ભેદી મુસ્કાન (સાઈકો સિરીઝ) ભાગ-૨ DHARMESH GANDHI (DG) દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ભેદી મુસ્કાન (સાઈકો સિરીઝ) ભાગ-૨

ભેદી મુસ્કાન

(સાઈકો સિરીઝ)

ભાગ-૨

ધર્મેશ ગાંધી (DG)

(વહી ગયેલી વાત…

રસમલાઈ જેવી યૌવના ‘મુસ્કાન’ ભેદી અદામાં પોલીસચોકીમાં પ્રવેશે છે, અને પોતે ‘સાઈકો’ હોવાની કબૂલાત કરે છે. ઈન્સ્પેક્ટર સમક્ષ બયાન આપે છે કે.. પોતે એકદમ ઠંડા કલેજે પોતાનાં પતિનું કતલ કર્યું છે, અને લાશ ડીપ-ફ્રિઝરમાં સંતાડી રાખી છે! ઈન્સ્પેક્ટર અચંબિત થઈ જાય છે, અને પૂછપરછ ચાલુ કરે છે. ત્યાં જ અચાનક.. બહારથી એક યુવક દોડતો આવે છે, અને ઈન્સ્પેક્ટરને પોતાનો પરિચય મુસ્કાનનાં પતિ અરમાન માથુર તરીકે આપે છે. કોન્સ્ટેબલ આ યુવક અંગે ઈન્સ્પેક્ટરને માહિતી આપતા જણાવે છે કે એ ‘રેડ-લાઈટ’ એરિયાનો દલાલ છે… એટલામાં મુસ્કાન ચક્કર ખાઈને જમીન પર પડે છે. એની હેન્ડબેગમાંથી બહાર ડોકાઈ રહેલાં ‘આઈ-કાર્ડ’માં, મુસ્કાનનો યુનિફોર્મમાં સજ્જ ફોટો જોઈને ઈન્સ્પેક્ટરને માથે પરસેવો વળે છે!

હવે આગળ…)

***

યુનિફોર્મમાં સજ્જ મુસ્કાનનાં પાસપોર્ટ સાઈઝ ફોટો વાળો ‘આઈ-કાર્ડ’ જોતાં જ ઈન્સ્પેક્ટરના કપાળે પરસેવો વળવા માંડ્યો. હવે દિમાગ ભમવાનો વારો ઈન્સ્પેક્ટરનો હતો.

મુસ્કાન કૈક વધુ ને વધુ ‘ભેદી’ બની રહી હતી…

ઈન્સ્પેક્ટરની નજર ફરી રહી હતી... કોઈક વાર આઈ-કાર્ડ પર તો કોઈક વાર મુસ્કાનનાં ગૌર ચહેરા પર... જાણે કે એ કંઈક શોધી ન રહ્યો હોય? એના અજાગૃત મનમાં મુસ્કાનનો યુનિફોર્મધારી, મુસ્કાતો અને શરારતી ચહેરો થોડી ઝાંખપ સાથે તરવરી રહ્યો હતો! એટલામાં અરમાન જમીન પર પડેલી મુસ્કાન પાસે દોડી આવ્યો, પાણી લઈને એનાં ચહેરા પર છાલક મારી. થોડી વારમાં મુસ્કાન હોશમાં આવી. એક મદમસ્ત અંગડાઈ લીધી, ને જાણે કે અંગેઅંગમાંથી કમાલની કરામત નિખરી ઊઠી!

મુસ્કાન હવે કંઈક સ્વસ્થ જણાતી હતી. ઈન્સ્પેક્ટર ફરી એકવાર એનાં કેસમાં પ્રવેશ્યો, “”જુઓ મેડમ, તમારો કેસ પેચીદો બનતો જાય છે. તમારા બયાન મુજબ તમે તમારા પતિનું કતલ કર્યું છે, અને લાશ ડીપ-ફ્રીઝરમાં સંતાડી રાખી છે - ઘણાં દિવસોથી... બરાબર..?””

મુસ્કાનનાં સપાટ અને ભાવવિહીન ચહેરા પર કોઈ પણ રેખા ન ઊપસી.

ઈન્સ્પેક્ટરે આગળ જણાવ્યું, “”..અને આ યુવક પોતાને તમારા પતિ તરીકે ઓળખાવે છે... તમને ‘સાઈકો’ તરીકે ખપાવે છે.. જ્યારે તમે એ બંને વાતનો સાફ ઈનકાર કરો છો… હવે મેડમ, અમારે તો અમારી વર્દીની ફરજ બજાવવી પડે ને..? તપાસ તો હાથ ધરવી જ પડશે..!””

