કુર્યાત સદા… Natver Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

કુર્યાત સદા…

કુર્યાત સદા…

લેખકઃ નટવર મહેતા

ન્યૂ જર્સી, યુએસએ.

‘પથિક, ડેડ બોલું છું. સમય મળે પ્લિસ ફોન કરજે!’

બોર્ડ મિંટિંગમાંથી પથિક જ્યારે એની ઓફિસમાં આવ્યો ત્યારે એના આઈ ફોન પર વોઈસમેઈલમાં મૅસેજ હતો. પથિક ન્યૂ જર્સી ખાતે બેયર ફાર્માસ્યુટિકલ્સમાં રિસર્ચ સાયન્ટિસ્ટ હતો.

પથિકે કમ્પ્યૂટરના મોનિટરના ઘડિયાળ પર નજર કરી. દેશમાં સાંજના સાત સવા સાત થયા હશે એમ વિચારી એણે ફોન કરવાનું નક્કી કર્યું. એના માતા પિતા છેલ્લા બે અઠવાડિયાથી દેશ ગયા હતાઃ પથિક માટે છોકરી શોધવા.

થોડી વાર રિંગ વાગ્યા બાદ મિતાનો ઉત્સાહી અવાજ સંભળાયો, ‘ક્યારની તારા ફોનની રાહ જોતી હતી.’ મિતા, પથિકની માતાના અવાજમાં અધીરાઈ હતી, ‘ક્યાં હતો?’

‘મો...મ! જોબ પર છું. તું ય શું?! મિટિંગમાં હતો!’

‘તૈયારી કર. અહિં આવવાની. મસ્ત છોકરી શોધી છે મેં તારા માટે... આપણી એકદમ જાણમાં જ છે. વલસાડ પેલા રમેશભાઈ છે ને? મોટા બજારમાં? એની છોકરી!’

પથિક એની મોમને કલ્પી રહ્યો હતો. એકના એક દીકરાને પરણાવવાનો ઉમળકો ફોનમાંથી પણ જાણે છલક છલક છલકાય રહ્યો હતો,

‘......’ પથિક મૌન. શું કહે?

‘કેમ ચુપ થઈ ગયો.?’

‘શુ કહું મોમ?’

‘તારે કંઈ જ કહેવાનું નથી! કરવાનું છે બુકિંગ વહેલી તકે. સમજ્યો ?’

‘બટ મોમ, એને જોયા મળ્યા વગર.’ પથિક થૂંક ગળી બોલ્યો.

‘તે તું આવે તો જોઈ મળે ને?!’

‘ઓ.કે. મોમ! તું ડેડને આપ. આઈ વિલ ટૉલ્ક ટુ હિમ !’

‘ઓ કે.. બટ લિસન.’ મિતાએ ફોન આપતા પહેલાં કહ્યું, ‘તું આનાકાની ન કરતો. યૂ હેવ ટુ કમ નાઉ!’

‘હલો બેટા.’ સામે ઇન્દ્રવદને, પથિકના પિતાએ ફોન લીધો.

‘ડે..ડ… હાઊ આર યૂ?’

‘આઈ એમ ફાઈન સન.’ ઇન્દ્રવદને હસીને કહ્યું, ‘અહીં આવ્યા પછી વજન વધી ગયું છે બે વિકમાં! તારી મોમે કહ્યું એમ શિલા અમને ગમી ગઈ છે. તને પણ ગમશે. એમએસસી છે. કેમેસ્ટ્રી સાથે. અહિં વાપી ખાતે નોકરી કરે છે કોઈ લેબમાં. એના ફેમિલીને પણ આપણે જાણીએ છીએ. યૂ વિલ સ્યોર લાઈક હર !’

‘ડેડ,એનો ફોટો?'

‘એ હું તને ઈમેઇલ કરું છું. અહિં ઘરે ઇન્ટરનેટ નથી એટલે સાયબર કાફૅમાં જઈને થોડી વારમાં મેઇલ કરું છું. યૂ વિલ ગેટ ઈટ ટુડે.’ સહેજ શ્વાસ લઈને એ બોલ્યા, ‘ઇફ યૂ કેન ગેટ નેકસ્ટ વિક બુકિંગ તો સારું. અહિં ગરબા પણ છે નવરાતમાં તને મજા ય આવશે. કેટલા વખતથી તું પણ કહ્યા કહે છે ને કે દેશમાં નવરાત્રિ પર જવું છે. તો આ ચાન્સ છે ! ધીસ ઇસ એ ગુડ ઓપોર્ટ્યુનિટી.’

‘ઓ કે! લેટ મી ચેક માય સ્કેડ્યુઅલ એન્ડ લેટ મી સી હર પિક્ચર.’ ઊંડો શ્વાસ લઈ પથિકે કહ્યું, ‘ઇફ આઈ વિલ નોટ લાઈક હર પિક્ચર. આઈ વિલ નોટ કમ !’

‘સવાલ જ નથી... નોટ અ ક્વેશ્ચન! તું જાણે છે તારી મોમને! સો ગળણે ગાળીને એ પાણી પીએ!’

‘વ્હોટ ઇસ ધેટ?!’

હસતા હસતા ઇન્દ્રવદને કહ્યું, ‘ એમાં તને સમજ ન પડે.! ઇન શોર્ટ શી ઇસ ફાઇન. ગુડ લુકિંગ…અને અમે તારા માટે કંઈ જેવી તેવી છોકરી થોડી શોધવાના?!’

‘ધેટ્સ ટ્રુ!’ સહેજ વિચારીને પથિકે કહ્યું, ‘ડેડ! આઈ એમ એટ વર્ક! સો આઈ હેવ ટુ ગો નાઉ...!’

‘ઓ કે. બટ પ્લિસ, થિંક વ્હેન યૂ ગેટ પિક્ચર. ને સાંજે ફોન કરજે. યૂ નો યોર મોમ!’

‘યા ! ડેડ.,સ્યોર. સાંજે હું તમને રિંગ કરીશ.! હેવ ફન. અને પ્લિસ ટેઇક કેર! બહુ ઓઈલી ન ખાતા. યૂ નો યૂ આર ઓન બોર્ડર લાઈન ઓફ કૉલોસ્ટિરોલ! સો.’

‘આઇ નો.. આઈ વિલ.. યૂ ઓલસો ટેઈક કેર.. અને સારું ખાજે. તને તો રસોઈ બનાવતા આવડે એટલે આઇ હેવ નો વરી.. અને લંચમાં તો તુ અને તારું સેલડ ભલું!’

‘ઓકે.. ..બાય... ડેડ, એન્ડ ઈમેઇલ મિ હર પિક્ચર !’

‘હા.. ફોન મુકીને તરત જાઊં છું. યૂ નો અહીં નેટ બહુ સ્લો હોય છે! તો બાય. વિ વિલ ટોક લેટર..!’

…અને પથિકે ફોન ડિસકનેક્ટ કર્યો.

એના પિતા દેશમાં બરોડા બેંકમાં હતા. વોલન્ટરી રિટાયર્યમેંટ લઈ અહીં યૂએસ આવવાનું થયું. પથિકના કાકા મોહનભાઈએ પિટિશન ફાઈલ કરી હતી. જ્યારે યૂએસ આવ્યા ત્યારે પથિક તેર વરસનો હતો. આઠમા ધોરણમાં હતો. બહુ વિચાર કર્યો હતો અહીં આવવા પહેલાં ઇન્દ્રવદને. દેશમાં આરામની નોકરી હતી. પોતાનું ઘર હતું. હાઉસિંગ લૉન પણ ભરપાઈ થઈ ગયેલ એટલે એ પણ નિરાંત હતી. પથિક એમનો એકનો એક દીકરો હતો. એના ભવિષ્યનો વિચાર કરીને જ યૂએસ આવવાનું નક્કી થયું હતું. શરુઆતમાં ખાસી તકલીફ પડી હતી. એમ તો પથિકની મોમ મિતાને તો હજૂ ય દેશ વારે વારે યાદ આવ્યા કરતો. દેશમાં આખો દિવસની કામવારી હતી. બપોરે ખાઈને સુવાની સવલત હતી. તાજા તાજા શાકભાજી હતા. અને એક નિરાંત હતી. બહુ મહેનત કરી હતી બન્નેએ! ઇન્દ્રવદને શરૂઆતમાં કોઈ જોબ મળી ન હતી. કાકાએ બે વિક સાથે બરાબર રાખ્યા હતા. પછીથી એમની વર્તણૂંકમાં ફેર પડ્યો હતો. ખાસો ફેર ! કાકીએ રેફ્રિજરેટરને લૉક મારવાનું શરૂ કર્યું હતું! બહુ અડવું અડવું લાગ્યું હતું. સાવ અજાણ્યા દેશમાં. સાવ અજાણ્યા પ્રદેશમાં જાણીતા લોક અજનબી બની ગયા હતા. એક વાર તો ઇન્દ્રવદને દેશ પાછા જવાનું જ નક્કી કરી દીધું હતું. પરંતુ, પથિકના ભવિષ્યનો વિચાર આવતા એમણે મન મક્કમ કર્યું હતું. થોડી તપાસ બાદ એક કામ મળ્યું હતું, કહોને કે પથિકના કાકાએ શોધ્યું હતું: મોટેલમાં રુમ બનાવવાનું.

‘યૂ સી! મોટાભાઈ,’ પથિકના કાકા મોહનભાઈએ એના પિતાને સમજાવતા કહ્યું, ‘અહીં આ કામ જ એક એવું છે કે એમાં બહુ તકલીફ નથી. તમારું બી કોમ અહીં કામ ન આવે. મોરઓવર, તમારું ઇંગ્લિશ પણ જરા ગડબડીયું. એટલે બેંકમાં પણ કામ મળવું ઇસ નોટ ઇઝી. આ તો ઊર્મિલાના ડેડની ઓળખાણ છે તો યૂ ગેટ ધ વર્ક. બાકી આ મોટેલના કામમાં પણ લૉટ ઓફ કોમ્પિટિશન છે. આપણા દેશીઓ તો સાવ મફતમાં, ટોટલી ફ્રી કામ કરવા પણ રેડી હોય છે.’ કાકી ઊર્મિલાના પિતાની પણ ન્યૂ જર્સી ખાતે બે મૉટલ હતી.

‘જો...ને ભાઈ !’ નિસાસો નાંખી ઇન્દ્રવદને કહ્યુ હતું, ‘તેં અમને બોલાવ્યા, ફાઈલ કરી એ જ મોટો ઉપકાર તારો. ને આમ જોવા જઈએ તો અમારે અહીં આવવા જેવું ય નહતું. પણ પછી તેં બહુ આગ્રહ કર્યો અને આ પથિકના ફ્યુચરનો વિચાર કરી અમે અહીં ટપકી પડ્યા. ક્યાં સુધી તારા માથે બોજ બનીને રહીએ? હેં! તું જ કહે!’ મિતા તરફ એક નજર કરી કહ્યું, ‘કહે અમારે ક્યારે ત્યાં મોટેલ પર જવાનું છે?’

‘ઓકે. વિક એન્ડમાં મને ફાવશે. તમે તમારી બેગ રેડી રાખશો. અર્લી મોર્નિંગ અરાઉન્ડ સેવન નીકળી જઈશું. અહિંથી હન્ડ્રેડ માઈલ છે તો ટાઇમસર પહોંચી જઈએ. મેં મોટેલના ઑનરને વાત કરી છે. તમે અને ભાભી કેન સ્ટાર્ટ ફ્રોમ સન્ડે. ત્યાં તમને રહેવા માટે જગ્યા પણ મળશે. એટલે રેન્ટની પણ નો વરી.’

…અને પછી પથિકના કાકા એમને મોટેલ પર ઉતારી ગયા હતા.

જે મિતાએ કદી ઘરમાં કચરો વાળ્યો ન હતો, રસોઈ બનાવવા સિવાય કંઈ જ કામ કર્યું ન હતું એને મોટેલના રૂમ બનાવવા પડતા, વેક્યુમ કરવું પડતું, બેડ બનાવવા પડતા. અરે બાથરૂમ-સંડાસ સાફ કરતા એને ઊલટી થઈ જતી. પણ બન્ને પતિ-પત્ની એકબીજાના સહારા બન્યા. દુઃખના દિવસો ટકતા નથી ઝાઝા. દિવસો આવશે સુખના સાજા.એમ વિચારી એમણે મોટેલમાં છ સાત વરસ કાઢી નાંખ્યા.

પથિક ભણવામાં હોંશિયાર હતો. જો કે એ ગુજરાતી માધ્યમમાં ભણેલ એટલે શરૂઆતમાં ખાસી તકલીફ પડી હતી.

‘જો બે...ટા,’ પથિકના પિતા એને સમજાવતા, ‘આપણે અહીં આવ્યા ખાસ તારા માટે. તું ખૂબ ભણી ગણીને મોટો માણસ બને તો આપણું અહીં આવ્યું લેખે લાગે. બાકી તો તું પણ જાણે છે કે આપણને દેશમાં ક્યાં કોઈ પ્રોબ્લેમ હતો? હેં.... શું કહે છે તું ?!’ ઇન્દ્રવદને મિતા તરફ જોઈ પૂછ્યું.

‘તમે ફિકર ન કરો. પેલું શું કહે છે અંગ્રેજીમાં… ડૂ નોટ વરી!’ આંખોમાં ભિનાશ છુપાવતા અને હોઠ પર હાસ્ય લાવતા મિતાએ કહ્યું, ‘મારો પથિક તો જો જોને? એકદમ ભણીને મોટ્ટો માણસ બનશે. અને પછી આપણે આ મોટેલ-ફોટેલના રૂમ બનાવવા ન પડશે. આપણે જ એક મોટ્ટી મોટેલ લઈ લેશું !’

પથિક એના માતા પિતાની મહેનતનો સાક્ષી હતો. થાકીને લોથ-પોથ થઈ જતી મોમને જોઈને એનું હ્રદય દ્રવી જતું.

-કમ વોટ મે ! એણે નક્કી કરી લીધું. બસ ભણવું છે. અને માતા-પિતાનું ઋણ ઉતારવું છે. ગમે એમ કરીને.

એ ભણ્યો. બરાબર ભણ્યો. સ્કોલરશિપ પણ મળી. સમય મળ્યો ત્યારે એણે પણ કામ કર્યું: મેક્ડોનલ્ડમાં.. બર્ગરકિંગમાં ! હાઈસ્કૂલની લાયબ્રેરિમાં.! સ્વિમિંગ શિખ્યો અને સ્વિમિંગ પુલમાં લાઈફ ગાર્ડ તરીકે પણ કામ કર્યું.

પથિકે એનું મેઇલબોક્ષ ચેક કર્યું. ડેડની ઈમેઈલ આવી ગઈ હતી. ઍટેચમેન્ટમાં ચાર ફોટાઓ હતા. ડબલ ક્લિક કરી એણે ફોટાઓ જોવાની શરૂઆત કરી. પહેલી નજરે જોતા તો ખાસ અસર ન થઈ. એણે ફરી જોવાની શરૂઆત કરી. કંઇક વિચાર કરી વારા ફરતી એણે ચારે ફોટા પ્રિન્ટ કર્યા. નેટવર્ક પર જોડાયેલ કલર પ્રિન્ટર પરથી એ ચારે ય ફોટા લઈ આવ્યો.

ફોટા પર નજર કરતા એને કેટલાંય વિચારો આવી ગયા. છોકરીની આંખમાં કંઈક જાદુ હતું. કથ્થઈ રંગની આવી જ આંખો એણે પહેલાં ક્યાંક જોઈ હતી.

-એમી?

-યસ! એમીની આંખો આવી જ હતી.

-હતી!?

-ના!! અરે છે. એમી ક્યાં હજૂ ભુતકાળ બની છે. આવી જ આંખોવાળી એમી.

Your eyes are such eyes which open all lielike a brown open sky in which I want to fly.

-એમીની એ બે કથ્થઈ આંખોએ એને કવિ બનાવી દીધો હતો.

-એમી! પથિક સાથે હાઈસ્કૂલમાં ભણતી હતી. જેના પ્રત્યે પથિકને આકર્ષણ થયું હતું. પ્રથમ પુરુષસહજ આકર્ષણ!

એમી ઘરે પણ આવતી. હોમ વર્ક કરવા. બન્ને સાથે બેસીને ભણતા. અભ્યાસ કરતા. મોટે ભાગે લિવિંગ રૂમમાં. એક દિવસ ઘરે કોઈ ન હતું. ડેડ અને મોમ સ્વામિનારાયણ મંદિરે ગયા હતા. અચાનક એમી ઊભી થઈ હતી અને પથિકના હોઠ સાથે એના મુલાયમ હોઠ ચાંપી દીધા હતા.!

-પથિકે અત્યારે પણ હોઠો પર એની જીભ ફેરવી.

એમીએ એને ગુંગળાવી દીધો હતો. એ રોકી ન શક્યો હતો એમીને!

માંડ એણે એમીને અલગ કરી કહ્યું, ‘નો એમી, નો...ઓ...!’

‘વ્હાઈ?!’ એમીએ એને ફરી ચુંબન કરવાની કોશિષ કરી, ‘વ્હાઈ નોટ?’

‘...................!’ પથિક કંઈ બોલી ન શક્યો હતો. અને એટલામાં જ મોમ-ડેડ આવી ગયા હતા. એ થોડો છોભીલો પડી ગયો હતો. એમીને જાણે કોઈ ફરક ન પડ્યો હોય એમ નોટમાં લખવા માંડી હતી.

‘હાય…એમી!’ ઇન્દ્રવદને સોફા પર બેસતા કહ્યું, ‘હાઉ ઇસ યોર સ્ટડી ગોઈંગ ઓન? વિચ યૂનિવર્સિટિ આર યૂ એપ્લાઈંગ.?’

‘આઈ હેવન્ટ ડિસાઈડેડ!’ મારકણું હસીને પથિક તરફ નજર કરી એમી બોલી, ‘ઇટસ ડિપેન્ડસ...'

‘...ઓ…ન?’ ઇન્દ્રવદને પુછ્યું.

પણ એટલાં જ મિતાએ સાથે લાવેલ સુખડીનો પ્રસાદ પથિકને આપ્યો. અને એમીને આપતા કહ્યું, ‘યૂ માઈટ નોટ લાઈક ઈટ ! બટ યૂ શુલ્ડ ટ્રાય પ્રસાદ!’ પથિક તરફ નજર કરી કહ્યું, ‘આ ધોળિયણને સમજાવ કે પ્રસાદ એટલે શું?’

‘આઈ વિલ ટ્રાય !’ એમીએ ડાબો હાથ લંબાવ્યો.

મિતાએ એને કહ્યું, ‘રાઈટ હેન્ડ. ડોબી !’

એમીએ જમણો હાથ લંબાવી હથેળીમાં પ્રસાદ લીધો અને કહ્યું, ‘થેન્ક યૂ મોમ.’

‘મો…મ…?’ મિતાએ આંખો પહોળી કરી, ‘હે….ઈ! એ...મી!! આઈ એમ નોટ યોર મોમ! કોલ મી મિતા ઓર આન્ટી.’ પથિક તરફ ગુસ્સાભરી નજર કરી મિતાએ કહ્યું, ‘એને કહી દે મને મોમ બનાવવાની કોશિષ ન કરે. અને તું પણ એનાથી દૂર જ રહેજે. આ ધોળિયાનો ભરોસો ન થાય. એમાં પણ ધોળિયણનો કદી ય નહીં. શું સમજ્યો? મોમ મોમ કરીને ઘરમાં ઘૂસવા માંગે તો એ રસ્તો બંધ છે !’

‘મોમ ! એવું કંઈ નથી !’

‘તને એમાં કંઈ સમજ ન પડે પણ એના લટુડા-પટુડા વધી ગયા છે આજકાલ. બધ્ધી જ સમજ પડે છે મને. હું કંઈ આંધળી નથી. તું તારી સીમામાં રહેજે. અ...ને એને એની લિમિટમાં રાખજે! તારે ભણવાનું છે. ભણીગણીને આગળ વધવાનું છે. સમજ્યો? તને એ ભોળવીને ભેરવી દેશે. તો અમે ક્યાંયના રહીશું નહીં.’

પથિકે એના ડેડ તરફ નજર કરી. પણ એમણે નજર ન મેળવી. એનો અર્થ પણ એ જ થતો હતો કે, એ મોમની વાત સાથે સહમત હતા.

પથિક સમજી ગયો હતો. એના મોમની – ડેડની વાત સાચી હતી. એમણે દેશનાં એમનાં સરળ સુખી જીવનનું અહિં આવી બલિદાન આપ્યું હતું. જેણે કદી પોતાની પથારી પાથરી ન હતી એવી એની મોમે વરસો સુધી મૉટેલમાં બીજાઓ માટે બેડ બનાવ્યા હતા, બાથરૂમ સાફ કર્યા હતા, ઢગલો લોન્ડ્રીઓ કરી હતી, બ્લિચની મોમને એલર્જી હતી તો પણ! ડેડ બેન્કમાં ઑફિસર હતા. કદાચ, આજે તો બેન્કમાં મેનૅજર બની ગયા હોત. હવે વારો હતો પથિકનો.એના માતા પિતાને સુખ-ચેન આપવાનો. નિરાંત આપવાનો. હાશ આપવાનો…!

દિશા નક્કી કરી હતી પથિકે. ધ્યેય નક્કી થઈ ગયું હતું!

અને પથિક એમ ફાર્મ થયો. હાઈસ્કૂલ બાદ કૉલેજના પુરા ભણતર દરમ્યાન એને સ્કૉલરશિપ મળી.

ફોટાઓ પર ફરી નજર કરી પથિકે એના ડેડ ઇન્દ્રવદનને ફોન જોડ્યો. થોડી રિંગ વાગ્યા બાદ સામેથી જવાબ આવ્યો, ‘હલો?’ કદાચ એઓ ઊંઘી ગયા હશે. વિચારી પથિકે કહ્યું, ‘ડેડ. ઈટ્સ મી ! સોરી તમને ઊંઘમાંથી જગાડ્યા.’

‘નો પ્રોબ્લેમ ! એવરિથીંગ ઇસ ઓકે !’

‘યા, ’ હસીને પથિક બોલ્યો, ‘ડેડ એવરિથિંગ ઇસ ઓકે.’

‘મારી મેઈલ મલી ?! ફો..ટા…??’

‘યા… મલી ગયા એટલે જ ફોન કર્યો.’

‘સરસ…’ સહેજ હસીને ઇન્દ્રવદને કહ્યું, ‘....તો તારી મોમને કહી દઊં ને કે તું આવે છે ?’

‘ડેડ! આઈ વોન્ટ ટુ નો મોર એબાઊટ હર.’

‘શિલા! હર નેઈમ ઈસ શિલા!’

‘કેન આઈ હેવ હર ફોન નંબર?? સેલ નંબર??ઓર ઇફ ફેઈસબૂક આઈડી ?’

‘મને એની જાણ નથી. એની પાસે સેલફોન તો છે. આઈ કેન ગીવ યૂ. બટ આઈ થિન્ક એમની પાસે કમ્પ્યૂટર નથી. હજૂ અહીં બધાની જ ઘરે કમ્પ્યૂટર કે નેટ હોય એવું નથી. લખી દે એનો સેલ નંબર. બટ ડૂ નોટ કૉલ નાઊ. અહીં રાત થઈ ગઈ છે!’ ઘડિયાળમાં નજર કરી કહ્યું, ‘લગભગ બાર વાગવાના. તારી મોમ તો બરાબર ઘોરે છે !’

પછી પથિકે ફોન નંબર લખી દીધો, ‘ગુડ નાઈટ..., ડેડ.’

‘ગુડ નાઈટ.એન્ડ ઇફ યૂ લાઈક હર, ડૂ નોટ થિન્ક ટુ મચ! જસ્ટ બૂક ટિકિટ.મિટ હર પર્સનલી. એન્ડ ધેન ડિસાઈડ, પ્લિસ!’

‘ઓકે. ડેડ!’ કહી પથિકે ફોન ડિસકનેક્ટ કર્યો.

પથિકે એવી અર્ધાંગિની લાવવી હતી કે જે એને સમજે અને એના કરતા એના માતા-પિતાને વધુ સમજે, એમને માન આપે, એમને સુખી કરે. અને એવી છોકરી દેશમાંથી જ મળે એવું એની મોમનું માનવું હતુઃ કૌટુંબિક ભાવનાને માન આપે એવી છોકરી તો દેશમાં જ હોય એમ મોમ વારે વારે કહેતી. બાકી અહીંની છોકરીઓ તો લગ્ન પહેલાં જ પૂછે ઘરમાં ડસ્ટબિન છે?

-મોમની વાત પણ સાચી જ હતી. જે છોકરી પોતાના સાસુ સસરાને ડસ્ટબિન સમજે એવી છોકરીને પરણી પથિક એના મોમ-ડેડને દુઃખી કરવા માંગતો ન હતો. એના કરતા તો કુંવારા રહેવું સારું.

રાતે ફોન કરીશ એમ વિચારી પથિકે એના આઈફોનના કૉન્ટેક્ટ લિસ્ટમાં શિલાનો ફોન નંબર એન્ટર કર્યો.

રાતે વાત કરી. અવાજ સારો હતો. કંઈક અલગ… હસ્કી! એ જ વધુ બોલતો રહ્યો. શિલાએ એમએસસી કરેલ હતું. વાપી ખાતે એ પણ કોઈ ફાર્માસ્યુટિકલમાં જ એનાલિટિકલ કેમિસ્ટનું કામ કરતી. બધા જ ઇન્સ્ટ્રુમેંટ જેવાકે એચપીએલસી, જીસી, વગેરે ઓપરેટ કરી શકતી હતી. પ્લસ પોઈન્ટ! બે ભાઈ અને એક બહેન હતા એને. અને એ મોટી હતી સહુથી.

ચાર દિવસમાં ચાર-પાંચ વાર વાત થઈ પથિક અને શિલાની. શિલાને એ જાણવામાં ખાસ રસ હતો કે લગ્ન બાદ કેટલાં સમયમાં યૂએસએ આવી શકાય? અને એ આવે તો એના ફેમિલીને બોલાવી શકાય કે કેમ? અને કેટલો વાર લાગે? વરસ ? બે વરસ?

પથિકની મોમ તો પથિકની રાહ જોતી હતી. દિવસમાં બે બે વાર તો એના ફોન આવી જ જતા.

બહુ વિચાર કરીને પથિકે બે વિકનું વેકેશન મંજૂર કરાવ્યું. આમ પણ એ ઘણા સમયથી વેકેશન પર ગયો જ ન હતો એટલે એના મેનેજરને કોઈ વાંધો ન હતો.

સહાર એરપોર્ટ પર પપ્પા લેવા આવ્યા હતા. કાર લઈને. પથિકને જોઈને એ ભેટી પડ્યા.

‘વેલકમ બેટા.’ બાથમાંથી અલગ કરી કહ્યું, ‘હાઉ વોસ ફ્લાઈટ??’

‘ઈટ ઇસ ઓકે. આઈ ઓલમોસ્ટ સ્લેપ્ટ! જોબ પરથી સીધો આવ્યો છું. કાર એરપોર્ટ પર જ લોંગ ટર્મમાં પાર્ક કરી છે!’

‘યોર મોમ વિલ બી વેરી હેપ્પી! એ તો એરપોર્ટ પર આવવા માંગતી હતી તને લેવા. પણ મેં ના પાડી.!’

‘અરે....! તમે પણ ન આવતે તો ચાલતે! ખોટો ઊજાગરો.! ડ્રાઈવરને મોકલી આપ્યો હોત તો હું સીધો ઘરે આવી જાત! '

‘… ...જવા દે… એ વાત!’ એને અડધેથી અટકાવી ઇન્દ્રવદને કહ્યું, ‘રજા તો તું પુરતી લઈને આવ્યો છે ને?’

થૂંક ગળી એ બોલ્યો, ‘બે વિક!’

‘બે..એ...એ…વિક?!’ હસતા હસતા ઇન્દ્રવદને કહ્યું, ‘બે વિકમાં શું થશે? તારા લગન કરવાના છે કંઈ…!’

‘ડેડ, લેટ મી સી હર !’

‘શિલા!’ સાથે લાવેલ પાણીની બોટલમાંથી પાણી ગટગટાવતા ઇન્દ્રવદને કહ્યું, ‘ઓફ કોર્સ! યૂ હેવ ટુ મિટ! બટ આઈ એમ સ્યોર યૂ વિલ લાઈક હર. વિ હેવ ટુ રશ ફોર યોર મેરેજ! અને તારી મોમે તો જલસો કરવો છે. તારા લગ્નમાં!’

સવાર પડતાં તો એઓ નવસારી આવી ગયા. વાતાવરણમાં માદક ઠંડક હતી. મોમ મીતા તો એને ભેટી જ પડી.

‘સુકાઈ ગયો?!’

‘મો....મ!’ હસીને પથિક બોલ્યો, ‘એવું કંઈ નથી! તો પણ તારા શાક-રોટલી દાળભાતની ખોટ તો પડી. આઈ મિસ ઈટ!’

‘તે તો પડે જ ને! આજે ધરાઈને ખાજે. ઊંધિયું તાજી પાપડીનું અને શિરો પુરી! શુકનનાં!’

‘અરે!! તું ઘેલી ન થા. હજૂ તો બન્નેને મળવા દે.તું તો અત્યારથી જ શુકનની વાત કરવા લાગી!’

‘તે મળવાનું જ છે ને? નાહી ધોઈ જમી કરીને તારે વલસાડ જવાનું છે. મેં રમેશભાઈને ફોન કરીને કહી દીધું છે કે પથિક આજે સાંજે શિલાને મળવા આવશે! ગાડી તો આપણે હવે રાખી જ મુકવાના છીએને ?’

‘હા! હા!! ગાડી તો આપણે બે અઠવાડિયા માટે રાખી જ છે ને?’

કેમ બે અઠવાડિયા માટે જ?!’ મિતાએ આંખો પહોળી કરી કહ્યું, ‘લગ્ન પછી હનિમૂન કરવા પણ જોઈશેને. પથિકને!’

‘મોમ! પ્લિસ. કૂલ ડાઉન! આઈ નો તને મને પરણાવવાની ઉતાવળ છે. પણ મને….’

‘તને એ ગમવાની જ છે. નો ડાઉટ !’ હસીને એણે કહ્યું, ‘મારી પસંદ છે! તું નાહી ધોઈને ફ્રેશ થઈ જા! નૅપ લેવી હોય તો લે. તારો રૂમ રેડી છે! ચારેક વાગે તારે વલસાડ જવાનું છે !’

‘ મોમ. આજને આજ??! કેન આઈ ગો ટુમોરો? ડેડ, પ્લીસ, મોમને કંઇક કહોને ?’

‘............!’ ઇન્દ્રવદન મૌન. મિતા આગળ હવે કોઈનું કંઈ ચાલવાનું ન હતું! અને મિતા ધારે તો હમણાંને હમણાં જ પથિકને પરણાવી દે એવી હતી!!

નાહી-ધોઈ આરામ કરી પથિક ફ્રેશ થઈ ગયો. અને આમ પણ એણે વિમાનમાં ખાસો આરામ કરેલ એટલે જેટલેગની અસર ખાસ હતી નહીં.

પાંચ-સવા પાંચે એ વલસાડ પહોંચ્યો. ડ્રાઈવર બે-ત્રણ વાર જઈ આવ્યો હતો. એટલે રમેશભાઈનું ઘર એ બરાબર જાણતો હતો. મોમ મિતાએ તો એની સાથે જવું હતું. પણ પથિકે ના પાડી.

રમેશભાઈનું ઘર મધ્યમ વર્ગનું સીધું સાદું ઘર હતું. એ આવવાનો છે એટલે સહુ ઘરે જ હતા. રમેશભાઈની વલસાડમાં કાપડની દુકાન હતી. અને મુખ્યત્વે આજૂબાજૂના ગામડાંની ઘરાકી હતી.

પથિકને ઉષ્માભર્યો આવકાર મળ્યો. રમેશભાઈને શું વાત કરવી એ સમજ પડતી નહતી. એમના બે દીકરાઓ હરિશ,મનિષ અને એક દીકરી અંજના પણ બેઠક ખંડમાં જ હતા. પથિક હીંચકા પર બેઠો.

અંદરથી શિલા પાણી લઈને આવી.

‘મિનરલ વૉટર છે. બિસલૅરી.’ રમેશભાઈએ કહ્યું, ‘તમને વાંધો ન આવે !’

શિલાએ પથિક સાથે નજર ન મેળવીઃ શરમાતી હશે!

‘શું લેશો? ચા-કોફી?’ શિલાની માતા હંસાએ હસીને કહ્યું, ‘તમારું જ ઘર છે! હવે તો !’

‘ચા ચાલશે.. .પણ સુગર એકદમ ઓછી.અને મિન્ટ, આઈ મીન..ફુદીનો હોય તો!’

‘ઓકે...! છે ને!’ હંસાએ હસીને કહ્યું, ‘અરે વાહ! શિલાને પણ ફુદીનાવાળી ચા બહુ પસંદ છે. સેઇમ ટુ સેઇમ સિલેક્ષન! હેં ને? શિલા, બેટા ચા બનાવ તો! ચા પાણી કરી પછી તીથલ દરિયે ફરી આવો પથિકકુમાર સાથે. બીચ બતાવી આવ એમને !’

‘ગુડ.’ પથિકે વિચાર્યુઃ શિલાની મોમ શાર્પ છે! શું બધ્ધાની જ મોમ જ આવી હોતી હશે ? શાર્પ?? એનાથી ચેતીને ચાલવું પડશે. બી વેર ઓફ ટુ બિ મધર ઇન લૉ ! મનોમન એ હસી પડ્યો. પણ હાસ્ય એના હોઠ સુધી આવી જ ગયું. એને બેન સ્ટિલર અને અને રોબર્ટ ડ નિરોનું હોલીવુડ મુવી ‘મીટ ધ પેરન્ટ’ યાદ આવી ગયું. એની હાલત બેન સ્ટિલર જેવી તો નથી થવાની?? અહીં જેકની જગ્યાએ હંસા તો નથીને??

શિલા સાથે એ તીથલ દરિયા કિનારે ગયો. ટહેલતા ટહેલતા એ વિચારવા લાગ્યોઃ મોમની વાત સાચી હતી. શિલાની સુંદરતા, દેખાવ, ફિગર જોતાં ‘ના’ પાડવાનો ખયાલ તો સહેજે ન જ આવે. એણે એની આંખોમાં જોવું હતું. જ્યારે એના ફોટાઓ જોયાં હતાં ત્યારે સહુથી પહેલાં એને કથ્થઈ રંગની એ આંખો જ એને વિંધી ગઈ હતી- એમીની આંખો જેવી ધારદાર આંખો !

-ઓહ!! વાળમાં પાણી હોય અને ખંખેરતો હોય એમ એને ગરદન હલાવીઃ આ એમી એનો પીછો છોડતી ન હતી.

‘તમે કંઈ કહ્યું?’ શિલાએ પૂછ્યું.

‘ના.પણ આઈ વોન્ટ ટુ આસ્ક અ વન ક્વેશ્ચન !’ સહેજ ખંચકાઈને એણે પુછ્યું, ‘ડૂ યૂ વેર કોન્ટેક્ટસ્‍?’

એણે એની આંખોમાં આંખ પરોવવી હતી. પણ શિલા નજર ઝુકાવીને વાત કરતી હતી.

-વ્હોટ ડૂ યૂ થિન્ક? શિલાને પુછવાનું મન થઈ આવ્યું. પણ સહેજ મરકતા મરકતા એ બોલી, ‘નો...ઓ.ઓ! કેમ?’

‘યોર આઈઝ આર લવલી!’

-બસ.. ઓન્લી આઈઝ !? શિલાએ મનોમન વિચારી સહેજ શરમાતા કે શરમાવાનો અભિનય કરતાં કરતાં કહ્યું, ‘થેન્ક યૂ!’

પથિકે શિલા તરફ નજર કરી. શિલાએ કોટન બાંધણીનો મોરપીંછ રંગનો ચૂડીદાર પહેર્યો હતો. એણે એની કોલ્હાપુરી ચંપલ હાથમાં પકડેલ હતી. કે જેથી કિનારાની સૂકી રેતીમાં સરળતાથી ચાલી શકાય. એ જોઈ પથિકે પણ એના નાઈકેના સેંડલ કાઢી હાથમાં પકડી લીધાં! પડખે ચાલતા ચાલતા પથિકે શિલાની હાઈટ પણ તપાસી લીધી. બરાબર એના ખભા સુધી આવતી હતી. શિલાનું નાક સહેજ લાંબુ હતું. પણ ચહેરાની શોભા બરકરાર રાખતું હતું.

ધીમે ધીમે બન્ને ચાલતા હતા. દરિયામાં પાણી અંદરથી હતું. શિલા ખાસ વાત કરતી નહતી. પથિક જ વાતો કરતો રહ્યો. ન્યૂ જર્સીની, ઠંડીની, સ્નોની, ઈકોનોમીની, હાયર–ફાયર વિશે, જોબની અનિયમિતતાની!

શિલા વચ્ચે વચ્ચે હં… હં… હં… કરતી રહેતી હતી.

‘વોટ ડૂ યૂ થિન્ક?’ રેતીમાં ચાલતા ચાલતા અચાનક પથિકે પૂછ્યું.

‘ શું?’

‘વોટ ડૂ યૂ થિન્ક એબાઊટ કમિંગ ટુ યૂએસ ?’

‘ આઈ ડોન્ટ નો !’ હસવાનો પ્રયાસ કરતા શિલાએ કહ્યું, ‘મેં કંઈક વિચાર્યું નથી,’ થૂંક ગળી ક્ષિતિજ તરફ જોતા એણે પૂછ્યું, ‘ધારો કે લગ્ન થાય તો મને ત્યાં આવતા કેટલો સમય લાગે? ’

‘આઈ એમ એ સિટિઝન. તો હમણાં જે પ્રમાણે ફાઈલ ચાલે એ મુજબ યૂ કેન કમ ઈન અ યર. એકાદ વરસ તો ખરું!’

‘...ને…હું આવું તો મારા ફેમિલીને બોલાવતા કેટલો સમય લાગે?’

‘............!’ પથિક વિચારવા લાગ્યો સહેજ વિચારીને કહ્યું, ‘એ તો જે તે સમયે ફાઈલ કેવી રીતે હેન્ડલ થાય એના પર ! વ્હાઈ?’

‘મારી મમ્મીને પણ ત્યાં આવવું છે. અહીં શું છે? અને મારા ભાઈ-બહેનને પણ.’ શિલાએ બહુ જલ્દી પાનાં ઉતરવા માંડ્યા હતા. હારની બાજી એણે રમવી ન હતી. અને બ્લાઇન્ડ ગેમ રમતા એને આવડતું ન હતું.

પથિક વિચારવા લાગ્યો:તો એણે નહીં એના ફેમિલીએ આવવું છે! ઊંડો શ્વાસ લઈ એ બોલ્યો, ‘યૂ નો ! એમ જોવા જઈએ તો યૂએસની હાલત બહુ સારી નથી. ડે બાય ડે જોબલૅસ વધતા જાય છે એન્ડ અનએપ્લોયમેન્ટ નાઈન પર્સેન્ટ જેટલું થઈ ગયું છે. ઈકોનોમી ઇસ ડાઉન! અને જો ઈરાન સાથે વૉર થાય તો વધારે બગડશે. એસ્ટેટ માર્કેટ ક્લેશ થઈ ગયું છે. અને ડૉલર ઈસ ડાઉન ટુ..!’

‘તમારી જોબ તો…?’

એ હસીને બોલ્યો, ‘મારી જોબ તો બરાબર છે. આઈ એમ ઓકે. બટ હું જનરલ વાત કરું છું.’ હસતા હસતા કહ્યું.

સૂરજે દરિયામાં ડૂબકી મારી, ‘વી શુલ્ડ ગો હોમ!’ હાથમાં પકડી લીધેલ સેંડલ પથિકે પગમાં પહેરતા કહ્યું, ‘અંધારૂં પણ થઈ ગયું છે.!’

‘સ્યોર !’

શિલાના ઘરે આવ્યો ત્યારે એના પપ્પા રમેશભાઈએ બિયર મંગાવી રાખ્યો હતો, ‘આમ તો અહીં આવું મેળવતા તકલીફ પડે !’

‘પણ તમારા માટે ખાસ મંગાવ્યો છે એકદમ ચિલ બિયર.તમે પીતા તો હશો.’ હંસાબેને હસીને કહ્યું.

‘યૂ નો!’ પથિક સહેજ ખંચકાઈને બોલ્યો. જાણે અજાણે એના અવાજમાં થોડી રૂક્ષતા આવી ગઈ, ‘એની કંઈ જરૂર ન હતી. અને જનરલી આઈ ડોન્ટ ડ્રિન્ક! હું પીતો નથી.’

‘પણ…તમારા માટે ખાસ..!’

‘સોરી! આઈ ડોન્ટ ડ્રિન્ક..! પ્લીસ! મારા માટે કેન ઓપન ન કરશો.’ હસીને એ બોલ્યો, ‘આપ પી શકો.યૂ કેન હેવ ઈટ!’

જમીને પરવારતા નવ સાડા નવ થઈ ગયા. ડ્રાઈવરે પણ જમી લીધું હતું.

‘વી શુલ્ડ ગો! અમે નીકળીશું! થેન્ક યૂ વેરી મચ.તમે મારા માટે તકલીફ લીધી. આઈ વિલ લેટ યૂ નો !’

‘નો પ્રોબ્લેમ!’ હંસાએ કહ્યું, ‘ફરી ક્યારે આવશો? મિતાબેન સાથે? તમારા પપ્પા સાથે?’

-પથિકે જવાબ આપવાનું ઉચિત ન લાગ્યું.

આખે રસ્તે એ વિચારતો રહ્યો.

-શિલા સરસ હતી. સુંદર હતી. ભણેલ પણ હતી. એમ એસસી કેમેસ્ટ્રી. એનાલિટિકલ અને ઈન્સ્ટ્રુમેન્ટ્સનો એને એક્સ્પિરિયન્સ પણ હતો. યૂએસમાં જોબ મળવાની પણ કોઈ મુશ્કેલી ન હતી!

-પણ…!

-કંઈક ખૂટતું હતું. કંઈક ચૂભતું હતું. ફૂલો સાથે કંટકો હતા. અને કાંટાથી બચવું મુશ્કેલ હતું!

-શિલા ક્યાં તો બહુ સ્માર્ટ હતી ક્યાં ફૂલિશ. બબૂચક!

-શિલાએ મનની વાત બહુ જલ્દી કરી દીધી!

-સમથિંગ રોંગ!

રાતે પણ પથિકને બરાબર ઊંઘ ન આવી. શેરીમાં કૂતરાઓ રાતભર ભસતાં રહ્યા એટલે પણ એ ઊંઘી ન શક્યો. વહેલી સવારે માંડ માંડ આંખ મળી એટલે જ્યારે એ ઊઠ્યો ત્યારે અગિયાર વાગી ગયા હતા.

‘બરાબર ઊંઘ્યોને કંઈ આજે?’ એના પપ્પાએ એને ચા આપતા કહ્યું.

‘ડે...ડ! આઇ કૂલ્ડ નોટ સ્લિપ!’

‘થાય એવું. ઇટ હેપન્સ ! વ્હેન આઈ સો યોર મોમ. હું પણ બે-ત્રણ રાત જાગતો રહ્યો હતો!’ હસીને એના પિતાએ કહ્યું, ‘ એન્ડ યૂ નો વોટ ! તારી મોમ તારી રાહ જોઈ જોઈને શોપિંગ કરવા નીકળી ગઈ છે. લગ્નની ખરીદી !’

‘ ઓહ! ડેડ !!’ચાની ચૂસકી મારતા આંખો ચોળી, આળસ મરડી પથિકે કહ્યું, ‘ડેડ, તમે વિચારો એવું નથી. મને રાતે ઊંઘ એટલા માટે ન આવી કે થ્રુ આઊટ ઑલ નાઈટ કૂતરા ભસતા હતા!! હાઊ કેન આઈ સ્લિપ?! એન્ડ મોમ નીડ ટુ સ્લો ડાઉન ફોર માય મેરેજ!’ હસીને એણે કહ્યું, ‘ પે...લું તમે શું કહો છો ઊતાવળે મેંગો ન પાકે.!’

‘ઊતાવળે આંબા ન પાકે !’ હસીને ઇદ્નવદને કહ્યું, ‘ઊતાવળ તો કરવી જ પડેને? તારી પાસે રજા પણ કેટલી છે?’

‘બટ! આઈ નીડ મોર ટાઇમ!’

‘…એ...ન્ડ યૂ હેવ નો ટાઇમ!’

‘કેમ કેવી લાગી શિલા? ઇસ ઇટ યસ…ઓર...?’

‘ડેડ…!’ નિશ્વાસ નાંખી ઊંડો શ્વાસ લઈ પથિક બોલ્યો, ‘આઇ સ્પેન્ટ ઓન્લી ટુ.. મે બી થ્રી અવર્સ વિથ હર. એન્ડ હર ફેમિલી !’

‘સો યૂ વોન્ટ ટુ ગો બેક ! યૂ શુલ્ડ ! ડ્રાઇવર આવી જ ગયો છે ગાડી લઈને. યૂ કેન ગો ટુડે.આફ્ટર લંચ ! ધે હેવ નો પ્રોબ્લેમ! સન,’ ઇન્દ્રવદને એના ખભા પર હાથ મુકતા કહ્યું, ‘ઇટ ઇસ યોર લાઈફ, આઈ કેન અન્ડરસ્ટેન્ડ!’ એટલાંમાં જ સેલ ફોનની રિંગ વાગી. ‘ઇટ મસ્ટ બી યોર મોમ!’ હસીને એમણે ફ્લિપ ફોન ખોલ્યો, ‘બોલ.’

‘પથિક ઊઠ્યો?’ સામે ખરેખર મિતા જ હતી.

‘હા !’

‘.............’

‘લે, મોમ વોન્ટ ટુ ટોલ્ક ટુ યૂ!’

‘હાઈ મોમ!’

‘હવે હાય હાય ન કર !’ મિતાએ સીધું જ પૂછ્યું, ‘શું વિચાર છે તારો? કેવી લાગી શિલા? યસ ઓર નો?’

‘મોમ ! આઈ નીડ ટાઇમ...!’

‘ગો.પાછો જા.. આખો દિવસ વિતાવ.રાત વિતાવ.જિંદગી આખી વિતાવવાની જ છે ! શિલાની મોમનો બે વાર ફોન આવી ગયો મારા પર ! શિલાએ પણ રજા લઈ લીધી છે.!’

‘..............’ પથિક મૌન.

‘વ્હાઈ યૂ ક્વાઈટ ?’ મિતાએ કહ્યું, ‘મેં વલસાડ ફોન કરીને કહી જ દીધું છે કે તું આજે ફરી આવશે!’

‘નો! મોમ.’

‘નો નો.’ મિતાએ જરા મોટા અવાજે કહ્યું, ‘તું એક તો પંદર દિવસની રજા લઈને આવ્યો અને આમ આનાકાની કરે એ ન ચાલે!’

ફોન પર હાથ રાખી પથિકે એના પિતાને પૂછ્યું, ‘ડેડ.વોટ ઇસ આનાકાની?’

‘ટુ બી ઓર નોટ ટુ બી.’ હસીને એમણે કહ્યું, ‘યૂ શુલ્ડ મિટ હર. પ્લિસ.’

‘…ઓ કે…. ઓ કે.’ ચિઢાયને એ ફોનમાં બોલ્યો.અને ફોન એના પિતાને આપી દીધો.એના ચહેરા પરના હાવભાવ જોતા એની સાથે વધુ વાત ન કરવાનું નક્કી કરી એના પિતા એના રૂમમાંથી બહાર નીકળી ગયા.

બપોરે બે વાગે એ ફરી વલસાડ પહોંચ્યો.

શિલાની ઘરે જાણે સહુ એની જ રાહ જોતા હતા.

‘આવો. આવો.’ શિલાની માએ એને આવકારતા કહ્યું, ‘અમે તો સવારથી તમારી રાહ જોતા હતા.

‘..............!’ પથિકે મૌન રહેવાનું જ ઉચિત માન્યું.

‘શિલા...’ શિલાની માતાએ બુમ પાડી, ‘જો તો. પથિકકુમાર આવી ગયા છે! તું સવારથી એમની રાહ જોતી હતીને ! ને પેલી પૅપ્સી ફ્રિજમાં ચિલ કરવા મૂકેલ છે એ લઈ આવ!’

પૅપ્સીની બોટલમાં સ્ટ્રો નાંખી શિલા એ લઈને બેઠક ખંડમાં આવી.

‘થેન્કસ્ ’ પથિકે બોટલ લેતા કહ્યું.

‘તમને તો અહીં ગરમી લાગતી હશે! આઈ મીન તાપ!’ શિલાની માતાએ પૂછ્યું.

‘ખાસ નહીં! ગમે એવી ગરમી છે !’

‘….તે તમારે ન્યૂ જર્સીમાં બહુ બરફ પડે ?’

‘સમટાઇમ્સ.’ પેપ્સીની બોટલ હાથમાં ગોળ ગોળ ફેરવતા ફેરવતા પથિકે કહ્યું.

‘મને તો ઠંડી બહુ ગમે ! મને તો કોઈ જ વાંધો ન આવે ! તાપ પડે ને હેરાન પરેશાન થઈ જવાય!’

શિલા અંદરના ઓરડમાં ગઈ હતી. તૈયાર થવા.

‘એના પપ્પા દુકાને ગયા છે. તમારી રાહ જોઇને. એના પપ્પાને જરા તકલીફ પડે ઠંડીથી પણ એ તો ટેવાઇ જશે !’

-અ….રે! આમાં ‘તમારી’ અને ‘એના પપ્પાની’ વાત ક્યાં આવી !? પથિકે વિચાર્યું.

જ શિલા અંદરથી તૈયાર થઈને આવી. જિન્સ પર ટિ શર્ટમાં એ ફૂટડી દેખાતી હતી.

‘ક્યાં લઈ જવાની આજે એમને?’ શિલાની માતાએ પૂછ્યું.

‘ક્યાં જવું છે તમારે?’ શિલાએ પથિકને પૂછ્યું.

‘આઈ ડૉન્ટ નો ! આઈ એમ યોર ગેસ્ટ !’ હસીને પથિકે કહ્યું.

‘ફરી આવો ક્યાંક !’ શિલાની માએ હસીને કહ્યું.

શિલાએ ઘડિયાળમાં નજર કરી કહ્યું, ‘સિલવાસા જઈએ?’

‘હાઉ ફાર ?’ પથિકની ઈચ્છા ન હતી દૂર જવાની.

‘સવા કલાક. દોઢ પણ થાય !’

‘લેટ્સ ગો ટુ બિચ ! આઈ લાઈક ટુ વોલ્ક ઈન સેન્ડ !’ હસીને બોલ્યો.

‘ઓ...કે!’ હસવાનો પ્રયત્ન કરતા શિલાએ કહ્યું, ‘નો પ્રોબ્લેમ ! એઝ યૂ વિશ !’

દરિયા કિનારે લાંબો સમય સુધી બન્ને ચાલતા રહ્યા. આ વખતે પણ પથિક જ વાતો કરતો રહ્યો. શિલાએ એના હાથમાં પથિકનો હાથ પકડવાનો પ્રયાસ કર્યો. પણ થોડી વાર પકડીને પથિકે ચાલાકીથી હાથ છોડાવી લીધો. શિલાને એ અને એનું ફેમિલી કેટલા સમયમાં એની પાછળ પાછળ આવે એ જાણવામાં વધુ રસ હતો અને પથિકને હવે બરાબર ખયાલ આવી ગયો કે આ બાય વન ગેટ વન ફ્રિ જેવું છે ! અહીં તો એક કરતાં ય કંઇક વધારે હતું અને સોદો એ ખોટનો હતો!

સાંઇ મંદિરમાં દર્શન કરી બન્ને ઘરે આવ્યા ત્યારે લગભગ આઠ વાગી ગયા હતા.

‘આવી ગયા..?!’ શિલાની માતાએ ફરી આવકાર્યા, ‘આજે તો રોકાઈ જશોને ?’

