ધર્મેશ આર. ગાંધી
Mob. # 9913 765 003 / 9725 930 150
----------------------------------------------
ઝંખનાને અવરોધે ભીતિ...
-----------------------------
અને આખરે!
યામિની ચાલી જ નીકળી,
બંનેને એકસાથે તેડીને...દ્રઢ મનોબળથી...
કહેવા માટે તો ઘણી બધી લાગણીઓ ઉછળતી રહેલી મનમાં, પરંતુ આ બંને તો પેદા થઇ ત્યારની... સાથે જ..
હા.. સાથે જ જન્મી હતી એ બંને.. "ઝંખના" અને "ભીતિ".
"ઝંખના".. નામ પ્રમાણે જ હંમેશા કશુંક ઝંખતી, ચંચળ, ચપળ અને ચેતન.
જયારે "ભીતિ".. એ પણ નામ જેવાં જ ગૂણ ધરાવતી હતી, હંમેશા ડરેલી અને ડરાવતી, વિરોધ કરનારી, અને શુષ્ક.
એક તરફ યામિની ટીવી પર ચાલી રહેલો રિયાલિટી શો "સિંગિંગ સ્ટાર ઓફ ધ યર" માણી રહી હતી અને બીજી તરફ એની અંદર પાંગરી રહ્યાં હતાં, ઝંખના અને ભીતિ.
ગાવાનો શોખ તો ખરો જ પહેલેથી... રસ પણ ખરો.. પરંતુ, એથી આગળ કશો વિચાર વધેલો નહિ કોઈ દિવસ. હવે જ્યારથી ટીવીની વિવિધ ચેનલો દ્વારા ગીત સંગીતની દુનિયામાં નવી પ્રતિભાઓ શોધાઈ રહી છે, ત્યારથી યામિનીનાં મનનું પારેવું પણ "ગાયકી"નાં ગગનમાં વિહરવા માટે પાંખો ફફડાવી રહ્યું હતું.
...અને એમ ને એમ વખત વીતી રહ્યો હતો,
એના સ્વભાવ પ્રમાણે. મહિનાઓ.. વરસો... વીતતાં ગયાં જેમ જેમ ઝંખના મોટી થતી જતી હતી, તેમ તેમ ભીતિ યે વધી રહી હતી. સાથે જન્મેલી "જોડિયાં" ખરી ને બંને...
આખો દિવસ... કામ કરતાં, ટીવી જૉતાં, આવતાં જતાં, ઉઠતાં બેસતાં, સૂતાં, યામિની બસ ગીતો જ ગણગણતી રહેતી. પણ મનમાં ઉદભવતા અરમાનોની કોઈને જાણ થવા દેતી નહિ, અને કહે તો પણ કોને? આખા ઘરમાં બીજું હતું પણ કોણ એના સ્વપ્નો, એની ઈચ્છાઓ અને એનાં શોખની વાત સાંભળી કે સમજી શકે એવું... એક એના પિતા સિવાય...?
"દીકરી તને ગાયકીનું ઘેલું લાગ્યું છે કે શું...?",
આખરે એક દિવસ પિતાજીએ આગળ પડીને યામિનીને પૂછી નાખ્યું.
"હું જોઉં છું કે તું સારું ગાઈ શકે છે, અને એનાથી તું પ્રફુલ્લિત પણ રહે છે."
"...શું કોઈ સિંગિંગ કોમ્પિટિશનમાં ભાગ લેવા ઇચ્છે છે?, પીતાજીએ જાણે કે યામીનીનાં મનની વાચા કળી લીધી.
"હા પિતાજી, મન તો કરે છે... પણ હિમ્મત સાથ નથી આપતી."
"..એક ચેનલ પર ઓડિશન ચાલે છે, એમાં ભાગ લેવાની ઈચ્છા છે, પરંતુ...", યામિનીનું મન ફરી એક વખત પાછું પડ્યું.
"જો દીકરી, એ તારું સ્વપ્ન જ હોય તો તારે અથાગ પ્રયાસોથી એ તારા સ્વપ્નને સાકાર કરવા માટે આગળ વધવું પડશે.", પિતાજીએ યામિનીની આશા પુનર્જીવિત કરી.