એણે કોન્સ્ટેબલને હુકમ કરતી સૂચનાઓ આપવા માંડી... ““કોન્સ્ટેબલ, મિસિસ મુસ્કાન માથુર, તથા એમનાં દ્વારા આ ‘નહીં સ્વીકારાયેલા’ એમનાં પતિ અરમાન માથુર – બંનેને પોલીસ જીપમાં તમારી નિગરાની હેઠળ લઈ લો. આપણે ઊપડીએ છીએ એમનાં રહેઠાણે, ‘લાશ’ને કબજે કરવા... લેટ્સ મુવ, ક્વિક..!””

***

મુસ્કાને જણાવેલાં સરનામાની દિશામાં ઈન્સ્પેક્ટર જીપ હંકારી રહ્યો હતો. આખરે લાંબું અંતર કાપ્યા પછી શહેરના લગભગ છેડે - એક સૂમસામ લાગતાં વિસ્તારમાં નવા બંધાયેલા એક કોમ્પ્લેક્ષ આગળ, મુસ્કાનનાં ઈશારે જીપ રોકાઈ.

દિવસ ઢળી ચૂક્યો હતો. સૂર્યાસ્ત પછીનું ઝાંખું અજવાળું અને ઊગી રહેલું હળવું અંધારું કેટલાંયે રહસ્યોનો પર્દાફાશ કરવા માટે જાણે કે થનગની રહ્યું હતું. ઈન્સ્પેક્ટરની ચકોર નજર ચારે તરફ સાવધાનીથી ફરી રહી હતી. આસપાસ કોઈ અવરજવર જણાતી નહોતી. કોમ્પ્લેક્ષનું બાંધકામ અમુક ઠેકાણે હજુ અધૂરું હોય એમ લાગતું હતું. માંડ બે-પાંચ ફ્લેટમાં કોઈક રહેતું હોવાનું જણાઈ આવતું હતું. ઈન્સ્પેક્ટરનું દિમાગ કોઈપણ જાતના નવા વળાંક માટે તૈયાર જ હતું.

એને કંઈક એવી પ્રતીતિ થઈ રહી હતી – જાણે કે એ કોઈક કેસના સિલસિલામાં અગાઉ પણ અહીં આવી ચૂક્યો છે.. પણ રોજની ખૂનામરકી અને અપરાધોની આંટીઘૂંટીમાં અટવાયેલો એ પોતે વધુ કંઈ પણ યાદ કરવા માટે અસમર્થ હતો.

બધાં જીપમાંથી નીચે ઊતર્યા. દરેકના મોઢાં જાણે કે સિવાઈ ગયાં હતાં, છતાંયે હૃદય બધાંયનું તેજ રફતારથી ધડકી રહ્યું હતું! થોડી વાર પછી ચારેય જણ લિફ્ટમાં પ્રવેશ્યાં. લિફ્ટ ઉપર તરફ સરકી, ને તેરમા માળે આવીને અટકી. બહાર નીકળતાં જ..

મુસ્કાનનો હાથ ખભે લટકાવેલી પોતાની હેન્ડબેગમાં સરક્યો. એનાં રસીલા હોઠ સહેજ મલક્યા. ગુલાબની પાંખડી જેવા કોમળ હોઠનો જમણી તરફ્નો ખૂણો સહેજ અંદરની તરફ વાળી, પોતાના ચમકીલા દાંતથી એણે દબાવ્યો.. ને હોઠના ખૂણે રહેલો એક કામણગારો કાળો તલ ભીનો થયો..! બેગમાં કંઈક ફંફોસી રહેલા એનાં હાથે ફ્લેટની ચાવી કાઢી..

દરવાજો ખોલ્યો. પછી હળવેથી એ એક તરફ ખસી ગઈ. અને બોલી - “અ..ઇન્સ્પેક્ટર, તમે જ..જ..જાતે જ અંદર જઈને ખાતરી ક..ક..કરી લો, તલાશી લ્લલઈ લો...”

“કેમ..? આ તો તમારો જ ફ્લેટ છે ને.. તમે નહીં આવો અંદર?” ઈન્સ્પેક્ટરે કટાક્ષથી પૂછ્યું. હવે એને પણ કોઈક ષડયંત્રની ગંધ તો આવી જ રહી હતી.

“મ..મને બ..બ..બીક લાગે છે.. લ..લ..લાશની બીક..” મુસ્કાન થરથર કાંપી રહી હતી. કપાળે અને ગળે પરસેવો વળી રહ્યો હતો. એની મોટી અને માંજરી આંખો ચકળવકળ થઈ રહી હતી.

“વાહ નૌટંકી! પતિનું ઠંડા કલેજે કતલ કર્યું… લાશ ડિપ-ફ્રિઝરમાં સંતાડી… કેટલાંયે દિવસો કામમાં વ્યસ્ત રહ્યાં… અને હવે… હવે બીક લાગી..?” ઈન્સ્પેક્ટર ગુસ્સામાં બરાડી રહ્યો હતો. એના દિમાગમાં જાણે કે શબ્દો ગુંજી ઊઠ્યાં, “સાઈકો સાલી..!”

લાલધૂમ ચહેરે ઈન્સ્પેક્ટરે કોન્સ્ટેબલને સૂચના આપવા માંડી.. “હું ફ્લેટની અંદર જઈને તપાસ કરું છું. તમે ત્રણેય જણ અહીં બહાર જ ઊભા રહો…” -અને કોન્સ્ટેબલને ઈશારાથી મુસ્કાન તથા અરમાન પર ચાંપતી નજર રાખવાનું જણાવી દબાતા પગલે એણે ફ્લેટમાં પ્રવેશ કર્યો.

સલામતી ખાતર એણે પોતાની સર્વિસ રિવોલ્વર પણ પોકેટની બહાર ખેંચી કાઢી. કોઈ શાર્પ શૂટરની અદાથી બંને હાથમાં મજબૂતીથી પકડી લીધી. પોતાની તીક્ષ્ણ નજરથી ચારે દિશાઓનું નિરીક્ષણ કરતો એ આગળ વધ્યો. લિવિંગરૂમની સજાવટ એકદમ વ્યવસ્થિત લાગતી હતી. કિચન પણ ચોખ્ખુંચણક હતું. બાથરૂમ-ટોઈલેટ બધું જ - લગભગ સુઘડ અવસ્થામાં હતું. એવો એકેય અણસાર સુધ્ધાં આવતો નહોતો કે આ ફ્લેટમાં કોઈક કતલ થયું હોય..!

“આ મુસ્કાન ખૂબ પ્રપંચી લાગે છે..” મનોમન બબડતો એ આખરી અને તપાસવાના બાકી રહેલા ‘સ્ટોરરૂમ’ આગળ આવીને ઊભો. એણે દરવાજાને હળવેથી અંદરની બાજુએ ધકેલ્યો.

અંદરનું દ્રશ્ય નજરે ચઢતા જ એની આંખો પહોળી થઈ ગઈ! મોં ઉઘાડું રહી ગયું! એના શરીરમાંથી ભયનું એક લખલખું પસાર થઈ ગયું! આવા તો ઘણાંયે ‘ક્રાઈમ સીન્સ’ એ જોઈ ચૂક્યો હતો.. છતાંયે અહીંની અંધકારમય નીરવતા એને ડરાવવા માટે કાફી હતી!

ઈન્સ્પેક્ટરની કાતિલ નજર રૂમમાં ફરી વળી.. સ્ટોરરૂમમાં આછાં પીળા રંગનો એક માત્ર ઝીરો વોટનો બલ્બ સળગી રહ્યો હતો. ફર્શ પર ઠેર ઠેર લાલ રંગના ઘટ્ટ ડાઘ અને લાંબા લિસોટા ઊપસેલા હતા, જાણે કે ત્યાં ક્યારેક ઘણું બધું લોહી વહ્યું હોય – ને ઘણાં દિવસોથી જામી ગયું હોય! દીવાલો પર ઊડેલાં લોહીના છાંટા પણ ચીતરી ચઢે એવા કાળાં પડી ચૂક્યા હતા. એની નજર હવે ખૂણામાં પડેલા એક વિશાળ ડીપ-ફ્રિઝર પર જઈને ચોંટી. થીજી ગયેલા લોહીના લિસોટા રૂમની વચ્ચેથી શરૂ થઈને સીધાં ત્યાં ખૂણામાં પહોંચતા હતા. એને સમજતા વાર ન લાગી કે અહીં શું બન્યું હશે! એને હવે ડીપ-ફ્રિઝરની અંદરનું દ્રશ્ય પણ મસ્તિષ્કમાં આવવા લાગ્યું. એ ફર્શ પર થૂંક્યો.. ને મનોમન બબડ્યો પણ ખરો, “સાલી.. સાઈકોએ ખરેખર જ પોતાનાં પતિનું કસળ કાઢી નાખ્યું લાગે છે..!”

એણે ત્વરિત કોઈક નિર્ણય કરી લીધો હોય એમ, ઊંધા પગલે જ ઝડપથી સ્ટોરરૂમની બહાર ભાગ્યો. એને બહાર ઊભેલા કોન્સ્ટેબલની ચિંતા સતાવી રહી હતી. હવે એને મુસ્કાન અને અરમાન – બંને પર બિલકુલ ભરોસો બેસતો નહોતો. કોન્સ્ટેબલનો જીવ પણ જોખમમાં જણાયો. એ ભાગતો-ભાગતો ફ્લેટની બહાર નીકળ્યો.

બહાર પેસેજમાં ત્રણ જણમાંથી એક પણ હાજર ન હતું. એણે ચારેય દિશાઓમાં પોતાની નજર ફેરવી, પણ ઝાંખા પ્રકાશમાં પોતાના પડછાયા સિવાય કશુંયે નજરે ના ચઢ્યું.

“ગુપ્તા.. ગુપ્તા..” એણે કોન્સ્ટેબલના નામની બૂમો પાડી. સામેથી કોઈ જવાબ ન મળ્યો. એ હાંફળો-ફાંફળો આમથી તેમ ભાગવા લાગ્યો. રિવોલ્વર પરની પકડ સખત કરી. દૂરથી આવતો ‘ટ્ક-ટ્ક’નો અવાજ સંભળાયો, કોઈનો પગરવ ધીમે ધીમે એની નજીક આવી રહ્યો હોવાનું અનુભવ્યું. એના મગજમાં ભયના ભણકારા વાગવા માંડ્યા.

પરંતુ, જ્યારે એ વ્યક્તિ એક્દમ એની નજીક આવીને ઊભી રહી ત્યારે એના જીવમાં જીવ આવ્યો, ને રીતસરનો એ ઊછળી પડ્યો, “ગુપ્તા… ક્યાં મરી ગયો હતો..?”

“સાહેબ, પેશાબ કરવા..” ઈન્સ્પેક્ટરને પરસેવે રેબઝેબ - ડરેલી હાલતમાં જોઈને કોન્સ્ટેબલ ગુપ્તા હેરતમાં પડી ગયો.

“અરે પણ પેલાં બંને ક્યાં..?” ઈન્સ્પેક્ટરને ધ્રાસ્કો પડ્યો.

“પેલાં બંને..? કોણ બંને..?” ગુપ્તા મૂંઝાયો.

“સાલા ઈડિયટ.. હું મુસ્કાન અને અરમાન માથુરની વાત કરું છું..” ઈન્સ્પેક્ટર તાડૂક્યો.

“મુસ્કાન..? કોણ મુસ્કાન..? ને કોણ અરમાન..?” ગુપ્તા અચંબામાં પડ્યો, ને આગળ જણાવ્યું, “સાહેબ, તમારી તબિયત તો ઠીક છે ને…? પોલીસ ચોકીથી તો આપણે બે જ જણ આવ્યા હતા!”

“શટ-અપ, નોનસેંસ…” ઈન્સ્પેક્ટર પોતાનું માથું પછાડતા ઘૂરક્યો, “અરે, મુસ્કાન.. પેલી ‘સાઈકો’ મુસ્કાન… પોતાનાં પતિના કતલની કબૂલાત કરવા ચોકીમાં આવી હતી એ.. અને અરમાન, કે જે પોતાને મુસ્કાનનાં પતિ તરીકે ઓળખાવતો હતો એ…! એ બંનેને જીપમાં સાથે લઈને જ તો આપણે અહીં લાશનો કબજો લેવા આવ્યા હતા..”

“અરે સાહેબ, શું બોલો છો..? ચોકીમાં કોઈકનો ફોન આવ્યો હતો.. કોઈક અજાણ્યાએ એવી બાતમી આપી હતી કે અહીં લાશ પડી છે..” ગુપ્તા એકી શ્વાસે બોલી ગયો. હવે એ પણ કોઈક અજાણ્યા ડરથી ધ્રૂજી રહ્યો હતો.

