ભેદી મુસ્કાન
(સાઈકો સિરીઝ)
ભાગ-૧
ધર્મેશ ગાંધી (DG)
એ આવી... ને જાણે કે કયામત આવી !
એનાં બેપરવા પગરવ મંડાતા પોલીસ ચોકીની અવસ્થામાં એકાએક પલટો આવ્યો. કોલાહલભર્યા વાતાવરણમાં થોડી નીરવતા પથરાઈ. દારૂની ઉગ્ર વાસથી ટેવાયેલાં નાકના ઘણા ટેરવાંઓમાં મઘમઘ થતી વિદેશી અત્તરની સુવાસ ભળી. ગણ્યાગાંઠ્યા પોલીસકર્મીઓ તથા હાજર થયેલા ગુનાખોરોની નજર ચોકીનાં દરવાજા તરફ મંડાઈ.
વીસ-બાવીસ વર્ષની ફાટફાટ થતી યુવાની સ્લીવલેસ-બેકલેસ બ્લાઉઝમાં સજ્જ ઊભી હતી. ગોરી અને કામણગારી કાયા પર નાભિથી ચાર ઈંચ નીચે પહેરેલી રેશમી સાડી સૌંદર્યમાં વધારો કરતી હતી. ‘હાઈલાઈટ’ કરેલી હેર-સ્ટાઈલથી લઈને પગની પાની સુધીના દરેક અંગો પર મેક-અપવાળો હાથ ફર્યો હશે એવું અનુમાન લગાવી શકાય. પેન્સિલ-હિલ સેંડલનો ‘ટક-ટક’ થતો પગરવ ઈન્સ્પેક્ટરની કેબિનમાં પ્રવેશ્યો...
ગ્લોસી લિપસ્ટિકથી ઝળકતા લાલચટક હોઠ એક આછા મલકાટ સાથે હલ્યા, “મને ઓળખી, ઈન્સ્પેક્ટર..?”
કોઈક કેસની ઉલઝનમાં ગૂંચવાયેલા યુવાન-જોશીલા ઈન્સ્પેક્ટરની તંદ્રા તૂટી. ફાઈલમાંથી નજર ઊંચે કરી. સામે ઊભેલા દેહ સૌષ્ઠવે એને અસમંજસમાં નાખ્યો. એણે દિમાગ પર જોર આપ્યું. પોતાના ગોરા અને ભરાવદાર ચહેરા પરની હલકી કાળી દાઢી પર હળવાશથી ખંજવાળવાની અદાથી ડાબા હાથની આંગળીઓ ફેરવતા બોલ્યો, “માફ કરજો મેડમ... પણ, કશું યાદ નથી આવતું !”
સામાન્ય સંજોગો મુજબ, કોઈક ખૂબસૂરત યુવતીને જોતાં કોઈ પણ ગભરુ જુવાનના મોઢામાંથી એવા જ શબ્દો સરી પડે – ‘તમને કશે જોયા હોય એવું લાગે છે !’
પરંતુ, અહીં પરિસ્થિતિ ઊંધી હતી.
“ઓકે... છોડો ઈન્સ્પેક્ટર, તમે તો રોજના કેટલાંયે કેસ પતાવતા હશો... બધાંના ચહેરા ક્યાંથી યાદ હોય..?” બોલીને યુવતીએ પોલીસ ચોકીમાં પોતાના આવવાનું કારણ જણાવતાં કહ્યું, “હું મુસ્કાન... મિસિસ મુસ્કાન માથુર... ‘સાઈકો’ છું..!”
ઈન્સ્પેક્ટર ચોંક્યો, “સાઈકો...? તમારો મતલબ તમે પાગલ છો..?”
એ વિચારી રહ્યો કે - શું કોઈ ખુદપોતાને જ ખરેખર ‘પાગલ’ તરીકે સ્વીકારે ખરો ?
