ફૂડ સફારી - સૂપ Aakanksha Thakore દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

ફૂડ સફારી - સૂપ

કડકડતી ઠંડીમાં આપણે ગરમી માટે ચા,કોફી અને હોટ ચોકલેટથી માંડીને કોઈપણ ગરમાગરમ વસ્તુ ખાવા કે પીવા તૈયાર હોઈએ છીએ, ઈનફેક્ટ આપણે ઠંડીમાં આવી જ વસ્તુને પ્રાયોરીટી આપીએ છીએ – મહેમાન હોઈએ ત્યારે પણ અને મેજબાન હોઈએ ત્યારે પણ! આવી જ એક ગરમાગરમ વસ્તુ આપણને ગમતી થઇ છે એ છે સૂપ. આપણે બહાર જમવા જઈએ છીએ ત્યારે શરુઆત સૂપથી જ કરીએ છીએ – શિયાળો હોય કે ઉનાળો.

પરંપરાગત રીતે, સૂપને બે સમૂહોમાં વહેંચવામાં આવે છે : ક્લીઅર સૂપ અને થીક સૂપ. થીક સૂપને તેના થીકનીંગ એજન્ટના પ્રકારને આધારે વહેંચવામાં આવ્યા છે: વેજીટેબલ સૂપ્સને શાકની પ્યોરી અને સ્ટાર્ચથી થીક કરવામાં આવે છે તો ક્રીમ સૂપને બેકામેલ સોસ થી ઘટ્ટ બનાવવામાં આવે છે. આ સિવાય બીજા પોપ્યુલર થીકનીંગ એજન્ટ્સ છે: ઈંડા, દાળ, લોટ, ચોખા,બટાટા અને ગાજર. આમ જોઈએ તો આપણા સંભાર અને રસમ પણ એક રીતે સૂપના જ પ્રકાર છે.

સૂપના અસ્તિત્વ પુરાવા છેક ઈ.સ. પૂર્વે 20,000 સુધી મળી શકે છે. ઉકાળવું એ વોટરપ્રૂફ કન્ટેનર - જે કદાચ માટી વાસણો સ્વરૂપે આવ્યા - ની શોધ નહોતી થઇ ત્યાં સુધી તે એક સામાન્ય રસોઈ ટેકનીક ન હતી. તે સમયે પાણી ગરમ કરવા માટે ગરમ પથ્થરોનો ઉપયોગ થતો હતો. આજે સૂપને ઘણીવાર મુખ્ય ભોજન પહેલાં સ્ટાર્ટર, ફર્સ્ટ કોર્સ, અથવા ઓન્ત્રે તરીકે સર્વ કરવામાં આવે છે.

સૂપ સાથે એક ખૂબ જ રસપ્રદ વાર્તા જોડાયેલી છે. ઈ.સ. 1765માં બોલાન્જર નામક ફ્રેંચ વ્યક્તિએ એક દુકાન શરુ કરી, જેમાં તે ‘રેસ્ટોરન્ટ’ વેચતો હતો, જે શબ્દનો શાબ્દિક અર્થ થાય છે ‘શરીરમાં તાકત રિસ્ટોર(Restore) કરનાર વાનગી’, જેમાં તે બ્રોથમાં મીટ, શાકભાજી, હર્બ્સ, મસાલા અને અન્ય ફ્લેવર ઉમેરીને લાંબા સમય સુધી પકવતો. લોકોને આકર્ષવા માટે તેને પોતાની દુકાનના દરવાજા પર મોટા અક્ષરે ‘રેસ્ટોરન્ટ’ શબ્દ લખ્યો, જે આગળ જતા અંગ્રેજી ભાષામાં ખાણીપીણીની જગ્યા માટે પ્રચલિત થયો.

