“ જાને કહાં ગયે વો દિન…”
‘ફિલ અપ રૅગ્યુલર પ્લીસ…! ’ રૂટ ફિફટીનના એક્સોન ગેસ સ્ટેશન(પેટ્રોલ પંપ) પર ભૂમિકાએ એની કાર હોન્ડા સિવિક પંપની બાજુમાં ઊભી રાખી ડ્રાઈવર સાઈડનો પાવર વિંડો ઉતારી નમ્રતાથી કહ્યું અને એનો ક્રેડિટ કાર્ડ આપ્યો.
ગેસ સ્ટેશન પર કામ કરતા દાઢીવાળા એ પ્રૌઢે દર વખતની જેમ જ નોઝલ સિવિકની ગેસ ટેંકની અંદર મૂકી ગેસ ભરવા પંપ પર બટન દબાવી ભૂમિકાની કારના વિન્ડ સ્ક્રિન પર ગ્લાસ ક્લિનર છાંટી બ્રશ વડે એ વિન્ડ સ્ક્રિન સાફ કરવાની શરૂઆત કરી. ગેસ પણ ભરાય ગયો અને વિન્ડ સ્ક્રિન પણ ડાઘ વિનાનો ચોખ્ખો થઈ ગયો.
ભૂમિકા દરવખતે એ સફેદ દાઢી વાળા અંકલને કાળજીપૂર્વક વિન્ડ સ્ક્રિન સાફ કરતા જોતા વિચારતીઃ હાઉ ઓલ્ડ હી ઇસ!? હાઉ કેરિંગ હી ઈસ!?
ગેસ ભરાય જતા એણે નોઝલ બહાર કાઢી, પંપ પર ગોઠવી ગેસ ટેન્કના ઢાંકણને બંધ કરી, ક્રેડિટ કાર્ડ ભૂમિકાને પરત કરતા કહ્યું, ‘થેન્કસ…’
એટલે ભૂમિકાએ હાથમાં પકડી રાખેલ બે ડોલર એ પ્રૌઢને આપ્યા.
ઉમરને કારણે કે પછી પાર્કિસન્સને કારણે ધ્રૂજતા હાથે બે ડોલર લેતા પ્રૌઢે ગદગદિત થઈ 'થેન્ક યૂ!!' કહ્યું.
ભૂમિકાના ખયાલમાં આવ્યું કે એ અંકલની આંખ સહેજ ભીની થઈ ગઈ હતી!
જ્યારે જ્યારે ભૂમિકાની કારમાં ગેસ પુરો થઈ જતો, ત્યારે એ હંમેશ એ જ ગેસ સ્ટેશન પર જતી. અને જો એ અંકલ હોય તો જ ગેસ ભરાવતી. ક્યારેક તો રૂટ ફિફટીન પરથી એ પસાર થતી હોય અને અડધી ટાંકી ગેસ હોય તો પણ જો એ અંકલ નજરે આવે તો અચૂક સિવિક વળી જતી. અને એ ગેસ ભરાવતી, વિન્ડ સ્ક્રિન સાફ થતો, અને બે ડોલર ભૂમિકા ભેટ આપતી.
ભૂમિકાના ડેડે ભૂમિકાને ઘણી વાર કહ્યું હતું, ‘લિસન બેટા, ફિલ અપ યોર ટેન્ક એટ કોસ્ટકો.. કોસ્ટકોનો ગેસ પર ગેલન એઈટ ટુ ટેન સેન્ટ સસ્તો હોય છે. અને ગેસ પર તો થ્રિ પરસન્ટ મનીબેક પણ છે.’
-ડૅડને શું જાણ કે મની બેક કરતા જે ફિલિંગ બેક મળે એ પ્રાઇસલેસ હોય છે!!
ભૂમિકા નર્સ હતી. ક્યારેક ક્યારેક તો એકધારા બાર – તેર કલાક કામ કરતી. થાકી જતી, પણ જ્યારે ગેસ સ્ટેશન પર નિયમિત અવિરત કામ કરતા એ અંકલને જોતી ત્યારે એનો થાક ઉતરી જતો. હજૂ તો એ બાવીસ જ વરસની હતી. જ્યારે એ અંકલ સેવન્ટીની ઉપર તો હશે જ. તો પણ રોજ ઊભા રહી, એક પંપથી બીજા પંપ પર, એક કારથી બીજી કાર, ક્યારેક કડકડતી ઠંડી તો ક્યારેક સુસવાટા પવનમાં એમનું કામ કરતા રહેતા. ચહેરા પર એ જ હાસ્ય સાથે, એ જ કાળજી સાથે એઓ એમનું કામ કરતા રહેતા.
પાનખરની શરૂઆત થઈ ગઈ હતી. વાતાવરણમાં ઠંડક વધી રહી હતી. પાનખર એટલે ઠંડા પવનની શરૂઆત. વહેલી સવારે પાંચ વાગે કામ પર જતા પહેલાં ભૂમિકાએ દર વખતની જેમ સિવિક એક્સોન ગેસસ્ટેશન પર ગેસ પુરાવવા ઊભી રાખી.
‘હાય…!ગૂડ મોર્નિંગ’ બારીનો કાચ ઊતારી, ક્રેડિટ કાર્ડ આપતા કહ્યું, ‘ફિલ અપ રૅગ્યુલર પ્લીસ… !!’
સહેજ ધ્રૂજતા હાથે પ્રૌઢે કાર્ડ લઈ પંપના કાર્ડ રિડરમાં કાર્ડ મૂકી ગેસ ભરવાની શરૂઆત કરી અને દર વખતની જેમ વિન્ડ સ્ક્રિન સાફ કરવાની શરૂઆત કરી. ભૂમિકા એ ધ્યાનથી જોયું કે અંકલ આજે કોઈ ગીત ગણગણતા હતા. એ ગીત એણે એના ડૅડ સાથે કેનેડા જતી વખતે વારંવાર સાંભળ્યું હતું એટલે બરાબર યાદ રહી ગયું હતું.
ગીત હતુંઃ જાને કહાં ગયે વો દિન કહેતેથે તેરી રાહમેં નજરોકો હમ બિછાયેગે.
-અરે! આ તો ડૅડનું ફેવરિટ ગીત! ડૅડે આ ગીત વિશે એને ઘણી ઘણી વાત કરી હતી. અને એ ગીતનું મુવિ ‘મેરા નામ જોકર…’ તો ડૅડ સાથે બેસી એણે ઇંગ્લિશ સબ ટાઈટલ સાથે જોયું પણ હતું. ગમ્યું પણ હતું.
‘આર યૂ ફ્રોમ ઇન્ડિયા?? ઇન્ડિઆસે હો… સર..?’ બે ડોલરને બદલે પાંચની ડોલરની નોટ ભેટ આપતા ભૂમિકાએ પૂછી જ લીધું. આમ તો એ ન પૂછત પણ આજે એ ખુદને રોકી ન શકી.
‘હા.. બેટા…!!’ એ દાઢીવાળા પ્રૌઢે ભીના સ્વરે કહ્યું, ‘આઈ નો યુ આર ઓલસો ફ્રોમ ઇન્ડિઆ. હિંદી સમજતી તો હોગી !! હમને તેરે ક્રેડીટ કાર્ડમેં તેરા નામ પઢ લિયા થા જબ તુમ પહેલી બાર આઈ થી. મેરી ગ્રાન્ડ ડૉટર તેરી ઉમરકી, સેઈમ એઇજ કી હી હોગી. અબ તો શાયદ તેરે જૈસી હી દીખતી હોગી.’ પ્રૌઢની આંખ છલકાય ગઈ હતી, ‘ઉસકો લાસ્ટ ટાઇમ દેખા થા તબ વો સાત સાલકી થી જબ આઈ કેઈમ હીયર ફ્રોમ ઇન્ડિયા. અબ તો વો હમે ભૂલ ભી ગઈ હોગી….’
વહેલી સવારે ગેસ સ્ટેશન પર ખાસ ભીડ ન હતી. એટલે ભૂમિકા એની કારમાંથી બહાર નીકળી અને એ અંકલને લાગણીપુર્વક ભેટી… ભૂમિકાની આંખ ભીની હતી તો અંકલની આંખેથી શ્રાવણ ભાદરવો વરસતો હતો…
(આ ભૂમિકા એટલે મારી વહાલી નાની દીકરી અને એનો ડૅડ એટલે હું પોતેઃ મની બેક શોધતો એક બાપ!!)