‘નો.! મારે જવું પડશે. રાતે મારા બે ત્રણ જૂના ફ્રેન્ડસ્ હાઈસ્કૂલના મને મળવા આવવાનાં છે.’ પથિકે બહાનું કાઢ્યું, ‘સોરી !’ પથિકને પણ નવાઈ લાગી કે કેટલું સહેલાયથી એ જૂઠું બોલી શક્યો. અને બહાનું પણ કેવું ત્વરિત ફૂટી નીકળ્યું જેમ કોઈ પથ્થરને ફોડીને કૂંપળ ફૂટે!

‘મને તો એમ કે તમે રાત રહેશો જ !’

‘..............’ પથિક મૌન જ રહ્યો.

‘જમશો તો ખરાને ?!’ સામાન્યતઃ ઓછું બોલતા શિલાના પિતા રમેશભાઈએ પૂછ્યું.

‘તમે પણ ખરા છો?!’ શિલાની માતા એમને ઉતારી પાડતા કહ્યું, ‘જમીને તો જશે જ ને! એમને મનભાવતો ડ્રાયફ્રૂટ શિખંડ મંગાવ્યો છે !’

‘ધેટસ્ ગ્રેટ !’ પથિકે હસીને કહ્યું, ‘સો.લેટસ્ હેવ ડિનર! આમ પણ મારે સમયસર નીકળવું પડશે અધરવાઇઝ મારા ફ્રેન્ડસ્ વિલ મેઈક માય ફન..’

શિલાએ અને એની માએ થાળી તૈયાર કરી. શિલાની મા જ વાતો કરતી હતી.

‘…તો મેરેજ બાદ શિલાને ત્યાં આવતા કેટલો ટાઇમ લાગશે?’

‘ઇટ ડિપેન્ડસ.’ પથિકે ચમચીથી શ્રીખંડ મ્હોંમાં મુકતા કહ્યું.

‘…..આ તો એટલા માટે કે અમને સમજ પડે તૈયારીની. અને એની પાછળ પાછળ અમારે આવવાની !’

કોળિયો ચાવતા ચાવતા પથિક અચાનક ઉભો થઈ ગયો. અને ઝડપથી વોશ બેસિનમાં જઈ એણે કોળિયો થૂંકી નાંખ્યો !

‘શું થયું ?!’ શિલાની માએ ચિંતાથી પૂછ્યું.

‘કડવી બદામ !’ કોગળા કરતા કરતા પથિકે કહ્યું, ‘કડવી બદામ આવી ગઈ હતી ડ્રાયફ્રૂટ શ્રીખંડમાં ! એકદમ કડવી!’

‘ઓ…હ…! સોરી….!’

‘ઇટ ઇસ ઓકે!’ પથિકે હાથ ધોઈ લૂંછતા લૂંછતા કહ્યું, ‘આઈ એમ ડન!’

‘હોઈ કંઈ ! હજૂ તો રાઈસ બાકી છે.’

‘ના. આમ પણ હું રાઈસ બહુ ખાતો નથી.’

પછી તો ભાગતો હોય એમ પથિકે ઉતાવળ કરી. રાતે ઘરે આવ્યો ત્યારે દશ વાગી ગયા હતા.

‘કેમ આવી ગયો?’ મિતાએ સીધું જ પૂછ્યું, ‘તુ તો રાત રહેવાનો હતોને ?’

‘કોણે કહ્યું? હુ સેઈડ? હુ સેઈડ ??’ હવે પથિકને ગુસ્સો આવતો હતો. એની મોમ પર! એના ખુદ પર ! શિલા પર! લગ્નપ્રથા પર ! આખી દુનિયા પર ! એણે યૂએસથી જ આવવું જોઈતું ન હતું. વાય શુલ્ડ હી કમ?

મિતાએ એના પતિ તરફ જોયું. એમણે ઇશારાથી ચુપ જ રહેવાનું કહ્યું.એઓ સમજી ગયા હતા કે કંઈક ખોટું થયું હતું અને પથિક અપસેટ હતો. જે સામાન્યતઃ અપસેટ થતો ન હતો.

મોડી રાતે પથિકના પિતા ઈન્દ્રવદન જાગ્યા પાણી પીવા ત્યારે એમણે જોયું કે પથિકના રૂમની લાઈટ ચાલુ હતી પરંતુ બારણા બંધ હતા. સહેજ વિચારી એમણે બારણે ટકોરા માર્યા.

‘ડેડ, યૂ ડૂ નોટ નીડ ટુ નોક !’ પથિકે અંદરથી કહ્યું, ‘પ્લીસ કમ ઇન સાઈડ… એક્ચ્યુઈલી આઈ એમ વેઈટિંગ ફોર યૂ!’

ઇન્દ્રવદન ધીમેથી રૂમમાં દાખલ થયા. એમણે જોયું કે પથિકની બેગ તૈયાર હતી. એમણે બેગ તરફ ઇશારો કરી આંખથી પૂછ્યું.

‘યે….સ…ડેડ! આઈ એમ ગોઇંગ બેક ટુમોરો ! રાતની ફ્લાઈટનું કન્ફર્મ થઈ ગયું છે. એક વિક રજા બચશે !’

‘બટ વ્હાઈ ?!’ ધબ દઈને ઇન્દ્રવદન પથિકના પડખે પલંગ પર બેસી પડ્યા.

‘ડેડ ! ટેલ મી! કડવી બદામ ખાઈ શકાય ?’ પથિકે અચાનક પૂછ્યું.

‘કડવી બદામ?!’ ઇન્દ્રવદનને નવાઈ લાગી.

‘યેસ.કડવી બદામ!’ હસી પડતા પથિક બોલ્યો, ‘ ડેડ! આઈ વોન્ટ ટુ મેરી અ ગર્લ વિચ ટેઇક કેર ઓફ અસ. અવર ફેમિલિ.માય ફેમિલિ. ટેઇક કેર ઓફ યૂ... મોમ! રાઈટ ? મોમ પણ એવું જ વિશ કરે છે ને?’

‘અફકોર્સ....!’

‘…સો આ...ઈ! ડેડ!’ શિલા ઇસ નોટ અ સચ ટાઇપ ગર્લ ! શિ ઇસ મોર અફિલિએટ તો હર ફેમિલિ. યૂ નો. એની પાછળ પાછળ એનું ફેમિલિ આવે એટલે યૂ નો.. વોટ વિલ હેપન? એન્ડ આઈ ડૂ નોટ વોન્ટ સચ કોમ્પ્લિકેશન્સ.પ્રોબ્લેમ્સ.! સો ડેડ! નાઉ.. .મોમને તમારે સમજાવી દેવાની. આઈ નો યૂ કેન ડૂ ધીસ વેલ.’

......અને પથિક પાંચ જ દિવસમાં ફરી પાછો ન્યૂ જર્સી આવી ગયો. એ જ રફ્તાર. એ જ ઈમેઇલ્સ.એ જ ટ્રાફિક. એ જ સ્નો ! મનોમન એ હસતો હતો પોતાના પરઃ હીરો ઘોઘે જઈ આવ્યો! પણ જે નિર્યણ લીધો એ બરાબર હતો.

પથિકના માતા-પિતા ઇન્દ્રવદન અને મિતા દેશ રોકાય ગયા. મિતાએ તો પથિકને ગમે એમ કરી પરણાવવો જ હતો!

-એક નહીં તો બીજી! છોકરીઓની ક્યાં કમી છે?

-અરે!! ચપટી વગાડતા જ છોકરીઓની લાઈન લગાવી દઈશ.. મારા પથિક માટે!! મિતા એમ હાર માને એવી ન હતી. મિતાએ એના ચક્રો વધુ ગતિમાન કર્યા. મોડે મોડે એને પણ સમજાયું હતું, એના પતિએ સમજાવ્યું હતું કે પથિકે જે નિર્યણ લીધો એ જ યોગ્ય હતો એમના કુટુંબ માટે. ગમે એમ પથિકને એણે સંસ્કાર સિંચ્યા હતા. એને પથિક પર ગર્વ થતો હતોઃ માય બોય! માય સન…!

દિવસો પસાર થવા લાગ્યા. વસંતની શરૂઆત થઈ ગઈ હતી ન્યૂ જર્સી ખાતે. વૃક્ષો પર નવી કૂંપળ ફૂટવા માંડી હતી. ધરતીએ નવો ક્લેવર પરિધાન કરવા માંડ્યો હતો. પથિકને હવે થતું હતું કે મોમ-ડેડ આવી રહે તો સારું. હવે એને એકલવાયું લાગતું હતું. જો કે જોબ પર કામ વધી ગયું હતું. એને પ્રમોશન મળી ગયું હતું. હવે એ રિસર્ચ એન્ડ ઇનોવેશન ડિપાર્ટમેન્ટનો હેડ બની ગયો હતો. કેન્સર સેલ પ્રતિરોધક દવા પરનું સંશોધન સફળ થવાની પુરી શક્યતા હતી.

કાફેટેરિયામાંથી સૅલડ લઈ પથિક એની ચેમ્બરમાં આવ્યો. લંચ અવરમાં એ જરા રિલેક્ષ થતો. કમ્પ્યૂટર પર જગજીતસિંગની ગઝલ ધીમા સુરે મૂકી એણે ઈમેઇલ્સ જોવા માંડી. મોટે ભાગે એના કામને લાગતી જ ઈમેઈલ હતી. એના જવાબ આપતા આપતા એક અજાણી જ ઈમેઇલ હતી. કોઈ ઉષ્માની!

એણે એ વાંચવા માંડી.

-તો મોમ એમ હાર માને એમ નથી.

-ઉષ્મા! સરસ નામ. ઇમેઇલમાં એણે એના ફોટાઓ, બાયોડેટા, ફેઈસબૂક, ટ્વિટરની આઈડી સામેલ કરી હતી. એના સેલફોનનો નંબર પણ હતો. અરે! સ્કાઈપે આઈડી પણ સામેલ હતો.

-બાયોડેટા રસપ્રદ હતો. એમ એસ યૂનિવર્સિટીમાંથી કમ્પ્યૂટર સાયન્સમાં એ એમએસ થયેલ હતી. અને સોફ્ટવેરમાં એ કાબેલ હતી તો ઓરેકલ પ્રોગામિંગમાં પણ નિપૂણ હતી. વડોદરા ખાતે ટેકસોફ્ટ કમ્પ્યૂટર સર્વિસમાં એ પ્રોજેક્ટ એનાલિસ્ટનું કામ કરતી હતી. ઊંચાઈ પાંચ ફૂટ ચાર ઈંચ, વજન ૫૦ કિલો, વડોદરા ખાતે હાફ મેરેથોન બે વાર દોડી હતી અને એક વાર વિજયી પણ થઈ હતી. એનો એક ભાઈ સિવિલ એન્જીનિયર હતો જે પરણીને સેટ થઈ ગયો હતો. વડોદરા ખાતે એમનું કન્સ્ટ્રક્શનનું કામ હતું - મકાન બાંધકામનું ! ઘરે બે કાર અને ત્રણ સ્કૂટર હતા. યૂએસ આવવાનું ખાસ કારણ પણ એણે લખી જ દીધું હતુઃ ટુ એક્સપ્લોર ન્યૂ હોરાઈઝન ટુ યૂટિલાઇસ હર નોલેજ ઈન પ્રોગ્રામિંગ.

-વાઊ! ઇટ ઇસ ઇન્ટરેસ્ટિંગ. રિયલી ઇન્ટરેસ્ટિંગ ! અને મોમ-ડેડ કંઈ એને જણાવે એ પહેલાં તો ઉષ્માએ જ એનો સંપર્ક કર્યો હતો. એ એને ગમ્યું. ઈમેઇલમાં એણે એના મમ્મી-પપ્પાનો ઉલ્લેખ પણ કર્યો હતો.

અને એટલાંમાં જ એનો સેલફોન રણક્યો. સામે એના ડેડ જ હતા, ‘હાઈ ડેડ !’

‘એક બાયો ડેટા તને મળશે!’

‘આઈ ગોટ ઈટ. ડેડ, ફ્રોમ ઉ…ઉ…ષ્મા.!’

‘અરે વાહ…!’ હસીને ઇન્દ્રવદને કહ્યું, ‘છોકરી તેજ છે! લૂક સન, ઘણી છોકરીઓ જોઈ અમે. આ ત્રણ ચાર મહિનામાં અને આના પર મારું ધ્યાન વધારે પહોંચે છે. અને એટલે જ એને તારું ઈમેઇલ આપ્યું. શિ ઈસ મોસ્ટ પરફેક્ટ ફોર અવર ફેમિલિ. મેં પણ એની સાથે વાત કરી છે. પર્સનલિ અને ફોન પર. તારી મોમને પણ એ અને એનું ફેમિલી ગમ્યું. ઘે આર વેલ સેટલ્ડ! હર ફાધર જનકરાય જાગિરદાર ઇસ થરો જેન્ટલમેન! શિ ઇસ અલોન, હર બ્રધર મંયક હેવિંગ વેરી બીગ કન્સ્ટ્રક્શન બિઝનેસ, સો નો બાય વન ગેટ વન ફ્રી હિયર..’ સહેજ હસીને એમણે કહ્યું, ‘નો કડવી બદામ.!’

‘..............’

‘કેમ કંઈ બોલતો નથી?’ પથિકના પિતાને ચિંતા થઈ, ‘આર યૂ ધેર..?’

‘…યા….યા. ડેડ!’ પથિક ઊંડો શ્વાસ બોલ્યો, ‘લેટ મિ થિંક! ધીસ ટાઇમ આઈ હેવ ચાન્સ ટુ ગેટ ઇન ટચ વિથ હર! આઈ મીન ઉષ્મા, એન્ડ ધેન આઈ વિલ ડિસાઈડ.’

‘નો પ્રોબ્લેમ.ટેઈક યોર ટાઇમ!’ ગળગળા થઈ જતા ઇન્દ્રવદને કહ્યું, ‘ટેઈક કેર.’

‘ડેડ! ડૂ નોટ વરી એન્ડ યૂ ઓલ્સો ટેઈક કેર.’

ફોન મૂકી પથિક વિચારવા લાગ્યો.

-મોમ ડેડ જે કંઈ કરે, વિચારે એ એના ભલા માટે જ હોયને! ફરીથી એ ઉષ્માના ફોટાઓ જોઈ ગયો. એના વ્યક્તિત્વમાં કોઈ અજબ મોહિની હતી! કહોને એક ચુંબકત્વ હતું! ફોટાઓ વારે વારે જોવાનું મન થતું હતું પથિકને! મોનિટરના ઘડિયાળ પર એક નજર કરી એણે ઉષ્માની ઈમેઇલનો જવાબ આપવાની શરૂઆત કરી. ઉદ્દેશમાં પહેલાં તો ડિયર લખ્યું. પણ સહેજ વિચારીને એણે હાઈ કર્યુ. એનો આભાર માનવાની શરૂઆત કરી એણે લખ્યું કે, આઈ એમ ઓલ્સો લુકિંગ ફોરવર્ડ ટુ ટોલ્ક ટુ વિથ યૂ. મારી પાસે હાલે તો ખાસ બાયો ડેટા નથી. લખી એણે એના સેલફોનનો નંબર, અંગત ઈમેઇલ આઈડી આપી અને જણાવ્યું કે આજે શુક્રવાર છે, એ જરા બિઝી છે. પણ વિકએન્ડમાં જ્યારે પણ ઉષ્માને સમય હોય ત્યારે એ ફોન કરી શકે છે. મારી પાસે ખાસ ફોટાઓ નથી. પણ એક બે ફોટાઓ છે એ મોકલાવું છું જે મારા કામ પર લીધા છે. અને એક ફોટો તો લેબકોટ સાથે છે. સોરી! ધીસ વે યૂ વિલ નો હુ આઈ એમ ઈન રિયલન! લખી ઇમેઇલ સેન્ડ કરી.

લંચ સમય પુરો થવાની તૈયારી હતી તો પણ એ ફેઈસબૂકના એના એકાઉન્ટ પર ગયો અને ઉષ્માએ મોકલાવેલ એની આઈડી પર ફ્રેન્ડની રિક્વેસ્ટ મોકલાવી લૉગ ઑફ થઈ એ કામે લાગ્યો. કેન્સરના સેલ પ્રતિરોધક દવાના રિઝલ્ટ એણે એનાલિસિસ કર્યા. ગિની પિગના કેન્સર સેલ તો વધતા અટકી ગયા હતા. હવે એ દવા કેન્સરના ખરેખર દર્દીઓને આપવામાં આવી હતી એના પરિણામો આશાસ્પદ હતા. આ આખો પ્રોજેક્ટ એકદમ ગુપ્ત અને ફક્ત અમુક જ કર્મચારીઓના સાથ સહકારથી હાથ ધરવામાં આવેલ હતો. જેથી પ્રતિસ્પર્ધિઓના હાથમાં ફોર્મ્યુલા ન પહોંચી જાય. કામમાં એ એવો વ્યસ્ત થઈ ગયો કે સાંજ થઈ ગઈ એ જાણ ન થઈ. જતા જતા રોજની ટેવ મુજબ એણે ઇમેઇલ ચેક કરી. અને એના આશ્ચર્ય વચ્ચે ઉષ્માનો પ્રત્યુત્તર આવી ગયો હતો અને એણે જણાવ્યું હતું કે એની પાસે આઈ ફોન અને આઈ પેડ બન્ને છે તો ફેઈસ ટાઇમ કરવાની ઇચ્છા દર્શાવી હતી અને લખ્યું હતું કે શનિ-રવિએ ઘરે જ રહેશે અને કોઈ પણ સમયે... દિવસે કે રાતે એ ફેઇસ ટાઇમ કરી શકાશે. એટ યોર કન્વિનન્સિ! અને ફરીથી એણે એનો સેલ ફોન નંબર આપ્યો હતો અને જણાવ્યું હતું કે એ પણ આતુર છે. વાત કરવા.વર્ચ્યુલી મળવા!

-વાહ! ધેટસ ગ્રેઈટ…!

રાત્રે ઓલિવ ગાર્ડનમાં ડિનર લઈ એ ઘરે આવ્યો. ટીવી જોતા જોતા નિંદ્રાધીન થયો... પણ ઊંઘમાં ય ઉર્જાનાં ખયાલો કરતો રહ્યો એમ એને લાગ્યું. મોડી રાતે ઊંઘ આવી હતી એટલે સવારે ઊઠ્યો ત્યારે આંખો ભારી હતી. એણે બાથરૂમનાં આદમકદ અરીસામાં પોતાની જાતને નિહાળી. કેટલાંય દિવસથી જીમમાં નથી જવાયું તો હવે એ આજથી શરૂ કરવું પડશે. એણે એના સહેજ આગળ નીકળી આવેલ પેટ પર હાથ ફેરવ્યો. પ્રાતઃકર્મથી પરવારી એ કિચનમાં આવ્યો અને કોફી મશિન ચાલુ કર્યું. અને ફ્રિજ પર લગાવે ‘ટુ ડૂ લિસ્ટ’ પર નજર ફેરવી.. ગાર્ડનિંગ, વેક્યુમ, લોન્ડ્રિ, કાર વોશ, ઓઈલ ચેઇન્જ. યાદી લાંબી હતી. એના ઉપર સહુથી પહેલાં લખ્યું: કોલ ઉષ્મા. એ લખતા લખતા એના મ્હોં પર હાસ્યની એક લહેર દોડી ગઈ!

-શું વાત કરીશ એની સાથે? ક્યાંથી શરૂઆત કરીશ?

કોફી મશિનમાં બીપ બીપ થતા એને ખયાલ આવ્યો કે કોફી થઈ તૈયાર થઈ ગઈ છે. કોફીનો કપ લઈ એ ડેક પર જવાનો વિચાર કરતો હતો એટલાંમાં જ એના આઈ ફોનની રીંગ વાગી. કોણ હશે!? વિચારી એણે એણે આઈફોન ઉપાડ્યો તો ફેઇસટાઇમની રિક્વેસ્ટ હતી એણે ઍસેપ્ટ કરી તો સ્ક્રિન પર ઉષ્માનો ચહેરો!

‘હા….ઇ.!’

‘હા…ઇ...! હ…લ્લો..,’ પથિકના બીજા હાથમાંના કોફીના કપની ગરમ કોફી છલકાય ગઈ અને એની આંગળીઓ દાઝી.

‘સોરી તમને ડિસ્ટર્બ તો નથી કરતીને...? ઇસ ઈટ ઓકે!’

‘નો નો… આઈ એમ ફાઈન! જસ્ટ વૉક અપ અને કોફી પિવાની તૈયારી કરતો હતો!’

‘…સો યૂ લાઈક કોફી!! અમેરિકાનો?’

‘યા!!’

‘આઈ ડ્રિન્ક સમટાઇમ કાપિચીનો! પણ મોટે ભાગે મને ચા ગમે. ફૂદિના વાળી?’

‘હું પણ ક્યારેક ચા બનાવી લઊં. પણ મોટે ભાગે માય ફર્સ્ટ ચોઈસ ઇસ કોફી .’

-ઉષ્માની મોહિની અને સરળતા, સાવ સહજતા અદભુત છે ! પથિકે વિચાર્યું.

‘શું વિચારો છો?’

‘કંઇ નહીં!’ જાણે એ પકડાઇ ગયો હોય એમ થોડો સંકોચાયો, ‘…સો યૂ ઓલ્સો હેવ ગ્લાસિસ.’ હસીને એ બોલ્યો, ‘યોર ફોટોગ્રાફ્સ વેર વિધાઉટ ગ્લાસીસ!’ ઉષ્માએ મોટ્ટી રેબનની કાળી ફ્રેમ વાળા ચશ્મા પહેર્યા હતા અને એના ગોરા ચહેરા પર એ વધુ શોભતા હતા. એના માર્દવ ચહેરાને એક કોન્ટ્રાસ્ટ આપતા હતા.

‘યા…! ફોટામાં કોન્ટેક્ટ્સ હતા. પણ ઘરે તો હું મોટે ભાગે ગ્લાસિસ જ પહેરું. અને આઈ એમ વેરી ફાઉન્ડ ઓફ ગ્લાસિસ. પર્ટિક્યુલર ડિફરન્ટ ફ્રેમ્સ! આઇ હેવ અ કલેક્સન ઑફ બ્રાન્ડેડ ફ્રેમ્સ! ડૂ યૂ લાઈક માય ગ્લાસિસ?’ એનો અવાજ પણ તાંબાના રણકાર જેવો હતો. ખનકતો.

‘યા...!ઇટ લુકસ્ કૂલ.’ અને ઊંડો શ્વાસ લઈને કહી જ નાંખ્યુ, ‘યૂ ઓલસો લૂક બ્યુટિફૂલ...! વેરી બ્યુટિફૂલ.’

‘ઓહ!! થેન્ક્સ.. થેન્ક યૂ વેરી મચ !’ હસીને ઉષ્મા બોલી, ‘...તો… શું શું કરવાના આજે?! એકલા એકલા!?’

-બસ આખો દિવસ તારી સાથે વાતો કરતા રહેવું છે!! પથિકને વિચાર તો આવી ગયો. પણ એ મૌન જ રહ્યો.

‘કોઈ ગર્લ ફ્રેન્ડને બોલાવી તો નથીને? હોમ અલોન છે તો?’ હસીને ઉષ્માએ મજાક કરી.

‘હા…હા…હા…!!’ પથિક ખડખડાટ હસી પડ્યો.

‘પકડાઇ ગયા ને??!!’ ઉષ્મા હજૂ ઢીલ મુકતી ન હતી, ‘આઈ ગો...ટ યૂ...’

‘યૂ ગોટ મી !’ હવે પથિક પણ અસલ મિજાજમાં આવી ગયો, ‘બોલાવી તો છે દૂર દૂરથી એક ગર્લ ફ્રેન્ડને. પણ એ આઈફોનમાં ભરાઈ બેઠી છે ! ચશ્મિશ છે!’

-ઉષ્મા શરમાય ગઈ.

‘હવે એને ફોનમાંથી કેમ બહાર કાઢવી એનું સોફ્ટવેર એની પાસે જ શોધું છું ! એ સોફ્ટવેર એન્જિનિયર છે.!’

રેફ્રિજરેટર પરનું ‘ટુ ડૂ લિસ્ટ...’ એમને એમ રહી ગયું. પછી તો જાત જાતની વાતો થતી રહી ગઈ. રોજ બરોજ વાતો થતી રહી. ફેઈસબૂક પર, સ્કાઈપે પર..! વ્હોટ્સ અપ પર ! રાત દિવસ વાતો થતી રહી. બન્ને એકબીજાના ફેઇસબૂકના યૂઝર્સ નેઈમ અને પાસવર્ડ પણ અદલાબદલી કરી દીધા ! સાત સમંદર દૂર રહીને પણ બન્ને જાણે એકબીજાના દિલમાં વસી ગયા! દિવસ લાંબો લાગતો હતો. પથિકને! ને પણ કામ બહુ જ હતું. પણ જ્યારે એ કામ પર હોય તો એ ઉષ્મા સાથે ખાસ વાત ન કરી શકતો. પણ ઉષ્માના ‘ચબરાકિયા’ મેસેન્જરમાં, વ્હોટસ્ અપ પર અચાનક કૂદી પડતા, તો વળી નવી નવી ફ્રેમના ચશ્મા પહેરી ફોટાઓ મોકલતી અને એના ખૂબસુરત ફોટાઓ પથિકને બેચેન કરી દેતા. એને વિવશ કરી દેતા.. તો ક્યારેક ઉષ્મા એનો ચહેરો ચિત્ર-વિચિત્ર કરી ફોટાઓ પાડી પથિકના ચહેરા પર હાસ્ય રેલાવી દેતી. એના કામકાજનું ટેન્સન દૂર થઈ જતું: એફડીએ સાથે પત્રવ્યવહાર! કેન્સરની અને અન્ય દવાઓના પરિણામો! અવા નવા પ્રોજેક્ટસ્‍! પ્રેઝન્ટેશન!મિટિંગ્સ! ઈમેઇલ્સ! ઓહ!

દેશ આવવા પહેલાં એણે ઉષ્મા સાથે વાત કરી, ‘યૂ નો બેબ, આઈ હેવ ટુ કમ બેક એની હાઊ ઈમિડિએટલી આફ્ટર વેડિંગ. તરત જ આવવું પડશે. નો ટાઇમ ફોર હનિમૂન.’

‘ઓ…હ…!’ ઉષ્માએ બેચેન થતા કહ્યું, ‘ વ્હાઈ?’

‘આઈ હેવ ટુ પ્રેઝન્ટ વેરી ઇમ્પોર્ટન્ટ પ્રેઝન્ટેશન્સ ઓફ માય રિસર્ચ અગેઇન્સ્ટ એફડીઆઇ!’

‘કોઈ બીજાને મોકલને??!’ લાડકા થતા ઉષ્માને કહ્યું.

‘નોટ પોસિબલ! સોરી.’ સહેજ નિરાશ થતા પથિકે કહ્યું, ‘આઈ કેન કમ નાઉ ઓર આફ્ટર સિક્સ મન્થ.મે બી મોર ધેન સિક્સ મન્થ !કોઝ. યૂ નો.આઈ એમ એસોસિયેટ વિથ વેરી ક્રુસિયલ પ્રોજેક્ટ.ઈટ ઇસ માય ડ્રિમ.માય ચાઈલ્ડ.!’ જ્યારે પથિક મૂંઝવણમાં મુકાઈ જતો ત્યારે વારે વારે ‘યૂ નો...યૂ નો.’ બોલવા માંડતો.

‘નો. ધેન કમ નાઊ ! પછી તો આખી જિંદગી આપણે હનીમૂન મનાવીશું!’

‘લવ યૂ !’ પથિકે આઈપેડના સ્ક્રિન પર દેખાતી ઉષ્માના હોઠો પર ચુંબન કર્યું, ‘થેન્ક્સ ફોર અન્ડરસ્ટેન્ડિંગ.’ પથિકે ગમે એમ કરી જલ્દીથી ઉષ્મા પાસે પહોંચી જવું હતું. એણે એને ખોવી ન હતી. અને પથિક એના સીઈઓને મળ્યો. ખાસ પ્રસંગ હોવાને કારણે મને-કમને એમણે એની દશ દિવસની રજા મંજૂર કરવા એચઆરને પરમિશન આપી.

-અને પથિક દેશ આવી ગયો.

આ વખતે બધું જ તય હતું! નક્કી હતું! પથિકના માતા પિતા પણ બહુ ખુશ હતા.

-મિતાએ પથિક માટે બહુ જોરદાર સુયોગ્ય પાત્ર શોધ્યું હતું! એની થનાર વહુ ઉષ્મા મહિને લાખ-દોઢ લાખ રૂપિયા તો રમતા રમતા બનાવતી હતી તો એને ફટાફટ ફૂલકા રોટલી બનાવતા પણ આવડતું હતું. ભલે સોફ્ટવેર એન્જિનિયર હતી તો સાથે સાથે સુંવાળી સુંવાળી વેઢમી બનાવવામાં પણ કુશળ હતી. આવી છોકરી તો દીવો લઈને શોધવા જઈએ તો પણ ન મળે. આ વખતે એ કંઈ કાચું કાપવા માંગતી ન હતી. બન્નેની જન્મપત્રિકા પણ સોળ આની મળતી આવતી હતી. અને જોડી પણ જોઈ લોઃ જાણે રામસીતા...!

બન્ને પક્ષે લગ્નની બધી જ તૈયારી કરી દીધી હતી. શુભ મુરત, કંકોત્રી, મેન્યુ, બેન્ડ, શહેનાઇ, મહેંદી, બધું જ આયોજન થઈ ગયું હતું! અરે! ખાસ મુંબઈથી તો મિતાએ લગ્નગીત ગાનારા બોલાવ્યા હતા. બધા જ રાજી રાજી હતા.

મુંબઈથી આવી થોડો સમય નવસારી રોકાઈ પથિક સીધો વડોદરા પહોંચ્યો. બે માળનો આલિશાન બંગલો હતો પથિકના સસરા જનકરાયનો કારેલીબાગ ખાતે. જ્યારે એ વડોદરા પહોંચ્યો ત્યારે ઉષ્મા શોપિંગમાં ગઈ હતી. જેવી એને ખબર પડી કે એણે બધું પડતું મૂક્યુ અને એની કાર એણે હંકારી પોતાના ઘર તરફ.

‘આઈ થિન્ક કે…મને તો એમ કે તમને સાંજ પડી જશે આવતા.’

પથિક એને જોતો જ રહ્યો. આજ સુધી ફેઈસટાઇમ કે સ્કાયપે દરમ્યાન મોનિટરના સ્ક્રિન પર જ એણે ઉષ્માને નિહાળી હતી! અને એની ધારણા કરતા ઉષ્મા, મોનિટરની ઉષ્મા કરતા પ્રત્યક્ષ છતી થયેલ ઉષ્મા જાણે અલગ જ હતી. કોઈ પરી જેવી ! કોઈ અપ્સરા સમી !

‘..............!!’ પથિક અવાક.

‘હેઈ…!’ ઉષ્માએ પથિકને પોકાર્યો, ‘સ્પિક અપ.’

બન્નેને રેશમી એકાંત આપવા ઉષ્માના પિતા ઓરડામાંથી સલૂકાઈથી સરકી ગયા હતા.

પથિક હળવેથી ઉષ્મા પાસે આવ્યો અને ઉષ્માને એણે બાથમાં લીધી! હગ કરવાનો તો એક શિરસ્તો હતોને અમેરિકામાં..!

સહેજ ખંચકાતા ખંચકાતા ઉષ્માએ પણ એના હાથ પથિકના તનને ફરતે વિંટાળ્યા. બન્ને થોડો સમય એકબીજામાં ખોવાય ગયા. જાણે સમય અટકી ગયો. કે પછી ટકી ગયો ? એ તો એ બન્ને જાણે !

એટલામાં જ ઉષ્માનો ફોન પર ગિત ગુંજી ઊઠ્યુઃ તુમ જો આયે જિંદગીમેં બાત બન ગઈ. હા! એના આઈફોનનો રિંગટૉન હતો!

પથિકના આઘોષમાંથી હળવેકથી અલગ થઈ એના જીન્સના પાછલા ગજવામાંથી ઉષ્માએ આઈ ફોન કાઢી કહ્યું, ‘બોલ નેહા!’ સામે એની ખાસ સખી નેહા હતી.

‘..............!’

‘યા…યા….’ પથિક તરફ પ્રેમથી જોતા ઉષ્મા ફોનમાં બોલતી હતી, ‘નો.આઈ કાન્ટ ! સોરી! હી ઇસ હિયર!’ પથિકે ઉષ્માનો ડાબો હાથ એના જમણા હાથમાં પકડી રાખ્યો હતો, ‘હી ઇસ હિયર વિથ મી નાઉ !’ કહી હસીને ઉષ્માએ ફોનમાં કહ્યું, ‘આઈ વિલ કોલ યૂ લેટર.’ પછી પથિકના હાથમાંથી હાથ છોડાવતા કહ્યું, ‘નેહાડી હતી. એની સાથે શોપિંગમાં જવાની હતી. હવે...’

‘ઇફ યૂ વોન્ટ ટુ ગો. યૂ કેન !’

‘નો...ઓ...ઓ...’ પછી સહેજ હસીને કહ્યું, ‘આર યૂ સ્યોર?’

‘આસ્ક યોરસેલ્ફ.’ પથિકે એને ફરી નજીક ખેંચવાની કોશિષ કરી. પણ ઉષ્માએ સાવધ રહી એને અલગ કર્યો. અને ત્યારબાદ તો બેઠકખંડમાં ઉષ્માના પિતા, માતા અને ભાઈ પણ આવી ગયા. નાસ્તો, ચા-કોફી…પીરસાયા.

રાત્રે હળવા ડિનર બાદ ઉષ્મા પથિકને એના બંગલાનાં ટૅરેસ ગાર્ડન પર લઈ ગઈ. મધુમાલતીની માદક સુવાસથી ટૅરેસ ગાર્ડન મઘમઘતો હતો. અગાસીની વચ્ચે ગોઠવેલ હીંચકા પર બન્ને બેઠાં. આકાશમાંથી અર્ધવર્તુળાકાર ચંદ્ર બન્નેનું ધ્યાન રાખી રહ્યો હતો અને આછી આછી ચાંદની રેલાવતો હતો. પથિકે ઉષ્માને ઘણું કહેવાનું હતું. તો ઉષ્માએ પણ પથિકને ઘણું કહેવાનું હતું. પણ શબ્દની જરૂર જ ક્યાં હતી?

‘આઈ એમ વેરી અપસેટ! તમે લગ્ન બાદ તરત જ ભાગી જવાની વાત કરો એ ન ચાલે.!’ ઉષ્માએ પથિકનો હાથ પોતાના હાથમાં બરાબર જકડી રાખી કહ્યું, ‘એવું તે કેમ? વા…આ…ય…?’ આંખો નચાવતા ઉષ્માને સવાલ કર્યો.

ઊંડો શ્વાસ લઈ પથિક બોલ્યો, ‘યૂ નો! પહેલાં તો તું મને તું તું કહીને બોલાવતી હતી જ્યારે આપણે ફેઈસટાઈમ કરતા કે ચાટ કરતા ત્યારે ! બરાબર? અને આજે?? પર્સનલિ હવે તમે તમે કરવા લાગી એ ન ચાલે ! સમજી?’

‘ઓ…કે! બા….બા.’

‘યૂ નો ! આઈ એમ વર્કિંગ ઓન વેરી ઈમ્પોર્ટન્ટ પ્રોજેક્ટ! આખો પ્રોજેક્ટ મારા જ અંડરમાં છે, કેન્સરની દવા લગભગ હાથવેંતમાં છે. અને એના વિશે મારા સિવાય અન્ય કોઈને ખાસ જાણ નથી. ઈવન મારા સીઈઑને પણ નથી. હવે મારે એના રિઝલ્ટ અને એનાલિસિસ એફડીઆઈ સમક્ષ રજૂ કરવાના છે. એફડીઆઈ એટલે હાઈએસ્ટ ઓથોરિટી. એક વાર એઓ કન્વિન્સ થઈ જાય તો પછી કંઈ જોવાનું જ નહીં. એમણે જે તારીખ આપી અને આપણા વેડિંગની ડેઈટ, પેલું શું કહે મુરત. નજીક નજીક આવ્યા તો હું શું કરું? તને પણ ના તો ન પાડી શકું. અને એફડીઆઈને પણ ! તું સમજુ છે ! સમજી શકે. પણ એફડીઆઈ? અને હું મારી ક્રેડિટ કોઈને બીજાને ન આપી દઉં. પ્લિસ!!ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ મી. મેં તને બધ્ધી જ વાત તો કરી જ છે!’ પથિકે એના હોઠ ઉષ્માના હોઠની નજીક લાવી હોઠ પર ચુંબન કરવાની કોશિષ કરી. પણ ઉષ્માએ શરમાયને મ્હો ઝૂકાવી દીધું એટલે એણે એના કપાળ પર ચુંબન કરવું પડ્યું.

‘તું તો આગ લગાવીને ચાલ્યો જશે !’ સહેજ નિરાશ થતા ઉષ્માએ કહ્યું, ‘બેટર છે કે અત્યારે આગ લાગવા જ ન દઈએ. હવા ન દઈએ.ઇફ યૂ એગ્રી. અને પછી તો આખી જિંદગી છે જ ને આપણી. ઇફ યૂ એગ્રી.’

બન્ને સમજદાર હતા. પરિપક્વ હતા. થોડો સમય અગાસીમાં ઝુલા પર ઝુલતા રહ્યા. આછું આછું ઝાકળ પડવાની શરૂઆત થઈ અને ઠંડક વધતા ઉષ્મા પથિકને પહેલાં માળેનાં ગેસ્ટ રૂમમાં દોરી ગઈ. પગના પંજા પર સહેજ ઊંચા થઈ એના ગાલ પર હળવું ચુંબન કરતાં કહ્યું, ‘ગુડ નાઈટ ડાર્લિંગ! સ્વિટ ડ્રિમ ! જો કે હું જાણુ છું કે આપણને બન્નેને ઊંઘ તો આવવાની નથી જ…પણ…!’ એ હસીને બોલી, ‘….ને તને હજુ જેટ લેગની અસર પણ હશે.. તો બેટર યૂ શુલ્ડ ટેઈક ગુડ સ્લિપ નહીંતર લગ્ન વખતે ઊંઘરલો ઊંઘરેલો લાગશે!’

ગમે એ કારણ હોય. થાક.જેટ લેગ.સંતોષ.એક નિરાંત. એક ‘હાશ!’ પથિકને એ રાતે ઘસઘસાટ ઊંઘ આવી ગઈ. એરકન્ડિશનરની ધીમી ઘરઘરાટીએ જાણે હાલરડું જ ગાયું હતું પથિક માટે. સવારે ઊઠ્યો ત્યારે સાત સવા સાત થઈ ગયા હતા. વિશાળ ગેસ્ટરૂમનાં એટેચ્ડ બાથરૂમમાં જઈ એણે નિત્યકર્મ પતાવ્યા અને એ બાલ્કનીમાં આવ્યો. ત્રણ માળના વિશાળ બંગલાની ફરતે લીલોછમ બાગ હતો. બાગમાં વિવધ ફૂલોના છોડ અને નાના વૃક્ષો આયોજનબધ્ધ બાગની શોભામાં અભિવૃધ્ધિ કરતા હતા. એના પર જાત જાતના પક્ષીઓ કલરવ કરી રહ્યા હતા. ક્યાંક દૂર કોયલ ટહૂકતી હતી.કૂ…ઊ…ઊ…ઊ…!

બાલ્કનીના કઠેરાને બે હાથ વડે પકડી પથિકે નીચે નજર કરી તો લોનના કૂણાં ઘાસ પર ઉષ્મા સ્ટ્રેચિંગ કરી રહી હતી. ઘૂંટણ સુધી પહોંચતા કાળા ટ્રેક સુટ પર અડધી બાંયનાં તંગ કાળા ટી શર્ટમાં એ બહુ મારકણી લાગતી હતી. તંગ કપડાંને કારણે એના શરીરના વળાંકો એને વધારે મોહક બનાવી રહ્યા હતા.

‘ગુડ મોર્નિંગ !’ પથિક પર એની નજર પડતા એણે પથિક તરફ એનો જમણો હાથ ઊંચો કરી હલાવ્યો, ‘કમ ડાઉન ! કમ ઓન !’

પથિક નીચે આવ્યો. એના ભાવિ સસરા ગાર્ડનમાં ગોઠવેલ ટેબલ ખુરશી પર ચાને ન્યાય આપી રહ્યા હતા. એમને ‘ગુડ મોર્નિંગ અંકલ.’ કહી પથિક ઉષ્મા પાસે ગયો. ઉષ્માને બાથમાં લઈ ભીંસી નાંખવાનું એને મન થતું હતુઃ ઉષ્મા દેખાતી જ હતી એવી !

‘જસ્ટ કેઈમ ફ્રોમ જોગિંગ !’ પરસેવે રેબઝેબ ઉષ્માએ કહ્યું.

‘તું રોજ જોગિંગ પર જાય છે?!’

‘ઓલ મોસ્ટ ! ચારેક માઈલ જોગિંગ રનિંગ કોમ્બિનેશન !’ વાંકા વળી સાવ સહજતાથી એણે એનાં પગના અંગૂઠા પકડ્યા. એના તનમાં એક લચક હતી. સીધા થતા એણે પથિકને પૂછ્યું, ‘વોટ એબાઊટ યૂ ?’

‘આઈ ઓલસો ગો ટુ જીમ. બટ નોટ રેગ્યુલરલી. ઈટ ડિપેન્ડસ્‍!’ હસીને કહ્યું, ‘વર્ક લૉડ!’

‘એની વે. ગેટ રેડી.’ ઉષ્માએ હસીને કહ્યું, ‘હવેથી રેગ્યુલર જજે ! આઈ વોન્ટ યૂ ટુ બી ફીટ ! આપણે શોપિંગ પર જવાનું છે. તું આવ્યો ને મારે માટે કંઈ લાવ્યો પણ નથી તો. હવે અહીં તારે મારા માટે ગજવા ખાલી કરવા પડશે !’

‘સોરી ! આઈ એમ સોરી. રિયલી સોરી.’ પથિકને એકદમ ખ્યાલ આવ્યો કે એ ખરેખર ઉષ્મા માટે યૂએસથી કંઈ જ લાવ્યો ન હતો, ‘જો ડાર્લિંગ! હું ખુદ તારા માટે આવ્યો છું ને?!’ દાદર ચઢતા ચઢતા પથિકે ઉષ્માનો હાથ પકડી લીધો. રૂમમાં આવી એને ઉષ્માને આઘોષમાં લીધી, ‘…અને હું તને મળવા એટલો ઉતાવળો થઈ ગયો હતો કે આઈ ફરગોટ એવરિથીંગ!’

‘…નો એસક્યુસીસ.! બહાનાખોર !’ જોર કરી ઉષ્મા પથિકથી અલગ થઈ ગઈ. ‘પ્લીસ ગેટ રેડી. એક તો ટાઇમ ઓછો લઈને આવ્યો છે ને ટાઇમ બગાડે છે !’

નાહી ધોઈ પથિક તૈયાર થયો લિવાઈઝના ડાર્ક બ્લ્યુ ડેનિમ પર એને આસમાની રંગનું ટીશર્ટ પહેર્યું. અરીસામાં જોયુઃ ઉષ્મા સાથે, ઉષ્મા સામે એ ડેશિંગ તો લાગવો જોઈએને?

‘વા…ઉ…!’ ટ્રેમાં કોફી, નાસ્તો લઈ ઉષ્મા રૂમમાં આવી, ‘આઈ લાઈક સ્કાય બ્લ્યૂ...! એન્ડ યૂ લૂક કિલર ! તને કાચ્ચોને કાચો જ ખાઈ જાઊં એમ મન થાય છે મને !’ હવામાં બાચકા ભરતાં ઉષ્માએ કહ્યું, ‘પણ તને ખાવા પહેલાં મારે તને ખવડાવવું પડશેને?!’ બાલ્કનીમાં બે ફોલ્ડિંગ ખુરશીઓ ખુલ્લી કરી એની સામેની ટિપોય પર ઉષ્માએ નાસ્તાની ટ્રે મૂકી.

‘તો કુરબાની આપવા પહેલાં બકરાને ખવડાવવામાં આવે એ એમને?’ હસીને ખુરશી પર ગોઠવાતા પથિકે કહ્યું.

‘ધીસ ઇસ ફોર યૂ.’ ઉષ્માને નવો નક્કોર આઈફોન પથિકને આપતા કહ્યું, ‘મોમ…,યોર મોમ કહેતા હતી કે તારો ફોન અહીં બરાબર ચાલતો નથી. મેં બી અનલોક ન હશે. તો આઈ ગોટ ફોર યૂ ! સો વી કેન રિમેઈન ઇન ટચ !’

‘થેન્ક યૂ. બટ એની શી જરૂર હતી?’

‘શાની? ઈન ટચ રહેવાની?’ ઉષ્માએ આંખો પહોળી કરી સહેજ ગુસ્સાથી કહ્યું.

‘…ના…ના.’ ખડખડાટ હસી પડતા પથિક બોલ્યો, ‘હું અહીં લઈ લેત નવો ફોન.’

‘....તો ઠીક. વર્ના...’ જમણાં હાથ વડે પથિકને મારવાની ચેષ્ટા કરતા ઉષ્માએ વાત આગળ વધારી, ‘મોમનો ફોન બે વાર આવી ગયો. તારો ફોન આઉટ ઑફ રિચ બતાવે એમને એટલે શી વોસ વરિડ ! એમણે તને જલ્દી બોલાવ્યો છે પાછો. શોપિંગ બાકી છે તારું! અને લગ્ન વખતે તારા માટે શેરવાની લેવાની છે! તો મેં એમને કહી દીધું કે મારા ઘરચોળાં આઈ મીન પાનેતર સાથે મેચિંગ શેરવાની અહિંથી અમે સાથે જઈને લઈ આવીશું. તો આપણે શેરવાની લેવા જવાનું છે. નાઉ ! બટ પ્લિસ, કોલ યોર મોમ ફર્સ્ટ. નહીંતર એમને થશે કે દીકરો એમનો ગયો કામથી ! એમને એમ ન લાગવું કે તારા ફોનની જેમ તું પણ આઉટ ઓફ રિચ બને ! શેરવાનીનું શોપિંગ પતાવી યૂ શુલ્ડ ગો બેક.’

‘ઓ.કે ! યૂ આર રાઈટ !’ ઉષ્માની સમજણ પ્રત્યે પથિકને માન થયું, ‘…ને થેન્ક યૂ વેરી મચ. ફોર ધ સેલ ફોન !’ નવા ફોનથી એણે એની મોમ મિતાને ફોન કર્યો અને નવો નંબર આપ્યો અને બધી વિગત જણાવી કહ્યું કે સાંજ સુધીમાં એ આવી જશે.

શેરવાનીનું અને અન્ય શોપિંગ પતાવી પથિક મોડી રાતે નવસારી પહોંચ્યો.

દિવસો ઓછા હતા. જલ્દીથી પસાર થવાના હતા એ થયા. સંગિત સંધ્યા, મહેંદી, ડિસ્કો ,રાસ ગરબા, ત્રણ દિવસ તો એમાં જ નીકળી ગયા. નવા ફોન પર ઉષ્માના ફોન આવી જતા. એ પણ ઘણી વ્યસ્ત હતી. તો પણ દિવસમાં ચાર પાંચવાર તો એ પથિકની ખબર લેતી જ ! છેવટે એના એસએમએસ પણ આવી જતા !

શુક્રવારે લગ્ન હતા. શનિવારે થોડી પ્રાસંગિક વિધી પતાવી પથિક રવિવારે સવારે તો ઉપડી જવાનો હતો પાછો ન્યુ જર્સી. મંગળવારે સવારે એફડીઆઈ સામે પ્રેઝન્ટેશન કરવાનું હતું એની બધી તૈયારી એણે આ દરમ્યાન પુરી કરી.

વડોદરા ખાતે પણ તૈયારી પુરજોશમાં હતી. ઉષ્માએ લગ્નમાં અંગત રસ લીધો હતો. હોટેલ એક્ષપ્રેસ રેસિડન્સી આખે આખી બે દિવસ માટે બૂક કરાવડાવી હતી એણે એના પિતા પાસે. સગાઓના ઉતારા માટે, રહેઠાણ માટે અને પથિકની જાન આવે ત્યારે ઉતારો આપવા. અને એના જ બૅન્ક્વેટ હોલમાં લગ્નનું ભવ્ય આયોજન.એકદમ ટચવૂડ.!

ત્રણ લક્ઝરી બસમાં પથિકની જાન આવી પહોંચી વડોદરા ખાતે શુક્રવારની સવારે!

‘વોટ્સ રોંગ?? ...મોમ....?!’ પથિકે એની મોમ મિતાના ચહેરા પર ચિંતાનું લિંપણ જોઈ પૂછ્યું, ‘યૂ લુક ટેન્સ…!’

‘નો.’ ચહેરો ફેરવી લેતા મિતાએ કહ્યું, ‘નથિંગ !’ પણ પથિક જાણી ગયોઃ કંઇક એવું થયું છે કે મોમ અપસેટ છે ! પણ કહેતી નથી.

વાત એમ હતી કે લગ્નની દિવસે વહેલી સવારથી જ ઉષ્માની તબિયત બગડી હતી. એને ઊલટીઓ થતી હતી જે કાબૂમાં આવતી જ ન હતી. દવાની અસર થતી ન હતી. એણે ફોન કરીને એની વિગત મિતાને આપી હતી પણ પથિકને કહેવાની ના પાડી હતીઃ એ અમસ્તો વરી કરે...! ચિંતા કરે. એનો મૂડ ઑફ થઈ જાય ! એ દવા લે છે એટલે બપોર સુધીમાં તો ઠીક થઈ જશે!

ગોરજ સમયના લગ્ન હતા. ચાર ચાર ગોર મહારાજો માંગલિક શ્લોકોચ્ચાર કરી રહ્યા હતા! આયોજન એવું હતું કે એક પંડિત સપ્તપદીના શ્લોકનું અંગ્રેજીમાં પણ ભાષાતંર કરે જેથી પથિકને બરાબર સમજાય. શરણાઈના મંદ સુર વાતાવરણને સંગિતમય બનાવી રહ્યા હતા. આખું માયરું વિવિધ રંગના પુષ્પોથી સજાવેલ હતું. પથિક ગોઠવાય ગયો હતો એની સિંહાસન જેવી ખુરશી પર.

‘ કન્યા પધરાવો સાવધાન!’

મિતાએ નજીક આવી પથિકના કાનમાં કહ્યું. ‘દીકરા! ઉષ્મા ઇસ નોટ ફિલિંગ વેલ. સવારથી જ એને વોમિટ થાય છે. તો ઝડપ કરવી પડશે. શી માઈટ હેવ બેડ સ્ટમક વાયરસ!’

-અમેરિકામાં તો સ્ટમક વાયરસ બહુ સામાન્ય હોય છે.

‘સો…ધેટ્સ વાય યૂ આર વરિડ !’ પથિકે ધીમેથી પૂછ્યું.

હકારમાં ગરદન હલાવી મિતાએ કહ્યું, ‘નો મોર શ્લોક ઇન ઇંગ્લિશ.સમજયો?’

‘નો પ્રોબ્લેમ !’

એટલામાં જ ઉષ્માને લઈને એના મામા મ્હાયરામાં આવ્યા. એની સાથે નજર મેળવતા જ પથિકને ખયાલ આવી ગયો કે એ ખરેખર બીમાર છે. આંખોથી જ ઉષ્માએ ‘સોરી’ કહ્યું! એને ઊભા થઈ ઉષ્માને સધિયારો આપવો હતો. પણ વિચાર કરી એ બેસી જ રહ્યો.અને ગોર મહારાજ તરફ જોઈ કહ્યું, ‘પ્લીસ, ફરગેટ ઇંગ્લિશ ! સ્પિડ અપ.’

‘થેન્ક યૂ !’ ફક્ત હોઠ ફફડાવી ઉષ્માએ કહ્યું. એ સખત કમજોરી અનુભવતી હતી. આંખો પણ એની ઊંડી ઉતરી ગઈ હતી. એ એકદમ ફીક્કી પડી ગઈ હતી. સહુએ જે ખાધું હતું એ જ એણે પણ ખાધું હતું પણ ન જાણે કેમ ઊલટીઓ અટકવાનું નામ લેતી જ ન હતી. અને સતત ઊબકાઓ આવતા હતા. અત્યારે પણ ઊબકાને એણે માંડ ખાળ્યો હતો.

પથિકને પણ હવે ચિંતા થવા લાગી અને મહારાજો શ્લોક ગણગણતા હતા !

સપ્તિપદીનો છેલ્લો ફેરો હતો. અને ગમે એટલું ટાળે તો ય ઉષ્મા રોકી ન શકી. કોઈ દોડીને બકેટ લઈ આવ્યું અને એમાં ઉષ્માએ ..ઓ...ઓ...ઔ.ઔ.. ઔ... ઉ....ઉ...ક… કરી એમાં ઊલટી કરી. એ પરસેવે રેબઝેબ થઈ ગઈ . પથિકે એને સધિયારો આપ્યો. ઉષ્મા ધ્રૂજતી હતી. થરથરતી હતી.

જલ્દી જલ્દી કન્યાદાનની વિધી, સાત પેઢીના સંબંધો બંધાયા, પથિકે ઉષ્માના સેંથામાં સિંદૂર પૂરી મંગળસૂત્ર પહેરાવ્યું.

હવે હારતોરાની વિધી હતી. પથિકે ઉષ્માને લાલ-ગુલાબી ગુલાબથી બનાવેલ હાર પહેરાવ્યો. હવે વારો હતો ઉષ્માનો. સર્વ તાકાત એકત્ર કરી ઉષ્મા ઊભી થઈ. એની એક સખી એના પડખે જ હતી એણે એને હાર આપ્યો. હળવા ફૂલ હારનું પણ જાણે મણ મણનું વજન લાગતું હતું ઉષ્માને!

પથિક બની શકે એટલો નીચો નમ્યો જેથી ઉષ્મા એને સરળતાથી હાર પહેરાવી શકે.પણ હાર પહેરાવે એ પહેલાં જ ઉષ્માએ હોશ ખોયા અને એ પછડાઈ. પથિક તો નીચે નમેલ હતો. એટલે એ પણ કંઈ કરી ન શક્યો.

‘કોલ નાઈન વન વન!’ પથિકથી એની આદત મુજબ આદેશ અપાય ગયો. એક ક્ષણ તો એ પણ હેબતાય ગયો હતો, ‘કોલ ડોક્ટર !’ ઉષ્મા ઠંડી પડી ગઈ હતી. એની હથેળી બન્ને હાથમાં લઈ ઘસતા ઘસતા એ બરાડ્યો. બધાએ મ્હાયરાને ઘેરી લીધું હતું. મિતા પણ ગભરાય ગઈ હતી. પથિકે બે હાથમાં ઉષ્માને ઊંચકી લીધી, ‘લેટ્સ ગો ટુ હૉસ્પિટલ ના…ઊ…ઊ…!’ ઉષ્માના પિતાને પથિકે કહ્યું અને દોડતા બન્ને લિફ્ટ તરફ ગયા. કારમાં પાછલી સીટ પર પથિકે ઉષ્માને સાચવીને સુવડાવી એના ખોળામાં માથૂં રાખીને. પથિકના સસરાએ કાર હંકારી મૂકી હૉસ્પિટલ તરફ.

ઇમર્જન્સીમાં ઉષ્માને દાખલ કરાઈ. દાક્તરો તરત જ કાર્યરત થઈ ગયા. બેહોશ કન્યા સીધા લગ્નમાંથી એના વર સાથે હૉસ્પિટલમાં આવ્યા હોય એવું ભાગ્યે જ થતું. ઉષ્માનો ભાઈ પણ એમના ફેમિલી ડોક્ટર લઈને આવી પહોંચ્યો. બીજી કારમાં મિતા અને ઇન્દ્રવદન પણ આવી પહોંચ્યા. સહુનાં ચહેરા પર ચિંતાનો ઓછાયો હતો. ઉષ્માની મા તો રડવા લાગી હતી. એને મિતાએ સંભાળી. હજૂ પહેરી રાખેલ સાફો પથિકે ઉતાર્યો. અને જે કંઈ હાર પહેરેલ હતો એ કાઢી એણે સાઈડ પર ટિપોય પર મૂક્યો.

થોડા સમય પછી ફેમિલી ડોક્ટર અને હૉસ્પિટલના રેસિડન્ટ ડોક્ટર મેનન ચિંતાતુર કુટુંબ પાસે આવ્યા, ‘શી ઇસ સિવયરલી ડિહાઇડ્રેટેડ! બ્લડ પ્રેસર પણ લો થઈ ગયેલ એટલે ચક્કર આવી ગયેલ.’ શ્વાસ લઈને એ આગળ બોલ્યા, ‘વિ નીડ ટુ એડમિટ હર.’

ફેમિલી ડોક્ટરે ઉષ્માની મા સાથે કાનમાં કંઈ વાત કરી. એમણે મિતાને વાત કરી. બન્ને અંદરના ઓરડામાં ગયા. નર્સની મદદથી એમણે ઉષ્માના ભારેખમ પાનેતર, ઘરેણાં ઉતાર્યા અને હૉસ્પિટલના કપડાં પહેરાવ્યા. ઉષ્મા હજુ અર્ધ બેહોશ જ હતી. એને હૉસ્પિટલમાં એક ઍક્ઝિક્યુટિવ રૂમ ફાળવવામાં આવ્યો અને ત્યાં શિફ્ટ કરવામાં આવી. પથિક એની પથારી પાસે બેઠો. સલાઈન ચઢાવી દેવામાં આવ્યું હતું. મોનિટર પર ઉષ્માના હ્રદયના ધબકારા અને બીજા વાઈટલસ્ ઓબર્વેઝશનને પથિક જોઈ જ રહ્યો! આંખો બંધ કરી ઉષ્મા જાણે ઘસઘસાટ ઊંઘતી હતી.

લોકો જાત જાતની વાતો કરતા હતા. સારું થયું લગ્નની વિધી પતી ગઈ હતી. એક્ષપ્રેસ રેસિડન્સી હોટલના હનિમૂન સ્પેશ્યલ સ્યૂટમાં વિશાળ પલંગ પર પાથરેલ પુષ્પો કરમાય ગયા. પથિક હળવે હળવે ઉષ્માનો જમણો હાથ પસવારતા પસવારતા વિચાર કરી રહ્યો હતોઃ કેમ આવું થયું? શું ઉષ્માએ... ? ગરદન હલાવી એ વિચાર એણે ખંખેરી નાંખ્યોઃ જરૂર ખાવામાં જ કંઈ આવી ગયું હશે. કદાચ, એણે બહાર કંઇ ખાધું હશે. પાણી-પુરી. શેરડીનો રસ. ગમે એ હોય…પણ આ સ્ટમક વાયરસ જ હશે! હશે શું? છે જ! પથિક ખુદની સાથે વાત કરતો હતો. પથિકની માતા મિતા અને એના પિતા વેઈટિંગ રૂમમાં હમણાં જ ગયા હતા. ઉષ્માના પિતા બહાર લોબીમાં આંટાફેરા મારતા હતા.

નર્સ આવીને ઉષ્માનું બ્લડ પ્રેશર માપી ગઈ. હવે એ ધીરે ધીરે નોર્મલ થઈ રહ્યું હતું. વહેલી સવારે ઉષ્માએ આંખો ખોલી. એ સાવ ફિક્કી પડી ગઈ હતી. જાણે વરસોથી માંદી ન હોય !

પથિક એની પડખે જ બેઠો હતો આખી રાત. ઉષ્માએ આંખો ખોલી એ જોઈ પથિકના જીવમાં જીવ આવ્યો, ‘હાઉ યુ ફિલીંગ?’

‘સોરી!’ મંદ સ્વરે ઉષ્માએ કહ્યું, ‘આઈ એમ રિયલી સોરી.’

‘ડોન્ટ બી સોરી !’ પથિકે પ્રેમથી ઉષ્માના કપાળે હાથ ફેરવતા ફેરવતા કહ્યું, ‘હવે કેમ લાગે છે? ડૂ યૂ વોન્ટ ટુ ડ્રિન્ક સમથિંગ?’

‘સોરી. લગ્નની રાત તો સુહાગ રાત હોય અને તારે મારી સાથે એ રાત મારી સાથે હૉસ્પિટલમાં કાઢવી પડી !’ ઉષ્માએ પથિકનો હાથ પકડી રાખી કહ્યું.

‘બસ તું ઓકે થઈ જા.!’ હસીને પથિકે કહ્યું, ‘રિલેક્ષ!’

એટલાંમાં નર્સ આવી અને એણે ફરી બ્લડ પ્રેશર માપ્યું. એક ઇન્જેક્સન આપી કહ્યું, ‘તમારે કંઈ પીવું હોય તો. પાણી? જ્યૂસ??’

‘વોટર !’

પથિકે ઉષ્માને પીઠ પાછળ ટેકો આપી બેસાડી પાણી પીવડાવ્યું.

‘આઈ ડોન્ટ નો. વાય!? મને જ કેમ આવું થયું? રાતથી જ ગરબડ થતી હતી. આઈ ઇગ્નોર્ડ! સવારે વોમિટિંગ સ્ટાર્ટ થયું તો થયું કે એસિડીટી હશે. પણ વધી ગયું ડોક્ટરને ફોન કરી દવા પણ લીધી. આઈ ડીડ નોટ વોન્ટ ટુ સ્ટોપ મેરેજ. સો. બટ ઇટ ડિડ નોટ સ્ટોપ!’ આટલું બોલતા તો ઉષ્મા હાંફી ગઈ. એને ફરી ઊબકો આવ્યો. હમણાં જ પીધેલ પાણી પણ નીકળી ગયું.

‘યૂ ટેઈક રેસ્ટ !’ પથિકે કહ્યું, ‘ડોન્ટ વરી ટુ મચ! એવરિથીંગ વિલ બી ઓકે!’ એણે હળવેકથી ઉષ્માને પથારી પર સુવડાવી: દવાની અસર થતી લાગતી નથી. ઉષ્માએ આંખ મીંચી એટલે પથિક બહાર આવ્યો. દિવસની શરૂઆત થઈ ગઈ હતી. ઉષ્મા એક બે-ત્રણ દિવસમાં સાજી થાય એમ લાગતું ન હતું અને બીજે દિવસે વહેલી સવારે તો એની ફ્લાઈટ હતી. ઓહ!

સહેજ વિચાર કરી એણે એના સીઈઓને ફોન લગાડ્યો. થોડી વાર રિંગ વાગતી જ રહી. પ્રથમ પ્રયાસે સફળતા ન મળતા એણે સીઈઓના સેલ ફોન પર પ્રયત્ન કર્યો. અહીંની પરિસ્થિતીની સમજ આપી. પણ સીઈઑએ કહ્યું કે હેડક્વાર્ટર જર્મનીથી પણ રિપ્રેન્ઝટેટિવ્સ આવી ગયા છે. એફડીઆઈ સાથેની મિટિંગ કેન્સલ થાય એમ નથી. અને પથિકની હાજરી અનિવાર્ય હોય એણે એની હાઉ આવવું જ પડશે! સહેજ રૂક્ષ થતા કહ્યું કે એની રજા એ એફડીએની મિટિંગમાં હાજર રહે એ શરતે જ સેક્સન કરવામાં આવી હતી.

ઊંડો શ્વાસ લઈ પથિકે પોતાની જાતને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો. ઉષ્માના રૂમમાં એક આંટો મારી નર્સને જરૂરી સુચના આપી એણે એના માતા-પિતા, સાસુ-સસરાને ફોન કર્યો. સાસુ-સસરા પણ વહેલી સવારે જ એમના બંગલે ગયા હતા. ચર્ચા વિચારણા કરી પથિકે કહ્યું, ‘આ સમયે મારે અહીં રહેવું જોઈએ.ફોર માઈ વાઈફ ઓલ્સો! યૂ નો! બટ મેં મારા બોસને ફોન કરી સિચ્યુએશન સમજાવી પણ મારી હાજરી ત્યાં મસ્ટ છે એટલે આઈ હેવ ટુ ગો. સોરી! અને ઉષ્મા હવે હૉસ્પિટલમાં છે તો શી ઈસ ઇન ગુડ હેન્ડ!’

‘તમે તમારે જાઓ.’ પથિકના સસરા જનકરાયે કહ્યું, ‘અમે પણ સમજીએ છીએ તમારી પરિસ્થિતિને. અને અમારી ઉષ્મા પણ જાણે છે. એ બહુ સમજૂ છે! યૂ ડોન્ટ વરી !’ ત્યારબાદ ઇન્દ્રવદન તરફ ફરી એમણે કહ્યું, ‘વેવાઈ તમે ફિકર ન કરો. નોકરી પહેલાં! આજે યૂએસની સિચ્યુએશન ખરાબ છે. વિ નો. તમે પણ અહિંની ચિંતા ન કરશો. કોઈ શું કહે એની ફિકર ન કરતા.’

‘થેન્કસ. પપ્પા !’ અત્યાર સુધી તો એ એમને અંકલ જ કહેતો હતો, ‘આઈ વીલ ટ્રાય કમ બેક. અને જઈને તરત જ ફાઇલ કરીશ તો ઉષ્મા વિલ બી ધેર વેરી સૂન.’

લગભગ સવા વાગે ઉષ્મા જાગી. પથિક એની જ રાહ જોતો હતો. એ બહુ કમજોરી મહેસૂસ કરતી હતી. પણ બ્લડ પ્રેશર નોર્મલ થઈ ગયું હતું. સેલાઈન ડ્રિપ ચાલુ જ હતી. બ્લડ રિપોર્ટ આવી ગયો હતો. બધું જ નોર્મલ હતું. કલ્ચર ટેસ્ટનું રિઝલ્ટ બાકી હતું.

‘હાય!’ પથિકે ઉષ્માના કપાળ પ્રેમથી હાથ ફેરવ્યો, ‘યૂ હેડ અ વેરી ગુડ સ્લિપ! એ જરૂરી છે તારા માટે.’

‘વોટ ઇસ ટાઈમ??’ ઉષ્માએ પથારીમાંથી ઊભા થવાનો પ્રયાસ કરતા પૂછ્યું, ‘કેટલાં વાગ્યા..??!’

‘હાફ પાસ્ટ વન!’

‘ઓહ ! તો બહુ ઊંઘી હું. સોરી! ડાર્લિંગ.!’

‘સોરી સોરી ન કર.’ હસીને પથિકે કહ્યું, ‘મેં તને કહ્યું ને!’ થૂંક ગળીને એ બોલ્યો, ‘હવે સોરી કહેવાનો વારો મારો છે ! યૂ નો!’

‘...તો હવે તું જવાનો?!’ ઉષ્માની આંખ ભીની થઈ.

હસવાનો પ્રયાસ કરતા પથિકે કહ્યું, ‘તને સિવિયર ડિહાઇડ્રેશન છે સો યૂ આર નોટ અલાઉડ ટુ ક્રાય! નહીંતર વધારે સમય અહીં રહેવું પડશે ! તને તો ખબર જ છે મારી સિચ્યુએશન. એન્ડ જઈને તરત તારી પિટિશન ફાઇલ કરી દઈશ તો બહુ જલ્દી તું ત્યાં આવી જશે. સમજી?’ કહી પથિકે ઉષ્માના કપાળે ચુંબન કર્યું, ‘એક વાર તું ત્યાં આવે પછી બધ્ધું જ વસૂલ કરી દઇશ. બટ નાઉ આઈ હેવ ટુ લિવ. ડાર્લિંગ!’ વાળમાં સ્નેહથી હાથ ફેરવી કહ્યું, ‘યૂ ટેઈક કેર !’ બહુ કોશિશ કરી હતી કે એની આંખોને એ ભીની થવા ન દેશે.પણ લાગણી પર ક્યાં કોઈનો કાબૂ રહે છે કે પથિક રાખી શકે?

મ્હોં ફેરવી લઈ પથિક ઝડપથી ઉષ્માનાં રૂમમાંથી બહાર નીકળી ગયો.

ગાડી નીચે તૈયાર જ હતી. ચારેક કલાકની મુસાફરી બાદ એ અને એના માતા-પિતા નવસારી આવી ગયા. પ્રવાસ દરમ્યાન પથિકે આંખો બંધ કરી આરામ કરવાની કોશિષ કરી. કદાચ, એ કોઈ સાથે વાત કરવાના મિજાજમાં જ ન હતો. વળી રાત આખી એ જાગતો પણ હ્યો હતો.

એના લગ્ન થઈ ગયા હતા. પણ એ હજૂ ‘કુંવારો’ જ રહી ગયો હતો. જે કંઇ અચાનક એની સાથે બની ગયું હતું એના પર એ વિચાર કરતો રહ્યો અને પોતાના નસીબને. કમનસીબને કોસતો રહ્યો. એની નોકરી પર પણ એને ગુસ્સો આવતો હતો. જો કે આવી સરસ નોકરી છોડી શકાય એ સ્થિતિમાં તો એ હતો જ નહીં.

બીજે દિવસે એ મુંબઈ પહોંચ્યો. ઉષ્મા હજુ હૉસ્પિટલમાં જ હતી. એને ઊલટીઓ તો બંધ થઈ ગઈ હતી. પણ ઊબકા બંધ થયા ન હતા. અને સલાઈન ડ્રિપ તો ચાલુ જ હતી. બેચાર દિવસ વધારે હૉસ્પિટલ રહેવું પડશે એવું લાગતું હતું. અને પ્રવાહી ખોરાક જ આપવાની ડૉક્ટરની સલાહ હતી. ઉષ્મા સાથે ફોન પર વાતો થઈ. એ બહુ જ અપસેટ હતી. પણ સંજોગો આગળ સહુ નિર્બળ હતા.

પથિકની ન્યુજર્સીની ફ્લાઈટ નિયમિત હતી. એફડીએ સાથે મિટિંગ આશાસ્પદ રહી. થોડા સુચનો હતા. દવાની વિવિધ સાઈડ ઇફેક્ટના વધારે ડેટા કલેક્સનની જરૂર લાગી. રિસર્ચ આગળ ચાલુ રહેવાનું હતું. બે વિકમાં તો મિતા અને ઇન્દ્રવદન પણ આવી પહોંચ્યા.

ઉષ્મા સાથે લગભગ રોજ ફેઈસ ટાઇમ થતું. ચાટ થતી. વાતો થતી. એના ચિત્ર વિચિત્ર ફોટાઓ આવતા રહેતા. અરે! મિતા સાથે પણ જ્યારે સમય મળે ત્યારે એ ફેઈસ-ટાઇમ કરી લેતી. એની પીટીશન ફાઈલ કરવા પથિકે ઉતાવળ કરી અને સમય ફાળવી તરત ફાઈલ કરી દીધી. ઉષ્મા વિના એક અધૂરપ લાગતી હતી જિંદગીમાં! ઉષ્મા જાણે હતી સતત એની સાથે.તો ય જોજનો દૂર હતી! દિલમાં હતી તો ય દિલના હર ધબકારમાં ન હતી. ધડકનો અધૂરી હતી! ખાલી હતી! ખોખલી હતી! બસ, હવે એની ફાઈલ ઑપન થાય એની જ રાહ હતી. આગ તો બન્ને તરફ લાગી હતી!

…અને ઉષ્માને વિઝા મળી ગયા. હવે તો ફક્ત ટિકીટ લઈને બેસી જવાનું હતું એણે. પથિક હવામાં ઊડવા લાગ્યો. એનું તપ ફળ્યું હતું. મિતા પણ ખુશ હતી. એની વહુ આવવાની હતી. એના પથિકની વહુ!

પથિકે એર ટિકિટ મોકલવાનું કહ્યું પણ ઉષ્માએ જ ના પાડી.

એ આવે અને બીજા વિકે જ બહામા જવા માટે પથિકે બૂકિંગ કરાવી દીધું!

-હનિમૂન માટે જ સ્તો!

એના બેડરૂમમાં એણે નવા કિંગ સાઈઝના પલંગ સહિત નવો બેડરૂમ સેટ, નવી મેમરી ફોમ મેટ્રેસ લીધી! વિકએન્ડમાં બેડ રૂમની દિવાલોને બહુ પ્રેમથી એણે આકાશી રંગથી રંગી. એના ચાદર તકિયાના કવર વગેરે પણ આસમાની રંગના જ હતા. ઉષ્માને આસમાની રંગ બહુ પસંદ હતોને? ઉષ્મા માટે એણે આસમાની રંગની લેક્સસ જીએસ સિરિઝ કાર પણ બૂક કરાવી દીધી. જેથી એ આવે એના બીજે જ દિવસે એની સાથે ડિલિવરી લઈ શકાય.

ઉષ્માની યૂનાઈટેડ એરલાઈનની નોન સ્ટોપ ફ્લાઈટ યૂએ 49 વહેલી સવારે સાડા પાંચ વાગે નેવાર્ક ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે આવવાની હતી. પથિક આખી રાત બરાબર ઊંઘી શક્યો ન હતો. છત્રપતિ શિવાજી એરપોર્ટ, સહાર મુંબઈથી વિમાનમાં બેઠા પછી ઉષ્માનો એસએમએસ આવી ગયો હતોઃ ચેક્ડ ઇન…! ગેટ રેડી ફોર અ સરપ્રાઇઝ! અને સાથે વિમાનની બારી બહાર દેખાતા કેટલાંક દૃષ્યના ફોટાઓ પણ એસએમએસ કર્યા હતા. રાત્રે બે વાર ઊઠીને આઈ ફોન પર ફ્લાઈટ ટ્રેકર દ્વારા ફ્લાઈટની રિયલ ટાઇમ સિચ્યુએશન પથિકે જોઈઃ રખેને ફ્લાઈટ ડીલે થાય તો ! હવે એક પળ પણ જાણે એક એક યુગ જેટલી લાગતી હતી. પહેલાં તો એણે એકલાંએ જ ઉષ્માને લેવા જવાનું વિચાર્યું હતું. પણ એના માતા-પિતાએ પણ ખાસ આવવું હતું અને એમના અતિ આગ્રહ આગળ એનું કંઈ ન ચાલ્યું. મિતાનો ઉત્સાહ એના ઉરમાં સમાતો ન હતો.

બરાબર સવા પાંચ વાગે ત્રણે નેવાર્ક એરપોર્ટ પર પહોંચી ગયા. પથિકે લાલ ગુલાબના ફુલનો મોટ્ટો બુકે-ગુલદસ્તો ખાસ બનાવડાવ્યો હતોઃ ઉષ્માને આવકારવા માટે. મિતાએ સાચવીને એ બુકે પકડી રાખ્યો હતો. ટર્મિનલ બી પર ઇન્ટરનેશનલ ફ્લાઈટ આવતી હોય ત્રણે જ્યાંથી પૅસેન્જર બહાર આવે ત્યાં એરાઈવલ લોન્જમાં પહોંચ્યા...

‘પથિક !’ મિતાએ એરાઈવલના મોનિટર પર નજર નાંખતા કહ્યું, ‘જો તો દીકરા.ઉષ્માની ફ્લાઈટનું સ્ટેટ્સ શું છે? લૅટ બેટ તો નથીને?’

‘મોમ !’ પથિકે હસીને કહ્યું, ‘હું ઘરેથી જોઈને જ નીકળ્યો હતો. રાઈટ ટાઇમ છે !’ તો ય મોનિટર પર એણે નજર કરીઃ જાણે મોનિટર પર ઉષ્મા દેખાવાની ન હોય! પછી એ મ્લાન હસ્યોઃ આજ સુધી એણે ઉષ્માને રૂબરૂ કરતાં તો મોનિટર પર જ વધારે જોઈ હતીને?! આઈપેડના. કમ્પ્યૂટરના. લેપટોપના. આઈફોનના મોનિટર પર!! હવે થોડી વારમાં એ આવી પહોંચવાની હતીઃ એની જિંદગી મોનિટર કરવા!

પરદેશથી આવતા પ્રવાસીઓ જ્યાંથી બહાર આવતા હતા એ મુખ્ય દ્વાર પાસેની હાર બંધ ખુરશીઓ પૈકી પ્રથમ હારની ખુરશીમાં મિતા બેઠી. આંખનાં ઇશારાથી એણે એના પતિ ઇન્દ્રવદનને પણ પડખે બેસવા કહ્યું.

આઈફોન પર ફ્લાઈટ ટ્રેકર દ્વારા એલર્ટ મેસેજ આવ્યો, એનું બીપ થયું, એટલે એણે મિતાને કહ્યું. ‘મોમ! હર ફ્લાઈટ ઇસ એરાઇવ્ડ!’

‘હા…શ!’ મિતાએ કહ્યું, ‘તને ખબર છે ને આપણે પેલ્લી વાર આવેલ ત્યારે આપણી ફ્લાઈટ છ કલાક લેઈટ થયેલ!’

‘મો...મ! ત્યારે ડાયરેક્ટ ફ્લાઈટ ક્યાં હતી? આપણે દુબઈ-લંડન થઈને જે એફ કે પર આવેલ!’ પથિક હસીને બોલ્યો, ‘હવે તો!’

‘તું બહુ અધીરી ન થા.’ હસીને ઇન્દ્રવદને કહ્યું, ‘તારી વહુ હવે આવવામાં જ છે!’

‘હાય… હા…ય!!’ એકદમ મિતાને યાદ આવ્યું, ‘ઉતાવળમાં ઘરે હું કળશિયામાં ચોખા કંકુ ભરવાનું તો ભૂલી જ ગઈ!’

‘વ્હો…ટ…?’ પથિકે ચકિત થતાં પૂછ્યું.

‘અરે...!! એ જ્યારે ઘરમાં પહેલી વાર પગ મુકે ત્યારે જમણાં પગે કળશમાંથી કંકુ-ચોખા વેરી ઘરમાં એના શુભ પગલાં કરે ! ઘરે પહોંચ્યે ત્યારે તું એને કારમાં બેસી રહેવા જ કેજે… હું જલ્દીથી કળશ તૈયાર કરી દઈશ.’

‘તારી મોમ ટીવી પર હિન્દી સિરિયલ બહુ જૂએ છે એ ખબર છે ને તને?!’ ઇન્દ્રવદને મશ્કરી કરી.

‘બેસો ...બેસો!! તમને એમાં સમજ ન પડે.’ હસીને મિતાએ કહ્યું, ‘…અને મારી અને મારી વહુની વાતમાં તમારે બાપ-દીકરાએ વચ્ચે ડબ ડબ ન કરવાનું. સમજ્યા?’

‘ઓકે! બા…બા.જાણે તારી એકલાની જ વહુ આવવાની હોય!’

થોડી વાર પછી પેસેન્જરો વારાફરતી આવવા માંડ્યા. મિતા ડોકિયું કરી કરી દૂર અંદરના નાના દ્વાર તરફ જોતી હતી જ્યાંથી પેસેન્જરો વારાફરતી બહાર નીકળી રહ્યા હતા! પથિક પણ ખુરશી પરથી ઊભો થઈ ગયો. એક પછી એક પેસેન્જર બહાર આવતા હતા. ક્યારેક એક સામટા ટોળામાં તો ક્યારેક એકલ દોકલ!

ખાસો સમય પસાર થઈ ગયો.

‘બહુ વાર લાગી! શું થયું હશે?’ મિતાએ પથિક અને એના પતિ તરફ જોઈ કહ્યું, ‘કંઇ લોચા તો....??’

‘મો…મ…! તું પણ શું!? ઉષ્માએ ઇમિગ્રેશનમાં જવું પડશે. શી ઇસ કમિંગ ફર્સ્ટ ટાઇમ ! વિસા એસેટ્રા ઇમિગ્રેશન ઑફિસર ચેક કરશે. પછી જ એનાથી બહાર અવાઈને?’

‘હા. એ વાત સાચી.પણ તો ય બહુ વાર થઈ.’ ઇન્દ્રવદને કહ્યું, ‘ફ્લાઈટ આવ્યાને ઓલમોસ્ટ ત્રણ કલાક થઈ ગયા ! કદાચ કમ્પ્યૂટર ડાઉન હશે ! આજકાલ આવું બહુ જ થાય છે ! ગઈ કાલે પોસ્ટ ઑફિસમાં ગયેલ તો ત્યાં પણ કમ્પ્યૂટર ડાઉન હતા. અને મારે એમને એમ આવવું પડેલ !’

‘બળ્યું આ કમ્પ્યૂટર !’ નિઃસાસો નાંખતા મિતા બોલી, ‘વળી કોઈ કાળિયો ઑફિસર હશે તો વધારે પંચાત કરશે. મારી ઉષ્માને હેરાન ન કરે તો સારું!’

‘તું ટેન્શન ન કર મોમ! હું કોફી લઈ આવું છું. ક્યારેક વાર લાગે! ડેડ, તમે પણ પીશોને?’

‘હા…હા…તું લઈ આવ પ્લેઈન કોફી મારા માટે. સુગર જરા વધારે નાંખજે. સ્ટારબક્સની કોફી કડક હોય છે.’

પથિક કોફી લઈ આવ્યો. ત્રણે ય કોફી પીધી. બીજા બે કલાક પસાર થઈ ગયા.

હવે તો પથિકને પણ ચિંતા થવા લાગી. એરાઈવલ લોન્જ લગભગ ખાલી થઈ ગઈ હતી. એરાઈવલના મુખ્ય દરવાજા પાસે ટેબલની પાછળ ખુરશી પર બેસેલ લેડી સિક્યુરીટી ઓફિસર પાસે એ ગયો. એને વિનંતિ કરી કે એને અંદર જવા દે.પણ પેલીએ રૂક્ષતાથી ના કહી દીધી. એણે વિનંતિ કરી. આઈફોન પર ઉષ્માનો ફોટો બતાવી કહ્યું કે અંદર જઈને એ ઓફિસર તપાસ કરે તો પણ એને વાંધો નથી. કહ્યું, ‘શી ઇસ માય વાઈફ. શી સપોસ્ડ ટુ એરાઈવ ફ્રોમ ઇન્ડિયા ઇન ફ્લાઈટ યૂએ 49! શી ડીડ નોટ શો અપ.પ્લીસ મેમ! કુલ્ડ યૂ ગો ઇનસાઈડ એન્ડ ચેક ફોર મી??’ પથિક કરગર્યો, ‘પ્લી...સ! મેમ.’

‘વ્હોટ ઇસ હર નેઈમ?’ પેલી ઓફિસરે કંટાળીને પુછ્યું.

‘ઉષ્મા.’

ઓફિસરે વોકીટોકી પર કંઈક વાતો કરી પથિકને કહ્યું, ‘નો વન ઇસ ઇન સાઈડ! એવરીવન ફ્રોમ ઇમિગ્રેશન હેસ બીન ડન ! ઓલ ઇસ ક્લિયર ! યોર વાઈફ માઈટ મિસ ધ ફ્લાઈટ ફ્રોમ ઇન્ડિયા!’

-ઓહ!! પથિક એના ચિંતાતુર માતા પિતા પાસે આવ્યો. હવે એને ખરેખર ચિંતા થવા લાગી.

‘તું તારા સસરાને ફોન કર !’ ઇન્દ્રવદને કહ્યું, ‘એઓ ઉષ્માને એરપોર્ટ પર મુકવા આવ્યા હતાને?’

‘હા…હા…!લેટ મી કોલ!’ કહી એણે એના સસરાને ફોન જોડ્યો, ‘હલ્લો, પપ્પા..! ઉષ્મા…!’

પથિક વાક્ય પુરૂં કરે એ પહેલાં તો સામેથી જનકરાય જાગીરદારે હસીને કહ્યું. ‘...આવી ગઈને? હું તમારા જ ફોનની રાહ જોતો હતો!’

‘ના! પપ્પા, એ નથી આવી. અમે અહીં એરપોર્ટ પર, નેવાર્ક પર એની રાહ જોતા ઊભા છીએ. બધા પેસેન્જર જતા રહ્યા. ફ્લાઈટ રાઈટ ટાઇમ હતી. પણ ઉષ્મા!’

‘શું વાત કરો છો!!? કંઈક ભૂલ થતી હશે તમારી. શી વોસ ચેક્ડ ઇન!’

‘ના. અમારી કોઈ જ ભૂલ નથી થતી. અમે ક્યારના અહીં જ ઊભા છીએ.’ પથિકના અવાજમાં ધ્રૂજારી હતીઃ ક્યાં ગઈ હશે એની ઉષ્મા? ને સામેથી ફોન ડિસકનેક્ટ થઈ ગયો.

મિતા તો રડવા જેવી થઈ ગઈ.

એટલામાં જ પથિકના ફોન પર મેસેજ આવ્યાનું બીપ બીપ થયું! અજાણ્યો નંબર જોઈ એણે વિચાર્યુઃ કોણ હશે અત્યારે? પાસકૉડ એન્ટર કરી એણે મેસેજ વાંચવાની શરૂઆત કરીઃ હાઈ. આઈ એમ ઉષ્મા.આઈ હેવ સેઈફલી લેન્ડેડ ઓન યૂએસ લેન્ડ એન્ડ આઈ એમ વિથ માય હાઈસ્કૂલ ટાઇમ બોય ફ્રેન્ડ કબીર. કબીર ખાન!! માય પેરેન્ટ નેવર લેટ મી ગેટ મેરિડ ટુ માય લવ કબીર...! બટ નાઊ આઈ એમ હેપ્પીલી બોન્ડેડ ફોર એવર વિથ હિમ! એન્ડ પ્લિસ નેવર ટ્રાય ટુ ફાઈન્ડ મિ! ટેઇક કેર ઓફ યોરસેલ્ફ એન્ડ યોર પેરન્ટ.સ્પેશિયલી યોર મોમ!

પથિક ધબ દઈને ખુરશી પર બેસી પડ્યો. એના હ્રદયના ધબકારા એને એના કાનમાં સંભળાવા લાગ્યાઃ ધક…ધક…ધક…ધક…ધક…! એ ધ્રૂજતો હતો. કાંપતા હાથે જેમ તેમ એણે ફોન પકડી રાખ્યો હતો. એમાં આવેલ નંબર પર એણે રિંગ કરીઃ ધ નંબર યૂ હેવ ડાયલ્ડ ઇસ નોટ ઇન સર્વિસ. પ્લિસ ચેક ધ નંબર એન્ડ ડાયલ અગેઈન!

પથિકના હાથમાંથી ફોન સરકીને ફરસ પડ્યો. જાણે સર્વ શક્તિઓ હણાય ગઈ હતી પથિકમાંથી!! સાવ હતાશ થઈ ખુરશીમાં ફસડાય પડ્યો પથિક !

(સમાપ્ત)