Amma books and stories free download online pdf in Gujarati

Amma

અમ્મા, બહોત ભૂખ લગી હૈ, ખાના દો ન !!- થોડા ખેલકર આઓ, ફિર દેતી હૂં.- નહિ, તુમ રોજ ઐસા કરતી હો !- અગર તુમ બાહર નહિ જાઓગે તો મૈં ખાના નહિ બનાઉંગી !!અને સાતેક વર્ષનો રહીમ સિત્તેર વર્ષના વૃદ્ધની જેમ લથડતો ઘરની બહાર નીકળ્યો.

એની ઝૂંપડીથી થોડે દૂર સામે જ મોટી ગટર પસાર થતી હતી અને એની બાજુમાં આઠ-દસ છોકરાંઑ મારામારી કરી રહ્યાં હતાં. એમાં રહીમના ભાઇ બહેન અસ્મા, સલીમ, ગુલામ ને સુલેમાન તો ખરાં જ, આજુબાજુની ઝૂંપડીઓના શેરુ, રાજુ, કનુ, સવલી ને કિશની પણ હતાં. રસ્તાંથી પસાર થતાં કોઇ ગાડીવાળાએ આ રમતાં છોકરાંઓને એક બિસ્કીટનું પેકેટ આપ્યું અને એમાં બધી રામાયણ શરૂ થઇ. એક પેકેટ માટે ઝૂંટાઝૂંટ અને મારામારી. રહીમના પગમાં જોર આવી ગયું અને એ દોડ્યો પણ પહોંચ્યો ત્યાં સુધીમાં ખેંચાખેંચીમાં પેકેટ તૂટી ગયું અને તૂટેલા ટુકડા આમતેમ વેરાઇ ધૂળમાં ભળી ગયાં. કોઇના હાથમાં એકાદ બે ટુકડા આવ્યા તો એ બીજાને ડિંગો બતાવતા ભાગ્યા.

રહીમને પેલી બિસ્કીટના ભૂક્કાવાળી ધૂળ પણ ફાકવાનું મન થઇ ગયું. ત્યાં એની નજર દૂર ઊડીને પડેલા એક ટુકડા પર ગઇ. વળી એના પગમાં ચેતન આવ્યું, એ દોડ્યો પણ એના જેવા જ બીજા બે હાથના ધક્કાથી પડ્યો અને એવા જ એક ધક્કાથી બિસ્કીટનો ટુકડો જઇ પડ્યો ગટરમાં !! રહીમની આંખોમાંથી ભૂખ પ્રવાહી બનીને વહેવા લાગી. રહીમ થોડો મોડો પડ્યો હતો. એનાથી એક વર્ષ નાનો સુલેમાન, સુલેમાનથી દોઢ વર્ષ નાની અસ્મા, અસ્માથી એક વર્ષ નાનો ગુલામ અને રહીમથી એક વર્ષ મોટો સલીમ, આ બધાને કંઇક કંઇક હાથમાં આવ્યું હતું અને એ મોઢામાં નાખતા એ બધાં ખોલીમાં અમ્મા પાસે દોડી ગયાં.

ઘરમાં અમ્મા લમણે હાથ દઇને બેઠી હતી. ફાટેલા, ઘસાયેલા, મેલાઘેલા ગંદા છાપાં એની બાજુમાં પડ્યા હતાં ને એવાં જ એનાં કપડાં. કોરીધાકોર આંખોમાં લીંપાયેલી ભૂખની આગ કદાચ દિવસોથી ઠરેલા ચૂલાને ઝગાવવા પ્રયાસ કરી રહી હતી. બાળકો એને વીંટળાયા. એ જરાય હલી નહિ. ન એણે કોઇ પ્રતિભાવ આપ્યો. અસ્માએ અમ્મા, અમ્મા કહેતાં એને ઢંઢોળવા પ્રયત્ન કર્યો પણ અમ્માના હાથનો એક હડસેલો પામી ખસી ગઇ અને સલીમે તપેલાંને લાત મારી બહાર ભાગ્યો. ગલીના નાકે રિક્ષા ઊભી રહેવાનો અવાજ આવ્યો.

