“દુનિયાનું શું થવા બેઠું છે ? હળાહળ કળિયુગ આવ્યો છે.. રામ રામ ભજો.. પહેલાના જમાનામાં કેવું સારું હતું !” - કોણ કરે છે આવો કકળાટ ? માફ કરજો મિત્રો, પણ આવી વાતો જેમની જીભે રમતી હોય એમને માટે, આ કળિયુગમાં મહોરેલી કળીઓ, અરે પુરબહારમાં ખીલેલા બાગબગીચાઓની અને જમાનો કેવો બે કાંઠે છલકાઇ રહ્યો છે એની વાત કરવી છે.
થોડોક માત્રાભેદ હોય એટલે કે જરા ઓછુંવતું થાય પણ એક ઉદાહરણ - કચભાઇ અને ચકબહેનનો આ સંસાર છે. બે બેડરુમના સરસ ફર્નિશ્ડ ફ્લેટમાં તેઓ રહે છે. સવારમાં એમને વહેલા ઉઠવું છે. મોબાઇલમાં રોજ એની જાતે જ વાગે એમ એલાર્મ સેટ કરી દીધો છે. સવારે પલંગ પરથી ઉઠીને એટેચ્ડ બાથરુમમાં ઘુસે છે. નિત્યક્રમ પતાવે છે. ટીવી ઓન કરે છે. ચેનલ પર આવતા બાબા રામદેવના પ્રોગ્રામ સાથે યોગ કરે છે. દૂધવાળો આવે ત્યારે તપેલી લઇને એમને દોડવું નથી પડતું. ઘરની બહાર ખીંટી પર લટકાવેલી થેલીમાં દૂધના પાઉચ આવી જાય છે. ચા કોફી પતાવતાં જ મોબાઇલમાં કાકાની બર્થડેનું રિમાઇન્ડર આવે છે. તરત જ નંબર ડાયલ કરે છે. કાકા અને કાકી બંને ખુશ થઇ જાય છે. બ્રેકફાસ્ટ માટે ઘરે બનાવેલા અને તૈયાર નાસ્તાની અનેક વેરાઇટીઓ છે. ઓવન, ટોસ્ટર તો ખરાં જ. ચીઝ, બટર, સોસ, જામની કેટલીયે ફ્લેવર હાજર છે.
એમનો દીકરો અમેરિકા છે. બંને ઇન્ટરનેટ પર ચેટીંગથી પુત્ર-પરિવાર સાથે નિરાંતે વાત કરે છે. સંતાનો પ્રુથ્વીના બીજે છેડે વસે છે પણ એ શું જમ્યા, શું નવું ખરીદ્યું, કોને મળ્યા કે પછી કયો પ્રોગ્રામ જોયો એ બધી જ વાતો શેર થાય છે. વેબ કેમેરામાં એમના હસતા ચહેરા જોઇને સંતોષ મેળવી લે છે. માતા પિતાને લાગતું જ નથી કે સંતાનો દૂર છે. ચકબહેન ઘરના કામમાં પરોવાય છે. મદદ માટે નોકર છે. રસોડામાં ગેસ, કૂકર, ઓવન, મીક્સર, જેવી અનેક સુવિધાઓ છે. કડાકૂટ સાવ ટાળે એવા કેટલાય તૈયાર મસાલા અને ઇન્સ્ટંટ સામગ્રી ઉપલબ્ધ છે.
ઓફિસે કે બહાર જવા માટે દરેક પાસે પોતાનું વાહન છે. ગરમીમાં પંખા, કૂલર, એરકંડિશનર છે. વાંચવા માટે છાપાં મેગેઝીન ઘરે આવે છે. ઘરની ખરીદી માટે શોપિંગમૉલમાં એક જ સ્થળે પૂરી થતી તમામ જરુરિયાતોમાં શું પસંદ કરવું એ દ્વિધા છે. આ અતિશયોક્તિ નથી. હકીકત છે. સરેરાશ સુખી વર્ગની આ વાત છે. આ વર્ગ નાના મોટા શહેરોમાં ઘણો છે અને વધતો જાય છે. હજી હું ફાર્મ હાઉસ માલિકોની કે પોશ ક્લબોમાં ફરતા ધનાઢ્ય વર્ગની વાત નથી કરતી. જો કે એવો વર્ગ પણ નોંધપાત્ર સંખ્યામાં છે ખરો. આપણે એમને બાકાત રાખીએ છીએ.