“હા ઈન્સ્પેક્ટર, કમ સે કમ મારા પતિ તો મને આ જ નામથી સંબોધતા હતા !” યુવતીની ઝાંખા ગુલાબી રંગે રંગાયેલી બંને આંખોની પાંપણો ઢળી રહી હતી. ચહેરો મૂરઝાવા માંડ્યો. એક પાતળી અશ્રુધારા એ મોટી અને મિચાયેલી આંખોમાંથી વહેવા માટે બેબાકળી બની ઊઠી !
“હતા..? ‘સાઈકો’ નામથી આપને સંબોધતા હતા...?” ઈન્સ્પેક્ટરે અવઢવ અનુભવી. “મતલબ હવે.. સુધરી ગયા છે, એમ જ ને..?” સાક્ષાત સૌંદર્યદેવી બિરાજમાન હોય, ત્યાં ઈન્સ્પેક્ટરની જીભ પણ લોચો મારે એ સ્વાભાવિક છે.
“છેલ્લાં છ મહિનાથી એમણે મને આ મહાન ‘ઉપાધિ’ આપી હતી...” યુવતીની વાતનો કટાક્ષભર્યો મર્મ ઈન્સ્પેક્ટર હવે સમજી રહ્યો હતો. “વાતે-વાતે એ મને પાગલ જાહેર કરી દેતા હતા. એ જાતે તો સુધરે એમ લાગતું નહોતું, એટલે પછી...” યુવતી એકીશ્વાસે બોલી રહી હતી.
“એટલે..?” ઈન્સ્પેક્ટરને ધ્રાસ્કો પડ્યો.
“એટલે એમ કે... પછી મેં એક દિવસ નિશ્ચય કરી જ લીધો. મારી જાતે જ, એ તકલીફમાંથી છુટકારો મેળવવાનો...” મુસ્કાન શાંતચિત્તે બયાન આપી રહી હતી.
“ઓહ્હ ગુડ... યાને કે તમે એક આદર્શ પત્નીની ફરજરૂપે, સમજદારીથી વર્તી સંજોગો સાથે સમાધાન કરી લીધું હશે, રાઈટ..?” ઈન્સ્પેક્ટરે યુવતીની પ્રશંશા કરી.
“સમાધાન..? ના, ના.. સમાધાન નહીં..” મુસ્કાન ઠંડા કલેજે બોલી, “મેં એમનું કતલ જ કરી નાખ્યું..!”
“વ્હોટ...?” ઈન્સ્પેક્ટર પોતાની રિવોલ્વીંગ ચેરમાંથી સફાળો ઊભો થઈ ગયો, ને રીતસરનો બરાડ્યો..
“યુ મીન, મર્ડર..? તમારા પતિનું..? ક્યારે..?"
“ક્યારે... એ તો બરાબર યાદ નથી. ઘણાં દિવસો વીતી ગયા !" યુવતી કઈંક યાદ કરતી હોય એમ વિચારમગ્ન થતાં બોલી.
“વ્હોટ નોનસેન્સ... તમને જરા પણ અંદાજ છે કે તમે શું બોલી રહ્યાં છો, મિસિસ..?"
“મુસ્કાન... મિસિસ મુસ્કાન માથુર...” યુવતીએ પોતાના ગાલ પર ઊતરી આવેલી સોનેરી લટને માથાના એક ઝાટકાથી હટાવતાં પોતાનું નામ યાદ કરાવ્યું.
ઈન્સ્પેક્ટરે હવે નિષ્કર્ષ લગાવી લીધો હતો કે આ યુવતીનું દિમાગ ખરેખર જ ઠેકાણે નથી. પતિનું કતલ કર્યા પછી પણ આટલી બધી સ્વસ્થતા, આટલું બેપરવાપણું, ને રૂપનું આટલું ઐશ્વર્ય ? કોઈ રીઢો ગુનેગાર કે વ્યાવસાયિક ખૂની પણ આટલી નીરવતા ન જ રાખી શકે !
