Licence to hait books and stories free download online pdf in Gujarati

લાયસન્સ ટુ હેઈટ…

લાયસન્સ ટુ હેઈટ…

લેખકઃ નટવર મહેતા

ન્યૂ જર્સી, યુએસએ.

‘નાઇન વન વન.. ઇમરજન્સી….’ જેફરસન ટાઉનશીપની પોલિસ ડિસ્પેચર માર્થાએ એના ગંભીર સુરમાં ઇનકમિંગ ફોનનો ઉત્તર આપતા કહ્યું.

‘ઓ…ઓ… માય ગોડ…! ઓ…ઓ… માય ગોડ…!’ સામેથી કોઈ સ્ત્રીના ભયભીત અવાજે માર્થાને સહેજ ચોંકાવી દીધી. એણે તો કોઈ સાધારણ ઇમરજન્સીની જ અપેક્ષા સેવી હતી કારણ કે, જેફરસન ટાઉનશીપમાં શાંત, ગુનારહિત વસ્તી રહેતી હતી. લાંબા સમયથી કોઈ ગંભીર ગુનાઓ થયા ન હતા. અને ક્યારેક તો સાવ સામાન્ય કારણોસર પણ ઇમરજન્સીના ફોન આવતા. પણ ફોનમાંથી રેલાતા સ્ત્રીના ભયભીત અવાજે અનુભવી માર્થાને કોઈ ગંભીર ગુનાની ચેતવણી આપી દીધી. એ તરત જ સક્રિય થઈ ગઈ. એના કમ્પ્યૂટર પર આવનાર ફોનનું લોકેશન અપલૉડ કરતા કરતા કહ્યું, ‘મેમ.. મે…મ…! કૂલ ડાઉન…!’

‘ઓહ…ઓહ…!’ સામેથી સ્ત્રી ધ્રૂસકે ધ્રૂસકે રડતી હતી, ‘હેલ્પ મી.. હેલ્પ…મી…’

ફોનનું લોકેશન કન્ફર્મ થઈ જતા એ લોકેશન પર ફરી રહેલ પોલિસ ક્રૂઝરની માહિતી બીજા સ્ક્રીન પર અપલૉડ કરી.

‘હેલ્પ મી…’ સામેથી સ્ત્રી કરગરતી હતી.

‘મેમ… પ્લીઝ એક્સપ્લેઈન.. હેલ્પ ઇસ ઓન ધ વે.. પ્લીઝ…ટેલ મી વ્હોટ હેપન્ડ…?’

‘ઓ…હ…નો…!’ રૂદન માંડ ખાળી સામેથી સ્ત્રીએ કહ્યું, ‘સમવન શોટ માય હસબન્ડ…!’ અને સ્ત્રી ફરી મોટેથી રડવા લાગી.

-જેફરસન ટાઉનશીપમાં મર્ડર?! માર્થા ચોંકી.

‘મેમ ટેલ… મી.. મેમ..વ્હોટ હેપન્ડ? હુ શોટ યોર હસબન્ડ?’

‘હી…ઈ…ઈસ…ડેડ ઈન ધ બેડ…!’

‘હુ…’ માર્થાએ પૂછ્યું.

‘માય હબી…હેરી ઇસ ડેડ…!!’ મોટેથી રડતા સામેથી સ્ત્રી બોલી.

‘મેમ.. હેલ્પ વિલ બી વેરી સૂન વિથ યૂ…’ માર્થાને પોલિસ ક્રુઝરમાં ફેરો કરી રહેલ સાર્જન્ટને વોકીટોકિ પર રેડ એલર્ટ મેસેજ મોકલાવી પેલી સ્ત્રી સાથે વાતો કરતા પૂછ્યું, ‘મેમ… વ્હેર આર યૂ એક્ઝેક્ટલી લોકેટેડ? પ્લીઝ…’

‘હેરી ઇસ ડેડ…!!’ સામેથી સ્ત્રી હજુ એક જ વાત દોહરાવી રહી હતી, ‘આઈ કાન્ટ બિલીવ, હી ઇસ ડેડ…’ ઊંડો નિઃસાસો નાંખી રડતા રડતા એણે એનું સરનામું લખાવ્યું. માર્થાએ તરત રેડ એલર્ટ જાહેર કરી વાયરલેસ પર સંદેશો વહેતો કરી દીધો અને સ્ત્રી સાથે વાત કરવાનું ચાલુ રાખ્યું, ‘હી ઇસ ડેડ…!’

‘કૂલ્ડ યૂ પ્લીઝ એક્સપ્લેઇન.. મે..મ.. હુ શોટ યોર હસબન્ડ? એન્ડ પ્લીઝ ડોન્ટ ટચ એનીથિંગ…’

માર્થાના રેડ એલર્ટને કારણે જેફરસન ટાઉનશિપની પોલિસ પ્લટૂન, ફાયર ડિપાર્ટમેન્ટ અને એમ્બ્યૂલંસ સ્કોવડ દોડતી થઈ ગઈ.

‘ઓ…હ… સમવન શોટ હેરી ઇન ધ હેડ… ફોરહેડ… એન્ડ ઇન સ્ટમક…હી ઇસ ડેડ.. બ્લડ એવરીવ્હેર…!’

હજુ તો એ સ્ત્રી વાક્ય પુરું કરે એ પહેલાં જ એના ડ્રાઈવ વેમાં સાયરન વગાડતી, લાલ ભૂરી લાઈટ ઝબકાવતી બે પોલીસ ક્રૂઝર ઊભી રહી ગઈ. હાથમાં રિવોલ્વર લઈ સાર્જન્ટ જોસેફ જોન્સને અધ ખુલા પ્રવેશદ્વારના બારણે ટકોરો મારી દ્વાર ખોલતા કહ્યું, ‘પોલીસ…’

વિશાળ લિવિંગ રૂમમાં વચ્ચે ગોઠવેલ લેધરના સોફા પર બેસેલ સ્ત્રી આક્રંદ કરી રહી હતી. હિબકા ભરી રહી હતી. રડી રહી હતી. આંસુના કારણે એણે કરેલ મેકઅપ એના ચહેરા પર ફેલાઈ ગયો હતો. આંખોમાં લગાવેલ મસ્કરાનો શ્યામ રંગ એમાં ભળીને એનાં ચહેરાને વિકૃત બનાવી રહ્યો હતો. ફરસ પર પેપર ટિસ્યુ વેરણ છેરણ પડ્યા હતા. જેનો ઉપયોગ એ સ્ત્રીએ એનાં આંસુઓને લૂંછવા કર્યો હતો.

‘મે…મ…!’ સાર્જન્ટ જોસેફ જોન્સન કંઈ આગળ બોલે એ પહેલાં જ પેલી સ્ત્રીએ ઘરની અંદર તરફ ઇશારો કરતા કહ્યું, ‘હી…ઈ…ઈ.. ઇસ ડેડ.. હેરી ઇસ ડેડ… શી શોટ હીમ…. ઓહ.. શી કિલ્ડ માય હેરી… ઓહ… ઓહ…’ એ સ્ત્રી ફરી હીબકે ચઢી.

જોસેફને કોઈ ભયંકર ગુનો થયાની ગંધ આવી ગઈ. એટલાંમાં લેડી સાર્જન્ટ કારમેન પણ પણ આવી ગઈ. એણે રડતી સ્ત્રીને સંભાળવાની કોશિશ કરી. પણ રડતા રડતા એ સ્ત્રી આઘાતની મારી બેહોશ થઈ ગઈ અને સોફા પર ઢળી પડી. ઍમ્બ્યુલંસ પણ આવી ગઈ. ઇએમએસનો સ્ટાફ તરત સક્રિય થયો. સ્ત્રીને પ્રાથમિક સારવાર આપ્યા બાદ એને લઈને ઍમ્બ્યુલંસ રવાના થઈ ગઈ.

જોસેફ અને કારમેન હાથમાં રિવોલ્વર લઈ અંદરના બેડરૂમમાં દાખલ થયા. કારમેને જોસેફને કવર કર્યો પણ બેડરૂમમાં મૃતપ્રાય શાંતિ હતી. મોટા બેડરૂમમાં એક તરફ ગોઠવેલ કિંગ સાઈઝના પલંગ પર એક અર્ધનગ્ન પુરુષની લાશ પડી હતી. એના માથા નીચે આકાશી રંગનો તકિયો લોહીથી લથપથ થઈ ગયો હતો. એના શરીર પર ફક્ત બોક્સર હતી અને એ પણ લોહીથી તરબોળ હતી. જોસેફે એની ચાર વરસની કારકિર્દીમાં લાંબા સમય પછી કદાચ પૉઇન્ટ બ્લેન્કથી વીંધાયેલ લાશ જોઈ હશે. પથારીમાં પુરુષ મૃતપ્રાય છે એ નરી આંખે જોતા જ ખબર પડી જાય એમ હતું છતા કારમેને એ લાશના ગળા પર જ્યાં લોહી ન હતું ત્યાં ધમનીના ધબકારા તથા શરીરનું તાપમાન જાણવા જમણાં હાથની બે આંગળીઓ મૂકી કહ્યું, ‘હી ઇસ ડેડ.. !વ્હાઈલ અગો.. એસ બ્લડ ઇસ ઓલસો ડ્રાય…’ કહી કારમેને વોકીટોકી પર અને ફોરેન્સીક ટીમ, કે-નાઈન ટીમ, અને વધારાના બેકઅપ માટે સુચનાઓ આપી. લોહી સુકાવા આવ્યું હતું એટલે ખૂન થયાને ખાસો સમય થઈ ગયો હશે એવું અનુમાન બન્નેએ કર્યું. જેફરસન ટાઉનશિપમાં હેવન ટ્રેઇલ પરનું સત્તાવિશ નંબરનું એ ઘર એક ખતરનાક ક્રાઇમ સીન બની ગયો. ઘરની ચોપાસ પોલિસની પીળી ટેઈપ લાગી ગઈ. એ ઘર હતું હેરી બાવેજા અને રૈના બાવેજાનું.. અને હેરી ઊર્ફે હરવિંદરસીંઘને મરી ગયો હતો. એને સામનો કરવાની તક પણ મળી હોય એમ લાગતું ન હતું. એનું કરપીણ ખૂન થયું હતું. કોઈએ બહુ નિર્દયતાપુર્વક એને વીંધી નાંખ્યો હતો. કપાળમાં અને ગુપ્તભાગમાં.. પોઇન્ટ બ્લેન્ક…!

* * * * * * * * * * * *

હરવિંદર બાવેજા…

એન જે આઈ ટીનો કન્સ્ટ્રક્સન એન્જિનિઅરિંગનો ક્લાસ ૨૦૦૦ નો સિવિલ એન્જીનિયર.

ભણવામાં એકદમ હુંશિયાર.

હરવિંદર શીખ હતો. આધુનિક વિચારણસરણી ધરાવતો શીખ. એણે દાઢી રાખી ન હતી. ક્લિન્ડ સેવ! છ ફૂટ એક ઇંચ ઊંચો…સહેજ ગોરો…એકવડા બાંધાનો પણ મજબૂત શરીર ધરાવતો હરવિંદર ૨૦૦૦માં ઇજનેર થયો હતો. મિત્રો એને હેરી કહેતા. હસમુખો, દિલેર.. જાનદાર-શાનદાર… હેરી એના મિત્રમંડળમાં સહુને પ્રિય હતો. કોઇને પણ.. સાવ અજાણ્યાને પણ એ મદદ કરવા તત્પર રહેતો. ભણતા ભણતા જ એ રૈનાના પ્રેમમાં પડ્યો હતો. એક મિત્રના લગ્નના રિશેપ્સનમાં રૈના શાહ એને મળી હતી. બન્નેની નજર થઈ ચાર અને આંખો આંખોમાં જ થઈ ગયો કરાર સાત ભવ સાથે ગુજારવાનો…! જો કે રૈનાનાં ગુજરાતી પરિવારે ખાસો વિરોધ કર્યો હતો. પણ રૈના આગળ કોઈનું ન ચાલ્યું. એણે તો દિલ પર હેરીનું નામ કોતરી દીધું હતું. એટલે પરિવારે પણ હેરી રૈનાનાં સંબંધને માન્ય રાખવા જ પડ્યા. રૈના ફેશન ડિઝાઇનર હતી. કન્સ્ટ્રક્શન ઇજનેરની ડિગ્રી મળ્યા બાદ હેરીએ સ્ટેટનું લાયસન્સ મેળવી લીધું અને પોતાની કન્સ્ટ્રક્સન કંપની શરૂ કરીઃ હેરી કન્સ્ટ્રક્સન એલએલસી…! અને ખાસ ખાસ ક્લાયન્ટના ઘરો બનાવવાનું કામ એણે શરૂ કર્યું. થોડા જ સમયમાં તો હેરી કન્સ્ટ્રક્સનની નામના થઈ ગઈ. હેરી એના કામને ધરમ માનતો. દિલોજાનથી એ કામ કરતો. હરેક ઘર, હર કામ એના માટે ખાસ હતા.

૨૦૦૨માં હેરી-રૈનાનો પ્રેમ પરિયણમાં પરિણમ્યો. બન્ને હૈયાં લગ્નના અતૂટ પવિત્ર બંધનમાં બંધાયા. કુદરતપ્રિય હેરીએ શહેરી વાતાવરણથી દૂર જેફરસન ટાઉનશિપના રમણિય પ્રદૂષણ મુક્ત શાંત હેવન ટ્રેઇલ પર ચાર બેડરૂમનું એનાં અને રૈનાના સપનાંનું ઘર બનાવ્યું. અને લગ્નના બીજે જ દિવસે હેરીએ એ ઘરની ચાવી રૈનાને સોંપી ત્યારે રૈનાએ એને ચુંબનોથી નવડાવી દીધો હતો. તરબતર કરી દીધો હતો…

* * * * * * * * * * * *

‘ઇફ યૂ વોન્ટ ટુ ગો.. યૂ કેન ગો…’ રૈનાએ હેરીને કહ્યું.

વાત એમ હતી કે હેરીનો કોલેજ કાળના ખાસ મિત્ર વીકી પટેલે સહુ મિત્રમંડળને વેગાસ ખાતે નિમંત્ર્યા હતા. કોલેજકાળના સહુ મિત્રોને દશ વરસ પુર્ણ થયાની ઊજવણી માટે એણે પાર્ટીનું આયોજન કર્યું હતું અને મેમોરિયલ ડેના લોંગ વીક એન્ડમાં ત્રણ દિવસ બે રાત્રિ માટે.. ! ત્રીસેક મિત્રોને સહકુટુંબ વેગાસ ખાતે નોતર્યા હતા. ફેબ્રુઆરી મહિનામાં જ એની પહેલી ઇમેઇલ આવી ગઈ હતી. અને ફોન મારફત પણ એણે અંગત ઇન્વિટેશન પાઠવ્યું હતું. ઇમેઇલમાં એણે જણાવી દીધું હતું કે, ગાયઝ, ઇટ ઇસ વેગાસ પાર્ટી. સો પ્લીઝ કીપ કિડ્સ અવે.. એન્ડ ટ્રાય ટુ કમ વિથ પાર્ટનર.. લિગલ ઓર ઇલલિગલ પાર્ટનર… અને સાથે સાથે જણાવી દીધું હતું કેઃ ઓલ એક્સપેન્સ ઓન હિમ.. ઇન્ક્લુડિંગ ટ્રાવેલ…!

-સાલો વીકી…! મિલિયન્સમાં રમતો હતો. વેગાસ ખાતે એના ગેસ સ્ટેશનો હતા. ત્રણ મૉટેલ હતી. કદાચ, એ એની સિધ્ધીનું, દોલતનું પ્રદર્શન કરવા માંગતો હોય એમ પણ બને.. હેરીએ વિચાર્યું.

‘ડાર્લિંગ! યૂ શુડ કમ વિથ મી…!’ હેરીને રૈનાને કહ્યું.

‘વીકી…?! હૂ ઇસ હી?! આઈ ડૉન્ટ નો વીકી…! હું કોઈ વીકી-ડિકીને જાણતી નથી!’ રૈનાએ મ્હોં ચઢાવી કહ્યું.

‘યૂ નો વિ…કી વેરી વેલ…’ હસવાનો પ્રયાસ કરતા હેરીએ કહ્યું, ‘વિક્રમ પટેલ.. વીકી? વીકી શોર્ટી…! બટકો…પેલો બાઠિયો… હું યર બૂકમાંથી એનો ફોટો બતાવીશ એટલે તું ઓળખી જશે!’

‘હની..! આઈ ટેલ યૂ…! યૂ કેન ગો.’ નિસાસો નાંખી રૈનાએ કહ્યું, ‘આઇ એમ નોટ કમિંગ. ધીસ ઇસ ફાયનલ. નાઉ.. ધેર ઇસ નો ફન ઇન માય લાઈફ…!’ રૈના હેરી તરફ જોવા લાગી પણ એની આંખોમાં રહેલ શૂન્યમનસ્કતાએ હેરીને હલાવી દીધો છેક અંદરથી.

‘ડાર્લિંગ…ડાર્લિંગ…!’ ઊંડો શ્વાસ લઈ થૂંક ગળી હેરીએ રૈનાને સમજાવતા કહ્યું, ‘પ્લીઝ… પ્લીઝ… કમ આઉટ ફ્રોમ ધેટ…!’

‘હાઉ…? હાઉ…?’ ઊંડી ઉતરી ગયેલ આંખોમાં વિષાદને વધુ ઘેરો કરતા હેરીની વાતો કાપતા રૈનાએ પૂછ્યું. રૈના ઊઠીને અંદર રૂમમાં જતી રહી.

-હેરી પાસે ક્યાં કોઈ ઉત્તર હતો?

ખામોશી ફરી પડઘાવા લાગી એ વિશાળ લિવીંગ રૂમમાં. ખામોશીનો પડઘો કેટલાં ય વખતથી નિરંતર ગુંજતો હતો હેરી અને રૈનાની જિંદગીમાં.

હેરી એ ખામોશીના વમળમાંથી બહાર નીકળવા માંગતો હતો. જીવવા માંગતો હતો રાબેતા મુજબનું. અને રૈના જાણે અજાણ્યે ખામોશીના કળણમાં ધીમે ધીમે ડૂબતી હતી.

હેરીએ દિવાલ પર લગાવેલ સનીની તસ્વીર પર એક નજર કરી. એની આંખોમાં સહેજ ભેજ છવાયો.

તસ્વીરમાં ત્રણ વરસનો સની હસી રહ્યો હતો.

જે આવ્યો હતો બદલવા જિંદગીની તકદીર;
બની ગયો હતો દિવાલ પરની એક તસ્વીર.

-સની હેરીના જીગરનો ટૂકડો. રૈનાનો રાજદુલારો…એમને છોડીને તસ્વીરમાં વસી ગયો હતો.

એવું ન હતું કે હેરીને કોઈ ગમ ન હતો. અરે! હેરીનો ગમ કોઈના ગમ કરતાં જરા ય કમ ન હતો.

કારણ, સનીના અકાળ અવસાન માટે હેરી ખુદ જવાબદાર હતો.

થયું એવું હતું કે એક સાંજે હેરી થાક્યો પાક્યો એના કામ પરથી ઘરે આવ્યો. સની પહેલેથી જ થોડો હાયપર.. વધુ સક્રિય…! ઘરનો મુખ્ય દરવાજો ખોલી સની અચાનક બહાર ડ્રાઇવવેમાં દોડી આવ્યો. હેરી એની ટ્રક બેક અપ કરતો હતો. રિવર્સ કરતો હતો. સની એની નજરમાં જ ન આવ્યો. અને સનીને ટક્કર લાગી હેરીની ટ્રકના પાછલા બંપરની. ત્રણ વરસનો સની પટકાયો ડ્રાઈવ વેની સખત ફરસ પર. મુખ્ય દ્વાર ખુલ્લુ જોતા જ હેરી ચમક્યો. એણે એકદમ બ્રેક મારી પણ તો ય એ મોડો પડ્યો હતો. કાળ દેવતા એનું કામ કરી ગયા હતા.

‘ઓ…ઓ….ઓ… માય ગો…ડ…!’ સનીને હેરીએ ઊચકી લીધો અને મોટેથી બૂમ પાડી, ‘રૈના… રૈ …એ..એ….ન્ના….!’ રૈના દોડી આવી હતી. સની હેરીની બાંહોમાં હતો બેહોશ. સનીના કાનમાંથી લોહીનો એક ટસિયો ફૂટી નીકળ્યો હતો. જે એનાં રેશમી લાંબા જૂલ્ફને ભીંજવી રહ્યો હતો.

‘વ્હોટ હેપન્ડ…?’ રૈનાને પહેલાં તો સમજ ન પડી.

‘ગેટ ઇન ધ ટ્રક…’ બરાડી હેરીએ સનીને રૈનાને સોંપ્યો અને ટ્રક હંકારી હતી ફૂલ સ્પિડે હોસ્પિટલ તરફ. જે ૧૨ માઈલ દૂર હતી…!

‘સની…સની…સની…!’ રૈના સમજી ગઈ હતીઃ જરા વારમાં શું થઈ ગયું હતું, ‘બ…બુ…! વેક અપ…! બ…બુ…!’ રૈનાએ પોતાના રૂદન પર કાબૂ રાખવાની કોશિશ કરતા કહ્યું, ‘બેટા.. સની….. હેરી…! વ્હોટ હેપન ટુ સની.. ? વ્હાઈ હી ઇસ નોટ સ્પિકીંગ..?’ રૈના રડવા લાગી હતી…

એટલામાં જ હોસ્પિટલ આવી ગઈ. સનીને બન્ને હાથમાં ઊંચકી દોડ્યો હતો હેરી ઇમરજન્સી વોર્ડ તરફ. દાક્તરોએ તરત જ તપાસ્યો. પણ હેરી-રૈના જાણી ગયા હતા કે સની એમને છોડી દૂર દેશના અનંત પ્રવાસે નીકળી ગયો હતો. જ્યાંથી ફરીને કોઈ આવી શકતું ન હતું. દાક્તરે ડેથ સર્ટિફિકેટ આપ્યુઃ ડેડ ઓન અરાઈવલ.

એ અશુભ ઘડી અને આજનો દિવસ. કેટલો લાંબો સમય વીતી ગયો! રૈના એ હાદસામાંથી બહાર ન આવી શકી. સનીના મોત માટે એ હેરીને જ જવાબદાર ગણવા લાગી. ગણતી રહીઃ યૂ કિલ્ડ હીમ. રૈનાનો આ આ આક્રોષ રોષ બનીને પાંગરતો રહ્યો…! વિષાદના અંધકારમાં રૈનાનું જીવન ધીરે ધીરે ડૂબવા લાગ્યું. ડિપ્રેસનના ભારે હુમલાએ રૈનાને છિન્ન-ભિન્ન કરી નાંખી. ચૂલબૂલી રૈના મૌનના મહાસાગરમાં તરવા લાગી. રાતોની રાતો એ જાગતી રહેતી. છતને તાકતી રહેતી. કોઈની સાથે એ બોલતી નહીં. દિવસોના દિવસો એ ખાતી નહીં. જાણે એને કાળનું ભાન જ ન રહ્યું. અરે! ક્યારેક તો એ ખુદને પણ વીસરી જતી. તો હેરીને કેવી રીતે યાદ રાખે?!

બન્નેનો જીવન પ્રવાહ જ બદલાય ગયો. ખળખળ વહેતું ઝરણું નદી બને એ પહેલાં જ સુકાઈ ગયું. કાળના તાપમાં. હેરીએ પોતાની જાતને ધીમે ધીમે સંભાળી લીધી. પણ રૈના માટે તો જાણ એ શક્ય જ ન હતું.

-વાહ-એ-ગુરૂજીકી ફતેહ… વાહ-એ-ગુરૂજીકા ખાલસા…!

હેરીએ પોતાની જાતને ધરમના સહારે સંભાળવાની કોશિષ કરવા માંડીઃ વાહ-એ-ગુરૂજીને જે મંજૂર હશે એ થયું. સતનામની એને વધારે જરૂર હશે તો એને બોલાવી લીધો. હા, સનીનું નામ બન્નેએ રાજી રાજી થઈને સતનામ રાખ્યું હતું. ઉપરાંત હેરીએ પોતાની જાતને કામમાં જોતરી દીધી. અને એની મહેનત રંગ લાવી. હેરી કન્સ્ટ્રક્સનમાં હવે સો માણસ કરતા વધારે જુદા જુદા કારીગરો કામ કરતા હતા. ત્રણ તો કન્સ્ટ્રક્સન ઇજનેર હતા. યોગ, કસરત, ધ્યાન, પ્રાણાયમ…મારફત હેરીએ ખુદની જાતને જીવનની ઘટમાળમાં ફરી ગોઠવી દીધી. પણ રૈના મધદરિયે લાંગરેલ વહાણની માફક એક જ જગાએ અટકી ગઈ. અને એ વહાણના તળીયે કાણું હતું.

‘ક્યાં સુધી? હની…ક્યાં સુધી?’ હેરી રૈનાને સમજાવતો, ‘આપણી જિંદગી અટકતી નથી. ક્યાંય પણ એ ટકતી નથી. પ્લીઝ કમ ઓન ટ્રેક…! સતનામ વિલ નેવર કમ બેક…! એવરીથીંગ વીલ બી ઓકે. આઈ એમ વીથ યૂ. માય લવ ઇસ વીથ યૂ. માય લવ ઇસ અલ્ટિમેટ ફેક્ટ…!’ હેરી રૈનાનો હાથ પંપાળી સમજાવતો. કુટુંબીજનો, રૈનાના માતા-પિતા, બહેન-બનેવીનો સાથ મળ્યો. અને રૈનાને એના વિષાદના કાળા તિમિરમાંથી બહાર કાઢવાનો યજ્ઞ શરૂ થયો. સાઈક્રિયાટિસ્ટની માવજત શરૂ કરવામાં આવી. ધરમનો સહારો ય લેવામાં આવ્યો. ધર્મગુરૂઓના આશિર્વાદ, સુચનોનો પણ અમલ થયો. એવું ન હતું કે રૈનાએ એ કળણમાંથી બહાર આવવું ન હતું. પણ ક્યારેક અચાનક જ એ ફરી ઉદાસીની દાસી બની જતી.

હેરીએ પોતાનું કામ ઓછું કર્યું. અને રૈના પર વધારે ધ્યાન આપવા માંડ્યું. એ રૈના માટે જાત જાતની ભેટ લઈ આવતો. ફરવા લઈ જતો. એની સાથે સમય વિતાવતો. તો ય જાણે એક દરાર પડી ગઈ હતી. બન્ને વચ્ચેના સ્નેહ સંબંધમાં. રૈનાને લાગતું કે એક ખોખલું ખોખલું જીવન એ જીવી રહી હતી. જીવન તો વહી જ રહી હતું. પણ રૈનાને મૂકીને જીવન વહી નીકળ્યું હતું!

હેરી પ્રયત્ન કરતો. જો બીજૂં બાળક થાય તો જિંદગીમાં ફરી ખુશી આવે. પણ રૈના પડખું ફેરવી સૂઈ જતી. રૈનાને હેરી બાહુપાશમાં લેતો અને જે બાહુપાશથી રૈના મોગરાની જેમ ખીલી ઊઠતી એ જ બાહુપાશ રૈનાને થીજાવી દેતો. હેરીના પ્રયત્નો વિફળ જતા. નિષ્ફળ જતા. હેરી રાહ જોતો રૈના ફરી ઝંકૃત થાય. સંતુરની જેમ ઝણઝણી ઊઠે. પણ રાતોની રાતો સુમસામ પસાર થતી રહેતી. હેરીના સ્પર્શે જ રૈના જાણે થીજી જતી. ક્યારેક તો હેરીને પોતાના પૌરુષત્વ પર પણ શંકા થવા લાગતી. એના ચુંબનો હોઠો પર જ સુકાઈ જતા. જિંદગીના રોમાંચને આંચ આવી ગઈ હતી. જાણે કાચના હતા સહુ સંબંધો. એમાં ખાંચ આવી ગઈ હતી. થાકી ગયો હતો… હારી ગયો હતો હેરી… અને એણે હારવું ન હતું.

-અને એવામાં જ વીકીનું નિમંત્રણ આવી પડ્યું.

‘યૂ શુડ ગો…’ રૈનાએ હેરીને કહ્યું, ‘તુ જા. તારા ફ્રેન્ડસને મળ. વીકીને મળ. હવે મને યાદ આવે છે એ. ગોરિયો..બટકો.. ક્યારેક તારી સાથે સ્મોક કરતો…એ. અને હું અને મારી ફ્રેન્ડસ એને પોટેટો કહેતા. પેલી જૂલિયેટ હતીને? એના પર તો એ મરતો. એક બે વાર પ્રપોઝ્ડ પણ કરેલ. નાઉ આઈ રિમેમ્બર હીમ.. પણ ક્યાં જૂલી અને ક્યાં વીકી બાઠ્યો…’

‘આર યૂ સ્યોર..?’ હેરીએ રૈનાને બાથમાં લેતા કહ્યું, ‘શુડ આઈ…?’

‘યા…સ્યોર…! હની યૂ મસ્ટ ગો…! યૂ વર્ક વેરી હાર્ડ…! યૂ નીડ બ્રેક…!’ રૈનાએ હેરીના વાળ વીખેરી નાંખતા કહ્યું, ‘અને જતા પહેલાં હેર કટ કરાવી આવજે… કે પછી ટર્બન પહેરવાનો વિચાર છે?’ હસીને રૈનાએ કહ્યુ, ‘પાપાજી તો તને કહ્યા જ કરે છે ને?’ સહેજ નિસાસો નાંખી એ બોલી, ‘ઇફ યૂ વોન્ટ યૂ કેન હેવ લોન્ગ હેર અને ટર્બન…’

‘વિલ સી…’ વાત ટાળી હેરી બોલ્યો, ‘જો હું વેગાસ જાઊં તો તું શું કરશે?’

‘ઓ…હ…!’ હસીને રૈના બોલી, ‘ડોન્ટ વરી એબાઉટ મી. શિકાગો અને ન્યૂયોર્ક ફેશન શો છે. તો મારે નવા ડ્રેસીસ પણ ડિઝાઈન કરવાનાં છે સમર કલેક્સન.. આઈ ગોટ વન્ડરફૂલ આઈડિયાસ…ફ્યુઝન…દેશી ટચ.. અને યૂઝ ઓફ સિલ્ક સારીસ…!’ રૈનાને હસીને કહ્યું, ‘આઈ વોન્ટ માય રૈના કલેક્સન ઓન ધ ટૉપ ઓફ ધ ઓલ…! તો મારે એ માટે ખૂબ પ્લાનિંગ કરવાનું છે. મોડેલ કોર્ડિનેટરને પણ મળવાનું છે. એન્ડ.. ત્રણ જ દિવસ તો છે… આઈ વીલ ગો ટુ સી મોમ-ડૅડ…! મે બી સ્લિપ ઓવર વન નાઈટ ઓવર ધેર…અને યૂ ડુ નોટ વરી એબાઉટ માય મેડિસીન.. પીલ્સ…! આઈ પ્રોમિસ.. આઈ વિલ ટેઈક ઈટ ઓન ટાઇમ રેગ્યુલર…!’

રૈનાએ એના ડિપ્રેશનના હુમલાને ખાળવા અમુક દવા નિયમિત સમયસર લેવી જ પડતી. જો એ ન લે તો ખાસી તકલીફ વધી જતી. અને રૈના ક્યારેક ક્યારેક એ ગળવામાં આળસ કરતી કે અવગણતા કરતી. હેરીએ એના આઈફોનમાં રૈનાની દવા માટે એલર્ટ / એલાર્મ સેટ કર્યા હતા. જેથી એ ચૂકી ન જાય. રૈના જાણી ગઈ હતી કે દવાના સહારા વિના જિંદગીની નાવ ચાલવાની ન હતી. અને એની તન્હા તન્હા જિંદગીમાં દુઆ કરતા ય દવાની વધારે જરૂર હતી.

‘બટ…!’ હેરી હજુ ય ખંચકાતો હતો, ‘એવરીબડી વિલ બી ધેર વિથ વાઈફ…પાર્ટનર…!’

‘…સો…’ હેરીના હોઠો પર હાથ મૂકી રૈનાએ કહ્યું, ‘તારા વીકીને ફોન કર કે ગેટ વન પાર્ટનર ફોર યૂ… સેક્સી…’ આછો નિઃશ્વાસ નાંખી એ બોલી, ‘આમ પણ હું ક્યાં તારા કામમાં આવું છું?!’

‘ઓ…ડાર્લિંગ…! ડોન્ટ થિન્ક લાઈક ધીસ. યૂ આર માય સેક્સી લેડી. માય લવ…!આઈ કાન્ટ ઇમેજીન માય લાઈફ વિધાઉટ યૂ…આઈ લવ યૂ સો મચ…!’

‘આઈ લવ યૂ…ટૂ..’ રૈનાએ હેરીના બાહુપાશમાંથી અલગ થતા કહ્યું. જ્યારે પણ પ્રેમની વાત નીકળતી ત્યારે રૈના જાણે એક કોશેટામાં પુરાઈ જતી. અને સલુકાઈથી કે પછી જોર કરી એ હેરીથી અલગ થઈ જતી, ‘મારે આજે સ્પાની એપોઇન્ટમેન્ટ છે એન્ડ ધેન આઈ વીલ ગો ટુ શી મોમ-ડેડ…! મોમનો ફોન હતો. તો આઈ વીલ સ્લિપ ઓવર ધેર…એન્ડ પ્લીઝ બૂક યોર ટિકીટ ફોર વેગાસ…ગો… યૂ વિલ હેવ ફન… રિલેક્ષ… એન્ડ ડુ નોટ ડ્રિન્ક ટૂ મચ…!’

……… અને હેરી વેગાસ જઈ આવ્યો! એ ત્રણ દિવસ અને બે રાત્રી એની જિંદગીમાં એવા હતા કે એ કદી ય વીસરી ન શકે. ચાહે તો ય કદી ન ભૂલી શકે!

વેગાસથી પરત આવ્યા બાદ રાબેતા મુજબ હેરી એના કામમાં જોતરાઈ ગયો. રૈના પણ ફેશન ડિઝાઈન અને શો માટે શિકાગો, હ્યુસ્ટન, બોસ્ટન…ઉડતી રહી. એના એસાઈનમેન્ટ વધતા જતા હતા. અને યશરાજની ફિલ્મ જેનું યૂએસમાં શૂટીંગ થવાનું હતું એની હિરોઈનના ડ્રેસ ડિઝાઇનનું કામ પણ એને મળી જાય એમ હતું. બોલીવૂડમાં એની સાખ ધીરે ધીરે વધી રહી હતી. એકાદ વરસમાં મુંબઈ ખાતે સોલો ફેશન શોનું આયોજન એણે અત્યારથી જ કરવા માંડ્યું હતું. રૈના ધીરે ધીરે અંધારિયા કૂવામાંથી બહાર આવી રહી હતી.

વેગાસથી હેરીને આવ્યાને અઠવાડિયું પસાર થઈ ગયું હતું. બન્ને પોતાના કામમાં બરાબર વ્યસ્ત રહ્યા હતા. રૈના માટે હેરીએ વિશાળ બેઇઝમેન્ટમાં ડિઝાયનર સ્ટુડિયો બનાવ્યો હતો. ત્યાં એનું કમ્પ્યૂટર, કટિંગ ડેસ્ક, સીલાઈના સંચાઓ, આદમ કદ મેનીક્વિન્સ, અને વિશાળ પ્રોજેક્ટર હતા. રૈના પોતે પોતાની બૉસ હતી. એના કામનો કોઈ સમય તય ન હતો. ક્યારેક તો કોઈ વિચાર સ્ફૂરે તો એ રાતે પણ કામે લાગી જતી.

‘હ….ની….આઈ એમ હોમ…!’ શુક્રવારની સાંજે કામ પર થાકીને લોથ-પોથ થઈ ગયેલ હેરીએ એની ટ્રકની ચાવી કીહૉલ્ડર પર લટકાવી બેઈઝમેન્ટના દાદર પરથી બૂમ પાડી.

‘ઓ…કે… ડાર્લિંગ…!’ નીચે બેઇઝમેન્ટમાંથી રૈનાએ એને ઉત્તર આપ્યો, ‘આઈ એમ ઓલમોસ્ટ ડન…! આઈ નીડ ટુ ટોક ટુ યૂ…’

‘સ્યોર…!’ સહેજ નવાઈ પામી, ‘આઈ એમ ગોઇંગ ફોર શાવર…’ કહી હેરીએ રેફ્રિજરેટરમાંથી ગિનીસ બિયરની બોટલ લઈ, ખોલી થોડા ઘૂંટ ગટગટાવી એ બોટલ લઈને બાથરૂમમાં ઘૂસ્યો. શાવર લેતા લેતા જ એણે ઠંડી બોટલ ખાલી કરી.