ઇન્ટરનેટ પર ક્લીક કરો અને દુનિયાભરની માહિતી તમારા સ્ક્રીન પર ખડકાઇ જાય છે. કંઇ પણ જાણવા માટે તમારે તમારા ટેબલથી વધારે દૂર જવાની જરુર નથી. રિઝર્વેશન કરાવવું છે ? ઘેર બેઠાં ખરીદી કરવી છે ? પ્રવાસમાં જવું છે ? માહિતીથી માંડીને બુકિંગ કે ડિલીવરી સુધીનું બધું જ ઘરમાં હાજર. એકલા કંટાળી ગયા છો ? ચેટિંગરુમમાં પહોંચી જાઓ. દેશ વિદેશના પુસ્તકો, ફિલ્મો, સંગીત બધું જ સ્ક્રીન પર હાજર. વિડિયો ગેમ્સ રમો કે વોટર પાર્કમાં જાઓ. બારે માસ જાતજાતના મેળાવડાઓ, એક્ઝિબિશન્સ ચાલ્યા જ રાખે.
તમે નોકરી નથી કરતા અને નવરાશમાં કંટાળો છો તો કોઇ કીટીમાં જોડાઇ જાઓ, મજા કરો. સમાજસેવામાં રસ છે ? કેટલીયે સંસ્થાઓ છે. એ હોંશ પણ પૂરી કરો. બાળકોનો સારી રીતે ઉછેર કરવા માટે પાર વગરની પ્રવ્રુતિઓ અને ઢગલાબંધ ક્લાસીસ ચાલે છે. ઇન્ટરનેશનલ લેવલનું ભણતર આપતી સ્કૂલો આપણે ત્યાં છે.
પ્રેમમાં પડ્યા છો ? પત્ર લખવામાં મજા આવતી હોય તો એ ઓપ્શન છે જ. ફોન, મોબાઇલ પર SMS, કલાકો સુધી પ્રેમાલાપ કરવાની મોબાઇલ સેવાની સસ્તી ઓફરો, ઇમેઇલ, વૉટ્સએપ અધધધ... કેટલી સગવડો !! અને બધી આંગળીને ટેરવે... એક જમાનામાં લોન મેળવવા માટે લગવગ લગાડવી પડતી. હવે બેંકના એજન્ટો તમારા પગથિયા ઘસે છે. ક્રેડીટ કાર્ડ અને ડેબિટ કાર્ડ તમને આપવા માટે લાઇન લાગે છે. શોપિંગ કરવા માટે ઉધારીની બધી સગવડ ઉપલબ્ધ. મોટરકાર હવે સામાન્ય માનવી વસાવી શકે છે.
હવે જરા યાદ કરો. તમારા પિતાજી કે દાદા કે પરદાદા અરે, પાંચ સાત કે દસ વીસ પેઢીમાં યે કોઇએ આવી સગવડ ભોગવી હોય એવી કલ્પના તમે કરી શકો છો ખરા ? જવાબ ‘ના’માં જ આવે. પેઢીઓની વાત જવા દો, મધ્યમવર્ગીય પરિવાર માટે ઇતિહાસમાં આવો વૈભવ જોવા નહીં મળે. રાજા મહારાજાઓને કે શહેનશાહ અકબરને ય તાલી પાડતાં દાસદાસીઓ હાજર ભલે થતાં પણ હુકમના પરિણામ સુધી એને રાહ જોવી પડતી. આવી ટેકનોલોજી ક્યાં હતી ? આજે આપણી પાસે જે છે એ આપણા પુર્વજો પાસે ક્યારેય નહોતું.
હેલ્થ અંગે જે જાગ્રુતિ આજે છે એ પહેલાં નહોતી. મેડિકલ ફેસેલિટી કેટલી વધી છે ! પરિણામે સરેરાશ આયુષ્ય વધ્યું છે એ નિર્વિવાદ છે. રોગચાળામાં અસંખ્ય લોકો પિડાઇને મરતાં. અંધશ્રધ્ધામાં મરતાં લોકો જુદાં. આજે ય એવું થતું હોય પણ એનું પ્રમાણ ઓછું જરુર થયું છે. કુદરતી હોનારતો પહેલાં પણ થતી. આટલી જલ્દી અને આટલી અસરકારક સેવાઓ પહેલાં આપી શકાતી નહોતી.
હા, સિક્કાની બીજી બાજુ જરુર છે. સમાજમાં ગરીબી છે, દુખ છે, ખરાબી છે, ખોટું છે પણ યાદ રાખો મિત્રો, સિક્કો પહેલાં પણ એવો જ હતો, બે બાજુ વાળો. શું રામરાજ્યમાં રાક્ષસો નહોતા ? કુથલી નિંદા નહોતા ? લોભ, મોહ, ઇર્ષા, દ્વેષ, છળ, કપટ બધું જ હતું. ગરીબી હતી અને મજબુરી પણ હતી. રાવણ, મંથરા, કૈકેયી, દશરથ, દુર્યોધન, દુશાસન, ધ્રુતરાષ્ટ્ર, કર્ણ, કુંતી, જાબાલા આ બધા શાના પ્રતિકો છે ? ભગવાન કૃષ્ણે એટલે તો સત્વ, રજસ અને તમસ ત્રણેય ભાવો વર્ણવવા પડ્યા.
આજે જે કંઇ ખોટું છે એ પહેલાં યે હતું. ફરક એટલો કે પહેલાં એકબીજા સાથે સંપર્ક અઘરો હતો. મિડિયા નહોતું, છાપાં નહોતાં, રેડિયો, ટીવી નહોતાં. ટેકનોલોજી નહોતી. આજે જે થાય છે એ તરત બધા સુધી પહોંચી જાય છે. પહેલાં બાજુના ગામમાં બનતો બનાવ ખબર પડતાં યે દિવસો લાગી જતાં. યાદ કરો, મોરબીની હોનારતની કે હમણાં થયેલી ઉત્તરાખંડની તબાહીની ગણતરીની મિનિટોમાં સેટેલાઇટ દ્વારા વિશ્વને ખબર પડી ગઇ હતી.
આપણી પાસે હંમેશા પસંદગી છે જ. છાપામાં લુંટફાટની, ગુંડાગર્દીની, ગંદા રાજકારણીઓની કે બળાત્કારોની સ્ટોરીઓ ભલે છપાતી. એની સામે ઢગલાબંધ પૂર્તિઓમાં વિશાળ વિષયવૈવિધ્ય સાથે સારું સાહિત્ય પણ છપાય છે. વલ્ગર અને અશ્લિલ પ્રોગ્રામો કે ફિલ્મો સાથે ડિસ્કવરી ને આસ્થા-સંસ્કાર જેવી ચેનલો આવે જ છે. ટુથપેસ્ટથી માંડીને ટીવી પ્રોગ્રામ સુધી, કોફીથી માંડીને કલર્ડ કોન્ટેક્ટ લેન્સ સુધી અને હરડેથી માંડીને હાર્ટ સર્જરી સુધી આજના માનવી પાસે પસંદગીના જેટલા વિકલ્પો છે, મેળવવાની જેટલી સુવિધાઓ છે કે માણવાની જેટલી તકો છે એ ભૂતકાળમાં ક્યારેય નહોતી.
આ વાતનો જરાય એ મતલબ નથી કે લોકોએ પોતાના સુખમાં ડૂબી જઇ સ્વાર્થી બનવું. બિલકુલ નહીં. દુખી લોકોની બની શકે એટલી મદદ જરુર કરીએ. કોઇની સેવા માટે સમય, શક્તિ અને નાણાં ખરચીએ. મિત્રો, સમ્રુધ્ધિની ટોચ પર પહોંચ્યા પછી યુવાનવયે નિવ્રુતિ લઇ લેનારા બિલ ગેટ્સ અને નારાયણમુર્તિ આ યુગના જ છે. કર્મયોગી કિરણ બેદી કે અબ્દુલ કલામ જેવા મહામાનવો આ ધરતી પર જ વસે છે. રક્તપીડિતો માટે જીવન સમર્પિત કરી દેનાર સુરેશ સોની કે પછી હજારો બાળકોના મા-બાપ બનીને ઝૂંપડપટ્ટીમાં સૂરજ ઊગાડનાર જીતુ-રેહાના અને આવાં તો કેટલાય ઉમદા માનવીઓ આ યુગની જ દેન છે
બાકી કોઇ પોતાનું બધું જ ન્યોચ્છાવર કરી દે તો પણ આ દુનિયાના દુખોમાં રતિભાર ફેર ના પડે. સુખ-દુખ, અમીરી-ગરીબી આનંદ-પીડા બધું માનવજાતના અસ્તિત્વ સુધી સાથે જ રહેવાનું. એનો સમુળગો નાશ શક્ય જ નથી. મિત્રો, આ કળિયુગ નથી. અમારા એક મિત્ર કહે છે આ સુવર્ણયુગ છે. આપણને આ સુવર્ણયુગમાં જીવવાનું અહોભાગ્ય મળ્યું છે.. એટલે આપણી પાસે જે છે એ બધું ઉતમ છે. સમય ઉતમ છે. સાધનો ઉતમ છે. જીવન ઉતમ છે. પસંદગી આપણી ! દૃષ્ટિ આપણી !