અતિ સુંદરલેન્ડ સ્કોટલેન્ડ Lata Hirani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અતિ સુંદરલેન્ડ સ્કોટલેન્ડ

‘હવે ઉતરી જાઉં ?’એક નાનકડા ખડક પર ચડીને ફોટો પડાવતી યુવતી બોલી અને હું ખુશીથી ચોંકી !!ચોંકવાનું કારણ એ જ કે આ ડાયલોગ જ્યાં મારે કાને પડ્યો એ જગ્યા અમદાવાદ કે ગુજરાત, અરે ભારતનીયે નહીં પણ સ્કોટીશ હાઇલેન્ડની પેકેજ ટૂરમાં હું ગયેલી અને ત્યાં એક શીત/મૃત જ્વાળામુખી પાસે અમે ઊતર્યા એ હતી. ટૂરની આખી બસમાં ઇંડિયન હું એકલી જ હતી. મારી બાજુમાં બેઠેલી છોકરી તાન્યા યુક્રેનની હતી. અમે બંન્ને એકલાં હતા એટલે એકબીજાના ફોટા પાડી દેતા હતા અને એટલે ખપ પૂરતી વાતચીત પણ એમાં મજા તો ન જ આવે ! એટલે આ વાક્યે મારા મનમાં હરખની ભરતી લાવી દીધી.

પછી તો શું ? હું લગભગ દોડીને એની પાસે ગઇ. અલબત્ત એ લોકો મારી બસમાં એટલે કે ટૂરમાં નહોતા. એ કપલ પોતાની કારમાં ફરવા નીકળ્યું હતું. ખાસ્સી વાર અમે વાતો કરી. તેઓ લંડનથી આવ્યા હતા. કદાચ એ યુવતી પણ મને જોઇને જાણીને બોલી હોય જેથી હું ગુજરાતી હોઉં તો ખબર પડે. એવું જ થયું. આપણે ગુજરાતી લોકો જોવાથી ઓળખાઇ જઇએ એવા ખરા ? પ્રવાસ પૂરો કરીને મારા દીકરા નિસર્ગના ઘરે એડિનબરા (આપણે એડિનબર્ગ કહીએ છીએ. ત્યાં લોકો એડિનબરા બોલે છે) પહોંચી અને મેં આ કિસ્સો સંભળાવ્યો તો દીકરો કહે, ‘મા હજી તેં એની ગાડીમાં જઇને જોયું હોત તો તને થેપલાં, અથાણું ને ખાખરાયે મળત ! દુનિયાના કોઇપણ છેડે જાવ અને ગુજરાતી ન મળી જાય તો નવાઇ કહેવાય !’

આ 2013ના ઓગસ્ટ વાત છે. ત્યારે ત્યાં સ્કોટલેંડની ઇંગ્લેંડથી જુદા થવા માટે લોકમતની ચર્ચાઓ ચાલતી હતી. આ લોકમત લેવાની વાતે મને એ પ્રજા માટે માન થયેલું. ઇંગ્લેંડ-સ્કોટલેંડ જુદાં છે. આમ દેશ એક પણ બંનેની પાર્લામેંટ અલગ. ક્રિકેટ ટીમ, ફૂટબોલ ટીમ અલગ. માત્ર ઇમિગ્રેશન, ટેક્સ, ડિફેન્સના પાવર સ્કોટલેન્ડ પાસે નહીં, એ સિવાય બધું જુદું . મારી નજર પણ આ લોકમતના પરિણામ તરફ હતી. એ વખતે મેં નિસર્ગને પૂછેલું, ‘બેટા તું શામાં મત આપીશ ?’ એનો જવાબ હતો. ‘મા, અત્યારે દુનિયા નાની થતી જાય છે. જુદા થવાની વાત ખોટી. વાડો તોડવાની જરૂર છે, બનાવવાની નહીં.’ જુઓ, પરિણામ પણ એ જ આવ્યું છે.

આપણે ત્યાં હિન્દુ-મુસ્લિમના દંગા થાય છે અને એમાં એને જે રીતે મુલવાય છે ત્યારે મને યાદ આવે કે સ્કોટીશ લોકોને ઇંગ્લીશ પ્રજા માટે સખત અણગમો અને તે એમના સ્વભાવમાં વારસાની જેમ વણાયેલો. સ્કોટિશ લોકો પરદેશીને પ્રેમથી સ્વીકારશે પણ અંગ્રેજ એમને માટે આવકાર્ય નહીં. નકરી ખારાશ જેવું વલણ મૂળ ઘાલીને બેઠેલું છે. આપણે ત્યાં થતા કોમી તોફાનો એક યા બીજા કારણસર કોઇના સ્વાર્થથી પ્રેરિત હોય છે. એ સમયે લોકોના મન કડવા બને પણ બાકી આ બંને પ્રજાની વચ્ચે વેર જેવું જોવા ન મળે. સાથે વેપાર ધંધા કરે ને સાથે જીવે !! જ્યારે સ્કોટીશ અને અંગ્રેજ લોકો વચ્ચે કાયમની ખાઇ અને તોયે આ પ્રજામતમાં એ લોકોએ ઉદાર માનસિકતા બતાવી !! આમ તો સ્કોટલેન્ડની મારી આ પાંચમી ટૂર હતી અને સ્કોટિશ હાઇલેન્ડની ત્રીજી.

આખું સ્કોટલેન્ડ અત્યંત રળિયામણું, પહાડોની વચ્ચે વસેલું. એમાં સ્કોટિશ હાઇલેન્ડ દુનિયાના પર્યટનસ્થળોમાં પ્રથમ હરોળમાં ગણાય. આપણો હિમાલય યાદ આવી જાય. અલબત્ત હિમાલયની સરખામણીમાં આ પહાડો બચ્ચાં લાગે એ ખરું પણ પર્યટનસ્થળ તરીકે હિલસ્ટેશનોને વિકસાવવામાં આપણે બચ્ચાંથીયે પાછળ. પહાડોના નૈસર્ગિક સૌંદર્યને જાળવી રાખવામાં અને સંવર્ધિત કરવામાં તથા એની રમ્યતા અને ભવ્યતાને ક્યાંય ખલેલ ન પહોંચે એની સંભાળ લેવામાં ત્યાંની સરકાર અને પ્રજા બંનેને સલામ કરવા પડે. આ બાબતમાં શું પહાડો કે શું શહેરો ; પ્રજાની સભ્યતા, શાણપણ, ચીવટ, ચોખ્ખાઇ ઊડીને આંખે વળગે એવાં.

