પિન કોડ - 101 - 28 Aashu Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

પિન કોડ - 101 - 28

પિન કોડ - 101

પ્રકરણ-28

આશુ પટેલ

સાહિલ વિચારોમાં અટવાયેલો હતો એ વખતે એક એક્ઝિક્યુટીવ જેવી લાગતી યુવતી એ રૂમમાં આવી. તેના આગમનની સાથે જ એ રૂમમાં કોઈ સુગંધ ફેલાઈ ગઈ હોય એવું સાહિલને લાગ્યું. તે સુગન્ધ પેલી યુવતીના પર્ફ્યુમની હતી. તે આકર્ષક અને રૂપાળી યુવતીએ હસતા ચહેરા સાથે સાહિલને પૂછ્યું, ‘સર, વોટ વિલ યુ પ્રીફર ફોર લંચ?’
સાહિલ આભો બની ગયો. મુંબઈમાં આજ સુધી કોઈએ તેને આ રીતે પૂછ્યું નહોતું કે તમે શું ખાવાનું પસન્દ કરશો !
સાહિલ કઈ જવાબ આપે એ પહેલાં તે યુવતીએ સાહિલ તરફ એક મેનુ લંબાવ્યું, જેના પર રાજ મલ્હોત્રાની કંપનીનો ફેમસ લોગો હતો.
સાહિલે મેનુ હાથમાં લીધું. પેલી યુવતી ચહેરા પર સરસ મજાના સ્મિત સાથે ઊભી રહી. સાહિલને લાગ્યું કે પોતે કોઈ જુદી જ સૃષ્ટિમાં આવી ગયો છે. ‘મોસાળે જમવાનું અને મા પીરસવાવાળી’ એવી તેની પ્રિય કહેવતને ઝાંખી પાડી દે એવી સ્થિતિ અત્યારે તેના માટે હતી. તે જેના નામની આગળ ‘ધ’ લગાવતો હતો તે બિઝનેસ ટાઈકૂન રાજ મલ્હોત્રાની ઑફિસમાં તેને હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની કોઈ હીરોઈન જેવી યુવતી મીઠા મલકાટ સાથે ખાવાનું પૂછી રહી હતી! એ થોડી ક્ષણો માટે તો નતાશાનો વિચાર તેના મગજમાંથી નીકળી ગયો!
‘સર...’ તે યુવતીએ કહ્યું ત્યારે સાહિલને સમજાયું કે તે મેનુમા જોવાને બદલે તે યુવતીના ચહેરાને તાકી રહ્યો હતો!
‘સોરી. સોરી.’ તેણે કહ્યું અને તે મેનુ ખોલીને જોવા લાગ્યો. મેનુમાં કેટલીય અટપટી વાનગીઓના નામ લખ્યા હતા. સાહિલે મુંબઈમાં આવ્યા પછી હંમેશાં મેનુમાં પહેલાં જમણી બાજુએ વાનગીઓના ભાવ તરફ જોયું હતું અને પછી ડાબી બાજુએ વાનગી કઈ છે એ જોયું હતું. મુંબઈમાં સંઘર્ષ કરતા લોકોએ એવું જ કરવું પડતું હોય છે, પણ આજે સાહિલ પાસે જે મેનુ આવ્યું હતું તેમાં માત્ર વાનગીઓના નામ જ હતાં. છતાં તે મૂંઝવણમાં મુકાઈ ગયો હતો. સાહિલને ગુજરાતી ખોરાક જ ભાવતો હતો અને પસંદ હતો, પણ મુંબઈમાં આવ્યા પછી નાછૂટકે તે પંજાબી, મરાઠી અને સાઉથ ઈન્ડિયન ખોરાક પણ ખાતો થયો હતો, પણ અત્યારે પેલી યુવતીએ તેને જે મેનુ પકડાવી દીધું હતું એમાં જે વાનગીઓના નામો હતા તે નામો તેણે બાપજન્માંરેય સાંભળ્યા નહોતા.
સાહિલ મેનુમાંથી પોતાને ખબર હોય એવી કોઈ વાનગીનું નામ શોધવાની મથામણ કરતો હતો તે વખતે તેના ચહેરા પરથી તેની મૂંઝવણ કળી ગઈ હોય એમ પેલી યુવતી તેની વહારે આવી.
તેને સમજાઈ ગયું હતું કે આ કોઈ ‘દેશી’
માણસ છે!
‘સર, વિલ યુ પ્રીફર સમ ઈન્ડિયન ફૂડ?’ તેણે પૂછ્યું એ વખતે સાહિલને સમજાયું કે પોતે મેનુમાં શરૂઆતના બે પાનાં જોઈ રહ્યો હતો એમાં ઉપર બોલ્ડ અક્ષરોમાં ‘કોન્ટિનેન્ટલ’ લખ્યું હતું!
તેણે ક્ષોભ અનુભવતા મેનુ તે યુવતી તરફ ધર્યું. તે યુવતીએ મેનુના થોડા પાનાં ફેરવીને મેનુ ફરી તેની સામે ધર્યું. એ પાના પર ભારતીય વાનગીઓના નામો હતા. એમાંય જો કે મોટાભાગની વાનગીના નામો સાહિલ માટે અજાણ્યા હતા, પણ જીરા રાઈસ અને દાલફ્રાય વાંચીને તેના જીવમાં જીવ આવ્યો. તેણે થોડા સંકોચ સાથે તે યુવતીને જીરા રાઈસ અને દાલફ્રાય મોકલવા કહ્યું. તે યુવતી ફરી એક્વાર સ્મિત કરીને જતી રહી.
થોડીવારમાં ખાવાનું આવી ગયું. સાથે પાપડ, દહીં અને ગ્રીન સલાડ અને જુદા-જુદા પ્રકારના અથાણા પણ હતા. સાહિલે મનોમન પેલી યુવતીનો આભાર માન્યો. ખાવાનું જોઈને તેને સમજાયું કે તેને ભયંકર એસિડિટી થઈ રહી હતી. તેણે ઉતાવળે ખાવાનું શરૂ કર્યું.
તેણે ખાઈ લીધું તે પછી તેણે કહ્યું ન હતું તો પણ આઈસક્રીમ આવી ગયો. ખાઈ લીધા પછી સાહિલ વળી રાજ મલ્હોત્રા અને નતાશાના વિચારે ચઢી ગયો. તેનું મન લોલકની જેમ થોડીવાર આ તરફ અને થોડીવાર પેલી તરફ ફંગોળાતું હતું. તેણે ફરી બે-ત્રણ વાર નતાશાને કોલ લગાવી જોયો. દરેક વખતે તેને પેલો રેકોર્ડેડ મેસેજ જ અન્ગ્રેજી અને મરાઠીમાં સંભળાયો કે આ નંબરનો અત્યારે સંપર્ક થઈ શકે એમ નથી
તે વિચારતો હતો કે હવે શું કરવું. એ જ વખતે શીતલ આવી. તેણે ધ્યાનથી જોઈએ તો જ સમજાય એટલું સ્મિત કરીને કહ્યું, ‘કમ વિથ મી, પ્લીઝ.’ તે એ રૂમના બીજા છેડાના દરવાજેથી બહાર નીકળી. સાહિલને રાજ મલ્હોત્રાની ઑફિસ ભૂલભુલામણી જેવી લાગી રહી હતી. તે શીતલની સાથે એક વિશાળ લોબીમાં આવ્યો એ જ વખતે રાજ મલ્હોત્રા અને તેમનો ભાઈ પણ ચીફ મિનિસ્ટર સાથે એ લોબીમાં આવ્યા. તેઓ લિફ્ટ તરફ જઈ રહ્યા હતા. રાજ મલ્હોત્રાનું ધ્યાન શીતલ અને સાહિલ તરફ ગયું. તેમણે શીતલને આંખથી જ ઈશારો કર્યો એટલે શીતલ સાહિલ સાથે તેમની નજીક ગઈ. રાજ મલ્હોત્રાએ ચીફ મિનિસ્ટરનો પરિચય સાહિલ સાથે કરાવતા કહ્યું, ‘આ સાહિલ સાગપરિયા છે, મારા ઑટોમોબાઈલ ડિવિઝનનો ચીફ રિસર્ચ ઓફિસર!’
* * *
‘સર, ઓમર હાશમી પર ખબર રાખવાનું કામ મેં બે જણને સોંપ્યું છે. એમાં એક ખબરી સલીમ તેનો જ માણસ છે. તેણે મને કહ્યું કે, ઓમર હાશમીની વર્સોવા કબ્રસ્તાન પાસે કોઈને ત્યા આવન-જાવન વધી ગઈ છે. અને તે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની કોઈ સ્ટ્રગલર છોકરીને ફસાવવાની વેતરણમાં પડ્યો છે. જોકે, સલીમ પૂરા વિશ્ર્વાસથી કહે છે કે આ મામલો ઓમર હાશમી હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જે સેક્સ રેકેટ ચલાવે છે એને લગતો નથી લાગતો. તે કદાચ આ છોકરીનો કોઈ બીજા કામ માટે ઉપયોગ કરતો હોઈ શકે. અથવા તો આ છોકરીને ખરેખર ઉઠાવવાનું કાવતરૂં પણ હોઈ શકે. એ છોકરી ગઈ કાલથી જ એની સાથે દેખાઈ છે.’ મુંબઈ પોલીસના ક્રાઈમ ઈન્ટેલિજન્સ યુનિટના સિનિયર ઈન્સ્પેક્ટર દત્તાત્રય વાઘમારે ડેપ્યુટી કમિશનર(ક્રાઈમ) મિલિન્દ સાવંતને માહિતી આપી રહ્યા હતા.
‘કોને મળવા જાય છે ઓમર?’ ડીસીપી મિલિન્દ સાવંતે પૂછ્યું.
‘સર, એ હજી ખબર નથી પડી. સલીમ કહેતો હતો કે તે કદાચ કોઈ મૌલવીને મળવા જાય છે. ઓમરને તેના માણસને એટલે કે મારા ખબરીને પેલી છોકરી પર નજર રાખવાનું કામ સોંપ્યુ છે એટલે તે તો તેની પાછળ નહીં જઈ શકે, પણ મે પેલા બીજા ખબરીને તાત્કાલિક તપાસ કરવા કહી દીધું છે અને બે કોન્સ્ટેબલને પણ કામ સોંપી દીધું છે. ઓમર અત્યારે પણ વર્સોવા કબ્રસ્તાનની બાજુમાં જ ગયો છે. સલીમે કહયુ છે કે તે ફરી એક વાગ્યા પહેલાં તેની ઑફિસમાં જવાનો છે. કેમ કે તેણે પેલી છોકરીને એક વાગ્યે ઑફિસમાં બોલાવી છે.’ ઈન્સ્પેક્ટર વાઘમારેએ કહ્યું.
‘એ છોકરી કોલગર્લ ટાઈપની છે?’
‘ના સર. કોઈ સારા ઘરની લાગે છે એવુ મારો ખબરી ભારપૂર્વક કહે છે.’ વાઘમારેએ ઉતાવળે જવાબ આપ્યો.
‘અત્યારે ક્યાં છે એ છોકરી?’ ડીસીપી સાવંતે પૂછ્યું.
‘એ છોકરી હમણાં અંધેરીમાં અપના બજારની સામે એક હૉટેલમાં છે. તેના કોઈ બોયફ્રેન્ડની સાથે કાલથી ઊતરી છે. જો કે, મેં તે છોકરીને ઓમરની ઑફિસમાં જતી અટકાવા માટે પેલા ખબરીને
કહ્યું છે...’
વાઘમારેના એ શબ્દો સાંભળીને, તેમની વાત વચ્ચે જ કાપીને, ડીસીપી સાવંતે તેમને એક સવાલ કર્યો એટલે વાઘમારે ડઘાઈ ગયા!

(ક્રમશ:)

રેટ કરો અને રિવ્યુ આપો

Priti Patel

Priti Patel 4 દિવસ પહેલા

Hina Thakkar

Hina Thakkar 4 માસ પહેલા

Sp Sp

Sp Sp 7 માસ પહેલા

Hemanshu Shah

Hemanshu Shah 9 માસ પહેલા

Rupal

Rupal 2 વર્ષ પહેલા