એ રિક્ષા રહીમના અબ્બાની હતી. આમ તો અબ્બા પાસેથી ખાવામાં માર અને ગાળો જ મળતા તોયે રહીમ દોડીને નાકા સુધી પહોંચ્યો અને એમ જ ખમચાઇને ઊભો રહ્યો. મોટાભાગે બનતું એમ રહીમના અબ્બાના પગ લથડતા હતા. સામાન્ય રીતે રાત પડે આવું થતું પણ આજે હજી સાંજ પડવા આવી હતી તોયે...... રહીમ ધ્રુજી ગયો.

આજે હવે ઢોરમાર પડશે. કદીક અબ્બાની આવી હાલતમાં અબ્બા ઘરમાં પગ મૂકતાં જ જાણે દાનવ બની જતા. કંઇ ખાવાનું હાથમાં આવે તો એ ચારે બાજુ ફેંકતા અને ગંદી ગાળો બોલતા. ન પોતે ખાતા, ન કોઇને ખાવા દેતા. અમ્મા પણ વિફરતી અને આખી ગલીમાં સંભળાય એમ બંન્ને વચ્ચે ઝગડો થતો. ઝગડવાનું કારણ એ જ...

- યે તેરે બચ્ચે શેતાન બન ગયે હૈ, સોને નહિ દેતે.- તુમ્હેં પીનેકે અલાવા કુછ સુઝતા હૈ ક્યા ? ઇતને બચ્ચે મેરી ગોદમેં ડાલ દિયે, મૈં કહાંસે સબકા પેટ પાલું ?- યે તેરે બચ્ચે હૈ, તું સંભાલ સબકો.- બચ્ચે પેડ સે નહિ ટપકે, યે તુમ્હારી ઔલાદ હૈ.....

અને પછી એકના એક દૃશ્યનું પુનરાવર્તન. આમ તો જોકે ઓછે વત્તે અંશે આજુબાજુની બધી જ ઝૂંપડીઓમાં આ જ મુદ્દા રિપીટ થતા. આવા જ ઝગડા, આમ જ ગાળો.... શબ્દો જુદા પણ મૂળ વાત એક જ... પશુથીયે બદતર જિદગી જીવતા માનવકંકાલો અને કાળી ભૂખ ઓઢીને રખડતા ઢગલો એક બાળકો.......દારુ પીને હેવાન બનતા પુરુષો, વસ્તીની સ્ત્રીઓ અને બાળકો માટે સાવ સામાન્ય બાબત હતી પણ ભૂખ જ્યારે સીમા વટાવી દેતી અને બાપ આમ બધું ફેંકાફેંક કરતો ત્યારે રહીમને થતું, હાથમાં પિસ્તોલ આવે તો બાપને ઠાર કરી નાખું !!

સામે મેદાનની પાર આવેલી એક સોસાયટીમા રહેતા સનીને એના મમ્મી-પપ્પા કેવું વહાલ કરતા !! એની મમ્મી સનીને રોજ સ્કૂટર પર સ્કૂલે મૂકવા જતી. પોતાની શેરીના છોકરાંઓ માટે કોઇ સ્કૂલ હતી જ નહિ. બધાં ખાવામાં થોડી રોટી ને ઝાઝો માર ને શીખવામાં ગંદી ગાળો. આમા ને આમ રીઢા થઇ ગયેલા બાળકોની રમતો પણ એવી જ રહેતી.

આજે જોકે અબ્બાને જરાય હોશ નહોતા. ઘરમાં જતાંવેંત એણે ખૂણામાં પડેલી જૂની પતરાની બેગને પગથી લાત મારી. બેગનો ખૂણો વાગ્યો ને પગમાં થોડું લોહી નીકળ્યું. બે ચાર ગાળ ને એ ખૂણામાં ઢળી પડ્યા. અમ્મા પોતાની જગ્યાએથી હલી નહિ. બધા છોકરાંઓ બચી ગયાની હાશ અનુભવતા બહાર નીકળી ગયા.