કેટલાક સૂપ લીક્વીડમાં શાકના મોટા ટુકડા નાખીને પીરસી દેવામાં આવે છે, તો બ્રોથ એ ફ્લેવર્ડ લીક્વીડમાં શાકને લાંબા સમય સુધી પકવીને બનાવવામાં આવે છે. જયારે પોટાજ એ થીક સૂપ કે પોરિજનો પ્રકાર છે જેમાં શાકને લાંબા સમય સુધી ઉકાળી એક ઘટ્ટ મિશ્રણ રૂપે પીરસવામાં આવે છે. ‘બીસ્ક્સ’ એ હેવી ક્રીમ સાથે બનાવવામાં આવતો સી-ફૂડ બેઝ્ડ સૂપ છે તો ક્રીમ સૂપ ડેયરી બેઝ્ડ સૂપ છે. ચાઉડર એ બીસ્ક્સની માફક એક ઘટ્ટ સૂપ છે પણ તેને સ્ટાર્ચની મદદથી ઘટ્ટ કરવામાં આવે છે. ગાઝ્પેચો જેવા કેટલાક સૂપ માત્ર ઠંડા સર્વ કરવામાં આવે છે, તો અન્ય સૂપને વૈકલ્પિક રીતે ઠંડા સર્વ કરી શકાય છે.

સૂપ બનાવવામાં સહેલા હોય છે અને પોષક તત્વોથી ભરેલા હોય છે. અહીં આપણે અલગ અલગ ઋતુ પ્રમાણે ઉપયોગમાં લઇ શકાય તેવા કેટલાક સૂપની રેસિપી જોઈશું.

શિયાળા માટે ઉપયોગી સૂપ:

શિયાળામાં સામાન્ય રીતે એવા સૂપ વધુ બનાવવામાં આવે છે જે આપણને બહારની ઠંડી સામે રક્ષણ પૂરું પાડે અને શરીરમાં ગરમાવો લાવી દે. આવા સૂપમાં સામાન્ય રીતે સ્પાઈસી ક્લીઅર સૂપ અને હેવી ક્રીમ બેઝ્ડ સૂપનો સમાવેશ થાય છે, જેમકે હોટ એન્ડ સાર સૂપ, ક્રીમ ઓફ સ્પીનાચ સૂપ કે પછી નૂડલ સૂપ.

 • રોસ્ટેડ હલાપીનીઓ સૂપ:
 • સામગ્રી:

  4 હલાપીનીઓ મરચાં (અથવા ભાવનગરી મરચા)
  1/2 કપ સમારેલું ગાજર

  1/3 કપ સમારેલી ડુંગળી
  2 કળી લસણ સમારેલું,

 • ટેસ્પૂન તેલ
 • 3 ટેસ્પૂન બટર

  ¼ કપ મેંદો

  2 ½ કપ વેજીટેબલ સ્ટોક

  ½ કપ દૂધ

  1/2 કપ સમારેલા ટમેટાં
  1/4 કપ સમારેલા મશરૂમ
  મીઠું અને મરી સ્વાદ મુજબ

  રીત:

 • મરચાને લંબાઈમાં અડધા કાપી, તેના બી કાઢી નાખી, ઓવેનમાં 200 સે. તાપમાને ૧૦-૧૫ મિનીટ માટે શેકો. (ઓવેનની જગ્યાએ ગેસ પર પણ શેકી શકાય). ઠંડા પડે એટલે તેના નાના ટુકડા કરી લો.
 • હવે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં ડુંગળી અને લસણને 1 થી 2 મિનીટ માટે સાંતળો. હવે તેમાં ગાજર અને થોડું મીઠું ઉમેરીને ડુંગળી નરમ થાય ત્યાંસુધી સાંતળો.
 • આ મિશ્રણમાં બટર ઉમેરો. બટર ઓગળે એટલે તેમાં મેંદો ઉમેરો અને બરાબર ભેળવો અને મેંદો શેકી જાય ત્યાંસુધી પકવો.
 • તેમાં સમારેલા મરચા ઉમેરો અને ધીરેધીરે વેજીટેબલ સ્ટોક ઉમેરો. ઉભરો આવવા દો.
 • તેમાં દૂધ ઉમેરીને ઉભરો આવે એટલે ધીમા તાપે, સૂપ ઘટ્ટ થાય ત્યાંસુધી સીઝવા દો.
 • સૂપ ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી હેન્ડ બ્લેન્ડર ફેરવી સૂપને સ્મૂધ કરી દો.
 • તેમાં ટામેટા અને મશરૂમ ઉમેરી સૂપને ફરી ગરમ કરો.
 • કોથમીર અને ટામેટા વડે સજાવી, ગરમાગરમ પીરસો.
 • મેક્સિકન ચીલી-બીન સૂપ:

  સામગ્રી:

  1 કપ બેક્ડ બીન્સ

  6 કપ સમારેલા ટામેટા

  1 ટેસ્પૂન તેલ

  ½ કપ ઝીણા સમારેલ ડુંગળી

  ½ કપ ઝીણા સમારેલ કેપ્સીકમ

  ½ કપ ઝીણા સમારેલ લીલી ડુંગળી (લીલા ભાગ સહીત)

  ½ ટેસ્પૂન કોર્નફલોર, 2 ટેસ્પૂન પાણીમાં ઓગળેલો

  1 ટેસ્પૂન ખાંડ

  1 ટીસ્પૂન ચીલી સોસ

  મીઠું સ્વાદમુજબ

  રીત:

 • ટામેટાને 4 કપ પાણી સાથે મધ્યમ તાપે ૮ થી ૧૦ મિનીટ માટે પકવો.
 • ત્યારબાદ સહેજ ઠંડુ પડે એટલે સ્મૂધ પેસ્ટ થાય એ રીતે મિક્સરમાં ફેરવી દો.
 • હવે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં ડુંગળી નરમ થાય ત્યાંસુધી સાંતળો. તેમાં કેપ્સીકમ અને લીલી ડુંગળી ઉમેરી બીજી એક મિનીટ માટે સાંતળો.
 • આ મિશ્રણમાં ટામેટાનું મિશ્રણ ઉમેરી 2 થી 3 મિનીટ માટે ઉકાળો, વચ્ચે હલાવતા રહો.
 • તેમાં બેક્ડ બીન્સ, કોર્નફલોરનું મિશ્રણ, ખાંડ, ચીલી સોસ અને મીઠું ઉમેરી, બરાબર ભેળવી મધ્યમ તાપે 2 થી 3 મિનીટ પકવો, વચ્ચે વચ્ચે હલાવતા રહો.
 • ચીઝ વડે સજાવી, ગરમાગરમ પીરસો.
 • ચોમાસા માટે ઉપયોગી સૂપ:

  ચોમાસામાં પીવામાં આવતા સૂપ આપની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. આવા સૂપમાં સામાન્ય રીતે ક્લીઅર સૂપ હોય છે અને તેમાં આદુ-લસણ કે પછી તે સમયે ઉપલબ્ધ શાકભાજી તેમજ કઠોળ વાપરવામાં આવે છે, જેમકે સ્વીટ કોર્ન સૂપ, પીનટ સૂપ કે પછી બીન્સ સૂપ. આ સૂપ પણ શિયાળુ સૂપની જેમ જ ગરમાગરમ પીરસવામાં આવે છે.