-થેન્કસ ગોડ…ઈટ ઇઝ ફ્રાય ડે…! શાવરમાંથી બહાર આવી બાથરોબ વીંટાળતા આદમકદ અરીસામાં હેરીએ પોતાની જાતને નિહાળી. એની છાતી પર ત્રણ-ચાર ગુલાબી ચકામા ધીરે ધીરે ઝાંખા થઈ રહ્યા હતા. એના પર એણે એના જમણા હાથની પ્રથમ બે આંગળીઓ હળવેથી ફેરવી. તો રોબ ઊંચો કરી પીઠ પર કૅથરિનનાં હાથના નખોએ પાડેલ ચાર ઉઝરડાઓ જોયા જે હવે લગભગ રૂઝાય ગયા હતા.

-ઓહ! કૅથરિન…! શી વોઝ બૂમબાસ્ટિક…! બાથરોબ દૂર કરી નાઈટ શૂટ પહેરી એ બાથરૂમની બહાર આવ્યોઃ શાયદ રૈના જોઈ લે તો કૅથના એ લવ બાઈટ…!

બેડરૂમમા રૈના બેડ પર બેઠેલ હતી. મૂર્તિમંત…એની ખામોશીથી હેરી સહેજ ચોંક્યોઃ આજે રૈનાએ એની મૂડ પીલ્સ લીધી લાગતી નથી. શિ મસ્ટ બંક ધ પીલ્સ…

‘ડાર્લિંગ…!’

‘………………..’ રૈના અબોલ…ખામોશ…!

- નોટ અગેઈન…! વિચારી હેરી રૈનાની પડખે બેઠો. બહુ ધીરજથી ફરી કામ લેવું પડશે. અને હવે એની ધીરજ ખૂટવા આવી હતી. હેરીએ લગાવેલ અરમાની કોડ પર્ફ્યુમની સુવાસ રૈનાના શ્વાસમાં ભળતા એણે એક ઊંડો શ્વાસ લીધો અને ભારેખમ નિશ્વાસ નાંખી એની કથ્થઈ આંખો ધીમેથી બંધ કરી. એના નિસાસાએ હેરીને દઝાડ્યો.

હળવેકથી એ ઊભો થયો રૈનાની દવા લેવા જવા માટે.

બંધ આંખોએ જ રૈનાએ હેરીના બન્ને હાથો પકડી લીધા. એને રોક્યો. એની આંખો બંધ હતી. પણ આંખોના કિનારાઓ છલકાય રહ્યા હતા. હેરીને સહેજ દૂર હડસેલી રૈનાએ એની નજરનો દોર હેરીની નજર સાથે સાંધી ધીમેથી શાંત છતા ભીનાં અવાજે પૂછ્યું, ‘હૂ ઇસ કૅથરિન?!’

-ઓહ માય ગોડ…! હેરી સ્તબ્ધ… અવાચક…!

-કૅથરિનનું વાવાઝોડું ફૂંકાયું હતું. એ ત્રણ દિવસ અને બે રાત્રિઓ દરમ્યાન જે હેરીને ક્યાંક દૂર દૂર ઊડાડી ગયું હતું એના ખુદથી પણ દૂર દૂર…

-કૅથરિન… કૅથરિન… કૅથરિન…!!

વેગાસમાં એ ત્રણ દિવસ અને બે રાત્રિઓ દરમ્યાન હેરી અને કૅથ આદમ અને ઈવ બની ગયા હતા. એકબીજામાં ખોવાઈ ગયા હતા. ઊંડા ઉતરી ગયા હતા એકબીજાની અંદર. હેરીને એનું ખોવાય ગયેલ પુરુષત્વ જાણે પરત મળ્યું હતું કૅથરિન તરફથી. ટકિલાના ઘૂંટ પર ઘૂંટ પીવડાવ્યા હતા એકબીજાને એકબીજાના મ્હોંમાં ભરી ભરી…! રમખાણ મચી ગયું હતું એ બે દિવસ અને ત્રણ રાત્રી દરમ્યાન. ક્યારેક હેરી ઉપર તો ક્યારેક કૅથ હેરી પર સવાર. બલ્લે બલ્લે થઈ ગયું હતું એક ભૂખ્યા પુરુષ અને એક પુર્ણ સ્ત્રી વચ્ચે.

‘હૂ… ઇ…સ… કૅ…થ…રિ…ન?!’ રૈનાએ આક્રોશ સાથે એક એક શબ્દ અલગ કરી ફરી પૂછ્યું.

‘કૅ…ઍઍઍ…થ…?!’ હેરી ગલવાયો. એ જિંદગીમાં કદી જૂઠું બોલ્યો ન હતો. અને રૈના સામે તો કદી ય નહીં. થૂંક ગળતા એ બોલ્યો, ‘કૅ…થ…રિ…ન ઇસ…!’

‘વ્હો…ટ…?’ રૈના લગભગ બરાડી, ‘કૅ…થ…રિ…ન ઇસ વ્હોટ?’

‘શી વો…ઝ… ઇન કમ્પ્યૂટર સેઈમ યર…!’ હેરીએ ઝડપથી કહ્યું.

‘સો…?!’

‘શી વોઝ ઓલ્સો ઇનવાઈટેડ…’

‘આઈ નો…!’

-હાઉ ડૂ યૂ નો? હેરી મૌન જ રહ્યો. પણ અંદરથી એ ધ્રૂજી ગયો હતો. હલી ગયો હતો. રૈનાએ એના બન્ને હાથના પંજા પોતાના બે હાથમાં પકડી રાખ્યા હતા અને એ હેરીની આંખોમાં આંખ પરોવવાની કોશિષ કરતી હતી અને હેરી નજર બચાવવાની…!

એરકન્ડિશન્ડ બેડરૂમમાં હેરીને પરસેવો વળી રહ્યો હતો અને એનો એક રેલો એના જમણા કાનની પાછળથી ધીરેથી સરકી રહ્યો હતો. સમય અક્ષરસઃ થીજી ગયો હતો એ બેડરૂમમાં…

‘ડીડ યૂ સ્લીપ વિથ હર…?!’ રૈનાએ હળવેથી સહેજ થરતકતા અવાજે પૂછ્યું.

‘……………….’ હેરી નિઃશબ્દ. પણ એની ઝૂકેલ નજરમાં રૈનાને ઉત્તર મળી ગયો હતો.

‘યૂ…ઊ…ઊ…ચીટ…!’ રૈનાએ ધડાધડ તમાચાઓ મારવા માંડ્યા. બન્ને હાથો વડે હેરીના બન્ને ગાલો પર વારાફરતી, ‘હાઊ કેન યૂ…? હેં…? હેં…?કેમ…વાય…વાય…?’ રૈના વીફરી હતી. હેરીના ગાલ તમતમી ગયા. લાલ ચોળ સોળ ઊપસી આવ્યા. હેરીએ રૈનાને રોકી નહીં? કેમ કરી રોકે? એ ગુન્હેગાર હતો. રૈનાનો. મુજરિમ હતો. તમાચા મારતા મારતા રૈના રડતી હતી. આક્રંદ કરતી હતી. એની આંખો લાલ ચોળ થઈ ગઈ હતી. હેરી સ્તબ્ધ ઊભો હતો. અસહાય…! એનાં નયનોમાં પણ ભીનાં તો થયા જ હતા. પણ આંસુ આંખની અટારીએ અટકી ગયા હતા. ગાલો પરની જલન એ આંસુ સીંચીને પણ એ શાંત કરી શકે એમ ન હતો. ખાસા સમય બાદ રૈના તમાચા મારતા ધીમી પડી અને ફસડાઈ પડી ફરસ પર હેરીના પગ પાસે…આક્રંદ કરતા કરતા.

હેરી નિશ્ચેષ્ટ! જાણે નિષ્પ્રાણ… !

થોડી પળો બાદ સાવ અચાનક રૈના ઊભી થઈ… હેરીને વળગીને એ ચુંબનો કરવા લાગી. પ્રસ્વેદભર્યા કપાળ પર, લાલ લાલ ગાલ પર, ભીની ભીની આંખો પર, ગરદન પર…તરસતા હોઠો પર…! વિશાળ છાતી પર…નાભિ પર… ! હેરીનો નાઈટ શૂટ જોર કરી એણે કાઢી નાંખ્યું. એમ કરતા એના બધા જ બટનો પણ તૂટી ગયા…! રૈનાએ હેરીને સાવ નિઃવસ્ત્ર કર્યો અને ધક્કો મારી પલંગ પર સુવાડાવ્યો અને રૈના એના પર સવાર થઈ ગઈ. પોતાના વસ્ત્રો દૂર કરતા કરતા…રૈનાએ હેરીને ખુદમાં સમાવી દીધો. દરિયો રૈનાની તરસનો છલકાય ગયો બન્ને કિનારે…! મેહુલો રણમાં વરસતો રહ્યો. શરીર સુખ માણતા માણતા પણ હેરીની આંખો ઊભરાતી હતી. પણ આંસુ બહાર આવે એ પહેલાં રૈના એને પી જતી હતી. શાયદ પશ્ચાતાપના, પ્રેમના એ આંસુ આંસુ ન હતા, અમૃત હતા.. એમાં જરા ય ખારાશ ન હતી.

હેરીએ રૈનાના પાતળા પણ માંસલ બદનને બન્ને બાહુઓ વડે ભીંસી રાખ્યું હતું. રૈનાનાં ચુંબનોને કારણે હેરીના હોઠો પર લોહીનો ટસિયો ફૂટી નીકળ્યો હતો એની ખારાશ પર રૈના માણતી રહી.

‘આ…આ…ઈ લવ…યૂ…!’ રૈના હેરીના કાનની બૂટની ચૂસતા ચૂસતા ગણગણતી હતી.

‘આઈ લવ યૂ ટૂ… ડાર્લિંગ…પ્લીઝ ફરગીવ મી…!’ રૈનાનાં ચુંબનોનો જવાબ આપતા આપતા હેરીએ કહ્યું.

‘આઈ લવ યૂ… આઈ લવ યૂ.. હની…’ રૈના હાંફતી હતી, ‘યૂ આર માઈ લાઈફ…’ ચરમસીમાના ઊચ્ચ શિખરે જઈ રૈના હેરીના એકવડિયા મજબૂત તન પર ઢળી પડી.

જૂન મહિનાનાં લાંબા દિવસે પશ્ચિમાકાશે સૂર્યનારાયણ ધીમે ધીમે ઢળી રહ્યા હતા, નિશાને મળવા માટે. એના કેસરી કિરણો રૈનાની તામ્રવર્ણી દૈદિપ્યમાન બનાવી રહ્યા હતા.

હેરીને રૈના ફરી મળી ગઈ. રૈનાએ હેરીને ખોવો ન હતો.

રૈનાને સમજાયું કે જે કંઈ થયું એમાં હેરીનો દોષ ઓછો હતો. હેરી પુરુષ હતો. એની પુરુષસહજ કેટલીક માંગણી હતી જે રૈનાએ જાણ્યે અજાણ્યે અવગણી હતી અને હેરીના સ્ખલન માટે એ કારણભૂત બની ગઈ. જમીન લપસણી જ હોય તો કોઈ પણ લપસી પડે. સાવચેતી રાખવા છતાં ય…!એથી જ કૅથરિન જીતી ગઈ હતી અથવા તો હેરી હારી ગયો હતો કૅથરિન સામે…! એ સાંજ રાતમાં એક અદભૂત રાતમાં ફેરવાય ગઈ. કોઈ નવપરણિત દંપતીની જેમ હેરી-રૈના, રૈના-હેરી એકબીજાને ફરી ફરી માણતા રહ્યા. જાણતા રહ્યા. એકમેકમાં પરોવાતા રહ્યા. પેટની ભૂખ ય શરીરની ક્ષુધા સામે હારી ગઈ.

કૅથરિને હેરીને ફેઈસબૂક પર મૅસેજ કર્યો હતોઃ યૂ આર અમેઝિંગ મેન. આઈ નેવર હેડ બીન સચ એ વન્ડરફૂલ, માઈન્ડ બ્લોઈંગ એનકાઉન્ટર વીથ એની મેન લાયક યૂ. યૂ આર યૂનિક, રિયલ એન્ડ મોસ્ટ ઍડોરેબલ પરસન ઇન ધ યૂનિવર્સ. આઈ વિશ, આઈ કુડ લીવ વીથ યૂ ફોર એવર… આઈ કેન સ્લિપ વિથ યૂ રેસ્ટ ઓફ માય ઓલ નાઈટ્સ…! … અને આ મૅસેજ રૈના વાંચી ગઈ હતી. કારણ કે, રૈના હેરીના દરેક પાસવર્ડ જાણતી હતી. ફેઈસબૂકના, ઈમેઈલના, એની કન્સ્ટ્રક્સનની વેબ સાઈટના, બેંક એકાઉન્ટ્સના…! અને હેરીને જરા ય ખયાલ ન હતો કે કૅથરિન એને આમ મૅસેજ કરશે ને રૈના એ મૅસેજ વાંચી લેશે!

કૅથરિન સાવ અલગ પ્રકારની સ્ત્રી હતી. મુક્ત વિહારમાં એ માનતી. કોઈ પણ પ્રકારના બંધનોમાં ન બંધાય એવી.. વહેતી હવા જેવી…! તો ક્યારેક વાવાઝોડા જેવી…! કમ્પ્યૂટર પ્રોગ્રામિંગમાં નિપુણ. કૉલેજમાં ભણતા ત્યારે એની પાછળ પાછળ જાન ન્યોછાવર થવા ઘણાં યૂવકો તત્પર હતા. તૈયાર રહેતા. પણ કૅથ ક્યાં એક પિંજરામાં પુરાઈ એવું પંખી હતું? એને માટે તો આકાશ પણ નાનું હતું! અભ્યાસ પુર્ણ થતા જ એ માઇક્રોસૉફ્ટમાં જોડાઈ હતી. ત્રણ વરસ બાદ ગૂગલમાં એણે પેશકદમી કરી હતી. ગૂગલનો ઊંચો પગાર પણ એને રોકી ન શક્યો ગૂગલમાં લાંબા સમય માટે…! ત્યાંથી એણે કૂદકો માર્યો યાહૂમાં…! યાહૂથી ધરાઈ જતા એ નીકળી પડી દેશ દેશાવર ખૂંદવા. પૈસાની એને કોઈ નવાઈ ન હતી. અને પૈસાને એણે કદી પોતાની મજબૂરી બનવા પણ દીધી ન હતી. જો ગજવા ખાલી હોય તો મૅકડોનાલ્ડની ડોલર મેન્યુની સેન્ડવિચથી પેટ ભરવામાં ય એને કોઈ વાંધો ન આવતો. સિંગાપોર, ટોકિયો પણ એ જઈ આવી. કામ માટે.. બે વરસ એણે કંઈ જ ન કર્યું. પરિભ્રમણ સિવાય. વચ્ચે થોડો સમય એણે હેકિંગ પર પણ એનો હાથ અજમાવી ખાસા એવા પૈસા બનાવી દીધા. સાઉદીના થોડા રઈસ આરબના બેંક એકાઉન્ટ હેક કરી એણે લાખો ડોલર સેરવી લીધા હતા. હાલમાં એ શાંઘાઈ હતી. અને કોઈ કામ માટે કેલિફોર્નિયા આવી ત્યારે જ વીકીનું ઇન્વિટેશન મળતા સીધી વેગાસ આવી ગઈ અને હેરીના શાંત, તન્હા જીવનમાં એક વાવાઝોડાની માફક ફૂંકાઇ હતી. જો કે, એ વાવાઝોડાની આડઅસર એ થઈ કે રૈના ઊડીને ફરી હેરી પાસે આવી ગઈ હતી.

ફૂંકાય છે જ્યારે જીવનમાં કોઈ ઝંઝાવાત
થાય છે ત્યાર પછી જ એક નવી શરૂઆત.

બરાબર એવું જ થયું હેરી – રૈનાના જીવનમાં પણ. હેરી હવે ખુશ રહેવા લાગ્યો. રૈના પણ ધીરે ધીરે બદલાય રહી હતી. આક્રમક બની એ હેરી પર તૂટી પડતી. હેરીને માણતી…કહોને કે હેરીને ભોગવતી…તક મળે ત્યારે…દિવસે…રાતે…સાંજ હોય કે સવાર…! હેરીને પણ આશ્ચર્ય થતું હતું રૈનાના આ રૂપનું. જાણે એ કોઈ રૂપાંગના બની ગઈ હતી. પ્યાસી તરસી… તરસતી…! કે જે હેરીની પ્યારી દુલારી અર્ધાંગના હતી. હેરીને કૅથ સાથે થયેલ એના સ્ખલનનો અફસોસ થયા રાખતો હતો. થતા થતા એ થઈ ગયું હતું. પણ હવે એવું કદી ય ન થાય એવો એણે રૈનાને વિશ્વાસ કરાવી દીધો હતો. અને રૈનાએ પણ કહ્યું હતુઃ ફરગેટ હર.લાઈક શી વોઝ અ બેડ ડ્રીમ!એક દુઃસ્વપ્ન..!

બન્નેની જીવનની ઘટમાળ ફરી બરાબર ફરવા લાગી. હેરીને નવા નવા પ્રોજેક્ટ મળ્યા હતા. જો કે હાઉસિંગ માર્કેટ ડાઉન હતું. પણ એનું કામ વધતું જતું હતું. તો રૈનાના ડ્રેસ હવે દેશદેશાવરમાં પ્રખ્યાત થઈ રહ્યા હતા. એની વેબસાઈટ પણ એણે અપડેઈટ કરી અને ઓનલાઈન ઓર્ડર દુનિયાભરમાંથી મળવા લાગ્યા. એ પહેલાં કરતા વધારે વ્યસ્ત રહેવા લાગી. ઉપરાંત એનું ધ્યેય હતું બોલીવૂડમાં પ્રવેશ. જો એક વાર બોલીવૂડમાં પ્રવેશ થઈ જાય તો પછી ભયોભયો..! અને હવે તો ઘણી ફિલ્મોનું શુટિંગ યૂએસમાં થતું એટલે એના સંપર્ક વધતા જતા હતા. એણે સોલો ફેશન શો કરવાનું આયોજન કરવા માંડ્યું હતું.

શુક્રવારની સાંજે રેડ વાઈનના બે પયમાના ભરી એક પયમાનું હેરીએ રૈનાને આપ્યું. ગ્રીલ પર એસ્પરેગસ અને ચિકન સેકાઇ રહી હતી. એની મીઠી સુવાસ બેક યાર્ડમાં પ્રસરી રહી હતી. આઈપેડ પર રૈના એની અને હેરીની ઈમેઇલ ચેક કરી રહી હતી.