ઈન્સ્પેક્ટરને લાગ્યું, હવે એ પોતે પાગલ થઈ જશે. એ પોતાના બંને હાથથી પોતાના જ માથા પર ટપલી મારવા માંડ્યો. જાણે કે કંઈક યાદ કરવા મથી રહ્યો હોય. અચાનક કશુંક યાદ આવતા ફરી એ દોડ્યો. ફ્લેટમાં જઈને સીધો જ સ્ટોરરૂમમાં પ્રવેશ્યો. ખૂણામાં એની નજર ઠરી ગઈ. ગભરાટમાં ને ઊતાવળમાં દોડવા જતા એનો પગ પોતાના જ પગમાં ભેરવાયો, ને ઊંધે માથે જઈ પડ્યો.. ડીપ-ફ્રિઝરની ધાર સાથે એનું માથું અફળાયું. એને તમ્મર આવી ગયા. આંખ સામે અંધારું છવાયું. એ અંધકારમાં એની નજર સમક્ષ મુસ્કાનનો હસતો ચહેરો તરવરી ઊઠ્યો…

મુસ્કાન સફેદ યુનિફોર્મમાં શોભી રહી હતી. એને થોડાં દિવસો પહેલાંનો અતીત હવે કોઈ ચલચિત્રની જેમ નજર સમક્ષ દેખાઈ રહ્યો હતો…

***

દિલ્હીથી મુંબઈ ફ્લાઈટમાં પરત આવતા પોતાની કામુક નજર એક એર-હોસ્ટેસ પર ચોંટી ગઈ હતી.

મુસ્કાન માથુર…

લચીલી કમર અને ધગધગતી આગ જેવી જ્વલનશીલ કાયા ધરાવતી મુસ્કાન, એક ખાનગી એર-લાઈન્સ કંપનીમાં એર-હોસ્ટેસની ફરજ બજાવતી હતી. ગમે તે રીતે એનાં દેહ લાલિત્યને ભોગવવા માટે પોતે વર્દીનાં જોરે એનાં ફ્લેટ સુધી આવી પહોંચ્યો હતો. હા, આ જ ફ્લેટ.. બરાબર યાદ આવ્યું, આ જ..! અને કમરો પણ તો આ જ હતો ને! મુસ્કાનની એકલતાનો લાભ ઊઠાવી બળજબરી કરવા જતો હતો ત્યાં જ એનો પતિ આવી પહોંચ્યો હતો. બંને વચ્ચે ઝપાઝપી થતાં પોતે પોતાની સર્વિસ રિવોલ્વર ખેંચી કાઢી હતી, ને એમાંથી છૂટેલી ગોળીએ મુસ્કાનનાં પતિ અરમાન માથુરનું હ્રદય વીંધી નાખ્યું હતું…

પરંતુ, પોતાની દિમાગી હાલત એટલી હદે કથળેલી છે કે પોતાને કોઈ પણ ઘટના લાંબો સમય સુધી યાદ નથી રહેતી.. જ્યારે પણ એવી કોઈ ઘટના કે એ સ્થળને લગતો કોઈક બનાવ બને ત્યારે એ ફરી પોતાના અસંતુલિત માનસમાં ચલચિત્રની જેમ જીવંત થતું! એને હવે સારી પેઠે સમજાઈ ચૂક્યું હતું, કે ક્યારેક ક્યારેક થતા આવા માનસિક વિકૃતિના હુમલાઓ એને પોતાને કાબૂ બહાર લઈ જતા હતા. ખબર નહીં કેટલાંયે આવા અધમ ગુનાઓ પોતે કર્યા હશે!

માથે હાથ દબાવી એ લથડતાં પગે ઊભો થયો. ઊપરથી ડીપ-ફ્રિઝરનો દરવાજ્જો ઊઘાડ્યો. અંદર સીંચેલી બરફની લાદીઓમાંથે ઊઠતી ઠંડી વરાળ એના નાકમાં પ્રવેશી. એના દિમાગમાં ફરી એક્વાર ઝણકારો થયો. આંખ સામે ફરી અંધારું છવાઈ રહ્યું હતું. એ અંધારાં વચ્ચે પણ એણે તપાસ્યું કે બરફની પાટો વચ્ચે કોઈ લાશ દબાવેલી હતી જ નહીં!

બરફનો ઠંડો ધુમાડો તીવ્ર બની રહ્યો હતો, ને નાક તથા મોં વાટે એના શરીરમાં પ્રવેશી કરતબ દેખાડ્યું. ઈન્સ્પેક્ટરનો જીવ હવે ગૂંગળાઈ રહ્યો હતો. એને આખી યોજના હવે સમજાઈ રહી હતી… ડીપ-ફ્રિઝરમાંથી નીકળી રહેલો ધુમાડો એ બરફની વરાળ નહીં, પરંતુ સૌથી જલદ અને જીવલેણ ઝેર ‘સાઈનાઈડ’ હતું! એણે ઝડપભેર ડીપ-ફ્રિઝરનો દરવાજો બંધ કરી દીધો… પરંતુ, બહુ મોડું થઈ ચૂક્યું હતું! ઝેરી ધુમાડાએ પોતાની કામગીરી પૂરી ઈમાનદારીથી બજાવી દીધી હતી. ઈન્સ્પેક્ટર ક્ષણવારમાં જ ત્યાં ઢળી પડ્યો. એના મોંમાંથી ફીણ નીકળવા માંડ્યું. આંખનાં ડોળા બહાર આવી ગયા…

અને તરફડી રહેલા શરીરે આખરે દમ તોડી દીધો..!

***

થોડી વાર પછી,

મોં પર માસ્ક પહેરેલા ત્રણ ચહેરાઓ ફ્લેટમાં પ્રવેશ્યાં. સ્ટોરરૂમ તરફ એક નજર નાખી. ઈન્સ્પેક્ટરનું નિર્જીવ શરીર જોયું. ને એ નજરોમાં એક ધૃણા ભળી. બદલો લીધાના સંતોષ સાથે ત્રણેય ચહેરાઓ ફ્લેટની બહાર નીકળી ગયાં…

“આખરે આપણે એક પરફેટ પ્લાન મુજબ આ ‘સાઈકો કીલર’ ઈન્સ્પેક્ટરનો અંજામ આણી જ દીધો..! સાલો કોઈને અણસાર પણ આવવા નહીં દેતો કે પોતે આટલો ખૂનખાર ‘સાઈકો’ છે… રોજની જિંદગીમાં તો કેવો સામાન્ય, સીધોસાદો અને એક બાહોશ ઈન્સ્પેક્ટર લાગે, પ્ણ જ્યારે જ્યારે પાગલપણાનો હુમલો આવે ત્યારે તો…” કોન્સ્ટેબલ ગુપ્તા પોતાના મોં પરથી માસ્ક ઊતારતા આગ ઓકતો બોલ્યો.

“થેંક્યુ ગુપ્તા.. તેં આપણા પ્લાનમાં મને મુસ્કાનનાં પતિ તરીકે વચ્ચે આવવા કહ્યું, ને ઈન્સ્પેક્ટરને ગૂંચવાડામાં નાખ્યો.. તેમજ આપણે એને અહીં સુધી ખેંચી લાવવામાં પણ સફળ રહ્યા..! એનો ખાત્મો બોલાવતા પહેલાં, એણે આચરેલો ગુનો – મુસ્કાનનાં પતિનું કરેલું કતલ, એને યાદ કરાવવું જરૂરી હતું..!” યશ બોલી ઊઠ્યો..

યશ વર્ધન, જે અત્યાર સુધી પોતાને ‘સાઈકો’ ઈન્સ્પેક્ટર સમક્ષ મુસ્કાનનાં પતિ તરીકે રજૂ કરી રહ્યો હતો, એ ગળગળો થતા આગળ બોલ્યો, “આજે આપણી ખાસ મિત્ર મુસ્કાનનાં પતિના કતલનો બદલો લઈ આપણે એને સાચો ન્યાય અપાવ્યો છે, દોસ્ત..!”

એટલામાં..

યશ અને ગુપ્તાની નજર, થોડે આઘે ઊભેલી એમની બંનેની ખાસ મિત્ર મુસ્કાન પર પડી. મુસ્કાન હજુ પણ પોતાની મોટી-મોટી માંજરી આંખો પટપટાવતી, ગોળ-ગોળ ફેરવતી પોતાનાં પતિ અરમાનને જાણે કે આસપાસ શોધી રહી હતી. એનું મંદ ‘ભેદી’ સ્મિત હવે કારમા અટ્ટહાસ્યમાં પલટાઈ રહ્યું હતું. હસતાં હસતાં એનાં હોઠમાંથી ક્યારે ડૂસકાં સરી પડ્યાં એ એને તો ક્યાંથી ખ્યાલ હોય..? એનું દિમાગ ન તો એ સમજી શકે એમ હતું, કે ન તો એ કપરી વાસ્તવિકતાને સ્વીકારી શકે એમ હતું..!

બંને મિત્રો પલળેલી પાંપણે મુસ્કાન તરફ તાકી રહ્યા!

સમાપ્ત