સ્કોટલેન્ડના પહેલા પ્રવાસની યાદો મારા સ્મરણમાં તરવરી ઊઠી છે. એ સમય એપ્રિલ, 2005નો. એ માત્ર પ્રવાસ નહોતો. દીકરાના ઘરે જવાનું હતું. અમદાવાદ-લંડનની યાત્રામાં પ્લેનના આઠ કલાક બંધ કાચમાંથી નીચેની ભુમિ અને દરિયા જોવામાં જ ગયા. જબરો રોમાંચ હતો. નાનકડી બારીમાંથી પૃથ્વી દર્શનનો સંતોષ નહોતો થતો એટલે હું વારેવારે સાવ પાછળના ભાગમાં રહેલી મોટી બારી પાસે લાંબો ટાઇમ ઊભી રહેતી હતી. એટલી ઝડપથી નીચેના પ્રદેશો, નદીઓ, દરિયા સરકતા જતા હતા કે ઘડીભર એમ જરુર થાય કે આ પ્રદેશવાદ, પ્રાંતવાદના ઝગડાઓ શા માટે ? કેટલી નાની અને કેટલી સુંદર પૃથ્વી છે !! જાણે ઊંચાઇ અને અફાટ આકાશના દર્શનથી હૃદયમાં પણ એનો ગુણ વણાતો હતો !! પછી વાદળોથી નીચેનો વિસ્તાર ઢંકાઇ ગયો અને મન પણ શાંત થયું.

સ્કોટલેંડ લંડનથી 400 માઇલ દૂર. હીથ્રો એરપોર્ટની બહાર નીકળતાં જ રસ્તાની બંન્ને બાજુ ફૂલોથી લચી પડેલા ઘરોના આંગણાઓ જોઇને મારો પરદેશી હોવાનો ભાવ ઘડીમાં ગાયબ થઇ ગયો. જાણે વર્ષોથી આ ફૂલો સાથે મારી પહેચાન ન હોય !! પરદેશી ફૂલો રંગીન પણ સુગંધ વગરના એવી વાતો સાંભળી હતી. દૂરથી સુગંધ અનુભવવાનો સવાલ નહોતો પણ ફૂલોના નિર્દોષ, વહાલા લાગતા મુખડા જોઇ મનમાં પ્રસન્નતાનો દરિયો રેલાતો હતો. દેશી પરદેશીનો ભેદ સાવ ભુલાઇ જતો હતો.. ફૂલોને અહીં બારેમાસ ખીલવાની સ્વતંત્રતા નથી. પ્રકૃતિ એને છથી વધુ મહિના સફેદ ચાદર નીચે ઢબુરી રાખે છે. એટલે એ ચાદર હટે કે તરત જ ધરતી પાર વગરના રંગોમાં મન મૂકીને મહોરી ઊઠે છે. નાનકડું ઘાસ પણ એનાં ઝીણાં ફૂલો ખીલવવાનું ભૂલતું નથી.

ચાર દિવસ લંડનની ગુજરાતી સાહિત્ય પરિષદના અધિવેશનમાં ભાગ લીધા પછી પછી કારમાં સ્કોટલેંડ જવા અમે રવાના થયા. “મા, આપણે નેશનલ હાઇવેને બદલે ‘કંટ્રી સાઇડ મોટરવે’થી જઇએ છીએ. થોડો સમય વધારે જશે પણ ઇંગ્લેંડ એની કંટ્રી સાઇડ માટે વિખ્યાત છે એટલે તને એની મજા આવશે.” નિસર્ગની વાત મેં આખા રસ્તે અનુભવી કેમ કે જતાં પહેલાં મને શ્રી જયંતભાઇ મેઘાણીએ ખાસ કંટ્રી સાઇડની મુલાકાત લેવાનું સુચન કરેલું.

નાના નાના ગામડાઓમાંથી પસાર થતો રસ્તો અત્યંત આહ્લાદક હતો. ચોખ્ખાઇ અને પહેરવેશ બધેય સરખાં. શહેર હોય કે ગામડું ! મકાનો મોટેભાગે એકસરખી ડિઝાઇન ધરાવતા. ઉપરથી ત્રિકોણ છાપરું, જેથી બારેમાસ વરસાદ અને શિયાળામાં વરસાદની સાથે બરફ પણ સરી જાય અને દરેક ઘરના આંગણે નાનકડો બગીચો, જાતજાતના રંગરંગીન ફૂલોથી ભરેલો !! મનમાં ઉત્સાહ અને રોમાંચ પાર વગરના હતા. મે મહિનો હતો. સ્કોટલેંડનો સમર. ગાડીમાંથી સૂરજની સામે જોવાતું નહોતું. પ્રકાશ આંખમાં વાગતો હતો.. બપોરના ચાર વાગ્યા હતા. નિસર્ગનું કહેવાનું હતું કે આપણે પૃથ્વીના ઉતર ભાગમાં છીએ એટલે સૂર્ય માથા પર આવે જ નહીં. સાઇડમાં જ અર્ધગોળાકારે ફરે એટલે સામે અને નજીક જ લાગે. મને કહે તેં ઇંડિયામાં સીધા બેસતાં કદી આમ સામે સૂર્ય જોયો જ નહીં હોય.. સાચી વાત હતી.. સૂર્ય નજીક લાગતો હતો. આખો દિવસ ત્રાંસા કિરણો જ પડે એટલે તાપમાન નીચું રહે.