રહીમ મડદાલ ચાલે પાછળ આવેલા તળાવ પાસે ગયો. જો કે ત્યાં તળાવ તો શું હતું, કદીક એમાં સારું પાણી હશે પણ હવે તો એ મોટા ખાડામાં આજુબાજુની ગટરો ઠલવાતી હતી. કિનારા પર કીચડમાં ભૂંડ આળોટ્યા કરતા ને પાણી ઉપર મચ્છરોના ઝૂંડ ફર્યા કરતા. હા, ઉનાળામાં આ ગંદા તળાવ પરથી આવતો પવન આ ઝૂંપડાવાસીઓને જરા રાહતનો શ્વાસ આપી જતો ખરો પણ હજી શિયાળો પૂરો ગયો નહોતો. રહીમ એક મોટા પથ્થર પર બેસી પડ્યો ને એની આંખ ક્યારે મિંચાઇ ગઇ એને ખબર ન રહી.

સાંજ વળી ગઇ અને રહીમના ચીંથરા જેવા શર્ટની આરપાર ઠંડી લહેરખીઓ પસાર થવા લાગી. એના શરીરમાં ધ્રુજારી ફરી વળી ને તેની આંખ ખૂલી ગઇ. કોકડું વળી એ ઘર તરફ ચાલ્યો. ભૂખ અને થાક એના પગને સ્થિર નહોતા પડવા દેતા. જેમતેમ કરીને એ ઘર સુધી પહોંચ્યો.

અમ્માની આંખો સૂઝી ગઇ હતી. એ બધા બચ્ચાંને છાપાં પાથરી સુવાડતી હતી. રહીમનુંયે બાવડું ઝાલી અમ્માએ એને ચુપચાપ બધાની બાજુમાં સુવડાવી દીધો. સાંજના નાટક પછી અને અમ્માનો ભયાનક ચહેરો જોયા પછી હવે ખાવાનું માગવાની એની હિંમત નહોતી. એકબીજાંને ચોંટીને સાંકડમુકડ સુતેલાં બચ્ચાંઓની ઉપર છાપાં નાખી ઉપર એકમાત્ર ફાટેલ ગાભા જેવી ગોદડી અમ્માએ ઓઢાડી દીધી. અબ્બા જ્યાં હતા ત્યાં જ કોથળાની જેમ પડ્યા હતા. આજે એમણે ખૂબ વધારે પીધો હતો.

હજી અંધારુ ઓછું નહોતું થયું. વહેલી સવારના ચારેક વાગ્યા હશે. અમ્માએ બધાંને ઉઠાડ્યા. રહીમને લાગ્યું, અમ્મા આખી રાત બેઠી જ રહી હતી. કદાચ એણે મટકુંયે નહોતું માર્યું. ઘરમાં સ્ટ્રીટલાઇટનું થોડું અજવાળું આવતું હતું. અમ્મા એક પણ શબ્દ બોલ્યા વગર સૌને ઉઠાડતી હતી. અમ્માને જોઇને સૌ ડઘાઇ ગયાં. આજે એનો સ્પર્શ પણ ડરામણો બની ગયો હતો. કાચી ઊંઘમાં કોઇને ખબર ન પડી કે અમ્મા શું કરે છે ? અરધા ઊંઘમાં ને અરધા જાગતાં છોકરાંઓ અમ્માને અનુસર્યા. અમ્માની પાછળ પાછળ સૌ બહાર નીકળ્યા.

