ઓહ ! નયનતારા - 18 Naresh k Dodiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઓહ ! નયનતારા - 18

ઓહ નયનતારા


પ્રકરણ – 18


કૃષ્ણની બાંસુરીનો મધુર સ્વર


ફરી પાછો સોમવાર આવે છે. રાબેતા મુજબ પ્રવીણભાઈ મને તેડવા આવે છે. પણ આજે 'મર્ક'ની બદલે ભરતભાઈની 'બેન્થિલી' કારમાં આવ્યા છે. ભરતભાઈ બુડાપેસ્ટ ગયા છે તે મને યાદ આવ્યું.
મને અચાનક વાફાની ગિફટવાળી વાત યાદ આવી. ગિફટની કિંમત મામૂલી હતી પણ આ ગિફટ પહેરીને ઑકસફર્ડ ગ્રેજયુએટ વાફા કોઈ ટીનએજર છોકરીને પ્રેમીએ પ્રથમવાર ગિફટ આપી હોય તેવી રીતે વર્તન કરતી હતી.
'પ્રવીણભાઈ ! ભારતીભાભીને સાડી પહેરવી ગમે છે અને કયો કલર ગમે છે ?'
'ભારતીને આપણા ગામની બાંધણી બહુ ગમે છે અને તેમાં પણ ઘાટા લાલ રંગની બાંધણી બહુ ગમે છે.' પ્રવીણભાઈ અચરજભાવે મને જવાબ આપતા હતા.


'પ્રવીણભાઈ ! તમે કદી જામનગરથી એક બાંધણી લાવીને ભેટ આપી છે ? કદી ભાભીને કલ્પના પણ ન હોય તેવી ગિફટ આપી છે ?'

'ના ! હાલમાં આપણાં ગામમાં કોઈ ને કોઈ આવતું હોય અને બન્ને ભાઈઓ પણ વર્ષમાં ત્રણ-ચાર વખત ત્યાં આવજાવ કરીએ છીએ. એટલા આપણાં ગામની વસ્તુઓ ગમે તે માણસને કહેવાથી મળી જાય છે.' પ્રવીણભાઈ મને જવાબ આપતા કહે છે.

મને યાદ આવ્યું કે જામનગરથી આઠ બાંધણી સાથે લાવ્યો છું અને લાલચટાક રંગની સિલ્કની એક કીમતી બાંધણી પણ તેમાંની એક છે.

પ્રવીણભાઈ અને હું ફરીથી પેલા સ્ટોર્સમાં ગયા. ભાભી માટે પ્રવીણભાઈને કહીને પેલા લાલ કલરના ટુ પીસને ગિફટ પેકીંગ કરાવ્યા.

'આ શું ખેલ છે ? મને તો સમજમાં આવતું નથી. તારી ભાભી દસ વર્ષથી અહીંયા રહે છે, એટલે આવી વસ્તુની કંઈ અસર થશે નહીં.' પ્રવીણભાઈને રસ ના હોય તે રીતે બોલતા હતો.

'હવે મારી વાત સાંભળો. તમારા બેડરૂમમાં આ ગિફટ પેક, મારી પાસે રહેલી લાલ બાંધણી અને તમારી પસંદગીની એક વસ્તુ એમ ત્રણેય વસ્તુ રાખી આવવાની છે.' પ્રવીણભાઈને હું સમજાવું છું.

'પછી શું કરવાનું છે ? પ્રવીણભાઈએ અચરજભાવે પૂછયું.

'ફકત એક નાનકડી ચિઠ્ઠી તમારે સુંદરકાગળમાં લખીને મૂકવાની છે.'

'શું લખવાનું છે ?' એટલે મેં પ્રવીણભાઈને કઈ રીતે લખવું તે સમજાવ્યું.


'પ્રિય ભારતી,


મારી ઊર્મિઓના મહાસાગરમાં ઉછળતી પ્રેમની ભરતી જેવી ભારતી આજે મારા જીવનમાં દસ વર્ષ પછી, આ ભારતીના પ્રેમની ભરતીમાં ઓટ આવી હોય તેવું લાગે છે. છતાં પણ હું પુનમની રાહ જોઈને બેઠો છું. કદાચ આવતી પૂનમે ભારતીના પ્રેમની ભરતીની છોળો મારા અંતરમનમે ભીંજવી નાખશે અને તોફાની મહાસાગરને રીઝવવા માટે લાલ કપડું તેમાં પધરાવવાની પ્રથા છે એવું મને જાણવા મળ્યું છે. એટલે તારા અંદર અને બહારના આવતા તોફાનને શાંત કરવા આ લાલ કપડાંઓની ભેટ મારી દસ વર્ષ પહેલાની ભારતીને ભેટ ચડાવું છું અને આજે રાત્રે નવના ટકોરે ઘરની બહાર આ કપડાં પહેરેલી ભારતીની રાહ જોતો ઊભો રહીશ અને મને આશા છે કે કદાચ મારી દસ વર્ષ પહેલાની ભારતી મારા ઘરની બહાર નીકળશે અને ઘરની બહાર નીકળીને મારી આંખોમાં તારે જોવાની તસ્દી લેવી પડશે જ, કદાચ તારો દસ વર્ષ પહેલાનો પ્રવીણ તો નથી ને ?'


તારા અંદરના અને બહારના સૌંદર્યને નીરખતું જોવા માગતો


- તારી એકલીનો પ્રવીણ

'મોટા ! આવી ગાંડાઘેલા જેવી વાતોથી ઈંગ્લેન્ડની બાઈઓને કાંઈ ફેર ના પડે, છતાં પણ તારો વિચાર અમલમાં મૂકી દેવો છે. પછી જે થાય તે મારા નસીબ.' પ્રવીણભાઈ ખડખડાટ હસતા કાઠિયાવાડી ભાષામાં મને જવાબ આપે છે.
બીજે દિવસે પ્રવીણભાઈ સવારમાં ઑફિસે જતાં પહેલાં પોતાના બેડરૂમમાં પ્લાન મુજબ ગિફટ પેક રાખીને આવે છે.
બપોરે લંચ ટાઈમના સમયે પ્રવીણભાઈની કેબિનમાં પ્રવેશ કરું છું ત્યાં તો પ્રવીણભાઈ મને ભેટી પડયા અપે આંખોમાંથી આંસુઓ પડવા લાગ્યાં.

"શું થયું પ્રવીણભાઈ ! કંઈક વાત તો કહો યાર?'

'કંઈ કહેવા જેવું નથી, મોટા ! તારી ભાભીનો થોડીવાર પહેલા જ મને ફોન આવ્યો હતો અને કહેતી હતીકે 'પ્રવીણ ! હવે મારાથી નવ વાગ્યા સુધી રાહ જોવાશે નહીં. થોડીવાર પછી ઑફિસે પહોંચું છું અને તારે મારી સાથે નીકળી જવાનું છે અને ઑફિસે લંચ પછી જવાનું નથી અને દસ વર્ષ પહેલા તું લંચ ટાઈમનું બહાનું કરીને ઘરે પહોંચીને જબરદસ્તીથી મને બેડરૂમમાં લઈ જતો હતો એ જ રીતે તને હું જબરદસ્તીથી બેડરૂમમાં લઈ જવાની છું.' પ્રવીણભાઈ એકીશ્વાસે બોલી ગયા અને ફરીથી મને ભેટી પડયા.

મારી આંખોમાં આંસુ આવી ગયાં. કમસે કમ એક માણસનું ઘર ભાંગતા બચી ગયું એની પણ હાલત વાફા જેવી થશે નહીં. જીવતાં મા-બાપ છતાં અનાથ થઈ જતાં બાળકોનો વાંક એટલો જ છે કે તેના માતા-પિતાને બન્નેને પોતાના અહમ્ સાચવવો છે. પોતાના અહમ્ ખાતર આ નિર્દોષ ભૂલકાંને શા માટે મા-બાપના પ્રેમથી વંચિત રાખવાં ? આપણા હિન્દુ સમાજ માટે આ વિચાર બંધબેસતો નથી. કદાચ મારું એવું માનવું છે.

પ્રવીણભાઈ અને હું બહારથી લંચ લઈને ઑફિસમાં અંદર ગયા તો ત્યાંનો નઝરો કંઈક અલગ જોવા મળ્યો. ભારતીભાભી સ્ટાફના તમામ લોકો માટે સ્વીટના નાના બૉકસ લઈને આવ્યા હતા તે બધાને આપતા નજરમાં પડયા અને બધાને કહેતા હતા કે 'અમારા લગ્નજીવનને દસ વર્ષ પૂરાં થયાં તેની ખુશાલીમાં તમારી લેડી બૉસ તરફથી આ ભેટ છે.'
પ્રવીણભાઈની આંખોમાં આજે તોફાની ભરતીઓ નજરે ચડતી હતી. તેની આંખો સતત ભારતીભાભીને નિરખ્યા કરતી હતી.
ભારતીભાભી પ્રવીણભાઈ પાસે પહોંચે છે એટલે પ્રવીણભાઈ ભારતીભાભીને કહે છે : 'તારા આ કુંવારા ભાઈનો આભાર માનવો પડશે, નહીંતર હજુ પણ આપણે એકબીજાથી દૂર રહેવાનું આપણા નસીબમાં લખ્યું હોત.'

એટલે ભારતીભાભીને એકલાને પ્રવીણભાઈની કેબિનમાં બોલાવ્યા અને પ્રવીણભાઈને બહાર રહેવા જણાવ્યું.
પછી કેબિનમાં ભારતીભાભીને અડધી પોણી કલાક મારા અને નયનતારાના અને વાફા અને મારી વચ્ચે થયેલા અમુક સંવાદો સંભળાવ્યા અને એકબીજાને ક્રોસ નહીં કરવાનું વચન બન્ને પાસેથી લીધું. પ્રવીણભાઈ અને ભારતીભાભી ઑફિસની બહાર જવા નીકળે છે અને જતાં જતાં ભારતીભાભી પાછા વળીને મારી સામે એક આંખેથી ઈશારો કરી જાણે પોતાની સુહાગરાત મનાવવા જતા હોય તેવો ભાવ દર્શાવતા હતા.
આખા સ્ટાફે આ ઘટના નિહાળી અને પ્રવીણભાઈ અને ભારતીભાભીને તાળીઓથી વધાવી અને લાંબા અને સુખી લગ્નજીવનની શુભેચ્છા પાઠવી હતી.

'વિલ યુ મેરી મી ! કોપરમેન ?' વાફા મારી આંખોમાં આંખો મેળવીને પૂછે છે. એટલે વાફાને કહું છું કે 'મારી સગાઈ થઈ ગઈ છે એટલે અમારા હિન્દુ ધર્મમાં બે પત્ની રાખવાની મનાઈ છે.'

એટલે વાફા મને જવાબ આપતા કહે છે કે 'તમારા ગુજરાતીઓ ઘણા પરણેલા હોય છે છતાં પણ અન્ય સ્ત્રીઓ સાથે સંબંધ રાખે છે.'

'વાફા ! તું ફિલ્મો જુએ છે ?'

'યસ !'

'ફિલ્મનો હિરો જે કારનામાં કરે છે જે હકીકતની વાસ્તવિક જિંદગીમાં કરી શકે છે ?'

'નો !'

'તને ખબર છે કે ફિલ્મોમાં જે હિરોનો રોલ કરે છે જે હકિકતમાં આપણા જેવો સામાન્ય જેવો માણસ છે છતાં પણ એ માણસને ફિલ્મમાં હિરો તરીકે સ્વીકારીએ છીએ. એ જ રીતે માણસ એટલે કે પુરુષ ફિલ્મની જેમ બે જિંદગી જીવતો હોય છે. ફિલ્મો જેવી કાલ્પનિક દુનિયામાં હિરો બનીને હિરોઈન સાથે રોમાન્સ કરી શકે છે અને વાસ્તવિક જિંદગીમાં પત્ની સાથે પ્રેમ કરે છે. એટલે કયારેક કયારેક પત્ની સિવાય બીજી સ્ત્રી સાથે ફેન્ટસીની દુનિયાના ખ્યાલો સાથે સંબંધ બાંધે છે અથવા પત્ની સાથે અણબનાવ હોય અને વાસ્તવિક જિંદગી કડવી લાગતી હોય ત્યારે બહાર સંબંધ બાંધે છે.'
મેં વાફાને નયનતારાનો ફોટો બતાવ્યો અને પૂછયું કે, 'તને કેવી દેખાય છે ?'

વાફા અચંબિત બનીને કહે છે : 'સી ઈઝ રિયલી ઈન્ડિયન ગર્લ ?'

એટલે મેં કહ્યું : 'સોએ સો ટકા હિન્દુસ્તાની છોકરી છે.'

વાફા મને કહે છે કે 'આટલી સુંદર છોકરી તારી પત્ની બનવાની છે છતાં પણ તને મારામાં રસ શા માટે જાગ્યો ?'

મને ખબર નથી ! બસ... મને તું પહેલી નજરમાં જ ગમી હતી એટલે અનાયાસે પ્રવીણભાઈને પૂછયું કે આ છોકરી કોણ છે ? એટલે પ્રવીણભાઈએ કહ્યું કે આ આરબની છોકરી છે. ફકત આરબ હોવાથી મને જિજ્ઞાસાવશ તારી સાથે દોસ્તી કરવામાં રસ જાગ્યો હતો.' હું કહેતો હતો ત્યારે વાફા ધ્યાન દઈને મારી વાતો સાંભળતી હતી.

'આરબ હોવાથી તને શું ફકઁ પડે છે ?'

'કાંઈ ફરક પડતો નથી. અત્યાર સુધી આરબ જગતની સ્ત્રીઓ બુરખા પાછળ જોવા મળી છે. ફકત એક કુતૂહલ ખાતર અને મને નવા નવા માણસો સાથે દોસ્તી રાખવામાં બહુ આનંદ આવે છે.'

'ચાલો હવે સાડા છ થવા આવ્યા છે. પ્રવીણભાઈ તો આજે પહેલા નીકળી ગયા છે. મારી સાથે ચાલ. મારા ઘરે તને ઠંડી બિયર પીવડાવીશ અને આપણે બન્ને થોડી ગપસપ કરીશું.' વાફાના હુકમનો અનાદર કરી શકાય તેમ નથી. એક અજાણી આકર્ષણ શકિત મને વાફા તરફ ખેંચે છે.

વાફાના ઘરે પહોંચ્યા બાદ વાફા ચેન્જ કરી મારી સાથે બેસે છે. મારી ફેવરિટ જર્મન બેકસ બિયરના ઠંડાં ટીન ખોલીને ટેબલ પર મૂકે છે.

'હું તો એક પણ ધર્મમાં માનતી નથી અને તને તારા હિંદુ ધર્મ અને હિન્દુ સંસ્કૃતિ વિશે થોડું અભિમાન છે એવું મને તારી વાત પરથી લાગે છે. તારો હિન્દુ ધર્મ શું છે તે તારા તર્ક પ્રમાણે મને સમજાવ એટલે મને ખબર પડે કે તું શા માટે તારા ધર્મ માટે અભિમાન કરે છે?'

એટલે વાફાને હિન્દુ ધર્મના થોડા મુદ્દાઓ સમજાવવાની મારી રીતે કોશિશ કરું છું. કારણ કે હું તો સામાન્ય 22 વરૂષનો છોકરો છું. કોઈ સાધુ નથી, કોઈ ત્ર્ક્ષષિ નથી, કોઈ સંત નથી. સામાન્ય માણસની જેમ સિગારેટ, પાન, દારૂ જેવા વ્યસ્ન ધરાવું છું. સાંસારિક માયાજાળમાં ફસાયેલો છું. બે સ્ત્રીઓ સાથે સંબંધ છે, છતાં પણ મારા તર્ક પ્રમાણે સમજાવવાની કોશિશ કરું છું.

'વાફા ! દરેક ધર્મની પહેચાન અલગ અલગ રંગોથી થતી હોય છે. જેમકે અમારા હિન્દુ ધર્મનો કેસરી, ઇસ્લામનો લીલો રંગ, ઈસાઈનો કથ્થાઈ રંગ મારા માનવા મુજબ છે. આમાંનો કોઈ પણ ધર્મનો રંગ તું બંધ આંખે જોઈ શકે છે ?'
વાફા હસતા હસતા જવાબ આપે છે : 'બંધ આંખે એક પણ રંગ ના જોઈ શકીએ.' એટલે વાફાને બહાલ સૂર્યપ્રકાશમાં લઈ જઈને તેની આંખો બંધ કરાવીને સૂરૂયની સામે જોવાનું કહ્યું અને તેને પૂછયું, 'તારી બંધ આંખોથી કયો રંગ દેખાય છે ?
વાફા કહે છે કે : 'કેસરી રંગ દેખાય છે.'


વાફાને સમજાવતા કહ્યું કે, 'તું બંધ આંખથી ફકત હિન્દુ ધર્મનો કેસરી રંગ જોઈ શકે છે અને ખુલી આંખોથી તું જુએ તો અમારા હિન્દુ ધર્મના તને હજારો રંગ જોવા મળશે.

'બીજી વાત એ છે કે ઈસાઈ ધર્મ અસ્તિત્વમાં આવ્યાને બે હજાર વર્ષ થયાં છે. ઈસ્લામ ધરૂમને અસ્તિત્વમાં આવ્યાને ચૌદસો વર્ષ થયાં છે. જયારે હિન્દુ ધર્મની સંસ્કૃતિ પાંચ હજાર વર્ષોથી પણ જૂની છે.
'અમારા હિન્દુ ધર્મ કોઈ પ્રોફેટ, કોઈ બાવા સાધુ કે કોઈ ધર્મગુરુએ સ્થાપેલો નથી. બ્રદ્માએ રચેલી સૃષ્ટિને વિશ્વકર્માએ તેની વાસ્તુકલાથી સજીવન કરી છે અને વેદોના આધાર પર રચાયેલો ધર્મ છે.

'એક પણ ધર્મમાં સ્ત્રીશકિતના આટલા ગુણગાન ગાયા નથી. સૃષ્ટિના દરેક તત્વનું તત્વ અમારા ધર્મમાં વિસ્તારપૂર્વક સમજાવવામાં આવ્યું છે.

'આજે દુનિયામાં જે લોકશાહી પ્રથા અમલમાં છે જે અમારા ભગવાનોના જે અલગ અલગ સ્થાન છે તેના ઉપરથી અમલમાં આવી છે. લોકશાહીમાં સ્ત્રીઓ માટે જે અનામત બેઠકો ફાળવી છે તે પણ અમો હિન્દુઓ જેની આરાધનાકરીએ છીએ તે માતાજીઓનાં સ્થાન ઉપરથી અમલમાં આવી છે.

'સૃષ્ટિના મોટાભાગના પ્રાણીઓને અમારા કોઈ ને કોઈ ભગવાન કે માતાજીના વાહન તરીકે અમારા શાસ્ત્રોમાં ઉલ્લેખ થયો છે.

'સૃષ્ટિના દરેક સર્જનો જેમ દરિયો, પર્વત, નદી, સરોવર, પવન, અગ્નિ; અમારા ધર્મના લોકો માટે પૂજનીય છે.
'આ બધાં તત્વોની પૂજા કે તેની આરાધના કરવા માટે તેના માટે એક તહેવારનો દિવસ નક્કી થયો છે.
'અમારો ધર્મ ઉપદેશ આપવામાં માનતો નથી. બલકે જીવન જીવવાની કલા અને મેનેજમેન્ટના પાઠ શીખવે છે.
'વૃક્ષોનાં ગુણગાન ફકત અમારા ધર્મમાં દર્શાવાયાં છે અને વૃક્ષોનો માનવજીવનના કલ્યાણમાં શું ઉપયોગ છે તેની જાણકારી આયુર્વેદ થકી આખી દુનિયાને હિન્દુ ધર્મે આપી છે. કેંન્સર જેવા રોગોનું નિદાન પણ આયુર્વેદ થકી થઈ શકે છે.
'કદાચ તું બુરખો પહેરીને લંડનના રસ્તા પર ચાલતી હોય ત્યારે કોઈ અનુમાન કરી શકશે કે આ બુરખાધારી ઔરત પાકિસ્તાનની, અરબસ્તાનની કે મલેશિયાની છે અને જયારે સાડી પહેરીને લંડનના રસ્તા પર ચાલતી હોય ત્યારે કોઈપણ દેશનો માણસ હિન્દુસ્તાની ઔરત તરીકે ઓળખશે.

'એ જ રીતે કપાળ પર લગાડતા ચાંદલાનું મહત્વ છે. હિન્દુ સ્ત્રીઓ અને પુરુષોમાં અલગ અલગ જાતના ચાંદલા કરવાની પ્રથા છે. સ્ત્રીઓ કંકુના લાલ રંગના ચાંદલા કરે છે. પરિણીત સ્ત્રીઓ સેંથામાં સિંદૂર પૂરે છે. ફકત હિન્દુ સ્ત્રીઓને આ સિંદૂર થકી પરિણીત કે કુંવારી છે તે જોતાની સાથે તમે નક્કી કરી શકો છો. પુરુષો માથા પર તિલક લગાવે છે, જેના પરથી બીજા લોકોને ખબર પડે કે આ માણસ હિન્દુ છે, પણ આજના આધુનિક યુગમાં આ પ્રથાનો અમલ બહુ ઓછો થાય છે. જયારે સ્ત્રીઓએ આ રિવાજને આજ સુધી જીવંત રાખ્યો છે.

'અમારા હિન્દુ ધર્મનાં ત્રણ પાસાં મહત્વનાં છે. દરેક યુગમાં ભગવાન પૃથ્વી પર અવતાર ધારણ કરે છે. માણસ મરી જાય છે, પણ તેનો આત્મા જીવતો રહે છે. જે જીવના ભિન્નભિન્ન શરીરમાં વાસ કરે છે જેને કારણે અવતાર, પુનર્જન્મ અને મોક્ષ આ ત્રણે મહત્વનાં પાસાંઓને કારણે અમારો હિન્દુધર્મ સનાતન છે. સનાતન એટલે પુરાતનકાળથી ચાલ્યું આવતું અજન્મા, સ્થિર, નિત્ય અમર રહેતું તત્વ, જે અવિનાશી છે જે અમારો હિન્દુ ધર્મ સનાતન એટલે નાશ ના પામે તેવો ધર્મ છે.
'જયારે બીજા કોઈપણ ધર્મમાં ઈશ્વરે પૃથ્વી પર માનવજાતના કલ્યાણ માટે જન્મ લીધો નથી અને અમારા હિન્દુ ધર્મમાં ખુદ ભગવાન માનવજાતના કલ્યાણ અર્થે પૃથ્વી પર મનુષ્ય અવતાર ધારણ કરે છે.

'કદાચ મારું માનવું છે કે અંગ્રેજો સામે આઝાદી અપાવનાર અમારા ગુજરાતી પુરુષ ગાંધીજીમાં છેલ્લે ભગવાનના અંશો જોવામાં આવ્યા હતા અને અમારા હિન્દુ ધર્મના અહિંસાના સિદ્ધાંત થકી હિન્દુસ્તાનને આઝાદી અપાવી હતી. આજે વિશ્વમાં શાકાહારનો મહિમા ફેલાણો છે તે હિન્દુ ધર્મના વિચારોને આધારિત છે. આદિકાળથી અરેબિયન સંસ્કૃતિ, ગ્રીક સંસ્કૃતિ, રોમન સંસ્કૃતિ, મિસર સંસ્કૃતિના પૂર્વજો બધા માંસાહાર કરતા હતા, જયારે હજારો વર્ષો પહેલા હિન્દુ સંસ્કૃતિએ શાકાહારની જગતને અમૂલ્ય ભેટ આપી હતી.

'અમારા હિન્દુ ધર્મમાં ઇશ્વરની સામે સ્ત્રી કે પુરુષ નિ:સંકોચ પણે જઈ શકે છે. મંદિરમાં પ્રવેશતી વખતે કોઈપણ પ્રકારનાં આવરણો ચહેરા કે માથા ઉપર રાખવા પડતાં નથી. એટલું જ નહીં કોઈપણ ધર્મસ્થાનમાં નાતજાતના ભેદભાવ વગર પ્રવેશ કરવાની છૂટ છે.

'હિન્દુસ્તાનની ધરતી પર ઇસ્લામ, ઇસાઈ, બૌદ્ધ, જૈન અને જરથોસ્ટ જેવા અનેક ધર્મનો ફેલાવો થયો છે. આજે હિન્દુસ્તાનમાંથી પેદા થયેલો બૌદ્ધ ધર્મ દુનિયાભરમાં ફેલાયો છે. પારસીઓને શા માટે ઇરાન છોડવું પડયું હતું તે તું જાણે છે ? અને આ પારસીઓને હિન્દુસ્તાને પુત્રની જેમ ઉછેર્યા છે. અમારી હિન્દુ સંસ્કૃતિ ઉપર જેટલા બહારી આક્રમણખોરોના હુમલા થયા છે તેટલી સંખ્યામાં કોઈપણ સંસ્કૃતિ પર થયા નથી. છતાં પણ હિન્દુ ધર્મ આજે પણ અકબંધ છે. હિન્દુ ધર્મમાં વીરપુરુષનું આભૂષણ 'ક્ષમા'છે, હિન્દુ ધર્મની તલવાર પ્રજાની રક્ષા માટે બનેલી છે. આ તલવારની ધારનો ઉપયોગ કદી હિન્દુ ધર્મના ફેલાવા માટે થયો નથી. હિન્દુ એ ધર્મ નથી પણ આજે એક આકર્ષણ છે. આ આકર્ષણનો અનુભવ કરવો હોય તો વિદેશોના ઇસ્કોનના ગોરા અનુયાયીઓ હિન્દુ નામધારણ કરીને કૃષ્ણમય બનીને ગોપીઓની જેમ નાચતી ગોરી સ્ત્રીઓ અને ગોપાલાની જેમ નાચતા ગોરા પુરુષોને એકવાર તારી આંખોથી નિહાળજે, પછી આ ધર્મના આકર્ષણનો સાક્ષાત્ અનુભવ કરજે. આ આકર્ષણ તારા શરીરમાં નૃત્ય સમ્રાટ નટરાજના ભાવ પેદા કરશે તેવું હું ખાતરીપૂર્વક કહી શકું છું.
'હજુ પણ નૃત્યકલાનું, હિન્દુધર્મનું જ્ઞાન મેળવવું હોય તો એકવાર મારે દેશ આવજે. જયારે મારા કાઠિયાવાડમાં નવરાત્રીની નવેનવ રાત અમારી ગુજરાતણો ગોળ ગોળ ઘૂમીને ગરબા લેતી હોય ત્યારે એમ જ લાગશે કે મંદિરનો ઘુમ્મટ ગોળ ગોળ ફરે છે અને તેનાથી પણ વધારે આનંદ મેળવવો હોય તો ચણિયાચોળી પહેરીને મારી સાથે ગરબે ઘૂમજે અને તને આનંદની ચરમસીમાની હદ પાર ન કરાવી આપું તો મારું કાઠિયાવાડી ખમીર લાજે.'
વાફા મારી સામે કોઈ વ્યાખ્યાન સાંભળવામાં એકાગ્ર બની ગયેલી કોઈ ધાર્મિક વૃત્તિની સ્ત્રી જેવી લાગતી હતી.
પછી તો વાફાને મીરાંબાઈની, રાધાકૃષ્ણની, રાજારજવાડાની અને અમારી કાઠિયાવાડી ભાતીગળ સંસ્કૃતિની વાતો કરીને મંત્રમુગ્ધ બનાવી હતી.

આ કોઈ સત્સંગ પુરુષનું બયાન કે હિન્દુ ધર્મના નામે દલાલી કરનારા કોઈ પોતડીવાળા બાવાનું નાટક નહતું કે કોઈ પાખંડી સાધુનું વ્યાખ્ય્ન નહોતું. બલકે એક કાઠિયાવાડીનું એક ઈમાનદારીભર્યું સંસ્કૃતિપ્રેમનું પ્રેમભર્યુ અને લાગણીભયુઁ પોતીકું બયાન હતું. એ બયાન પણ બિયરની ચુસ્કી મારતા આપતો હતો ત્યારે મનમાં હસવું આવતું હતું.
વાફાને કઈ રીતૈ સમજાવું કે હિન્દુ ધર્મને સમજવા માટે હજારો પુસ્તકો અત્યાર સુધી લખાયાં છે અને હજારો વર્ષો સુધી હજુ પણ લખાશે છતાં પણ હિન્દુત્વના મૂળ તત્વ સુધી કોઈપણ પહોંચી શકવાનું નથી. કદાચ વાફા પોતાની આખી જિંદગી તેની ઑકસફર્ડ યુનિવસિઁટીમાં હિન્દુત્વ સબજેકટ પર અધ્યયન કરે તોપણ તે સમજી શકવાની નથી.
'તારું બિયરનું ચોથું ટીન ખાલી થયું છે. હજુ કાંઈ કહેવાનું બાકી હોય તો એક ટીન લેતી આવું ?' વાફા મારા ખભા પર ભાર આપીને ઊભા થતા બોલી.

'લઈ આવજે આમે પણ ટાઈમ પસાર કરવાનો છે.'

ફરી પાછો વાફા અને મારો ચર્ચાનો દોર આગળ વધે છે. ઈમાનદારીથી એક વાત કહેવી છે કે જે લોકોને જ્ઞાન મેળવવાની જિજ્ઞાસા હોય તેને સમય, સંજોગ, વ્યકિત કે સ્થળનું બંધન નડતું નથી.

વાફા હવે મને પૂછે છે કે 'મોટાભાગના ધર્મોમાં ઉપવાસનું મહત્વ છે તે રીતે તમારા ધર્મમાં ઉપવાસનું મહત્વ શું છે તે મને સમજાવવું પડશે.'

એટલે વાફાને આપણા તહેવારનું મહત્વ સમજાવતા કહ્યું કે 'અમારા હિન્દુ ધર્મના દરેક તહેવારોનું એક મહત્વ છે, જેનો એક જ મર્મ છે તે આનંદુત્સ્વ કે આનંદપર્વ અમારા તહેવારો અમારા હિન્દુઓ માટે આનંદપર્વ જેવા છે અને આ તહેવારના દિવસો વગર ઉપવાસે અમોને સાંસારિક મોક્ષનો અનુભવ કરાવે છે.

'હિન્દુ ધર્મમાં મૃત્યુને પણ પર્વ બનાવવામાં આવ્યું છે. અમારા ધર્મમાં ઉપવાસ,બ્રદ્મચર્ય કે હાંસારિક માયાના ત્યાગનો ઉપદેશ આપવામાં નથી આવતો. શરીરને કષ્ટ આપવાનો અમારો ધર્મ આદેશ આપતો નથી.' એટલે મૃત્યુ પછી બારમા, તેરમા અને વરસીનાં મહત્વ સમજાવ્યાં.

'અમારા ધર્મના સંદેશ મુજબ દરેક હિન્દુધર્મના માણસમાં ઈશ્વરનો વાસ છે. કોઈપણ સમયે માણસ ઈશ્વર સાથે તાદાત્મ્ય સાધી શકે છે.

ત્યારે મને એક પુસ્તકમાં લખાયેલું એક વાકય યાદ આવી ગયું. અમુક ધર્મના વડાઓ પોતાના વ્યાખ્યાનમાં ભકતોને સાંસારિક માયાનાં બંધનોમાંથી છૂટવાના નુસ્ખાઓ સૂચવે છે તેવા લોકો સ્ત્રીશકિતને સમાજમાં ફેલાયેલી બદી માટે યેનકેન પ્રકારે દોષિત માનવાની ગુસ્તાખી કરતા હોય છે, જે લોકોને સ્ત્રીઓના ચહોરો જોતા વિષાદની ભાવના પેદા થાય છે જે લોકો સંસાર ત્યાગવાની ફિરાકમાં છે તેવા લોકોએ આ વાકય વાંચવું જરૂરી છે ખરું?
'સંસારને મિથ્યા માનવા મારું મન ના પાડે છે. એના અનેકવિધ રંગોમાં ભલે જાદુગરી હોય તો પણ આ જાદુગરી મારા આનંદનો વિષય બની શકે છે. સંસાર માયાવી હોય કે ના હોય, પરંતુ એની રસ સમૃધ્ધિ શું હોઈ શકે ? હજારો પુસ્તકોથી ભરેલી મારી અંગત લાઈબ્રેરી, સુંદર મકાન જે વેલ ફર્નિશ્ડ છે. સુંદર અને લાંબી પત્ની જેના વાળ નિતંબો સુધી લાંબા હોય, બે સુંદર ફૂલો જેવા બાળકો, મતલબ રૂપિયા જેના થકી સમાજનું થોડેઘણો અંશે કલ્યાણ કરી શકું. કુટુંબની દરેક વ્યકિતનો પ્રેમ, વિદેશ પ્રવાસ, કાર અને દિવસના બાર-તેર કલાક સતત પ્રવૃતિમય રાખતો ધંધો આમાંની બધી વસ્તુઓ મારી પાસે છે છતાં પણ એક એવી વસ્તુ છે જેના વિચારોથી મારી આંખોમાં ચમક આવી જાય છે. કદાચ આ વસ્તુને માયા કહેવાતી હશે. આ માયા એ સ્ત્રીલિંગ છે. કદાચ એટલે જ આ સાંસારિક માયા પુરુષની કલ્પનાની કોઈ એક સ્ત્રી હોવી જોઈએ એવું મારું માનવું છે અને મારી એકમાત્ર કલ્પના છે- ઓહ,નયનતારા.

સાંસારિક માયાનો ત્યાગ કરી કદી સંસારનું ભલું ના થઈ શકે. જીવનનું પરમ સત્ય પામવું છે તો સંસારનો ત્યાગ કરો. આવા કટુવચનો બોલનારાના કારણે હું વ્યકિતપૂજાનો વિરોધ કરું છું. ચોર્યાસી લાખ અવતારો ધારણ કર્યા પછી મનુષ્ય અવતાર મળે છે. આ મનુષ્ય અવતારનો ત્યાગ કરી ફરીથી એકથી ચોર્યાસી અવતારની ગણતરી કરવામાં ફરી પાછા હજારો વર્ષની બરબાદી કરવી અને પણ એક વ્યકિતના ઉપદેશથી જે માણસ પોતાના વ્યાખ્યાનો આપવા ઈમ્પોર્ટેડ કારનો મુસાફરી માટે ઉપયોગ કરે છે અને કારની પાછળ તેની સ્ત્રી અનુયાયીઓ ગાંડાની માફક પાછળ દોડતી હોય ત્યારે એકચક્રી શાસનની યાદ આવે છે. એક પાગલ સરમુખત્યાર જેની પાછળ તેની પ્રજા ગાંડી હોય છે અને આ વિષાદ ભાવનાનો અંત આ સરમુખત્યારના મૃત્યથી થતો જોવા મળે છે. એક બંદૂકની ગોળી અથવા પોતાની બંદૂકની ગોળીથી આત્મહત્યા, સરમુખત્યારની જિંદગીના અંતના આ બે ઉપાયો સનાતન છે.

'હેલો...રાત્રીના સાડા દસ વાગ્યા છે. મને ભૂખ લાગી છે. તારી વાતોમાં સમય કેવો વીતી ગયો તેની મને ખબર પણ ના પડી.' વાફા ઊભી થતાં બોલી.

'સાંભળ વાફા ! આપણે બન્ને છેલ્લા ચાર કલાકથી મારા હિન્દુ ધરૂમની ચર્ચામાં મશગુલ હતા તે દરમિયાન તારામાં કે મારામાં કોઈપણ પ્રકારના જાતિય આવેગો પેદા થયા તેવું તને કે મને લાગ્યું છે ?'

'મારા મનમાં તો આવા ભાવ પદા નથી થયાં એટલે તારા મનમાં નહીં થયા હોય.' વાફા મારા સવાલનો જવાબ આપે છે.
'તો આટલી વાતમાં તું સમજી ગઈ હશે કે હિન્દુ ધર્મનું મહત્વ શું છે જે મારા અને તારા જેવા યુવાન છોકરા અને છોકરીના આવેગોને એવા વાતાવરણમાં રોકી રાખે છે...જેમાં છોકરીએ અલ્પ વસ્ત્ર ધારણ કરેલાં છે અને છોકરો અને છોકરી છેલ્લા ચાર કલાકથી બન્ને સાથે છે અને જે બન્ને વચ્ચે પહેલાથી સંબંધ છે છતાં પણ કોઈ એક એવું ધાર્મિકતત્વ છે જે ધર્મના સંસર્ગમાં આવતાં દરેક અનુયાયીઓનું મસ્તક ભારથી મુકત કરે છે.' વાફાને હિન્દુ ધર્મની વિશેષતા સમજાવી અને અમે બન્ને પેટપૂજા માટે ઘરની બહાર નીકળી ગયાં.


અમારી કાર એજવેર પહોંચે છે, જયાં એક પિઝાની ફેમસ શૉપ છે. તેના પિઝા બહુ વખણાય છે. પિઝાને ન્યાય આપી અમો ફરી પાછા વાફાને ઘરે પહોંચીએ છીએ, એટલે રાહુલ અને કેપ્ટનને ફોનમાં જાણ કરું છું : 'મને આવતા જરા મોડું થશે, અને રાહુલ ફોન ઉપર આવે છે અને કહે છે કે છેલ્લા બે દિવસથી તેં ઘેર ફોન નથી કયૉ એટલે તુરત ઘરે ફોન કરજે અને નયનતારા આજે તારા ઘરે છે.'

એટલે વાફાના ઘરના ફોનમાંથી મારા ઘરે ફોન લગાડું છું, પછી મને યાદ આવ્યું કે હિન્દુસ્તાનમાં અત્યારે રાત્રીના સાડા ત્રણ કે ચાર વાગ્યા હશે. છતાં પણ ઘરની યાદ આવતા કોઈ ફોન ઉપાડે તેની રાહ જોઉ છું.
સામે છેડેથી પ્રિયા ફોન ઉપાડે છે અને ગુસ્સે થઈને કહે છે કે 'અત્યારે ફોન કરવાનો તને સમય મળ્યો છે ? તારી ડૉકટરાણી રડી રડીને સૂઈ ગઈ છે. તું અહીંયા આવે પછી તારી ખેર નથી, કમસેકમ આ ગાંડીનો તો વિચાર કરવો જોઈએ...!' થોડી ખામોશી પછી પ્રિયા નયનતારાને ઉઠાડીને મારી સાથે વાથ કરાવે છે.

'મીઠું ! આ તારી રીત છે ? આ રીતે મને તડપાવીને મારી નાખવી છે ? અહીંયા મારાથી રહેવાતું નથી. તારા રૂમમાં હું અને પ્રિયા સૂતાં છીએ. ફકત તને માણવા માટે અંધારામાં તારા પલંગ પર મારી જાતને ઓગળી નાખું છું. કયારેક ભરનિંદરમાં ઝબકી જવાય છે. અહેસાસ થાય છે - તું મારી બાજુમાં બેઠો છે અને મારી લટોમાં હાથ ફેરવે છે. તને પ્રેમ કરતા આવડે છે પણ પ્રેમપત્ર લખતા આવડતો નથી. મિનિટ અને સેકન્ડની ગણતરી પણ પૂરી થઈ ગઈ છે. તારી માયાના મોહમાં હું કેવી ફસાણી છું - તું કદાચ સ્ત્રી હોત તો મારી હાલત વધુ સમજી શકયો હોત. તારા જેવા પ્રેમી માણસને કોઈ સ્ત્રી દોસ્ત બનાવવાની ભૂલ કરશે નહીં, એટલે કદાચ તારી દોસ્તીને પ્રેમ સમજવાની ભૂલ કરી નાખશે અને છતાં પણ તારું મન ન માનતું હોય તો તું તારા સ્વભાવ મુજબ તારું ધાર્યુ કરજે. મને ખબર છે કે મારા માટેનો પ્રેમ અકબંધ રહેશે. હજુ તો મારે તારી યાદમાં અઢી મહિના વીતાવવાના છે, તે કલ્પનાથી મારું મગજ ફાટે છે. આવો તે કોઈને પ્રેમ કરી શકાય ? તારી સાથેની મુલાકાતોને કારણે પરવશ બની ગઈછું. મારી અંદરની લાગણીઓ ઉભરાય ગઈ છે માટે જલદીથી ફોન કાપવો પડશે. કાલે રાત્રીના અગિયાર વાગ્યાના અહીંના સમયે ફોન કરજે પછી હું નહાવા માટે જઈશ જેથી મનને થોડી ઠંડક મળી જાય.'

ફોનમાં વાત પૂરી થયા પછી મારી આંખોની ભીની કોર જોઈને વાફા બધી હકીકત સમજી જાય છે અને મારું માથું તેની નરમ હથેળીથી દબાવે છે અને મારા માથામાં હાથ ફેરવતા ફેરવતા બોલે છે : 'યુ આર ટેકનીકલી પરફેકટ ઈન્ડિયન હબ્બી.'
મારી આંખોની ભીનાશ વાફાની આંગળીઓ સુધી પહોંચે છે. વાફા થોડી ગંભીર બની જાય છે. મને કલાપીની પેલી પંકિતની યાદ આવે છે :


'ચાહીશ તો ચાહીશ બેયને હું,
ચાહું નહિ તો નવ કોઈને હું.'

વાફા પોતે ખૂબ લાગણીશીલ હોવાથી પોતાની ભાવના મારાથી છુપાવી શકતી નથી. હું કેટલો નસીબદાર છું. સાત સમંદર પાર મને કૃષ્ણની બાંસુરીનો મધુર સૂર સાંભળવા મળે છે !