રાશિ DHARMESH GANDHI (DG) દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રાશિ

રાશિ

ધર્મેશ ગાંધી

અલવિદા... સાયોનારા... અચ્છા તો હમ ચલતે હૈ, મેરી જાન..!

ઠહરિયે તો મેરે હૂઝુર... એક ઝલક જરા રાશિ-ભવિષ્ય પર પણ મારી લઉં... પછી આપ શોખથી ઓફિસ-ગમન કરી શકો છો..!

ઓ મેરી મલ્લિકા-એ-હુસ્ન, મારી તો રાશિ પણ તું અને ભવિષ્ય પણ તું... રાધા પણ તું અને મીરા પણ તું... વસંત પણ તું અને પાનખર પણ તું, તું, અને તું જ...!

બસ આમ જ તિમિર ઉર્દૂ-ફારસીનાં ભારે-ભરખમ શબ્દો પ્રયોજીને પત્નીની સવારને હળવી-ફૂલ બનાવી દેતો, અને પછી ઓફિસે જવા માટે નીકળતો. પરંતુ, આજે ઊઠવામાં-તૈયાર થવામાં, અથવા તો કહો કે લાંબા-લચક ફિલ્મી ઢબના સંવાદોની આપ-લે કરવામાં એને ઓફિસે જવા માટે મોડું થઇ ચૂક્યું હતું. એટલે પ્રણયગોષ્ઠિનો આકસ્મિક અંત લાવતા એણે ઉમેર્યું, “અર્ધાંગનાજી, તમ-તમારે નિરાંતે આ અગમ-નિગમની દુનિયામાં અંતર્ધાન થજો, ને હમણાં મને નીકળવા દો. અમારી ઓફિસનો બોસબીગ બોસબને એ પહેલાં...!

અરે પણ... બે શબ્દો સાંભળી તો લો, પતિ પરમેશ્વરજી. આજનો દિવસ કેવો વ્યતિત થશે એ...

તિમિરે ગંભીર મુદ્રા ધારણ કરી. પત્નીનાં કપાળે હાથ મૂક્યો. ચિંતા વ્યક્ત કરતા પૂછયું, “તબિયત તો સારી છે ને ?” –અને પછી ખડખડાટ હાસ્ય વેર્યું.

હું તો આખો દિવસ ચાર દીવાલોની વચ્ચે જ ગોંધાઈ રહું છું, મને કશું નહીં થાય. તમે મજાક છોડો, અને જરા ઉપરવાળા પર આસ્થા રાખો...!એક આદર્શ પત્નીએ ધાર્મિક દબાણ હેઠળ પતિને ચેતવ્યો.

નવપરિણીત યુગલનો આ નિત્યક્રમ હતો. માત્ર અને માત્ર પુરુષાર્થ કરવામાં માનનારો તિમિર ભાગ્યને ભરોસે નહીં, પરંતુ કર્મને પ્રાધાન્ય આપીને જીવન જીવવામાં માનતો... જયારે એથી તદ્દન વિપરીત વિચારધારા ધરાવતી પત્ની હંમેશા રાશિ-ભવિષ્ય તથા નક્ષત્ર-પંચાંગ અનુસાર જ કાર્ય કરતી, ને સાથે-સાથે પતિને પણ એમાં ઢસડતી. તિમિરને મન કોઈ પણ મનુષ્ય પોતાનું ભાવિ પોતાના મનોબળથી જ ઘડે છે. એનું સ્પષ્ટપણે માનવું હતું કે... જેને આગળ જ વધવું છે, એને કોઈપણ સારા-નરસાં મુહૂર્તની આવશ્યકતા નથી રહેતી. આમ છતાં, પ્રેમાળ પત્નીનાં માન અને વ્હાલ ખાતર તિમિર મને-કમને પણ રાશિ-ભવિષ્યના બે શબ્દો સાંભળી લેતો, કહો કે સહન કરી લેતો !

ઘડિયાળ તરફ નજર ફેંકતો તિમિર ઓફિસે જવા માટે પગ પાડે છે, હેલ્મેટ માથે મૂકવા જાય છે... ત્યાં તો અચાનક એમનાં નિત્યક્રમમાં અવરોધ ઊભો થયો. એણે જોયું કે હેલ્મેટનો પટ્ટો એના બક્કલમાં ગૂંચવાયો છે. ઉતાવળમાં થોડું જોર લગાવીને એ ખેંચવા જતાં પટ્ટો તૂટ્યો.

"અરે યાર, આ બેલ્ટ પણ હમણાં જ તૂટવાનો થયો ? એક તો મોડું થાય છે, ને એમાં આ... 'દુકાળમાં અધિક માસ'..." પંચાંગ-શાસ્ત્રમાં પરોવાયેલી પત્નીને તિમિરે ઝંઝોળી, "જરા આ હેલ્મેટ પકડ... ને એક કામ કરજે, નિરાંતે એના બેલ્ટમાં બે-ચાર ટાંકા લગાવી દેજે. મને હવે 'નૌ દો ગ્યારાહ' થવા દે..." - બોલીને તિમિરે હેલ્મેટ પત્નીને માથે મૂક્યું, અને ઝડપી ચાલે ઘરની બહાર નીકળી ગયો.

"અરે અરે, થોભો તો ખરા બે મિનિટ... અને આ હેલ્મેટ...? જરા સાંભળો તો... આજની રાશિમાં 'અકસ્માત-યોગ' છે ! અને, અને તમારું તાવીજ...?" તિમિરના કાને પત્નીનાં રૂંધાયેલાં વાક્યો પડ્યાં - ન પડ્યાં, ને ઓટલેથી એ પગથિયાં ઊતરી ગયો. સાથે-સાથે હોઠનો જમણી બાજુનો ખૂણો સહેજ ત્રાંસો કરી વ્યંગાત્મક સ્મિત પણ વેર્યું, અને નસીબને નાથવા માટે નીકળી પડ્યો... ઓફિસનાં માર્ગે !

***

સ્કૂટરને હવે હવાઈજહાજની ગતિ આપવી પડશે એવું લાગે છે...સ્વગત બબડતા તિમિરે એક્સીલેટર ઘુમાવ્યું. આજે એ બને એટલી ઝડપથી પહોંચી જવા માંગતો હતો. બોસનીબે..સાંભળવી પડે એ એને પસંદ નહોતું. પરંતુ, ‘રશ-અવરનો ટ્રાફિક એના સ્કૂટરની ગતિ સાથે એની ઈચ્છાને પણ અવરોધતો હતો.

મારી જેમ બધાંને જ આજે મોડું થઇ ગયું છે કે શું...?” દરેક વાહનોની જ્યાં જગ્યા મળી ત્યાં - ઘૂસણખોરી જોઈ તિમિરે વ્યગ્રતા અનુભવી, નેપોતે પણ આમ જ આગળ વધવું પડશે..." - વિચારી એણે પણ સ્કૂટરની ઘરઘરાટી બોલાવી, રફતાર વધારી.

અચાનક... સામેથી એક ટ્રક પૂરપાટ ઝડપે એની એકદમ લગોલગ આવી ગઈ. તિમિરે બને એટલા દબાણથી સ્કૂટરની બ્રેક લગાવી. ના સ્કૂટરના ટાયર ચીસ પાડી ઊઠ્યાં. સડક પરની ઝીણી રેતીમાં સરકયાં. સ્કૂટર ઊંધું વળ્યું, અને જઈને ટ્રકના પાછલાં ટાયરની અડોઅડ ટેકવાયું. સામે ટ્રક પણ લગભગ ત્યાં જ થંભી ગઈ હતી.

સડક પર સ્કૂટર ઘસડાવાના અવાજથી આસપાસ ટોળું ભેગું થયું. કુતૂહલવશ બધાં આંખો પહોળી કરીને જોઈ રહ્યાં. "કોણ પડ્યું...? વાગ્યું...? છે...કે ગયું...?" –પ્રશ્નોનો નો કોલાહલ મચ્યો.

તિમિર પણ પોતાના ધબકારા ચૂક્યો. પરંતુ, પોતાને હેમખેમ જોઈને-જાણીને-અનુભવીને હાશકારો થયો. એણે ભા થતા થતા કપડાં ખંખેર્યા; સ્કૂટર સીધું કર્યું, અને ફરી એ જ માર્ગ પકડ્યો... ઓફિસનો...!

વધારે વાગ્યું તો નહોતું, કોણીએ તથા ઘૂંટણે થોડા ઉઝરડા જરૂર પડ્યા હતા. લગભગ બીજો જન્મ મળ્યો હોવાની અનુભૂતિ થઈ. એ બદલ તિમિરે મનોમન ભગવાનનો પાડ માન્યો. એ સાથે જ પત્નીનાં શબ્દો કાનમાં ગૂંજયા, "આજની રાશિમાં 'અકસ્માત-યોગ' છે...." -ને ફરી એના મસ્તિષ્કમાં વિચારોના વમળો ઊઠ્યાં - "ઉફ્ફ, બચ્યા... ચાલો ઘાત ગઈ...!"

પરંતુ, તિમિર ક્યાં એ વિચારતો હતો કે દિવસ તો હજુ શરૂ થયો છે !

***

અધ્ધર શ્વાસે ને ધડકતા હ્રદયે તિમિર ઓફિસમાં દાખલ થયો. નસીબજોગે "બોસ પણ આજે ઓફિસે મોડા આવવાના છે.." - એવા સમાચાર પ્યુન પાસેથી મળતા, મગજનો ભાર જાણે હળવો થતો જણાયો.

શરીરનો તેમજ મગજનો થાક ઉતારવા એ પોતાની કોમ્પ્યુટર ડેસ્ક પર જઈને બેઠો. પંખાની સ્વિચ ચાલુ કરી. થોડી ઠંડક અનુભવી. તિમિર એ વાતથી બિલકુલ અજાણ હતો કે એના માથા ઉપર ઘૂમરાઈ રહેલો પંખો હવે જર્જરિત અવસ્થામાં પહોંચી ચૂક્યો છે, તેની બોલ-બેરીંગ કટાઈ ચૂકી છે, અને ગમે તે ક્ષણે પંખાનું આયુષ્ય ટૂંકાવી શકવા માટે એ સમર્થ હતી.

પંખાના 'કિચૂડ...કિચૂડ...'ના અવાજને અવગણી તિમિર પોતાના કામમાં મશગૂલ બન્યો. થોડીવાર બાદ એણે પોતાની રિવોલ્વિંગ ચેરની બેક ટટ્ટાર કરી. ચેર હાલક-ડોલક થઈ રહી હતી. એને યાદ આવ્યું કે ચેરનાં આંટા પણ ખલાસ થઈ ગયા છે. બોસ આવે ત્યાં સુધી ‘એડજસ્ટ’ કરીને પછી પરવાનગી લઈને એની મરમ્મત કરવા મોકલવાનું મનોમન નક્કી કર્યું.

એટલામાં બોસનો અરજન્ટ કોલ આવ્યો, "મિ. તિમિર, આજે આપણી વર્કશોપના સુપરવાઈઝર નથી આવ્યા... તો જરા તમે આજનો દિવસ ત્યાં મશીન પાસે જઈને કામદારો પર દેખરેખ રાખશો...?"

બોસની વિનંતિને ફરજ ગણી તિમિર ઓફિસના પાછળના ભાગે આવેલી વર્કશોપમાં પહોંચ્યો. કામમાં પોતે તો કશું ત્યાં વિશેષ કરવાનું હતું નહીં. માત્ર કારીગરોના માથાં ઉપર ઊભા રહેવાનું હતું. એક બંધ પડેલા જૂના મશીનનો ટેકો લઈને એ ભો રહ્યો.

અન્ય મશીનોની ધણધણાટી અને કંપનથી, એ જૂના મશીનની ઉપર લટકતો એક લોખંડનો સળિયો - કે જ્યાં તિમિર ટેકો લઈને ઊભો હતો... ધણધણી ઊઠ્યો. કામદારો બધા પોત-પોતાના કામમાં પ્રવૃત્ત હતા, ને તિમિર પોતાના મોબાઈલમાં..! એકાએક ઉપરથી પેલો સળિયો નીચે પડ્યો, ને તિમિરના કાન પાસેથી

'સ...ન..ન..ન..'ના સૂસવાટા મારતો - ખભા પર એક લાંબો ચીરો પાડતો પથ્થરની ફર્શ સાથે ટકરાયો... ને ફર્શમાં ચાર ઇંચ ઊંડો - છ ઇંચ પહોળો ખાડો પડી ગયો.

તિમિરના શરીરમાંથી ભયનું એક લખલખું પસાર થઈ ગયું. ફરી એકવાર એની રાશિમાં રહેલો 'અકસ્માત-યોગ' એને સાંભરી આવ્યો, ને ફરી એકવાર એણે આસ્થાપૂર્વક ભગવાનનું સ્મરણ કર્યું.

સુપરવાઈઝરનું કામ પડતું મૂકીને, હાંફળો-ફાંફળો થતો એ ઓફિસમાં આવીને બેઠો - કે જ્યાં 'કિચૂડ-કિચૂડ' કરતો પંખો તેમજ લગભગ મૃતઃપાય અવસ્થામાં પહોંચી ચૂકેલી રિવોલ્વિંગ-ચેર એની રાહ જોઇ રહ્યા હતા. ફરીથી એણે પંખો ચલાવી, ચેર પર લંબાવ્યું. કંઇક રાહત અનુભવી. પરંતુ, ચેરની 'બેક' પર વધુ ભાર પડી જતા 'ખટાક'ના અવાજ સાથે એનો બોલ્ટ તૂટ્યો. એ સાથે જ તિમિર પડખાભેર જમીન પર ગબડ્યો. એ જ ક્ષણે, જોર-શોરમાં ફરી રહેલા પંખાએ પણ દમ તોડ્યો. નટ-બોલ્ટ છૂટ્યા અને 'ખટ-ખટ-ખટ'ના અવાજ સાથે પંખો એક પાતળા વાયરના સહારે લટકી પડ્યો તથા ભોંય ભેગો થતા થતા રહી ગયો.

અવાજ સાંભળીને ઓફિસનો સ્ટાફ દોડતો આવ્યો. તિમિર રઘવાટમાં ભો થયો. એ હવે સંપૂર્ણપણે ભયભીત જણાતો હતો. શરીર પરસેવે રેબઝેબ અને હોઠ શુષ્ક. આજ દિન સુધી રાશિ-ભવિષ્યને માત્ર મજાક ગણનારા તિમિરના મસ્તિષ્કમાં 'અકસ્માત-યોગ'ના પડઘા ગૂંજી રહ્યા હતા. અત્યાર સુધીમાં એને ત્રણ-ત્રણ જીવતદાન મળી ચૂક્યાં હતાં. "લાગે છે આજનો દિવસ કંઇક ને કંઇક અપશુકન કરશે જ..." -એવી કલ્પના માત્રથી એને તમ્મર આવવા માંડ્યા.

***

જેમ-તેમ કરીને દિવસ પૂરો કર્યો, ને તિમિર ઓફિસેથી ઘરે જવા રવાના થયો. બચતો-બચાવતો, ધડકતા હ્રદયે અને વિચારોના વંટોળ સાથે ધીરે-ધીરે સ્કૂટર હંકારી ઘર સુધી પહોંચ્યો. ઘરમાં હેમખેમ પગ મૂકતાં જ જાણે કે જંગ જીત્યો હોય એવી ખુશી સાથે રાહતનો શ્વાસ લીધો. મગજમાં ઊઠતાં બિહામણા તરંગોને શાંત કરવા એણે શવાસનની મુદ્રામાં સોફા પર લંબાવ્યું.

"જનાબ, આપકી ખાતિરદારીમેં આજ શાહિ પકવાન પેશ કિયા જાયેગા.." પત્નીએ સ્વાદિષ્ટ ટહુકો કર્યો, ને અર્ધનિંદ્રાવસ્થામાંથી ઝબકીને તિમિરે આંખો ચોળી. "..તમે ફ્રેશ થઈ જાઓ એટલે જમવાનું પીરસું. સિર્ફ દો મિનિટ...ઓકે..?" બોલીને એ રસોડા તરફ આગળ વધી.

બીજી જ ક્ષણે - "ધ...ડા...મ..." એક જોરદાર ધડાકો થયો, ને અગન-જ્વાળાઓ ભભૂકી ઊઠી. તિમિર સફાળો બેઠો થયો. રસોડા તરફ દોડ્યો.

"રા...શિ...." - તિમિરના ગળામાંથી પત્નીનાં નામની એક કરૂણ અને રૂંધાયેલી ચીસ નીકળી.

રસોડાનું દ્રશ્ય જોઈને તિમિર સૂન્ન થઈ ગયો ! ગેસનો બાટલો ફાટવાથી આખું રસોડું વેરણ-છેરણ થઇ ચૂક્યું હતું. દીવાલો પર તિરાડો ઊપસી આવી હતી. રસોઈની બધી સામગ્રી ફર્શ પર તથા છત પર પોતાની છાપ છોડી ચૂકી હતી. અને આ તારાજી વચ્ચે પહોળી આંખોએ તિમિર પોતાની રાશિને ઘવાયેલી હાલતમાં તાકી રહ્યો. રાશિ તરફડી રહી હતી. એ ફરી દોડ્યો અને ધાબળો લઈને રાશિને વીંટળાઈ વળ્યો.

ધમાકાના અવાજથી પાસ-પાડોશના લોકો દોડી આવ્યાં. ફાયર-બ્રિગેડ તેમજ એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી. તિમિર એમ્બ્યુલન્સમાં બેઠો બેઠો ચોધાર આંસુએ રડી રહ્યો હતો, રાશિ... હું તો છું જ લાપરવાહ. પણ તેંય એક પળ માટે નહીં વિચાર્યું... કે આપણી બંનેની રાશિ એક જ...?

તિમિરે ભગવાનને ‘અકસ્માત-યોગ’ની ફરિયાદ કરતી પોક મૂકી.

સમાપ્ત