ઘરઘરાટનો તરખડાટ... Natver Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 46

    " આપને પણ તેઓની યાદ આવતી હશે ને..? જ્યારે પોતાના માણસો આપણાથ...

  • ફરે તે ફરફરે - 24

    ફરે તે ફરફરે - ૨૪. "સાહેબ મને માફ કરો મારો કોઇ ખરાબ ઇરાદો નહ...

  • નાયિકાદેવી - ભાગ 31

    ૩૧ માલવવિજેતા ગંગ ડાભી અને સારંગદેવ સોઢો ઊપડ્યા. જેમજેમ એ આગ...

  • ભાગવત રહસ્ય - 79

    ભાગવત રહસ્ય-૭૯   એકનાથ મહારાજના ગુરૂ –જનાર્દન સ્વામીએ –તેમને...

  • The First Attraction

    " રિંકી નો મારામાં મેસેજ આવ્યો. તમે મને શુ માનો છો ?1. લવર 2...

શ્રેણી
શેયર કરો

ઘરઘરાટનો તરખડાટ...

ઘરઘરાટનો તરખડાટ
લેખકઃ નટવર મહેતા


છેલ્લા કેટલાંક સમયથી હું ભારે તકલીફમાં છું. ન કહેવાય ન સહેવાય!!

જે કોઈ સામે મળે તે પૂછે: કેમ નટુભાઈ? કંઈ ભારે મૂંઝવણમાં છો ??

એ સર્વને મારી તકલીફની કેવી રીતે ખબર પડી જતી હશે. એ વિચારી મને વધારે અમૂઝણ થવા લાગે.

લાંબા સમય પછી મારા મામાના કાકાની ફોઈની માસીનો દીકરો મગન માંજરો મને અચાનક મળી ગયો, ‘અરે...નટ્યા...!! તું તો છેક જ બદલાઈ ગયો!!’ આશ્ચર્યથી એના માંજરા આંખના લખોટા મોટાં કરતાં એણે કહ્યું.

‘બદલાઈ ગયો....?’ મેં એના કરતાં ય મારા વધુ મોટા ડોળા કરવાની કોશિશ કરતા કહ્યું, ‘નહિ રે મગન! હું તો જે છું તે જ છું! તેવો જ છું.’ મારી તો આંખો દુખવા આવી ગઈ.

‘તું તું જ છે...!’ પછી એ મોટેથી હસ્યો પણ મને તો એ ભસતો હોય એમ લાગ્યું. પછી ન જાણે ક્યાંથી કંઈક વિચિત્ર અવાજ કરી અટક્યો અને ઊંડો શ્વાસ એ લઈ બોલ્યો, ‘તું જરૂર થોડો બદલાયો તો જ છે. માને કે ન માને....’

‘ના...આ...યા..યા…ર...!!’

‘હા...આ...યા…યા...ર...!!’ મારી પીઠ પર જોરથી ધબ્બો મારી મને અંદરથી બહાર સુધી હચમચાવતા એ બોલ્યો, ‘કંઈક તો જરૂર છે!’ એ જક્કી બન્યો, ‘તબિયત પણ ખાસ્સી ઊતરી ગઈ છે. ડાચાં બેસી ગયા છે. દિવસે ન સુકાતો હોય એટલો રાત્રે સુકાતો હોય એમ લાગે છે!!’

-મારો બેટ્ટો મગનો...!! ખરો...!! અને કઈ રીતે મારી રાતની વાતની જાણ થઈ ગઈ...!! જરૂર કંઈ મેલી વિદ્યા તો ન જાણતો હોય ને...!!

‘કેમ ખરી વાતને...?!’ મને મૌન મૌન મુંઝાતો નિહાળી એ વધુ ખુશ થતો હોય એમ મને લાગ્યું.

એની વાત સાવ સાચી હતી. જ્યારે રાત પડે ત્યારે હું તરત જ સવારની રાહ જોવા લાગતો કે ક્યારે સવાર પડે!! ક્યારે વસમી રાત વીતે...!! પરંતુ, રાત તો રાબેતા મુજબ મંથર ગતિએ ચાલતી કોઈ ગજગામિનીની માફક પસાર થતી ને માંડ માંડ સવાર પડતી. ને પછી રાત તો આવે જ ને...!? ને ફરી મારી તકલીફ શરૂ થઈ જતી...ને વળી પાછો હું સવારની રાહ જોવા લાગતો.

તમને થતું હશે કે આ બધી શી લપ્પન-છપ્પન છે…દિવસ-રાત- રાત-દિવસ....!! તમે પણ મૂંઝાઈ ગયાને...!! તમારી આ મૂંઝવણ નિહાળી મને થોડો આનંદ થયો કે ચાલો, મારી સાથે મને થોડો આનંદ થયો. ચાલો મારી સાથે બીજું કોઈક તો છે.

ચાલો, મારી મૂંઝવણનો ફોડ પાડી જ દઉં...!! ગેટ રેડી ફોર સસ્પેન્સ..!!

ખેર...વાત એમ છે કે છેલ્લી કેટલીક રાતો, લાં...બી લાં...બી રાતો મેં જાગરણ કરીને જ વિતાવી છે!! ને દિવસે મારી પાંચશેરી ધુણાવ્યા વિના ઑફિસમાં સુવાના-ઊંઘવાને કારણે સ્પૉંડિલાઈટ્સ થઈ જવાનો ભય મારી ગરદન પર તોળાઈ રહ્યો છે. વળી ઑફિસમાં નિદ્રાસન જમાવવાના કારણે મારા પ્રિય સાહેબશ્રીએ બે-ત્રણ વાર મેમા ફટકારી દીધા છે.

મને અનિદ્રાનો રાજરોગ નથી એ તો આપ સમજી ગયા હશો જ. વાત એમ છે કે રાત્રે ધીમે ધીમે મારા નયનદ્વાર બિડાય અને નિદ્રારાણી આંખની અટારીએ આવી રાજ કરવાની શરૂઆત કરે ને મારા કાનમાં...નાનકડા કર્ણદ્વારોમાં ઘરરર... ઘરરર... ઘરરર...ઘરઘરાટ ઘૂસે!! કોઈ જુનું, બે એંજીનનું નાનકડું વિમાન તૂટી પડવા પહેલાં જેવી ઘરઘરાટી કરે તેવો જ ઘરઘરાટ મારી અર્ધાંગનાના બે એંજિનો જેવાં નસકોરામાંથી નીકળવા માંડે ઘરરર... ઘરરર... ઘરરર...!! ફરક એટલો જ કે વિમાન તૂટી પડે ને અવાજ બંધ થાય ને થોડા પ્રવાસીઓ રામશરણ થાય ત્યારે મારી ભાર્યાના બન્ને એંજિનો વારાફરતી તો ક્યારેક એક સાથે જ હમણાં તૂટી પડશે... હમણાં તૂટી પડશે એમ કરીને સવાર સુધી જુદી જુદી રાગરાગિણીઓમાં ઘરઘરાટ કરતા રહે છે ને મારી મહામૂલી નિદ્રા વેરણ બને અને મારી આંખમાં અંજાય જાય છે વસમો ઉજાગરો!!

-તો હવે આપ સમજી ગયા જ હશો કે મારી પ્રાણપ્રિયાને ઘોરવાની ટેવ છે ને રાત્રિના પ્રહરો પસાર થાય એમ એની ઘરઘરાટની તીવ્રતા બદલાતી રહે છે...!!

‘એ....એ..ઈ...તું બહુ ઘો...રે છે!!’ મેં એક રાત્રે એને ઉઠાડીને કહ્યું તો જવાબ મળ્યો, ‘હું તો જાગતી જ છું!! તને ઊંઘ નથી આવતી ને મને નિરાંતે સુવા નથી દેતો.. સૂઈ જા, હવે છાનો માનો...’

-અ...રે...!! મારી માડી!! હું કેવી રીતે સુઉં...?!

બસ, દિવસે દિવસે, સોરી સોરી રાતે રાતે એની સુરાવલિઓ વધતી ગઈ. રાગરાગિણીઓ બદલાતી રહી. પરંતુ, એ તો માનવા તૈયાર જ નહિ!!

વાહ રે પ્રભુ, તારી કુદરત ન્યારી!! ઘોરતો ઊંઘે સોડ તાણી...
જાગતો મરું હું એ સાંભળતા સાંભળતા,તરફડું એ સુણી સુણી...

હું ખેતીવાડી ખાતામાં નોકરી કરું છું. રાતભર જાગી જાગીને પડખાં ફેરવી ફેરવીને દિવસે ઑફિસે સૂઈ જવાની તૈયારી સાથે ઑફિસે પહોંચ્યો. પહોંચવાની સાથે જ સાહેબે મને તેડાવ્યો. માંડ માંડ ખુલ્લી આંખે ને બંધ મગજે હું સાહેબશ્રીના ટેબલની સામે ગોઠવેલ ખુરશીમાં ગોઠવાયો.

‘ઊંઘ નિષ્ણાત...!!’ સાહેબ બરાડ્યા...

‘શું...??’ હું ચમક્યો. મારી ઊંઘ ઊડી ગઈ. સાહેબને બહુ જલદી જાણ થઈ ગઈ લાગે.

‘મ્હેતા..આ...આ...!’ સાહેબ બરાડ્યા, ‘નોકરીમાંથી નીકળી જવાનો વિચાર છે તમારો...?’ સાહેબ તતડ્યા.

મેં મારી આંખો માંડ માંડ ખુલ્લી રાખી ચુપકીદી સેવી.

‘આ જુ…ઓ…ઓ...મહેતા...!! તમે આ શું બાફી માર્યું છે??’ સાહેબે એક પત્ર તરફ ધબ્બો મારી કહ્યું, ‘ઘઉં નિષ્ણાત, વિજાપુર મહેસાણાને ઘઉંની જુદી જુદી જાતો વિશે તમને પત્ર લખવા કહેલ તેમાં તમે શું ચીતરી મારેલ...!? ઊંઘ નિષ્ણાત વિજાપુરને ઊંઘની જુદી જુદી જાતો વિશે પુછાવ્યું છે!!’ સાહેબ પણ મારી માફક રાતભર જાગતા રહેલ હોય એમ લાગ્યું. એ વધારે ગરમ થયા, ‘વિજાપુરથી મારા પર ઠપકો આવ્યો છે. તમારે લીધે મારે ઠપકો સાંભળવાનો...!?’ સાહેબે આંખોમાંથી ક્રોધ, મ્હોંમાંથી થૂંક અને હાથમાંથી ઊંઘ નિષ્ણાતનો કાગળ મારા તરફ ફેંક્યો અને હાથમાં એઓ કાચનો પેપરવેઇટનો ગોળો રમાડવા લાગ્યા. નિશાન ચુકવવાવી તૈયારી સાથે ધ્રૂજતા ધ્રૂજતા મેં પત્ર મારા હાથમાં લીધો. ખરેખર...!! તમે માનશો અહિં પરંતુ ઘઉંની જગ્યાએ દરેક વાર મેં ઊંઘ જ ચીતરી મારેલ...!! હવે...?!

સાહેબે ઘણી ભલી-બૂરી સંભળાવી. સિઆર રિપોર્ટ બગાડવાની ધમકી આપી. એકાદ-બે ઈન્ક્રિમેંટ અટકાવી દેશે એમ પણ બેધડક કહી દીધું.

-હવે તો હદ થઈ ગઈ!!

ગુસ્સાની ભારી બાંધી ઘરે આવ્યો અને પત્નીના માથા પર છોડી મૂકી.

‘હવે તારે આ ઘોરવાનું બંધ કરવું જ પડશે! નહિતર નોકરીમાંથી મારે હાથ ધોવાનો વારો આવશે ને આવી નોકરી ક્યાં મળશે પાછી...??’

પરંતુ એ તો હસી અને ધીમેથી મરકતા મરકતા બોલી, ‘હું ક્યાં ઘોરૂં છું??’

-ઓ...હ!! આજે તો આનો પુરાવો ઊભો જ કરવો પડશે.

રાત પડી. હું ધીરેથી એની પડખે સૂતો. એ તો રીસાઈને ફરીને સૂઈ ગઈ હતી. હું હળવેકથી ઊભો થયો અને ટેપરેકર્ડર લઈ આવ્યો. કૅસેટ મૂકી તૈયાર બેઠો. થોડા સમયમાં તો રાબેતા મુજબ ઘરઘરાટ સંભળાવા લાગ્યો! મેં રેકર્ડિંગ કરવા માંડ્યું!! સંગીતના ઇતિહાસમાં આવો સાઉંડટ્રેક પ્રથમ વાર તૈયાર થઈ રહ્યો હતો. કદાચ ગ્રેમી કે છેલ્લે ફિલ્મફેર એવૉર્ડ પણ મળી જાય તો નવાઈ નહિ!! જાગતી આંખે ગ્રેમીનો એવૉર્ડ લેતો હોઉં એવું સ્વપ્ન જોવા લાગ્યો.

સવાર તો બહુ મોડી પડી. હપ્તે હપ્તે લીધેલ ઊંઘને કારણે માથું રોજની જેમ ખાલી થઈ ગયું હતું! પ્રાત: કર્મ પતાવી, ચા પીતા પીતા મારી પત્નીને મેં એની વિરૂધ્ધ ઊભા કરેલ જડ્બેસલાક પુરાવાની વાત કરી! એ ચમકી ને રકાબીમાંથી મહામુલી ચા ઢોળાઈ ગઈ એના નાઈટગાઉન પર. ચાનો ડાઘો પડ્યો એ ધોવા માટે એણે સાબુની આખે આખી ગોટી વાપરી નાંખી.

‘ચા...લ, સંભળાવ...જો...ઉં...!!’

મેં કૅસેટ રિવાઈન્ડ કરી. ચાલુ કરવા પ્લેનું બટન દબાવ્યું. પરંતુ ટેપ તો ચુપચાપ જ રહ્યું..!! મૌન જ રહ્યું!! આંખોથી સંભળાતું હોય એમ ફાટે ડોળે હું ટેપ તરફ જોતો જ રહ્યો. પણ ટેપ તો રિસાયેલ છોકરાની માફક સાવ મૌન...!!

-કૅસેટમાં રાત્રે પટ્ટી જ તૂટી ગયેલ. તો પછી કઈ રેકર્ડ થાય??

-આજે તો એ જીતી ગઈ ને હું હાર્યો.

ખેર!! રાત તો પાછી આવવાની જ છે ને એ પાછી ઘોરવાની છે જ...!!

મેં સર્વે તૈયારી કરી. નવી નક્કોર સોની બ્રાંડની કૅસેટ લઈ આવ્યો. ટેપરેકૉર્ડરનું હેડ સાફ કરી મારું હેડ દુખતું થઈ ગયું. દિલમેં હૈ મેરે દ...ર્દે...ડિસ્કો ગીત માટે શાહરૂખે પણ આટઆટલી કાળજી રાખી ન હશે. મારા બેસુરા રાગે દર્દે ડિસ્કો થાય તો ફિયાસ્કો ગીત ગાયું અને રેકર્ડિંગ થાય છે કે કેમ તે પણ બરાબર તપાસી લીધું!!

રાત પડી. હું તૈયાર હતો.

-પણ હાય રે નસીબ....!!

-આજે બિલકુલ ઘરઘરાટી જ ન નીકળી!! મેં રાત આખી ઘરઘરાટી હમણાં સંભળાશે... હમણાં સંભળાશે કરી મેં અખંડ જાગરણ કર્યું.

‘લા...વ..! સંભળાવ..જો..ઓ...ઉં...!!’ આજે તો એ જ ઉતાવળમા હતી

-શું સંભળાવું...!?

‘હું કહેતી હતીને...?!’ તું મારા પર સાવ ખોટ્ટો આરોપ લગાવે છે. રાત પડે ને તને આડા-અવડા વિચારો આવે એન હોળીનું નાળિયેર બનાવે મને...!!’

હું ઑફિસે ગયો.

ચાલો સારું થયું. ટાઢે પાણીએ ઘરઘરાટ ગયો. હું ખૂબ ખુશ હતો. આજે તો રાત્રે નિરાંતે ઊંઘવાનું મળશે એમ માની મારા સિનિયર ક્લાર્ક ત્રિવેદીને ચા પણ પાઈ દીધી. બે-ચાર પત્રો લખ્યા. બે-ચાર ફાડ્યા. એક-બે ઝોકાં ટેવ મુજબ ખાઈ લીધાં...બપોર પડી. હું ઘરેથી ટિફિનની રાહ જોવા લાગ્યો. રોજ બપોરે બાર-સાડા બારે ઘરેથી ટિફિન આવે. ટિફિનવાળો ભૈયો આવી ગયો. ટિફિન ન આવ્યું! ભૈયાએ કહ્યું: બીબીજીને કહા હૈ હોટેલસે ખાના મંગવાકે ખા લેના!!

મને કંઈ સમજ ન પડી. સાથી મિત્રોના ટિફિનમાંથી થોડી થોડી પ્રસાદી લઈ પેટ પૂજા કરી. સાંજે જરા વહેલો પહોંચ્યો. બારણું ઠોક્યું. કોલબેલ દબાવી આંગળીઓ દુખી ગઈ. દશ પંદર મિનિટ પછી દેવીએ દર્શન દીધાં!

‘કેમ શું થયું...?’ મેં ચિંતાથી પૂછ્યું.

‘કંઈ નહિં...!!’ એ આંખોથી ચોળી બોલી, ‘હું ઊંઘતી હતી!! ‘

‘હમણાં...?!’

‘હા...!’ પોતાના છુટા વાળ એકત્ર કરી પાછળ બાંધતા એ બોલી, ‘રાત્રે બિલકુલ ઊંઘી જ નહોતી.’

-તો...વાત આમ હતી!! ગઈ રાત આખી એણે સુવાનો અભિનય કર્યો હતો...અને જાગતી જ રહી હતી...!! એટલે જ ઘરઘરાટ સંભળાયો નહોતો.

હું કપડાં બદલતો હતો ત્યાં જ એ વદી, ‘કપડાં બદલતો નહિ!! બપોરથી જ રસોઈ બનાવી નથી. હોટેલે જમવા જવાનું છે. હું હમણાં જ તૈયાર થઈ જાઉં છું!!’ કહીને એ ઝડપથી બાથરૂમમાં ભરાઈ ગઈ.

-મારું બેટું!! આ ખરું!! આખો દિવસ ઘોરતી રહી ને હવે હોટલે ચાંદલો ચોંટાડવાનો...!