સ્કોટિશ હાઇલેંડમાં ફરવાની મજા એ આખો પર્વતીય રસ્તો છે. બંને બાજુ પહાડો અને ઢોળાવો. ચારે બાજુ વહેતાં ખળખળ ઝરણાં. મોટાં મોટાં સરોવરો જેને ગેલિકમાં ‘લોખ’ કહે છે... ઝરણું કે નદી આવે ને હું બોલી ઊઠું, ‘નિસર્ગ ગાડી રોક..’ શરુઆતમાં તો એણે એમ કર્યું પછી કહે, ‘મા અહીં તો પાણી જ પાણી આવ્યા રાખશે. તું આમ ગાડી રોકાવીશ તો આપણે ચાર દિવસેય નહીં પહોંચીએ.’

સ્કોટલેંડના ડાલ્કીથ ગામની એ પહેલી રાત. રાત્રે સદભાગ્યે પડદો બંધ કરવાનું રહી ગયું હતું એટલે આંખ ખુલતાં જ અજવાળું અજવાળું... ક્ષણભરમાં એ રોમ રોમ ઉતરી ગયું. મારી આંખ સામે જે દૃશ્ય હતું એ મેં કલ્પનામાં જોયું હોત તો પણ ખુશીથી ઝુમી ઉઠત. સામે આખી દિવાલ કાચની જ હતી. એ તો રાત્રે મેં જોયેલી પણ અંધારામાં સામે વૃક્ષો ફેલાયેલા છે એટલું જ જણાયેલું. નિસર્ગે એટલું જ કહેલું, “સવાર પડે એટલે આ કાચની પેલી બાજુ તું નજર કરીશ અને પાગલ થઇ જઇશ !!” કદાચ એટલે જ એણે રાત્રે પડદો બંધ નહીં કર્યો હોય !!

આખી ગ્લાસવોલની પાછળ જે અદભુત દૃશ્ય હતું !! બહાર તરત ફૂલોથી છલકાતો નાનકડો બગીચો, પછી પસાર થતો નાનકડો રસ્તો અને રસ્તાની બીજી સાઇડમાં એટલે કે ઘરની તદ્દન સામે જ જંગલ અને વૃક્ષોની પાછળ નાની પહાડી !! આર્કિટેક્ટ પુત્ર-પુત્રવધુના શિલ્પ, પેઇટીંગ્ઝ અને કોતરણીઓથી શોભતા આખા ઘર તરફ તો નજર બહુ મોડી ગઇ. તૈયાર થઇને બહાર નીકળતાં ઠંડીએ મારા ગાત્રો ધ્રુજાવી દીધાં. ઇંગ્લેંડનો આ ઉત્તર ભાગ ખરો ને !!“તું વાત કરતો હતો કે બાજુમાં જ નદી છે એ ક્યાં ?””ત્યાં જ તને લઇ જાઉં છું.”ઘરમાંથી નીકળી ગાર્ડન વળોટી નાનકો રસ્તો ક્રોસ કર્યો અને વૃક્ષોના ઝુંડ પછી જોયું તો એક નાનકડી નદી ખળખળ વહેતી હતી. અર્થાત ઘરની સામે જ પચીસ-ત્રીસ ફૂટના અંતરે વહેતી નદી !! સ્વર્ગ આનાથી જુદું શું હોય ?

એ નદીનું નામ એસ્ક. એસ્કના કાંઠે વસેલું માંડ પંદરેક હજારની વસ્તી ધરાવતું મિડલોધીયન જીલ્લાનું ગામ ડાલ્કીથ. અહીં મારે દોસ્તી થઇ ગઇ એસ્કની... ઘરની બહાર નીકળું એટલે એક બાજુ નદી અને બીજી બાજુ ડાલ્કીથ ગામ. “તમે આરામથી ઓફિસે જાવ, હું આસપાસમાં ફર્યા કરીશ.” મારી વાતના જવાબમાં હિનાએ કહેલું,“મા, પર્સમાં એડ્રેસ રાખજો. ક્યાંક ભુલા ન પડી જાવ. સ્કોટલેંડની ભાષા ઇંગ્લીશ ખરી પણ તમને અહીંનું અંગ્રેજી જલ્દી નહીં સમજાય કેમ કે અંગ્રેજીના જુદા સ્કોટિશ ઉચ્ચારો ઉપરાંત ‘ગેલિક’ જે અહીંની મૂળ ભાષા-બોલી છે એના ઘણા શબ્દો અંગ્રેજીમાં પ્રવેશી જાય.’

અંગ્રેજ લોકો અતડા જ્યારે સ્કોટિશ લોકો મળતાવડા. સવારમાં ચા નાસ્તો કરીને હું ફરવા નીકળી પડું. રસ્તામાં સામે મળતા લોકો ગુડમોર્નિંગ કરતાં જાય અને એક મજાનું ખુલ્લું સ્મિત પીરસતા જાય. બહાર નીકળતાં જ સવારની ખુશનુમા હવાની લહેરખીઓ સાથે આ વાતાવરણ મનને તાજગીથી ભરી દે.

એસ્ક મારી દોસ્ત બની ગઇ. રોજ મારા પહેલાં પગલાં પડે એસ્કને મળવા. ઘરની સામે નદી સુધી જવું હોય તો ઝાડીમાંથી ઉતરવું પડે. પહેલે દિવસે ઉતરીયે ખરી અને જરા નમીને હાથ બોળવા ગઇ.. આ તો પહાડી નદી !! એણે એની રીતે મને પ્રેમ કર્યો. એસ્કે પોતાની ઠંડક મારી આંગળીઓમાં પરોવી. એ પ્રેમ એટલો બળુકો હતો કે મારો હાથ જામી જાય એ પહેલાં મારે બહાર ખેંચી લેવો પડ્યો.. પ્રકૃતિ એની રીતે આપણને ચાહે છે અને એના માટે પાત્રતા કેળવવી પડે. એણે મારી દોસ્તીને હંમેશા સ્વીકારી.