જરાવારે અમ્માએ ઇશારો કરીને બધાને પાછળ આવવા સમજાવ્યું. એનો ચહેરો પથ્થરનો ને આંખો કાચની બની ગઇ હોય એમ લાગતું હતું. નકોરડા ઉપવાસને આજે ચોથો દિવસ હતો. અમ્માની પાછળ આવતા છોકરાંઓને અસ્મા કંઇક કહેવા ગઇ પણ સલીમે એને ચૂપ કરી દીધી. ચુપચાપ ચાલતી અમ્માને તો પાંચેય છોકરાંઓ એની પાછળ આવે છે કે નહિ એ જાણવાની જાણે કોઇ પરવા જ નહોતી. રહીમે એક વાર બીતાં બીતાં પાછું વળીને પોતાના ઘર સામે જોયું. વાંસનો તૂટેલો ઝાંપો બાપના હૃદયની જેમ કઠોર જ રહ્યો. સુલેમાને ખાતરી કરી લીધી કે અબ્બા નામનો ડાયનોસોર ક્યાંક પાછળ તો નથી આવતો ને !!

ઘરથી રેલ્વે સ્ટેશન ઝાઝું દૂર નહોતું. બધા છોકરાંઓના મનમાં ભય હતો જ પણ આ નવી પરિસ્થિતિમાં કંઇક આશાયે જન્મી હતી. બાપ સાથે નહોતો એની રાહતેય હતી. આમ એમના પગમાં ચાલવાની તાકાત આવી ગઇ હતી. સ્ટેશને પહોંચી અમ્માએ ત્યાં ઊભેલી ટ્રેનના એક ડબ્બામાં ચડી ગઇ. પાછળ પાછળ બધાં છોકરાંઓ ચડી ગયા. સંડાસ પાસેની સાંકડી જગ્યામાં અમ્માએ યંત્રવત બધાંને બેસાડી પછી પોતાના બેય હાથ સૌને વીંટળાય એટલા વીંટાળી એ બેસી ગઇ. ચહેરો હજુ એમ જ ખડકવત હતો પણ બેય હાથ પોતાના સંતાનો ફરતી ભીંસ વધારતા જતા હતા.

ટ્રેનની વ્હીસલ વાગી ને ટ્રેન ઉપડી. પળવાર અમ્માના આંગળામાં ચેતન આવ્યું ને બે ચાર છોકરાંઓના માથે એનો હાથ ફર્યોયે ખરો. ક્યાં જવાનું છે એ વિશે કોઇને કશી ચિંતા નહોતી કેમ કે અમ્મા સાથે હતી. નાની અસ્માની આંખમાં બહાર જવાનું મળ્યાની ખુશીની નાનકડી લહેર પણ દોડી રહી હતી. પોતાના માથા પર આવેલા અમ્માના હાથને એણે પકડી લીધો. બીજી જ પળે ત્યાંથી ખસતાં, ઝાટકો મારી અમ્માએ હાથ છોડાવી લીધો. એ સાથે જ સુલેમાને પકડેલો અમ્માનો દુપટ્ટો પણ એના હાથમાંથી છટકી ગયો. સલીમ આ કશાની પરવા કર્યા વગર બારીની બહાર અંધારામાંયે કંઇક જોવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જો કે ઊભા થઇને બારી સુધી જવાની એનીયે હિંમત ન ચાલી.

ટ્રેન ધીમે ધીમે આગળ વધી રહી હતી. સ્ટેશન છુટતાં જ ગાડીએ થોડી ગતિ પકડી. અમ્મા હળવેથી ઊભી થઇને ડબ્બાના બારણાં પાસે ગઇ. ત્યાં જ ઊભી રહી એ બહાર અંધારામાં તાકવા લાગી. ટ્રેનના પૈડાં પૂરાં ગતિમાં આવ્યા. અમ્માએ પળવાર પાછું વળીને એક નજર બચ્ચાંઓ પર નાખી લીધી ને બીજી પળે એણે બહાર કૂદકો મારી દીધો. કોઇને કંઇ સમજાય એ પહેલાં અમ્મા અંધારામાં ઓગળી ગઇ.

રહીમ ને અસ્માના ગળામાં જ ચીસ અટકી ગઇ..... અમ્મા......

....................

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED