકવી મૂકતા’તા. મારે થોડો સમય રિસાઈ જવું છે એમની સાથે. બોલાવે તોય બોલવું નથી. કંઈ માગે તોય આપવું નથી. અને પછી દાદા એવા અકળાશે એવા ચિડાશે બા પણ ચિડાઈ જાય છે ત્યારે કેવા મોટી મોટી આંખો કાઢીને જોશે આમથી તેમ જશે ને તેમથી આમ આવશે. હા, બરાબર ગમ્મત કરવી છે. ઘડી પછી એનો વિચાર બદલાઈ ગયો. દાદા સાથે એવી ગમ્મત ન થઈ શકે. તે ઊઠ્યો. દીવાલને ટેકે ઊભો રહ્યો. પછી ધીમે ધીમે ખસ્યો. ધીમે ડગલે એ જતો હતો ત્યાં બાપુજીએ પૂછ્યું, ‘ક્યાં જાય છે અલ્યા?’

‘આ આ પાણી લેવા. સ્લેટ ધોવી છે.’ એણે કહ્યું.

‘લુચ્ચો.’ બાપુજી એની સામે જોઈને હસ્યા. પંકજ કંઈ જવાબ આપી શક્યો નહીં. ખિન્ન હૃદયે તે ઓટલા તરફ જવા ખસ્યો ત્યાં બાપુજીએ કહ્યું, ‘હું તો અમસ્તો જ કહું છું. જા જવું હોય તો.’

પંકજે દિશા બદલી. એણે જોયું કે દાદાને જોવા ચોકમાં જવાય એવું નથી. કારણ કે ચોકનું બારણું બાપુજીની આંખ સામે જ છે. તે પાણીની ઓરડીમાં પ્રવેશ્યો. તે ઝટઝટ માટલાં મૂકવાની બેઠક ઉપર ચઢી ગયો. એક માટલું પડતું રહી ગયું. એને ધ્રુજારી આવી ગઈ. માટલું ગબડી જ પડ્યું હોત, તો બાપુજી એના પર તૂટી પડ્યા હોત કે બીજું? એણે સળિયા પકડીને બારીમાંથી ચોકમાં જોયું. બધું ખાલી. દાદા નથી. તે ઊતરવાની શરૂઆત કરતો હતો ત્યાં બાને હાથે ઝડપાઈ ગયો. ‘અરે, જુઓ તો આ વાંદર ક્યાં ચડ્યો છે તે. એને જંપીને બેસતાં શું થાય છે? અહીં શા માટે ચડ્યો હતો અલ્યા? તમેય કંઈ કહેતા નથી એને. તમારી હાજરીમાં આવાં પરાક્રમ કરવાની હિંમત કરી શકે છે તે જુઓ છો ને? અઠવાડિયા અઠવાડિયાની તમારી ગેરહાજરીમાં એને હું કેમ સાચવું છું તે મારું મન જાણે છે. આ તે કંઈ રમવાની જગ્યા છે? માટલું નીચે પડ્યું હોત તો?

પંકજ ધીમે ધીમે ત્યાંથી ખસી ગયો.

‘લો, એક શબ્દેય કીધો તમે?’ પોતાની બા બબડતી બબડતી રસોડામાં ગઈ. બાપુજી એની પાસે આવીને બેસી ગયા. ‘ઉપર શા માટે ચડ્યો હતો, બેટા?’ તેણે એને વિશ્વાસમાં લેવા પીઠ ઉપર હાથ ફેરવ્યો.

‘દાદાને જોવા.’

‘તું ચોકમાં તપાસ કરતો હતો, દાદાની?’

‘હા.’

‘તો પછી તું બારણામાંથી ચોકમાં કેમ ન ગયો?’

‘તમે મારો’ એણે કહ્યું. એના બાપુજીના ફેફસાંમાં ઊંડો શ્વાસ પ્રવેશતો એણે અનુભવ્યો. ઘડિયાળમાં આઠના ટકોરા થયા.

‘દાદા હજી ઊઠ્યા નથી?’ એણે પૂછ્યું.

‘હજી નિરાંતે ઊંઘતા લાગે છે.’ બાપુજીએ કહ્યું.

‘દાદાની ચા ઠંડી થઈ ગઈ હશે.’ એણે કહ્યું.

‘શું?’ બાપુજીએ ફરી પૂછ્યું.

‘દાદાની ચા ઠંડી થઈ ગઈ હશે. દાદા ઠંડી ચા નથી પીતા.’

બાપુજી ઊઠી ગયા અને એક તરફ જતા રહ્યા. બા બહાર આવી. ‘આ દુકાન તેં માંડી દીધી છે કે? કંઈ દાદાનો બહુ લાડકો થઈ ગયો ને! અરે, ઓ જમની, ઝાડુ લઈને આ આંગણું સાફ કરી નાખ તો. અહીં બેઠાં બેઠાં કેટલી ગંદકી મૂકી છે. બીજો ધંધો પણ શું? બીડી પીધે રાખવી અને ગમે ત્યાં થૂંક્યે રાખવું. મારાથી બોલાઈ જાય છે હોય તેવું અને આ ચાડિયો. ચાલ, સાફ કરી નાખ તો. ભાઈ આવવાના છે પાછા આજે.’ બાએ કહ્યું અને દાતણ દૂર ફંગોળાઈ ગયું. લોટામાંનું પાણી ઢોળી દીધું અને સાદડી ઊંચકીને અંદર જતી રહી. ઓટલો ચોખ્ખો થઈ ગયો અને જમની આંગણું સાફ કરવા મંડી ગઈ. પછી આંગણું સાફ થઈ જશે, સાવ ચોખ્ખું. બાને ઘર સુઘડ રાખવાની સારી આવડત છે. પંકજ આંગણાની ઊડતી ધૂળને જોઈ રહ્યો. ધૂળ સિવાય બીજું ત્યાં જોવા જેવું કંઈ ન હતું.

પંકજ ઊઠ્યો અને એક બારી પાસે જઈને ઊભો રહ્યો. દાદાની ઓરડીનું બારણું ત્યાંથી સ્પષ્ટ જોઈ શકાતું હતું. એના બાપુજી ત્યાં બારણા પાસે શાંતિથી ઊભા રહ્યા. ડોકિયું કર્યું. થોડીક ક્ષણ જોયા કર્યું અને હળેથી બારણું બંધ કરી દીવાલ ઉપર દાદાનો કોટ લટકતો હતો ત્યાં ગયા. બધાં ખિસ્સાં ફંફોસ્યાં. એક પેન્સિલનો ટુકડો બહાર કાઢ્યો. બીજા ખિસ્સામાંથી પેનના નાના ટુકડા બહાર કાઢ્યા. ઉપરના ખિસ્સામાંથી ચામડાની ફરકડી નીકળી. અંદરના ખિસ્સામાંથી કાગળની કોથળી નીકળી. બધી વસ્તુ પંકજની હતી. જોઈ જોઈને બધી હતી ત્યાં મૂકી દીધી. બાપુજી ત્યાંથી આગળ ગયા. બીજી ખીંટીએ પહેરણ લટકતું હતું. બાપુજી પહેરણ આમતેમ ફેરવી ફેરવીને જોવા લાગ્યા. એટલે પંકજ દોડતો પોતાની જગ્યાએ જઈ ગોઠવાઈ ગયો. એ જાણતો જ હતો કે પહેરણના ખિસ્સામાંથી બોર અને ચણા સિવાય બીજું કશું નહીં નીકળે. ગઈ કાલે દાદા એને માટે એ લાવ્યા હતા.

‘ડોસા હમણાં હમણાંના બગડી ગયા. આઠ થયા છતાં ઊઠવાની દાનત નથી.’

પંકજે અવાજ પરથી જાણી લીધું કે બાપુજીનો અવાજ છે. તેણે બારીમાંથી ડોકિયું કર્યું. બાપુજી રસોડામાં બારણા પાસે ઊભા હતા અને બા રસોડામાં કંઈ કામ કરતી હતી. બાપુજી પણ દાદા માટે આવું બોલે! પંકજને નવાઈ લાગી.

‘જોયું ને તમે નજરોનજર? મેં કીધું હોત તો તમને એમ થાત કે મને ડોસા પ્રત્યે અણગમો છે.’ બાએ કહ્યું.

‘તું સાવ નિર્દોષ છે.’ બાપુજીએ કહ્યું.