 • આફ્રિકન પીનટ સૂપ:
 • સામગ્રી:

  3 કપ વેજીટેબલ સ્ટોક અથવા પાણી
  2 કેન નાળિયેર દૂધ
  1 કપ સમારેલા કાંદા
  1/2 કપ સમારેલી સેલરિ
  4 મોટી લસણની કળી, દબાવેલી
  1 ચમચી બી કાઢીને સમારેલા મરચા
  4 કપ સમારેલા શક્કરીયા (1/2-inchના ટુકડાઓ)
  1 1/2 કપ સમારેલા ટમેટા

  સ્વાદ અનુસાર મીઠું
  1/4 ચમચી કાળા મરીનો પાઉડર
  લાલ મરચું ચપટી
  1 ચમચો સોયા સોસ (વૈકલ્પિક)

  3/4 કપ પીનટ બટર
  2 ચમચી ઝીણી સમારેલી કોથમીર
  1/2 કપ સજાવટ માટે, શેકેલા મગફળી

  રીત:

 • એક પેનમાં મધ્યમ તાપ પર વેજીટેબલ સ્ટોક મૂકો.તેમાં પીનટ બટર, કોથમીર અને મગફળી સિવાયની તમામ સામગ્રી ઉમેરો.
 • વચ્ચે વચ્ચે હલાવતા રહી, 15 મિનિટ માટે રાંધો.
 • લગભગ 1 કપ જેટલું પ્રવાહી કાઢી અને એક નાની વાટકી માં મૂકો.
 • તેમાં પીનટ બટર ઉમેરી ક્રીમી થાય ત્યાં સુધી બરાબર ભેળવો. હવે આ મિશ્રણને પાછુ પેનમાં ઉમેરી દો. અને બરાબર હલાવો.
 • પાંચ મિનીટ સુધી રંધાવા દો, વચ્ચે વચ્ચે હલાવતા રહેવું.
 • કોથમીર ઉમેરીને બરાબર ભેળવો. પીરસતાં પહેલાં મગફળીથી સજાવી, ગરમાગરમ પીરસો.
 • બીન એન્ડ પાસ્તા સૂપ:

  સામગ્રી:

  1/2 કપ બેકડ બીન્સ (તૈયાર)
  1 મધ્યમ ડુંગળી સમારેલી,
  2 કળી લસણ સમારેલું,
  1 કપ સમારેલા ટમેટાં
  1/4 કપ મેક્રોની અથવા કોઇ નાના પાસ્તા
  1 ટેસ્પૂન કોર્નફલોર
  1 ટીસ્પૂન સૂકા ઓરેગાનો
  2 ટેસ્પૂન તાજું ક્રીમ અથવા મલાઈ
  2 ટેસ્પૂન ટોમેટો કેચઅપ
  2 ટેસ્પૂન બટર
  મીઠું સ્વાદ મુજબ

  રીત:

 • એક પેનમાં માખણ ગરમ કરો. તેમાં લસણ અને ડુંગળી, ડુંગળી આછી ગુલાબી થાય ત્યાં સુધી સાંતળો.
 • તેમાં બેક્ડ બીન્સ, ટામેટા, મેક્રોની, મીઠું અને 3 કપ ગરમ પાણી ઉમેરો અને તેને ઉકાળવા દો. મેક્રોની પકી ના જાય ત્યાં સુધી ઉકાળવા દેવું (લગભગ 8 થી 10 મિનીટ)
 • 1 1/2 ચમચી પાણીમાં કોર્નફલોર ભેળવી તેને સૂપમાં ઉમેરો.
 • તેમાં ઓરેગાનો, ક્રીમ, ટોમેટો કેચઅપ, મીઠું અને મરી ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.
 • ચીઝથી સજાવીને ગરમાગરમ સર્વ કરો.
 • સ્વીટ કોર્ન સૂપ:

  સામગ્રી:

  1 મીડીયમ સાઈઝ મકાઈના દાણા
  1 ટેસ્પૂન સમારેલ લીલી ડુંગળી (લીલા ભાગ સહીત)
  1 ટેસ્પૂન બટર

  2 કપ વેજીટેબલ સ્ટોક

  ½ ટેસ્પૂન કોર્નફલોર, 2 ટેસ્પૂન પાણીમાં ઓગળેલો

  ½ ટીસ્પૂન મરી પાઉડર

  મીઠું સ્વાદ મુજબ

  રીત:

 • મકાઈના દાણામાંથી લગભગ પા ભાગ જેટલા દાણા રહેવા દઈ, બાકીના દાણા બાફી લો.
 • બાકીના દાણાને થોડું પાણી કે વેજીટેબલ સ્ટોક ઉમેરી બ્લેન્ડરમાં ફેરવીને એક સ્મૂધ પેસ્ટ બનાવી લો.
 • એક પેનમાં બટર લઇ તેમાં લીલી ડુંગળી, આછી ગુલાબી થાય ત્યાંસુધી, સાંતળો. તેમાં મકાઈની પેસ્ટ ઉમેરીને હલાવો.
 • તેમાં વેજીટેબલ સ્ટોક ઉમેરી તેને ઉભરો આવે ત્યાંસુધી ઉકાળો.
 • ત્યારબાદ તેમાં મીઠું, મરી અને બાફેલા મકાઈના દાણા ઉમેરી લગભગ ૨ થી ૩ મિનીટ સુધી ખદખદવા દો. તેમાં કોર્નફલોરની પેસ્ટ ઉમેરી, સૂપ ઘટ્ટ થાય ત્યાં સુધી પકવવા દો.
 • લીલી ડુંગળીના લીલા ભાગ વડે સજાવી ગરમાગરમ પીરસો.
 • નોંધ: આ સૂપમાં સમારેલા વગાજર, ફણસી, વટાણા વગેરે શાકભાજીને અધકચરા બાફીને ઉમેરી શકાય છે.

  ઉનાળા માટે ઉપયોગી સૂપ:

  ઉનાળામાં પીવામાં આવતા સૂપને પરમ્પરાગત રીતે કોલ્ડ સૂપ તરીકે ઓળખવામાં આવે છે. આ સૂપનો મુખ્ય હેતુ ગરમીથી બચાવીને શરીરને ઠંડક આપવાનો છે. પરિણામે, ગરમ સૂપ્સથી વિપરીત આ સૂપ્સમાં પ્રમાણમાં ઓછી ચરબી હોય છે. જેમકે ગાઝ્પાચો, જે ટોમેટો બેઝ્ડ કોલ્ડ સૂપ છે, અને કુકુમ્બર સૂપ અને ચિલ્ડ મેંગો સૂપ

 • વોટરમેલન ગાઝ્પેચો:
 • સામગ્રી:

  1 લાલ ડુંગળી, આશરે 1/2 કપ સમારેલી + આશરે 1/2 કપ ઝીણી સમારેલી
  1-2 લાલ કેપ્સીકમ, આશરે 1 કપ સમારેલી + આશરે 3/4 કપ ઝીણી સમારેલી
  1-2 કાકડીઓ, 1 કપ આશરે સમારેલી + 1 કપ ઝીણી સમારેલી
  1 હલાપેનીઓ, 1 ટેસ્પૂન આશરે સમારેલી + 1 ટેસ્પૂન ઝીણી સમારેલી (સ્વાદમુજબ વધુ કે ઓછી વાપરવી)
  2 કપ તાજા ટામેટાં સમારેલા
  6 થી 7 કપ બીજ કાઢેલા તડબૂચ
  1/4 કપ સમારેલી કોથમીર
  1/4 થી 1/2 કપ સરકો માટે (તરબૂચ અને ટામેટાંના મીઠાસ પર આધાર રાખીને, સ્વાદમુજબ વધુ કે ઓછા)
  1 ટેસ્પૂન મીઠું
  1 ટેસ્પૂન ઓલિવ ઓઈલ
  સજાવટ માટે:

  સાવર ક્રીમ

  કોથમીર

  રીત:

 • એક બ્લેન્ડર માં સમારેલી ડુંગળી, કેપ્સીકમ, કાકડી, હલાપેનીઓ અને કોથમીર મૂકો. (ઝીણા સમારેલા શાકભાજી. પાછળથી ઉમેરવા માટે રાખી મૂકવા) તેમાં ટામેટાં ઉમેરો અને પ્યોરી થાય ત્યાં સુધી તેને ફેરવો.
 • તેમાં તરબૂચ ઉમેરો અને પ્યોરી થાય ત્યાં સુધી ફરીથી ફેરવો. મિશ્રણને એક મોટા બાઉલમાં રેડો.
 • ગાઝ્પેચો ચાખો અને તેમાં જરૂર મુજબ વિનેગર ઉમેરો. મીઠું અને ઓલીવ ઓઈલ પણ ઉમેરો.
 • તેમાં ઝીણા સમારેલા શાકભાજી ઉમેરો.
 • ગાઝ્પેચોને ઓછામાં ઓછો એક કલાક માટે ફ્રીજમાં ઠંડો થવા મૂકો (આખી રાત રાખો તો સૌથી સારું) જેથી બધા સ્વાદ બરાબર ભળી જાય.
 • સાવર ક્રીમ અને કોથમીરથી સજાવીને એકદમ ઠંડો પીરસો.
 • કુકુમ્બર એન્ડ મીંટ સૂપ

  સામગ્રી:

  1 કાકડી આખી + 1 કપ ઝીણી સમારેલી

  ½ કપ દહીં

  2 કપ વેજીટેબલ સ્ટોક

  ૮-૧૦ ફુદીનાના પાનની પેસ્ટ

  1 ટીસ્પૂન લીલા મરચાની પેસ્ટ

  મીઠું સ્વાદમુજબ

  રીત:

 • એક મોટા પાનમાં વેજીટેબલ સ્ટોકને ઉકાળવા મૂકો.
 • એ તૈયાર થાય ત્યાંસુધી આખી કાકડીને મિક્સરમાં થોડા દહીં (લગભગ 1 ચમચી)ની મદદથી પેસ્ટ બનાવો.
 • વેજીટેબલ સ્ટોક ઉકળવા લાગે એટલે તેમાં કાકડીની પેસ્ટ, દહીં, મીઠું અને મરચું નાખો.
 • સૂપ જોઈએ એટલો ઘટ્ટ થઇ જાય એટલે તેમાં ફુદીનાની પેસ્ટ નાખીને લગભગ 2 કલાક સુધી તેને ફ્રીજમાં બરાબર ઠંડો થવા દો.
 • બરાબર ઠંડો થઇ જાય એટલે બ્રેડસ્ટીક્સ સાથે સર્વ કરો
 • ચિલ્ડ મેંગો સૂપ:
 • સામગ્રી:

  3 પાકી કેરીનો ગર

  3 કપ દહીં

  ૧ કપ દૂધ

  1 ટેસ્પૂન લીંબુનો રસ

  2 ટીસ્પૂન મધ

  4-5 ફુદીનાના પાન

  ½ ટીસ્પૂન મીઠું

  રીત:

 • એક બ્લેન્ડર માં તમામ સામગ્રી ઉમેરો અને પ્યોરી થાય ત્યાં સુધી તેને ફેરવો.
 • સૂપને ઓછામાં ઓછો એક કલાક માટે ફ્રીજમાં ઠંડો થવા મૂકો (આખી રાત રાખો તો સૌથી સારું) જેથી બધા સ્વાદ બરાબર ભળી જાય.
 • એકદમ ઠંડો પીરસો.
 • વેજીટેબલ સ્ટોક:

  સામગ્રી:

  1 કપ મિક્સ વેજીટેબલ (ગાજર, ડુંગળી, કોબીજ, ફણસી, વગેરે), સમારેલા

  3 કપ પાણી

  રીત:

 • એક પેનમાં 3 કપ પાણી ઉકાળો.
 • તેમાં શાકભાજી ઉમેરી, લગભગ ૧૦ થી ૧૫ મિનીટ માટે ઉકાળો.
 • પાણીને ગાળી લો.
 • આ પાણી વેજીટેબલ સ્ટોક છે, જરૂર પ્રમાણે વાપરો.