ટાઈમટેબલનો તરખાટ Lata Hirani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ટાઈમટેબલનો તરખાટ

ટાઇમટેબલનો તરખાટ

લતા હિરાણી

તમને ટાઈમટેબલ બનાવવાની આદત છે ? જો હોય તો આ લેખ વાંચો. ન હોય તોય વાંચો કેમ કે ક્યારેક તો આ અઘરો ઉદ્યમ કર્યો જ હશે. અલબત્ત પોતાના કામકાજ માટે ટાઈમટેબલ બનાવવું એ એક વાત છે ને એનું પાલન કરવું એ બીજી વાત છે. આપણે એ બીજા ભાગથી દૂર રહીએ. એ સૌની અંગત બાબત છે એટલે કોઈની અંગત બાબતમાં માથું મારવું એ સજ્જનોનું કામ નથી.

આમ તો અમે કશા બાધા, આખડી, મંતર, જંતરમાં માનીએ નહિ. ભુવા-ભારાડી, જ્યોતિષથી અમે દસ ગાઉ દૂર ભાગીએ. અમે ભલા અને અમારું કામ ભલું. બધા જ ગ્રહો અમને માફક આવે, અમે એમને માફક આવીએ છીએ કે નહિ એ ખબર નથી. મંત્ર-તંત્રની ગતિ અમને ક્યાંય અડે કે નડે નહિ પણ આ એક સમયપત્રકની માયાજાળ બારે માસ એના લાવ-લશ્કર ને શસ્ત્ર સરંજામ સાથે અમારા પર ત્રાટક્યા રાખે !! અમે અનેક વાર એનાથી પીછો છોડાવવાનું દૃઢપણે નક્કી કર્યું તોયે હજી આજ સુધી એણે અમારો પીછો છોડ્યો નથી.

હજુ ગયા બેસતા વર્ષે જ અમે સંકલ્પ કર્યો હતો કે હવેથી કોઇ સંકલ્પો કરવા નહિ !! કોઇ નિયમો બનાવવા નહિ !! કોઇ ટાઇમટેબલ ઘડવા નહિ !! આજ સુધીના અમારા અનુભવનો આ નિચોડ હતો !! એમ કહું કે આટલી લાંબી જિંદગીના તમામ અનુભવોનો આ સાર હતો, તોયે કંઇ ખોટું ન કહેવાય. કેમ કે જીવનભરની અમારી મુખ્ય પ્રવૃત્તિ જ આ રહી છે, ટાઇમટેબલ બનાવવું. અમારી દરેક વર્ષની ડાયરીઓનો મોટોભાગ સમયપત્રકો બનાવવામાં જ ખરચાયો છે.

આવો સંકલ્પ કેમ કરવો પડ્યો એ તો જેને સમયપત્રક બનાવવાનો રંગ લાગ્યો હોય એને જ સમજાય !! સમયપત્રક બનાવવાની પ્રક્રિયા કેવી અદભુત સુખદાયક છે એ જાણે ‘માંહી પડ્યા તે મહાસુખ માણે’ જેવી વાત છે ! કેમ કે ટાઈમટેબલ બનાવવા માત્રથી જાણે હવે બધુ કામ સમયસર અને ઉત્તમ રીતે થઈ જશે એની આડકતરી રીતે ગેરંટી ન મળી જતી હોય, એવું લાગે છે !

ચાલો, તમને આ ટાઇમટેબલદેવની માંડીને કથા કહું.....જે આ કથા ધ્યાન ધરીને સાંભળશે એને એકસો ટાઇમટેબલ બનાવ્યાનું પૂણ્ય મળશે...(ભલે એકેયનું પાલન ન કર્યું હોય.)

નવું વર્ષ શરુ થાય એ પહેલાં નવી ડાયરીઓ જોવાનો રોમાંચ અનેરો હોય અને એથીયે વિશેષ હવે આ નવા વર્ષમાં એક અફલાતુન ટાઇમટેબલ ઘડી કાઢવું અને પછી આ વર્ષે તો એનો ચુસ્ત અમલ કરવો જ, એનુ થ્રીલ અંગેઅંગમાં વ્યાપેલું હોય !! આમ તો થ્રીલ કરતાં ઝનૂન શબ્દ વાપરવો વધારે યોગ્ય ગણાય. નવા ભાવિ સમયપત્રકે સજાવેલા શમણાં અમારા ચિત્તતંત્રના તસુએ તસુનો કબજો જમાવીને બેઠાં હોય. કંઇ કેટલાંય અધૂરાં અરમાનો જાણે આ એક ટાઇમટેબલ એકઝાટકે પૂરાં કરી દેવાનું હોય એવા લક્ષ્યની ઝણઝણાટી આખાયે તનમનમાં બહારવટિયાને ચડેલા શૂરાતનની જેમ વ્યાપેલી હોય....

ટાઇમટેબલ બનાવવામાં પહેલાં કાચો મુસદો તૈયાર કરવો પડે એટલે રફ કાગળમાં પહેલાં પેન મંડાય. આજ સુધીના આદર્યા ક્યારેય પૂરાં ન થયાં હોય એટલે પહેલાં તો ‘છ વાગે ઉઠી જ જવું’ એનાથી શ્રીગણેશ મંડાય, જો કે તરત જ માંહ્યલો પોકારી ઉઠે કે ના, આજ સુધી છ વાગે ઉઠવાના પ્રયોગો સદંતર નિષ્ફળ ગયા છે. એલાર્મ બંધ કરીને પછી આઠ-સાડા આઠ જોવાનો જ વારો આવ્યો છે એટલે એમ થાય કે હવે મન સાથે કડકાઇ કરવી છે. છ નહિ, પાંચ વાગ્યાનો જ નિયમ !! અંદર બેઠેલો એક વેરી ક્યાંક છુપું હસતોય હોય, “કર તું તારે, જેટલા નિયમ કરવા હોય એટલા કર, જોઉં છું કેટલા પળાય છે !!” પણ આવા દુશ્મનોની એકેય ચાલ સફળ થવા નથી દેવી એય દૃઢ નિર્ણય હોય...

સવારે ઉઠવાનો મુદ્દો વિગતવાર એટલા માટે વર્ણવું છું કે એ પછીનું સમયપત્રક તો સડસડાટ ગોઠવાઇ જાય. જો એક વાર સમયસર ઉઠવાનું મહાયુદ્ધ જીતી લેવાય તો પછી આખા દિવસના સમયપત્રકનો મોક્ષ જ થાય પણ ખાટલે મોટી ખોડ એ કે એ ગઢ જીતવો બહુ દુષ્કર !! એમાં ગાબડાં પડ્યે જ રાખે..

સમયપત્રકની સવારમાં બે વાતે ગાબડાં પડે. પહેલું તો એવું થાય કે નવું સમયપત્રક બનાવ્યાનો અવર્ણનીય આનંદ અને ‘એનું પાલન કરવું જ છે’ એવા નિર્ણયના ખુમારની ચેતના અંગેઅંગમાં એવી વ્યાપેલી હોય કે રાતે કેમેય કરી ઊંઘ આવે જ નહિ !! ઘડી ઘડી ઘડિયાળમાં જોવાઇ જાય અને જેમ જેમ સમય વીતતો જાય એમ પછી તો, “ઓ બાપ રે, સાડા બાર થઇ ગયા !!, એક થઇ ગયો, દોઢ થવા આવ્યો.... હવે કેમનું પાંચ વાગે ઉઠાશે ?” એની ચિંતા વળગે...અને એવું થાય પછી તો પ્રિય વાચકો, સવારની કરુણતા તમે કલ્પી જ શકો છો !!

કદીક એકાદવાર જો ઊઠવામાં સફળતા મળી તો પછી એવું થાય કે સવારમાં છ વાગે કે પાંચ વાગે સપાટાબંધ ઊઠી ગયાથી સમયસર શરુ થયેલું સમયપત્રક આઠ-સાડા આઠ સુધી વિજયપતાકા લહેરાવતું કુચકદમ કર્યે જાય પણ નવ વાગતાં તો આંખો પર નિંદ્રાદેવીનો એવો હુમલો થાય કે જાણે બારેમેઘ ખાંગા થઇને નિંદર વરસાવતા તૂટી પડે !! સાડા નવ ને દસ વાગતાં આખી સેના રણમેદાનમાં ઢળી પડે. સમ ખાવા એકેય યોદ્ધો બચ્યો ન હોય !!

એમાંય જો ખેંચીને બપોર પાડી દીધી તો પછી બાકીના દિવસનો કચ્ચરઘાણ વાળ્યો જ સમજો. રાત પડે દસકાઓ જૂની ડાયરીના વેરવિખેર પાનાં જેવી હાલત હોય એમાં ક્યાં સુવાનું ને ક્યારે ઉઠવાનું ? જે જે કામો નોંધ્યા હોય એ શેરીની ક્રિકેટમેચમાં હારેલા ખેલાડીની જેમ ક્યાંય ખૂણામાં ધકેલાઇ જાય. જાત પર ચીડ ચડે કે ક્યાં આ રવાડે ચડાયું !

મને લાગે છે કે ટાઇમટેબલદેવની કથાના આ સવારનો ભાગનું જ માહાત્મ્ય છે. એમાં જ એનો સાર છે ને એમાં જ એની પૂર્ણાહૂતિ છે. જેમ ગીતાના માહાત્મ્યનું પઠન કરવાથી ગીતાપાઠનું ફળ મળે છે, કંઇક એવું જ. મારા વ્હાલા વાચકો, હવે દસ વાગ્યા પછીના ટાઇમટેબલની કથાનું પઠન કરવું વ્યર્થ છે ને ?

મારા વ્યવસાયને અંગે પણ ટાઇમટેબલદેવ મને એવાં ફળ્યાં નથી. લેક્ચરર તરીકેની મારી નવી નવી નોકરીમાં મેં ગ્રંથાલયવિજ્ઞાનની કૉલેજમાં ભણાવવાનું કામ સંભાળ્યું હતું. મારા હાથમાં મારા પિરિયડોનું નવું નક્કોર ટાઇમટેબલ આવ્યું અને પછી હંમેશની જેમ મેં મારે ફાળે આવેલા ‘ગ્રંથાલય વ્યવસ્થાપન’ વિષયને ભણાવવા અંગેનું ટાઇમટેબલ ગોઠવ્યું !! મૂળભુત રીતે સ્વભાવે હું અતિઉત્સાહી એટલે મારાં સમયપત્રકો તો એકદમ ફક્કડ હોય !!

છ મહિના સુધી ભણાવી દીધા (!!) પછી બ્રહ્મજ્ઞાન થયું કે મેં લેક્ચર ડિલિવર કરવાનું જ ટાઇમટેબલ ગોઠવ્યું હતું, એ મારા વિદ્યાર્થીઓના ભેજામાં ઉતરે છે કે નહિ, કે પછી કેટલું ઉતરે છે એ તપાસવાના ઉપક્રમનો એમાં ક્યાંય સમાવેશ હતો જ નહિ... પછીના છ મહિના દરમિયાન ભૂલસુધારણા ટાઇમટેબલ ઘડાયું ને અજમાયું... સફળ કેટલું થયું એ તો મારા એ અભૂતપૂર્વ સાહસના સહભાગીઓ જાણે !!

લેખક તરીકેના મારા વ્યવસાયમાં મેં અસંખ્ય ટાઇમટેબલોની રચના કરી છે. ટાઈમટેબલો લખેલી ડાયરીઓથી કબાટના ખાનાઓ ભરાવા આવ્યા છે. આ ડાયરીઓ કોઇ દૂરંદેશી ધરાવતા પ્રકાશકની શોધમાં છે. ટાઈમટેબલોનો આ હિમાલય કોઇ નવલકથા જેટલો રસપ્રદ છે અને નવા નિશાળિયા માટે પ્રેરણાનો મહાસાગર છે !! પણ એ સમયપત્રકોપનિષદ પ્રકાશિત ન થાય ત્યાં સુધી આપણે એટલે કે હું હવે વધુ લખવાનો અને તમે સહુ મારું લખેલું વાંચવાનો સમય બચાવીએ એ જ મુનાસિબ !!

લતા હિરાણી