મત્સ્યવેધ DHARMESH GANDHI (DG) દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મત્સ્યવેધ

મત્સ્યવેધ

ધર્મેશ આર. ગાંધી

‘ક્રિએટીવ કન્સ્ટ્રકશન’ની વિશાળ ઓફિસમાં અફડાતફડી મચી ગઈ હતી. મુંબઈના બાન્દ્રા-કુર્લા જેવા પોશ વિસ્તારમાં આવેલા એક કોમ્પ્લેક્ષના પાંચમાં માળે, શહેરના ખ્યાતનામ બિલ્ડરની ઓફીસનો સ્ટાફ - માથે પરસેવો અને શરીરમાં ધ્રુજારી લઈને હાંફળો-ફાંફળો ફરી રહ્યો હતો. અજુગતી લાગતી સ્ટાફની આ ચહલપહલ કામના ભારણને લઈને નહિ, પરંતુ સાંજ-વેળાએ આવી પડેલી એક અણધારી મુસીબત કે લાપરવાહીને લીધે હતી. મામલો ચોરીનો હતો... નાની-મોટી નહિ, પણ પુરા દસ લાખ રૂપિયાની ચોરી...! હવે એ ખરેખર ચોરી જ હતી... કે બેકાળજી...? એ એક અસમંજસ અને મુંઝવણનો સવાલ હતો... પણ આખરે હજાર-હજારની નોટવાળું રૂપિયા દસ લાખનું બંડલ ગયું ક્યાં..? કશે આમતેમ મુકાઇ ગયું...? એવું બની શકે ખરું..? એવી લાપરવાહી શક્ય કરી...? કોઈ આખું બંડલ જ ચોરી ગયું...? કે પછી કોઈએ સંતાડી દીધું...? પણ ક્યાં, કોણ, ને કેવી રીતે..?

જો કે ઓફિસનું વાતાવરણ કપરું તો ત્યારે બન્યું કે - સંજોગોવશાત ગઈ કાલ સાંજથી જ ઓફીસના સીસીટીવી કેમેરા પણ કોઈક ટેકનીકલ ખામીના કારણોસર બંધ થઇ ગયા હતા. કેમેરા રીપેર કરનાર પોતાનું કામ કરવા આવે એ પહેલા તો કોઈ અન્ય જ પોતાનું ‘કામ’ તમામ કરી ગયું !

ઓફિસનો સ્ટાફ કોઈ ઢગલેબંધ કર્મચારીઓનો તો હતો નહિ. હતાં માત્ર સાત જણ, આખી ઓફિસમાં !

એક - બોસ પોતે, મી. ભાવેશ મોદી... આધેડ વયના હતા, જે હંમેશા વિશાળ ઓફીસના ખૂણે આવેલી પોતાની અલાયદી ચેમ્બરમાં જ બેસતા. જરૂર પડ્યે સ્ટાફના જે-તે કર્મચારીને, કે આવનાર ક્લાયન્ટસને ચેમ્બરમાં જ બોલાવીને મીટીંગ કરી લેતા.

બીજા – મેનેજર, મી. કરણ મલ્હોત્રા... લગભગ ચાલીસેકની ઉમ્મર ખરી. અનુભવની સાથે-સાથે ઓફીસના-આયોજનના કામમાં પણ પુરા પાવરધા. એમની ચેર, ડેસ્ક અને કોમ્પ્યુટર અન્ય કર્મચારીઓની હરોળમાં જ હતાં, જેથી સ્ટાફના કર્મચારીઓને, પ્રોજેક્ટસને લગતા જરૂરી સૂચનો આપી શકાય; દેખરેખ રાખી શકાય.

સ્ટાફની ત્રીજી વ્યક્તિ – રીસેપ્શનિસ્ટ, મિસ રૂબી... નામ પ્રમાણે જ રૂબી-મોતી જેવું મોહક રૂપ, અને એ રૂપ પર ખંજનયુક્ત મારકણી ‘સ્માઇલ’... કોઈને પણ ઘાયલ અથવા બેઈમાન બનાવવા માટે પૂરતાં હતાં. એનું કામ એની પોસ્ટ પ્રમાણે ઓફીસના મેઈન ડોર પાસેના રીસેપ્શન કાઉન્ટર પર બેસીને, પોતાનો ઐશ્વર્યથી ભરપૂર ચહેકતો ચહેરો મલકાવીને, ક્લાયન્ટ્સને ‘વેલકમ’ કરવાનું... તથા ફોન કોલ્સ લેવાના-કરવાના વગેરે હતું.