‘ચિયર્સ…!’ રૈનાએ એનું ગ્લાસ હેરીના ગ્લાસ સાથે ટકરાવી સહેજ હસીને પુછ્યું, ‘મિ…ર…ઝા…ગા..લિ…બ…?’

‘ય..સ..હની!’ હસતા હસતા હેરીએ જવાબ આપ્યો, ‘કાશ એકાદ ગ્લાસ પેટમાં જતા હું પણ ગાલિબની જેમ ગઝલ કરવા પણ માંડુ!’

‘યૂ આર ક્રેઝી એઅબાઉટ ધીસ વાઇન!’ એક વાર બન્ને એડિસન ગયા હતા ત્યાં ચાઈનિઝ રેસ્ટોરાંમાં બન્નેએ ફ્રેન્ચ રેડ વાઇન મિરઝા ગાલિબ પીધો હતો અને ત્યારથી હેરી એ વાઇનનો દિવાનો થઈ ગયો હતો એટલે હસતા હસતા રૈનાએ કહ્યું, ‘જો વાઈન પીવાથી જ તુ ગાલિબ બની જાય તો ભલે આખી બોટલ ગટગટાવી જા.. પણ તું વાઈન પીને સ્વાઈન બનીને મારા તૂટી પડે છે એ તને જાણ નથી…!’

‘વાઈન…સ્વાઇન…ફાઈન…! ડાર્લિંગ યૂ આર માઈન…’

‘અરે વાહ..!પીધા જ પહેલાં જ તું તો ગાલિબ બની ગયો.. અંગ્રેજ ગાલિબ…!’ વાઇનને ગ્લાસમાં ગોળ ગોળ ફેરવતા રૈનાએ હસીને કહ્યુ, ‘મને ખાવાનું આપ.. કકડીને ભૂખ લાગી છે. આખું વિક તો બહુ દોડધામ રહી, હેકટિક…!’

‘હું પણ ડેમ બીઝી હતો.’ વાઈનનો એક નાનો ઘૂંટ ભરી હેરીએ કહ્યું, ‘વિક એન્ડમાં તો બસ તને વળગીને સૂઈ રહેવું છે…!’

‘મારે પણ…’ પોતાની અંગત ઇમેઈલ ચેક કર્યા બાદ આઈ પેડ પર રૈનાએ હેરીની ઇમેઇલ તપાસવા માંડી. જંક ઈમેઈલ ડીલીટ કરતા કરતા એક ઈમેઈલનું આઈડી જોતા એ ચોંકી.

હેરી તો ગ્રીલ પર વ્યસ્ત હતો.

રૈનાએ ધ્રૂજતી આંગળીએ ઇમેઇલ ખોલવા આઈપેડના સ્ક્રીનને સ્પર્શ કર્યો અને સ્ક્રિન પર ઇમેઇલ વાંચવા માંડી.

-હાય ડાર્લિંગ,

હાઊ યૂ ડૂઈંગ? આઈ એમ સ્યોર યૂ આર ડૂઈંગ ગ્રેઈટ. બટ આઈ મે નોટ. આઈ એમ મિસિંગ યૂ માય લવ. ફ્રોમ બોટમ ઓફ માય હાર્ટ યૂ આર મિસ્ડ.. ફ્રોમ બોટમ ઓફ માય સૉલ યૂ આર મિસ્ડ. વ્હેન આઈ બ્લિન્ક.. આઈ કેન સી યૂ…બટ યૂ આર નોટ વીથ મી. લવ યૂ.. લવ યૂ… લવ યૂ.. ફોર એવર…

યોર કૅથ.

એક જ ઘૂંટમાં એ વાઈન ગટગટાવી ગઈ.

-સો બીચ એમ પીછો છોડે એમ નથી. એ ગણગણી..

‘વ્હોટ…? યૂ ફિનિશ્ડ…!’

‘કમ હીયર…!’ રૈનાએ કહ્યું, ‘ધ બીચ ઇસ સ્ટીલ મિસિંગ યૂ…!’ કહી એણે આઈપેડ હેરી તરફ લંબાવ્યુ.

હેરીએ પણ એ ઈમેઇલ વાંચી. એ માની જ શકતો ન હતો કે કૅથ આ રીતે એને ઈમેઇલ કરશે. એનું હ્રદય ધક ધક ધડકવા લાગ્યું.

‘હની! આઈ ડીડ નોટ રિસ્પોન્ડ હર…!’ એને ડર હતો કે રૈના ફરી વિષાદમાં સરી પડશે. એના પર શક કરવા લાગશે.

‘આઈ નો…’ રૈનાએ આઈપેડ લઈ, ‘કેન આઈ રિપ્લાય ઓન બીહાલ્ફ ઓફ યૂ?’

‘સ્યોર…!’ હેરીએ, ‘ઑફ કોર્સ…!’ હેરીએ પણ એક જ ઘૂંટમાં વાઈન ખાલી કર્યો અને એનો અને રૈનાનો ગ્લાસ ફરી ભર્યો. આજે નશો થવામાં વાર લાગવાની હતી. એક એકરના બેક યાર્ડની લીલીછમની લોનની વચ્ચે હેરીએ ગઝીબો બનાવ્યો હતો અને એમાં બન્ને વિશાળ સોફા પર બેઠા હતા. સૂરજ ડૂબવાની તૈયારી કરી રહ્યો હતો એટલે હેરીએ ખૂલ્લા ગઝીબોની ચારે તરફ લગાવેલ નાયલોનની જાળ ફેલાવી દીધી. રૈનાએ એની સંખ્યાબંધ મનપસંદ યાન્કી કેન્ડલ પ્રજ્વલિત કરી ફરી વાઈનનો ગ્લાસ ભરી સોફાને બેડ બનાવી આંખો બંધ કરી સૂતી.

વાઈનના પયમાના પછી પયમાના ખાલી થયા. માદક સુવાસ ધીમે ધીમે પ્રસરવા લાગી. હેરી બધું જ વીસરી જવા માંગતો હતો. તો રૈના પણ. તો ય,

થતો નથી હવે કોઈ નશો અને દોષ મયનો નથી કશો.
સીમાઓ એ જ રહી ને બદલાય ગયો જિંદગીનો નકશો.

રૈનાએ હેરીના બન્ને હાથ પકડી પોતાની નજદીક ખેંચ્યો. બે નશા ભેગા થઈ ગયા હતા એની કથ્થઈ આંખોમાં…!

હેરી ફેલાઈ ગયો રૈના પર… રેલાઈ ગયો રૈના પર…! પણ હેરીને એ જાણ ન હતી કે વાઈનના નશામાં કે પછી વાસનાની રેલછેલમાં શરીર સુખ માણતી વખતે એ કૅથરિનનું નામ રટી રહ્યો હતો! ગણીગણી રહ્યો હતો…! એની બાહોમાં હતી રૈના… તો કદાચ એના માનસમાં સંતાઈ હતી કૅથરિન…!

નિશા બન્નેએ ગઝીબોમાં જ વીતાવી. સવારે પંખીઓના કલરવે પ્રથમ હેરીને જગાડ્યો. વહેલી સવારની મીઠી મીઠી ઠંડક વાતાવરણને તાજુ બનાવી દીધું હતું. રૈના ઘસઘસાટ ઊંઘતી હતી. એને હેરીએ બ્લેન્કેટ બરાબર ઓઢાડ્યું. હેરીનું માથું ભારી હતું. એને અચાનક કૅથની ઈમેઇલ યાદ આવી જેનો રૈનાએ જવાબ આપ્યો હતો. એના વતી. તો શું જવાબ આવ્યો એ જાણવાની એની તાલાવેલી પણ હતી. આઈપેડ એણે ચાલુ કર્યું. એના આશ્ચર્ય વચ્ચે રૈનાએ જે જવાબ આપેલ એ પરત આવ્યો હતો. જે ઈમેઇલ આઈડી પરથી ઇમેઇલ આવેલ એ ખોટું છે એવા સંદેશ સાથે.. ડિલીવરી ફેઈલ્યોરના મૅસેજ સાથે..

-ઓહ…! સો શી ઇસ વેરી સ્માર્ટ…!

-હવે…?

-કેવી રીતે બચવું એનાથી…?!

હેરી જલ્દીથી ઘરમાં ગયો. એનો આઈફોન ઘરમાં હતો. એમાં કૅથરિનના સેલફોનનો નંબર હતો. એના પર એ ડાયલ કરી કૅથને એ કહી દેવા માંગતો હતો કે એનો પીછો છોડી દે સદાને માટે! પહેલાં તો આઈફોન ન મળ્યો. એ ટ્રકમાં જ ભૂલી ગયો હતો. ત્યાંથી લઈ આવ્યો. તો એમાં ય એ જ મેસેજ હતો કે જે ઈમેઇલમાં હતો.

-ઓહ…! જરાય વિચાર કર્યા વિના ગુસ્સાથી જે નંબર પરથી મેસેજ આવેલ એના પર વાત કરવાનો એણે પ્રયાસ કર્યો તો ઉત્તર મળ્યોઃ ધ નંબર યૂ હેવ ડાયલ્ડ ઇસ નોટ ઇન સર્વિસ… પ્લિસ ચેક ધ નંબર એન્ડ ડાયલ અગેઈન.

-ડેમ…ઈ…ટ…! એક ક્ષણ તો હેરીને આઈફોન ફેંકી દેવાનું મન થઈ આવ્યું. પણ એણે માંડ માંડ ગુસ્સા પર કાબુ રાખ્યો. આઈફોન લઈ એ ફરી બેકયાર્ડમાં ગઝીબોમાં આવ્યો. એનું હ્રદય ધક ધક ધડકતું હતું.

‘ગુડ મોર્નિંગ જા…ન…!’ પંખીઓના કલરવને કારણે રૈના પણ જાગી ગઈ. બ્લેન્કેટ પોતાના અર્ધ ઉંઘાડા તન પર ખેંચતા એણે પ્રેમથી હેરીને પાસે આવવા ઇશારો કર્યો અને હેરી એના પડખે ભરાયો. રૈના હેરીના વાળમાં હાથ ફેરવવા લાગી.

‘જાનુ…! મેં કૅથનો કોન્ટેક્ટ નથી કર્યો. આઈ સ્વૅએર…!’

-તો પણ એ તારા મનમાં છે…! શબ્દ થૂંક સાથે ગળી જઈ રૈનાએ મલકીને કહ્યું, ‘આઈ નો…! આઈ ટ્રસ્ટ યૂ.’

‘બટ…!’

‘પ્લીઝ… ડુ નોટ થિન્ક ટૂ મચ! એન્ડ ગેટ મી એ કોફી.. ડાર્ક…!’

‘સ્યોર…!’

દિવસો પછી દિવસો વિતવા લાગ્યા. હેરી એના કામમાં વ્યસ્ત. તો રૈના એના કામમાં…

બે અઠવાડિયા પછી ફરી હેરી પર ઈમેઇલ આવી. પહેલાં કરતા અલગ જ આઈડી પરથી.

-માય લવ,

ઇટ ઇસ ઑલ મોસ્ટ ઇમ્પોસિબલ ફોર મી ટુ લિવ વિધાઉટ યૂ. એન્ડ આઈ નો યોર કન્ડિશન ઇસ ધ સેઈમ. માય ટાઇમ ઇસ સ્ટોપ્ડ.. માય ક્લોક ઇસ આઉટ ઑફ ઓર્ડર…! સોરી ટુ સે…! બટ આઈ એમ થિન્કિંગ એબાઊટ યૂ ટ્વેન્ટિ ફોર સેવન. એવરી મોમેન્ટ ઓફ માય લાઈફ.. આઈ બ્રીધ યૂ… આઈ બ્રીધ ફોર યૂ, માય સ્વીટ હાર્ટ!

હેરી સ્તબ્ધ… રૈના બેચેન…!

હેરીને ડર હતો કે રૈનાનું ડિપ્રેશન ફરી હુમલો કરશે. કૅથને એ પહોંચી શકતો ન હતો. એને ઉત્તર આપતો તો એ પાછો આવતો. ફેઈસબૂક પર પણ એણે કૅથનું પ્રોફાઈલ શોધવાની કોશિષ કરી તો એ શોધી ન શક્યો. પહેલાં તો એ એના ફ્રેન્ડ લિસ્ટમાં હતી. ક્યાં તો કૅથે એને બ્લોક કરી દીધો હશે અથવા તો કૅથે એનું પ્રોફાઈલ ડિએક્ટિવેઈટ કરી દીધું હશે..!

-તો….એ કૂતરી સહેલાઈથી પીછો છોડે એમ નથી! હેરી વિચારતો હતો..!

રૈનાને પણ અંદર અંદર ડર લાગતો હતો, ‘હેરી…! આઈ એમ સ્કેર્ડ..! સમથિંગ ઇસ રોંગ…! હર અબ્સેશન ફોર યૂ ઇસ મેઇકીંગ મી સ્કેર્ડ…! આઈ ડુ નોટ વોન્ટ ટુ લૂઝ યૂ.. મારે તને ખોવો નથી…!’

‘આઈ એમ યોર્સ…ફોર એવર…!’ હેરીએ રૈનાને બાથમાં લીધી, ‘ઇટ વોઝ માય બીગેસ્ટ મિસ્ટેક આઈ સ્લેપ્ટ વિથ હર…!’ હેરીનો પસ્તાવો એના ચહેરાને વિચલિત કરી ગયો. એક કાલિમા છવાવા લાગી હતી એના ચહેરા પર… ! એ રાતે ઊંઘી શકતો ન હતો. રાતે પણ ચમકીને જાગી જતો. રૈનાને એણે ખોઈ દીધી છે એવા દુઃસ્વપ્ન સતાવતા. પણ પડખે રૈનાને સૂતેલ જોઈ એને ધરપત થતી.

હેરી કદી ય આટલો ચિંતિત રહ્યો ન હતો જેટલો અત્યારના સંજોગમાં એ રહેતો હતો. કૅથનો ભરડો ધીમે ધીમે વધતો જતો હતો. સાવ નિઃસહાય હોવાનો એક ડંખ એને કોરી ખાતો હતો.

-અને થોડા દિવસો બાદ ફરી કૅથનો પત્ર મળ્યો ઘરના મેઈલ બોક્ષમાંથી!

થાકીને સાંજે એ ઘરે આવ્યો ત્યારે રૈના મેઇલ ચેક કરી રહી હતી. અને એક સુગંધી એન્વેલપમાં ગુલાબી કાગળ પર ટાઇપ કરેલ પત્ર હતો. એ જ વાત રટી હતી કૅથે… કે એ હેરી વિના જીવી શકે એમ નથી અને હેરીને મેળવવા એ કંઈ પણ કરી શકે.. કંઈ પણ…!

પત્ર ક્યાંથી પોસ્ટ થયો એ જોવા હેરીએ કવર તપાસ્યું તો જોયું કે પોસ્ટ ઑફિસનો કોઈ સિક્કો જ ન હતો. કે ન સ્ટેમ્પ.. ન તો કોઈ ટિકીટ હતી એના પર…!

-ઓહ.. તો એ આવ્યો કેવી રીતે ઘરનાં મેઈલબોક્ષમાં…?

-તો શું કૅથ ઘર સુધી આવી પહોંચી છે…?!

-ઓહ… નો…!

‘વોટ આર યૂ થિન્કીંગ…?’

‘નથ્થીંગ…!’ જાણે ભીના વાળમાંથી પાણી ખંખેરતો ન હોય એમ હેરીએ એનું માથું હલાવ્યું. એ એનો ડર રૈનાને તબદીલ કરવા માંગતો ન હતો. કદાચ, એ ડર રૈના પચાવી ન શકે!

પણ હેરી ખરેખર અંદરથી ધ્રૂજી ગયો હતો.

કૅથનો સંપર્ક કરવો ખાસ જરૂરી હતો. એક વાર એને રૂબરૂ મળી સમજાવી શકાય એમ હેરી માનતો હતો. પરંતુ, કૅથ સરળતાથી હાથમાં આવે એમ ન હતી.

હેરીની માનસિક હાલત દિવસે દિવસે કથળતી જતી હતી. આંખો ફરતે કુંડાળા ઘાટા થવા લાગ્યા. દાઢી પણ વધી ગઈ હતી. રૈના એના કામમાં વધારે વ્યસ્ત રહેતી હતી. થોડા દિવસ તો એ પ્રવાસમાં જ રહી. શિકાગો ખાતે એના સલવાર-કમીઝ, ચૂડીદાર, કુર્તિ, સાડીનું એક્ઝિબિશન યોજી રહી હતી એટલે બધું વીસરી એણે એનાં પર વધારે ધ્યાન આપવું પણ જરૂરી હતું.

રૈના શિકાગો ગઈ હતી ત્રણ દિવસથી. વિક એન્ડમાં હેરી એકલો જ હતો અને ઘરમાં દિવાલો પર કલર કરવાનો એનો ઇરાદો હતો. ગમે એમ એ ખુદને કામમાં રોકાયેલ રાખવા માંગતો હતો. એને મદદ કરવા એના બે સહકાર્યકર પણ આવવાના હતા. ઊંઘ ઊડી જતા એણે તૈયારી કરવા માંડી હતી. જેથી પ્રોજેક્ટ સમયસર પૂરો થાય.

ત્યાં જ એનો ફોન રણક્યો. સામે રૈના હતી શિકાગોથી, ‘ગૂડ મોર્નિંગ જાનુ…!’

‘ગૂડ મોર્નિંગ માય લવ.. હાઊ આર યૂ? આઇ મિસ યૂ…!’

‘મી ટૂ.. બટ સમવન અધર ઈસ ઓલ્સો મિસિંગ યૂ મોર ધેન મી…!’ હસીને કે હસવાનો અભિનય કરતા રૈના બોલી, ‘યૂ નો હૂ…!’

-ઓહ…! તો કૅથે ફરી શું કર્યું? હેરી મૌન જ રહ્યો.

‘ચેક યોર ઈમેઈલ…! નાઊ…!’ કહીને રૈનાએ ફોન ડિસકનેક્ટ કરતા કહ્યું, ‘પ્લીસ બી કેરફૂલ…! આઈ લવ યૂ…! શી ઇસ નાઊ હોરિબલ.. અને મને હવે ડર લાગે છે…!’

હેરીએ લેપટોપ ઓન કર્યું. ઇનબોક્ષ પર ક્લિક કરી મેઈલ જોવા માંડી. કેટલીક જંક મેઈલ હતી. એ ડિલિટ કરતા કરતા એ રૈના કહેતી હતી એ ઈમેઇલ પર પહોંચ્યો.. ફરી નવો જ ઈમેઇલ આઈડી!

-ઓહ…! આઈડી પર નજર પડતા જ હેરી ધ્રૂજી ગયો.