...અને એ સાથે જ અત્યાર સુધી સુઈ રહેલી ઝંખનાએ સળવળાટ કર્યો. એ આળસ મરડીને બેઠી થઇ, આંખો પટપટાવીને ચારે દિશાઓમાં નજર ફેરવી. શીતળ હવાની લહેરખીથી તાજગીનો અહેસાસ થયો. ગેલેરીમાં ગોઠવેલાં કુંડામાં અર્ધ-ખીલેલી ગુલાબ અને મોગરાની કળીઓની મીઠી સુવાસથી રંગબેરંગી પતંગિયાઓ આસપાસ મંડરાઈ રહ્યાં હતાં... એ જોઈ ઝંખના ખુલી હવામાં વિહરવા માટે થનગની ઉઠી. એને દોડવાનું મન થયું.. દોડીને પેલાં સ્વતંત્ર રીતે ઉડતાં પતંગિયાને સ્પર્શ કરવાનું, એ સ્પર્શ થકી એમનાં નવરંગી રંગોમાં રંગાઈ જવાનું સાહસ ઉમટ્યું...
અને જેવી એ તરંગોમાં ઉભી થઇ કે તરત જ ઝંખનાની કલ્પના અને સાહસને રોક્તી હોય એમ ભીતિએ તેનો હાથ પકડી લીધો...એને રોકી લીધી.
"તારે નથી જવાનું કશે, હું જઈશ. તું અંદર જ રહે, મારે બહાર ઘુમવું છે. અને તને સાથે પણ નહિ આવવા દઉં..."
બંને જિદે ચઢ્યાં. 'હું જઈશ, હું જઈશ' ની ચડભડ ચાલી..
જન્મેલી સાથે તો યે એકબીજાનો સાથ નહિ સહી શકનારી બંનેમાંથી એક પણ સમજવા માટે તૈયાર નહોતી. લાંબી દલીલો બાદ આખરે આજે પણ ઝંખનાએ જ નમતું જોખવું પડ્યું...હંમેશની માફક, અને ભીતિની જીત થઇ.
આ ક્રમ લગભગ કાયમનો રહ્યો...ઝંખના જે કરવા ચાહે ભીતિ એને રોકે, એને ટોકે... ઝંખના શાંત થઇ જાય, સમજૂતી કરી લે. કદાચ મજબૂરીથી, કદાચ ડરથી.. અને થોડો વિરામ લઇ ફરીથી ઉછળે.. અને ફરી ભીતિ એને દબાવે.
અને એનું પરિણામ યામિનીનાં ચહેરા પર પિતાજી સ્પષ્ટ પારખી લેતાં.
"જો દીકરી, તારી આ ભીતિ જ તારી ઝંખનાની દુશ્મન બનતી જાય છે. એ તારી ઝંખનાને કદી ખુશ નહિ રહેવા દેય.. કદી આગળ નહિ વધવા દેય."
"..હું જોતો આવ્યો છું કે તારી ભીતિ હંમેશા ઝંખનાને અવરોધતી આવી છે..."
"..એ બંને સાથે રહી શકે એમ નથી, અને બંને સાથે હશે તો આ હુંસાતુંસીમાં તારી પરિસ્થિતિ શું સર્જાશે એ મારી કલ્પનાની બહાર છે, બેટા..", પિતાજીએ ચિંતા વ્યક્ત કરી.
"મારા ખ્યાલથી દીકરી, તારે હૃદય પર પત્થર રાખીને ય કોઈ મક્કમ અને મજબૂત નિર્ણય લેવો જ પડશે.. આજે નહિ તો કાલે.. ક્યાં તો ઝંખના... ક્યાં ભીતિ.", પિતાજીએ પોતાનો અનુભવ તથા દુનિયાદારી આગળ ધરી.
---------
આજની રાત...
કયામતની રાત હતી યામિની માટે. હવે પછીનાં પાંચ-છ કલાકમાં જ "જજમેન્ટ ડે" નો ઉદય થવાનો હતો, અને એ પહેલાં ફેંસલો કરવો જરૂરી હતો... "ઝંખના" કે "ભીતિ"..??
આવતી કાલે...સિંગિંગ કોમ્પિટિશનનાં ઓડિશનનો છેલ્લો દિવસ હતો. યામિનીએ નિર્ણય લેવાનો હતો.. હમણાં નહિ તો ક્યારેય નહિ.