તે સિવાય – બે ઓટોકેડ-ગ્રાફિક્સ ડિઝાઈનર, સંજય અને વિજય... બંને ભાઈઓ. કોલેજમાં અભ્યાસ કરી રહ્યા હતા, ને અહીં પાર્ટ-ટાઇમ જોબ... જેથી અભ્યાસની સમાંતરે પોતાના વિષયને લગતા કામનો ‘પ્રેક્ટીકલ’ અનુભવ થાય અને બે પૈસા પણ ઉભા થાય.

સ્ટાફમાં એક પ્યૂન પણ ખરો, પાંડે... જેનું કામ હતું – સવારે બધાંથી પહેલાં આવી ઓફીસ ખોલવી; સાંજે સૌથી છેલ્લે ઓફીસ બંધ કરવી; સાફ-સૂફ કરવી તેમજ સ્ટાફ તથા ક્લાયન્ટ્સ માટે ચા-પાણીની વ્યવસ્થા કરવી... બસ.

સ્ટાફનો સાતમો, છેલ્લો અને નવો કર્મચારી – કોમ્પ્યુટર-એકાઉન્ટન્ટ, અર્જુન શ્રીવાસ્તવ... ઓફિસમાં જોડાયાને માંડ બે-ત્રણ મહિના થયા હશે. એની ‘સ્પાઈકી’ હેર-સ્ટાઇલ તેમજ ‘રોક-સ્ટાર’ લૂક – મિસ રૂબીને રીઝવવા માટેનું ઇંધણ પૂરું પાડી રહ્યા હતા. સાથે-સાથે અર્જુનની અંગ્રેજી ભાષા પરની પકડ, વિનમ્ર વ્યકતિત્વ તથા કામ પ્રત્યેની ધગશ અને પ્રમાણિકતાએ બહુ ટૂંકા ગાળામાં ઓફિસમાં એની છબી ઉજળી બનાવી હતી. અર્જુન-રૂબી વચ્ચે ચાલતા પરસ્પરના નયનોના બાણથી તેમજ એમની વચ્ચે પાંગરી રહેલી પ્રેમલીલાથી, મેનેજર કરણને શૂળ ભોંકાતી હોવાની ચર્ચા ઘણી વખત ઓફિસમાં ચગડોળે ચઢતી... ખાસ કરીને અર્જુન-રૂબીની ગેરહાજરીમાં જ ! જે રાજ્ય પર ચઢાઈ કરીને કરણ એને પોતાનું બનાવવા માંગતો હતો, એ સામ્રાજ્યને - જાહોજલાલીને અર્જુન પોતાની વાક્છટાથી વશમાં કરી રહ્યો હતો... અને કરણ-અર્જુનનું આ ખાનગી દ્વન્દ-યુદ્ધ ઓફિસમાં લગભગ જાહેર થઇ ચુક્યું હતું ! પરિણામસ્વરૂપ, કરણનો મેનેજર-રૂપી રોષ નજીવી બાબતોમાં અર્જુન પર ભભૂકી ઉઠતો... ને એ સૌ જાણતા-સમજતા પણ હતા !

હકીકતમાં, ઓફીસના એકાઉન્ટન્ટની પોસ્ટ માટે થયેલાં ઇન્ટર્વ્યુંમાં - અનેક કેન્ડીડેટ્સમાંથી માત્ર અર્જુનને સિલેક્ટ કરવાવાળો કરણ પોતે જ હતો... અને આ જ અર્જુન આજે કરણ માટે ઈર્ષ્યાનું કારણ બની રહ્યો હતો; બની ચુક્યો હતો ! જો કે ઓફિસનો સ્ટાફ તો એ વાતની મઝા જ લઇ રહ્યો હતો, કે કરણે પોતે જ પોતાના પગ પર કુહાડો માર્યો છે; અથવા તો કહો કે પોતે જ પોતાની છાતી પર તીર ચલાવ્યું છે...!

* * *

“સર, આ અર્જુન… કંઇક વધારે પડતો જ ‘હોશિયાર’ નથી લાગતો..?” કરણે બોસ ભાવેશભાઈની ચેમ્બરમાં પ્રવેશતાં જ દબાયેલા અવાજે, અંધારામાં – એક ચોક્કસ નિશાન પર તીર છોડ્યું.