હોટલમાં જમતા જમતા એ બોલી, ‘હું કદાચ ઊંઘતા ઊંઘતા ઘોરતી હોઈશ!!’

‘ના, તું ઊંઘતા ઊંઘતા નથી ઘોરતી પણ ઘોરતાં ઘોરતાં ઊંઘે છે!’ મેં એનું વાક્ય સુધાર્યું, ‘...અને તું મારી ઊંઘ ઉડાડી મૂકે છે.’

‘એ બધું એક જ કહેવાય. પરંતુ એનો તો એક જ ઉપાય છે.’

‘શું?? બોલ...બો...લ...!!’ હું ખૂબ ખુશ થઈ ગયો.

‘હું આજની જેમ દિવસે ઊંઘી જાઉં!’ એ મરકતા બોલી. એના રતમુડા ગાલમાં ખંજન પડ્યા એ મને ખંજર જેવા લાગ્યા. એનું વાક્ય એણે પૂરું કર્યું, ‘....ને પછી આ....આ...મ નવી નવી હોટલોમાં રોજ સાંજે ખાવા જઈએ...!!’

‘હા...આ...આ...!! ઊંઘવા સારું પેટ બગાડવાનું ને...ગજવા ખાલી કરવાના...?!’ હું ડિશમાં મૂકેલ બટર કુલ્ચાની જેમ તપી ગયો અને વાસી દાળ ફ્રાયની જેમ ઠંડી થઈ ગઈ.

ફરીથી વધુ એક વસમી રાત જાગતા સુતા પડખાં ઘસતા પસાર કરી.

બીજે દિવસે ઑફિસે ગયો. સાહેબ આજે કશે ટુરમાં હતા એટલે અમને મોજા હી મોજા જ...!! મારા ક્લાર્ક ત્રિવેદીને પત્નીના પરાક્રમની વાત કરી તો એને પણ નવાઈ લાગી, ‘અરે...મ્હેતા..!! બૈરાં તે કંઈ ઘોરે...?!’ ત્રિવેદી ઘોરવાનો જન્મસિદ્ધ અધિકાર ફક્ત પુરુષનો જ હોય એમ માનતો હતો, ‘તને કંઈ ભ્રમ થતો હશે. પુરુષો જ ઘોરે...!!’

‘ના...યા...ર..! તું નહિ માને પણ મારું બૈરું....!!’ સાહેબ ટુરમાંથી અચાનક ઑફિસમાં ધસી આવ્યા એટલે વાત રોકી દઈ શાહમૃગની માફક અમે ફાઈલમાં માથું માર્યું!!

ફાઈલમાંથી જાણે કંઈ વાંચતો હોય એમ ત્રિવેદી ગણગણ્યો, ‘તું એમ કર...મ્હેતા....!’ ત્રિવેદી પાસે દરેક મુશ્કેલીઓનો કોઈને કોઈ ઇન્સ્ટન્ટ ઇલાજ હોય છે, ‘ઘોરે તો પડખાં ફેરવવા!!’

‘યા...ર..! એ તો હું કરું જ છું!!’ હું ચિડાયો.

‘તું સમજ્યો નહિ...!!’ ત્રિવેદીએ વધુ ચોખવટ કરી, ‘તારે એને પડખું બદલી સૂઈ જવાનું કહેવાનું સમજ્યો...?! જેવો ઘરઘરાટ ચાલુ થાય એટલે તારે કહેવાનું ડાર્લિંગ, ફરીને સૂઈ જા...!! પછી જો જે કોઈ ફેર પડે છે કે નહિ...!!’

‘ઓ...ઓ...હ...!! તો એમ કહેને...!?’ ફાઈલમાં નજર રાખી ગુસપુસ કરતા જોઈ આજુબાજુના સહકર્મચારીઓને નવાઈ લાગી રહી હતી, ‘યા...ર...! ત્રિવેદી!! એમ કરે તો જાગતા રહેવું પડે...!?’

‘આમ પણ તું તો જાગે જ છે ને...!!’

‘પણ રાત આખી પડખાં ફેરવ ફેરવ કરે તો એ પણ જાગતી રહે!!’

‘તે તો સારું જ છે ને...?!!’ હસતા હસતા એ બોલ્યો, ‘પછી બન્ને ચકા-ચકીએ ચાંચમાં ચાંચ ભેરવી અલક-મલકની વાતો કરવાની’

‘સા....ત્રિવેદીના બચ્ચા...!!’ હું ત્રિવેદી પર હું બરાબર તપી ગયો. સાલો મારી ફીરકી લેતો હતો. ગુસ્સામાંને ગુસ્સામાં ફાઈલમાંથી બે-ચાર કાગળિયા કાઢી, ફાડી નાંખી કચરા ટોપલીમાં પધરાવ્યા ને ફાઈલ આઉટ ગોઈંગ મેઈલની ટ્રેમાં સાહેબની સહિ માટે મૂકી. પટાવાળો પરસોત એ જ ફાઈલ સાહેબે મંગાવતા સાહેબની સહિ માટે લઈ ગયો. સાહેબે પત્ર વિનાની ફાઈલ નિહાળી તરત જ મને તેડાવ્યો ને તતડાવ્યો, ‘મહેતા...આમાં છેલ્લું ટેન્ડર ક્યાં છે...!?’

‘કચરા ટોપલીમાં...!!’ મારાથી સહજ બોલાઈ ગયું.

‘શું...ઉં...ઉં...ઉં...??’ સાહેબનો અવાજ ફાટી ગયો..

‘સોરી સાહેબ...!!’ મેં જલદીથી મારી ભૂલ સુધારતા કહ્યું, ‘સાહેબ, કચરા ટોપલી અને કચરા પેટી ખરીદવાનું ટેંડર મારા ટેબલ પર છે. ફાઈલ કરવાનું હતું ને પરસોત તમારી સહિ માટે લઈ આવ્યો.’ હું ઝડપથી સાહેબની ચેમ્બરમાંથી બહાર આવ્યો. લગભગ દોડતો કચરા ટોપલી પાસે ગયો. તો...ટોપલી સાવ ખાલી ખમ...!! ટોપલી ટેંડર ખાઈ ગઈ હતી.

‘અ...રે...!! ત્રિવેદી, આ ટોપલી...આ... આમ...ખા....આ...લી....!!’

‘મણી હમણાં જ બધાની ટોપલી ખાલી કરી બધો કચરો લઈ બહારની કચરાપેટીમાં નાંખી આવી...’

‘અ...રે...!! યા...યા...આ...ર...!! આ તો ભારે લોચો થઈ ગયો. એમાં તો પૂંજામલ કચરામલ ટોપલીવાલાનું ટેંડર હતું...!! કચરા ટોપલી અને કચરાપેટીનું....!!’ મેં ત્રિવેદીને સમજાવવાની કોશિશ કરતા કહ્યું.

‘ટેંડર કચરા ટોપલીમાં...!?’ ત્રિવેદીનો ગોળ મટોળ ચહેરો આશ્ચર્યચિન્હ જેવો લાં...બો થઈ ગયો, ‘તને ખબર છે? એ પૂંજામલ કચરામલ તો સાહેબના સાઢુના સંબંધીના સંબંધી થાય છે! ને....એ...એ...જ ટેંડર તો તારે પાસ કરવાનું છે. હવે તું મરવાનો સા...!!’

હું ઑલમ્પિકમાં જોડાયો હોઉં તેમ બહાર કચરાપેટી તરફ દોડ્યો. કચરાપેટીના વસાહતીઓ કૂતરા...ડુક્કરો...ગાય-બકરાં વગેરે વગેરે...મારા તરફ શંકાશીલ નજરે જોવા લાગ્યા. એક ગર્દભરાય મને નિહાળી ભડક્યો...મારામાં એને એનો કોઈ અંશ દેખાયો હશે એટલે રાજી થઈ હોં...ઓં...ઓં...ઓં...ચી...!! હોં...ઓં...ઓં...ઓં...ચી...!!હોંચી...!! કહી મિલે સુર મેરા તુમ્હારા તો સુર બને હમારા ગાવા લાગ્યો...!! કૂતરાઓએ ગર્દભરાય પાસે પ્રેરણા લીધી અને એમનો સુર મેળવ્યો. જેમ તેમ ફાંફાં મારી મેં ટેંડર ખોળી કાઢ્યું! જો સહેજ મોડું થયું હોત તો મારે ગાયમાતાના છાણમાંથી ટેંડર શોધવું પડતે...!!ચોળાયેલ-ચૂંથાયેલ ટેંડર લઈ સાહેબની ઓફિસ તરફ દોડ્યો. સાહેબ જ્વાળામુખી બની ફાટ્યા...ગાજ્યા અને ગર્જ્યા...!! માંડ માંડ મેં એમને ઠાર્યા. સાહેબે બીજો મેમો તો ફટકારી દીધો જ....!! હ...વે જો ત્રીજો મેમો મળે તો...નોકરી ગઈ જ સમજવી....!! ઑફિસમાં મારું નવું નામ પડ્યું મ્હેતો મેમાવાળો...!! ધીરે ધીરે આખી ઑફિસમાં હું એકની એક ઘોરતી પત્નીનો એકનો એક પતિ, પિડીત પતિ છું એની સર્વને જાણ થઈ ગઈ. જાણે હું ગિનિસબુકનો હરતો-ફરતો વર્લ્ડ રેકર્ડ હોઉં એમ સર્વે મને જોવા લાગ્યા.

એક બળબળતી બપોરે પટાવાળો પરસોત મારી પાસે આવ્યો. પરસોત મોટે ભાગે પીને જ આવતો!

‘મે’તા સાયેબ...!’ કાનમાં દિવાસળીની સળીથી ખનન કરતા એ બોલ્યો, ‘એક ઉપાય સે...’

‘શાનો...??’

‘તમારા રોગનો...!!’

‘મને કોઈ રોગ નથી...’

‘એટલે કે તમારી બાયડીના રોગનો...!’ પરસોતે એનું વાક્ય સુધાર્યું.

-મારો બેટો પરસોત પીધેલ...મારી મશ્કરી કરે છે.

‘મે’તા સાયેબ, અકસીર ઉપાય સે...’

‘બોલ..., જલદી બોલ... મારે ઘણું કામ છે...!!’ કદાચ, કંઈ જાણતો પણ હોય એમ વિચારી મેં કહ્યું, ‘મા...રી મશ્કરી તો નથી કરતોને...?’

‘સાયેબ, તમારી તે મશકેરી તે કંઈ થાય...??’ બત્રીસી પહોળી કરી તમાકુ-ચૂનો ખાઈ ખાઈને કટાઈ ગયેલ એની બત્રીસી બતાવતા એ બક્યો, ‘બોલતી ઘોરની બાધા રાખો...!!’ કાનની ખનન પ્રવૃત્તિને સહેજ અટકાવી એ બોલ્યો, ‘મારા ઘરની પાંહે બોલતા ઘોરની એક દરગાહ છે!! બહુ સત છે એનું. ત્યાં ચાદર ચઢાવવાની માનતા રાખો...!!’

માનતા માનવાથી જો બૈરીની બલા ટળતી હોય તો સારું એમ મને રસ પડ્યો, ‘શું વાત કરે છે? બોલતા ઘોરની દરગાહ...!!’

‘હો...વ્વે સાયેબ...!!’ એનું ગંધાતું મ્હોં મારા કાન પાસે લાવી બોલ્યો, ‘મારો હહરો બો ઘોરતો ઊ’તો...!! તે મેં એના હારૂ બાધા રાખેલ...!!’ સસ્પેન્સ ઊભું કરવા એ અટક્યો.

‘તે પછી શું થયું..??’ મારી જિજ્ઞાસા જાણવા જ એ અટકેલ.

‘થવાનું હું ઉતુ....?! હહરો હારો ઘોરતો જ બંધ થૈ ગીયો...’ ચપટી વગાડી એ બોલ્યો

‘જા...જા...!!’ મને રસ પડ્યો, ‘શું વાત કરે છે?!’ મને તો જાણે ઉપાય મળી ગયો. હું રાજીનો રેડ થઈ ગયો.

‘હો...વ્વે..!! સાયેબ..., બાધા રાખીને તણ દાડામાં તો હહરો ધબી ગયો... પછી તો ક્યાંથી ઘોરે...?! પણ એ તો બો ઘરડો ઉતો...!! તમે બાધા રાખી જ લો..! બહુ સત્ છે એ પીરનું...!!’

‘સા....!! પરસો...ત...પીધેલ...!! તું મારી એકની એક જુવાનજોધ બૈરીને મારી નાંખવા બેઠો છે...?! જા...તું તારું કામ કર...અને મને મારું કામ કરવા દે...! મારી ઊંઘ ન બગાડ....!!’ સાહેબ આજે રજા પર હતા એટલે હું ઊંઘવાની તૈયારી કરવા લાગ્યો. ચારેક કલાકની ખુરશી નિદ્રા લઈ ટેલિવિઝન પર આવતા ન્યૂઝ રીડરની માફક હું તાજો-માજો થઈ ગયો. ભારતના પનોતાં પ્રધાનોની માફક ખુરશીમાં ઊંઘવાની પવિત્ર પ્રવૃત્તિને કારણે વારંવાર ચૂંટણીમાં ચૂંટાઈ આવે એમ હું પણ જો ચૂંટણીમાં અપક્ષ ઉભો રહું તો ચૂંટાઈ પણ આવું!! પ્રધાનોને ચાલુ પાર્લામેન્ટે ખુરશીમાં ડોકું ધુણાવ્યા વિના કેવી રીતે ઊંઘવું એની ટ્રેઇનિંગ આપવી હોય તો મારી ચોક્કસ જરૂર પડે. મારા મગજમાં જાતજાતના વિચારો ચાલવા માંડ્યા. સ્થિતપ્રજ્ઞ નિદ્રાવસ્થાને કારણે મારી ગરદન થોડી દુખવા લાગી હતી. ઘરે જતા રસ્તામાં લાઇબ્રેરી આવતી હતી. ત્યાં ગયો. ડોશીવૈદુંના ચાર-પાંચ પુસ્તકો ઊથલાવ્યા. ત્યારે માંડ માંડ એક પુસ્તકમાંથી ઘરઘરાટ બંધ કરવાનો નુસખો મળ્યો.

ઘરે આવ્યો. વાળુ કર્યું. સુવાની ને સુતા સુતા જાગતા રહેવાની તૈયારી સાથે પત્નીના પડખે ભરાયો. પુસ્તકમાંનો નુસખો હતો. નસકોરાંમાં એરંડિયાના...દિવેલના....હૂંફાળા દિવેલના ટીપાં મૂકવાના....!! આ મહાન કાર્ય મારે પત્નીની જાણ બહાર જ કરવું હતું. જો એને કહું તો એ થોડી કરવા દેવાની હતી...?? થોડી વારમાં મારી પત્નીએ સુરાવલિઓ છોડવા માંડી...ઘ...ર...ર....ર....! ઘ...ર...ર....ર....! ઘ...ર...ર....ર....! ઘ...ર...ર....ર....! ઘ...ર...ર....ર્...

હું હળવેકથી પથારીમાંથી ઊભો થયો. નાનકડી ચમચીમાં દિવેલ લીધું મીણબત્તી સળગાવી ચમચી એની જ્યોત પર ધરી દિવેલ તપાવ્યું. ચમચીમાં દિવેલમાં આંગળી બોળી તાપમાન તપાસ્યું તો દાઝ્યો...!!પીડાના માર્યા મારાથી ચીસ પડાઈ ગઈ!! ધારવા કરતા દિવેલ વધુ તપી ગયું હતું ને ચમચી હાથમાંથી છટકી ગઈ ને દિવેલના છાંટણિયાં છંટાઈ ગયા ફરસ પર...!! આ બધું થઈ ગયું તો પણ મારી ભાર્યાનો ઘરઘરાટ તો ચાલુ જ રહ્યો. એ તો ઘસઘસાટ ઘોરતી જ રહી. પણ આજે તો મારે અખતરો કરવો જ હતો. દિવેલ લઈ બાટલી મેં રસોડામાં ભંડાકિયામાં મૂકી દીધેલ...!! તે લેવા માટે હું રસોડામાં ગયો. ચમચીમાં દિવેલ લઈ ઢોળાઈ ન જાય તેની કાળજી રાખી દબાતે પગલે ધીમે ધીમે ચાલતો હું ફરી શયનકક્ષમાં આવ્યો...ને....ધડામ્ કરતો પડ્યો...!! જાણે પગ તળેથી ધરતી અચાનક સરકી જ ગઈ....!! હાથમાં દિવેલની ચમચી છટકીને ક્યાંક જતી રહી...થયું શું હતું કે, પહેલી વખતે દિવેલના છાંટણિયાં ફરસ પર છંટાયા હતા તેણે મને દગો દીધો...દિવેલ એનો ચીકણો સ્વભાવ કંઈ છોડે....! હું લપસ્યો....! બરાબરનો લપસ્યો....! માથું જોરથી પથ્થરની ફરસ પર પછડાયું...!! એટલે મારા ખાલી મગજમાં સ…ન...ન...ન...ન્..ન્...ન્.. થઈ આવ્યું...!! મને લાગ્યું કે હું બેહોશ થઈ જઈશ...! પણ બેહોશ તો ન થયો...! પણ અધમુઓ તો જરૂર થઈ ગયો. દિવેલનો અખતરો કરવાના મારા હોશકોશ ઉડી ગયા. હાય...રે..નસીબ....!! મારી બૈરી તો ઘોરતી જ રહી... ઘ...ર...ર....ર....! ઘ...ર...ર....ર....! ઘ...ર...ર....ર....!

મારા શયનકક્ષની ફરસ પર ઠેર ઠેર દિવેલ છંટાયું હતું. ફરસ પર બે હાથો વચ્ચે મારી નાનકડી પાંચશેરી પકડી થોડી વાર બેસી રહ્યો. લાંબા સમય પછી હું હળવેકથી ઊભો થયો. ચાંદ પર ચાલતો પહેલો ભારતીય ચંદ્રયાત્રી હોઉં એમ ડગ માંડતો પલંગ પાસે ગયો. આ બધામાં મારી સર્વ શક્તિ હણાઈ ગઈ હતી. હું પથારીમાં પથરાયો. ને જુઓ કુદરતની કમાલની કરામત...બૈરી મારી ઘોરે ઘરઘરાટ....!!

મારું માથું ફાટફાટ થતું હતું. બેડરૂમમાં દિવેલની વાસ મઘમઘ થતી હતી. ગમે તેમ કરીને મારે મારી બૈરીના કાટ ખાઈ ગયેલ નસકોરાંમાં દિવેલ ઊંજવું જ હતું!! થોડા સમય પછી વેરવિખેર થયેલ મારી હિંમત એકત્ર કરી ફરી ઊભો થયો. દિવેલ હુંફાળુ કરવાનું માંડી વાળી ચમચીમાં દિવેલ લઈ કાળજીથી મારી ભાર્યાના નસકોરાંના ભૂંગળાઓમાં ત્રણ-ચાર ટીપાં દિવેલના ઊંજ્યા... મારી બૈરીએ થોડા અસમંજસ અવાજો કર્યા. હા....શ....!! જાણે ભારતીય ચંદ્રયાન ચંદ્રની ધરા પર ઉતર્યું ખરું...!! દિવેલ પુરાયા બાદ ઘરઘરાટ ઓછો તો થઈ ગયો. લગભગ બંધ થઈ ગયો...! મારી ય આંખ લાગી ગઈ. પણ હાય રે....નસીબ...!! થોડા સમય પછી મારી ઊંઘ અચાનક ઉડી ગઈ. કંઈક વિચિત્ર અવાજ મારાં કાનમાં ઘૂસ્યો. હું ક્યાં છું એની મને તો પહેલા જાણ જ ન થઈ...!! મેં આંખો ચોળી આજુબાજુ નજર કરી...! તો હું મારી પથારીમાં જ હતો અને પેલો અજાણ્યો અવાજ મારી એકદમ નજદીકથી જ આવતો હોય એમ મને લાગ્યું!! એકદમ મને ખ્યાલ આવ્યો કે આ અવાજ તો મારી પડખેથી જ આવી રહ્યો છે....!! મેં પથારીમાં પહોળી થઈને પથરાયેલ મારી પત્ની તરફ નજર કરી...!! એ જ અવાજ કરી રહી હતી: સિ...ઈ...ઈ...ઈ....ઈ સુઊઊઊઊમ્... ! સિ...ઈ...ઈ...ઈ....ઈ સુઊઊઊઊમ્... ! સિ...ઈ...ઈ...ઈ....ઈ સુઊઊઊઊમ્... ! અવાજની ફ્રિકવંસી જ બદલાઈ ગઈ હતી. દિવેલે કામ તો કર્યું જ હતું...! પણ અવાજ બંધ કરવાનું નહિ....!! અવાજને ચીકણો બનાવવાનું...! હવે મારી ભાર્યાના નસકોરાંમાંથી સિસોટી વાગતી હોય એવો અવાજ આવવા લાગ્યો... સિ...ઈ...ઈ...ઈ....ઈ સુઊઊઊઊમ્... ! સિ...ઈ...ઈ...ઈ....ઈ સુઊઊઊઊમ્... !

-ઓહ ભગવાન શું થશે મારું...!?

સવારે ઊઠ્યો ત્યારે માથું ભારી ભારી થઈ ગયું હતું. માથામાં પાછળના ભાગે ગૂમડું ઊપસી આવ્યું હતું અને એમાં ભારે દર્દ થતું હતું. મારા દિવેલના અખતરામાં આવો મોટો ખતરો હશે...ખતરો થશે એની તો મને કલ્પના જ ન્હોતી...!! ખાતર પર દિવેલ કહેવત તો આપણે જાણીએ પણ આ તો જાગરણ પર દિવેલ....!! જેમ તેમ તૈયાર થઈ, નાહી-ધોઈ, ચા-પાણી કરી હું નોકરીએ ગયો. મારે નોકરીએ જવું પડે એમ હતું નહીંતર આજે ગુલ્લી મારી દેત...! ત્રિવેદી મારા કરતાં વહેલો આવીને ડાહ્યા બાળકની માફક ત્રણ-ચાર ફાઈલો ટેબલ પર પાથરી જાણે બહુ કામ હોય એવું ત્રિઅંકી નાટક કરી રહ્યો હતો એ પરથી મને ખ્યાલ તો આવી જ ગયો કે સાહેબ આજે ઑફિસે પધારી ચુક્યા છે. મારા ટેબલની પાછળ મારી ખુરશીમાં ગોઠવાતા મેં સાહેબની ચેમ્બર તરફ ઇશારો કરી ત્રિવેદીને પૂછ્યું, ‘કેમનું છે...!?’

‘ઓસામા આવી ગયો છે!’ ત્રિવેદી દરરોજ સાહેબના મિજાજ પ્રમાણે નવા નવા નામો પાડવામાં પાવરધો હતો. ફાઈલો ઉથલાવતા ઉથલાવતા એ બોલ્યો, ‘ઓસામાએ આવતાની સાથે જ પરસોતને ખખડાવ્યો છે. આજે તો એને બધા બુશ અને ઓ..બામા જેવા લાગે છે...!!’

‘કોની બા...ને કોની મા...?!’

‘અ...રે...!! મ્હેતા...!! કોઈની બા ને કોઈની મા નહિ....!! ઓ…બામા...!! ઓબામા...!! પેલો અમેરિકાનો નવો પ્રૅસિડેન્ટ...!!’ ત્રિવેદી સહેજ મરકીને બોલ્યો, ‘મ્હેતા, આજે તો સાચવીને રહેજે...!! ને ભૂલેચુકે ઊંઘતો નહિં નહીંતર ઓસામા તને તારા પાછળના ચોક્કસ ભાગે એક જોરદાર લાત મારીને કાઢી મૂકશે...!!’ ત્રિવેદીએ મને ડરાવ્યો.

મેં પણ ત્રિવેદીની માફક જ ફાઈલો પરથી ધૂળ ઉડાડવા માંડી. મને ભારે ઊંઘ આવતી હતી. બે-ત્રણ વાર બાથરૂમ જઈ મ્હોં ધોઈ આવ્યો. પરસોત પાસે ચા મંગાવી ચા પીધી. મારા બાથરૂમના આંટાફેરાને લીધે સહકર્મચારીઓ શંકાની નજરે જોવા લાગ્યા. ચા પી પી ને જાગતા રહેવા સિવાય છૂટકો ય ન્હોતો. પરસોત પાસે વારે વારે ચા મંગાવવામાં એ જોખમ હતું કે મારા માટે હું અડધી ચા મંગાવતો પણ પરસોત પોતે મારા તરફથી, મને પૂછ્યા વિના આખે આખી બાદશાહી દર વખતે ઠઠાડી આવતો હતો!!

‘મ્હેતા...તું દાક્તરને બતાવ...!!’ ત્રિવેદીએ ફાઈલમાં ચિતરામણ કરતા કહ્યું.

‘મને કંઈ નથી થયું...!! આ તો બે-ત્રણ દિવસથી બરાબર ઊંઘવાનું નથી મળ્યું ને...’ એને હું કઈ રીતે મારા દુખતા ગૂમડાની વાત કરૂં!

‘હું તારી વાત નથી કરતો...!’ ત્રિવેદી હસીને બોલ્યો, ‘...તારી બૈરીની વાત કરૂં છું! તારી બૈરીને બતાવ ડો. બેજન બાટલીવાળાને....!!’

‘બેજન બાટલીવાળા....??’

‘હા, એ બાવાજી દાક્તર નાક-કાન-ગળાનો સ્પેશ્યાલિસ્ટ છે. બહુ જ હુંશિયાર છે. તારી બૈરી પણ નાક-ગળામાંથી જ ઘરઘરાટી બોલાવે છે ને...બતાવી જો, કદાચ કોઈ ઉપાય મળી પણ આવે....!!’

‘સારું...!’ કંઈક વિચારીને મેં એને પૂછ્યું, ‘ક્યાં છે એનું દવાખાનું ?’

ત્રિવેદીએ મને સરનામું આપ્યું. મારા ઘરે જવાના રસ્તે જ એનું દવાખાનું આવતું હતું. ચાના કપ પર કપ ગટગટાવવાથી થોડી તાજગી આવી ગઈ હતી. સાંજે ઘરે જતી વખતે ડો. બાટલીવાળાના દવાખાને ગયો. એ માખીઓ મારતો જ બેઠો હતો. મને જોઈને એના જીવમાં જીવ આવ્યો.

‘આ...વ...ડી...ક...રા....આ...!’ ડો. બાટલીવાળાએ મને આવકાર્યો. હું એના ચહેરાને જોતો જ રહ્યો. એકદમ પારસી છાપ ચહેરો હતો એનો. લાંબું નાક...કાકડી જેવું...! ચપટા સહેજ ખરબચડા પણ ગોરા ગોરા ગાલ...! માથે અડધી ટાલ...! અને ચીમળાયેલ કાન...!! એ બોલતો હતો ત્યારે એની લાંબી ડોકનો હાડિયો ઊંચો-નીચો અને આગળ-પાછળ થતો હતો. એના વિચિત્ર નાક, કાન અને ગળાને કારણે જ એ નાક, કાન ગળાનો દાક્તર થયો હોવો જોઈએ...! પહેલાં એણે પોતાની જાત પર જ પ્રયોગો કર્યા હોય એમ મને લાગ્યું. જ્યારે એ નાનો હશે ત્યારે એ બહુ તોફાની હોવો જોઈએ. એની મા એની આંગળી પકડીને ચાલવાને બદલે એનું નાક પકડીને ચાલતી હોવી જોઈએ. એટલે જ એ લાંબું થઈને લટકી પડ્યું હતું. સ્કૂલમાં તોફાનને કારણે એના શિક્ષકો એના કાન વારંવાર ચિમળતા રહેતા હશે એટલે કાનનો વિકાસ અટકી ગયેલ હતો.

ગળાનો હાડિયો નચાવી આગળ પાછળ કરી પછી બરાબર ગોઠવી દાક્તર બાટલીવાળાએ ફરી એના તીણા અવાજે મને આવકાર્યો, ‘આ...વ...ડી...ક...રા....આ...!!’ અને એનું લાંબું નાક મારા તરફ તાક્યું! જાણે એ મને નાકથી તપાસવાનો ન હોય.

‘સું...ઉ...ઉં તકલીફ છે...ટુ...ઉ...ને...!’ હાથમાં નાનકડી ટૉર્ચ-ફ્લેશલાઈટ લઈ ડો. બાટલીવાળાએ મારા તરફ પ્રકાશ ફેંક્યો, ‘ખો..ઓ...લ!! તારું મ્હોં જોમ...ને મોત્તેથી આ...આ...આ...આ...કર...!!’

મેં મ્હોં ફાડ્યું ને આ...આ...આ...કરવાનું શરૂ કર્યું. પછી મને અચાનક જ યાદ આવ્યું કે હું ક્યાં પેશન્ટ છું. એટલે મારા મ્હોંની દાબડી ફટ્ દઈને બંધ કરી દીધી.

‘કેમ સું ઠયું...?’

-શું કહેવું એની મને સમજ ન પડી.

‘દાક્તર સાહેબ…’ થૂંક ગળી હું માંડ માંડ બોલ્યો.

‘ગભરાટો નહિં...ટુ દોક્ટર પાસે આયો છે!! કંઈ ફિલ્ડ માર્સલ માનેકસા પાસે નથી આયો...!! સમજ્યો...?’

‘વાત એમ છે કે...’

‘બોલની દીકરા...વાટ સું છે...? મને ન કહેસે.... ટો કોને કહેસે...!’

‘હું પેશંટ નથી...!’

‘ઢ…ટ્ટે...રે...કી...ની...!!’ ડોક્ટર બાટલીવાલા નિરાશ થયા, ‘ઉં તો સમજ્યો કે ટું પેસંટ છે!’ એક ઊંડો શ્વાસ તાણી, એના નાક દાંડી અને હાડિયાને હલાવી ફરી ગોઠવી એ બોલ્યા, ‘ટો પછી તું અહિં સું કામ ગુંડાણો...? બોલની...’

‘એમાં એવું છે ને કે...’ હું ગૂંચવાયો...

‘સું છે ભસી મરની...!’ હવે દાક્તર કંટાળ્યા હોય એમ લાગ્યું.

‘મારી પત્નીને તકલીફ છે!’

‘ટો પછી ટારી પટ્નીને અહિં લાવની...!’

‘તે નથી આવી...!’

‘કેમ...? એ કેમ નઈ આવી ?!’ હવે પાછો એને રસ પડવા લાગ્યો, ‘કેમ ભારે પગે છે? આઈ મીન એ કેમ નઈ આવી ?!’

‘ના, મારે એ પહેલા જાણવું છે કે એના રોગની કોઈ દવા છે કે નહિં!!’

ડા. બાટલીવાલા ચુંચવી આંખે અને અણીદાર નાકે મારા તરફ હું કોઈ વિચિત્ર પ્રાણી હોઉં એમ જોવા લાગ્યા. એની ટેવ મુજબ ઊંડો શ્વાસ લઈ બોલ્યા, ‘ટુને ખબર છે કે ટારી બાયડીને સું ઠયું છે. દાક્તર ટું છે કે હું...?!’

‘એ તો તમે જ છો.’ મેં પણ એના કરતાં વધુ ઊંડો શ્વાસ લઈ કહ્યું, ‘મારી બૈરીનો રોગ તો બધાને સંભળાય છે!’

‘રોગ ટે કંઈ સંભળાઈ...?!’ દાક્તરનું નાક વધારે લાંબું થઈ ગયું અને થોડું લાલચોળ પણ થઈ ગયું, ‘સું કહેચ ટે કંઈ સમજાઈ એવું બોલની બાવા... કંઈ મેડ છે કે સું...??’મારી માનસિક હાલત વિશે હવે એને શંકા થવા લાગી. બેલ મારી એણે એના કમ્પાઉંડર કમ સેક્રેટરીને તેડાવ્યો. મને થયું કે એ હવે એ મને ઊંચકીને ફેંકાવી દેશે. પરંતુ દાક્તર એમ કંઈ મને છોડે. એણે પાણી મંગાવી મને પીવા માટે આપ્યું. મને તરસ તો નહોતી લાગી છતાં આખું ગ્લાસ હું ગટગટાવી ગયો.

‘બો...લ ડીકરા..! સમજીને મને સમજાવસ...કે સું ટકલીફ છે તુને...!! ગભરાટો નહિં મારી કને બઢ્ઢાની દવા છે.’

‘સાહેબ, મને તકલીફ નથી. તકલીફ મારી પત્નીને છે. એ ઊંઘે ત્યારે બહુ ઘોરે છે.’ હું ઝડપથી બોલી જ ગયો.

‘….ટે ઊંઘે ટીઆરે જ ઘોરેને...?! જાગટા હોય ટો થોરૂં ઘોરાય...??’

-ઓ...હ...!! આ તે દાક્તર છે કે....મને ગુસ્સો આવી ગયો...પણ હું મૌન જ રહ્યો.

‘જો...ઓ...ડીકરા...!! સું નામ કીઢું તારું મહેટા..!! હા, તો મિસ્તર મહેટા..!!’ એણે કેસ પેપરમાં મારું નામ જોઈ કહ્યું, ‘ઘોરવું એ કંઈ રોગ નથી. હું પન ઘોરૂં છું!!’ અને પછી અટકીને એણે મોટ્ટું બગાસું ખાધું!! પછી ટેવ મુજબ સિસકારો બોલાવી ઊંડો શ્વાસ લીધો.

‘...પ...ણ દાક્તર સાહેબ એનો કોઈ ઉપાય તો હશેને...!!’

‘સા...નો..?!’

‘ઘોરવાનો...!!’

‘એટલે સું ટારે પન ઘોરતા સિખવું છે??!’

-ઓહ ....!!

‘જો ડીકરા મહેટા..!! સમજ !! કોઈને ઘોરતા બંઢ ન કરી શકાય ને કોઈને પણ ઘોરતા સીખવી ન શકાય...!! ઈમ્પોસિબલ્..!! ટારામાં જન્મજાત કલા હોય ટો જ ઘોરટા આવડે...સમજ્યો...?’ દાક્તરે હિપોપોટેમસની માફક પહોળું મ્હોં કરી બગાસું ખાધું. જો હું લાંબો સમય આ દાક્તર પાસે રહીશ તો મને પણ બગાસાં પર બગાસાં આવવા લાગશે.

મને ખરેખર એક બગાસું આવી જ ગયું.

‘છતાં પણ સાહેબ મારી પત્ની ઘોરતી બંધ થાય એવું કંઈ કરવું પડશે કે જેથી મને ઊંઘ આવી જાય...!!’

‘પિયર મોકલી દે...!!’ હસીને દાક્તર બોલ્યા.

‘એટલે શું થશે?’ હું જરાક ચિડાયો.

‘એ પિયરમાં ઘોરસે....!’ હસવાનું માંડ અટકાવીને એ બોલ્યા, ‘પછી ડીકરા ટું નિરાંટે ઊંઘાય એટલું ઊંઘજે...!!’ પછી એ એકદમ અટકી ગયા. વિચાર કરી બોલ્યા, ‘ એમ કર. હું ટુને ગોલી લખી આપું છું ! રોજ રાટ્રે ટારે એક ગોલી ગલવાની....!! પાનીની સાથે. સુવા પે’લ્લા!’

‘મારે ગળવાની...?!’ જાણે મેં હમણાં જ કડવી દવાની ગોળી ગળી હોય એમ મારા મ્હોંનો સ્વાદ કડવો કડવો થઈ ગયો.

‘ગોલી ગલસે ને ટુને સોજ્જી મજેની ઊંઘ આવી જસે...!! પછી છોને ટારી બૈરી ગમે એટલું ઘરઘરાટ ઘોરે...તારી ઊંઘવાનું એકદમ ઘસઘસાટ....!! સું સમજ્યો...?! દાક્તરે ઊંઘવાની ગોળીનું પ્રિસ્ક્રિપ્શન લખી મને આપતા કહ્યું, ‘જો’ને બા...વા...!! એક જ ગોલી ગલજે...રાટ્રે સુવા જવા પેલ્લાં. ગોલી ગલે તીયારે દારૂ ની પીવાનો...! સમજ્યો..?! ચાલ જા, મજે કર...!! ને મારી ફીસના પાંચસો ઢીલા કર...!!’

‘પાં...ચ...સો...રૂ...પિ...યા...?!’ દાક્તરની દામ સાંભળીને મારી આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ.

‘આમ ડોળા સાનો કાઢે છે...?! તું પેસ્યાલિસ્ટને ત્યાં આયો છે. દોક્ટર બાટલીવાલાને ત્યાં! સું સમજ્યો...?! કોઈ રેંજી પેંજીને ત્યાં નથી આયો....!’ ફરી દાક્તરે મ્હોં પહોળું કર્યું. બગાસું ખાવા જ સ્તો.

-તો ઘોરવાની કોઈ દવા નહોતી!!

મને પણ બગાસાં આવવા લાગ્યા. બગાસાં ખાઈ ખાઈને દાક્તરે બગાસાંનું બિલ પણ મારી પાસે વસૂલ કરી લીધું હતું! દાક્તરને પાંચસોનો ચાંદલો ચોંટાડી હું બહાર આવ્યો. રાત્રે ઊંઘવા માટે આમ કંઈ ગોળીઓ ગળી ન શકાય. એવી ગોળીઓની કેટલીય આડઅસરો હોય છે. હવે..?! હું આ ઘરઘરાટના તરખડાટના ચક્રવ્યૂહમાં બરાબરનો ફસાય ગયો હતો.

રોજની જેમ આજ રાત્રે પણ જાગરણ કર્યું પત્નીના નસકોરાંનો રિયાઝ સાંભળતા સાંભળતા!! હવે કોઈ ઘડાયેલ શાસ્ત્રીય રાગોના ગાયકની માફક એની સૂરાવલિમાં પણ પરિપક્વતા આવી રહી હોય એમ મને લાગ્યું...! સવારે ઊઠ્યો ત્યારે માથું ભારે હતું અને મગજ ખાલીખમ. જેમ તેમ તૈયાર થઈ ઑફિસે ગયો. આજે સાહેબને પણ ઊંઘ ન આવેલ હશે એટલે એ સહુ કરતાં વહેલા આવીને પોતાની ગુફા જેવી ચેમ્બરમાં ઘૂસી ગયા હતા. એટલે સહુ પોતપોતાના ટેબલ પાછળ ગોઠવાઈને કામ કરવાનો અભિનય કરી રહ્યા હતા. ત્રિવેદીએ એની જમણી આંખ મારી મને પૂછ્યું, ‘શું કહ્યું ?! ડૉક્ટર બાટલીવાલાએ બૂચ મારી દીધો ને તારી બૈરીને...?!’

‘જવા દે તું એની વાત...!’ સાહેબની ચેમ્બર તરફ ઇશારો કરી મેં પૂછ્યું, ‘કેમનું છે...?’

‘હવે થોડા દિવસમાં સાહેબની ટુર-ટ્રાવેલિંગ વધી જશે!! સાહેબની સાળીના લગન ગોઠવાયા છે...’ ત્રિવેદી પાસે સાહેબની બધી માહિતી હોય છે.

‘સાળીના લગનને અને સાહેબની ટુરને શું લાગેવળગે...?!”

‘તને એમાં સમજ ન પડે મહેતા.’ ફાઈલ ઉથલાવતા ત્રિવેદીએ કહ્યું, ‘ટુર-ટ્રાવેલિંગના ટીએ-ડીએના પૈસા મળેને એટલે સાળીના લગ્નનો ખર્ચો નીકળી જાય...!! સમજ્યો?’

‘એ બરાબર...!’ ફાઈલો ખોલી રોજની જેમ મેં બગાસાં ખાવા માંડ્યા. દાક્તર બાટલીવાલા પાસે જઈ આવ્યા પછી મને હવે પધ્ધતિસર બગાસાં આવવા લાગ્યા હતા થોડાં થોડાં સમયના અંતરે....!! થોડીવાર પછી સાહેબની પત્નીનો ફૉન આવતા સાહેબ પત્નીની સેવામાં ગયા. એટલે મેં ફાઈલો બંધ કરી, આંખો બંધ કરી સુવાની તૈયારી કરવા માંડી અને થોડી વારમાં તો હું ખુરશીમાં ઊંઘી પણ ગયો.

‘સા...યે...બ...! ઓ મે’તા સા...યે...બ...!! ઊઠો...ઘરે જવાનો ટેમ થૈ ગીયો...!!’ સાંજે ઘરે જવાના સમયે પટાવાળા પરસોતે મને જગાડ્યો.

‘ઓ...હ!! છ વાગી પણ ગયા...?!’ ઊંઘમાં સમય ક્યાં પસાર થયો એની સમજ પણ ન પડી...

‘સા...યે...બ...! આ તમારા હારૂં લાઈવો છું...!’ એક ચપટી બાટલી પરસોતે મારા ટેબલ પર મૂકતાં કહ્યું... ‘ખાસ પેલ્લી ધારનો છે! મહુડાનો...! એકદમ કડક માલ...! ચોખ્ખો...ખાતરીનો...!!’

‘તેનું શું…?!’

‘સા...યે...બ...! ઘેરે જેઈને ખાવા પહેલાં બે કોચલી ગટગટાવી લેજો...! ઊંઘ હારી આવી જહે...!!’ આંખ બંધ કરી પરસોતે ઊંઘવાનો એકપાત્રી અભિનય કર્યો.

‘પ...ર...સો...ત...પીધેલ...!’ જરા ઊંચા સાદે હું બોલ્યો, ‘તું મને પણ તારા જેવો પીધેલ માને છે ?!’

‘સા...યે...બ...! આજે તમે લાખી જુઓ...! ફેર પડે કે’ની...? ભૂખ પણ હારી લાગહે...ને આ ગાલ હડેલાં ટામેટાં જેવાં થૈ ગીયા છે તે સિમલાના સફ્ફરજન જેવા લાલ-લાલ થૈ જહે...!!’ પરસોતે બાટલી મારા તરફ સરકાવી.

ગુસ્સાથી બાટલી ઉપાડી મેં ફેંકી દેવાનો પ્રયત્ન કર્યો તો પરસોતે બાટલી મારા હાથમાંથી છીનવી લઈ મ્હોંએ માડી. પરસોતને પીતો મૂકી અડધો જાગતો, અડધો ઊંઘતો ઑફિસની બહાર નીકળ્યો. બસમાં બેઠો. ઘરે આવ્યો. રોજની જેમ રાત વીતી. સવારે જરા વહેલો ઊઠી રોજની ટેવ મુજબ પડોશી ઊઠે તે પહેલાં એનું પેપર લઈ આવ્યો. અને ચા પીતા પીતા પેપરના પાના ઉથલાવવા માંડ્યા. ઊડતા ઊડતા સમાચારો જોતાં મારી નજર એક ટચુકડી જાહેર ખબર પર પડી: સર્વે રોગના ઉપચાર માટે રૂબરૂ મળો. આપના દરેક પ્રશ્ન...દરેક રોગનો અકસીર ઉપાય...ખાનગી સારવાર...! રોગ સારો ન થાય તો પૈસા પાછા..! રૂબરૂ મળો અને રોગથી છુટકારો મેળવો...દાક્તર સર્વમિત્ર...સ્વામી સર્વમિત્ર...!! હોટલ અપ્સરા, રૂમ નંબર છ...!!

મેં નક્કી કરી લીધું. એક વાર સ્વામી સર્વમિત્રને મળી અજમાવી જોઉં...! ઝડપથી સમાચારો વાંચી બરાબર ઘડી કરી પડોશીનું પેપર એ ઊઠે તે પહેલાં પાછું મૂકી આવ્યો.

સાંજે ઑફિસેથી નીકળ્યા પછી સીધો હોટલ અપ્સરા પર ગયો. રૂમ નંબર છ. સ્વામી સર્વમિત્ર. બોર્ડ વાંચ્યું. એક યુવતી રૂમમાં બેઠી હતી. એની સાથે વાત કરી મેં એને જણાવ્યું કે મારે સ્વામીજીને મળવું છે. અડધો કલાક બેસાડી રાખી એ યુવતીએ મને અંદરના બીજા ઓરડામાં જવા માટે ઇશારો કર્યો. ધીમેથી બારણું ખોલી હું અંદર ગયો. અંદર રહસ્યમય અંધારું હતું કે રહસ્યમય પ્રકાશ હતો મને કંઈ સમજ ન પડી. પણ અંદરના ઓરડાનું વાતાવરણ સાવ વિસ્મયજનક ડરામણું હતું. એક ખૂણામાં માનવ ખોપરી પડેલ હતી. એની આંખોના ખુલ્લાં બાકોરાંઓમાંથી લાલ રંગનો પ્રકાશ બહાર આવી રહ્યો હતો જે એ ખોપરીને વધુ ભયાનક બનાવતો હતો. હું માનવ ખોપરીને આટલે નજદીકથી આજે પહેલી વાર નિહાળી રહ્યો હતો તો એ ખોપરી પણ મને પહેલી જ વાર જોઈ રહી હતી. બીજા ખૂણામાં ઢગલો અગરબત્તી સળગી રહી હતી. એમાંથી નીકળતા ધુમાડાથી આખો ઓરડો ભરાઈ ગયો હતો. મને લાગ્યું કે મને ઉધરસનો એક હુમલો આવી જશે. માંડ માંડ મેં મારી ઉધરસને દબાવી રાખી.

‘આ...આ...ઓ...ઓ...બચ્ચે...!!’ ક્યાંકથી ગહેરો અવાજ આવ્યો. દીવાલ પાસે ગોઠવેલ વ્યાઘ્રચર્મના આસાન પર સ્વામી સર્વમિત્ર બિરાજમાન હતા. એમણે એમનો ચેહેરો ગાઢ દાઢીના જંગમ જંગલ પાછળ સંતાડ્યો હતો. એમની એક આંખનો ડોળો કંઈક વધારે મોટો હતો ત્યારે બીજી આંખની બારી અડધી બંધ રહેતી હતી. એમણે મને એમની નજીક ગોઠવેલ શેતરંજીના આસન પર બેસવાનો ઇશારો કરતા ફરી કહ્યું, ‘આ…આ… ઓ...બચ્ચે...!!

હું સહેજ ડરીને એ આસન પર પલાંઠી વાળી ગોઠવાયો. મારું દિલ ધક ધક ધડકતું હતું. સ્વામીજીએ હાથ લાંબો કરી મારી નાડી તપાસવા માટે હાથ લંબાવ્યો એટલે સાહજિક એમના હાથમાં મારાથી મારો હાથ સોંપાઈ ગયો. પછી મને અચાનક યાદ આવ્યું કે હું ક્યાં દર્દી છું એટલે મેં મારો હાથ ખેંચી લીધો!!

‘ડરો નહિ...વત્સ...! ડરના મના હૈ...!! રામ ગોપાલ વર્માજીને કહા હૈ...!!’ સ્વામીજી આંખો બંધ કરીને ઘેરા અવાજે બોલી રહ્યા હતા, ‘…ઔર હમારે ગુરૂ ગબ્બરસિંગને ભી કહા થા જો ડર ગયા સમજો મર ગયા...!!’ ક્યાંકથી ગબ્બરસિંગનો ઘોઘરો અવાજ કાઢી સ્વામી સર્વમિત્રએ મને વધુ ડરાવી દીધો.

‘બા....બા...જી...!!’ મેં ધ્રૂજતા અવાજે કહ્યું, ‘મેં માંદા નહિં હું...!’

‘જાનતા હું!! મૈં સબ જાનતા હું કે તુમ નર હો…માદા નહિ હો...’

-ઓ...ફ...!!

‘લેકિન...બાલક, તુમ પૂર્ણ નર નહિ હો...!’

‘ઓ....બાબ્બાજી’ મને થોડો ગુસ્સો આવતો હતો તો થોડો ડર પણ લાગી રહ્યો હતો, ‘તુમારી પાસ સબ દુખોકી દવા હૈ ?’

‘હા…વત્સ...!! સચ કડવા હોતા હૈ..!! લેકિન હમારી પાસ સર્વ દુખોકા ઇલાજ હૈ. સબકા ઉપાય હૈ...!’ હું ઊભો થઈ ગયો હતો એટલે મને આદેશ આપતા હોય એમ એમણે આંખો ખોલી ગુસ્સાથી કહ્યું, ‘બૈઠ જાઓ પુત્ર...અપને મન કો શાંત કરો...!!’

હું ડરીને બેસી ગયો. ખોપરીના આંખના ગોખલામાં રંગ બદલાયો. આખા ઓરડામાં લાલ રંગ થયો ને ધીમે ધીમે અજવાળું વધતું હોય એમ મને લાગ્યું.

‘બૈઠ જાઓ...!’ સ્વામીજીએ ફરી આદેશ આપ્યો, ‘બતાઓ તકલીફ ક્યા હૈ...?’

‘જુઓ બાબાજી...! મેં એટલાં માટે તુમારી પાસે આવ્યા હું કી મેરી બૈરી ઊંઘતી હૈ તો બો’ત ઘોરતી હૈ...!!’ ફટાફટ મેં મારી મુશ્કેલીઓ કહેવા માંડી, ‘બો જ ઘોરતી હૈ ઓર મેં ઊંઘી નથી શકતા. મેં ઊંઘના ચાહતા હું....!’ ભય-ડરને કારણે મારું હિન્દી પણ ઊલટસૂલટ થઈ રહ્યું હતું.

‘મૈંને કહાથા ની કિ તેરી તકલીફ કઠિન હૈ!! લેકિન, પુત્ર હમારી પાસ ઉસકાભી ઇલાજ હૈ. ઉપાય હૈ...!’

‘ક્યા હૈ...?!’

‘પહેલેં વહાં પાંચ હજારકી પ્રસાદી ચઢાઓ...!’ ખોપરી તરફ ઇશારો કરી સ્વામીજી બોલ્યા...

‘પાંચ હજાર...?!’

‘હા...પૂરે પાંચ હજાર...!! તેરી કઠિનાઈ હી કુછ ઐસી હૈ....પુત્ર!! બહુત કઠિન હૈ !! લેકિન બાબા સર્વમિત્ર કે પાસ સર્વ ઉપાય હૈ...!! ગારંટી હૈ...!! ગારંટી....!!’

‘ગૅરંટી...?!’ મેં ખાતરી કરી.

‘હા...ગારંટી...!! અગર આપ સો ન પાયે તો સુદ સમેત પૈસા વાપસ...! ક્યા સમજે...??’

એ તો સારું હતું કે આજે જ પગાર થયેલ એટલે મારી પાસે પાંચ હજાર ગજવામાં જ હતા. ખોપરી પાસે મેં પાંચ હજારની થોકડી મૂકી. ખોપરીના બાકોરામાંથી ધીમે ધીમે ધુમાડો નીકળવા લાગ્યો !!

‘આભાર વત્સ...!!’ બાવાજીએ પાંચ હજારની થોકડી તરફ નાના દોડે મોટી અને તીરછી નજર કરી કહ્યું, ‘અબ આસન પર આસાનીસે સમાધિ લગાકે બૈઠ જાઓ...!!ઓર અપને કો મુક્ત કરદો...!!’

હું ફરી સ્વામી પાસે પલાંઠી વાળી બેસી પડ્યો. સ્વામીજીએ મોરપીંછના ઝાડુ વડે મારા પર બે-ત્રણ વાર પીંછી નાંખી. મોટ્ટેથી હ...રિ...ઓ..ઓ..મ... હ...રિ...ઓ..ઓ..મ...ના બે-ત્રણ વાર બરાડા પાડ્યા. પછી કંઈ અષ્ટમપષ્ટમ ભાષામાં ગણગણાટ કરવા માંડ્યો. મને એટલી વારમાં તો ઊંઘ આવવા માંડી. થોડી વાર બાદ ગુફામાંથી અવાજ આવતો હોય એમ સ્વામીનો ગહેરો અવાજ આવ્યો.

‘આંખે ખો...લો...પુત્ર...!!’

મેં હળવેકથી આંખો ખોલી. આખો ઓરડો લોબાન, ધૂપ, અગરબત્તીના ધુમાડાથી છલકાઈ ગયો હતો.

‘સમાધિ ખોલો...વત્સ...!!’

-ઓ...!! તો આને સમાધિ કહેવાય..!! વિચારી મેં આંખો બરાબર ખોલી.

‘અ...બ...તુમ્હારે દોનો હાથ ખોલ કર આગે કરો...! ઓર ફિરસે પલભર કે લિયે આંખે બંધ કરો..!!’

એમના આદેશ મુજબ મેં હાથ લંબાવ્યા અને ફરી આંખો બંધ કરી. થોડી પળો શાંતિથી પસાર થઈ.

‘અબ આંખે ખોલો પુત્ર...તુમ્હારી મુશ્કેલીકા હલ તુમ્હારે હાથોમેં હૈ વત્સ...!!’

મેં આંખો ખોલી જોયું તો મારા હાથોની બન્ને ખુલ્લી હથેળીમાં રૂના બે પૂમડા હતા. કોટન બોલ...!

‘યે ક્યા હૈ બાવાજી... ?!’ મેં સાશ્ચર્ય પૂછ્યું.

‘બેટે, યે હૈ તુમ્હારી રૂઠી હુઈ નિંદ્રારાણીકો પ્રસન્ન કરનેકા અનુષ્ઠાન હૈ...ઉપાય હૈ...!! નિંદ્રાદેવીકો પ્રસન્ન કરને કે લિયે તુમ્હારે દોનો કર્ણદ્વાર ઈસીસે બંધ કર દેનેકા..!! બરાબર બંધ કર દેનેકા...!!બાત ખતમ્....!! અબ કોઈ આવાજ ઈસકો છેદ નહિ શકેગી. બસ શાંતિ હી શાંતિ....!! ચાહે કિતના હી શોર હો...ચાહે કિતના હી ઘોર હો...!! તુમ સો શકેંગે ચેનસે...!! જાઓ ફત્તેહ કરો...!! આજસે તુમ સોઓંગે રાતભર ચેનકી નિંદ્રાસે...!! શાંતમ્ પાપમ્... શાંતમ્ પાપમ્... શાંતમ્ પાપમ્...!’

- ઓહ...ધન્ય સ્વામિ સર્વમિત્ર...!!

લાંબા થઈને મેં સ્વામીજીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. મને મારી મુશ્કેલીનો ઉપાય મળી ગયો હતો...! હાશ...!! હવે ભલેને મારી ભારેખમ ભાર્યા ગમે એટલું ઘોરે ઘરઘરાટ...!! ઘરઘરાટના તરખડાટનો હવે ખેલ ખલ્લાસ...!!

(સમાપ્ત)