એણે આગળ પૂછતાછ ચલાવતા પૂછ્યું, "અને તમારા પતિની લાશ..?"
“આઈસ-બોક્ષમાં.." મુસ્કાને નિખાલસતાથી કબૂલાત કરતાં કહ્યું.
“ઓહ્હ.. તો આટલા દિવસો પછી પતિના કતલની કબૂલાત કરવાનું સૂઝ્યું..?" ઈન્સ્પેક્ટરનું દિમાગ હવે ચકરાવે ચઢ્યું હતું.
“હા, એક્ચુઅલી દિમાગમાંથી નીકળી ગયું હતું... થોડી કામની વ્યસ્તતાને કારણે !” મુસ્કાનનાં બેપરવા છતાં ભયાનક અભિગમથી ઈન્સ્પેક્ટર પૂર્ણરૂપે ચોંકી ઊઠ્યો હતો. વિચારી રહ્યો - કોઈ વ્યક્તિ આટલી હદનું વિકૃત માનસ ધરાવી શકે ? કોઈનું કતલ કરીને... અરે કોઈનું ક્યાંથી, પોતાના પતિનું કતલ કરીને ભૂલી જાય એવું બની શકે ? હેરતજનક કહેવાય ! ઈન્સ્પેક્ટરને મુસ્કાન હવે પાગલ જ નહીં, ‘ભેદી’ પણ જણાઈ રહી હતી !
“કોન્સ્ટેબલ.. આમને ગિરફ્તાર કરો...” ઈન્સ્પેક્ટરે આદેશ જારી કર્યો, અને મુસ્કાન તરફ ખુન્નસના ભાવ પ્રગટાવી આગળ બોલ્યો, “એક રિપોર્ટ પણ બનાવો કોન્સ્ટેબલ, અને ચાલો સ્થળનું પરીક્ષણ કરવા... લાશનો કબજો લેવા...”
“મુસ્કાન.. મુસ્કાન..” ચોકીનાં દરવાજેથી ઘાંટો સંભળાયો. એક પચ્ચીસેક વર્ષનો સોહામણો દેખાતો યુવક લગભગ દોડતી ચાલે અંદર પ્રવેશ્યો. અને યુવતીની એકદમ નજીક પહોંચીને ગરજ્યો, “આજે ફરી નવું નાટક..? અને તે પણ પોલીસ ચોકીમાં..? સાઈકો સા...” -પછી ઈન્સ્પેક્ટર તરફ ફરીને એ આજીજી કરતો હોય એમ બોલ્યો, "સાહેબ, માફ કરો... એની માનસિક હાલત ઠીક નથી. સાઈકીઆટ્રીસ્ટની સારવાર પણ ચાલે છે. આમ તો હંમેશા હું એને ઘરમાં દેખરેખ હેઠળ જ રાખું છું, છતાં ક્યારેક આવી રીતે જ ભાગી નીકળે છે."
“આપની તારીફ, મિસ્ટર..?" ઈન્સ્પેક્ટરે આંખો ઝીણી કરી.
“ઓહ સોરી સર... મારો પરિચય આપવાનું તો ભૂલાઈ જવાયું.." બોલીને આવનાર યુવકે ગૌરવભેર જણાવ્યું, "વેલ, હું અરમાન... અરમાન માથુર... મુસ્કાનનો પતિ."
ઈન્સ્પેક્ટર મૂંઝવણમાં તો હતો જ. હવે એને ગુસ્સો ચઢ્યો. મુસ્કાન તરફ ફરીને તાડૂક્યો, "આ શું મજાક ચાલે છે, મેડમ..?"