નદીની સાથે વહ્યા કરતો રસ્તો મને એક મોટા મેદાન તરફ દોરી જાય. અહીંના મોટા મેદાનની વ્યાખ્યા કરવી હોય તો આવાં મેદાનો જોવાં પડે. અત્યંત વિશાળ અને એટલા જ લીલાંછમ મેદાનો સ્કોટલેંડ અને ઇંગ્લેંડના ઘરેણા છે. આ એસ્કના કાંઠે કાંઠે પહેલાં નદી સાથે વહેવાનું, વચ્ચે પહાડીઓ સાથે કેટલીયે વાતો કરવાની અને છેલ્લે આ મેદાનમાં પથરાતા પથરાતા, પાછળ રહેલાં જંગલોમાં ખોવાઇ જવાનું. આ સ્થળે મારા મનને જે સમૃધ્ધ બનાવ્યું છે એ શબ્દોમાં વર્ણવવું અશક્ય છે. એટલે જ હું બીજી વાર સ્કોટલેન્ડ ગઇ ત્યારે અમારા પહેલા પૌત્ર આર્યનને મેં પહેલા દર્શન આ પ્રકૃતિના કરાવ્યા હતા. મારે મન એ જ મંદિર છે.

મારે તમને સ્કોટલેંડના કંટ્રીસાઇડ ડાલ્કીથની, એડિનબરાની અને હાઇલેંડની વાતો કરવાની છે. છુટક છુટક મળીને દસેક મહિના મેં આ નાનકડા રળિયામણા દેશમાં ગાળ્યા છે અને બધી મોસમ માણી છે એટલે હવે ડાલ્કીથને છોડવું પડશે.

આ પ્રજા ફૂટબોલ પાછળ ગાંડી. આપણા ક્રિકેટ કરતાંયે ત્યાં ફૂટબોલનો નશો વધારે. નિસર્ગ 1998માં પહેલી વાર ત્યાં ગયો ત્યારે એણે શેનું ધ્યાન રાખવું એ બાબતે એના મિત્રોએ ચેતવી દીધો હતો કે ક્યાંય ફૂટબોલની ચર્ચા થતી હોય તો તદ્દન ચુપ રહેવું. એ લોકો કઇ ટીમ કે કયા ખેલાડીની તરફેણમાં છે એ તમને ખબર ન હોય અને જો વિરુદ્ધમાં કંઇ બોલાઇ ગયું તો કોઇપણ પરિણામ આવી શકે.. મને યાદ છે મારા પૌત્ર આર્યનનો જન્મ થયો અને નિસર્ગના સહકર્મચારીઓએ, એ સ્કોટલેંડનો સરસ ફૂટબોલ પ્લેયર બને એવી શુભેચ્છા આપી હતી...

ચાલો, આપણે ફરી 2013ના હાઇલેંડના પ્રવાસના પેલા ‘ઊતરી જઉં ?’ વાળા સ્થળે પહોંચી જઇએ. એ પછીથી અમે એડિનબરા રહેવા આવી ગયા હતા. મારી હાઇલેંડની ટૂરનું પ્રથમ રોકાણ હતું પીટલોખરી Pitlochry. આમ તો નાનકડું ગામ. રહેવા ખાવા પીવાની જગ્યા. થોડો જ હોલ્ટ હતો. મારા જેવા લોકોને ખાવાની મુસીબત થાય. ચોકલેટ અને ફ્રુટ્સ પર ગુજારો કરવો પડે ! શોપીંગ માટે નાની નાની દુકાનો. વૉશરૂમ માટે પૂછતાં એક બાજુ આંગળી ચીંધીને બતાવ્યું. એનો ઉપયોગ કરવાના બે પાઉંડ માગવામાં આવ્યા ત્યારે હૃદય જરા ધબકારો ચૂકી ગયું. લગભગ રૂ. 200/ થાય (ત્યારના રેટ પ્રમાણે). નિસર્ગ દરવખતે એક જ વાત કહે કે મહેરબાની કરીને તું પાઉંડને રૂપિયામાં કન્વર્ટ ન કર્યા કર.. અને હું જૈસે થે.. જો કે અહીં તો બે શું પાંચ પાઉંડ માગ્યા હોત તોયે આપવા પડત !!

પીટલોખરીથી અમે પહોંચ્યા ‘ગ્લેન કો’ Glen Coe. ગ્લેન કૉ એ શીત/મૃત જ્વાળામુખી છે. ત્યાં પહાડો છે. પથરાયેલા કાળા ખડકો છે. યુ શેઇપમાં પથરાયેલી આ પહાડીનું ‘ગ્લેન કો’ નામ એની પાસે થઇને વહેતી નદી ‘કો’ Coe પરથી પડ્યું. આ પહાડો એના રમણીય દૃશ્યોથી પ્રખ્યાત છે. અગાઉ મેં લખ્યું તેમ આખો રસ્તો એટલો રમ્ય છે કે નજર ન હટે. પર્વતારોહકો માટે આ પ્રમાણમાં સરળ છતાં અદભુત જગ્યા છે. બાજુમાં જ ‘લોસ્ટ વેલી’ છે. મને નામ બહુ ગમ્યું ‘લોસ્ટ વેલી’ !! આમેય આ હાઇલેંડની સુંદરતામાં હું ખોવાયેલી જ હતી ત્યાં આ ખીણ પણ જાણે ખોવાવા માટે જ એ નામ ધરાવતી મળી. એમ તો ત્યાં ‘ફોર્ટ વિલિયમ’ પણ જોયો. પરંતુ એક બાજુ હાઇલેંડની અપ્રતિમ સુંદરતા અને બીજી બાજુ આ ફોર્ટ વિલિયમ ! ફોર્ટના નામે એક નાનકડું તુટેલું સાદા મકાન જેવું ખંડેર હતું. આપણા મહેલો/કિલ્લાઓ સામે આને ફોર્ટ જ ના કહેવાય. આ રાજા વિલિયમે આપણા મહેલો/કિલ્લાઓ જોયા હશે ? કદાચ અંગ્રેજોએ આપણા મહેલો જોઇને જ ભારત પર ધીમે ધીમે કબજો જમાવવાનું નક્કી કર્યું હોય એમ બને ! ત્રણ મોટા પહાડોનો સમૂહ એટલે ગ્લેન કૉ. એ થ્રી સીસ્ટર્સ ઓફ ગ્લેન કૉ કહેવાય છે. હવે આ પહાડીઓને ‘સીસ્ટર્સ’ કેમ કહેતા હશે ? કોણ જાણે ? બાય ધ વે ત્યાં પર્વતોને માટે ‘બેન’ (ગેલિક) શબ્દ વપરાય છે. જેમ કે ‘બેન નેવીસ’ એક પહાડનું નામ છે.

એ પછી અમે લોખ નેસ ગયા. લોખ એટલે સરોવર. સૌથી મોટું લોખ લોમોંડ. હાઇલેંડનું એરિયાની રીતે બીજા નંબરનું મોટું, ખૂબ ઊંડુ (230 મીટર) અને મીઠા પાણીનું સરોવર. 37 કિ.મી. લાંબુ અને દરિયાની સપાટી કરતાં 15.8 કિ.મી ઊંચું. લોખ નેસ મોન્સ્ટર ‘નેસી’થી જાણીતું છે. અમે ક્રૂઝમાં બેઠા. એનું ઊંડુ અગાધ જળ કાળું ભમ્મર નજરે ચડે છે. કોઇ કહે છે નીચે માટી છે એટલે પાણી કાળું લાગે છે. પાણીના તળિયે આ નેસી નામનો રાક્ષસ રહે છે એવી લોકવાયકા છે. મને લાગે છે પાણીનું હૈયું ગૂઢ છે. એમાં ઊંડુ રહસ્ય છે, એ કશું કળાવા દેતું નથી. આકાશના કાળાં ભમ્મર વાદળો થાકીને એના તળિયે લપાઇ ગયા છે. આરામ ફરમાવે છે.. આ સરોવરની શાંતિ અને સ્થિરતા માનવીને ક્યાંય સ્પર્શે છે ? ના. ક્રૂઝના પાણી એની છાતીને ધમરોળ્યા જ કરે છે, એની સમાધિ ભંગ કર્યા કરે છે તો યે એ ક્ષમા કર્યે જાય છે. અહીં પહાડીઓ ચારે તરફ છે પણ ગુફા ક્યાંય નથી... સ્થિતપ્રજ્ઞ પાણી, નથી નોતરતું, નથી પાછા ઠેલતું.. શાંત મન અને બંધ આંખે સમાધિમાં બેસવા કહે છે..

હાઇલેંડની ઘણી વાતો લખવાની બાકી છે પણ હવે સ્કોટલેંડની રાજધાની એડિનબરા જઇએ. ઇંગ્લેંડ, વેલ્સ અને સ્કોટલેંડ મળીને બન્યું યુનાઇટેડ કિંગ્ડમ. આખા સ્કોટલેંડની વસ્તી આપણા અમદાવાદ જેટલી પણ વિસ્તાર કેટલા ગણો !! તેય પહાડો વચ્ચે એટલે અમદાવાદ ગીચ લાગે અને ત્યાં પથરાયેલું અફાટ સૌંદર્ય ...

દિવસના થાકું નહીં ત્યાં સુધી હું એડિનબરા શહેરના રસ્તાઓ પર ફર્યા કરું. રસ્તાઓ એટલે કાં ઢાળ કાં ચઢાણ. પહાડો પર જ રચાયેલું શહેર એટલે સીટીના મેઇન રોડ પર ચાલતાં હોઇએ તોય અનેક જગ્યા એવી આવે કે રસ્તાની એક બાજુ બીજા માળની બારી પડતી હોય ને બીજી બાજુ ઊંચી દિવાલ દેખાય જ્યાં જમીનનું લેવલ બે માળ જેટલું ઊંચું હોય. ઘરની પાસે જ, નજર પહોંચે ત્યાં સુધી વૃક્ષો અને લોન જ દેખાય એટલો વિશાળ ઇન્વરલેથ પાર્ક છે. આંખ સામે વિસ્તરેલી અધધધ હરિયાળી મનમાં એટલાં જ શાંતિના સ્પંદનો જગાવે !

એડિનબરાની વચ્ચોવચ્ચ થઇને એક ઝરણું burn વહે છે. આમ તો નાનકડી નદી કહી શકાય !! એ પહાડમાંથી જેમ નીકળ્યું અને જેમ જેમ વહ્યું, એને એ જ સ્થિતિમાં સંભાળવામાં આવ્યું છે. પાણીના હળવા વેગમાં નરી હૂંફ વર્તાય છે. ખળખળ વહેતા પાણીની એક બાજુ સળંગ સુંદર મજાનો ‘વૉક વે’. કેટલીય જગ્યાએ એના કિનારા પરના વૃક્ષોની ઘટાને એમ જ સલામત રાખવામાં આવી છે. કલ્પનાયે ન આવે કે આપણે શહેરની વચ્ચે છીએ !

ફરતાં ફરતાં મુખ્ય રસ્તા ઉપર આવીને માયા એંજેલુની કવિતાનું પુસ્તક જે મેં ચેરિટી શોપમાંથી બે પાઉંડમાં ખરીદેલું, વંચાઇ ગયું હતું, એ બીજી ચેરિટી શોપમાં આપી દીધું. અને 1.99 પાઉંડમાં ‘The Diary of Anne Frank’ ખરીદી લાવી. ટાઇટલ પેજ પર એક મિલિયન કોપી વેચાયાનો દાવો છે. 13 વરસની જ્યુ છોકરીએ લખેલી પોતાની ડાયરીના છેલ્લા પાના પરનું આ લખાણ “I want to go on living after my death. And therefore I am grateful to God for giving me this gift…. Of expressing all that is in me.” વાંચીને મેં એ પુસ્તક ખરીદ્યું હતું.

રસ્તામાં એક શોપ જોઇ. રગ / શેતરંજીઓ, કાર્પેટ અને એવું ડીસ્પ્લેમાં હતું. લગભગ બધું જ ‘ટાર્ટન’માંથી બનાવેલું હતું. ટાર્ટન એટલે લાલ ચેક્સ જેવી ડિઝાઇનવાળું પરંપરાગત સ્કોટિશ કપડું. એ ડિઝાઇનને ટાર્ટન કહે અને ટાર્ટનમાંથી બનાવેલ સ્કર્ટ જેવો ડ્રેસ, એને કહેવાય ‘કિલ્ટ’. પહેલીવાર ક્યાંક એવું પહેરેલા ભાઇને જોઇને અચરજ થયું હતું, મારાથી પૂછાઇ ગયું, ‘પુરુષ જેવો પુરુષ અને સ્કર્ટ પહેરે !!’ નિસર્ગ કહે, બોલતી નહીં ક્યારેય, આ સ્કર્ટ નથી, કિલ્ટ છે. મૂળ સ્કોટિશ ડ્રેસ. એ કિલ્ટમાં ટાર્ટનની ડિઝાઇન પરથી એ માણસ ક્યા કુળનો હશે એ ખબર પડે !! બોલો, કપડાંમાં જ્ઞાતિસુચક ડિઝાઇન !!

ઓગસ્ટ મહિનો આખો ‘એડિનબરા કલ્ચરલ ફેસ્ટીવલ’ ઉજવાય. દુનિયાના લાંબામાં લાંબા સમયના ફેસ્ટીવલમાંનો એ એક. પ્રિન્સેસ સ્ટ્રીટ પર વાહનોની અવરજવર બંધ. લગભગ એક માઇલ લાંબી સ્ટ્રીટ પર માત્ર પગપાળા ફરતા લોકો અને ફૂટપાથ પર જાતજાતના ને ભાતભાતના ખેલ – રોડ શૉ ચાલ્યા રાખે. મેજીક, મ્યુઝીક, ડાંસ, સરકસ, ટેટુઝ ને કેટલુંયે.. એ આખો મહિનો લોકો ઉજવણીઓ મન ભરીને માણે. એમાં એક નાનકડો બુકફેર પણ હતો. આ બુકફેરમાંથી એક સરસ મજાની યાદગીરી ખરીદી. ‘Life without stories would be no life at all.’ છાપેલી બે પાઉંડની એક સુતરાઉ થેલી, જેમાં Guardian પેપર હતું. એ દિવસે મેં સ્કોટલેંડનું નેશનલ ફ્લાવર - ‘થીસલ’ - કાંટાવાળું જંગલી ફૂલ છે એ જોયું. ...

શિયાળામાં દસ વાગે માંડ વાદળિયું અજવાળું થાય અને બપોરના ચાર વાગતાં તો અંધારું થવા માંડે એમાં વચ્ચે વરસાદ, સ્નોફોલ, કંઇપણ થઇ શકે એટલે કે ત્યાં ડિપ્રેશનના દર્દીઓ વધારે.. ખાસ કરીને શિયાળામાં આવા કેસ વધી જાય.. ક્યાં આપણો દેશ કે જ્યાં વરસાદ પડે એટલે ઉત્સવ જેવું લાગે.. એમ થાય કે બહાર નીકળી ભીંજાઇએ જ્યારે અહીં વરસાદમાં પલળવાનો વિચાર કરતાંયે લખલખું આવી જાય.. નદી તો ઠીક, પણ ભર ઉનાળે દરિયામાંયે પગ પલાળવાની હિંમત ન થઇ શકે..

નિસર્ગનું ઘરનું બાંધકામ 129 વર્ષ જુનું છે. અહીંયા 1920, 1930 કે 1940 માં બંધાયેલા મકાનો તો નવું બાંધકામ કહેવાય !! આ આખું હેરિટેજ સીટી છે એટલે પહેલાંના કોઇ મકાનમાં ફેરફાર કરાય નહીં. અસલી વિકટોરિયન શૈલીના મકાન. બધાંય એકસરખાં. ફ્લેટ અને બંગલામાં ફરક હોય પણ બહારથી ડિઝાઇન લગભગ એકસરખી !! એમાં ત્રણ ગ્રેડ આપવામાં આવ્યા છે. જેમાં અંદર કે બહાર બિલકુલ ફેરફાર ન થઇ શકે એવા બાંધકામ, જેમાં અંદરથી થોડા ફેરફાર થઇ શકે એવા બાંધકામ અને જેમાં અંદરથી વધારે ફેરફાર થઇ શકે એવા મકાન. પણ બહારની ડિઝાઇનને જરાય બદલી શકાય નહીં. મૂળે પથ્થરનું બાંધકામ એટલે એવું ને એવું મજબુત !! છત ઘણી ઊંચી અને બારીઓ ? આપણા બારણાં ક્યાંય નાના લાગે.. સાત કે આઠ ફૂટ ઊંચી ને પાંચ છ ફૂટ પહોળી !!. બારીના દરવાજા આટલા મોટા. બંધ કરીએ ત્યારે ત્રણ કે ચાર ફોલ્ડમાં બંધ થાય.. હવે જે નવા બાંધકામો થયાં છે એ જુદાં બને છે.

અહીં લોકો સાયકલ પર ખૂબ ફરે છે. જ્યાં અટકવું હોય ત્યાં રસ્તા પર રેલિંગ સાથે લોક કરીને મુકી દે. લોકોને રસ્તામાં ચાલતાં ચાલતાં ખાવાની ટેવ પણ એટલી જ. રસ્તામાં ચાલતાં ઘરડા લોકો જ વધારે મળે છે. એકબીજાને ટેકે હાથમાં હાથ પરોવીને ચાલતા હોય ને જુવાનો ચાંચમાં ચાંચ પરોવીને !! એડિનબરામાં મારી પ્રિય જગ્યાઓ ઘણી. એમાંની એક પોએટ્રી લાયબ્રેરી. જ્યારે ત્યાં જવું હોય ત્યારે સવારે થોડુંક ખાઇ ‘ડે સેવર’ ટિકિટ લઇ નીકળી પડું. લોધિયનની બધી બસોમાં એ ટિકિટ આખો દિવસ ચાલે. પોએટ્રી લાયબ્રેરી વિશે તો એક જુદો લેખ કરવો પડે.

એ દિવસે પણ હું બસ સ્ટેન્ડે રાહ જોતી ઊભી હતી. બસ નં 29 આવી. બસના ડ્રાઇવર બસના દરવાજાનો ભાગ એકદમ ફુટપાથની લગોલગ આવી જાય એમ બસ ઊભી રાખે છે. હવે જ્યારે ચાલવા નીકળું ને 29 નંબરની બસ જોઉં તો તરત એમ થાય કે આ મારી બસ છે !! મન કેટલું જલ્દી મારું તારું બનાવી લે છે. હા, આ બસ મને કોમેલી બેંક રોડના સ્ટોકબ્રીજ સ્ટેંડેથી પોએટ્રી લાયબ્રેરી જવા માટે રોયલ માઇલ જંકશન ઉતારે છે. પ્રીન્સેસ સ્ટ્રીટ થઇને જાય. આમ તો પ્રીન્સેસ સ્ટ્રીટ ઘરથી પચીસ મિનિટને રસ્તે છે. ચાલીને જવાનીય મજા લેતી રહું છું. પ્રિંસેસ સ્ટ્રીટમાં ક્રિસમસ શોપીંગ ચાલે છે !! લોકો ક્રિસમસમાં ખુબ ખાય, અને ગીફ્ટ આપે. લોકો ક્રીસમસમાં ‘કેરીઓકી’ રમત રમે. એમાં જે કહેવું હોય એ ગીતમાં કહેવાનું. કલાકો સુધી રોસ્ટ કરેલા બર્ડની ખાણી પીણી થાય.

એડિનબરામાં ‘રોયલ માઇલ’ – એક માઇલ લાંબી સ્ટ્રીટ છે. એક બાજુ કેસલ ને બીજે છેડે રાણીનો પેલેસ છે એટલે એને રોયલ માઇલ કહે છે. નોર્થ બ્રિજના છેડે ધ સ્કોટ્સમેનની ઓફિસ છે. બસમાંથી ઉતરીને ચાલતાં ચાલતાં જતી હતી. છત્રી નહોતી લીધી. કોટ અને મફલર હતાં. રસ્તો ટૂંકો અને જરા ઝરફરાટ જેવું હતું એટલે ચાલ્યું. રસ્તામાં Lokaah શોપમાં થોડું ઇંડિયા જેવું લાગતાં એમાં ઘુસી ગઇ. અરે આશ્ચર્ય !! એમાં હિંદી ગીત વાગતું હતું. ‘વો તેરે પ્યારકા ગમ, ઇક બહાના થા સનમ’ની ધુન પર હિંદી ઇંગ્લીશ રિમીક્સ હતું. મજા પડી ગઇ. કાઉંટર પરની છોકરી આપણા જેવી લાગી. પૂછતાં ખબર પડી એક ઇરાની હતી.

એડિનબરાથી થોડેક દૂરની જ્ગ્યા. ‘ફર્થ ઓફ ફોર્થ’. બે માઇલ પહોળી ફોર્થ નદી જ્યાં દરિયામાં મળે છે એ જગ્યા, ત્યાં એક નાનકડો દરિયો જ બને ને ! મૂળે આ ટાપુઓ ખરા ને ! સ્કોટલેંડમાં કોઇ એવી જગ્યા નહીં હોય જ્યાં તમને અર્ધા કલાકની અંદર દરિયો ન મળે !!

એડિનબરાનું બીજું એક બ્યુટીફુલ પ્લેસ એટલે ક્રોમોંડ આઇલેંડ. ત્યાં એક બાજુ આલમોંડ નદી અને બીજી બાજુ ફોર્થ નદી. આ બંને નદી જ્યાં ઉત્તર આટલાંટિક મહાસાગરને મળે છે ત્યાં આવેલ આ સાવ ટચૂકડો ટાપુ. આપણા બેટ દ્વારકા જેવું. ઓટ હોય ત્યારે જ જઇ શકાય. કિનારે રોજના ભરતી ઓટના સમય લખેલા હોય. આઇલેંડ પર સૂમસામ જંગલ. આઇલેંડ માટે નહીં પણ બેય બાજુ ઘુઘવતા દરિયા પરના કોઝ વે પર જવાનો રોમાંચ જબરો. સમય સાચવવો પડે. નહીંતર ફસાઇ જવાય. બચાવ બોટો ફરતી હોય પણ જોખમી ખરું.

ઘણું ઘણું લખવાનું બાકી છે. એમ હતું કે સ્કોટલેંડના પ્રવાસનું ઝરણું મનમાં વહે છે. લખીશ તો એક લેખ થશે પણ કેટલું ટૂંકાવવું પડ્યું !! થેંક્યુ મારા પ્રિય દિવ્ય ભાસ્કર, તેં મને રીઅલાઇઝ કરાવ્યું કે મનમાં ઝરણું નહીં પૂરી ફોર્થ નદી વહે છે જે લેખ નહીં એક આખું પુસ્તક કરી શકે.

નિસર્ગ-હિનાની નોકરી એડિનબરામાં અને એ વખતે એટલે કે 2005માં તેઓ ડાલ્કીથમાં રહેતા હતા. ડાલ્કીથ એડિનબરાથી દસેક માઇલ દૂરનું એક નાનકડું ગામ.. અમે પહોંચ્યા ત્યારે રાત પડી ગઇ હતી અને શરીરમાં સખત થાક ભરાયો હતો.

‘મા, સવારે શાંતિથી ઉઠજે. હજી તારી બોડીક્લોક સેટ થતાં વાર લાગશે..”મને યાદ છે ઘણા દિવસો સુધી મારી બોડીક્લોક સેટ નહોતી થઇ. મેં મારી ઘડિયાળમાં ઇંડિયાનો ટાઇમ રહેવા દીધો હતો. એ જાણવા માટે આમ તો સાડા ચાર કલાક ઉમેરી દેવાની જ જરુર હતી પણ ઘડિયાળમાં દર્શાવાતો ઇંડિયાનો સમય મને દેશ સાથે જોડી દેતો હતો. એ સમયની ચહલપહલ આંખ સામે તરવરી ઉઠે. એ એક જુદી જ અનુભુતિ હતી..

2. (ફોન પર વાતો ઘણી સાંભળી હતી. ‘મા, અમે ગામને છેડે રહીએ છીએ. ઘરની સામે જ નદી, પહાડ અને જંગલ છે. જંગલમાં રહેતા હોઇએ એવું જ લાગે.’ એ સાંભળીને આવવાની ઉત્કંઠા ખૂબ વધી હતી. નજરે જોયા પછી એ કલ્પના કરતાં ક્યાંય વધારે રળિયામણું લાગ્યું.)

3. એસ્કના કિનારે કિનારે જતો રસ્તો અને આ રસ્તા પર થોડે દૂર જતાં નદી પર એક નાનકડો પૂલ આવે. આ પૂલ પર ઊભા રહીને એક તરફ થોડી શાંત એસ્ક અને બીજી તરફ ઘુઘવાટા કરતી એસ્કની અટખેલિયાં અનુભવાય. રોજ આ પૂલ પર મેં કેટલો સમય વિતાવ્યો છે !!.. નક્કી ન કરી શકાય કે આ બાજુ પર્વતોમાંથી ભુસ્કા મારતી એસ્ક સુંદર લાગે છે કે બીજી બાજુ ડાહી ડમરી બનવા પ્રયત્ન કરતી કિશોરી જેવી એસ્ક વધારે રુપાળી લાગે છે !! એની પાછળ ઉભેલી પહાડીને તો જાણે કોઇની કશીયે પરવા ન હોય એમ એના પર પથરાયેલા વૃક્ષોને હવા સાથે ગેલ કરાવ્યા કરે...

4. બાપ રે.. આ નાના આર્યનને હોસ્પિટલમાંથી ઘરે લઇ આવવાનો હતો ત્યારે મેં મારા આ નવા વંશજને વધાવવા બારણે કંકુથી સાથિયો કર્યો, એ જોઇને તરત નિસર્ગે કહ્યું હતું, “મા, તું પહેલાં આ સાથિયો ભુંસી નાખ. અહીં લોકો ગભરાઇ જશે. લાલ સ્વસ્તિક એ તો હિટલરનું ચિન્હ !!”

5.

6. બીજી એક વાત યાદ આવે છે. નાનકડા આર્યનને હોસ્પિટલ લઇ જવો પડ્યો’તો. – અહીં બાળકોની હોસ્પિટલમાં (સરકારી) પ્લે આસિટંટ હોય. એ બાળકને રમાડે, બાળકને ગમે એવું બધું ત્યાં તૈયાર ગોઠવેલું હોય. બાળકને દાખલ કરવું પડે અને જો પહેલેથી નક્કી હોય તો એના રૂમમાં એને શું ગમે છે એ જાણીને એ પ્રમાણે બધું ગોઠવવામાં આવે !! છે ને મજાની વાત !! આપણે ત્યાં ચીરીને ચાર્જ લેતી ખાનગી હોસ્પીટલો કંઇક શીખશે ?

7. 7. વહેતું પાણી નાના પત્થરો પરથી વહે ત્યારે એની પારદર્શક સપાટીની નીચે પીળો, સોનેરી રંગ દેખાતો હતો. પહેલાં થયું સૂર્યના કિરણોને કારણે હશે પણ પછી લાગ્યું કે એ કારણ નહોતું. દરેક પત્થર પરથી કુદતું પાણી જ્યાં પત્થરને અડે ત્યાં સોનેરી રંગ ધારણ કરતું હતું..પાણીના બે વહેણ બે ભાગ થઇ જતા હતા. એક વહેણ પત્થરો કુદીને આગળ વધતું હતું ને બીજું વહેણ સીધું સડસડાટ આગળ. થોડે આગળ જતાં બંને વહેણ વચ્ચે જાણે એકબીજાને આંટવાની કે પછાડવાની રેસ ચાલતી હોય એવું લાગતું હતું. એમ કરતાં બંને વહેણનો વેગ ઘટતો હતો. જો કે પહાડી પ્રવાહ એટ્લે મૂળે જ વેગ ઘણો. આમ ચાલ્યા કરે. ઠેકઠેકાણે બેસવા માટે બાંકડા મુકેલા. નિરાંતે બેસીને જોયા કરવાની લાલચ છોડવી બહુ અઘરી હતી. છતાંયે ધરાઇને માણ્યું એમ કહી શકું ખરી.

8. મને ત્યાંની શિક્ષણપ્રથા બહુ ગમી. પ્રાથમિક શાળામાં બાળકોએ સ્કૂલબેગમાં નાસ્તાનો ડબ્બો અને એક નોટબુક લઇને જ જવાનું જેમાં શિક્ષક રિપોર્ટ કાર્ડ ચોંટાડે એટલું જ. પ્રાથમિક શાળામાં બધા જ વિષયો વાર્તા સ્વરૂપે ભણાવાય. એ માટેનું પુસ્તક એમને સ્કૂલમાંથી જ મળે અને એ ત્યાં જ રહે. દરેક ક્લાસમાં એક વાલી રિપ્રેંઝંટેટીવ હોય. સ્કૂલની બાબતોમાં એનો હક ખરો. એટલે સુધી કે પ્રિન્સીપાલની નિમણુંકમાં પણ.. એ નીમી ન શકે પણ એમને બરાબર ન લાગે તો ના પાડી શકે અને કાઉંસીલે એ માન્ય રાખવું પડે..