પોતે કદાચ નાદાન હોઈ શકે, નિર્ણય-શક્તિ કમજોર હોઈ શકે, પરંતુ પિતાજી પ્રેક્ટિકલ માણસ હતાં, દુનિયાદારીનું જ્ઞાન હતું, સાથે કડવાં, મીઠાં, તૂરા એમ વિવિધ સ્વાદનાં અનુભવોથી લીંપાયેલાં હતાં.
શું કરવું..? કેવી રીતે કરવું..? સમજાતું નહોતું યામિનીને.
અડધી ઊંઘ, અડધાં વિચારો... ઝંખના અને ભીતિ વચ્ચે ગડમથલ ચાલી રહી હતી યામિનીનાં માનસપટલ પર. પડખાં બદલાતાં રહયાં, વિચારોનાં વમળ ઘુમરાતાં રહ્યાં, અને રાત વિતતી રહી.
છેવટે કૈક ચોક્કસપણે વિચારીને યામિની પથારીમાંથી બેઠી થઈ.. એક મક્કમ નિર્ણય તરફનું કદમ ઉઠાવવાં.. નાઈટ લેમ્પનો આછો પીળો પ્રકાશ હવે પ્રકાશમય દુધિયા રોશનીમાં ફેરવાતો મહેસૂસ થયો. એણે એક નજર બંને ઉપર નાંખી, વિચારોનો પ્રવાહ વેગીલો બન્યો. એ ધીમે રહીને ભીતિ પાસે આવી, માથે હળવો હાથ પસવાર્યો, એનાં ચાહેરાને ચૂમ્યો...પછી યામિની ઝંખના તરફ વળી.
"મેં તને બહુ હેરાન કરી છે, કદીયે તારી વાત માની નથી. હંમેશા તું મને દોરીને આગળ લઇ જવા માંગતી હતી..", યામિનીનાં મસ્તિષ્કમાંથી જાણે શબ્દો સરી રહ્યાં હતાં.
"...પણ હું, ભીતિનાં તાંતણે જ બંધાયેલી રહી, હંમેશા.."
"પણ બસ હવે... બહુ થયું.", કહી યામિનીએ ઝંખનાની કોમળ હથેળીઓ પોતાના હાથમાં લઇ.. પકડ મજબૂત કરી.. જાણે કોઈ દિવસ હવે છૂટવા દેવાં માંગતી ન હોય.
...યામિનીનો બીજો હાથ સદાયે ઝંખનાની બાજુમાં જ રહેતી અને અત્યારે સંપૂર્ણ સુષુપ્તાવસ્થામાં પડેલી ભીતિ તરફ વદ્યો, અને પછી ગરદન તરફ... અને હિમ્મત એકઠી કરીને, પુરી નિર્ણય-શક્તિ દાવ પર લગાવીને યામિનીએ ભીતિની ગરદન પરની પોતાની પકડ સખત કરી...યામિનીની નસો તંગ થવા લાગી, ધડકનો તેજ થવા માંડી.. જાણે કહી રહી હોય.. મારી ઝંખનાનું જતન હું પોતે જ કરીશ, ભલે એ માટે મારે ગમે તેનો ભોગ આપવો પડે.
ભીતિ તરફડિયાં મારી રહી હતી...
થોડી ક્ષણો આમ જ ચાલ્યું, પછી ભીતિ શાંત પડી, નિસ્તેજ થઇ, હંમેશા માટે...
યામિનીએ રાહતનો શ્વાસ લીધો. એનો તંગ ચહેરો હળવો બની રહ્યો હતો, અને ચહેરા પર તાજગીમય તેજ છવાઈ રહ્યું હતું. એક અજબ જુસ્સો અનુભવાય રહ્યો હતો.
..અને આ ખુશનુમા "લાગણી"ને વધુ પ્રબળ બનાવતાં હોય તેમ, બારીનાં પડદા પાછળથી ગુલાબી ઠંડક અને ઉગતાં સૂર્યનાં હૂંફાળા કિરણો રૂમમાં પ્રવેશવાની શરૂઆત કરી રહ્યાં હતાં.
યામિનીને અહેસાસ થયો કે ખુલી આંખે જોયેલાં સ્વપ્નો સાકાર કરવાં માટેનો સૂર્યોદય થઇ ચુક્યો છે. અંધકાર અને રોશની વચ્ચે હંમેશા પીસાતી આવેલી યામિનીએ ઉષ્માસભર સવારનું સ્વાગત કર્યું..