“આનો શું મતલબ સમજવો મારે… મી. કરણ..?” બોસ અકળાયેલા સ્વર સાથે વેધક નજરે કરણને તાકી રહ્યા.

"એકાઉન્ટન્ટ્સ - આંકડાની રમતના અઠંગ ખેલાડી હોય છે... પૈસાનું પત્તુ ક્યાંથી ક્યાં ફેરવવું - એ કળા એમનામાં ખૂબ જ પારંગતતાથી વિક્સેલી હોય છે... જો જો સર, એના ચક્રવ્યૂહમાં ફસાઈ ન જવાઇ..!" કરણનો આડકતરો ઈશારો હવે સીધી દિશામાં પોતાના લક્ષ્ય તરફ વળ્યો. શંકાની સોય અર્જુન તરફ તાકવામાં આવી રહી હતી.

"લૂક મી. કરણ... ઓફીસ સ્ટાફની સાથે સાથે હું પોતે પણ એ વાતથી બિલકુલ અજાણ નથી, કે અર્જુન પરત્વે તમને કંઇક વધુ પડતી જ 'એલર્જી' છે..." બોસ પોતે અર્જુનની કાર્યક્ષમતા તથા નિષ્ઠાથી પ્રભાવિત હોઇ પોતાનું મંતવ્ય સ્પષ્ટ કર્યું.

"તો પછી... શું પૈસાને પગ ઉગ્યા કે પાંખ ફૂટી..? દસ લાખ રૂપિયાનું બંડલ અર્જુનના ડ્રોઅરમાં; ડ્રોઅરને 'લોક' મારનાર અર્જુન પોતે; 'લોક'ની ચાવી ખુદ એની પોતાની પાસે... તો પછી કોઈ અન્ય વ્યક્તિ... કઈ રીતે...?" કરણના ભાથામાંથી બ્રહ્માસ્ત્ર છુટી ચુક્યું હતું, એક આખરી વાર-રૂપે..!

હવે મૂંઝવણ અનુભવવાનો વારો બોસનો હતો ! સવારનું ઓફિસનું દૃશ્ય એમના મસ્તિષ્કમાં ઘૂમરાયું - એક કલાયંટનું પેમેન્ટ આવ્યું હતું, રૂપિયા દસ લાખનું. અર્જુને પોતાની ચેમ્બરમાં બેસીને, પોતાની અને ક્લાયન્ટની સામે જ, બંડલની દરેક નોટ ગણી હતી; ચેક કરી હતી..! પછી એ બંડલ અર્જુનને જ સુપરત કરી ભાવેશભાઈએ એને સુચના પણ આપી હતી કે - કોમ્પ્યુટર લેઝરમાં જરુરી એન્ટ્રી કરીને પૈસા 'લોક-એન્ડ-કી'વાળા ડ્રોઅરમાં મુકી દેવા... અલબત્ત પોતાની નજર સામે જ તો અર્જુને સુચના પ્રમાણે કર્યું પણ આમ જ હતું...! વળી આ તો લગભગ રોજિંદી પ્રકિયા હતી, એમાં કંઇ નવું કે આશ્ચર્યજનક પણ કંઇ જ નહોતું... અને પછી રોજ સાંજે ઓફીસ બંધ કરતાં પહેલાં, આખા દિવસની લેવડ-દેવડનો હિસાબ-કિતાબ તેમજ રોકડ સિલક અર્જુન પોતાને જમા પણ કરાવી દેતો હતો.

"માફ કરજો સર, પરંતુ... મારી પાસે પણ કંઇક ઠોસ સાબિતી હશે તો જ હું..." કરણે તટસ્થ અને સ્પષ્ટ અભિગમ અપનાવતા પોતાની વાત સિફતથી બોસની આગળ સરકાવી, "..તો જ હું અર્જુન તરફ આંગળી ચીંધી રહ્યો હોઈશ ને ? આખરે હું 'ક્રિએટીવ કન્સ્ટ્રકશન'નો એક જવાબદાર મેનેજર છું !"

"સાબિતી...? કેવી સાબિતી...?" ભાવેશભાઈની આંખો ઝીણી થઈ; કપાળે કરચલીઓ વળી.

"બપોરે, લંચબ્રેકમાં - આમ તો બધા ભેગા જ જમવા બેસતા હોઇએ છીએ - ઑફિસના ખૂણાના ટેબલે, પોતપોતાના ટિફિનની બેગ લઇને... પરંતુ, આજે..."

"આજે....? આજે શું...?"

"..આજે અર્જુન પોતાની ડેસ્ક પરથી ઉઠ્યો જ નહીં ! ટિફિન લાવ્યો હોવા છતાં પણ...!"

આ સાંભળી ભાવેશભાઈના મસ્તિષ્કમાં ધીરે-ધીરે 'બોસ'નો પ્રવેશ થઈ રહ્યો ! કદાચ કરણ દ્રારા અપાઈ રહેલું ધીમું ઝેર અસર કરી ગયું હતું. આમ પણ હકારાત્મક અભિગમ પર નકારાત્મક વલણ અપનાવતા રહીએ, તો વખત જતા એ હકારાત્મકતા હચમચી તો ઉઠે જ !

* * *

"જુઓ મિત્રો..." બોસે આખા સ્ટાફને એકત્ર કરીને, વ્યથિત છતાં વિનમ્ર હ્રદયે રજુઆત કરી, "..આપણી ઓફીસમાંથી આ અગાઉ ક્યારેય કંઇ પણ ચોરાયું નથી. આ મામલો દસ લાખનો છે, કોઈ નાની રકમ તો નથી જ ! આપણે લગભગ બે કલાકથી... આખી ઓફીસ, દરેક ડ્રોઅર, કપબૉર્ડસ, બધી જ ફાઈલો, ઓફિસનો ખૂણો-ખાંચરો... બધું જ ફંફોસી ચૂક્યાં હોઈશું, છતાંયે દસ લાખનું બંડલ ન તે ન જ જડ્યું ! એટલાં માટે જ..." ભાવેશભાઈએ સપાટ ચહેરે સ્પષ્ટ નિર્ણય જાહેર કરતાં કહ્યું, "..એટલાં માટે જ, મારે મજબૂરીથી... ઓફિસના પૈસા સાચવવાની જેની જવાબદારી ગણાય, એ એકાઉંટન્ટ - અર્જુનની બેગ તપાસવી પડશે...!"

આ સાંભળતા જ અર્જુન અવાચક બન્યો; નાસીપાસ થયો. આખા ઓફીસ સ્ટાફ વચ્ચે પણ સોપો પડી ગયો. સૌ જાણી તો ચુક્યા જ હતાં કે બોસની કાન-ભંભેરણી કરનારું બીજું કોઈ નહીં, પરંતુ મેનેજર કરણ પોતે જ છે. દરેક કર્મચારીના મનમાં કરણ પ્રત્યે કડવાશ વ્યાપી ગઇ... જ્યારે બીજી તરફ કરણ, મનમાં ને મનમાં ખંધુ સ્મિત રેલાવી રહ્યો હતો !

અર્જુનની બેગ લાવવામાં આવી; એક પછી એક એની ઝીપ ખુલી રહી; બેગમાંના દરેક પોકેટ તપાસાઇ રહ્યાં. ટિફિન, નેપકીન, વર્તમાનપત્ર, કાંસકી જેવી પરચુરણ વસ્તુઓ માત્ર નીકળી... પરંતુ એ ન નીકળ્યું - જેની શોધ-ખોળ થઈ રહી હતી !

અર્જુને નિર્દોષતાનો હાશકારો અનુભવ્યો. સ્ટાફના અન્ય કર્મચારીઓની મુખમુદ્રા પણ ખીલી ઉઠી. કરણનું મોં કટાણું થયું, ને બોસ છોભીલા પડ્યાં ! પરંતુ હવે જ્યારે ચોરીનું પગેરું શોધવાનું જ છે, તો લાગણીઓને બાજુ પર રાખવી જ રહી. એમણે દરેક કર્મચારીઓને સઘન તપાસ અર્થે વારાફરતી પોતાની ચેમ્બરમાં બોલાવ્યા.દરેકે પોતપોતાના મંતવ્યો રજૂ કર્યા.

અર્જુને વળી એવો ઘટસ્ફોટ કર્યો કે પૈસા મુકેલા ડ્રોઅરની ચાવી બપોરે એના ખિસ્સામાંથી ક્યાંક પડી ગઇ હતી. બહુ શોધતા આખરે એ થોડા સમય પછી, પોતાને જ વોશ-રુમ (ટોયલેટ)માંથી મળી આવી હતી. ચાવી ત્યાં પડી ગયાં પછી કોણ કોણ વોશ-રુમમાં ગયું હતું એ બાબત એના ધ્યાનમાં નથી.

આ સિવાય પૂછપરછ દરમ્યાન, ડિઝાઇનર ભાઇઓ સંજય અને વિજયે એક નવી વાતનો સૂર પુરાવ્યો... મિસ રૂબી પણ પોતાનું ભારે ભરખમ પર્સ લઇને, કદાચ પર્સમાંથી પેન-ડ્રાઇવ, સીડી કશુંક લેવા માટે... અર્જુનની ડેસ્કના કોમ્પ્યુટર પર વર્ક કરવાં બેઠાં હતાં ! એમનાં કોમ્પ્યુટરમાં વાઈ-ફાઈ કનેક્ટ નહોતું થતું એટ્લે, કદાચ...

આખરે બોસ ફરી એક વખત અંતિમ નિર્ણય પર પહોંચ્યા, કે અર્જુનની બેગની જેમ જ... બાકી રહેલા દરેક કર્મચારીઓની પણ તલાશી લેવી, દરેકની બેગ તપાસવી.

- અને છેવટે એ પ્રક્રિયા પણ પતાવી, પરંતુ પરિણામ... શૂન્ય ! દરેક બેગે માત્ર પરચુરણ વસ્તુઓ જ કાઢી. અંતે ભાવેશભાઈને એક સચોટ વિચાર ઝબૂક્યો... ને આજે આખા દિવસ દરમ્યાન, ઑફિસમાં કોણ આવ્યું ને કોણ ગયું - તેની માહિતી એકત્ર કરવા લાગી ગયા.

એમાંથી બહાર આવેલી માહિતી અનુસાર ચાર કલાયંટસ આવ્યા હતા, ને બે આર્કિટેક્ટસ આવ્યા હતા, બસ...!

એક ચોંકાવનારો અહેવાલ એ પણ મળ્યો, કે બપોરે - લગભગ લંચબ્રેકની આસપાસના સમયે, બોસનો પોતાનો જ વીસ વર્ષનો દિકરો યશ પણ ઑફિસમાં પધાર્યો હતો... પોતાના મિત્રો સાથે પાર્ટીમાં જવા માટે, ભાવેશભાઈની બી.એમ.ડબલ્યુ. કાર લેવા માટે. તે સમયે ભાવેશભાઈ પોતાની ચેમ્બરમાં કોઇક કલાયંટ સાથે મીટીંગમાં બીઝી હોઇ, યશ 'ટાઈમ-પાસ' કરવા માટે મિસ રૂબીની સામે અર્જુનની ડેસ્ક પર બેઠો હતો, કોમ્પ્યુટર પર ‘ગેઇમ’ રમવા માટે !

દિકરા યશની સ્વચ્છંદતા તથા બાપના પૈસે તાગડધીન્ના કરવી, તેમજ પૈસાને પાણીની જેમ વેડફવાની મનોવૃત્તિ - આ બધાથી ભાવેશભાઈ સારી પેઠે પરિચિત હતા. હવે તેમને તથા સ્ટાફના કર્મચારીઓને સાફ દેખાઈ રહ્યું હતું કે દસ લાખનું બંડલ કઈ 'પાર્ટી'માં અને કોની સાથે ગયું હોવું જોઈએ !

કોઈ પણ પ્રકારના પુરાવા વગર, બોસ તેમજ સ્ટાફની દરેક વ્યક્તિઓને માટે એ લગભગ પુરવાર થઈ ચુક્યું હતું, કે... ઘરનો પૈસો ઘરમાં જ ગયો છે; ઘી ખીચડીમાં જ ઢોળાયું છે ! ભલે ચોરી હોય, પણ રાજાનો દિકરો રાજા જ કહેવાય !

અંતે મોડી રાતે ઑફિસ બંધ થઈ. કર્મચારીઓ છૂટ્યા, ને પોતપોતાની 'બેગ' લઇને ભાગ્યા..!

* * *

અર્જુને આંખો પર નાઈટ-વિઝન ગ્લાસ ચઢાવી, કાનમાં ઈયર-બડ્સ નાખી, સ્માર્ટ ફોનમાં મ્યુઝિક 'ઓન' કરી, સિગારેટના કશ લગાવતા લગાવતા (ધુમ્રપાન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે) પોતાની સ્પોર્ટ્સ બાઇક હંકારી; રફતાર તેજ કરી !

અર્જુનના નીકળતા જ... એની પાછળ પાછળ કરણે થોડું અંતર રાખી પોતાની કાર દોડાવી. અર્જુનની સવારી એક રેસ્ટોરેન્ટ પાસે અટકી. એણે આજુબાજુ એક વેધક નજર નાખી. પછી અગાઉથી 'બુક' કરાવેલા એક કોમ્પેકટ ફેમિલી રુમમાં પ્રવેશ કર્યો, ને કાપેચીનોનો ઓર્ડર આપ્યો.

થોડી જ વારમાં સાક્ષાત કરણ પણ ત્યાં પ્રગટ થયો. વેઈટરને બદલે રેસ્ટોરેન્ટનો મેનેજર પોતે બે કાપેચીનો સર્વ કરવા આવ્યો. કરણે અર્જુનની બેગમાં હાથ નાખ્યો, ને હજાર રૂપિયાની એક કડકડતી નોટ બહાર ખેંચી; મેનેજરને પકડાવી !

"સર, તમે બંને આ રેસ્ટૉરેન્ટમાં આવ્યા જ નથી, ઓકે..?" ધીમેથી ઉચ્ચારી, હોઠ પર સૂચક સ્મિત લઇને મેનેજર બહાર ખોવાઇ ગયો.

"અદ્ભૂત, કરણ સર... તમે સવારથી જ બધાને જે પ્રોજેક્ટના અટપટા કામમાં પરોવ્યાં..." અર્જુને કરણના માસ્ટર-પ્લાનના ભારોભાર વખાણ કરતા આગળ ચલાવ્યું, "..ને તમે મને એક તક કરી આપી, દસ લાખના બંડલને તમારી પોતાની જ બેગમાં સંતાડવાની...!"

"હા યાર અર્જુન, છેલ્લાં બે મહિનાથી આપણને બંનેને એકબીજા પ્રત્યે ખટરાગ-મનદુઃખ-ઈર્ષ્યા છે - એવું નાટક કરવાનું બહુ તકલીફજનક રહ્યું મારે માટે ... આખા સ્ટાફ સામે તારું અપમાન કરતા રહેવાનું, બોસને તારા વિરૂદ્ધ ભડકાવતા રહેવાનું - બધું જ આપણા પ્લાન મુજબ જ કર્યું... છતાં થોડું કઠીન રહ્યું !" કરણ જાણે મિત્ર અર્જુનની મૂકપણે માફી માંગી રહ્યો.

"..મારી બેગની તલાશી લેવાઈ ગઇ, ત્યાર બાદ તમે ફરી એક વાર સ્ટાફને અંધારામાં રાખીને દસ લાખનું બંડલ તમારી બેગમાંથી કાઢીને મારી બેગમાં સેરવી દીધું... એ આપણા આખા પ્લાનનો 'માસ્ટર સ્ટ્રોક'..!" અર્જુન હજુ પણ વિસ્મિત અવસ્થામાં બોલી રહ્યો હતો.

"ઓકે ચાલ, છોડ એ વાત. દસ લાખના ત્રણ સરખાં ભાગ કરીયે... એક તારો, બીજો મારો, અને ત્રીજો ભાગ - દર વખતની જેમ, અનાથાશ્રમ માટે !"

"હમ્મ, એમ પણ બોસ પોતે ક્યાં શાહુકાર છે. દસ લાખ બેંકમાં નહીં, ઘરમાં જતે એમના.. 'નો ઇન્કમ - નો ટેક્સ' ! ચાલો એ બહાને આપણા દ્રારા જરૂરિયાતમંદોને થોડી-ઘણી મદદ તો થાય... ભલે ને ચોરીના પૈસા થકી ! પૈસો આખરે પૈસો જ છે...! હા...હા...હા...."

..ને કરણ-અર્જુનનું અટ્ટહાસ્ય ધીમા અવાજે ગુંજી ઉઠ્યું..!

“બીપ.. બીપ..”

કરણના મોબાઇલ પર એક મેસેજ ફ્લેશ થયો - "અરજન્ટલી રિકવાયર્ડ... એક મલ્ટી-નેશનલ કંપની માટે, એચ-આર મેનેજર તથા એકાઉન્ટન્ટ..."

********સમાપ્ત*******

(મત્સ્યવેધ = માછલીના નિશાનને અમુક રીતે વીંધવાનો-ધનુર્વિદ્યાનો એક પ્રયોગ કે તેની ક્રિયા)

ધર્મેશ ગાંધી (DG)

નવસારી

9913 765 003 / 9725 930 150

dharm.gandhi@gmail.com