-ડાર્લિંગ,

યૂ લૂક કિલર વિથ બ્રિટલ બિયર્ડ! સુપર વિથ સ્ટબલ…!

-તો એને એ ય જાણ છે કે મેં દાઢી વધારી છે…! હેરીને હેરત થયું. સ્ક્રોલ કરી એણે ઈમેઇલ આગળ વાંચવા માંડી. એ જ વળગણ હતું શબ્દે શબ્દે… પરંતુ છેલ્લું વાક્ય અલગ હતું. આઈ હેઈટ યૂ…! અને એ ત્રણ વાર રિપિટ કર્યું હતું. અને લખ્યું હતું કે, ઇફ યૂ આર નોટ માઈન… યૂ શુડ નોટ બી ફોર એનીવન! ગેટ રેડી ટૂ બી ઓન્લી માઈન…!

-ઓહ… હવે શું કરવું આનું?

-રૈના શું સમજતી હશે? હેરી નિઃસહાય થઈ ખુરશી પર ફસડાય પડ્યો.

-એ અહીં જ ક્યાંક હતી. કૅથ આસપાસ જ હતી. અને એની નજર હેરી પર હતી. હવે એ ધીરે ધીરે હેરીને ધિક્કારવા લાગી હતી! કહેવાય છે કે પ્યારનુ અતિ વિકૃત રૂપ છે ધિક્કાર…!

શું કરવું સમજ પડતી ન હતી હેરીને! એણે કૅથ તરફથી આવેલ બધી જ મેઈલ ડિલિટ કરવા માંડી. સદાને માટે…!

-શું મેઈલ ડિલિટ કરવાથી કૅથનો પીછો છોડાવી શકાશે? એના મને એને પૂછ્યું. એનો કોઈ ઉત્તર ન હતો હેરી પાસે. બાર પાસે જઈ હેરીએ ગ્રીન લેબલ વ્હિસ્કીનો પતિયાલા પેગ બનાવ્યો મોટા ગ્લાસમાં. ફક્ત શુદ્ધ વ્હિસ્કીનો નાનકડો ઘૂંટ ભર્યો. એક ઉષ્મા – દાહ મ્હોંથી અન્નનળી સુધી ફરી વળી. રેફ્રિજરેટરમાંથી બરફ લઈ એણે ગ્લાસમાં બરફના ચોસલાં ભર્યા અને અને ગ્લાસની દિવાલો સાથે એ ચોસલા અથડાતા જે રણકાર થતો હતો એ સાંભળતા સાંભળતા એણે ગ્લાસ હલાવવા માંડ્યો, ખાલી કરવા માંડ્યો.

-નાઉ વોટ?

અચાનક યાદ આવતા એણે ફોન કરી એના સહકાર્યકરને આવવા માટે ના પાડી દીધી.

વહેલી સવારથી એ પીતો રહ્યો. એની જિંદગીમાં કદી ય એણે આટલી વહેલી સવારે પીધું ન હતું. પરંતુ, જાણે એનો ખુદ પર કોઈ જ કાબૂ રહ્યો ન હતો. અને આજે એને રોકવાવાળું પણ કોઈ ન હતું એની પાસે. પીતો રહ્યો એ જ્યાં સુધી એ પીને બેહોશ ન થઈ ગયો.

માંડ માંડ ડગમગતા કદમે લિવિંગ રૂમમાં ગોઠવેલ સોફા પાસે ગયો અને સૂઈ ગયો. નશામાં, નિંદરમાં, પણ એને કૅથરિન જ દેખાઈ. એના પર સવાર થયેલ કૅથ… એને ચુંબનો પર ચુંબન કરી ગુંગળાવી દેતી કૅથ… ઉન્નત વક્ષસ્થળ વાળી સુંવાળી કૅથ…ચીસો પાડતી કૅથ…ઊના ઊના શ્વાસ ભરતી કૅથ…ઊછળતી કૅથ…તરફડતી કૅથ…મુલાયમ રેશમી ગુલાબી ત્વચા વાળી કૅથ…! કૅથ… કૅથ… કૅથ… કૅથ…!

વિક એન્ડ એમ જ તન્હા તન્હા વીતી ગયો હેરીનો. અંદર અંદર એને ડર લાગવા માંડ્યો હતોઃ કૅથરિનનો.. એ હવે કંઈ પણ કરી શકે…! કંઈ પણ…અને એને રોકવી જરૂરી હતી.

બુધવારે શિકાગોથી રૈના આવી ગઈ. એનું એક્ઝિબેશન સફળ રહ્યું હતું. એ ખુશ હતી. થોડો સમય પસાર થઈ ગયો. પરંતુ હેરી બેચેન હતો. જો કે થોડા વખતથી કૅથ તરફથી કોઈ સંદેશ આવ્યો ન હતો.

‘આઈ એમ ગેટિંગ ગન…!’ હેરીએ રૈનાને કહ્યુ, ‘ફોર સેફ્ટી… માય સેફ્ટી…અવર સેફ્ટી..!’

‘ગન…?!’ રૈનાને નવાઈ લાગી…

‘આઈ મીન રિવોલ્વર…!’

‘આર યૂ સ્યોર…!’

‘યસ…આઈ એમ…! આઈ ઓલ રેડી ગોટ પરમિટ…લાયસન્સ…ફોર ફાયર આર્મ્સ!’

‘ઓ…કે…!’ રૈનાને સહેજ ડરીને કહ્યું, ‘બટ બી કેરફૂલ…!’

‘આઈ વીલ ડાર્લિંગ…!’

ત્રણ મહિના ઠંડા શિયાળાના પસાર થઈ ગયા. અને ત્રણે ય મહિનાઓ દરમ્યાન કૅથરિનનો કોઈ સંદેશ આવ્યો ન હતો. એટલે હેરી થોડો નચિંત હતો. કસરત, યોગ, અને પ્રાણાયમ મારફત ફરી એ તાજો-માજો થઈ ગયો હતો. વળી શિયાળા દરમ્યાન એનું કન્સ્ટ્રક્સનનું કામ પણ ધીમું પડી જતુ. ઉનાળો બહુ સરસ રહ્યો હતો એની કન્સ્ટ્રક્સન કમ્પની માટે. એ ખાસુ કમાયો હતો. એની ઘણા વખતથી એક ઈચ્છા હતીઃ એક પોર્સે કાર ખરીદવી… અને હવે એ સમય આવી ગયો હતો. રૈના પણ ચાહતી હતી કે એક લક્ઝરી કાર હોય ટૂ સિટર… અને બન્ને એમાં લોંગ ડ્રાઈવ પર નીકળી પડે... જ્યારે સમય મળે ત્યારે…!

વેલેન્ટાઇન ડે આવી રહ્યો હતો અને એ દિવસે હેરીએ રૈનાને સપ્રાઇઝ કરી દીધીઃ નવી નકોર કાર પોર્શે બૉક્સટર જીટીએસ આપીને…! બ્લેક કનવર્ટિબલ બૉક્સટર જીટીએસ જોઇને રૈના ઊછળી જ પડી હતી…! ચુંબનો વડે હેરીને એણે નવડાવી દીધો…!

હેરી ખુશ હતો… જિંદગી જીવવાની ફરી મજા આવી રહી હતી. માર્ચના પ્રથમ અઠવાડિયામાં મોન્ટ્રિયાલ ખાતે ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ હતો. રૈનાને ખાસ નિમંત્રણ મળ્યું હતું. અને આ એક તક હતી. ઉમદા તક બોલીવૂડમાં સંપર્ક વધારવાની. એણે હેરીને પણ તૈયાર કર્યો અને શનિવારે વહેલી સવારે નીકળી સાંજ સુધીમાં મોન્ટ્રિયાલ પહોંચી જવાનું આયોજન હતું.

રૈના વહેલી ઊઠીને તૈયાર થઈ ગઈ હતી. સામાન મુકવા એ બહાર ગઈ. અને સ્તબ્ધ થઈ ગઈ. ડ્રાઇવ વેમાં બૉક્સટર પાર્ક કરેલ હતી. ગઈ કાલે સાંજે જ હેરી એને ડિલરને ત્યાંથી સર્વિસ કરાવી આવ્યો હતો. અને ગરાજમાં મુકવાને બદલે એણે એ ડ્રાઈવ વેમાં જ પાર્ક કરી હતી. અને એ કાર અત્યારે ફૂટેલ ઈંડાઓથી છવાઈ ગઈ હતી. જાણે ઈંડાનો વરસાદ વરસ્યો ન હોય કાર પર…!

કાળી ચકચકિત કાર પર છવાયેલ ઇંડાના અસંખ્ય સફેદ કોચલા અને પીળી જરદી કારણે બૉક્સટર એકદમ વિકૃત લાગતી હતી…ગંદી ગોબરી… ઈંડાની દુર્ગંધ ડ્રાઈવ વેમાં ફેલાઇ ગઈ હતી.. રૈનાને એક ઊબકો આવ્યો…! મ્હોં પર હાથ રાખી એ ઊબકાને ખાળી એ દોડી ઘરમાં બાથરૂમ તરફ…!

કારની હાલતથી અજાણ એવો હેરી રૈનાને આમ અચાનક ઊલટી કરતા જોઈ મનોમન ખુશ થયોઃ શી મસ્ટ બી પ્રેગ્નનન્ટ…!

રૈના ઊલટી કરી રહી હતી એટલે પાણીનો ગ્લાસ લઈ હેરી બાથરૂમમાં ગયો અને રૈનાની પીઠ પર હાથ ફેરવવા લાગ્યો.

ઉલટી અટકતા રૈના હાંફતા હાંફતા બોલી, ‘શી ઇસ હીયર.. ધ બ્લડી વીચ ઇસ હિયર..!’ શ્વાસ રોકી ચીસ પાડી એ ફરી બોલી, ‘ધ બ્લડી બીચ ઇસ હિયર..!’

‘વ્હોટ…?’ પ્રથમ તો હેરીને કંઈ સમજ ન પડી, પણ રૈનાની આંખોમાં ડર હતો. એ નીહાળી એ ચિંતિત થયો.

‘વ્હેર ઈસ ગન…?’ રૈનાએ અચાનક પુછ્યું, ‘વ્હેર ઇસ ગન… ??’ રૈનાની આંખોમાં ગુસ્સો તગતગતો હતો, ‘આઈ વીલ કિલ હર…!’

હેરીને સમજ પડતી ન હતી. રૈના દોડીને બેડરૂમમાં ગઈ. બેડરૂમનાં ક્લૉઝેટમાં રાખેલ સ્મિથ એન્ડ વેશનની રિવોલ્વર જમણાં હાથમાં લઈ તાકતી એ બહાર દોડી. એની પાછળ દોડ્યો હેરી. હવે એને ખરેખર ડર લાગ્યો, ‘વ્હોટ હેપન્ડ??’

‘કમ ઓન બીચ વ્હેર આર યૂ…??’ રૈના ડ્રાઈવ વેમાં જોર જોરથી બરાડી, ‘કમ ઓન બીચ વ્હેર આર યૂ…! કમ ઓન…આઈ વિલ કિલ યૂ…!’ કહી એણે હવામાં ફાયર કરવાનું શરૂ કર્યું અને આખી રિવોલ્વર ખાલી કરી દીધી.. ધાંય… ધાંય… ધાંય… સાતે સાત રાઉન્ડ હવામાં આડેધડ…! હેરીનું બધું જ ધ્યાન રૈના પર હતું અને એ રૈનાને કાબૂમાં લેવા માંગતો હતો, એના ગુસ્સાને કાબૂમાં લેવા માંગતો હતો. કમરમાંથી એણે રૈનાને પકડી લીધી. અને રૈના છટકવાની કોશિષ કરતી હતી. એ તો સારું હતું કે હેરીનું ઘર અલગ વિસ્તારમાં હતું. અને નજીકનું ઘર થોડા સમયથી બંધ હતું. નહિંતર વહેલી સવારે ગોળીબારના અવાજથી તહલકો મચી જાત.. અને એની હેરીને ચિંતા હતી…

‘વોટ હેપન્ડ…?!’ હેરીને રૈનાને બાહોંમાં પકડી રાખી હતી.

અને અચાનક એની નજર એની નવી નકોર કાર બૉક્સટર પર પડી અને એનું હ્રદય પણ એક ધબકારો ચૂકી ગયું.

-ઓહ…! એની કારની હાલત નિહાળી એનો ગુસ્સો પણ સાતમા આસમાને પહોંચી ગયો..

-બીચ…! ડાયન…! હવે તો એ હદ વટાવી ગઈ. એની એ હિમ્મત કે મારી કારની આવી હાલત કરે…!ડેમ ઈટ…! હેરીને સમજ પડતી ન હતી કે શું કરવું. રૈના ડ્રાઈવ-વેમાં ફસડાઈ ગઈ હતી. એ હાંફી રહી હતી. સવારની ખુશનુમા ઠંડીમાં પણ એ પરસેવે રેબઝેબ થઈ ગઈ હતી. એને બાવડાથી પકડી હેરીએ ઊભી કરી અને આઘોષમાં લઈ રૈનાને ઘરમાં લઈ આવ્યો અને લિવિંગ રૂમમાં સોફા પર બેસાડી. અંદરથી ગ્લાસમાં પાણી લાવી એણે રૈનાને પીવા આપ્યું. રૈના આખો ગ્લાસ ખાલી કરી ગઈ.

‘લેટ મી કોલ પુલિસ…!’ કંઈક વિચારી હેરીએ કહ્યું.

ખાલી ખાલી આંખે રૈના હેરીને જોવા લાગી. એની આંખોમાં છવાયેલ અવકાશ જોઈ હેરીને ફાળ પડી…

‘વાય…? વાય…ડીડ યૂ સ્લિપ વીથ હર…?’ ધ્રૂસકું નાંખી રૈના ભીની ભીની આંખે બોલી, ‘વાય… વાય.. વાય…?’

‘……………!’ શું જવાબ આપે હેરી. એની પાસે ક્યાં કોઈ ઉત્તર હતો?

ડૂસકું રોકી રૈનાએ પુછ્યું, ‘વોટ વીલ યૂ સે ટુ કૉપ…? શું કહેશે પોલિસને કે તું એની સાથે સૂતેલ એનો બદલો એ લઈ રહી છે?’

‘……………!’ હેરી મૌન..

ઊંડો નિઃશ્વાસ નાંખી રૈના સોફા પરથી અચાનક ઊભી થઈ. એક નજર એણે હેરીએ સાઈડ ડેસ્ક પર મૂકેલ રિવોલ્વર પર કરી જે એણે થોડા સમય પહેલાં જ ખાલી કરી નાંખી હતીઃ જિંદગી આ ખાલી રિવોલ્વર જેવી તો નથીને? એક વિચાર આવીને અટકી ગયો રૈનાનાં ખાલી ખાલી મગજમાં…રિવોલ્વર ફરી ભરી શકાય છે.. તો જિંદગી કેમ નહીં?

‘ક્લિન અપ ધ મેસ…!’ હતાશ હેરીના વાળ ખોરવી નાંખી હસવાનો અભિનય કરતા રૈના બોલી, ‘વી હેવ ટૂ લીવ ફોર મોન્ટ્રિયાલ…મારે દિપીકાની એપોઇન્ટમેન્ટ છે…આઈ ડોન્ટ વોન્ટ ટૂ મિસ…!’ અને રિવોલ્વર તરફ નજર કરી કહ્યું, ‘પ્લીસ… લૉડ ઈટ અને ટેઈક વીથ અસ…’

હતાશ હેરી બહાર ગયો. પાઈપ નળ સાથે જોડી એણે એની કાર પર પાણી છાંટવા માંડ્યું. ઇંડાની જરદી સુકાઈ ગઈ હતી એટલે સાફ કરતા વાર લાગી. થાય એટલું સાફ કરી બન્ને નીકળી પડ્યા મોન્ટ્રિયાલ જવા માટે. રસ્તામાં પ્રથમ હેરીએ કારવોશમાં જઈ ઉપરાઉપરી બે વાર કાર ધોવડાવી.

મોન્ટ્રિયાલનો ફેરો સફળ રહ્યો. ત્રણ દિવસ ક્યાં પસાર થઈ ગયા એની જાણ પણ ન થઈ. બોલીવૂડના ઘણાં કલાકારોને મળવાનો મોકો મલ્યો. દિપીકાને રૈનાએ ડિઝાઇન કરેલ ડ્રેસ પસંદ આવ્યા હતા અને એણે મોટો ઓર્ડર નોંધાવી દીધો એટલું જ નહીં પણ જ્યારે તક મળે ત્યારે એને મુંબઈ આવવાનું નિમંત્રણ પણ આપ્યું. રૈના જાણે બધું જ વીસરી જિંદગી જીવવા માંગતી હતી… અને જિંદગી એની પાસે ઘણું માંગતી હતી…!

હેરીને અંદર અંદર તૂટતો જતો હતો. રાતે સૂતો ત્યારે લૉડેડ રિવોલ્વર એના કિંગ સાઈઝના પલંગની બાજૂમાં સાઈડ ડેસ્કના ખાનામાં રાખતો. એને થતું હતું કે કૅથરિન ખુદ કે એના કોઈ માણસ દ્વારા એને ખતમ કરી નાંખશે. પતાવી દેશે…!

* * * * * * * * * * * *

જેફરસન ટાઉનશિપના પોલિસ ડિપાર્ટમેન્ટમાં ભારે ચહલ પહલ હતી. ઑફિસર ઓફ ચીફ કેવિન ક્રેગ પર ભારે જવાબદારી આવી ગઈ હતી. એ એક બાહોશ ચીફ હતા. પણ હેરી મર્ડર કેસ એમના માટે અને એમના પોલિસ ડિપાર્ટમેન્ટ માટે એક મોટી ચૅલેન્જ હતી. એક મોટો પડકાર હતો!

ઑફિસર કેવિને હેરી મર્ડર કેસ ઊકેલવા એમના કાર્યક્ષમ અધિકારીઓની ખાસ નિમણૂંક કરી હતી અને એમાં ડિટેક્ટટિવ સાર્જન્ટ જેમ્સ ક્રુસોની અગત્યની જવાબદારી સોંપી હતી. જેમ્સ અને એના ડિક્ટેટિવોએ હેરીના ઘરની બે દિવસ સુધી જીણવટભરી તપાસ કરી.