-----------
"વેરી ગુડ ડીસીઝન માય ચાઈલ્ડ...બ્રેવો", પિતાજીએ યામિનીને એનાં નિર્ણય બદલ બિરદાવી. "મને આ જ અપેક્ષા હતી દીકરી, તારી પાસેથી.", "..તારે તારા સ્વપ્ન માટે, તારી ખુશી માટે, વર્ષોથી મનમાં પાંગરી રહેલી 'ઝંખના' ની લાગણીને જીવાડીને.. તારા ડરને, તારી કમજોરીને, તારી 'ભીતિ' ની લાગણીને જળમૂળ થી કાઢીને ફેંકવાની જ જરૂર હતી..", "..અને તેં મોડે મોડે ય કર્યું ખરું.., આખરે તારી ઈચ્છાઓને અવરોધતા તારા નકારાત્મક વિચારોનો તેં અંત આણ્યો..."
પિતાજી દિકરીને મનની માનસિકતા સમજાવતાં બોલ્યાં, "જયારે આપણું જાગૃત મન કોઈ ઈચ્છા સેવવાની શરૂઆત કરે છે, કે તરત જ, તે જ ક્ષણે આપણું સુષુપ્ત મન એ ઈચ્છાને દબાવી દેવાં ભયની એક લાગણી પણ જન્માવે છે...", "ઈચ્છા અને ભય બંને સાથે જ જન્મે છે. 'ઈચ્છા' તને આગળ વધવા માટે પ્રોત્સાહન અને પ્રેરણા આપે છે, તો 'ભય' તારી બધી મહેનતને પાછી વાળે છે."
"બેટા, તારી પાસે હમણાં પૂરતો સમય છે, તારાં સ્વપ્નોને વેગ આપવાનો. હજુ તારી ઉંમર કેટલી છે.. સોળ-સત્તર વર્ષ.? તેં હજુ યુવાનીમાં પગ મુક્યો છે..અપરિણીત છે...પછી, સમય જતાં લગ્ન થશે... સંતાનો, ઘર પરિવાર, જવાબદારી.. એ બધાંમાંથી તને છુટકારો કદાચ નહીયે મળે. આ જ સમય યોગ્ય છે તારા અરમાનો પૂરાં કરવા માટે.."
"દીકરી, તેં તારી અંદર હડકંપ મચાવતી ભીતિને દૂર કરીને તારી ઝંખનાને પૂરો ન્યાય આપ્યો છે.", પિતાજીએ યામિનીનાં સ્વપ્નોને પૂરું સમર્થન આપ્યું.
---------
અને ફાયનલી..
યામિનીએ નવી સફરની શરૂઆત કરી.
પુરા ઉમંગથી, પુરા જોશથી, પુરી મક્કમતાથી.
મનમાં લાગણી ફક્ત એક જ... "ઝંખના"...
..અને એક લક્ષ્ય લઈને આત્મ-વિશ્વાસથી ચાલી નીકળી.
પરંતુ,
થોડું આગળ જતાં, એને કોઈનો હળવો પગરવ કાને પડ્યો. કોઈક દબાતે પગલે એને અનુસરી રહ્યું હોય એવો ભ્રમ થયો... યામિનીએ પાછળ ફરીને જોયું.. કોઈ નહોતું, બસ વહેમ હતો મનનો. નવી શરૂઆત માટે એ જ જુના ડરની લાગણી...મનની "ભીતિ".
અને આખરે..
યામિની ચાલી જ નીકળી..
બંને "લાગણી" ઓને એકસાથે તેડીને...દ્રઢ મનોબળથી...
થોડી લાગણી ભીતિની પણ જરૂરી.. જેથી કાર્યમાં સાવચેતી અને વધુ સારી તૈયારીને અવકાશ રહે.
પરંતુ "ઝંખના" હવે પ્રબળ હતી, કંઈક કરી બતાવવાની, અને લક્ષ્યપ્રાપ્તિની.
જયારે "ભીતિ" ને એણે મનની પાછળ ધકેલી દીધી.. સદાને માટે!!!
------------------------------------------------
ધર્મેશ ગાંધી (નવસારી)
29 June 2016
Mob. # 9913 765 003 / 9725 930 150