કોણ જાણે કેમ વાતનો દોર અટકી ગયો. થોડીક ક્ષણ ગંભીર શાંતિ પથરાઈ રહી. ત્યાંથી એ ખસ્યા. એની નજર દીવાલ ઉપરના કેલેન્ડર ઉપર પડી. આજે શુક્રવાર છે. એને ખ્યાલ આવ્યો કે આજે તુલસીને પાણી પાવાનું છે. તે એક નાની ઓરડીમાં પ્રવેશ્યો. પેટીઓ વગેરે બિનજરૂરી વસ્તુઓ અહીં ખડકાયેલી જોઈ શકાય છે. એણે એક નાનો ડબો ઊંચક્યો. ઉઘાડ્યો. અંદર જૂની બંગડી છે. કંકુ શીશીમાં સુકાઈ ગયું છે. કાનનાં લોળિળાં ઉપરનો ઢોળ ઊતરી ગયો છે. બીજો ડબો ઉઘાડ્યો. અંદર માળા છે. સુખડના બેત્રણ ટુકડા પડ્યા છે. ગણપતિની નાની છબી છે. એણે એક જૂની પેટી ઉતારી. અંદર મોટી કોથળીમાં કોડી અને લખોટી ભર્યાં છે. પચીસ પચીસ વર્ષથી અહીં અકબંધ પડી છે. બેત્રણ ભમરડા દોરી સાથે પડ્યા છે. કચકડાના પોપટની બંને પાંખ તૂટી ગયેલી છે. બારીમાંથી ફેંકી દેવા માટે પોપટ ઊંચક્યો. હાથ લંબાવ્યો પણ ખરો. ક્ષુદ્ર વસ્તુ સાથેની આત્મીયતા તાજી થઈ. એણે મમતાભર્યો સ્પર્શ અનુભવ્યો. તૂટેલી પાંખનો પોપટ એણે ફરીથી પેટીમાં મૂકી દીધો. એ અહીં વીસ વર્ષથી પડ્યો હતો. ક્ષુદ્ર વસ્તુઓ લાંબા કાળથી સચવાઈ રહી હતી. એનું હૃદય ખિન્ન થઈ ગયું. ઓરડીમાંની વસ્તુઓ એણે આંખ ભરીને જોઈ લીધી, અને એ બહાર આવ્યો. તુલસીને પાણી પાવાની વાત એ સાવ ભૂલી ગયો. તે ખુરશીમાં જઈને ગોઠવાયો અને ખુરશી પર માથું ઢાળીને છત સામે જોઈ રહ્યો.

‘ચા પીવી છે તમારે?’ પત્નીએ આવીને પૂછ્યું.

એણે પત્નીના ચહેરા સામે જોયા કર્યું અને ધીમા અવાજે કહ્યું, ‘તું દયાળુ છે.’

પંકજે જોયું કે બા બોલ્યા વિના ધીમે ધીમે ખસી ગઈ છે. તે ધીમેથી ઊઠ્યો અને દાદાની ઓરડી તરફ છટકી ગયો. તે ઓરડીમાં પ્રવેશ્યો ત્યારે દાદા પથારીમાં બેઠા હતા. એણે કહ્યું, ‘દાદા તમને રાતે ખૂબ ઉધરસ હતી.’

‘ઘરડા માણસને બધું થાય.’ ડોસાએ રસ વગર જવાબ આપ્યો.

‘ચા ઠંડી પડી ગઈ છે.’ પંકજે યાદ કરાવ્યું.

‘હા, ચાની માફક બીજું બધું પણ ઠંડું પડી જશે.’ ડોસાએ જવાબ આપ્યો પણ પંકજને સમજાયું નહીં. ડોસાને ઉધરસ આવવા લાગી. એટલે તે કમરે હાથ મૂકીને ડોસાના લાલ લાલ થઈ ગયેલા ચહેરા સામે જોઈ રહ્યો. તે ખીંટીએથી લાકડી ઉતારીને લઈ આવ્યો, ‘ચાલો દાદા.’ તેણે લાકડી હાથમાં મૂકતા કહ્યું.

ડોસાએ પેટ પર હાથ દબાવીને છત સામે જોયા કર્યું. પછી તેની નજર બારીમાંથી તુલસીના ક્યારા ઉપર પડી. તુલસીના ક્યારા ઉપરની ઓકળી હજી જળવાઈ રહી છે પણ ઉપર ફાટ પડી ગઈ છે. એના ઉપર હવે ફરીથી હાથ દેવો જોઈએ. એણે વિચાર્યું અને લાકડી હાથમાં લઈને ઊભા થતાં પૂછ્યું, ‘અલ્યા તુલસીને હજી પાણી નથી પાયું?’

‘અરે એ તો ભૂલી જ ગયો. હમણાં પાઈ દઉં છું.’ કહેતો એ દોડ્યો.

‘બધું ગયું,’ ડોસાએ વિચાર્યું અને ગમગીન હૃદય સાથે ચાલવા લાગ્યા. ‘એ બધાં સમજે છે શું? હું હજી માલિક છું.’ ડોસાનો ગુસ્સો ચૂલા ઉપરના ખદબદતા પાણીની માફક ઊકળી ઊઠ્યો. શક્તિ ન હતી છતાં બળપૂર્વક ઝડપથી ચાલ્યા અને ઓસરીમાં જઈને લાકડી ઠોકતાં બરાડી ઊઠ્યા, ‘અલ્યા ચંદ્રકાન્ત પેલી તુલસીને’ એમના હોઠ ધ્રૂજી રહ્યા માથું આંચકો ખાઈ ગયું. હાથમાંની લાકડી ધ્રૂજી રહી. ચહેરા ઉપર વિષાદ છવાઈ ગયો. આંખ ભીની થઈ અને દર્દભરી નજર નાખીને તે ગમગીન લથડતે પગલે ચાલી ગયા. એક ક્ષણમાં ગમગીની આખા ઘરને ઘેરી વળી. ચંદ્રકાન્તે બહાર નજર નાખી. ત્યાં પંકજ તુલસીને પાણી પાતો હતો. ચંદ્રકાન્તના કાનમાં બાની બંગડીનો અવાજ ભરાઈ ગયો. પાણીની ધાર તુલસી ઉપર પડી રહી હતી. ફૂલપાંખડીઓ વેરાઈ રહી.તુલસીની નાની ઘટામાંથી બાનો ચહેરો ઊપસી આવ્યો. એણે ત્યાં ગમગીની જોઈ. એણે બાની ગમગીન આંખો ઘણી વખત જોઈ હતી. તુલસીમાં સંતાયેલો ચહેરો જાણે પૂછી રહ્યો, ‘મેં સાચવી રાખેલી ક્ષુદ્ર વસ્તુઓ નથી જોઈ અનિલાએ? આ ક્ષુદ્ર વસ્તુઓ કરતાંય તે ડોસાની કિંમત ઓછી આંકે છે કે? તમે એને ન સાચવી શકતાં હો તો એને મારી પાસે’ ચંદ્રકાન્ત ખસી ગયો. બારણામાં નજર કરતાં ઘૂંઘટવાળો ચહેરો ઊપસી આવ્યો. ‘તારા ભમરડા, લખોટી, રમકડાં કરતાંય ડોસો એ બધાં પચીસ વર્ષથી ત્યાં સચવાઈ રહ્યા છે. તમે ડોસાને ચાર માસમાં’ ચંદ્રકાન્ત ઊકળી ઊઠ્યો. તે ગુસ્સા સાથે અંદર પ્રવેશ્યો ત્યારે એણે અનિલાને બહાર જતી જોઈ. તેના હાથમાં પાણીનો લોટો, દાતણ અને સાદડી હતાં. થોડીક ક્ષણ પછી પંકજ ભીના હાથપગ સાથે દોડતો દોડતો એની પાસેથી પસાર થયો. એ બારી પાસે ગયો ત્યારે પંકજ દાદાને વીંટળાઈને બેઠો હતો.અને દાદા પંકજના માથા ઉપર મમતાથી હાથ ફેરવતા હતા.

અનિલા ડોસાને ચા આપવા ગઈ ત્યારે પૂછ્યું. ગરમ કે ઠંડી? અનિલા કંઈ બોલી નહીં. આંખે પાલવ દેતી તે ધીમે ધીમે ત્યાંથી ખસી ગઈ. બહાર તુલસીની નાની સરખી ઘટા હવામાં ડોલી રહી.