ઘરના પાછળનો સ્ટ્રોમ ડોરનો કાચ તોડી ખૂનીએ ઘરમાં પ્રવેશ કર્યો હતો. હેરીના શબની ઑટોપ્સીનો રિપોર્ટ આવી ગયો હતો. વહેલી સવારે છથી સાત વાગ્યા વચ્ચે એને પોઇન્ટ બ્લેન્કથી બે ગોળી મારવામાં આવી હતી. નવ મિમિના બે રાઉન્ડ ઉપરાછાપરી ધરબી દેવામાં આવ્યા હતા, એક કપાળમાં અને એક ગુપ્તભાગમાં…! અને હેરીને ઊંઘમાં જ મરણ શરણ થયો હતો. અને હેરીને મારવામાં એની જ સ્મિથ એન્ડ વેસન રિવોલ્વર મૉડલ 986 નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જે હેરીએ પોતાના રક્ષણ માટે વસાવી હતી એ જ એના મોતનું કારણ બની હતી. એટલે ખૂની જાણતો હતો કે હેરી પોતાની પાસે લૉડેડ રિવોલ્વર રાખે છે.. સુતો હોય ત્યારે પણ.. અને એનો જ એણે લાભ કહો કે ગેરલાભ લીધો હતો. રિવોલ્વર હેરીના પલંગ નીચેથી જ મળી આવી હતી. પરંતુ, એના પર હેરી સિવાય કોઈના ફિંગર પ્રિન્ટ ન હતા. અને જે કંઈ હતા એ પણ બરાબર સાફ કરવામાં આવ્યા હતા. અરે ! ખૂન કરનારે આખી રિવોલ્વર બ્લિચથી બરાબર સાફ કરી હતી. ત્યારબાદ આલ્કોહૉલનો પણ ઉપયોગ કર્યો હોય એમ લાગતું હતું. એથી રિવોલ્વર કોઈ દિશા દોરી શકે એમ ન હતી. કે નાઈનના સ્કૉવડના કૂતરાઓ પણ ગુંચવાય ગયા હતા. ઘરમાં ને ઘરમાં જ ફર્યા રાખતા હતા.

હેરીના ઘરમાંથી વિડીયો સર્વેલેન્શની કિટ મળી આવી હતી જે હેરીએ થોડા સમય પહેલાં જ ખરીદી હતી. એમાં છ કેમેરા અને એક મહિનાનું રેકર્ડિંગ થઈ શકે એવી વ્યવસ્થા હતી. પરંતુ હેરી એ ઇન્સ્ટોલ કરે એ પહેલાં જ એને પતાવી દેવામાં આવ્યો હતો. એટલે ખૂન કરનાર એ પણ જાણતો હશે કે એવું શક્ય હતું. કોઈએ હેરી પર બરાબરનો વોચ રાખ્યો હતો.

ખરી મુશ્કેલી હતી. રૈના…!

હેરીના ખૂન પછી એ બેહોશ થઈ ગઈ હતી. એને તરત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. અને ત્યારબાદ એ ભારે ડિપ્રેશનમાં સરી ગઈ હતી. કોઈ સાથે એ બોલતી ન હતી. અરે! એ જરા ય રડતી ન હતી…! એ જાગતી જ રહેતી… દિવાલોને તાક્યા કરતી. છતને તાક્યા કરતી. પોલિસના કોઈ પણ સવાલનો એણે જવાબ આપ્યો ન હતો હજુ સુધી. એની પાસે માહિતી મેળવવી ઘણી જરૂરી હતી.

ડિક્ટેટિવ સાર્જન્ટ જેમ્સે એની રીતે માહિતી એકત્ર કરવા માંડી હતી. હેરીના કન્સ્ટ્રક્સનના કામકાજને પણ એમણે ધ્યાનમાં લીધું હતું. એના એક પ્રોજેક્ટમાં એક ક્લાયન્ટ સાથે એને બોલાચાલી થઈ હતી એવું ધ્યાનમાં આવ્યું અને એ ક્લાયન્ટનો રેકર્ડ તપાસતા એના નામે ઘણા ગુના નોંધાયેલ હતા એમાં એક મર્ડર કેસમાં ઇન્વોલવમેન્ટ પણ હતું. એ એક આફ્રિકન અમેરિકન હતો. હેરીના દરેક કર્મચારીઓની પણ પૂછ પરછ વારાફરતી કરવામાં આવી. કોઈએ હેરીના વિશે ખરાબ કહ્યું ન હતું.

નવાઈની વાત એ હતી કે હેરીનો આઈ ફોન, આઈ પેડ, લેપટોપ ગુમ થઈ ગયા હતા. ખૂન કરનાર એ લઈ ગયો હતો. પ્રોવાઇડર પાસે એના સેલ રેકોર્ડ મેળવવામાં આવ્યા તો કોઈ શંકાસ્પદ ફોન નંબર ન હતા. અને મોટેભાગે એણે રૈના સિવાય કોઈ સાથે વાત કરી ન હતી. અને અન્ય જે નંબર હતા એ એના ક્લાયન્ટ કે કર્મચારીઓનાં જ હતા. અને હવે એ ફોનમાંથી સીમ કાર્ડ દૂર કરવામાં આવ્યો હતો. એના ઈમેઇલ આઈડી વિશે ખાસ માહિતી ન હતી. પણ એ દિશામાં પણ કામગીરી શરૂ થઈ ગઈ હતી.

રૈનાની ચહલ પહલ પણ જેમ્સે તપાસવા માંડી. રૈનાની દશા એઓ સમજી શકે એમ હતા. કારણ કે રૈનાની જાણ બહાર રૈનાની એમની તપાસમાં સનીના અકાળ મોતની માહિતિ મળી હતી. અને ત્યારબાદ એણે જે સાયક્રિયાટિસ્ટની સારવાર લીધી હતી એની પણ પૂછપરછ કરવામાં આવી હતી. એ મુજબ રૈનાએ એની અમુક પિલ્સ નિયમિત લેવી જ પડે એમ હતું. અને ફાર્મસી દ્વારા એનો રેકર્ડ પણ ચેક કરવામાં આવ્યો. ખૂન થયાના દિવસે, રૈનાની લેક્સસ કાર વહેલી સવારે છ વાગે પાર્ક-વેના યૂનિયન ટોલ પરથી પસાર થઈ હતી એ એના ઈઝી પાસના રેકર્ડ પરથી જાણમાં આવ્યું હતું અને ઑટોપ્સી પરથી એવું જાણવા મળ્યા મુજબ ખૂન છથી સાત વાગ્યા વચ્ચે થયું હતું. એટલે રૈનાના ઘરેથી નીક્ળ્યા બાદ તરત જ કે થોડા સમય બાદ હેરીનું કામ તમામ કરવામાં આવ્યું હતું…! હેરીની બોક્ષર પરથી એના લોહીની સાથે સાથે વિર્યના અવશેષ મળી આવ્યા હતા પણ એનું ખુદનું વિર્ય હોવાની સંભાવના હતી. જો કે હજુ એનો ડીએનએ રિપોર્ટ આવવાનો બાકી હતો. હવે રૈના બોલે અને ભેદ ખોલે એ જરૂરી હતું.

હેરીના ખૂનને ત્રણ અઠવાડિયા થઈ ગયા હતા. રૈનાના માબાપ અને હેરીના માતા પિતાની મંજૂરી લઈ રૈનાના સાયક્રિયાટિસ્ટની મદદથી સહુની હાજરીમાં રૈનાની પૂછ પરછ કરવાનું નક્કી થયું. હવે રૈના પણ ધીરે ધીરે વાતો કરવા લાગી હતી.

‘હલો મેમ…!’ જેમ્સે રૈના સાથે વાત કરવાની શરૂઆત કરતા કહ્યું, ‘હાઊ યૂ ફિલિંગ…?’

‘આઈ એમ ફાઈન…’ રૈનાએ હસવાનો પ્રયાસ કરતા કહ્યું, ‘મે આઈ નો હૂ આર યૂ?

જેમ્સ સાદા ડ્રેસમાં જ હતા અને એમણે પોલિસ યૂનિફોર્મ પહેરવો જરૂરી પણ ન હતુ અને આજના સંજોગોમાં તો એમણે ખાસ કેજ્યુઅલ ડ્રેસ જ પહેર્યો હતો. જીન્સ અને પોલો ટીશર્ટ.

‘યેસ… વાય નોટ!’ સહેજ અચકાઈને જેમ્સે કહ્યું, ‘મેમ…!’ સાયક્રિયાટિસ્ટ તરફ નજર કરી એમણે રૈના તરફ ફરી કહ્યું, ‘વી નો યૂ આર સફરીંગ ફ્રોમ સેટ બેક.. બટ ઇટ ઇસ વેરી વેરી ઇમ્પોર્ટટન્ટ. તમારી સાથે વાત કરવી મારે જરૂરી છે…એબાઉટ યોર હસબન્ડ હેરી’સ મર્ડર…! આઈ એમ જેમ્સ, સ્પેશ્યલ ડિટેક્ટટીવ જેમ્સ ક્રૂસો..!’

‘ઓહ! હેરી ઇસ ડેડ…!’ આંખો છલકાવી રૈના બોલી, ‘ શી કિલ્ડ હીમ…!’

‘હૂ ઇસ શી?’ હવે ચોંકવાનો વારો હતો જેમ્સનો!

‘કે..થ...!’

‘કે…થ…?’ એક નવો જ મોરચો ખૂલી રહ્યો હતો જેમ્સ માટે.

‘યસ…બીચ…’ થૂંક ગળીને રૈના બોલી, ‘કૅ…થ…રિ…ન…!’

સહુ હેરી-રૈનાનાં ઘરે એના લિવીંગ રૂમમાં બેઠા હતા. રૈનાની વાતથી સૌ અચંબિત થઈ ગયા. રૈનાના માતા પિતા, સાસુ-સસરા..! ખુદ ડૉક્ટર પણ…!

પછી તો રૈનાએ શરૂઆતથી બધી જ વાત કરી. વેગાસથી વીકીનું ઇન્વિટેશન, અલ્યુમિની ગેધરિંગ… હેરી અને કૅથનું સહશયન, વિવિધ વિચિત્ર ઈમેઈલ આઈડીઓ પરથી ઈમેઇલ્સ… ફોન પર એસએમએસ…લેટર બોક્ષમાં મળેલ લેટર… બોક્ષટર પર ઈંડાનો વરસાદ…એણે એ પણ કબૂલ્યું કે એ દિવસે એણે હવામાં ગોળીબાર પણ કર્યો હતો, ‘આઈ વિલ કીલ હર…!’ ઊંડો શ્વાસ લઈ એ બોલી, ‘હાઊ આઈ કેન ટોક એબાઊટ માય હબી’સ ડાઉનફૉલ…?’ રડી પડી રૈના ધ્રૂસકે… ધ્રૂસકે…!

એક ભારેખમ ખામોશી છવાઈ ગઈ એ લિવિંગ રૂમમાં.. હેરીની હસતી તસ્વીર લટકી રહી હતી એનાં સ્વર્ગસ્થ પુત્ર સતનામ- સનીની બરોબર પડખે…! એનાં તરફ નજર કરી ફરી રૈના રડવા લાગી.

રૈનાની માતાએ એને પાણી આપ્યું.

રૈનાને દિલથી દિલાસો આપી જેમ્સે કહ્યું, ‘વિ આર રિયલી વેરી સોરી… મેમ…! વિ વિલ નોક ડાઉન હર.. ફ્રોમ એની કોર્નર ઓફ ધ યૂનિવર્સ…!’ સહેજ વિચાર કરીને એમણે પૂછ્યું, ‘લાસ્ટ ક્વેશ્ચન…! વ્હોટ ઇસ યોર એક્ટિવિટિસ્‍ ઓન ધ ડે ઑફ મર્ડર એન્ડ ડે બિફોર? જસ્ટ ફોર અવર રેકર્ડ!’

‘માય એક્ટિવિટિસ્?’ રૈના વિચારવા લાગી, યાદ કરવા લાગી, ‘ડે બીફોર.. હુ ઘરે જ હતી. ઓલ ડે. મારે નેક્સ્ટ ડે, આઈ મીન ધ ડે ઓફ મર્ડર ઓન સેટરડે, મારો ફેશન શો હતો ઍટલાન્ટિક સીટી ખાતે. એની તૈયારીમાં હતી. લાસ્ટ મિનિટ પ્રિપરેશન.’

‘શી ઇસ ફેશન ડિઝાયનર…!’ અત્યાર સુધી મૌન રહી વાત સાંભળી રહેલ રૈનાના પિતાએ કહ્યું.

રૈનાને એટલે યાદ કરવાનો સમય મળી ગયો. વાત આગળ વધારતા એ બોલી, ‘હેરી કેઈમ અરાઉન્ડ સેવન ઓન ફ્રાય ડે. વી વેન્ટ ફોર ડિનર. યા.. ઑલિવ ગાર્ડન…!મેં હેરીને પણ કહ્યું હતું કે એટલાન્ટિક સીટી આવ મારી સાથે… જો એ આવ્યો હોત તો…!’ રૈનાએ ભારેખમ નિઃસાસો નાંખ્યો, ‘હી ડિનાઈડ, એણે સિક્યુરિટી કેમેરા લિન્ક અપ કરવા હતા હાઉસની આજૂબાજૂ એટલે એણે ના પાડી. હી ડિડ નોટ ગેટ ચાન્સ ટૂ ઇન્સ્ટોલ કેમેરા!’ રૈનાની આંખો ફરી છલકાય, ‘આઈ વોક અપ અર્લી ઓન સેટર ડે…! એટલાન્ટિક સીટી જવા માટે આઈ વોઝ આઉટ ઓફ ધ હાઉસ અરાઉન્ડ ક્વાર્ટર પાસ્ટ ફાઈવ…યૂ નો ઇટ ઈસ ઓલમોસ્ટ થ્રી અવર ડ્રાઇવ ફ્રોમ હિયર અને મારે ત્યાં ઘણું કામ બાકી હતું.’

-શી ઇસ રાઈટ! જેમ્સને રૈનાની લૅક્સસ યૂનિયન ટૉલ પાસેથી એ દિવસે સવારે છ વાગે પસાર થયાનું યાદ આવ્યું. જે એના ઈઝી પાસના રેકર્ડ પરથી જાણવા મળ્યું હતું.

‘વી ઓલ્સો ફાઉન્ડ સ્પર્મ ઓન હીસ બોક્ષર…!’

‘યસ.. વિ હેડ સેક્સ…!’ રૈનાએ કહ્યુ, ‘વી હેડ ઓલ્સો કપલ ઓફ ગ્લાસિસ ઑફ રેડ વાઈન!’ કંઈક યાદ કરી એ બોલી, ‘ઘણા સમયથી હેરી કૂડ નોટ સ્લિપ પ્રોપર સો એ રાતે એણે એમ્બિયન પણ લીધી હતી ટુ સ્લિપ વેલ…!’

‘થેન્ક્સ.. ફોર યોર ઇન્ફોર્મેશન.. મેમ.. યૂ ગિવ અસ વેરી ગૂડ લીડ્સ..’રૈના સાથે હસ્તધૂનન કરતા જેમ્સે કહ્યું અને એ વીકીનો ફોન નંબર, રૈનાનો ફોન નંબર, એનું લેપટોપ, એનું આઈ પૅડ લઈ જેમ્સ હેડક્વાર્ટર પર આવ્યા.

-સો…! ઈટ ઇસ નાઉ એન્ડ ઓપન શટ કેઇસ.. કૅથરિન… મિસ્ટિરયસ વુમન…!

જેમ્સે હેડક્વાર્ટર પર આવી તરત જ વીકીને ફોન કર્યો. વીકી સાવ અજાણ હતો હેરીના મર્ડરથી.

‘આઈ વોન્ટ યોર હેલ્પ…! સેન્ડ મિ ઓલ ઇન્ફોર્મેશન ઓફ યોર ગેટ ટુ ગેધર યૂ ઓર્ગેનાઇઝ્ડ! એવરિથીંગ…વોટ યૂ હેવ.. ઇમેઇલ્સ..! લિસ્ટ ઓફ ફ્રેન્ડસ યૂ ઇનવાઈટેડ…! હૂ કેઈમ..હૂ ડીડ નોટ કમ…! વિડીઓ…લિસ્ટ ઓફ હોટેલ્સ..મોટેલ્સ વ્હેર ધે વેર એકોમોડેટેડ…!’ જેમ્સે ઈમેઇલ આઈડી આપતા કહ્યું, ‘એન્ડ ડૂ નોટ લિક એનીથિંગ અબાઉટ ધીસ ટુ એની વન… ! ડુ યૂ ફોલો મી?’

‘……………….!’ વીકી ગલવાયો. હેરીના મર્ડરને અને મારા ગેટ ટૂ ગેધરને શું લાગે વળગે. એ ડરી ગયો, ‘યસ ઓફિસર! આઈ વિલ કલેક્ટ!’

‘આઈ નીડ એએસએપી…! યોર ટાઇમ સ્ટાર્ટ નાઊ…! સુનર ઇસ બેટર…! ઇફ યૂ નિડ એની હેલ્પ ટેઈક ઈટ.. ઇફ યૂ નીડ પોલિસ હેલ્પ આઈ કેન કોલ ઓફિસર ઓન ડ્યૂટી ઓફ યોર એરિયા…!’

‘નો…નો…!’ વીકીને હવે ખરેખર ડર લાગવા માંડ્યો, ‘આઈ વીલ. સર.. ઓફિસર..! આઈ એમ વેરી સોરી ટૂ નો એબાઊટ હેરી.. હી ઇસ માય બડી..! આઈ વીલ ડૂ વ્હોટ આઈ કેન ડૂ…!’ શ્વાસ લઈ એણે કહ્યું, ‘ઇફ આઈ નીડ એની હેલ્પ આઈ વીલ લેટ યૂ નો… એન્ડ વિલ રિક્વેસ્ટ…!’

‘થેન્કસ…!’ ડિસકનેક્ટ કરતા પહેલાં જેમ્સે કહ્યું, ‘ સોરી ફોર રશ બટ નાઊ વી કેન નોટ ગો ફોરવર્ડ વિધાઊટ યોર હેલ્પ, ઇન્ફોર્મેશન..!’

રૈના પાસે મળેલ માહિતીની એક નોટ તૈયાર કરી જેમ્સે કમ્પ્યુટર પર બધી વિગતો નોંધી લીધી.

ઑફિસર ઓફ ચીફ કેવિન ક્રેગને રૂબરૂ મળી જેમ્સે કહ્યું, ‘સર નાઊ વી હેવ સસ્પેક્ટ…! વી ગૉટ લીડ!’