મુસ્કાન વિહ્વળ થઈ ઊઠી. કપાળ પર કરચલીઓ વળવા માંડી. પરસેવાની બૂંદો જામવા માંડી. ગુલાબી પાંપણની નીચે રહેલી પોતાની માંજરી આંખો પટપટાવતા એ ચિત્કાર કરી ઊઠી, "ઈન્સ્પેક્ટર.. હું આ વ્યક્તિને બિલકુલ ઓળખતી નથી.. એ મારો પતિ છે જ નહીં !" ડાબા હાથનો ખભો ઊલાળી, મસ્તકને ગરદનમાંથી જમણી તરફ ઝાટકો આપ્યો... ને એની વિહ્વળતાનું રૂપ એક ઘેરી મુસ્કાને લઈ લીધું. હોઠ પહોળા કરીને એ બોલી, "મારા પતિનું તો કતલ... ઘણાં દિવસો પહેલાં.." બોલતાં બોલતાં એની આંખમાં આંસુ ધસી આવ્યાં.
“અરે ઇન્સ્પેક્ટર સાહેબ, આ ચોથી વખત એ મારું મર્ડર કરી રહી છે..” આવનાર યુવક કે જે પોતાને મુસ્કાનનાં પતિ અરમાન માથુર તરીકે ઓળખાવી રહ્યો હતો, મુસ્કાનની વાત અધવચ્ચે જ કાપતા બોલ્યો, “આ એક જ સ્ક્રિપ્ટ એ બધે સંભળાવતી ફરે છે. કોઈક વાર એના ડૉક્ટર પાસે પહોંચી જાય છે, તો કોઈક વાર મારા એકાદ મિત્ર પાસે... ક્યારેક એના કોઈક ઓળખીતા પાસે તો વળી ક્યારેક કોઈક વકીલ પાસે... જયારે પણ એને પાગલપનનો આવો હુમલો આવે એટલે કોઈક સમક્ષ મારા કતલની કબૂલાત કરવા પહોંચી જાય !”
“ડીપ-ફ્રિઝરમાંથી મારા પતિની લાશ મળી આવે તો..? તો તમે માનશો..?” મુસ્કાને હોઠના ખૂણેથી ભેદી મંદહાસ્ય રેલાવી એક ઘટસ્ફોટ કર્યો... ને પછી બંને હાથે પોતાના માથા પર થપાટો મારવા માંડી, જાણે કે એમાં ઘેરા વમળો ઊઠી રહ્યા હોય...!
અત્યાર સુધી શાંતિથી બધો તમાશો જોઈ રહેલા કોન્સ્ટેબલે ઈન્સ્પેક્ટરના કાનમાં હળવેથી ફૂંક મારી, “સાહેબ, જાણો છો આ યુવક કોણ છે ?”
ઈન્સ્પેક્ટરની શંકાસભર નજર ત્રાંસી થઈ. જાણે કે ધારદાર આંખો પ્રશ્ન પૂછી રહી હોય એમ કોન્સ્ટેબલ સામે જોયું, "કોણ..?"
“દલાલ છે... રેડ લાઈટ એરિયાનો..” કોન્સ્ટેબલે આખા કેસમાં ‘યુ ટર્ન’ લાવતી મહત્વની કડી પૂરી પાડવાનો શ્રેય લેતા જણાવ્યું.
ઈન્સ્પેક્ટર એવી રીતે કોન્સ્ટેબલને ઘૂરકી રહ્યો હતો, જાણે કે કહેવા માગતો હોય - 'તું ક્યાંથી આવા રેડ-લાઈટ એરિયાના દલાલને ઓળખે ?' કોન્સ્ટેબલ પામી ગયો; ઝંખવાણો પડ્યો. એ કૈક ગોળગોળ જવાબ આપીને કેસમાં વધારે ગૂંચવાડો ઊભો કરે એ પહેલાં જ ઈન્સ્પેક્ટરે બીજી માહિતી માગી, “તો શું આ મુસ્કાન... કોલ-ગર્લ..?”
“અરે સાહેબ, ત્યાં સુધીની પહોંચ નથી મારી... હું એ વિશે કશું નથી જાણતો.” છોભીલા પડેલા કોન્સ્ટેબલે જાણે કે પોતાના બંને હાથ ઊંચા કરી દીધા.
ઈન્સ્પેક્ટર માટે હવે પેચીદો સવાલ એ હતો કે અહીં સાચું કોણ બોલે છે, અને કોણ જૂઠું..? કોનું માનસિક સંતુલન ખોરવાયેલું છે, ને કોણ ‘માસ્ટર માઈન્ડ’..? મુસ્કાન ખરેખર કોલ-ગર્લ હોઈ શકે ? આ વ્યક્તિ, કે જે પોતાને એનો પતિ કહેવડાવે છે, એના સકંજામાંથી છટકવા માગતી હોય.. ત્યાંથી ભાગી આવી હોય, ને કદાચ જેલમાં પૂરાઈને એ પોતાની જાતને સુરક્ષિત રાખવા માગતી હોય…? શક્ય છે આ દલાલ ફરી એને એ રેડ-લાઈટ એરિયાની ગંદકીમાં ખેંચી જવા માગતો હોય…
ઈન્સ્પેક્ટર દ્વિધામાં સરી પડ્યો !
ત્યાં જ અચાનક…
મુસ્કાનનાં હોઠ પરથી એક કરાહ નીકળી. એ બંને હાથે પોતાનું માથું દબાવી, આંખો બંધ કરી ચક્કર ખાવા લાગી. ને ‘ધડામ’ કરતી એ નીચે જમીન પર ફસડાઈ પડી. એનાં ખભેથી એની ગોલ્ડન કલરની હેન્ડબેગ છટકી ગઈ, ને જમીન પર પડતાં જ ખૂલી ગઈ. એમાંથી વેરવિખેર થવા માટે ડોકાતા સામાનમાં સૌથી ઉપર દેખાતા એક ‘આઈ-કાર્ડ’ પર ઈન્સ્પેક્ટરની બાજ-નજર પડી.
યુનિફોર્મમાં સજ્જ મુસ્કાનનાં પાસપોર્ટ સાઈઝ ફોટો વાળો ‘આઈ-કાર્ડ’ જોતાં જ ઈન્સ્પેક્ટરના કપાળે પરસેવો વળવા માંડ્યો. હવે દિમાગ ભમવાનો વારો ઈન્સ્પેક્ટરનો હતો.
મુસ્કાન કૈક વધુ ને વધુ ‘ભેદી’ બની રહી હતી…
ક્રમશઃ
(વધુ આવતા અંકે... )
લેખકનો પરિચય :
***
હું ધર્મેશ ગાંધી, નવસારીનો રહીશ. વ્યવસાયે શિક્ષક, સોફ્ટવેર એન્જિનિયર તથા એકાઉન્ટન્ટ છું. અંગ્રેજી-ગુજરાતી માધ્યમના ટ્યુશન કલાસીસ ચલાવું છું. ‘વર્ક-વિઝા’એ અમેરિકાનો અનુભવ કરાવ્યો છે. મારી લઘુકથાઓ, ટૂંકી વાર્તાઓ તથા માઇક્રોફિક્શન વાર્તાઓ - 'મમતા', 'અચૂક', 'સમાજ સાગર', ‘સર્જન’ વગેરે સામયિકોમાં તેમજ ‘ગુજરાત સમાચાર’, 'ગુજરાત ગાર્ડિયન', ‘ગાંધીનગર સમાચાર’ જેવા વર્તમાન-પત્રોમાં પ્રકાશિત થઈ ચૂકી છે. સમયાંતરે સાહિત્યના ઈ-મેગેઝીન, વેબ પોર્ટલ, બ્લોગ વગેરેમાં પણ લખું છું. હાલમાં રચનાત્મક વાર્તાઓનાં સર્જનનો પ્રયાસ જારી છે.
***
ધર્મેશ ગાંધી (DG)
91064 80527
dharm.gandhi@gmail.com
dharmeshgandhi.wordpress.com
***