O Maa, mari ma books and stories free download online pdf in Gujarati

ઓ મા, મારી મા....

ઓ મા, મારી મા.... લતા હિરાણી

મારી મા,

કેમ છો તું ? તને નવાઇ લાગશે કે મારો લેટર ? સાચી વાત છે, આ મોબાઇલ, એસએમએસ અને ઇમેઇલના જમાનામાં લેટર એટલે કે ‘પત્ર’ લખવો આઉટડેટેડ લાગે પણ હું ઠરું તો ક્યાં ઠરું મા ? તારામાં જ અને તારા શબ્દોમાં...મા, હૃદયની લાગણીઓ તો પત્રમાં જ વ્યક્ત થઇ શકે. (તારું જ લોહી મારામાં વહે છે ને !!) અને મારે તને કેટલું બધું કહેવાનું છે !! ટાગોરે કહ્યું છે ‘દુનિયાની બધી ભાષાઓમાં ‘મા’નો અર્થ ‘મા’ જ થાય છે પણ મારી મી, તારી સાથેના કમ્યુનિકેશનના મારા તમામ શબ્દોનો અર્થ ‘મા’ જ થાય છે.

મા, શંકરાચાર્યનો એક શ્લોક છે,

आस्तां तावदियां प्रसूतिसमये दुर्वारशूलव्यथा

नैरुच्ये तनुशोषणं मलमयी शय्या च सांवत्सरी ।

एकस्यापि न गर्भभार भरणक्लेशस्य यस्या: क्षमा:

यातुं निष्कृतिमुन्नतोडपि तनयस्तस्यै जनन्यै नम : ॥

આ શ્લોકનો અનુવાદ સાંઇ મકરંદ દવેએ આમ કર્યો છે,

મા, તેં દુસ:હ વેદના પ્રસવની જે ભોગવી ના ગણું,

કાયા દીધ નિચોવી ના કહું ભલે તેં ધોઇ બાળોતિયાં

આ જે એક જ, ભાર માસ નવ તેં વેઠ્યો હું તેનું ઋણ

પામ્યો ઉન્નતિ તોય ના ભરી શકું, એ માતને હું નમું.

નવ માસ પેટમાં ભાર વેઠી પછી પ્રસુતિની ભયંકર પીડા વેઠી જન્મ આપવો અને બાળકના બાળોતિયાં ધોઇ એને ઉછેરવામાં કાયા ઘસી નાખવી એ સૃષ્ટિનું પાયાનું, અતિ મહાન અને સર્જક કાર્ય હોવા છતાં આજે હું તને એ માટેય યાદ કરવા નથી બેઠી.. મારા માટે એ પ્રેરક અને હંમેશા સુખદ વિસ્મય રહ્યું છે કે દેખાવમાં દુબળી પાતળી અને મોટાભાગે કામના બોજાથી ઢંકાયેલી રહેતી તું અમારા માટે સદાય શક્તિનો ભંડાર કેવી રીતે રહી શકતી ? મી, અમારે જરૂર હોય, અમે થાકેલા હોઇએ, અમે માંદા હોઇએ ત્યારે દિવસભરના ઢસરડા પછીયે તારી સેવામાં કોઇ કસર કદી નથી ભાળી..

હવે એક દીકરીની મા બન્યા પછી મને એ રહસ્ય સમજાય છે ખરૂં.. સ્ત્રી મા બને એ ક્ષણથી જ એ જાણે શક્તિનો અવતાર બની જાય છે. ખાસ કરીને પોતાના સંતાન માટે તો એનામાં ક્યાંથી ઊર્જાનો અખંડ ઝરો ફૂટી નીકળે છે ? કાલે જ ઝીલ પ્રવાસે ગઇ. ચાર દિવસથી ઘર માથે લીધું હતું. ‘આ જોઇએ ને તે જોઇએ, આમ જ રાખવાનું એમ જ મૂકવાનું.’ એની ફુટપટ્ટીમાં ક્યાંય બાંધછોડ નહિ અને હું ઊભે પગે !! એની બધી આદતો જાણું, એની પસંદગીનીયે પૂરી ખબર અને એ પ્રમાણે જ એના માટે કલાકો ખર્ચીને તૈયાર કરેલા મારા વૈતરાને બહેનપણીની સલાહથી એક ઝાટકે ઉડાડી મૂકતાં એ જરાય ખચકાય નહિ... ગુસ્સો તો બહુ આવે મી, પણ ત્યારે તું યાદ આવ ને શાંત થઇ જાઉં. ભલે થોડું પણ અમેય આવું કર્યું હશે, વળી મારે તો ઝીલ એક, તારે હતાં અમે પાંચ, પણ તને મિજાજ ગુમાવતાં કોઇ’દિ જોઇ નથી !! અરે, બોલતાંયે નહિ, તું બસ કામ કર્યે જ જતી હોય.. તારામાં ક્યાંથી આવતી આટલી શક્તિ મા ?