બીજે દિવસે એ સીધા ન્યૂ જર્સી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી પર પહોંચ્યા. સ્ટૂડન્ટ અફૅર વિભાગમાં જઈ ક્લાસ ૨૦૦૦ના દરેક વિદ્યાર્થીઓની માહિતી મેળવી. યર બૂક મેળવી. અને એમને કૅથરિનના ફોટાઓ મલી ગયા. કમ્પ્યુટર સાયન્સમાં એનો દેખાવ ઉજ્જવળ હતો. એ ફોટા જોઈ એઓ માની જ શકતા ન હતા કે એ ખૂન કરી શકે. બ્લોન્ડ… કથ્થઈ શાર્પ નજર… ચહેરા પર મોનાલિસા સ્માઇલ…હસે ત્યારે એક ગાલ પર ખંજન!

-બેબી! આઈ એમ બિહાઇન્ડ યૂ!

ફોટાઓનો બરાબર અભ્યાસ કરતા એમણે મનોમન વિચાર્યું. એની આંખોમાં એક ખેંચાણ હતું. તો હાસ્ય રહસ્યમય…!

વીકીએ ઘણી માહિતી મોકલાવી હતી એણે કરેલ ઈમેઇલમાં. એણે ફોન કરીને કહ્યું હતુઃ એણે ઈમમેઇલ કરી દીધી છે. એ બધી જ અનઝિપ કરી એમણે પ્રિન્ટ કરી. હેરી અને કૅથની માહિતી અલગ કરી. ફોટાઓ પણ પ્રિન્ટ કર્યા. પાર્ટીમાં બન્ને નજર આવતા ન હતા. લાગતું હતું એઓ આવ્યા જ ન હતા ત્યાં. વિડિયો ક્લિપ્સમાં ક્યાંક ક્યાંક અલપ ઝલપ હેરી દેખાતો હતો. પણ કૅથ તો ક્યાંય ન હતીઃતો એ હતી ક્યાં?

બધાની રહેવાની વ્યવસ્થા વીકીએ હોલિડે ઇનમાં કરી હતી. દશમા માળે એક તરફના મોટા ભાગના રૂમ એણે એના મિત્રો માટે બૂક કરાવ્યા હતા. કંઈક વિચાર કરી એમણે વેગાસ જવાનું નક્કી કર્યું. બે કલાક પછીની જ ફ્લાઈટ હતી. કેવિન ક્રેગને ઈમેઇલ કરી દીધીઃ ગોઈંગ વેગાસ ફોર ઇન્વિસ્ટિગેશન ઓફ હેરી મર્ડર કેઈસ. એ જ હોલિડે ઇનમાં એ ઉતર્યા. સિક્યુરિટીને મળી દશમાં માળની લૉબી પરના એ ત્રણે દિવસ-રાતની કેમેરાની રેકોર્ડિંગ મેળવી. એ જોઈ. વારંવાર જોઈ. હેરી અને કેથ દેખાતા હતા. સ્પષ્ટ. બન્ને એક બીજાનો હાથ પકડી રૂમ નંબર ૧૭માં આવતા-જતા હોય એવી ક્લિપિંગ્સ મળી. બન્ને બહુ ખુશખુશાલ દેખાતા હતા. કેથની તબિયત જરા વધી ગઈ હતી. પણ હજુ ય એ મારકણી દેખાતી હતી. છેલ્લી ક્લિપમાં એ હેરીને વળગીને ચુંબન પર ચુંબન કરી રહી હતી લોબીમાં… કદાચ, છૂટા પડતી વખતની એ ક્લિપ હતી. મેનેજમેન્ટને મળી એમણે ૧૦૧૭ રુમની મુલાકાત પણ લીધી. પણ ખાસો સમય થઈ ગયો હોય એમને કોઈ માહિતિ ન મળી. પણ એ રૂમમાં ગયા ત્યારે એમની છઠ્ઠી ઇન્દ્રિયે ચેતવ્યા કે આ રૂમમાં ઘણું થયું હશેઃ હેરી અને કૅથ વચ્ચે. જે ન થવાનું હોય એવું પણ થયું હશે જે હેરીના મોતનું કારણ બની ગયું હોય…!

બીજે દિવસે જેમ્સ આવી ગયા પરત જેફરસનના એમનાં હેડ ક્વાર્ટર પર. હવે ઘણી માહિતિ હતી. કૅથરિનનઓ સોશ્યલ સિક્યુરિટી નંબર હતો. એટલે એની કુંડળી એમની પાસે આવી ગઈ. એ ભણતી હતી ત્યારે એને સ્પિડીંગ માટે ત્રણ વાર ટિકીટ મળી હતી. યાહૂ, ગૂગલમાં એણે કામ કર્યું હતું એ પણ. ખાસા પૈસા હતા એની પાસે એના બેન્ક એકાઉન્ટમાં. એક વાર હેકિંગ કેઇસ માટે એની તપાસ પણ થઈ હતી. પણ કોઈ પુરાવા ન મળતા એને સસ્પેક્ટના લિસ્ટમાંથી દૂર કરવામાં આવી હતી. ઇન્ટરેસ્ટીંગ…! તો એ કોઈ પુરાવા છોડતી ન હતી. બટ હની યૂ આર નાઉ ફેઈસિંગ જેમ્સ…! ડિટેક્ટટિવ સાર્જન્ટ જેમ્સ…! એ દેશ દેશાવર ફરી હતી. ફરતી રહેતી હતી. અને હાલે ક્યાં હતી એની કોઇ માહિતી ન મળી સોશ્યલ સિક્યુરિટી નંબર પરથી.

સહુ પ્રથમ તો જેમ્સે જેફરસન ટાઉનશીપ પોલિસ ડિપાર્ટમેન્ટનું વોરન્ટ ઇસ્યૂ કર્યુઃ પ્રાઇમ સસ્પેક્ટ ઑફ ફર્સ્ટ ડીગ્રી મર્ડર ઓફ હેરી…!

પણ કૅથનું કોઈ પરમેનન્ટ એડ્રેસ ન હતું. હોય તો એ ક્યાં ય નોંધાયેલ ન હતું. એના નામે બે સેલ ફોન હતા. પણ એ હાલમાં ઉપયોગમાં ન હતા. એ બન્ને સેલ ફોન સર્વેલન્સ પર મૂકી દેવામાં આવ્યા. કૅથરિનને શોધવી એ ઘાસની ગંજીમાંથી સોય શોધવા જેવું લાગતું હતું જેમ્સને…! એફબીઆઈને પણ ઇન્વોલ્વ કરવામાં આવી. અને છેવટે કૅથના નામે રેડ કોર્નર ઇન્ટરપૉલ નોટિસ ઇસ્યુ કરવામાં આવી. જેથી દુનિયાનાં કોઈ પણ ખૂણામાંથી એની ધરપકડ કરી શકાય.

….અને એનું પરિણામ એક મહિના પછી મળ્યું. છેક ઇન્ડિયાથી. બેંગલૂરુ આંતરરાષ્ટ્રિય એરપોર્ટ પર એની ધરપકડ કરવામાં આવી. કેથે બહુ જ વિરોધ કર્યો. એને સમજ પડતી ન હતી કે એની ધરપકડ શા માટે કરવામાં આવી. એણે ધમાલ મચાવી દીધી હતી એરપોર્ટ પર. વળી એ યુએસએ જ આવતી હતી ઇન્ડિયાથી…એનું ડેસ્ટિનેશન હતું. ઓસ્ટિન..!

ત્રણ દિવસ બાદ ઇન્ટરપૉલની સહાયથી કૅથરિનને નેવાર્ક એરપોર્ટ પર લાવવામાં આવી અને ત્યાં જેમ્સે એની વિધીસર ધરપકડ કરીઃ હેરીના મર્ડર માટે…!

-હેરી’સ મર્ડર…? કૅથરિનને નવાઈ લાગતી હતી! હેરી’સ મર્ડર…? સમથિંગ ઇસ રોંગ.રિયલી રોંગ.

કૅથરિનને એક દિવસ આરામ આપવામાં આવ્યો એ પણ કસ્ટડીમાં. એને ઊંઘ ન આવી. એણે લૉયર માટે પ્રયત્ન કર્યો. પણ એની વ્યવસ્થા ન થઈ. પણ એની એને કોઈ પરવા ન હતી.

બીજે દિવસે કેથની પૂછપરછ શરૂ કરી જેમ્સે. એમની સાથે લેડી ડિક્ટેટિવ પણ જોડાઈ.

‘સો.. મિસ કૅથરિન…! હાઊ આર યૂ?’ જેમ્સે શરૂઆત કરી.

‘યૂ નો માય સિચ્યુએશન…!’ હસવાનો પ્રયાસ કરતા એ બોલી, ‘આઈ એમ ઇનોસન્ટ…!’

‘ડુ યૂ નૉ હેરી..? હરવિંદર બાવેજા…?’

‘યસ! હી વોસ ઇન એન જે આઈ ટી સેઈમ યર. હી હેસ કર્સ ઓન મી. બટ ધેન હી મેરિડ ટૂ સમ ઇન્ડિયન ગર્લ.’

‘….એન્ડ…’

‘યસ…યસ…વી મીટ આફ્ટર ઓલમોસ્ટ ટેન યર.. દશ વરસ પછી એ મળ્યો હતો મને. એટ વેગાસ. વ્હેન વીકી ઇન્વાઈટેડ ઓલ ક્લાસ ઓફ ૨૦૦૦! વી મીટ. હેવ પાર્ટી એન્ડ વિ હેડ સેક્સ.. હી ઇસ સુપર ઇન ધ બેડ…!’

‘એન્ડ યૂ ઇમેઇલ્ડ હીમ.. એબાઊટ યોર અબ્સેશન ફોર હીમ…! યૂ ફોલ ઈન લવ વિથ હીમ…!’

ખડખડાટ હસી પડી કૅથ, ‘મી એન્ડ અબ્સેશન!’ હસવાનું માંડ ખાળી એ બોલી, ‘આઈ એમ નોટ અ પર્સન હુ હેવ એની અબ્સેશન ફોર એનીવન.’ હજુ એ હસતી હતી, ‘એન્ડ યૂ થિન્ક આઈ કિલ્ડ હીમ?’

‘ડીડ યૂ ટ્રાય ટૂ કોન્ટેક્ટ હીમ?’

‘લેટ મી રિમેમ્બર…!’ જરા વિચાર કરી કેથે કહ્યું, ‘યસ! આઈ મેસેજ્ડ હીમ ઓન ફેઈસબૂક મેસેન્જર વન્સ આફ્ટર વેગાસ એન્કાઉન્ટર.. ધેટસ ઈટ…!’

‘આર યૂ સ્યોર…? ધેટસ ઈટ…!?'

‘યસ…! આઈ એમ વેરી મચ સ્યોર.’

ત્યારબાદ ઘણી પ્રશ્નોતરી થઈ. કૅથ એની વાતને વળગી જ રહી. અને એણે પુરવાર કરવાની કોશિષ કરી કે જ્યારે હેરીનું મર્ડર થયું ત્યારે એ યુએસમાં હતી જ નહીં. એ તો હતી સિંગાપોર. ત્યાં એ ડોઇસે બેંકની સાયબર સિક્યુરિટીનું કામ કરતી હતી. એના પાસપોર્ટ પરથી પણ એ સાબિત થયું.

‘યૂ ગેવ કોન્ટ્રેક્ટ ટુ કીલ હેરી?’

‘લૂક ઑફિસર…! યૂ આર ગોઈંગ કમ્પલિટલી ઈન રોંગ ડાયરેક્સન! વાઈ શુડ આઈ કિલ હેરી?’

‘બીકોઝ યૂ લવ હીમ. યૂ હેવ ફેટલ અબ્સેશન ફોર હીમ..’

‘મી એન્ડ ફેટલ અબ્સેશન?!' ફરી હસી પડતા એ બોલી, ‘ફોર હેરી..! નો વે.. યસ આઈ સ્લેપ્ટ વીથ હીમ. મજા આવી હતી, મજા કરી હતી. પણ એનો અર્થ એવો તો ન જ થાય કે હું એને પતાવી દઊં. કોન્ટ્રેક્ટ આપું!’

‘વાય ડીડ યૂ ઈમેઇલ હીમ પિરિયોડિકલી?’

‘આઈ ટોલ્ડ યૂ. મેં આપને કહ્યું ને કે મેં હેરીને એક જ વાર મેસેજ કરેલ એ પણ ફેઈસબૂક પર. એનો જવાબ ન આવેલ. અને હું જાણતી હતી કે એ મેરિડ છે. હી હેસ વાઈફ. સો…’

‘…સો…યૂ ટ્રાઈડ લેટર ઓન ટૂ ગેટ હીમ એની વે ફ્રોમ હીસ વાઈફ?’ જેમ્સે કૅથની વાત અડધેથી કાપી સુધાર્યું, ‘ બટ ઈટ વોઝ ઇમ્પોસિબલ સો યૂ કિલ્ડ હીમ.. ઓર ગેવ કોન્ટ્રેક્ટ ટૂ કિલ હેરી !’

‘લૂક ઓફિસર…! યૂ આર નોટ અંડરસ્ટેડિંગ માય સિમ્પલ ઇંગ્લિશ!’ સહેજ હસીને કૅથરિન બોલી, ‘યૂ હેવ માય કમ્યૂટર.. ચેક ઓન ઈટ!’

‘યૂ આર સોફ્ટવેર એન્જીનિયર! પ્રોગ્રામર.. એ તેં બદલી નાંખ્યૂં હશે કે ડિલીટ કરી નાંખ્યું હશે!’

એ દિવસે ત્રણ કલાક સુધી કેથરિનની ઊલટતપાસ ચાલી અને કૅથ એની વાતને વળગી રહીઃ એને અને હેરીના મર્ડરને કોઈ સંબંધ ન હતો. એને નિર્દોષ છે. સાવ ઇનોસન્ટ.

જેમ્સ હવે ગૂંચવાયા. બરાબર ગૂંચવાયા. સાયબર ક્રાઇમ સેલને એમણે કેથનું લેપટોપ, આઈ પેડ આપેલ એનો રિપોર્ટ આવી ગયો હતો. અને રૈનાએ કહેલ એવી કોઈ ઈમેઇલ એના પરથી થયેલ હોય એવું સાબિત ન થયું. બીજા દિવસે ફરી કૅથની ઊલટ તપાસ શરૂ કરી. હવે જેમ્સ પાસે કોઈ એવો જાદૂઈ પાસો બચ્યો ન હતો. પરંતુ એ જાણતા હતા કે ક્યારેક સાવ સામાન્ય લાગતી વાત પરથી પગેરું મળી આવે. અને કૅથ સાથે વાત કરતા રહેવું જરૂરી હતું. એ કંઈક એવી ભૂલ કરી બેસે. એવી વાત પણ કરે કે જેમાંથી કંઈક લીડ મળી આવે.

‘લૂ…ક ઓફિસર.. યૂ હેવ નો બેઈઝ ટૂ હોલ્ડ મી. મને આમ વિનાકારણ પૂરી રાખવાનો તમને કોઈ અધિકાર નથી. આઈ એમ ઇનોસન્ટ .. આઈ કેન પ્રૂવ.. આઈ એમ રેડી ફોર લાઈ ડિટેક્શન..!’ કૅથરિને એનો પાસો ફેંક્યો, ‘એન્ડ વન્સ આઈ પાસ, જે હું ચોક્કસ પાસ થઈ જઈશ તો હું તમને અને તમારા આખ્ખા ડિપાર્ટમેન્ટને કોર્ટમાં ઘસડી જઈશ…આઈ વીલ સ્યૂ !’ પોતાના ગુસ્સાને માંડ કાબુમાં રાખતા કૅથે કહ્યું, ‘ટોક ટુ મિ… હૂ સેઈડ કે મેં હેરીનું ખૂન કર્યું?’

‘હેરીસ વાઈફ…!’

‘….એન્ડ યૂ એરેસ્ટ મી…!’ કૅથરિને આશ્ચર્યથી કહ્યું, ‘એ કહેશે તો મને ફાંસી આપી દેશો?’

‘………………’

‘યૂ સી. આઈ કેન હેલ્પ યૂ. હેરી પર જે મેસેજ ઈમેઈલ્સ આવેલ એને ટ્રેક કરો! ડોન્ટ વેસ્ટ ટાઇમ ઓન મી!’

હેરીનું અંગત ઈમેઇલ એકાઉન્ટ એના ખૂનના એક દિવસ પહેલાં ડિલીટ કરવામાં આવેલ એને ફરી સજીવ કરવામાં આવ્યું. ડીલીટ કરી નાંખેલ બધી ઈમેઈલ રિટ્રાઇવ કરવામાં આવી. પણ જે વિવિધ ઈમેઈલ આઈડી પરથી ઈમેઇલ આવેલ એનું સાચું આઈપી અડ્રેસ, લોકેશન મળતું ન હતું, જે હતું એ પ્રોક્ષી આઈપી અડ્રેસ હતું. અને દરેક ઈમેઈલમાં અલગ અલગ આઈપી અડ્રેસ, લોકેશન જોવા મળ્યા. એવા સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો કે સહેલાયથી આઈ પી અડ્રેસ, લોકેશન તય ન થાય. અને આવું તો કૅથ જ કરી શકે…! એ સોફ્ટવેર ઇજનેર હતી. પ્રોગ્રામિંગ એક્ષપર્ટ પણ એ જ્યારે સામેથી લાઈ ડિટેક્શન ટેસ્ટ આપવા તૈયાર થઈ ગઈ એટલે જેમ્સની મૂંઝવણ વધી. એમણે સાયબર ક્રાઈમ સેલનો રિપોર્ટ હતો એના વિશે કૅથ સાથે ચર્ચા કરી.

‘ઓહ…!’ કૅથ થોડો સમય મૌન રહી પછી એક ઊંડો શ્વાસ લઈ એ બોલી, ‘આઈ કેન બ્રેક ધ આઈસ. મને હેરીનું કમ્પ્યુટર કે લેપટોપ કે આઈ પેડ આપો કે જેના પર એની મારી કહેવાતી ઈમેઇલ્સ આવેલ છે! ટ્રસ્ટ મી. હું હાલે એના પર જ રિસર્ચ કરી રહી છું. ઇવન એનએસએને પણ મેં મારી સર્વિસ ઓફર કરેલ છે. અને એ એસાઈનમેંટ માટે જ હું ઇન્ડિયાથી અહીં આવતી હતી અને બેંગલુરૂમાં મને અરેસ્ટ કરવામાં આવી.’

‘હેરીનું લૅપટોપ મિસિંગ છે. ફ્રોમ હીસ મર્ડર!’

‘તો એની વાઈફનું તો હશે ને?’

-એક ગુનેગારને, એક શંકાસ્પદ આરોપીને એના જ ગુનાના આરોપના ઊકેલ માટે એની જ મદદ લેવી કે ન લેવી? સ્પેશ્યલ ડિટેક્ટટીવ જેમ્સ ધર્મસંકટમાં મુકાયા. એમના સાયબર સેલ પાસે જેનો કોઈ જ ઊકેલ ન હતો અને એ ભેદ ખોલવા જેણે હેરીનું ખૂન કરેલ છે એની જ મદદ લેવી કે ન લેવી. લેવી હોય તો એક નિષ્ણાત તરીકે લઈ શકાય કે કેમ?

જેમ્સ રાતભર ઊંઘી ન શક્યા. બીજે દિવસે એમણે કૅથની લાઈ ડિટેક્ટશન ટેસ્ટ લીધી. અને એમનાં આશ્ચર્ય વચ્ચે કૅથરિન એમાં પાસ થઈ. હવે એને કસ્ટડીમાં રાખવાનો કોઈ હક ન હતો પોલિસને. કૅથને પોલિસે છોડી દીધી. છોડી દેવી પડી. જેમ્સે વિચાર્યું શૂન્યનો સરવાળો શૂન્ય! હવે?

-કૅથ ક્યાં તો બહુ ચબરાક હતી! ક્યાં તો એ ખરેખર નિર્દોષ હતી! પોલિગ્રાફિક ટેસ્ટ નેવું ટકા સાચો હોય. શાયદ કૅથ દશ ટકામાં આવતી હતી.

હેરી મર્ડર કેસ ઉકેલાવાને બદલે વધુ ગૂંચવાય ગયો. સાયબર ક્રાઈમ ડિપાર્ટમેન્ટ પણ હેરી પર આવેલ અલગ અલગ ઈમેલનું આઈ પી એડ્રેસ નક્કી કરવામાં સફળ થયું ન હતું. એના પ્રયત્ન એમણે ચાલુ રાખ્યા હતા. કૅથને છોડી મૂક્યા બાદ બીજે દિવસે કૅથ ફોન કરી ડિટેક્ટટિવ સાર્જન્ટ જેમ્સને મળવા આવી, ‘…સો વોટ ડુ યૂ થિન્ક ઑફિસર?’

‘…………………’ શું જવાબ આપે જેમ્સ? એક ઊંડો નિઃશ્વાસ નાંખી એ બોલ્યા, ‘વી આર વર્કિંગ એન્ડ વી વીલ બ્રીંગ ધ ઑફેન્ડર ટૂ જસ્ટીસ…!’

‘આઈ કેન હેલ્પ યૂ, ઇફ યૂ ટ્રસ્ટ મી…’ સહેજ હસીને કૅથ બોલી, ‘ઓન્લી આઈ કેન!’ એનો અતિવિશ્વાસ એના ગોરા મ્હોં પર છલકાતો હતો.

થોડો વિચાર કરી જેમ્સે કૅથને હા પાડી અને કૅથને એમણે હેરીનું ઇમેઇલ આઈડી, એના ફેઈસબૂકનું આઈડી, રૈનાનું લેપટૉપ અને આઈપૅડ સોંપતા કહ્યું, ‘આઈ એમ ટેકિંગ રિસ્ક…બીગ રિસ્ક ટૂ ગિવિંગ યૂ. આઈ કેન લોસ ધ જૉબ…!’

‘ટ્રસ્ટ મી ઓફિસર…!’ કૅથ હસીને બોલી, ‘આઈ વિલ નોટ ટેઈક ધીસ આઊટ ઓફ યોર પ્રિમાઈસીસ. જસ્ટ ગીવ મી સમટાઈમ. આઈ લાઈક ચેલેન્જીસ…!’

* * * * * * * * * * * *

જનરલસિંઘ બાવેજા, હેરીના પિતા ગમગીન હતા. એમને આઘાત લાગ્યો હતો બરાબરનો. એમના એકના એક પુત્ર હરવિન્દરનું ખૂન થઈ ગયું હતું અને અમેરિકાની કહેવાતી હોશિયાર પોલિસ હજુ અંધારામાં જ ગોળીબાર કરી રહી હતી. એમનો ગેસ સ્ટેશનોનો બિઝનેસ વિશ્વાસુ માણસોને સોંપી એઓ હેરીની માતા દિલરાજકૌર સાથે રૈના પાસે રહેવા આવી ગયા હતા. રૈના માતા પિતા પણ ઘણા સમય સુધી રૈના સાથે રહ્યા.

હેરીનો આત્મા અવગતે ન જાય એ ખાસ જરૂરી હતુ જનરલસિંઘ માટે. મરણોત્તર બધી જ વિધી એમણે બરાબર કરવી હતી. એક તો સતનામનું પણ અકાળ અવસાન થયું હતું અને હવે હેરી પણ ગયો સાવ અચાનક એમને છોડીને!

-આ જગા જ અપશુકનિયાળ છે! જનરલસિંઘ માનવા લાગ્યા હતા. હેરીના અસ્થિ સાચવીને ઘરની બહાર એક સુરક્ષિત જગ્યાએ રાખવામાં આવ્યા હતા. રોજ એને જોઈ જોઈ જનરલસિંઘ રડી પડતા. એનું વિસર્જન દેશ જઈને કરવાનું નક્કી કર્યું હતું એમણે. આમ પણ હેરી કેટલા લાંબા સમયથી અમૃતસર જવાનું કહી રહ્યો હતો. પણ કામકાજને કારણે જઈ ન શક્યો. અને હવે એ ખુદ વાહ-એ-ગુરૂ પાસે પહોંચી ગયો. પણ એના અસ્થિ તો દેશમાં સતલજમાં વહાવીશ એમ નક્કી કર્યું હતું અને આજે સાંજની ફ્લાઈટમાં એઓ અને દિલરાજ કૌર અને રૈનાની સાથે દેશ જવાના હતા.

‘પુત્તર…!’ એમના બેડરૂમમાંથી જનરલસિંઘ એમની બે બેગ લાવી ગરાજમાં મૂકતા રૈનાને કહ્યુ, ‘તારી બેગ તૈયાર છે ને?’

‘જી પાપાજી…!’ ગમગીન રૈનાએ જવાબ આપ્યો, ‘હેરી કહેતો હતો કે એક વાર અમૃતસર તને લઈ જવી જ છે. અને આજે…’ એ રડી પડી. રૈના એની બેગ લઈ આવી, ‘પાપાજી આપના પાસપોર્ટ મને આપી દો. આઈ હેવ બીગ પર્સ!’

‘અરે પુત્તર એ તો હું ભૂલી જ જતે…!’

નેવાર્ક એરપોર્ટ પર જવાની પુરી તૈયારી થઈ ગઈ હતી. એટલાંમાં જ ડ્રાઇવ વેમાં પોલિસની કાળી ક્રુઝર આવીને ઊભી રહી. એમાંથી સાર્જન્ટ જેમ્સ અને લેડી સાર્જન્ટ કારમેન ઉતર્યા.

-અપશુકન કરાયા કાલે કપડેવાલોને…જનરલસિંઘે વિચાર્યું.

‘હલો સર…!’ જેમ્સે જનરલસિંઘ સાથે હસ્તધૂનન કરતા કહ્યું.

‘હલો…!’ જનરલસિંઘે મોઢું ચડાવી કહ્યું, ‘સો યૂ રિલિઝ્ડ હર…!’

‘વ્હેર ઇસ મિસિસ બાવેજા? મિસિસ હેરી બાવેજા?’ એમની વાત ઊડાવી જેમ્સે એમનો યુનિફોર્મ વ્યવસ્થિત કરતા કહ્યું. સા. કારમેને ઘરની અંદર પહેલાં પ્રવેશ કર્યો અને એની પાછળ પાછળ જેમ્સ અને જનરલસિંઘ આવ્યા.

‘વી આર ગોઇંગ ટૂ ઈન્ડિયા ટૂડે. ફોર રિલિજિયસ સેરમની.’

‘વી નીડ ટૂ ટૉક મિસિસ હેરી બાવેજા!’ એમને સાંભળ્યા ન સાંભળ્યા કરી જેમ્સે દોહરાવ્યું.

‘પુ….ત્ત…ર…!’ અંદરના ઓરડા તરફ નજર કરી જનરલસિંઘે બૂમ પાડી, ‘રૈના… પુ….ત્ત…ર…! ઓફિસર તારી સાથે ગલ કરવા માંગે છે. લાગે છે કંઈ ઇન્ફોર્મેશન મળી હોય. વો ડાયનકો તો ઉન લોગોને રિલિઝ કર દીયા.. દેખ વો અબ ક્યા નઈ બાત લેકે આયે હૈ?! જો ગલ કરના હૈ જલ્દ કર દેના! ફ્લાઈટકા ટેમ હો ગયા હૈ..’

અંદરથી સફેદ સલવાર કમીઝમાં રૈના બહાર આવી, ‘હાય ઓફિસર…વી હેવ નો ટાઇમ ટૂ ટોક નાઊ. યુ નો અમારી ફ્લાઈટ ચાર કલાકમાં છે અને ઇન્ટરનેશનલ ફ્લાઈટ હોય અમારે વહેલા ચેક-ઈન કરવું પડશે.’

‘નો પ્રોબ્લેમ… આઈ વીલ ટેઇક ઓન્લી ફ્યૂ મિનિટસ્‍! પ્લીસ બી સીટેડ!’

મ્હોં પરનો અણગમણો જરા પણ સંતાડ્યા વિના કાંડા ઘડિયાળમાં નજર કરતા રૈના સિંગલ સોફા પર બેઠી.

‘સોરી ફોર રશ.’ જેમ્સએ રૈના સાથે નજર મેળવવાની કોશિશ કરતા કહ્યું, ‘આઈ વીલ લાઈક ટુ નો વન્સ અગેઈન યોર એક્ટિવિટીસ ઓન ધ ડે ઓફ મર્ડર!’

‘આઈ ટોલ્ડ યૂ.’ ચીઢાયને રૈના બોલી, ‘એકની એક વાત મારે કેટલી વાર કહેવી તમને? મારે એ દિવસે ફેશન શો હતો. યૂ કેન ચેક વીથ ટ્રમ્પ તાજ. તો હું વહેલી નીકળી ગઈ હતી એટલાન્ટિક સીટી જવા માટે ઘરેથી એરાઉન્ડ ક્વાર્ટર પાસ્ટ ફાઈવ…! સવારે સવા પાંચ વાગે તો હું રોડ પર હતી.’

‘….એન્ડ ધેન યૂ કેઈમ બેક ટૂ યોર હાઊસ….!’ સાર્જન્ટ જેમ્સ બોલ્યા…

‘વ્હોટ રબીશ??’ રૈના ગુસ્સાથી તપી ગઈ.

‘મે…મ…! મે…મ…!મે…મ…!’ એના ગુસ્સાને પી જઈ જેમ્સ બોલ્યા, ‘ ધેન વાઈ ડીડ યૂ ટેઈક ટાઇમ તો ગો ટુ નેકસ્ટ ટૉલ બૂથ ઓફ પાર્ક વે? તમારા ઇઝીપાસનો રેકર્ડ બતાવે છે કે તમારી કાર બરાબર છને સત્તાવને યુનિયન ટૉલ પરથી પસાર થયેલ. અને ત્યાર પછીનું ટોલ બૂથ છે ડ્રિસ્કોલ બ્રીજનું. ઇટ ઇસ મેક્સિમમ ટ્વેન્ટી મિનિટ ડ્રાઈવ ફ્રોમ યુનિયન ટોલ. અને તમારી કાર ડ્રિસ્કોલ બ્રિજના બૂથ પરથી છેક સવા ત્રણ કલાક પછી એટલે કે સવા નવ વાગે પસાર થઈ હતી!’

‘………………….’ રૈના મૌન, સહેજ વિચારીને એ બોલી, ‘ આઈ સ્ટોપ્ડ એટ રેસ્ટ એરિયા…!’

‘વિચ? કયા?’ હસીને જેમ્સ બોલ્યા, ‘યુનિયન રેસ્ટ એરિયા?’

‘યસ…! યસ…’ યાદ કરતી હોય એમ રૈના બોલી, ‘હા મને બરાબર યાદ છે, મારે લૅપટોપ પર અમુક ડ્રેસની ડિઝાઇનનું લેઆઊટ કરવાનું હતુ તો…’

‘આર યૂ સ્યોર…?’

‘યસ… ઓફિસર…! આઈ એમ ડેમ સ્યોર…! આઈ હેડ કૉફી એન્ડ બેગલ ઓલ્સૉ…’

‘મેમ…!’ હસીને જેમ્સ બોલ્યા, ‘મારી પાસે યુનિયન રેસ્ટ એરિયાના બધા જ કેમેરા, ઇનસાઈડ અને પાર્કિંગ લોટના બધા જ કેમેરાનું એ સવારે પાંચ વાગ્યાથી દશ વાગ્યા સુધીનું કમ્પલીટ રેકર્ડિંગ છે. અને એમાં એક પણ રેકર્ડિંગમાં તમે કે તમારી લેક્સસ નથી.’

‘………………….’ રૈના અવાક.

‘બલકે.. આપની લૅક્સસ રિટર્ન જર્નીમાં બરાબર છને દશે પાર્કવે પરથી સેવન્ટી એઈટ વૅસ્ટના રેમ્પ પરના કેમેરામાં ઝડપાઈ ગઈ છે. અને ત્યારબાદ રૂટ એઈટી વેસ્ટ પર પણ…!’ હસીને જેમ્સ બોલ્યા, ‘આઈ હેવ ફોટોગ્રાફ્સ ઇન વિચ યૂ કેન સી યોર સેલ્ફ…! વન્સ યૂ પાસ્ડ યુનિયન ટોલ થ્રૂ ઇઝી પાસ, યૂ ટૂક યૂ ટર્ન અને પે ટોલ વિથ મની. ઈઝી પાસની ટેગ આપે દૂર કરી હતી આપના વિન્ડ સ્ક્રીન પરથી! યૂ કેન સી હીયર…’ કહીને જેમ્સે એક ફોટો આપ્યો રૈનાને જે પાર્કવેના સેવન્ટી એઈટ વૅસ્ટના રેમ્પ પરના કેમેરાથી લેવામાં આવેલ હતો. અને એમાં રૈનાની કારનો નંબર, અને વિન્ડ સ્ક્રિન દેખાતા હતા. અને વિન્ડ સ્ક્રિન પર ઈઝી પાસની ટેગ ન હતી. અરે! રૈના ખુદ પણ ઓળખાઈ જાય એટલી સ્પષ્ટ દેખાતી હતી.

હવે રૈનાને પરસેવો વળવા લાગ્યો.

‘યૂ આર સ્માર્ટ…બટ નોટ ટૂ સ્માર્ટ! મેમ ક્રાઇમ નેવર પેઇસ…!’ હસીને જેમ્સ બોલ્યા, ‘યૂ ઇમેઇલ્ડ ફ્રોમ વેરિયસ આઈડી ટૂ યોર હસબન્ડ. અને એ પણ તમે કૅથરિનના નામે કરી. જેથી કૅથ જ મુસીબતમાં પડે. અને તમે એના માટે સોફ્ટવેર વાપર્યું હતું આઈપી એડ્રેસ અને લોકેશનને હાઈડ કરવા કે ઑલ્ટર કરવા, અને મર્ડર બાદ તરત જ એ રિમૂવ કરી દીધું તમારા લેપટોપ પરથી. એ સોફ્ટવેરના સ્ટ્રેસીસ પણ અમે રિકવર કર્યા છે તમારા લેપટોપ પરથી અને ઇવન આઈપેડ પરથી પણ. અને લેટ મી સે, તમારી બોક્સ્ટર કાર પર ઈંડા પણ તમે જ ફેંકેલ, ફોડેલ રાત્રે જ્યારે તમારા હસબન્ડ સુતેલ હોય. એને એ પણ કૅથના નામે ચઢાવવાની કોશિષ પણ કરેલ.’

જનરલસિંઘ બાવેજા, હેરીના પિતા સોફામાં ફસડાય પડ્યા, ‘પુત્તર… તુસી..? તુસી…?’ તો હેરીની માતા દિલરાજકૌરે ઠૂંઠવો મૂક્યો અને રડતા રડતા એઓ અંદર બેડરૂમમાં જતા રહ્યા.

રૈના ખામોશ જ હતી. એકદમ મૂર્તિમંત…ભાવહિન…

‘ક્યું… ક્યું… વાય… વાય… યૂ કિલ્ડ માય સન…??’ જનરલસિંઘ એકદમ ઊભા થયા અને રડતા રડતા એમણે રૈનાને બાવડેથી પકડી ઊભી કરી હચમચાવી નાંખી, ‘ક્યૂં મેરે બેટેકો માર ડાલા?’ જનરલસિંઘ રૈનાના પગ પાસે રડતા રડતા બેસી પડ્યા.

‘ક્યૂંકી તમારા દીકરાએ મારા એકના એક દીકરાને મારી નાંખ્યો હતો…!’ ભાવહિન શાંત અવાજે ખાલી ખાલી આંખે રૈના બોલી. જાણે રૈના નહીં કોઈ અન્ય સ્ત્રી બોલતી હતી, ‘તમારા દીકરાએ મારા ફૂલ જેવા સનીને કચડી નાંખ્યો હતો બેરહમીથી…!’ રૈના શૂન્યમાં જોઈ બોલી રહી હતી, ‘અને પછી એણે જલસા કરવાના શરૂ કર્યા. સૂઈ ગયો સાલો કૅથરિન સાથે…! એક હૉર સાથે… અને એ એના મનમાં વસી ગઈ હતી. એણે કૅથને એનાથી કદી દૂર જ ન કરી. જ્યારે જ્યારે મારી સાથે સૂતો, મજા કરતો ત્યારે પણ એ તો કૅથને જ વિચારતો…! લવ યૂ કેથ! લવ યૂ કેથના લવારા કરતો. એના માટે તો હું જાણે મરી જ ગઈ હતી. એણે મને જ ખતમ કરી નાંખી હતી. મને એણે કૅથ બનાવી દીધી તો કૅથરિન બનીને મેં એને મારી નાંખ્યો…! મેં એને નથી માર્યો! રૈનાએ નથી માર્યો હેરીને. રૈના કેવી રીતે મારે એના પ્યારા હેરીને? કેવી રીતે…કેવી રીતે…? આઈ લવ યૂ હેરી આઈ લવ યૂ હેરી.. આઈ હેઈટ યૂ હેરી… આઈ હેઈટ યૂ હેરી.. આઈ હેઈટ યૂ હેરી..!’ મોટેથી બરાડતી રૈના પાગલની જેમ હસવા લાગી.. જોર જોરથી.. બસ, હસતી જ રહી. હસતી જ રહી… હસતી જ રહી…હસતી જ રહી…!

(સમાપ્ત)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED