દેશ પરદેશ Natver Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

દેશ પરદેશ

દેશ પરદેશ
લેખકઃ નટવર મહેતા

દક્ષિણ ગુજરાતનાં કાંઠા વિભાગમાં અરેબિયન સમુદ્ર નજીક આવેલ દાંતી ગામમાં રોજની જેમ આજે પણ સમયસર વીજળી ગુમ થઈ ત્યારે કોળીવાડમાં રહેતા શાંતાબેને દીવો સળગાવતા નિસાસો નાંખી કહ્યું, ‘આજે સપરમાં દિવસે પણ લાઈટ ગઈ. મૂઆ આ લોકો ક્યારે બદલાશે?!’ હા, આજે સપરમો દિવસ હતો. આજે કાળી ચઉદશ હતી અને કાલે તો પ્રકાશનું પર્વ દિવાળી.

મહોલ્લામાં બાળકો તો કેટલાંક વયસ્ક પણ ફટાકડા ફોડી રહ્યા હતા એના ધડાકાનો અવાજ ક્યારેક ક્યારેક વાતાવરણમાં ચમકારા સાથે ગુંજતો હતો. શાંતાબેન માટે આ વરસની દિવાળી ખાસ હતી. એમના પતિ ઈશ્વરભાઈ કેનેડાથી ચાર વરસ બાદ દિવાળી નિમિત્તે ખાસ આવ્યા હતા. ફક્ત બે અઠવાડિયા માટે અને લાભપાંચમે તો એ ફરી ઊડી જવાના હતા. ઈશ્વરભાઈના કેનેડા ગયા બાદ એમના કુટુંબના દિવસો થોડા સુધર્યા હતા. બાકી તો એ જ ચારો કાપવાનો, ઇંધણા કરવા જવાનું, લોકોના ખેતરે નીંદવા જવાનું, જો કે એ કામ તો હજુ પણ એઓ કરતા જ હતા. પરંતુ, ત્યારે હાથ પર પૈસો દેખાતો નહીં ત્યારે હવે થોડી રાહત લાગતી. પરંતુ, એમને ઈશ્વરભાઈની ખોટ બહુ સાલતી. ઈશ્વરભાઈ કહેતા હતા કે હવે એઓ ત્યાં જઈને એમને અને જીગાને જેમ બને એમ જલ્દી કેનેડા બોલાવી લેશે. જીગો-જીગ્નેશ એમનો એકનો એક દીકરો હતો. બીએ થયેલ પણ ખાસ કામ ન મળતા એણે ટર્નર-ફીટરનું શિખવાની શરૂઆત કરી હતી. અને એનો આશય પણ એક જ હતો કે ગમે એમ કરી પરદેશ જવું. કાંઠા વિભાગનાં કુટુંબમાંથી એકાદ વ્યક્તિ ક્યાં ટર્નર, ફીટર કે વેલ્ડર હોય અને આરબ દેશોમાં કામ કરતો હોય એ સામાન્ય હતું. પરંતુ, ઈશ્વરભાઈ પાસે એવી કોઈ આવડત ન હતી તો ય એઓ કેનેડા પહોંચી ગયા હતા. અને ચાર વરસ બાદ દેશ આવ્યા. આજે એ શાંતાબેન અને એમના એકના એક દીકરા જીગ્નેશને કેનેડા લઈ જવા માટેના કાગળિયા કરવા બપોરના સુરત ગયા હતા અને જે એજન્ટે એમને કેનેડા મોકલાવ્યા હતા એને જ કામગીરી સોંપવી હતી જેથી બધું સમુસુતરું પાર પડે. શાંતાબેન એમની જ રાહ જોઈ રહ્યા હતાઃ હવે તો આવી જ રહેવા જોઈએ. એમણે ખાસ દૂધપાક, પુરી, વડા બનાવ્યા હતા જે ઈશ્વરભાઈને ખૂબ જ ભાવતા હતા.

ઈશ્વરભાઈ એક સામાન્ય ખેડૂત હતા. પંદર વીંઘા ખારપાટની જમીન, મુખ્ય ખેતી ડાંગરની- ચોખાની. ચોમાસામાં પાક સારો રહેતો, ઊનાળુ ડાંગરની ખેતીમાં નહેરવાળા બહુ ત્રાસ આપતા. જ્યારે જોઈએ ત્યારે જ પાણી ન આવે. હાથ તંગ રહેતો. ત્રણ ભેંસ બેંકની લૉનથી લીધેલ એનું દૂધ ડેરીમાં ભરતા એ આવકથી થોડી રાહત રહેતી. ઈશ્વરભાઈ પહેલેથી જ મહેનતુ. પણ ખારપાટની જમીન પર મહેનત ઉગતી ન હતી. દાંતીની નજીક જ ઉંભરાટનો દરિયા કિનારો હતો અને ગાયકવાડ સ્ટેટના સમયથી જ ત્યાં વિહારધામ હતું. ત્યાં લોકો વેકેશન કરવા આવતા. રહેવા આવતા. વિહારધામમાં ગુજરાત ટૂરીઝમની રેસ્ટોરાં ‘તોરણ’માં વેઈટરનું કામ કરતા હતા. અને આ કામ એમને ખરેખર ઉપયોગી થઈ પડ્યું કેમકે એ કામને કારણે જ એઓ કેનેડા જઈ શક્યા. એક ઉનાળામાં એઓ ત્યાં કામ કરતા હતા ત્યારે હબીબ હાજીને કોઈ સાથે ફોન પર વાત કરતા સાંભળ્યુ કે હબીબ નામનો એક ઘરાક કોઈને કેનેડા સેટ કરવાની વાત કરી રહ્યો હતો. અને ઈશ્વરભાઈના કાન સતેજ થયા. હબીબ હાજી જ્યારે રેસ્ટોરાંની બહાર આવ્યો ત્યારે ઈશ્વરભાઈએ એને પુછી જ લીધું, ‘તમે એજન્ટનું કામ કરો છો?’

‘હા…’ હસીને હાજી બોલ્યો, ‘કેમ…?’

‘મારે કામ હતું. ફોરેન જવા માટે. કંઈ થાય તો…!’

‘આ મારો કાર્ડ છે.’ પોતાની કારનો દરવાજો ખોલતા હબીબ હાજીએ ઈશ્વરભાઈને બિઝનેસ કાર્ડ આપતા કહ્યું, ‘મને મળજે, જો થાય તો તારું પણ કામ કરી દઈશ.’

-દેશ પરદેશ ટ્રાવેલ્સઃ ઈશ્વરભાઈએ કાર્ડ પર વાંચ્યુ, દેશ અને દુનિયાભરના પ્રવાસ, વિસા, પાસપોર્ટ માટે મળો. સુરત નાનપુરાનું સરનામું હતું. ફોન નંબર અને ઈમેઇલ એડ્રેસ હતા. સાચવીને એ બિઝનેસ કાર્ડ એમણે શર્ટના ઉપરના ગજવામાં મુક્યો.

‘ઇશ્વરિયા…’ ગલ્લા પર બેઠેલ મેનેજરે હસીને કહ્યું, ‘જો જે, આવા એજન્ટથી ચેતતો રહેજે. પૈસા ય જશે અને તું અહીં નો અહીં જ રહી જશે અને તારો બૂચ લાગી જશે.’

‘સાવ સાચું કીધું તમે,’ ઈશ્વરભાઈએ હસવાનો પ્રયત્ન કરતા કહ્યું, ‘સો ગળણે ગાળીને જ હું પાણી પીઈશ જાનીભાઈ.’

‘તો સારું…!’

એક અઠવાડિયા પછી ઈશ્વરભાઈ મોટરસાયકલ પર સુરત ગયા. એમની પાસે ખખડધજ રાજદૂત મોટરસાયકલ હતી. સરનામા પરથી ‘દેશ પરદેશ ટ્રાવેલ્સ’ શોધતા વાર ન લાગી. એક બહુમાળી મકાનના પહેલાં માળે ‘દેશ પરદેશ ટ્રાવેલ્સ’ની વિશાળ એરકન્ડિશન્ડ ઓફિસ હતી. રિસેપ્શનિસ્ટે એમને બેસવાનું કહ્યું. થોડા સમય બાદ અંદર કાચની દીવાલ પાછળ બનાવાયેલ ઓફિસમાં એમને જવાનું કહેવાયું. એમને થોડો ડર લાગતો હતો, સંકોચ થતો હતોઃ સાથે કોઈને લાવ્યો હોત તો સારું. એમ વિચારી એઓ અંદર દાખલ થયા. સામે જ મોટા ટેબલ પાછળ ખુરશી પર સફેદ શર્ટ પેન્ટમાં હબીબ હાજી બેઠેલ હતો.

-કાયમ સફેદ જ કપડાં પહેરતો હોય એમ લાગે! ઈશ્વરભાઈએ વિચાર્યું.

‘આવો...’ હબીબે આવકારતા કહ્યું, ‘શું મદદ કરી શકું?’

ઈશ્વરભાઈએ શર્ટના ઉપરના ગજવામાંથી બિઝનેસ કાર્ડ આપતા કહ્યું, ‘હું મળ્યો હતો તમને… ઉંભરાટ.. યાદ છે?!’

‘હં…’ વિચારતો હોય એમ હબીબે કહ્યું.

એટલામાં જ એક છોકરી ચાનો કપ લઈને આવી અને ઈશ્વરભાઈને આપ્યો.

‘પીજીએ…’ હબીબે ઈશ્વરભાઈને વિનંતિ કરી, ‘મને યાદ નથી આવતુ. ઐસા હૈ કી બહૂત લોગોસે મિલના-જૂલના રહેતા હૈ…! સોરી. પણ યાદ નથી આવતુ.’ હબીબે ઈશ્વરભાઈએ આપેલ એનો બિઝનેસ કાર્ડ હાથમાં ફેરવતા ફેરવતા કહ્યું.

‘તમે ઉંભરાટ આવ્યા હતા. એક અઠવાડિયા પહેલાં. હું ત્યાં તોરણ હોટલમાં વેઈટરનું કામ કરું!’ ઈશ્વરભાઈએ યાદ અપાવવાની કોશિષ કરતા કહ્યું, ‘મેં તમને કહ્યું હતું. ફૉરેન જવા માટે. અને તમે કાર્ડ આપી કહ્યું હતું કે, મને મળજે. એટલે હું અહીં આવ્યો છું…!’

‘ઓ….કે…!’ ચહેરા પર હાસ્ય લાવી હબીબે કહ્યું, ‘તો વાત એમ છે. બોલો ક્યાં જવું છે?’

‘……………’ ઈશ્વરભાઈ મૌન, શું જવાબ આપે?

‘કોઈ રિલેટિવ્સ, સગુ-વહાલું છે ફોરેનમાં?’ હબીબે પૂછ્યું.

‘ના…!’ થૂંક ગળી ઈશ્વરભાઈએ કહ્યું, ‘કેમ એના વિના ન જવાય?’

‘જવાય ને…!’ હસીને હબીબે કહ્યું, ‘એના માટે જ તો અમે બેઠાં છીએ!’

‘…તો મારું કંઈક કરોને…પ્લીઝ…!’

‘કંઈ આવડત છે?’

‘… એ તો કામ પર આધાર રાખે…!’ સહેજ અટકીને ઈશ્વરભાઈએ કહ્યું, ‘હું ગમે એ કામ કરવા તૈયાર છું!’

‘સરસ…’ કમ્પ્યૂટરના મોનિટર પર નજર કરતા હબીબે કહ્યું, ‘તમારું તકદીર જોર કરે છે. એક પાર્ટી છે કેનેડા, મોટી પાર્ટી. એને ચાર પાંચ માણસો જોઈએ છે. ખાસ તો ઘરકામ, મોટેલમાં કામ કરી શકે એવા. પથારી બનાવે, સાફ-સફાઈ કરે, પરચૂરણ કામકાજ બધા જ પ્રકારનું કરે એવા. ત્રણ જણ તો તૈયાર છે. બે વિકમાં તો એ ઉપડી જશે…!’

‘મારું કંઈ થાય કે નહીં ત્યાં…?!’

‘થાય તો ખરૂં લેકિન ખર્ચો કરવો પડે એના માટે પહેલાં. ત્યાં ગયા પછી એ વસૂલ થઈ જાય.’

‘ખર્ચ કરવા હું તૈયાર છું…પણ ત્યાં ખરેખર જવાવું જોઈએ. અને રહેવાવું જોઈએ…કોઈ ગરબડ ન થવી જોઈએ…!’

‘આવડી મોટી ઑફિસ લઈને બેઠો છું હું પંદર વરસથી. કેટલાયને ઠેકાણે પાડ્યા. આપણું બધું જ લીગલ… બાકાયદા… નહીંતર તાળા ન લાગી જાય?’ હસીને હબીબે કહ્યું, ‘ન થતું હોય તો મોઢાં પર જ ન પાડી દેવાની. ચાંદ કોઈને પણ થાળીમાં ન બતાવવાનો આપણો ઉસૂલ… ! જે કંઈ હોય એ બધું ચોખ્ખું. સાફ..!’

‘કેટલો ખરચ થાય?’

‘આ તો હમણાં કેનેડાની લાઈન ખૂલી છે. કોણ જાણે ક્યારે એ બંધ થઈ જાય અમેરિકાની જેમ! એ પણ કેનેડાના અમુક ભાગ, ચોક્કસ સ્ટેટમાં જ એન્ટ્રી છે. જ્યાં એમને માણસોની જરૂર છે. વસ્તી ઓછી એ વિભાગમાં, અને ત્યાં ઠંડી સખત…!’

‘તમે કહ્યું નહીં. ખરચ કેટલો થાય?’

‘ત્યાં તમને ઉતારી દેવાના હોય તો ઓછો થાય, પણ આ તો કામની ખાતરી. જોબ પ્લેસમેન્ટ સાથે. એટલે પંદર પેટી તો થાય…!’

‘પંદર…?’

‘પંદર લાખ…! એમાં બધું જ આવી જાય. પાસપોર્ટ… મુંબઈથી વીનીપેગની એર ટિકિટ…! અરે…! તમને ત્યાંથી તમારા રહેવાના ઠેકાણે જવાનું પણ આવી જાય. ત્યાં ઉતરો એટલે આપણો માણસ તમને રિસીવ કરવા તૈયાર હોય…!’

‘પંદર તો…’ નિરાશ થતા ઈશ્વરભાઈએ કહ્યું, ‘મારી લિમિટની બહાર…’ સહેજ વિચારીને કહ્યું, ‘કંઈ વાજબી…’

‘ઓ…કે…!’ સવાલ કરતા હબીબે પૂછ્યું, ‘તમારી લિમિટ મને કહો…! તો…’

‘પંદર તો બહુ વધારે…!’ ઈશ્વરભાઈએ લગભગ ઊભા થવાની તૈયારી કરતા કહ્યું.

‘અરે…!’ હસીને હબીબે કહ્યું, ‘તમે એમ જ ઊભા થઈ જાઓ એ ન ચાલે, શું કહ્યું નામ તમારું? જૂઓને મેં તો નામ પણ નથી પૂછ્યું.’

‘ઈશ્વર…’

‘વાહ…! ઈશ્વર એટલે અલ્લાહ…! ઈશ્વર અલ્લાહ તેરો નામ સબકો સન્મતિ દે ભગવાન! ’ ઈશારાથી બેસી જવાનું કહેતા હબીબ બોલ્યો, ‘જૂઓ ઈશ્વરભાઈ, આપના માટે દશમાં કામ કરી આપીશ! એક પણ પૈસો એનાંથી વધારે નહીં કે ઓછો નહીં. અડધા પહેલાં. અડધા કેનેડાના પેપર અને ટિકિટ તમારા હાથમાં આવે ત્યારે. ખાતરીનું કામ. કોઈને પણ મારા વિશે પૂછી જુઓ. હું તમને એડ્રેસ આપું. જો કોઈ ‘દેશ પરદેશ’ વિશે એલફેલ બોલે તો દશને બદલે પંદર મારે તમને આપવાના…! કામ ગેરેન્ટીનું. અને તમે તકદીર વાલા છો કે મારી પાસે ઓપનિંગ છે. લાઈન ક્લિયર છે. બાકી આજે વીસ-પચ્ચીસ આપીને જવા વાળા પડ્યા છે!’

‘વિચારીને જણાવું…?’

‘બેશક…!’ હસીને હબીબે કહ્યું, ‘એમ તો વિચારવા જેવું કંઈ નથી! આવો ચાન્સ ન મળે. પણ મને ઉત્તર જલ્દી જોઈએ. એકાદ અઠવાડિયામાં. કારણ કે, કેનેડાવાળી પાર્ટીને ઉતાવળ છે. અને કેનેડા સરકારનું પણ કંઈ કહેવાય નહીં. ક્યારે ઈમિગ્રેશનના કાયદા બદલાય જાય અને ક્યારે લાઇન બંધ થઈ જાય એનું કંઈ જ કહેવાય નહીં. જે કંઈ છે એ આજે છે, હમણાં છે. કલકી બાત કોન જાને?’

‘પણ મારે ફેમિલી સાથે…’

‘અરે! એ કહેવાનું તો હું ભૂલી જ ગયો… ઈશ્વરભાઈ,’ અચાનક કંઈ યાદ આવતા હબીબે કહ્યું, ‘તમારે ત્યાં ગયા પછી પીઆર કાર્ડ મલી ગયા પછી ફેમીલીને પણ બોલાવી શકાશે. બસ તમે ત્યાં કેવું કામ કરો એના પર આધાર. ત્રણ વરસનો કોન્ટ્રેક્ટ કરવાનો રહેશે. એટલે ત્રણ વરસ તો કામ પાક્કુ!’

‘હું ફરી મળું તમને ફેમિલી સાથે વાત કરીને…’ ખંચકાતા ખંચકાતા પૂછ્યું, ‘કોઈ લોચો તો નથીને?! ન પડે ને?!’

‘કસમ ખુદાની…હાજી છું! બે વાર હજ કરી છે. ખુદાના કસમ ખાઈને કહું કે કંઈ લોચો નથી.’ ગળા પર જમણા હાથની આંગળીઓ લગાવી હબીબે કસમ ખાધી.

ઘરે આવ્યા બાદ ઈશ્વરભાઈએ ઘણું વિચાર્યું. એક અવઢવ થયા રાખતી હતી. પેપરમાં એવા ઘણા કિસ્સા વાંચ્યા હતા જેમાં પરદેશ જવાની ઘેલછામાં કેટલાકે પૈસા ગુમાવ્યા હતા. એમની પાસે ખાસ આવડત ન હતી. ગામમાં ઘેર ઘેરથી કોઈને કોઈ ફોરેન, મસ્કત, અબુ-ધાબી, દુબઈ, વગેરે ગયા હતા. જીગ્નેશ પણ બહાર જવા માટેની વાત કરી રહ્યો હતો.

-દશ લાખ બહુ મોટી રકમ હતી.

-પણ એક વાર કેનેડા ગયા બાદ એ એકાદ વરસમાં તો કમાઈ લેવાય. આ તો પાછું કામ સાથે.

-દશ લાખ કાઢવા ક્યાંથી? ઈશ્વરભાઈ ગુંચવાય ગયા.

-જમીન…! જમીન કાઢી નાંખું?

-મકન પટેલને જોઈતી જ છે. એ ક્યારનો માંગ માંગ કર્યા કરે છે. આમ પણ મહેનત કરીને મરી જઈએ ત્યારે માંડ ભાત પાકે. એમના ખેત પડોશી મકન પટેલનો દીકરો દુબઈ ગયો હતો. ત્યાં એણે ખાસી કમાણી કરી હતી. અને મકન પટેલે દીકરાની કમાણી જમીનમાં રોકવા માંડી હતી. ખાસી જમીન એમણે ખરીદી લીધી હતી. દાંતી ગામમાં મકનની જમીન સૌથી વધારે હતી. અને એની પાસે ટ્રેક્ટર પણ હતું.

-જોઈએ! એ મકનિયાને જ દાણો દાબી જોઉં. ઈશ્વરભાઈએ વિચાર્યું.

શાંતાબેનને ઈશ્વરભાઈએ કેનેડા અંગે વાત કરી.

‘જે કંઈ કરો એ સમજી વિચારીને કરજો…’ શાંતાબેન તો એવું જ માનતા હતાઃ ‘ઈશ્વર’ કરે એ ખરું!

મકનભાઈને મળી ઈશ્વરભાઈએ જમીનની વાત કરી. મકનભાઈ તો તૈયાર જ હતા. સોદો જલ્દી પાર પડ્યો. અને હાથ પર પૈસા આવી જતા ઈશ્વરભાઈએ સુરત જઈ હબીબ હાજીને મળી કેનેડા જવા માટે આગળ કાર્યવાહી કરવાની મંજૂરી આપી દીધી. ગામલોકોએ એમને ચેતવ્યા. પરંતુ, ઈશ્વરભાઈએ યા હોમ કરી ઝંપલાવી જ દીધુઃ જે થવાનું હોય એ થાય!

હબીબ હાજી પહોંચેલ હતો. એણે એના ચક્રો ગતિમાન કર્યા. ઈશ્વરભાઈને કેનેડિયન કૉન્સ્યુલટ જરનલ તરફથી પુછાનારા સવાલો માટે તૈયાર કરતા કહ્યું, ‘આમ તો બધું જ ક્લિયર છે. પણ તમારા પર પણ ઘણો આધાર રાખશે જ્યારે તમને કેનેડિયન ઍમ્બેસી પર બોલાવશે. જેટલું પુછે એનો જ જવાબ આપજો. સવાલ જવાબ આમાં તૈયાર જ છે. તમને ત્યાં ઇન્ટપિટર મળશે. એટલે લૅન્ગવેજનો તો વાંધો ન આવવો જોઈએ. બસ તમે કોન્ફિડસ રાખજો. ડરતા નહીં. અલ્લાતાલા પરવરદિગાર ભલું જ કરશે.’

-અને અલ્લાતાલાએ ખરેખર ભલું જ કર્યું. ઈશ્વરભાઈને વીસા મળી ગયા કેનેડાનાં. ઈશ્વરભાઈ-શાંતાબેનની ખુશીનો પાર ન હતો. જીગ્નેશ તો માની જ ન શકતો હતો કે એના પપ્પા કેનેડા જઈ રહ્યા હતા. હવે એ પણ થોડા વરસમાં જઈ શકશે. કેનેડામાં શરૂઆતમાં તકલીફ પડી ઈશ્વરભાઈને! અજાણ્યો દેશ, અંગ્રેજી ભાષા, કડકડતી ઠંડી. પણ એક ધ્યેય સાથે આવ્યા હતા ઈશ્વરભાઈ કેનેડા. ગમે એ થાય ટકી જવું અને એટલું જ નહીં પણ દેશથી કુટુંબને પણ કેનેડા બોલાવી લેવું. ઈશ્વરભાઈને હબીબ મારફત જેણે સ્પોન્સર કરેલ એ ઇસ્માઇલભાઈનો બહોળો વેપાર હતો કેનેડામાઃ ગેસ સ્ટેશન(પેટ્રોલ પમ્પ), મોટેલ, ગ્રોસરી સ્ટોર, રેસ્ટોરાં! એમને માણસની, મહેનતુ માણસોની ખાસ જરૂર હતી. અને મહેનત કરવામાં તો ઈશ્વરભાઈ પાછળ પડે એમ ન હતા. થોડા વરસમાં તો એઓ ઇસ્માઇલભાઈના ખાસ માણસ બની ગયા. એમને એક રૂમ રસોડાનો એપાર્ટમેન્ટ એની મોટેલમાં રહેવા આપી દીધો. રૂમ બનાવવાથી માંડીને બાથરૂમ સાફ કરવા જેવા કે સ્નો પડે તો વોકવેમાંથી રાત-મધરાતે સ્નો સાફ કરવાના કામ કરવામાં પણ ઈશ્વરભાઈને નાનમ ન લાગતી. નકાર તો એમની જીવ્હા પર હતો જ નહીં. ચાલશે, ફાવશે અને ભાવશે…એમણે અપનાવી લીધું હતું.

-યસ મેન. હા, ઇસ્માઇલભાઈએ ઈશ્વરભાઈનું નામ પાડ્યું હતું. એઓ ખુશ હતા. ઈશ્વરભાઈ તરફથી. એમના કામકાજથી.

‘હલો…’ ઈશ્વરભાઈના ફોન આવતા કેનેડાથી, ‘શાંતા…!’

‘હલો…!’ શાંતાબેન વાત ન કરી શકતા, ગદગદિત થઈ જતા, ‘કેમ છો તમે? ઠંડીથી સાચવજો!’

‘અરે! ફીકર ન કર તુ મારી. અને ઠંડી તો બહાર હોય, ઘરમાં, એપાર્ટમેન્ટમાં ન હોય. અને કામ પર પણ ન હોય!’

‘તે તમે કામ શું કરો?’

‘કામ એટલે કામ…!’ હસીને ઈશ્વરભાઈ કહેતા, ‘કંઈ પણ કામ…ઇસ્માઇલભાઈ, મારા શેઠ, મારા બૉસ, મારા માલિક જે કહે એ બધા જ કામ કરું. એ ખુશ તો આપણે ખુશ. અને એમની પાસે કામની ખોટ નથી. થોડા સમયમાં તો તમને બોલાવી લઈશ. એઓ બહુ ભલા માણસ છે. ખુદાના બંદા. છે મુસલમાન.. પણ આપણને શું? આપણે તો આપણું કામ ભલું અને પૈસા નિયમિત આપી દે. દર શુક્રવારે ચેક જમા થઈ જાય પગારનો.’

‘જમવાનું…?’ શાંતાબેન ચિંત્તાતુર અવાજે પૂછતા, ‘ખાવાનું શું કરો છો?’

‘અરે…! ખાવાની ક્યાં ફીકર કરે છે? તને ખબર તો છે ને કે મને રાંધતા આવડે. તો પછી ફીકર શાની?’

‘જો હું થોડા થોડા દિવસે પૈસા મોકલાવીશ. સીધા તમને ન મોકલાવી શકાય તો પેલા ‘દેશ પરદેશ’ વાળા હબીબભાઈના માણસો આવીને આપી જશે!’ ઈશ્વરભાઈએ સમજાવતા કહ્યું, ‘એને કંઈક હવાલો કે એવું કહે. પણ ઇસ્માઇલભાઈ કહે કે એમાં જ સારું. એમાં ડૉલરના પુરા પૈસા એટલે કે રૂપિયા મળશે.’

…. એમ જ નિયમિત પૈસા આવતા રહ્યા, અને હવે ઈશ્વરભાઈ પણ આવી ગયા ને લાભપાંચમે તો પાછા જતા રહેવાનાં હતા.

‘જો… ને… જીગા…!’ શાંતાબેને ઘડિયાળમાં નજર કરતા કહ્યું, ‘નવ વાગી જવાના ને તારા પપ્પાનું કંઈ ઠેકાણું નથી!’ શાંતાબેનન અવાજમાં ચિંતા હતી, ‘આપણા કાગળિયા આપવા એ સુરત ગયા છે તારી મોટરસાયકલ હોન્ડા પર! મોબાઇલનો પણ જવાબ આપતા નથી! ઉંચકતા નથી! તું સાથે ગયો હોત તો શું થાત? બળી તારી મેચ…!’

‘એ આવશે… આવી જશે. કદાચ બેસી ગયા હોય બેઠક જમાવીને પેલા હબીબ સાથે. એના માટે બોટલ પણ લઈ ગયા છેને બ્લેક લેબલની તો…!’ જીગ્નેશે હસીને કહ્યું, ‘મેં કાલે જવા કહ્યું તો આજે જ ઉપડી ગયા. મારે આજે ઉંભરાટ ઈલેવન સાથે સેમીફાયનલ મેચ હતી. મેં પચ્ચોતેર રન બનાવી ઉંભરાટ ઈલેવનને ટુર્નામેંટમાંથી હટાવી દીધી!’ જીગ્નેશ માટે ક્રિકેટ જાણે બીજો ધરમ હતો.

‘તો ય તારે જવું જોઈતું હતું સાથે. એક મેચ ન રમતે તો…!’ પણ એમની વાત કાને ધર્યા વિના જીગ્નેશ બહાર જઈ ફટાકડા ફોડવા લાગ્યો. આ વરસે તો ગયા વરસ કરતા વધારે ફટાકડા અને ખાસ તો સુતળી બોંબ લાવ્યો હતો. એના ધડાકાઓથી કોળીવાડ ધ્રુજવા લાગ્યું.

જીગ્નેશના મોબાઈલ પરથી શાંતાબેને ફરી ઈશ્વરભાઈને ફોન કર્યો. પણ રીંગ વાગતી રહી. અને થોડા સમય પછી મોબાઈલ ફોન કંપનીનો મેસેજ દર વખતની જેમ સાંભળવા મળ્યોઃ તમે ડાયલ કર નંબર કોઈ ઉપાડતું નથી, કૃપયા થોડા સમય પછી ડાયલ કરવા વિનંતિ છે…!

શાંતાબેનની ચિંતામાં વધારો થઈ રહ્યો હતો.

‘જી…ગા…!’ ઘરની બહાર ફળીયામાં આવી શાંતાબેને બૂમ પાડવા માંડી, ‘જીગા…! જી…..ગા….!’ આજૂબાજૂ નજર કરી એમણે એક છોકરાને કહ્યું, ‘જોને જીગ્નેશને શોધી કાઢ…! જી….ગા…!’

‘શું છે…!?’ પાંચેક મિનિટ પછી જીગ્નેશ આવ્યો, ‘આવ્યો પપ્પાનો ફોન…?’

‘નથી આવ્યો…!’ શાંતાબેને નિસાસો નાંખી કહ્યું, ‘એવું હોય તો તારા પપ્પા ફોન કરીને કહે કે એને મોડું થવાનું છે. ઉપાડતા જ નથી મોબાઇલ!’

‘પેલા હબીબને ફોન કર…’ ફોન હાથમાં લઈ એણે કહ્યું, ‘એનો નંબર આપ.’

‘એની ઑફિસનો નંબર છે. એના પર પણ મેં ફોન કર્યો. કોઈ ઉપાડતુ નથી.’

‘એ તો અત્યારે બંધ જ હોય ને?!’ ચીઢાયને જીગ્નેશ બોલ્યો, ‘સેલ ફોન નંબર આપ..’

‘એ તો તારા પપ્પાના ફોનમાં જ છે…!’ લગભગ રડી પડતા શાંતાબેને કહ્યું, ‘પપ્પા ફોન લઈ ગયેલ એમાં.’

‘ઓ…હ…’ એની ટેવ મુજબ જીગ્નેશથી ગાળ દેવાય ગઈ! હવે એને પણ ચિંતા થવા લાગી હતી. એની મોટરસાયકલ લઈને જ પપ્પા ગયા હતા. એટલે એણે કોઈની મદદ લેવી પડે. એ જલ્દીથી મહોલ્લામાં બહાર આવ્યો. પડોશમાં જ જીતુ રહેતો હતો. એની સાથે જીગ્નેશને બહુ બનતું ન હતું. પણ આજની વાત અલગ હતી. એણે જીતુને વાત કરી એની પાસે મોટરસાયકલ હતી. એને વાત કરતા એ તૈયાર થયો એની મોટરસાયકલ લઈને.

‘અમે પપ્પાને શોધવા જઈએ છીએ!’ જીગ્નેશે ચંપલ ચઢાવતા કહ્યું, ‘લાવ એકવાર મને રીંગ કરી જોવા દે, કદાચ નેટવર્કમાં ખામી હોય તો લાગી પણ જાય…!’

જીગ્નેશે પ્રયત્ન કરી જોયો. પણ સામેથી કોઈએ ન ઉપાડ્યો, ‘અમે મરોલી ચાર રસ્તા સુધી જઈ આવીએ. કદાચ, હોન્ડા બગડી ગયું હોય. કદાચ…’ જીગ્નેશને આગળ વિચારતા ધ્રુજારી થતી હતી.

શાંતાબેન તો રડવા જેવા થઈ ગયા. ઘડિયાળમાં દશ વાગી ગયા હતા.

જીતુ-જીગ્નેશે મોટરસાયકલ મારી મૂકી. આકાશમાં થોડા થોડા સમયે ચમકારા થયા રાખતા હતા. ફટાકડાના! રોકેટના…!

મરોલી ચાર રસ્તા સુધી કોઈ નિશાની ન મળી. કોઈ અકસ્માતની. જો એવું કંઈ થયું હોય તો…!

મરોલી ચાર રસ્તા પર બન્ને થોડો સમય રોકાયા. ત્યાં લારીવાળાને પણ પૂછી જોયું. કંઈ જોયું હોય…કંઈ સાંભળ્યું હોય…પણ એ બધા દિવાળીની રજાના મિજાજમાં હોવાથી ઘરે જવાની ઊતાવળમાં કે પારકી પંચાતમાં ન પડવાની માનવસહજ ખાસિયતને કારણે કોઈએ બરાબર જવાબ ન આપ્યા.

‘પોલીસમાં જઈએ તો…?!’ જીગ્નેશે જીતુને સુચન કર્યું.

જીતુની ઇચ્છા ન હતી, ‘એમને એમ પોલીસમાં...?’

જીગ્નેશ સમજી ગયો. જીતુએ ઢીંચ્યો હતો. એના મ્હોંમાંથી દેશી દારૂની વાસ આવતી હતી. એટલે સ્વાભાવિક એ પોલીસમાં જવાનો ઇન્કાર જ કરવાનો.

‘ચાલ જીગ્નેશ…!’ જીતુએ એની મોટરસાયકલને કીક મારી, ‘ઘરે જઈએ. ઈશ્વરભાઈ ઘરે આવી પણ ગયા હોય…!’

જીગ્નેશને સમજ પડતી ન હતીઃ શું કરવું? ન છૂટકે એ જીતુની પાછળ બેઠો. અને જીતુએ દાંતી તરફ મોટરસાયકલ પુરપાટ હાંકવા માંડી.

હજુ ઈશ્વરભાઈ આવ્યા ન હતા. શાંતાબેને રડતા હતા. બાર વાગી ગયા હતા. કંઈક એવું અજુગતું બની ગયું હતું કે જે ન બનવું જોઈએ. થોડા મહોલ્લાના માણસો, પડોશી પણ એકત્ર થઈ ગયા હતા. અને ધીમા સાદે જાતજાતની વાતો કરતા હતા.

-એકલા જવું ન જોઈએ.

-પીધું હશે.

-કોઈ ઠોકીને ચાલી ગયું હોય.

-હેલ્મેટ તો પહેરવી જોઈએ.

-રસ્તા કેટલા ખરાબ. ખાડાઓ કેટલાં છે?

-સપરમાં દિવસે તો ઘેર રે’વું જોઈએ.

-જમાનો બહુ જ ખરાબ છે.

લગભગ રાતે અઢી વાગે એમના બારણે પોલીસ જીપ આવીને ઊભી રહી. બહાર જ ગુસપુસ વાતો કરી એમણે જીગ્નેશને બહાર બોલાવ્યો. એની હીરો હોન્ડા મોટરસાયકલનાં નંબરની ખાતરી કરી કહ્યું, ‘ઍક્સિડન્ટ થયો છે. સચીનના વળાંક પર!’ પોલીસે મોટરસાયકલના નંબર પરથી એમનું સરનામું શોધ્યું હતું અને ખબર કરવા આવ્યા હતા.
શાંતાબેને તો ઠૂંઠવો જ મૂક્યો અને રડતા રડતા એઓ બેહોશ થઈ ગયા. જીગ્નેશ પણ રડવા લાગ્યો.

-આ શું થઈ ગયું?!

ઈશ્વરભાઈને અકસ્માત થયો હતો સચીનના વળાંક આગળ. આમ પણ એ વળાંક ભયજનક જ હતો. કોઈએ પોલીસને જાણ કરી. પોલીસ પહોંચી ત્યારે ઘણું મોડું થઈ ગયું હતું. કોઈ વાહને ટક્કર મારી હતી એમની મોટર સાયકલને. એમનો દેહ સુરત સિવિલ હૉસ્પિટલમાં હતો.

કાળી ચઊદશનો અંધકાર ઘેરો બની વધારે ગાઢ થઈ ગયો. સોપો પડી ગયો દાંતી ગામમાં.

ગામના સરપંચ, પોલીસ પટેલ પણ ઈશ્વરભાઈના ઘરે આવી ગયા. એમની પાસે જીપ હતી. જીગ્નેશને લઈ એઓ રાતોરાત સુરત સિવિલ હૉસ્પિટલ પર પહોંચ્યા. પણ રાતે તો પોસ્ટ્મૉર્ટમ શક્ય ન હતું. ઉપરાંત, ઘણા સર્જ્યનો પણ દિવાળીની રજા પર હતા. માંડ મોડી સવારે પોસ્ટ્મૉર્ટમ થયા બાદ ઈશ્વરભાઈનો દેહ મળ્યો. કાળી ચઉદશ કાળમુખી બની ગઈ હતી. ઈશ્વરભાઈને હેમરેજ થયું હતું. માથામાં માર વાગવાથી આંતરિક રક્તસ્રાવથી એમનું તત્કાળ મૃત્યુ થયું હતું. ઉપરાંત એમનું જડબું પણ તૂટી ગયું હતું. એમણે હેલ્મેટ પહેરી ન હતી. જો હેલ્મેટ પહેરી હોત શાયદ બચી જાત. એમના લોહીમાં આલ્કોહોલનું પ્રમાણ ન હતું. જો કે એમની પાસે મોટરસાયકલ ચલાવવાનું કાયદેસરનું લાયસન્સ ન હતું.
શોકમગ્ન ગામમાં સ્મશાનયાત્રા નીકળી હતી ઈશ્વરભાઈની. આખું દાંતી ગામ હીબકે ચઢ્યું હતું.

સચીનના પોલીસ ઇનસ્પેક્ટર વિક્રમસિંહ પરમારે ઈશ્વરભાઈની મોટરસાયકલને ટક્કર મારનાર વાહનની ઘણી શોધખોળ કરી પણ કોઈ માહિતી મળતી ન હતી. આમ તો એ રસ્તો ખાસો વ્યસ્ત રહે. એના પર ઘણી આવનજાવન હોય. પણ કોઈ ચશ્મદીદ ગવાહ મળતા ન હતા. વળી દિવાળીનો ઉત્સવ પણ હોય સહુ એની ઊજવણીમાં પડ્યા હતા. અકસ્માત વખતે ઈશ્વરભાઈનો મોબાઈલ ફોન તૂટી ગયો હતો. એમને ઉપરના ગજવામાં ફોન રાખવાની આદત હતી અને ફોન સરકીને રોડ પર પડી ગયો હતો. એના પરથી કોઈ વાહન પસાર થતા એ તૂટી ગયો હતો અને એ જ કારણે શાંતાબેને કે જીગ્નેશે જે ફોન કરેલ એના કોઈ પ્રત્યુત્તર મળ્યા ન હતા.

અકસ્માતના ત્રણ દિવસ બાદ, બપોરે ઈશ્વરભાઈના ઘરે હબીબ હાજીની સફેદ સેન્ટ્રો આવીને ઊભી રહી. મહોલ્લામાં હજુ ય ઘેરો માતમ હતો. શ્વેત કપડામાં સજ્જ હબીબ હળવેથી કારમાંથી ઊતર્યો, ‘ઈશ્વરભાઈકા…’ એ વાક્ય પુરું કરે એ પહેલાં જ એક યૂવકે ઈશ્વરભાઈના ઘર તરફ ઈશારો કર્યો.

ચંપલ બહાર ઉતારી એ ઘરમાં હળવેકથી દાખલ થયો. થોડા વયસ્ક શોકમગ્ન બેઠા હતા ફરસ પર પાથરેલ શેતરંજી પર. એમણે હબીબ તરફ સહેજ આશ્ચર્યથી નજર કરી નમસ્કાર કર્યા.

‘હમકો…’ પછી સુધારો કરી હબીબ બોલ્યો, ‘મને આજે જ જાણ થઈ. અખબારમાં સમાચાર વાંચ્યા.’ વિચારીને એ બોલ્યો, ‘હું હબીબ હાજી, એ દિવસે એઓ મને જ મળવા આવેલ. એમના ફેમિલિના પેપર લઈને! ખાસી વાતો થયેલ.’

ડૂસકા પર કાબૂ રાખી જીગ્નેશ હબીબની બાજુમાં બેઠો. એની આંખો તો છલકાય જ આવી. એની પીઠ પર હબીબે હળવે હળવે હાથ ફેરવવા માંડ્યો. કોઈએ અંદરથી આવી ગ્લાસમાં પાણી આપ્યું હબીબને જે હબીબે જીગ્નેશને આપ્યું. એમાંથી જીગ્નેશે બે ઘૂંટ પીધા.

‘બહૂત બુરા હુઆ…!’ નિશ્વાસ નાંખી હબીબે કહ્યું, ‘કુછ પતા ચલા કિસને કીયા? કૈસે હુઆ?’ જીગ્નેશના હાથમાંથી ગ્લાસ લેતા હબીબે હળવેથી પૂછ્યું.

‘ના…!’ ઊંડો શ્વાસ લઈને જીગ્નેશે કહ્યું, ‘કોઈ ટક્કર મારીને ભાગી ગયું ને કોઈએ ન જોયું.’

‘ઓ…હ…! આઈ એમ સોરી…કૈસે? કેમ લોકો આવું કરતા હશે?’

એક ઘેરી ખામોશી છવાય ગઈ.

‘મારી પાસે તને આપવા માટે કંઈક છે!’ હબીબે હળવેથી ગણગણતા કહ્યું, ‘બહાર આવ!’

‘શું?!’ જીગ્નેશે ધીમેથી પૂછ્યું પણ હબીબ એ પહેલાં ઊભો થયો એટલે જીગ્નેશ એની પાછળ પાછળ દોરાયો.

હબીબ એની કાર પાસે ઊભો હતો. જીગ્નેશ એની પાસે ગયો. કારનો આગળનો દરવાજો ખોલી હબીબે અંદરથી એક પેકેટ બહાર કાઢ્યું, ‘આ તમારા માટે છે. પચાસ હજાર છે. ઈશ્વરભાઈ કામ કરતા ત્યાં મેં ઇસ્માઇલ ભાઈજાનને ફોન કરી ઍક્સિડન્ટની માહિતી આપી હતી અહીં આવવા પહેલાં તો એમણે તમને આ પૈસા આપવા કહ્યું. એઓ બહુ દુઃખી થયા છે. તારી સાથે, તારી મમ્મી સાથે વાત કરવા ચાહે છે…!’ સરવાલના ગજવામાંથી એનો આઈફોન બહાર કાઢતા કહ્યું, ‘હું જાણું છું. તારી મમ્મી શાંતાબેન તો વાત ન કરે પણ તું જો વાત કરશે તો ઇસ્માઇલભાઈ સાથે તો સારું. લગાવું ફોન?’

‘હું?’ જીગ્નેશ સહેજ અચકાયો, ‘હું શું વાત કરીશ? મારા પપ્પા જ નથી રહ્યા તો…’

‘તો પણ…જરા વાત કરી લે…’ કહી હબીબે કેનેડા ફોન લગાવ્યો, ‘હલ્લો..ભાઈજાન?…હબીબ હીયર…’

‘……………!’

‘હા…! હું અહીં જ છું. ઈશ્વરભાઈના છોકરા જીગ્નેશ સાથે. તમે કહેલ એ પચાસ આપી દીધા છે. લો.. વાત કરો…’ કહી એણે ફોન જીગ્નેશને આપ્યો.

‘હલો…!’

‘જો બેટા! જો હુઆ બહુત ખરાબ હુઆ…વેરી બેડ…! તારા પપ્પા અલ્લાહના આદમી હતા. એક નેક ઈમાનદાર ઈન્સાન.’

‘……………!’

‘વો તેરે બારે મેં, તારી મોમના બારામાં વાત કરતા. હમ હૈ.. મેં બેઠા હું. કિસીભી મદદકી જરૂર હો તો હબીબને કહેજે. મારો ફોન નંબર એની પાસે લઈ લે જે અને જ્યારે પણ જરૂર હોય ફોન કરજે.’

‘થેન્ક યૂ!’

‘મેં તારા બારામાં હબીબને વાત કરી છે. કાયદા બદલાય ગયા છે. તારા પપ્પા જો હોત તો કોઈ વાંધો ન હતો. પણ હવે…બટ આઈ વીલ ટ્રાય…! હબીબ વાત કરશે તને. વી વીલ ટ્રાય અવર બેસ્ટ ફોર યૂ!’

‘થેન્ક યૂ!’

‘તારા પપ્પાનો હિસાબ પણ કરવાનો છે હજુ. મેં હબીબને તમને પચાસ હજાર રૂપિયા આપવા કહ્યું છે. એ ઈશ્વરભાઈના જ છે. હિસાબ કરી હું બીજા મોકલાવીશ. પરવદિગાર પર. ખુદા પર વિશ્વાસ રાખજે. ભગવાન છે. કંઈ પણ કામ હોય તો મને ફોન કરતા અચકાતો નહીં.’

‘ઓ કે!’ જીગ્નેશને ઇસ્માઇલભાઈ સાથે વાત કરતા સારું લાગ્યુઃ કેટલા ભલા માણસ છે!! વિચારી એણે ફોન હબીબને આપ્યો.

‘જી ભાઈજાન… જી…ખુદા હાફીઝ.’ કહી હબીબે ફોન ડિસકનેક્ટ કર્યો, ‘વીધી પતે પછી મને મળજે. કંઈક વિચાર કરીશું તારું થાય તો…!’ એનો બિઝનેસ કાર્ડ આપતા કહ્યું, ‘મને મળજે અને જાણ કરતો રહેજે. કાર્ડની પાછળ કેનેડાનો નંબર પણ લખેલ છે!’ કહી એ કારમાં ગોઠવાયો.

‘ઓ કે…!’ જીગ્નેશે કાર્ડ એના ગજવામાં મુકતા કહ્યું, ‘તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યૂ વેરી મચ.’

જીગ્નેશ ઘરમાં આવ્યો. અંદર બેઠેલ એના સગાવ્હાલા, કાકા, મામા વગેરે એના તરફ પ્રશ્નાર્થ નજરે જોવા લાગ્યા.

‘દેશ પરદેશ ટ્રાવેલ્સના માલિક હતા. હબીબ. એને જ મળવા અને અમારા પેપર આપવા પપ્પા ગયા હતા. એણ કેનેડા પપ્પા જ્યાં કામ કરતા ત્યાં પણ જાણ કરી દીધી તો ત્યાંથી એમણે પૈસા મોકલાવ્યા છે!’ પૈસાનું પેકેટ એણે કબાટમાં મુકતા કહ્યું.

‘કેવું પડે…!’ જીગ્નેશના મોટા કાકાએ કહ્યું, ‘આનું નામ તે માણસ…બાકી આજે તો આવું કંઈ થાય તો પૈસા ગયા જ સમજો.’ સહેજ અટકી એ બોલ્યા, ‘ઈશ્વરે હોન્ડા પર જવું જોઈતું ન હતું. એક તો એ ચાર વરસથી એ બહાર હતો. હવે લાયસન્સ પણ ન મળે. પોલીસ તો કંઈ કરવાની નથી. અને કરે તો પણ શું? એટલે ઈશ્વરને પાછો થોડો આવશે? મારો ઈશ્વર…’ કહી એમણે આંખોની ભીનાશ ધોતિયાથી સાફ કરી નાક ધોતિયામાં જ સાફ કરી કહ્યું, ‘જીગા… તારુ થાય તો તું ઊપડી જા!’

‘બરાબર મોટાબાપા, પણ પપ્પા હોત તો અલગ વાત હતી, ‘પપ્પાને તો પીઆર કાર્ડ પણ મળી ગયેલ. અને મારી અને મમ્મીની ફાઈલ મુકવા, એનાં કાગળિયા કરવા જ તો પપ્પા ગયા હતા સુરત…! હવે તો…!’ જીગ્નેશે માંડ એના રૂદન પર કાબુ રાખતા કહ્યું, ‘હવે અઘરૂં છે! અને કાયદા બદલાય ગયા છે.’

ખામોશી ફરી ગુંજવા લાગી. કોઈને સમજ પડતી ન હતી.

આમ થોડા દિવસો પસાર થયા. સારણ તારણની વીધી પતી ગઈ એટલે સહુ પોતપોતના ઘરે જતા રહ્યા હતા. જીગ્નેશે એક વાર કેનેડા ફોન કરી જોયો. પણ ઇસ્માઇલભાઈનો સંપર્ક ન થયો. આમ પણ સમયના ફેર-બદલની એને ખાસ ગતાગમ ન હતી. એના ફોન નંબર કોલર આઈડીમાં નિહાળી થોડા દિવસ બાદ ઇસ્માઇલભાઇનો જ ફોન એના પર આવ્યો, ‘સોરી…તારો ફોન આવેલ પણ હું વેકેશન પર હતો. કૃઝમાં. અલાસ્કા ગયેલ. તો આજે જા આવ્યો અને સેલ પર તારો મીસકૉલ જોયો!’

‘તમે કહેલ ફોન કરજે તો…!’ જીગ્નેશને સમજ પડતી ન હતીઃ શું વાત કરવી?

‘હા.. સારું તેં ફોન કર્યો તો. ઇશ્વરભાઈનો હિસાબ આવી ગયો છે. હું બીજા લાખ રૂપિયા આપવા હબીબને કહીશ. તું હબીબ પાસે જઈને લઈ આવજે. એકાદ અઠવાડિયા પછી જજે. આ છેલ્લા છે. હિસાબ ચૂકતે. જે કંઈ હતું એમાં મેં પચાસ એડ કર્યા છે. ઉમેર્યા છે. મારા તરફથી. સમજ્યો?’

‘મારૂં કંઈ થાય કે નહીં?’ ખચકાતા ખચકાતા જીગ્નેશે વિનવણી કરતા કહ્યું, ‘પ્લીઝ.. કંઈક કરો મારું. હું બીએ પાસ થયેલ છું. મિકેનિકનું બધું જ કામકાજ કરતા આવડે મને…’

‘જો બેટા થાય તો કરીશું જ. મને શો વાંધો હોય? તું ધીરજ રાખજે. હબીબને મળતો રહેજે. એ જે કહે એ કરજે.’

‘ઓકે…!’

‘તારી મોમને મારા આદાબ, નમસ્તે કહેજે…!’

દિવસો પછી દિવસો પસાર થવા લાગ્યા. સુરત જઈ જીગ્નેશ લાખ રૂપિયા લઈ આવ્યો. એ પણ ધીમે ધીમે ઓછા થવા લાગ્યા. જીગ્નેશ પાસે કોઈ કામકાજ હતું નહીં. દૂધ સિવાય બીજી કોઈ આવક હતી નહીં. અને એ આવકમાંથી તો ચણા મમરા પણ ન આવી શકે એટલી મોંઘવારી હતી. હવે શું કરવું સમજ પડતી ન હતી. જીવન આખે આખું બદલાય ગયું હતું. સપના જોતો હતો કેનેડાના એ સપના બધા વેરવિખેર થઈ ગયા હતા. એક આશાનાં તણખલે એ ટકી રહ્યો હતો. જેમ તેમ કરીને કેનેડા જવાય તો કંઈ થાય. પાંચ મહિના પછી એ સુરત જઈ ફરી મળ્યો હબીબને.

‘તમે કંઈક કરો !’ મારી પાસે પાસપોર્ટ પણ છે, ‘મિકેનિકનું બધુ જ કામકાજ આવડે છે મને.’

‘હું તારા વિશે જ વિચારતો હતો. આજે જ ઇસ્માઇલ ભાઈજાન સાથે વાત થઈ તારા વિશે!’

‘એમ?’ જીગ્નેશને ક્યાંક આશાનું કારણ દેખાયું, ‘શું વાત થઈ? કંઈ ચાન્સ…!’

‘છે… પણ એનો આધાર ત્યાંથી ગર્વનમેન્ટ પર છે. એમને ઈશ્વરભાઈનું ડેથ સર્ટિફિકેટ અને ઍક્સિડન્ટ રિપોર્ટ જોઈએ. ઓરિજીનલ. સરકારમાં રજૂ કરવા. પછી આગળ તારું શું કરવું એ વિચારી શકાય. પ્લાનિંગ કરાય.’

સુરતથી નીકળી એ સીધો સચિન પોલીસ સ્ટેશને ગયો. એ વિશે તો એ ભૂલી જ ગયો હતો. આમ પણ પપ્પા પાસે લાયસન્સ ન હતું એટલે એમાં કંઈ વરવાનું ન હતું એમ વિચારી એણે પોલીસ રિપોર્ટની, શોધખોળની અવગણના જ કરી હતી. વળી પોલીસ પૈસા ખાવા વિના કોઈ કામ કરવાની ન હતી. એની પાસે ખવડાવવાના વધારાના પૈસા ય ક્યાં હતા?! માંડ પોલીસ ઇ. વિક્રમસિંહ પરમારે એને પાંચ મિનિટ ફાળવી. એણે વાત કરી અકસ્માતની.

‘જો જીગ્નેશ…!’ વિક્રમસિંહે ચાનો ગ્લાસ મોંએ માંડતા કહ્યું, ‘મને યાદ છે. અમે બરાબરની તપાસ કરી છે. શોધ કરી. પણ કોઈ આગળ નથી આવ્યું. દેશમાં લાખેક હીટ એન્ડ રનના કેસો થાય છે. વળી મને યાદ છે કે તારા પપ્પા પાસે તો લિગલ ડ્રાઈવિંગ લાયસંસ પણ ન હતું. એમણ હેલમેટ પણ ન પહરેલ. કાયદો શું કહે? શું કરે? તું જ કહે…’

‘પણ સાહેબ મને ઍક્સિડન્ટ રિપોર્ટ તો મળવો જોઈએને?’

‘તું અરજી આપી દે… ફોર્મ ભરી દે પેલા પોલીસ ક્લર્ક પાસે.’

‘મળી તો જશે ને?’ ચિંતાતુર અવાજે જીગ્નેશે કહ્યું, ‘સાહેબ, એ મળે તો શાયદ મારે કેનેડા જવાનું થાય એમ છે. મારા પપ્પા કેનેડાથી આવેલ. અને ઍક્સિડન્ટ થયો તો…બધુ ખોરવાય ગયું. હવે જો ઍક્સિડન્ટ રિપોર્ટ મળે અને કેનેડાની સરકાર કંઈક વિચારે તો મારો પત્તો લાગે. પ્લીઝ. સાહેબ.. જે કંઈ ખર્ચો થાય, ઉપરનો એ આપવો પડે એવું હોય તો કહો…!’

‘તારે લાંચ આપવી છે મને…?’ ગુસ્સે થઈ વિક્રમસિંહે કહ્યું, ‘મને લાંચ આપવી છે??’

‘સાહેબ,’ થૂંક ગળી એ બોલ્યો, ‘સોરી પણ…’

‘મારો સમય ન બગાડ… મારે કંઈ તારો એક જ કેસ નથી. સમજ્યો? એક તો…’ આગળના શબ્દ ગળી જઈ વિક્રમસિંહે એક સુરતી સંભળાવી.

જીગ્નેશે પોલીસ ક્લર્કને અરજી આપીઃ ઍક્સિડન્ટના પોલીસ રિપોર્ટ માટે.ત્રણ ચાર ધક્કા ખવડાવ્યા બાદ ત્રણ મહિના પછી જીગ્નેશના હાથમાં ઍક્સિડન્ટના પોલીસ રિપોર્ટ આવ્યોઃ હીટ એન્ડ રન.

ખાસો સમય પસાર થઈ ગયો હતો. લગભગ વરસ કહોને? હવે તો જીગ્નેશ-શાંતાબેનને પૈસાની ભારે ખેંચ હતી. જીગ્નેશે છૂટક કામકાજ શરૂ કર્યું હતું. મિકેનીકનું. પણ કોઈ બાંધી આવક ન હતી. જમીન તો વેચી દીધેલ એટલે ખેતીની આવક પણ બંધ થઈ ગયેલ. જીગ્નેશે પોલીસ રિપોર્ટ અને ડેથ સર્ટિફીકેટ હબીબને સોંપ્યાને પણ પાંચ મહિના થઈ ગયા. પણ હબીબ કહેતો હતો કે કેસ ગુંચવાય ગયો છે વાર તો લાગશે. કેટલો સમય જશે એની કોઈ મર્યાદા ન હતી. એક નિરાશાની ગર્તામાં ગોથું ખાઈ રહ્યા હતા જીગ્નેશ અને શાંતાબેન. શાંતાબેનના રહ્યાસહ્યા ઘરેણાં પણ એક પછી એક વેચાતા રહ્યા. આશાનું કોઈ કિરણ દૂર દૂર ક્યાંય નજરે આવતું ન હતું.
પોલીસ ઇ. વિક્રમસિંહ પરમારનો આજનો દિવસ બહુ થકવનારો હતો. સચીન જીઆઈડીસીમાં ધમાલ થઈ હતી. એક કારખાનામાં મજૂરો વચ્ચે દંગલ ફાટી નીકળ્યું હતું. એક તો સ્ટાફ ઓછો હતો અને કારખાનાનો માલિક સુરતના એમપી પાટિલનો સગો થતો હતો એટલે પાટિલ તરફથી પણ દબાણ હતું. એઓ આખો દિવસ જીઆઈડીસી ખાતે રહ્યા ત્યારે પરિસ્થિતિ માંડ કાબૂ હેઠળ આવી. કેટલીક ધરપકડ કરવી પડી. મોડી સાંજે ઘરે આવી ગરમ શાવર લઈ એઓ પરવારી બાલ્કનીમાં ઈઝી ચેર પર ગોઠવાય ચા પીવાની તૈયારી કરી રહ્યા હતા ત્યાં જ એમનો સેલ ફોન વાયબ્રેટ થવા લાગ્યો. બ્લેકબેરીના સ્ક્રીન પર અજાણ્યો નંબર જોતા એ ફોન લેવો કે ન લેવો વિચાર કરી એમણે ગ્રીન બટન દબાવી કહ્યું, ‘હલો..પીઆઈ પરમાર!’

‘હલો…!’ સામેથી કોઈ પુરૂષે ઘેરો અવાજમાં કહ્યું, ‘સોરી ટૂ ડિસ્ટર્બ યૂ ઓફિસર. આઈ નીડ સમ ઇન્ફોર્મેશન… સમ કન્ફર્મેશન!’

‘હલો…’ ઈ. વિક્રમસિંહ પરમાર ગુંચવાયા, ‘કોન હૈ? હૂ આર યૂ?’

‘આઈ એમ પૌલ ડીસોઝા ફ્રોમ સન લાઈફ ઇન્શુઅરન્સ કેનેડા.’

‘હાઊ કેન આઈ હેલ્પ યૂ?’ ચાની ચૂસકી લેતા ઈ. વિક્રમસિંહે સહેજ અટકીને કહ્યું, ‘સર…?’

‘આઈ એમ કોલિંગ ફ્રોમ કેનેડા. ટોરન્ટો.’

વિક્રમસિંહ ગુંચવાયા, ‘ઓ…કે…’

‘આઈ ડૂ ઈન્વેસ્ટિગેશન ફોર ક્લેઈમ્સ ઓફ લાઈફ ઇન્શુઅરન્સ. ડૂ યૂ ફોલો મી?’

‘ય…સ!’ હજુ ય વિક્રમસિંહની ગૂંચ ઊકેલાય ન હતી, ‘ ય…સ...!’

‘ગૂડ…વેરી ગૂડ…સો…!’ સામેથી સહેજ હસીને પૌલે કહ્યું, ‘આઈ નીડ યોર હેલ્પ ફોર વન પુલિસ રિપોર્ટ ફોર હીટ એન્ડ રન કેઈસ ઓફ…પટેલ…પટેલ…આઈશ્વેરભાઇ…!’

હવે ચમકાવાનો વારો હતો ઈ. વિક્રમસિંહ પરમારનો! એમના હાથમાંથી ચાનો કપ છટકતા છટકતા રહી ગયો. ચા છલકાયને એમના કુર્તા પર પડી.

‘ઈશ્વરભાઈ પટેલ?’

‘યેસ…યેસ… આઈશ્વેરભાઇ હુ વોઝ બીન કિલ્ડ ઓન ટ્વેન્ટિ સેકન્ડ ઓક્ટોબર ઓફ લાસ્ટ યર ઇન રોડ ઍક્સિડન્ટ અરાઉન્ડ નાઈન ઈવિનંગ ટાઇમ સમવેર કોલ્ડ સાચીન…’

‘યેસ…યેસ…! સચિન. આઈ નો એબાઊટ ધેટ હીટ એન્ડ રન…આઈ એમ ઈનચાર્જ ઓફ સચિન!’

‘આઈ ગોટ ઇન્શુઅરન્સ ક્લેઈમ ફોર હીસ ડેથ…એન્ડ આઈ ગોટ રિપોર્ટ ઓફ સચિન પુલિસ એન્ડ આઈ ગોટ યોર સેલ ફોન નંબર ફ્રોમ યોર વેબસાઈટ!’

‘ઓહ…!’ હવે ઈ. વિક્રમસિંહની અંદરનો પોલીસ જાગૃત થઈ ગયો. જલ્દીથી એઓ અંદરના રૂમમાં બનાવેલ એમની ઓફીસમાં ગયા, ‘સર…મી. પૌલ, આઈ એમ એટ હોમ…હાઊસ…નોટ ઈન ઑફિસ.. નોટ ઓન પોલીસ સ્ટેશન. ગીવમી યોર કોન્ટેક્ટ ઇન્ફો. એન્ડ આઈ વીલ કોન્ટેક્ટ યૂ વિથ ઓલ ઇન્ફોરમેશન…!’

‘સ્યોર…’ પૌલે બધી માહિતી આપી એ વિક્રમસિંહે નોંધી લીધી, ફોન નંબર, ઈમેઇલ આઈડી, સરનામુ.

‘મે આઈ નો હૂ ક્લેઇમ્ડ ફોર ઈશ્વરભાઈ પટેલ એન્ડ ધ સમ ઓફ ઇન્શુઅરન્સ. ધ એમાઉન્ટ ઑફ ક્લેઈમ પ્લીઝ…!’

પૌલે એ માહિતી આપી અને ઈ. વિક્રમસિંહના હ્રદયના ધબકારા વધી ગયાઃ ઓહ માય ગોડ…!

-તો ક્યાંક બહુ મોટો કાંડ થઈ રહ્યો છે! વિક્રમસિંહ વિચારતા લાંબો સમય સુધી બાલ્કનીમાં જ બેસી રહ્યા. જ્યારે એમની પત્નીએ જમવા બોલાવ્યા ત્યારે જ એ ઘરમાં આવ્યા.
રાત આખી એઓ વિચારતા રહ્યા.

સવારે સચીન પોલીસ સ્ટેશન પર પહોંચી સહુથી પહેલાં એમણે ક્લર્ક પાસેથી ઈશ્વરભાઈની હીટ એન્ડ રનની બંધ કરી દીધેલ કેઇસ ફાઈલ મંગાવી. જીગ્નેશે પોલીસ રિપોર્ટ માટે અરજી કરેલ એમાં એનો સેલ ફોન નંબર હતો એ ડાયલ કર્યો, ‘જીગ્નેશ પટેલ…?’

‘હં…!’ જીગ્નેશ મોડો સુતો હોય હજુ પથારીમાં જ હતો.

‘સચીન પી. આઈ વિક્રમસિંહ બોલું છું.’

‘જી સાહેબ…!’ જીગ્નેશ પથારીમાંથી એકદમ ઊભો થઈ ગયો, ‘પત્તો લાગ્યો કંઈ…?’

‘પત્તો લાગશે…પણ બધું કામ પડતુ મૂકી જેમ બને એમ જલ્દી તું મને મળ. સચીન પોલીસ સ્ટેશન પર.’

‘જી સાહેબ…’ જીગ્નેશને સમજ પડતી ન હતી, ‘કેમ… સાહેબ?’

‘તુ મળ…સવાલ ન કર…’ કરડાકીથી વિક્રમસિંહે કહ્યું.

‘ઓકે…સાહેબ, નાહી ધોઈને કલાકમાં નીકળું છું. દશ વાગ્યા પહેલાં તો આવી જઈશ.’

‘ધેટ્સ ફાઈન…’

દશ વાગ્યા પહેલાં તો જીગ્નેશ સચીન આવી ગયો, ‘બોલો સાહેબ?’

‘આવ…’ ઈન્સપેક્ટર વિક્રમસિંહે એને આવકારતા કહ્યું, ‘થેન્ક્સ ફોર કમિંગ ઈન શોર્ટ નોટિસ!’ બેલ વગાડી જમાદારને બે સ્પેશ્યલ ચા માટે હુકમ કર્યો, ‘જો જીગ્નેશ. મને બધી જ માહિતી જોઈએ. ક્યારે તારા પપ્પા કેનેડા ગયા, કેવી રીતે ગયા, કોને ત્યાં રહ્યા, કેટલા પૈસા મોકલાવ્યા. ગૂજરી ગયા પછી તમને કેટલા પૈસા મળ્યા…એ ટૂ ઝેડ… સમજ્યો?’

‘પણ કેમ સાહેબ?’ જીગ્નેશ ગભરાયો, ‘કંઈક…’

‘એ તને હું પછી કહીશ. કંઈ પણ છુપાવીશ નહીં. નાની સરખી વાત પણ…’ એટલામાં ચા આવી ગઈ, ‘ચા તો પીએ છે ને? નાસ્તો-બાસ્તો કરવો છે?’

‘ના સાહેબ…પણ…’

‘તું પણની પંચાત મૂક અને શરૂ થઈ જા…’ ચાનો ગ્લાસ મોંએ માંડી ચૂસકી લીધા બાદ ઈ. વિક્રમસિંહે શરૂ કર્યું, ‘ઈશ્વરભાઈને કોણે કેનેડા બોલાવેલ?’

…અને જીગ્નેશે શરૂઆતથી તે અકસ્માત અને અકસ્માત બાદ મળેલ લાખ રૂપિયા અને હબીબને પોલીસ રિપોર્ટ આપ્યા સુધીની વાત કરી.

‘તો એમના ડેથ બાદ, ઍક્સિડન્ટ બાદ તમને દોઢ લાખ રૂપિયા મળેલ છે? બરાબર?’

‘જી સાહેબ!’

‘એ કોણે આપેલ..?’

‘દેશ પરદેશ ટ્રાવેલ્સ વાળા હબીબભાઈએ..!’ થૂંક ગળી જીગ્નેશ બોલ્યો, ‘પપ્પા દર વખતે, એટલે કે જ્યારે જીવતા હતા ત્યારે પણ એની મારફત જ પૈસા મોકલાવતા. એનો ફોન આવતો અને હું જઈને લઈ આવતો. ક્યારેક મહીને, ક્યારેક બે મહીને. પપ્પા ફોન કરતા અમને કે આટલા રૂપિયા મોકલાવ્યા છે તો સુરત જઈને લઈ આવજે અને હું જતો ને લઈ આવતો.’

‘તારું જવાનું શું થયું?’

‘વાત ચાલે છે.’ જીગ્નેશને હજુ ય સમજ પડતી ન હતી, ‘હબીબભાઈએ કહ્યું છે કે હમણાં સ્લો છે.’

‘તારી પાસે આ હબીબની ફોન નંબર છે? એનું સરનામું? સુરતમાં એની ઑફિસ ક્યાં આવેલ છે?…ને કેનેડાનો ફોન નંબર પણ આપી દે…’ પેપરમાં નોંધ કરતા કરતા ઈ. વિક્રમસિંહે કહ્યું.

એના પાકીટમાંથી જીગ્નેશે હબીબે આપેલ ‘દેશ પરદેશ ટ્રાવેલ્સ’નો બિઝનેસ કાર્ડ કાઢી ઇન્સ્પેક્ટરને આપતા કહ્યું, ‘પાછળ નંબર છે એ કેનેડાનો છે. સાહેબ, મને કંઈ કહેશો?’

‘થોડી રાહ જો.’ હસીને ઇન્સપેક્ટરે કહ્યું, ‘બધું જ કહીશ.પણ એ પહેલાં તારે કોઈને કહેવાનું નથી કે મેં તને બોલાવેલ અને તારી પાસેથી આ બધી માહિતી લીધેલ છે. કોઈને પણ…એમાં હબીબ પણ આવી જાય. સમજ્યો?’ નજરથી સવાલ કરતા આગળ કહ્યું, ‘હબીબનો ફોન આવે તો ઉપાડતો નહીં. કોઈ અજાણ્યા નંબર પરથી ફોન આવે તારા મોબાઈલ પર તો પણ જવાબ ન આપવાનો.’ સહેજ અટકીને કહ્યું, ‘તારે ઘરે લેન્ડ લાઈન છે?’

‘નથી…’

‘તારી મમ્મી પાસે મોબાઈલ ફોન છે…? જો હોય તો એના પર પણ કોઈ અજાણ્યો કે હબીબનો ફોન આવે તો ઉપાડવાનો નથી. સમજ્યો?’

‘મમ્મી પાસે મોબાઈલ નથી!’

‘ગૂડ…’ હસીને કહ્યું, ‘તારા પર કેનેડાથી ફોન આવે શાયદ, તો પણ જવાબ ન આપવાનો. તારો ફોન ટ્રેકિંગ પર મૂકી દઊં છું. તારા પર જે ફોન આવશે એ કે તું કોઈને પણ ફોન કરશે એ બધા રેકર્ડ થશે. સમજ્યો?’

‘પણ સાહેબ મેં શું કર્યું છે?’ જીગ્નેશ રડવા જેવો થઈ ગયો.

‘તેં કંઈ નથી કર્યું. પણ મારે, અમારે તારા ફોનને પણ રેકર્ડ કરવો જરૂરી છે. એટલે. સમજ્યો?’ ઊંડો શ્વાસ લઈ ઈ. વિક્રમસિંહે કહ્યું, ‘તારે ડરવાનું નથી. થોડા દિવસમાં બધું ક્લિયર થઈ જશે ત્યારે તને સમજાય જશે. સમજ્યો? પણ ફરી કહું છું. તું મને આજે મળ્યો અને જે વાત કરી એ તારે કોઈને પણ ન કહેવાની. તારી મમ્મીને પણ નહીં. તારી ગર્લફ્રેન્ડને પણ નહીં? સમજ્યો? ગર્લફ્રેન્ડ છે…?’

‘હતી…હવે નથી. બ્રેક અપ થઈ ગયું…’ નિરાશ જીગ્નેશ બોલ્યો.

‘તુ ઉપડ… મારો ફોન તારા પર આવેલ એ સેવ કરી લેજે. હું જ્યારે બોલાવું ત્યારે આવી જજે. સમજ્યો?’ વિક્રમસિંહને વારેવારે સમજ્યો બોલવાની આદત હતી.

જીગ્નેશના ગયા બાદ વિક્રમસિંહે જમાદારને બોલાવ્યો, ‘જો હું એક કેઈસની તપાસમાં બહાર જવાનો છું. સુરતમાં જ છું. પરંતુ કોઈનો ફોન આવે તો મારા માટે તો મારા મોબાઇલ પર રીંગ કરજે. પેલા એમપી પાટીલનો ફોન આવશે તો કહેજે કે સાહેબ આજે બીઝી છે. એનો ફોન આજે હું ઉપાડવાનો નથી. સમજ્યો?’

‘જી સાહેબ…’

ખુરશી પરથી એ ઊભા થયા. આજે એ ઘરેથી સિવિલ ડ્રેસમાં જ નીકળ્યા હતા. યુનિફોર્મ પહેર્યો ન હતો. પછી એકદમ યાદ આવી જતા એમણે સુરત હેડ ક્વાર્ટરના માહિતી વિભાગ પર ફોન જોડ્યો, ‘ઈન્સપેક્ટર વિક્રમસિંહ પરમાર બોલું છું.’

‘જય હિંદ…’

‘જય હિંદ…! મારે છેલ્લા ત્રણ વરસમાં હીટ એન્ડ રનનાં પેન્ડિગ કેસની ઈન્ફોર્મેશન જોઈએ છે. સુરત ડિવિઝનના બધા જ અનસૉલ્વ કેસ. પેપર કોપી.’

‘હું પ્રિન્ટ આઊટ કરી તમને મોકલાવી દઈશ.’

‘ના. હું જ રૂબરૂ આવીને લઈ જઈશ. બને તો કાલે સવારે!’

‘ઓકે સાહેબ. જય હિન્દ.’

બહાર આવી પોતાની મોટર સાયકલ રહેવા દઈ, રીક્ષા કરી એ સીધા નાનપુરા ખાતે ‘દેશ પરદેશ’ ટ્રાવેલ્સની ઓફિસ પર આવ્યા. રીક્ષા થોડે દૂર ઊભી રખાવી એને પૈસા આપી એ ચાલતા ‘દેશ પરદેશ’ ની ઓફિસના બહુમાળી પાસે આવ્યા. એમની કડક ચાલ બદલી નાંખી થોડી ખૂંધ બહાર કાઢી એ ‘દેશ પરદેશ’ની ઓફિસમાં દાખલ થયા.

‘આવો…!’ રિસેપ્શનિસ્ટ છોકરીએ એમને આવકાર્યા.

‘મારે બહારગામ અંગે…ફોરેન અંગે…’ ધીમા અવાજે ઇનસ્પેક્ટર વિક્રમસિંહે અવાજ બદલી કહ્યું.

‘બેસો…!’ રિસેપ્શનિસ્ટે ઇન્ટરકૉમ પર વાત કરી ઇનસ્પેક્ટરને કહ્યું, ‘અંદર જાઓ…!’

કાચનો દરવાજો ખોલી વિક્રમસિંહ અંદર એરકન્ડિશન્ડ ઓફિસમાં દાખલ થયા. કાચના વિશાળ ટેબલ પાછળ રિવોલ્વિંગ ખુરશીમાં હબીબ એના કાયમના સફેદ વસ્ત્રોમાં ગોઠવાયો હતો એણે આવકારતા કહ્યું, ‘આવો, બોલો…!’

‘મારે ફોરેન જવું છે. જો જવાય તો. મને મારા એક દોસ્તારે કહ્યું કે તમે ગોઠવી આપો છો.’

‘એમ…? કોણે…!’

‘છે એક એને તમે મોકલાવેલ લંડન. તો મારે પણ…! ગમે એમ કરીને. આ દેશમાં શું દાટ્યૂં છે?’

‘…તો પણ એમ કંઈ બહાર ન જવાય. એ માટે બ્લડ રિલેશન જોઈએ. ત્યાં કામ હોવું જોઈએ!’

‘કેનેડા…’ જરા અટકીને વિક્રમસિંહે કહ્યું, ‘આજકાલ કેનેડા તો એમને એમ પણ જવાય એવું પેપરમાં મેં ક્યાંક વાંચેલ…!’ વિક્રમસિંહ ઓફિસનું બરાબર અવલોકન કરતા હતા. ટેબલ પર બે સેલ ફોન પડ્યા હતા. બને લેટેસ્ટ આઈફોન ને લેન્ડ લાઈન પણ હતી એના પર સફેદ કોર્ડલેસ ફોન પણ પડ્યો હતો.

‘એ બરાબર…કેનેડાની લાઈન ચાલુ છે. પણ…’

‘…પણ બોલોને ખર્ચાની ફિકર ન કરો.’

કમ્પ્યૂટરના મોનિટર પર નજર કરી હબીબે કહ્યું, ‘એક ઓપનિંગ થવાની છે. પણ હાલે એ વિશે કંઈ કહેવાય એમ નથી.’ એનો કાર્ડ આપતા કહ્યું, ‘એકાદ મહિના બાદ મને મળજો. અને બહાર સેક્રેટરીને તમારું નામ, સરનામું, મોબાઈલ નંબર લખાવી જજો. અમે જો એ પહેલાં કંઈ થાય તો ફોન કરી બોલાવીશું.’

‘આ કાર્ડ પર તમારો મોબાઈલ નંબર નથી!’

‘ના..પણ લેન્ડ લાઈનનો તો છે ને? જો કામ આગળ વધશે તો હું મારો નંબર પણ આપીશ. અત્યારે તો…!’

બહાર આવી ઇ. વિક્રમસિંહે રિસેપ્શનિસસ્ટને એમનું નામ, એમના વતનનું સરનામું, અને એમનો અંગત ફોન નંબર લખાવ્યો.

-તો એ કોઈને એમ મોબાઈલ નંબર નથી આપતો. પણ એમની પાસ એક નંબર તો ઓલરેડી હતો જ. એમણે જીગ્નેશ પાસે લીધેલ. ત્યાંથી સીધા એ એરટેલની ઓફિસે ગયા. જીગ્નેશે જે નંબર આપેલ એ એરટેલનો હતો. એ નંબર પરથી હબીબની બધી માહિતી મળી. એના પરથી એના બીજા મોબાઈલની માહિતી પણ મેળવી. એ વોડાફોનનો નંબર હતો. બન્ને કંપની પાસે એમણે ઓગસ્ટ થી ડિસેમ્બર, ૨૦૧૩ની કોલ રેકર્ડની પ્રિન્ટ મેળવી લીધી. અને એ પહેલાંની પ્રિન્ટ સચિન પોલિસ સ્ટેશને ફેક્સ કરવા હુકમ કર્યો.
દિવસ આખો એ કામમાં પસાર થઈ ગયો.

બીજા દિવસે એમણે એમના ખાસ વિશ્વાસુ સબ ઇન્સ્પેક્ટર અનંત શર્માને બોલાવ્યા અને હબીબના બન્ને ફોનના કોલ રેકર્ડસના પ્રિન્ટ આઊટ આપતા કહ્યું, ‘શર્મા આ બન્ને લિસ્ટમાંથી જે નંબર પર મેક્સિમમ ડાયલ થયેલ હોય એની યાદી જોઈએ જેમ બને એમ જલ્દી. અને એ દરેક નંબરની ઇન્ફોર્મેશન, દરેક ઇન્ફોર્મેશન સાંજ સુધીમાં મારા ટેબલ જોઈએ.’ હસીને કહ્યું , ‘મોટો શિકાર કરવાનો છે.’

‘કોણ છે?’

‘છે એક લોમડી પણ વાઘનું ચામડું પહેરી ફરે છે…સફેદ વાઘ…’

બપોર સુધીમાં તો શર્મા અને અન્ય કોન્સ્ટેબલે યાદી બનાવી દીધી. એમાં સત્તર નંબર એવા હતા કે જેના પર વધારે વાત થયેલ હોય. ક્યા નંબર પર કેટલી વાર વાત થયેલ એ બધું ઍક્સલની સ્પ્રેડશિટ પર તારીખ પ્રમાણે ઉતારી શર્મા ઇ. વિક્રમસિંહની ચેમ્બરમાં દાખલ થયો.

એના પર નજર કરતા વિક્રમસિંહે કહ્યું, ‘ગૂડ વેરી ગૂડ…’

‘આમાં બે નંબર એના ફેમિલીના છે. એ બે નંબર પર તો રોજ લગભગ પચ્ચીસથી ત્રીસ વાર વાત થયેલ છે. એક એની વાઈફનો અને બીજો એની દિકરીનો.’

‘તો એ લિસ્ટમાંથી ડિલિટ કર!’ કંઈક વિચારીને કહ્યું, ‘અને એક નવી યાદી બનાવ. શોર્ટ. તારીખ ૧૮ થી ૨૬ ઑક્ટોબર સુધીની. એ દરેકની માહિતી કાઢ. અને એમાંથી જે નંબર પર વધારે વાત થયેલ હોય એના દરેક લોકેશન સાથે, અને તારીખ બાવીસ ઑક્ટોબરના ફૂલ રેકર્ડ વિથ લોકેશન. આજે ઘરે લેટ જવાનું થાય તો પણ. તારી વાઈફને ફોન કરીને કહી દે…! સમજ્યો?’

સાંજે સાત વાગે બે નંબર એવા મળી ગયા જેની ઇ. વિક્રમસિંહને જરૂર હતી. અને એનું લોકેશન સુરત નવસારી હાઈવે પર સચીનની નજીક હતું અને એના દ્વારા પર હબીબના વોડાફોનના મોબાઈલ પર ચાર વાર વાત થયેલ. તો અને એક વાર કેનેડા પણ વાત થયેલ. રાતે ૧૦.૧૦ વાગે. કેનેડાનો નંબર જે જીગ્નેશે આપેલ એ જ હતો.

‘યેસ…યેસ…!ધીસ ઇસ ધ મેન આઈ વોન્ટેડ…’ ઉત્તેજીત થતા વિક્રમસિંહે કહ્યું, ‘આ નંબરની પુરી કુંડળી જોઈએ મારે. અત્યારે જ…!’

‘યસ સર…’

થોડા સમય પછી શર્મા ફરી મળ્યો વિક્રમસિંહને, ‘સર.. આ નંબર ૯૭૧ ૮૭૨ ૬૦૫૩ દલપત દરબારનો છે. એના ભેંસના તબેલા છે. દૂધનો મુખ્ય ધંધો. સમરોલીમાં રહે છે. એડ્રેસ પાકુ છે…!’

‘દલપત દરબારને આપણા દરબારમાં હાજર કરવાનો સમય થઈ ગયો છે!’ ઘડિયાળમાં નજર કરી એમણે કહ્યું, ‘સમરોલી કોણ છે ડ્યૂટી પર? હમણાં…?’

‘પી આઈ દિવાન…’

‘ઓકે…! એક ટીમ તૈયાર કરો. હું કમિશ્નર સાહેબને વાત કરી એમને ઇન્ફોર્મ કરી દઊં છું!’ કહી એમણે કમિશ્નરને ફોન કરી વિગતથી વાકેફ કર્યા. ત્યારબાદ પી આઈ દિવાનને પણ ફોન કરી એમના માણસોની ટીમને પણ તૈયાર રહેવા કહ્યું, ‘એમ તો કોઈ વાંધો આવવાનો નથી. તો ય જસ્ટ સેફ્ટી. વેપન સાથે રેડ કરવાની છે. દલપત દરબાર માથાભારે છે ખરો. પણ અજાણ છે. એને એવું હશે કે પોલીસ એની સુધી પહોંચી શકવાની જ નથી અને મારે…આપણે એનો જ લાભ લેવાનો છે.’

‘નો પ્રોબ્લેમ વિક્રમસિંહ!’ સામેથી પીઆઇ દિવાને કહ્યું, ‘હું હમણાં જ મારા બે આદમીને આપે આપેલ સરનામા પર મોકલી ખાતરી કરી લઊં છું કે દરબાર એના ઘરે છે અને અગિયાર વાગે વી વીલ ગેટ હીમ.’

‘ધેટ્સ ફાઈન…’

અને સાડા અગિયાર વાગે તો દલપત દરબાર ઇ. વિક્રમસિંહની કસ્ટડીમાં હતો. એણે ખાસ વિરોધ ન કર્યો. પણ એના વૉરન્ટ માટે એ સતત આગ્રહ રાખતો રહ્યો, ‘વૉરન્ટ વગર તમે પકડી ન જ શકો…’

‘વૉરન્ટની તો…’ પી આઇ વિક્રમસિંહએ ફરસ પર બેઠેલ છ ફૂટ ઊંચા ગોરા મુછાળા દલપત દરબાર સામે ખુરશી ગોઠવી.

‘સાહેબ,’ દલપત ઊભા થતા બોલ્યો, ‘બહુ ભારે પડશે તમને. બહુ ભારે…!’

‘ભારે તો તને પડવાનું છે દલપત.’ ઊભા થઈ દલપતના બન્ને ખભા પર બન્ને હાથ રાખી એને ધક્કો મારી કહ્યું, ‘તારા આકાએ તારા ફટાકડા ફોડી નાંખ્યા છે દરબાર.’

‘મારા આકા…?’

‘જેના ઇશારે તું તારા ટેમ્પોની ટક્કર મારી બધાને રામ ધામ પહોંચાડતો હતો.’

‘શું વાત કરો છો?’ અંદરથી ડરતા તો ય મોં પર હિંમત બતાવતા દરબારે કહ્યું, ‘મારા કોઈ આકા કે કાકા નથી.’

એક સણસણતો તમાચો વિક્રમસિંહે દલપત દરબારને ઝીંકી દીધો.

‘બોલ કાળી ચઉદશને સચિન નજીક તેં ઈશ્વરભાઈ પટેલને ઊડાવી દીધેલને…??’

‘કોણ ઈશ્વરભાઈ…?’

બીજો સણસણતો તમાચો પડ્યો દલપતના ગાલ પર, ‘સીધી વાત કર. નહિંતર મને આંગળી વાંકી કરતા આવડે છે. શર્મા મારો દીવો લાવો.. આ દરબારની આરતી ઊતારવાની છે. એની પછવાડે આગ લગાડવાની છે. તો જ એના મોંમાંથી વાત નીકળશે.’

શર્માએ કસ્ટડીમાં આવી લાઠી વિક્રમસિંહને આપી. અને તરત જ વિક્રમસિંહે એક જોરદાર ફટકો દલપતની પીઠ પર માર્યો.

‘ઓહ…!’ ઊંહકારો ભણી થૂંકી દલપતે ગાળ બોલી.

...અને વિક્રમસિંહનો ગુસ્સો કાબૂ બહાર જતો રહ્યો.

‘બોલ…બોલ…’ ફટાફટ એમની લાઠી વરસતી રહી.

‘કહું છું…સાહેબ…ખમા કરો… ખમ્મા કરો…’ પીડાથી કરાંજતા દલપત દરબારે કહ્યું.

‘ચાલ ભસવા લાગ કૂત્તા…’

‘સાહેબ…! મેં જ એ કામ પતાવેલ.’

‘કેવી રીતે? ચાલ બોલ…’ દલપત સામે ફરી ખુરશી ગોઠવી વિક્રમસિંહ ગોઠવાયા, ‘જો જરા ય ખોટું બોલ્યો તો મારો દંડો બોલશે,’ કહી પીઠ પર ફરી એક ફટકો માર્યો, ‘પહેલેથી શરૂ કર!’

‘હબીબ સાથે સાત વરસથી કામ કરું છું!’

‘સા…ત…વરસ?’ આશ્ચર્યથી વિક્રમસિંહની આંખ પહોળી થઈ ગઈ, ‘તો કેટલાં કાંડ કરેલ છે? કેટલાંને ઊડાવેલ છે?’ એમનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો.

‘સાતને…!’

‘ઓહ…!’

ત્યારબાદ તો ઉભરાતી સોડા બાટલીની જેમ આખી રાત દલપત દરબારના મ્હોંમાંથી વાત નીકળતી રહી. હબીબ ઘરાક નક્કી કરતો. જેવા ઘરાક એવા ભાવ. એ પ્રમાણે દલપત દરબારને પૈસા મળતા. લાખથી બે લાખ રૂપિયા. એની પાસે ચાર ટેમ્પો હતા. એનો ઉપયોગ એ અકસ્માત કરવામાં કરતો. એકમાં એના પર કેસ ચાલતો હતો.

‘તને એ ખબર છે હબીબ તને કેમ લોકોને ઊડાવવાનું કહેતો?’

‘…………..!’ દલપત મૌન.

એક સણસણતો તમાચો પડ્યો એના ગાલ પર.

‘હા..!’ દર્દથી કણસતા દલપત બોલ્યો, ‘હબીબને પૈસા મળતા હતા. કેવી રીતે એ મને જાણ નથી. પણ મને પૈસા મળી જતા અડધા પહેલાં અને અડધા અકસ્માત પછી. એટલે…!’

‘….એટલે તારે લોકોને આમ અમસ્તા જ ઊડાવી દેવાના?’ તિરસ્કારની હદ આવી જતા વિક્રમસિંહે લાઠીનો એક જોરદાર ફટકો દલપતની પીઠ પર લગાવ્યો.

‘સા…હે…બ! મારો નહીં. હવે એવું નહીં કરું…’

‘અરે! મારું ચાલે તો તારું અહીં જ એનકાઉન્ટર કરી નાંખુ.’ બીજો ફટકો લગાવી વિક્રમસિંહ ખુરશી પરથી ઊભા થયા, ‘પણ તારા આકા અને કાકાઓને અંદર કરવાના છે…! સાલાઓ ફ્રોડ…!’

વહેલી સવારે હબીબને એના ઘરેથી ચૂપચાપ ઊઠાવી લેવામાં આવ્યો. ઘણાં ધમપછાડા કર્યા હબીબે, પણ જેવો એને દલપત ભેગો કરવામાં આવ્યો એની હવા નીકળી ગઈ.

‘દેશ પરદેશ ટ્રાવેલ્સ? તારું નામ તો હબીબને બદલે શેતાન હોવું જોઈએ…સા…લા…’ આખી રાતનો ઉજાગરો હતો વિક્રમસિંહને, માથું ફાટ ફાટ થતું હતું, ‘ચાલ, તું એમ જ બોલવાનો છે કે તારા આ કૂતરાની માફક માર ખાઈ ખાઈને?’ એક-બે ફટકા તો ય ઇ. વિક્રમસિંહે લગાવી જ દીધા.

‘બો મારે છે…’ પીડાથી કરાંજતા દલપતે હબીબને કહ્યું, ‘આખી રાત માર ખાધો છે મેં!’

‘…હવે તારો વારો છે…’ કસ્ટડીની કોટડીમાં ફરસ પર બેઠેલ હબીબની એકદમ નજીક ખુરશી ગોઠવી ઈ. વિક્રમસિંહ બેઠા, ‘તારી ટ્રાવેલ્સનું નામ તો ‘દેશ પરદેશ’ને બદલે ‘લોક પરલોક’ હોવું જોઈતું હતું. ચાલ, બોલવા માંડ…શરૂઆતથી…!’

….અને હબીબે કહેવા માંડ્યું. કેનેડા, લંડન, યુએસ, કેન્યા, સાઊથ આફ્રિકામાં એના સંપર્ક હતા. અહીંથી એ ઘરાક નક્કી કરી ખાસા એવા પૈસા લઈ પરદેશ મોકલાવતો. ત્યાં એમને કાયદેસર કરવામાં આવતા. સારી રીતે રાખવામાં આવતા. એ દેશ મોકલાવતા એ પૈસાની લેવડ-દેવડ પણ હબીબ મારફત જ કરવામાં આવતી. એમનો વિશ્વાસ જીતી લેવાતો. એમની જાણ બહાર એમના જીવનનાં લાખો રૂપિયાના વીમા ઉતારાતા. એનાં નિયમિત પ્રિમયમ પણ ભરાતા. ત્રણ ચાર વરસ પછી એમને એમના કુટુંબને મળવા જવા માટે દેશ મોકલાવાતા. ક્યારેક તો એની પણ ટિકીટ કઢાવી આપવામાં આવતી. અહીં આવે ત્યારે એને દલપત એમને ઊડાવી દેતો અને અકસ્માતનો રિપોર્ટ પરદેશ મોકલાવી વીમાનાં પૈસા મેળવી લેવાતા. મોટે ભાગે, વહેલાં મોડા વીમાના પૈસા પરદેશમાં મળી જતા. પણ ઇશ્વરભાઇના કેઈસમાં વીમાની રકમ હતી પાંચ મિલિયન ડોલર. અને એ કારણે પૌલને શંકા ગઈ. ઉપરાંત પૈસા ઇશ્વરભાઇના ફેમિલિને મળવાને બદલે ઇસ્માઇલને મળવાના હતા એટલ એ શંકા વધુ દૃઢ થતા એમણે ઇ. વિક્રમસિંહને ફોન કરી તપાસ કરતા ભાંડો ફૂટ્યો.

‘કેટલાં કેઈસમાં પૈસા મળ્યા છે વીમાના…અને કેટલાં રૂપિયા?’

‘…………..’ હબીબ મૌન પ્રશ્રાર્થ નજરે જોતો રહ્યો ઇ. વિક્રમસિંહ તરફ. અને વિક્રમસિંહે અચાનક એક ફટકો લગાવી દીધો એની પીઠ પર.

‘સોચતા હું…! સાબ…’

‘જલ્દી બોલ સા….’

‘ચારમેં મિલે…દો મે બાત ચલતી હૈ…!’

‘કેટલા મળ્યા છે ટૉટલ…?’

‘સાબ ઉસકી ગિનતી નહીં કી…’

‘ઓહ… તો ઉતને મિલે કે ગિનતીમેં ભી નહીં આતે…’ ગુસ્સાથી વિક્રમસિંહ ફાટ ફાટ થતા હતા. કોટડીમાંથી બહાર નીકળવા પહેલાં એમણે એમણે એમના બ્લેકબેરીથી હબીબના ફોટા પાડ્યા. દલપતના ફોટા પાડ્યા, ‘હવે તારા પરદેશી આકાઓનો વારો છે.’

‘અરે! કોઈ ચા લાવો…નાસ્તો મંગાવો…’ સુરતની આકાશમાં સૂરજ ધીરે ધીરે બહાર નીકળી રહ્યો હતો. ત્યારે કેનેડામાં અસ્ત થઈ રહ્યો હતો. વિક્રમસિંહે કેનેડા સન લાઈફ ઇન્શુઅરન્સના ફ્રોડ ઇન્વેસ્ટીગેશનના ઓફિસર પૌલ ડીસોઝાને ફોન લગાવ્યો, ‘ઈટ ઇસ મર્ડર…પ્લીસ ટેઈક હેલ્પ ઑફ યોર પોલિસ અને અરેસ્ટ ઇસ્માઇલ. આઈ એમ સેંડીગ પિક્ચર્સ ઓફ હીસ કોનમેન ઓફ ઇન્ડિયા. હું કિલ્ડ પિપલ ઓવર હીયર…!’

‘થેન્ક્સ ઓફિસર…! યુ આર ધ બેસ્ટ…એન્ડ વિ વિલ ડૂ રેસ્ટ…’ હસીને પૌલે ફોન ડિસકનેક્ટ કર્યો.
સમાપ્ત)