આજે તને પત્ર લખવા બેઠી છું ત્યારે મને યાદ છે કે કોઇનોય પત્ર આવે ત્યારે તારી આંખોમાં કેવી ચમક આવી જતી હતી અને જતનથી સાચવી રાખેલા તારા અને પપ્પાજીના લાંબા લાંબા પત્રો.....

મનની અંદર દરિયો ઘુઘવે છે. લખવા બેઠી છું પણ મારે શું કહેવું છે, શા માટે કહેવું છે એ બધું મારામાં ઓગળી વહી ચાલ્યું છે. મારું અસ્તિત્વ અત્યારે તારામય બની ગયું છે. જાણે મારું સ્થુળ સ્વરુપ છે જ નહિ !! આ અનુભૂતિ અનેક વાર અંદર પ્રવેશી હતી અને એને અવગણી હતી એમ પણ નથી પણ એની નોંધ લેવાય, ન લેવાય ત્યાં એ સરી જતી હતી. અથવા તો એમ પણ કહું કે એ જીવનનો જ એક ભાગ બની ગઇ હતી.. એ સાથે સુગંધની જેમ વહ્યા કરતી અને મને એની જાણ પણ ન થવા દેતી...

આજે મારે ખુલવું છે, તારી પાસે ખીલવું છે અને એ તારી રીતે.. મને શબ્દો તેં જ આપ્યા છે એમાં થોડો ઘુઘવાટ પરોવીને મોકલું છું. તું સતત મારામાં જે વાવતી રહી છો એનો ઉઘાડ જરા જેટલોય તારા સુધી પહોંચે તો...

મા, હું નાની હતી ત્યારે બહારથી રડતી, દુભાયેલી આવી હોઉં ત્યારે તને બાઝી તારા પાલવમાં ઢબુરાઇ જવાની કેવી નિરાંત હતી !! એ જ પાલવ નીચે ઢંકાઇને પીધેલા તારા ધાવણની સુગંધ મારામાં આજે ફરી એકવાર ફોરી ઊઠી છે. જ્યાં સુધી તને દૂધ આવ્યું ત્યાં સુધી તેં મને બહારનું દૂધ નથી પીવડાવ્યું. બા કહેતાં, “મોટી ઢગા જેવડી થઇ તોયે તું તારી માને ધાવ ધાવ કરતી.” હવે ચારે બાજુ વાંચું છું કે બાળક માટે માતાનું દૂધ સર્વોત્તમ આહાર છે ત્યારે તારા માટે મારું માન અનેકગણું વધી જાય છે. હું બિમાર બહુ ઓછી પડું છે, સરવાળે મારું સ્વાસ્થ્ય બહુ સારું છે એનું કારણ તું જ મા !!

સાચું કહે મા, તને ક્યારેય થાક નહોતો લાગતો ? તું તો બસ કામ જ કર્યા રાખતી. તારે માટે ઘર એટલે રસોડું જ હતું. આખો દિવસ, મને આ ભાવશે અને દીદીને આ નહિ ભાવે. પપ્પાને આ જોઇશે અને ભાઇને આ નહિ માફક આવે. બા,દાદા માટે તો જુદું કરવું જ પડે...અને અમને જે જે ભાવે એના પર અમે એવા તૂટી પડીએ કે પછી... હવે મને સમજાય છે કે અવારનવાર અમે તારી પાસેથી આ જ વાક્ય કેમ સાંભળતા, ‘મને નથી ભાવતું.’ ‘મને જરાય ભૂખ નથી’.....!!! મારી મી, મને એ વાતની ખરેખર શરમ છે કે આજ સુધી મને કે કદાચ અમને કોઇને ખબર નથી કે તને શું ભાવે છે ?

મી, મારી ઝીલુ માટે મારે ક્યારેક તૈયાર નાસ્તા લાવવા પડે છે ત્યારે હું તને સંભારું છું કે અમારા લંચબોક્સમાં અમે ભાગ્યે જ બહારના નાસ્તા જોયાં છે. આટલું કરવા છતાંયે મને અને દીદીને સ્કૂલે મૂકવા તું જ આવતી. તને કોઇના પર ભરોસો નહોતો. કોઇક દિવસ પપ્પાને સોંપીને તારે બહાર જવું પડતું તો તને કેવો ઉચાટ રહેતો ? આજે હું એક દીકરીની મા બની છું ત્યારે મને તારી ચિંતા, કાળજી સમજાય છે અને મારું મન તને સલામ કરી ઊઠે છે.

તું હતી મા શક્તિશાળી !! સાંજે અમે સ્કૂલેથી આવીએ અને એક બાજુ રસોડામાં કૂકર ચડાવીને તું અમને હોમવર્ક કરાવવા બેસી જતી. અમારી એક્ઝામ હોય ત્યારે જાણે તારી પરીક્ષા હોય એમ તું દોડાદોડી કરતી. મને ઊંઘ ન આવી જાય એટલે રાત્રે તું બાજુમાં બેસતી અને જાગતી. કંઇક ને કંઇક ખાવાપીવાનું આપ્યા કરતી જેથી ઊંઘ ઉડે અને સ્ટેમિના જળવાઇ રહે. મને અને દીદીને ડાન્સ અને મ્યુઝિકના ક્લાસમાં લઇ જવાનું કામ પણ તારું જ હતું ને !!

મા, આખી જિંદગી અમે તને ‘ટેઇકન ફોર ગ્રાંટેડ’ માનતા રહ્યાં. મને યાદ નથી કદી તારી પાસે બેસીને મેં નિરાંતે તને જાણવાની, તારા અંતરમાં ઝાંકવાની કોશિષ કરી હોય. તારી અંદર પણ કેટલીયે વાર વંટોળ ઊઠ્યા હશે, કેટલીયે વાર તું થાકી હોઇશ, તૂટી હોઇશ, ભાંગી પડી હોઇશ પણ તેં અમને એ કદીયે કળાવા નથી દીધું. અમે હંમેશા અમારામાં જ વ્યસ્ત રહ્યાં છીએ. એના માટે તું મને માફ કરીશને ?

હું સમજણી થઇ પછીથી તારું અકળ મૌન મને અકળાવતું. ઘરના દરેક સભ્યોના લગભગ દરેક સવાલના જવાબમાં કે દરેક વાતના પ્રતિભાવમાં તારી પાસે નાનકડું સ્મિત કે માંડ બે-ચાર શબ્દો હોય. મને ઘણીવાર ગુસ્સોય ચડતો કે તું અમારી સાથે વાતો કેમ નથી કરતી !! પણ મા, તું વાતો કરતી હોત તો આટલા બધા કામને કેમ પહોંચી વળત ? અને બોલવાને કારણે જે માથાકૂટો થાય છે, ચર્ચા અને દલીલોમાં સમય અને મન ખર્ચાઇ જાય છે એ તો હું બરાબર અનુભવું છું, પણ અઘરું છે હોં મા, ખોટી વાત પણ સાંભળી લઇને ચુપ રહેવું બહુ અઘરું છે !!

તને ગુસ્સો નહોતો આવતો એવું નથી. તું ગુસ્સેય થતી પણ તારો ગુસ્સો ક્ષણોમાં જ આંસુમાં પલટાઇ જતો. અને વહેતા આંસુ સાથેય તું તારું કામ તો કર્યા જ રાખતી !! ઘરના રૂટિનમાં કોઇ ફરક પડતો નહિ.......

હું પહેલી વાર પિરીયડમાં આવી ત્યારે કેવી નર્વસ થઇ ગઇ હતી.. મને કેવું ટેન્શન થઇ ગયું હતું...જાણે હું માનવીમાંથી જંગલી પ્રાણી થઇ ગઇ હોઉં, કોઇક અઘોર જંગલમાં નોધારી ભટકતી હોઉં એવી કંઇક મારી માનસિક સ્થિતિ હતી. જીવનની ભયંકર કટોકટીની પળોમાં મેં તારા ખોળામાં જ રાહત અનુભવી છે, જીવવાનું બળ મને તારા બે લંબાયેલા હાથોએ જ આપ્યું છે. જીવનમાં જ્યારે જ્યારે પણ કપરી પળો આવી ત્યારનો તારો સ્પર્શ હું આજેય અનુભવી શકું છું તારા ખોળામાં માથું રાખીને રડી લેવું, નસેનસમાં વ્યાપી ગયેલી પીડા ઠલવી લેવી અને મારા વાળમાં, મારા શરીર પર ફરતી તારા હાથની આંગળીઓમાંથી જીવનરસનું ઝર્યા કરવું, મને ઊંઘ આવી જાય ત્યાં સુધી પંપાળ્યા કરવું, આપણા મા-દીકરીના સંબંધોમાં સુખની આ પરમ ક્ષણો હતી.

મી, તું મારી દોસ્ત પણ હતી ને !! મારી ફ્રેંડ્ઝની વાતો હું તને કરતી. એક વાર પેલા સંજયે મારી ટીખળ કરી હતી અને મેં તને એ કહ્યું હતું... તું સમજી ગઇ હતી કે મને એ બહુ મીઠું લાગ્યું હતું. મારા બધા મિત્રોને તું કેવા પ્રેમથી મળતી !! બીજાની મમ્મીઓ છોકરાઓની વાત સાંભળીને ગુસ્સે થતી પણ તું બધાયથી જુદી !! મારે તારાથી કંઇ છુપાવવું ન પડ્યું એટલે મને જય જેવો પતિ મળ્યો.

એન્ડ મોમ, યુ આર વર્સેટાઇલ પર્સન !! કહેવું પડે હોં ! હું કોલેજમાં આવી ત્યારે તેં કમ્પ્યુટર શીખવાનું ચાલુ કર્યું હતું. બસ વાતવાતમાં ભાઇએ કહ્યું,

“મોમ, કમ્પ્યુટર શીખવાનું તારું કામ નહિ.”

તેં કંઇ કહ્યા વગર ચેલેંજ લઇ લીધી. હું કહેતી કે હવે મી, તારે કમ્પ્યુટર શીખીને શું કરવું છે !! પણ તેં તો શીખીને બતાવી દીધું કે તું જે ધારે એ કરી શકે છે !!

એક મજાની વાત, તને યાદ હશે જ. ઇમેઇલ શીખવતી વખતે મેં તને કહ્યું,

”હવે સાઇન આઉટ થઇ જા. ખૂણામાં સાઇન આઉટ પર ક્લીક કરી દે.” અને તને ‘સાઇન આઉટ’ ક્યાંય દેખાય જ નહિ. તું ફાંફા મારે અને મને હસવું આવે, “અરે, ઉપર જો, ખૂણામાં જો.” આખરે કેટલી વારે તેં ‘સાઇન આઉટ’ શોધ્યું !!

કદાચ તું કોઇનું ‘સાઇન આઉટ’ સ્વીકારી જ નથી શકતી એ કારણ હશે. ભાઇ પરદેશ ગયો ત્યારે કેટલા દિવસો તું રડી હતી અને જમતી જ નહોતી. એના ખાવા-પીવાનું કેમ થશે એની ચિંતા તને કોરી ખાતી હતી. એને મળવા આવેલા લોકોએ લાવેલા બુકે તેં સાચવી રાખ્યા હતા અને એમાંનો એક બુકે સાવ સુકાઇ ગયો તોયે તેં કેવી રીતે જાળવ્યો હતો કે ભાઇ બરાબર એક વરસે પાછો આવ્યો ત્યારે એ જ બુકે ટેબલ પર ભાઇની પ્રતિક્ષા કરતો હતો !! મને સાસરે વળાવતાં તારાં ધ્રુસ્કાં બેસતાં જ નહોતાં. રોજ તારો ફોન આવતો. મારા પ્રિય પાત્ર સાથે હું જોડાઇ હતી પણ તારી ચિંતા જરાય ઓછી નહોતી થતી.

અને હવે તારી જિંદગીમાંથી પપ્પાનું અચાનક ‘સાઇન આઉટ’ થઇ જવું અને અમે બધા આઘાતથી સ્તબ્ધ થઇ ગયા છીએ... એ વિશે કંઇપણ લખતાં મારી કલમ અચકાય છે પણ મારે તને કહેવાની ખરી વાત તો હવે આવે છે. હું સમજી શકું છું કે તું કેટલી એકલી પડી ગઇ છે. હું કે કોઇપણ ધારે તોયે એ ખોટ પૂરી કરી શકે એમ નથી. પણ મા, કદાચ હવે હું તારી વધારે નજીક છું. તારી સંવેદનાઓની, તારી એકલવાઇ ક્ષણોની મને બરાબર અનુભુતિ થાય છે.. અને સાચી વાત તો એ જ છે કે તારી પાસે ભરપૂર હૃદય છે અને આવી વ્યક્તિઓ કદી એકલી પડતી નથી. તેં જીવનભર અમને સૌને શક્તિ પૂરી પાડી છે અને એ જ તને જીવાડશે. તારી રણઝણતી સંવેદનાઓની હું સાક્ષી છું... એ તને બળ આપશે.. તું તારી પોતાની અંદર જ સંપૂર્ણ છો અને મા, હું હર પળે મને તારી સાથે જ અનુભવું છું. જીવવાનું અને ઝઝૂમવાનું જે બળ તેં અમારામાં રોપ્યું એની તને યાદ દેવડાવું છું. મારી મી, તને ખૂબ વ્હાલ કરું છું અને સદાય તારી સાથે જ છું..

તારી વહાલી દીકુડી

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED