ત્રિકોણનો ચોથો ખૂણો… Natver Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

ત્રિકોણનો ચોથો ખૂણો…

ત્રિકોણનો ચોથો ખૂણો…

લેખકઃ નટવર મહેતા

ન્યૂ જર્સી, યુએસએ.

‘સિકરે…’ અંધેરીના એસ.પી. ધ્યાન જાવલકરે એમની પોલીસ કેપ માથા પર બરાબર ગોઠવતા એમની પોલીસ જીપનાં ડ્રાયવરને કહ્યું, ‘લૌ કર…લૌ કર…! પન્ના ટાવર જવાનું છે…!’ કહી જાવલકર ઝડપથી આગળની સિટમાં ગોઠવાયા. એમની સાથે બે કોન્સ્ટેબલ પણ પાછળ બેઠાં. સાયરન વગાડતી જીપ રાતના મખમલી અંધારામાં અંધેરીનાં મહાત્મા ગાંધી માર્ગ પર દોડવા લાગી. સાત મિનિટમાં તો એઓ પહોંચી ગયા પન્ના ટાવર પર. પન્ના ટાવર છ માળની ઇમારત હતી. એમાં મધ્યમ વર્ગથી માંડીને ઉચ્ચ વર્ગનાં કુટુંબો રહેતા હતા. દરેક માળ પર છ છ ફ્લેટ હતા.

‘સર…’ પન્ના ટાવરના નજીકનાં વિસ્તારમાં ફરતી પોલીસ પેટ્રોલકારનાં પીઆઈ ઓમ કરકરે એમને સલામ કરતા કહ્યું, ‘બિહાઈન્ડ ધ બિલ્ડિંગ… મેં કોર્ડન કરી દીધું છે. પ્લીસ…’

‘ફોટોગ્રાફર…?’

‘સર… એને ફોન થઈ ગયો છે. અને મેં ફોરેન્સિક ટિમને પણ બોલાવી જ દીધી છે.’

‘ગુ..ડ…!’ બન્ને ઝડપથી પન્ના ટાવરના વિશાળ પાર્કિંગ લોટને વટાવી ઇમારતનાં પાછળના ભાગે આવ્યા. ત્યાં એક ટોળું ભેગું થઈ ગયું હતું. ત્રણ કોન્સ્ટેબલ એને કાબુમાં રાખી રહ્યા હતા. સિમેન્ટની ફરસ પર એક યુવકની લાશ પડી હતી. એનાં માથામાંથી નીકળેલ લોહી ફરસ પર ફેલાઈ ગયું હતું. લાશની ફરતે ખાસે દૂર એક મોટું ચોરસ બનાવતી પોલીસની યલો ટેપ લાગી ગઈ હતી. એની બહાર ટોળામાં એક સ્ત્રી મોટેથી રડતી હતી અને એની સાથે એક યુવતી પણ ડૂસકાં લઈ રહી હતી.

‘જય ઝવેરી…’ યલો ટેપ મારફત બનાવવામાં આવેલ ચોરસમાં દાખલ થતા પીઆઈ કરકરે કહ્યું કહ્યું, ‘પોલીસ કન્ટ્રોલ ઓફિસ પર અહીંના સિક્યુરિટીના માણસે ફોન કર્યો હતો, ‘બોડી જય ઝવેરીની છે. અહીં આ જ એપાર્ટમેન્ટમાં થર્ડ ફ્લોર પર થ્રિસીમાં રહે છે એનું ફેમિલી. શી ઇસ હીસ મધર.’ રડતી સ્ત્રી તરફ ઇશારો કરતા કહ્યુ. કરકરેએ જેટલી માહિતિ એકત્ર કરી હતી એ ઝડપથી જાવલકરને કહી.

કેપ ઉતારી જયની લાશ પાસે જઈ પન્ના ટાવરની અગાશી તરફ ઉપર નજર કરતા આંખો વડે સવાલ કર્યો…

‘યસ…ટૅરેસ પરથી જ ઝંપલાવ્યું છે... કે પછી સમવન થ્રો હીમ…મેં ટૅરેસ પર પણ એક કોન્સ્ટેબલને ઇમિજિયેટલી મોકલી જ આપ્યો છે!’

પોલીસ ફોટોગ્રાફર આવી ગયો. લગભગ એ જ સમયે ફોરેન્સિક ટીમની જીપ પણ આવી ગઈ. પ્રથમ તો જયની લાશના ફોટાઓ લેવાયા. ફોરેન્સિકનાં કર્મચારીએ એની લાશની ફરતે ચોક વડે નિશાન કર્યું. સફેદ ચાદર ઓઢાડી સ્ટ્રેચર પર જયની લાશ ગોઠવી બે કર્મચારીઓ એને શબવાહિનીમાં મૂકી અને શબવાહિની રવાના થઈ ગઈ.

‘મી એસ.પી. ધ્યાન જાવલકર!’ જાવલકર ટોળા પાસે આવ્યા, ‘પોલીસને પોલીસની કામગીરી કરવા દો. પ્લીસ…આપ સહુ હવે આપના ઘરે જાઓ. વિ વિલ ફાઈન્ડ આઉટ વોટ હેપન્ડ.’ ધીમે ધીમે વાતો કરતું, ગણગણતું ટોળું વિખેરાય ગયું. એમાંનાં કેટલાંકની જવાની ઇચ્છા ન હતી.

‘સર!’ સફેદ પાયજામા પર કથ્થઈ રંગની કફની પહેરેલ એક પુરુષ જાવલકર પાસે આવ્યો, ‘સર. હું વિલાસરાવ પાટીલ. અહીં પન્ના ટાવર હાઉસિંગ સોસાયટીનો સેક્રેટરી છું.’

‘બરા.’ જાવલકરે એની સાથે હસ્તધૂનન કરતા કહ્યું, ‘તમારો જ હું વિચાર કરતો હતો. પન્ના ટાવરમાં રહેતા દરેક ફેમિલીની હોય એટલી માહિતિ લઈ કાલે તમે પોલીસ સ્ટેશને આવી મને મળજો. દશ વાગે સવારે.’

‘સ્યોર…સર! પણ અત્યારે મારે ઝવેરી ફેમિલી વિશે વાત કરવી છે. જયની આઈને શું કહેવું? જય જે…’

જાવલકર મરહૂમ જયની માતા પાસે આવ્યા, ‘જે થયું એ બહુ જ ખરાબ થયું. તમારી હાલત અમે સમજી શકીએ છીએ.’

‘સર. જયના ફાધર લલિત ઝવેરી દુબઈ છે. એને ફોન કરી દીધો છે.’ વિલાસરાવે કહ્યું.

‘અમને તમારી જરૂર પડશે. પણ હાલે તો…’ થૂંક ગળી કરકરે બોલ્યા, ‘તમારે કંઈ વાત કરવી હોય, કંઈ કહેવું હોય તો…’

‘મારો જય…!’ રડતા રડતા જયની માતા બેહોશ થઈ ગઈ. મહિલા કોન્સ્ટેબલે એને સાચવી પકડી લીધી નહિંતર એ ફરસ પર પછડાતે.

‘ટેઈક કેર ઓફ હર.’ મહિલા કોન્સ્ટેબલને આદેશ આપી જાવલેકર ફોરેન્સિકના માણસો પાસે આવ્યા. એમણે ફ્લડ લાઈટ સળગાવી એમની કામગીરી બજાવવા જ માંડી હતી. એક આઈ ફોન મળ્યો. જેનો સ્ક્રીન તૂટી ગયો હતો, ‘મેઇક સ્યોર. નથીંગ ઇસ મિસ્ડ. ધીસ વિલ બી હોટ કેઇસ.’

‘સર.’

‘ટેરેસ ઇસ વેરી ઇમ્પોર્ટન્ટ. એવરી ઇંચ ઓફ ટેરેસ મસ્ટ બી સ્ક્રિન્ડ. નથીંગ શુડ બી લેફ્ટ. વોટ અબાઉટ સીસી કેમેરા.’

‘સર, જોવાનું એ છે કે આ એપાર્ટમેન્ટમાં એની વ્યવસ્થા જ નથી.’

‘ઓહ! ધેટ્સ નોટ ગૂડ’ મધરાત થઈ ગઈ હતી. જાવલકરે કરકરે સાથે હાથ મેળવી કહ્યું, ‘એની વે, કરકરે, હું ચાહું છું કે તમે આ કેસ પર કામ કરો. યુ આર ઇન્ચાર્જ ઓફ ધીસ કેઈસ. સિલેક્ટ યોર ટીમ એન્ડ આઈ વોન્ટ રિઝલ્ટ વીધ ઇન વિક.’

‘સર,’ સલામ કરતા કરકરેએ કહ્યું, ‘માય પ્લેઝર!’

અને બન્ને છૂટા પડ્યા. કરકરેની પણ નાઈટ શિફ્ટ પૂરી થવા પર હતી, ‘ગૂડ નાઈટ સર.’

‘શુભ રાત્રી… જય મહારાષ્ટ્ર.’

‘જય મહારાષ્ટ્ર.’

**** ***** *****

બીજા દિવસથી ઈ.કરકરેની દિવસની શિફ્ટ જ શરૂ થતી હતી. ઘરેથી સીધા એઓ પન્ના ટાવર પર પહોંચ્યા. ફોન કરી એક મહિલા કોન્સ્ટેબલને એમણે ત્યાં બોલાવી જ દીધી હતી એટલે સીતા પન્ના ટાવર પર એમની આઠ વાગ્યાથી રાહ જોતી હતી.

‘સોરી સીતા.’ હોન્ડા મોટર સાયકલને પાર્ક કરતા એમણે કહ્યું, ‘જરા લેઈટ થઈ ગયો.’

‘સર આપભી ક્યા?!’ હસીને કોં. સીતાએ કહ્યું, ‘હમને તો અપના કામ સૂરૂ કર દિયા થા.’

‘ક્યા બાત હૈ!’ હસીને કરકરે બોલ્યા, ‘એટલે જ તો તું મારી ટીમમાં છે! બોલ, ક્યા પતા ચલા?’

‘સર!’ હસીને સીતા બોલી, ‘બહુત ગરબડ લગતી હૈ. જયનું ફેઈસબૂક સ્ટેટસ જોયું?’

હવે ચમકવાનો વારો હતો કરકરેનો, ‘શું છે!?’

એના અંગત ફોનના સ્ક્રિન પરથી સીતાએ એ વાંચતા કહ્યું, ‘આઈ એમ ગોઈંગ ટૂ ડાઈ.’

‘વ્હો…ટ…?!’ કરકરેએ સીતાનાં હાથમાંથી એનો ફોન લગભગ ઝૂંટવી જ લીધો. એના સ્ક્રિન પર જય ઝવેરીનું પ્રોફાઇલ જ હતું. જેની પ્રાઇવસી પબ્લિક હતી એટલે ફેઇસબૂક પર એનાં નામે સર્ચ કરતાં કોઈ પણ એનું સ્ટેટસ અપડેટ જાણી શકે.

‘આઈ એમ ગોઈંગ ટૂ ડાઈ.’ સીતાની વાત સાચી હતી. બરાબર રાતે ૧૦.૩૭ એણે સ્ટેટસ અપડેટ કર્યું હતું. અને ગઈ કાલે એમને ક્ન્ટ્રોલ રૂમ પરથી પન્ના ટાવર પહોંચવાનો આદેશ મળ્યો હતો રાતે ૧૦.૪૨ કલાકે. પાંચ મિનિટ બાદ. એઓ પન્ના ટાવરે એમની ટીમ સાથે પહોંચ્યા હતા રાતે ૧૦.૪૬ કલાકે.

-સો ઈટ ઇસ સ્યૂ સાઈડ! કરકરે વિચાર્યું.

-ઇસ ઈટ સ્યૂસાઈડ? કરકરેમાં વસી રહેલ પોલીસે તરત સામે સવાલ કર્યો.

વિચારો ખંખેરતા હોય એમ એમની ગરદન ધૂણાવી એ બોલ્યા, ‘સીતા, ગૂડ જોબ.’

‘અરે સાહેબ! આ સ્ટેટસને ૪૧૦ લાઈક મળી છે અને ચાર તો કોમેન્ટ છે.. એમાંની એક તો છે મને પણ સાથે લઈ જજે. કોઈ જોની ડિ’સિલ્વાની.’

‘સીતા,’ હસીને કરકરે બોલ્યા, ‘ જો દિખતા હૈ વો હોતા નહીં... ક્યા સમજી?’

‘…ઔર જો હોતા હૈ વો દિખતા નહીં.’ હસીને સીતાએ એમનું વાક્ય પૂરું કર્યું, ‘ચલો કહાં સે સૂરૂ કરના હૈ સાબ? બાતો બાતોમેં વખત નિકલ જાયેગા.’

‘આપણે જયનાં ફેમિલીથી જ શરૂ કર્યે.’

પન્ના ટાવર હજૂ સદમામાંથી બહાર આવ્યો ન હતો. છોકરા-છોકરીઓ સ્કૂલે જઈ રહ્યા હતા. એઓ ઇન્સ્પેક્ટર તરફ સાશ્ચર્ય જોઈ રહ્યા હતા. જો કે સમજી વિચારી કરકરેએ યુનિફોર્મ પહેર્યો ન હતો. પણ સીતા યુનિફોર્મમાં હતી.

દાદર ચઢીને વાતો કરતા કરતા દરેક માળ પર સહેજ નજર કરતા કરતા બન્ને ત્રીજા માળ પર આવ્યા. દરેક માળ પર છ ફ્લેટ હતા. ત્રીજા માળ પર એઓ જરા વધારે અટક્યા. સામ સામે ત્રણ ફ્લેટ હતા અને કોરિડોરની એક તરફ સામસામે દાદર હતા તો બીજી તરફ સામસામે બે લિફ્ટ હતી. કોરિડોરના નાકે થ્રીસી ફ્લેટ આવેલ હતો. એના દરવાજા સુધી આવી બન્ને અટક્યા.

‘સીતા.’ સીતાના કાન પાસે મ્હોં લઈ જઈ કરકરેએ કહ્યું, ‘ટેરેસ પર જઈએ પહેલાં!’

હકારમાં સીતાએ ગરદન ઝૂકાવી. દાદર ચઢી એઓ છઠ્ઠો માળ વટાવી અગાશી પર લઈ જતો દાદર ચઢ્યા. પણ ટેરેસમાં જવાનો દરવાજો બંધ હતો. તાળું લટકતું હતું અને એનાં પર પોલીસનું સિલ મારેલ હતું. એમને યાદ આવ્યું કે રાતે મોડે સુધી ફોરેન્સિકવાળા કામ કરતા હતા અને એમણે તાળું માર્યું હતું. સેલ ફોન કરી એમણે ફોરેન્સિકના એક કર્મચારીને પન્ના ટાવર પર આવી જવા આદેશ આપ્યો.

હવે એમણે જયનાં ઘરેથી જ શરૂઆત કરવી પડે એમ હોય એઓ ત્રીજા માળે ફરી આવ્યા અને કોલ બેલ વગાડ્યો.

એક છોકરીએ દરવાજો ખોલ્યો. રડી રડી એનો ચહેરો સૂજી ગયેલ હતો. આંખો જાણે ગુલાલ છાંટ્યો હોય એમ રાતી ચોળ હતી. મોટા બેઠક ખંડમાં દિવાલ પર પચાસ ઈંચનું ફ્લેટ સ્ક્રીન ટીવી લટકતું હતું. ખંડની વચમાં લેધરના કિમંતિ સોફા ગોઠવેલ હતા.

‘આઈએ.’ ધીમા સૂરે એણે આવકાર આપ્યો, ‘હું જયની બહેન છું.’

‘હલો બેટા.’ ગંભીર અવાજે ઈં. કરકરેએ કહ્યું, ‘શું નામ છે તારું?’

‘શિવાની.’

‘ગુડ નેઇમ.’ સીતાએ હસવાનો પ્રયત્ન કરતા કહ્યું, ‘મારું નામ સીતા છે અને આ ઇં. કરકરેસાહેબ છે.’

‘……………’ શિવાની ચૂપ જ રહી.

‘જો શિવાની,’ જે થયું એ બહુ ખરાબ થયું, ‘હવે આપણે એ કેમ થયું એ શોધવાનું છે અને મને, અમને તારી અને તારા ફેમિલીની જરૂર છે. તું અને તારું ફેમિલી જે કંઈ જાણતું હોય એ બધી જ વાત તમારે અમને કહેવી પડશે.’

‘……………’ શિવાની ચૂપ જ રહી, સહેજ અટકીને એ બોલી, ‘મમ્મીને ઊંઘની દવા આપીને સુવાડી દીધેલ છે. પપ્પા દુબઈથી આવવા નીકળી ગયેલ છે. સાંજે ચાર વાગે એમની ફ્લાઈટ છે. મારા માસી આવ્યા છે મોડી રાતે સુરતથી. એઓ અંદર છે. શાયદ એ પણ સૂતા છે.’

‘….તો આપણે તારી આઈને ને માસીને સુવા જ દઈશું.’ સીતાએ ઇં. કરકરે સાથે નજર મેળવી કહ્યું, ‘મારે તો તારી સાથે વાત કરવી છે.’

‘મારી સાથે?’

‘હા બેટા…’ ઇં. કરકરેએ સોફા પર બેસતા કહ્યું, ‘બેસ, અહીં મારી પાસે. શું ભણે છે તું?’

‘હું?!’

‘હા તું. કઈ સ્કૂલમાં ભણે છે. ક્યા ગ્રેડમાં?’

‘ઝેવિયરમાં ટેન્થમાં…’

‘તો નેક્સ્ટ યરે તો તું કોલેજમાં? બરાબરને?’

‘……………’ શિવાની ચૂપ જ રહી.

‘…ને તારો જયભાઈ શું ભણતો હતો?’

રડી પડતા શિવાની બોલી, ‘જય કોલેજનાં બીજા વરસમાં હતો. ભવન્સમાં. આર્ટસમાં હતો.’

‘એનો સેલફોન નંબર શું છે?’

‘૯૩૭ ૫૦૩ ૨૨૩૪!’

જે ઇં. કરકરેએ નોંધી લીધો.

‘કાલે ઘરે કંઈ થયું હતું?’

‘ના.’

‘જય કેટલા વાગ્યે ઘરે આવ્યો હતો?’

‘છ વાગે…’ સહેજ વિચારીને બોલી, ‘ના… ના… સેવન… સાત વાગે આવ્યો હતો.’

‘છ કે સાત?’

‘સાત…’

‘ઓકે.. પછી?’

‘આઈ ડોન્ટ નો. હું તો મારા રૂમમાં હતી અને એ એનાં રૂમમાં. અને એ ક્યારે બહાર ગયો એની મને ખબર નથી. પણ…’

‘પણ… શું…?’

‘……………’ શિવાની ચૂપ જ રહી.

‘જો તું કંઈ જાણતી હોય તો બોલી દે બેટા…’

શિવાની ધ્રૂસકે ધ્રૂસકે રડી પડી. સીતા ઊભી થઈ શિવાની પાસે ગઈ અને એની પીઠ પર હાથ પસારવા લાગી,‘મને લાગે છે કે તું કંઈ જાણે છે. તને અસમંજસ છે કે કહેવું કે નહીં?’

થોડા સમય બાદ શિવાની શાંત થઈ. એનાં ડૂસકાં સમી ગયા. ઊંડો શ્વાસ લઈ એ બોલી, ‘ભાઈ થોડા સમયથી અપસેટ હતો.’

‘શા માટે અપસેટ હતો જય? એની અ…ફે…ર…?’

‘……………’ શિવાની ચૂપ જ રહી. એના હાથમાં સેલફોનને એણે બરાબર પકડી રાખ્યો હતો. એ જોતા કરકરેને ખ્યાલ આવ્યો, ‘શિવાની બેટા, તને જયનાં લેટેસ્ટ છેલ્લાં ફેઈસબૂક સ્ટેટસની જાણ છે? બરાબર?’

શિવાનીએ હકારમાં ગરદન હલાવી. સહેજ ધ્રૂજતા હાથે એણે એનો આઈફોન ઓન કરી એના ટચ સ્ક્રિન પર સ્વાઈપ કરી એક એસએમએસ ખોલી ફોન સીતાને આપ્યો. એના પર જય તરફથી આવેલ છેલ્લો એસએમએસ હતોઃ આઈ ડોન્ટ વોન્ટ ટુ લાઈવ. આઈ એમ ડુઈંગ સ્યૂસાઈડ બીકોઝ ઓફ માય મધર અફેર! આઈ ક્વિટ.

એ ગ્રૂપ એસએમએસ હતો. જયે એનાં બીજા ત્રણ મિત્રોને અને શિવાનીને મેસેજ કર્યો હતો. સીતાએ ફોન ઇં. કરકરેને આપ્યો. ગઈકાલે રાતે ૧૦.૩૮ વાગ્યે જ એસએમએસ કર્યો હતો જ્યારે એણે ફેઈસબૂક પર સ્ટેટસ અપડેટ કર્યું હતું.

-તો જયને એની આઈના અફેર વિશે જાણ થઈ ગઈ હશે. અને એથી એ અપસેટ હશે. શાયદ એની આઈ સાથે ઝઘડો થયો હશે.

-શાયદ એણે ધમકી આપી હશે કે એ એનાં ફાધરને કહી દેવાની.

-શાયદ આઈએ મરી જવાની ધમકી આપી હોય અને એ એમ કરે એ પહેલાં જયે પગલું ભરી દીધું હોય.

‘ઓહ…’ એસએમએસ વાંચી, ‘તને જાણ છે આઈ વિશે…?’ કરકરેએ શિવાનીને હળવેથી પૂછ્યું.

શિવાનીએ નકારમાં ગરદન હલાવી પણ એની આંખોમાંનો હકાર કરકરેની પોલીસ આંખે વાંચી લીધો. પણ માના અફેર વિશે સંતાન વાત કરતા જરૂર ખંચકાય. અરે! આત્મહત્યા સુધી પહોંચી જાય છે તો એ વિશે વધુ સવાલ કરી એઓ શિવાનીને મૂંઝવણમાં મુકવા માંગતા ન હતા.

‘તારી આઈનો સેલ ફોન નંબર શું છે?’

‘૯૯૧ ૩૬૩ ૯૩૧૧!’ નીચી નજરે શિવાનીએ નંબર કહ્યો જે કરકરેએ એમની નોટમાં ટપકાવી દીધો.

એક ભારેખમ ખામોશી છવાય ગઈ એ વિશાળ બેઠકખંડમાં.

‘તારા પપ્પા છેલ્લે ક્યારે આવ્યા હતા દુબઈથી? દુબઈમાં એ શું કરે છે?’

‘અમારી જ્વેલરીની શોપ છે દુબઈમાં. પપ્પા દર ત્રણ-ચાર મહિને આવે. આ વખતે જરા લંબાઈ ગયું. બિઝનેસને કારણે શાયદ. પણ એ સાંજની ફ્લાઈટમાં આવે જ છે.’

‘ઓકે. સરસ. એઓ આવે એટલે એમને કહે કે મને ફોન કરે. આ મારો કાર્ડ છે. એનાં પર મારો નંબર, મારા સેલનો નંબર છે એના પર ફોન કરે.’ ગજવામાંથી પાકિટ કાઢી એમાંથી એમનો બિઝનેસ કાર્ડ કાઢી એમણે શિવાનીને આપ્યો, ‘હવે અમે જઈશું. પણ શાયદ બહુ જલ્દી પાછા આવીશું. તારી આઈ સાથે વાત કરવા. મને તારો ફોન નંબર અને જેના પર જયે છેલ્લો ગ્રૂપ એસએમએસ કરેલ એ બધા નંબર મને લખાવી દે પ્લીસ.’ શિવાનીએ એ નંબરો આપ્યા કે તરત કરકરેએ એ ત્રણે ય નંબરો પર ગ્રૂપ એસએમએસ કરી ત્રણેને ચાર વાગે અંધેરી પોલીસ સ્ટેશને આવવા જણાવી દીધું અને સહેજ વિચારીને કહ્યું, ‘મારે જયનો રૂમ જોવો છે. જો શિવાની, આ કેસમાં અમને તારી ખૂબ જરૂર છે.’

કંઈ પણ બોલ્યા વિના શિવાની ઊભી થઈ ચાલવા લાગી. એટલે કરકરે અને સીતા એની પાછળ ગયા. શિવાનીએ એક બંધ રૂમનું બારણું ખોલ્યું, ‘ભાઈનો રૂમ.’

ઇ. કરકરે અને સીતા એમાં દાખલ થયા. રૂમની વચ્ચેવચ એક પલંગ હતો. આજૂબાજૂ લેંપ, દિવાલ પર હોલિવૂડનાં કોઈ હીરોનું પોસ્ટર હતું. એક તરફ ખૂણામાં ડૅસ્ક હતું અને એની આગળ એક ઑફિસ ચેર હતી.

‘થેન્કસ શિવાની! જયનું પર્સનલ કમ્પ્યુટર હતું કે તમે બન્ને શેર કરતા?’

‘એની પાસે લેપટોપ છે. મેક બૂક. પપ્પાએ એને કોલેજમાં આવ્યો ત્યારે ગિફ્ટ કરેલ.’ સહેજ અટકીને એ બોલી, ‘મારું અલગ પીસી છે.’

‘કેન આઈ હેવ જય’સ લેપટોપ?’

ઓફિસ ડેસ્કમાં આવેલ ખાનાઓ તપાસી એમાંથી લેપટોપ કાઢી એણે કરકરેને આપ્યું.

‘થેન્કસ.’ એટલામાં જ એમનાં ફોન પર એસએમએસ આવ્યાનું બીપ બીપ થયું. કરકરેએ મેસેજ વાંચ્યો. ફોરેન્સિકનો માણસ ગુપ્તે ટેરેસની ચાવી લઈને આવી ગયો હતો. લેપટોપ એમણે સીતાને આપતા કહ્યું, ‘થેન્ક યૂ વેરી મચ શિવાની, હવે અમે જઈશું. પણ શાયદ વહેલાં પાછા આવીશું. તારા પપ્પા આવે એટલે એમને મને મળવા કહેજે. જો એઓ ન આવી શકે એમ હોય તો હું એમને મળવા આવીશ.’

‘કેન આઈ આસ્ક યૂ વન ક્વેશ્ચન?’ શિવાનીએ નીચી નજરે પૂછ્યું.

‘અફકોર્સ!’

‘ઈસ ભાઈ રિયલી કમિટેડ સ્યૂસાઈડ?’

‘મે બી… મે નોટ…’ ગંભીર થઈ જતા કરકરે બોલ્યા,’ ઈટ ઈસ ટૂ અરલી ટૂ સે એબાઉટ ધીસ. બટ. બહુ જ જલ્દી એનો જવાબ હશે મારી પાસે. અને બીલિવ મી. હું તને જરૂર જાણ કરીશ.’ ઇં કરકરે અને સીતા બહાર આવ્યા અને ગુપ્તેને મળ્યા. જે ચાવી લઈને એમની જ રાહ જોતો હતો.

એની સાથે એઓ ટેરેસ પર આવ્યા. ફેબ્રૂઆરી મહિનાનાં તડકામાં અગાશી પણ ગમગીન લાગતી હતી. વિશાળ અગાશીમાં એક નજર દોડાવી કરકરે સીધા પાછળના ભાગમાં આવ્યા. અગાશીની પાળ પર સહેજ ઝૂકીને એમણે નીચે નજર કરી. બરાબર નીચે જ્યાં જયનો દેહ પડ્યો હતો એની આસપાસ સફેદ ચોકથી દોરેલ માનવ આકૃતિ ઉપરથી સ્પષ્ટ દેખાતી હતી.

-તો જે કંઈ થયું એ અહીં જ થયું હશે.

અગાશી પર ધૂળના આછા આવરણમાં કેટલાંક પગલાંઓની છાપ હતી. એ પરથી ખ્યાલ આવતો હતો કે ચારથી પાંચ વ્યક્તિઓ હશે અગાશીમાં. જે રીતે ધૂળ એક સરખી વિખેરાય હતી એ પરથી એમણે ધારણાં કરીઃ આ એક જ સમયે પડેલ પગલાંઓની છાપ છે.

‘એનાં ફોટાઓ લેવાય ગયેલ છે,’ ઈ. કરકરે કંઈ પૂછે એ પહેલાં જ ગુપ્તેએ કહ્યું, ‘ઉપરાંત બિયરની છ ખાલી બોટલ, સિગરેટના દશ ઠૂંઠા પણ કલેક્ટ કરેલ છે. ફિંગરપ્રિન્ટનો રિપોર્ટ આવતી કાલે આવી જશે.’

‘ગૂડ જોબ ગુપ્તે, ધેટ્સ વાય મુંબઈ પોલીસ ઇસ ધ બેસ્ટ પોલીસ ઇન ધ વર્લ્ડ.’ હસીને ઇં કરકરે બોલ્યા. એઓ ફરી અગાશીની પાળ પાસે ગયા. સહેજ વિચારીને એના પર બેઠાં. ફરી ઊભા થયા. ફરી બેઠાં. પાળની ઊંચાઈ લગભગ ચાર ફૂટ હતી. પાળ પરથી ઊભા થઈ એમણે ફરી નીચે નજર કરી. ઘટના સ્થળની બરાબર નીચે એક બાલ્કની હતી. જો ઉપર અગાશીમાં મોટેથી વાતચીત, બોલચાલ કે ઝગડો થાય અને કોઈ એ બાલ્કનીમાં ઊભું હોય તો જરૂર સાંભળી શકે.

‘સીતા, આપણે છઠ્ઠા માળનાં દરેક ફ્લેટની મુલાકાત લેવી પડશે.’ કહી કરકરેએ જેટલાં ફોન નંબર મેળવ્યા હતા એ દરેકને એમણે એમના આસિસ્ટન્ટને દરેકનો છેલ્લા છ મહિનાનો કોલ રેકર્ડ જે તે ફોન કંપની પાસેથી જેમ બને એમ જલ્દી મેળવવાનો એસએમએસ કરી દીધો. દાદર ઉતરી કરકરે, સીતા અને ગુપ્તે છઠ્ઠા માળ પર આવ્યા. ખૂણાનાં ફ્લેટ નંબર ‘એફ’નાં પ્રવેશદ્વાર પાસે આવી કરકરેએ કોલ બેલ દબાવતા દરવાજા પર લાગેલ નેઈમ પ્લેટ વાંચીઃ મનીષ દેસાઇ.

-કોણ હશે? અંદરથી આવતો અવાજ એમણે સાંભળ્યો અને એક આધેડ વયનાં પુરુષે બારણું ખોલ્યું.

‘ગુડ મોર્નિંગ.’ કરકરેએ બહારથી વાતની શરૂઆત કરતા કહ્યું, ‘આઈ એમ ઇન્સપેક્ટર કરકરે. મુંબઈ પોલીસ. અને આ છે કોન્સ્ટેબલ સીતા અને આ ઓફિસર ગુપ્તે. ગુપ્તે ઇસ ફ્રોમ ફોરેન્સિક. સોરી ટુ ડિસ્ટર્બ યુ મિ…?’

‘…દેસાઈ… મનીષ દેસાઈ…’ દેસાઈએ એમનું વાક્ય પુરું કર્યું, ‘ગુડ મોર્નિંગ. કમ ઇન ઇન્સપેક્ટર પ્લીસ!’ એટલાંમાં જ લગભગ બાવીસ વરસની એક યુવતી અંદરના ઓરડમાંથી બહાર આવતા બોલી, ‘ડેડ, કોણ છે?’

‘સોનલ, એ તો ઇન્સપેક્ટર છે..’ દેસાઈએ કહ્યું, ‘માય એલ્ડર ડૉટર સોનલ.’ સોનલે બેઠક ખંડમાં એક સોફા પર બેસતા રિમોટ કન્ટ્રોલ વડે ટીવી બંધ કર્યું.

‘મિસ્ટર દેસાઈ, તમને જાણ તો હશે જ કે કાલે શું થયું?’

‘યેસ યેસ…!’ સહેજ ખંચકાયને એઓ બોલ્યા, ‘અમને મોડી મોડી જાણ થઈ. યૂ નો. ધોસ બોયસ આર ટ્રબલ મેકર્સ. એન્ડ વન ઓફ ધેમ કમિટેડ સ્યૂસાઈડ!’

‘ધોસ બોયસ…?’ કરકરેએ બાલ્કની તરફ જતા પૂછ્યું.

‘તમે ચા લેશો ઇન્સપેક્ટર?’ સોનલે અચાનક પૂછ્યું.

‘ના…થેન્ક યૂ.’ કરકરેએ ના પાડતા કહ્યું, ‘મિસ્ટર દેસાઈ. ધોસ બોયસ મીન્સ?’

‘જૂઓને ઓફિસર…આજકાલનું જનરેશન. શું કહેવું એમના વિશે?’ એમની દીકરી સોનલ તરફ નજર કરતા દેસાઈએ કહ્યું, ‘પર્ટીક્યૂલર યંગ બોયસ. પૈસાદાર મા-બાપની બગડી ગયેલ ઓલાદ. સ્પોઇલ્ડ ચાઈલ્ડ! અઠવાડિયામાં બે-ત્રણ વાર એઓ ટેરેસમાં રાતે મોડે સુધી ધમાલ કરે. સ્મોકિંગ કરે. ડ્રીન્ક કરે. મોટે મોટેથી વાતો કરે. અમે કમ્પલેઈન પણ કરી હતી સેક્રેટરી પાટીલને. એમણે ટેરેસનાં દરવાજે તાળું માર્યું હતું તો લાગે છે કે છોકરાઓએ એ તોડી નાંખ્યું.’

‘ગઈ કાલે રાતે શું બન્યું હતું? તમને જે કંઈ જાણ હોય એ કહેશો તો અમને મદદ થશે. નાનામાં નાની વાત.’

‘એસ યૂઝુઅલ હું તો સૂઈ ગયો હતો. સાડા નવે.’ દેસાઈએ કહ્યું, ‘મને વહેલા સુવાની આદત છે. અને સવારે વહેલો ઊઠી વૉલ્ક પર જાઊં છું.’

‘તને કંઈ ખબર છે, સોનલ?’ કરકરેએ સોનલ સાથે નજર મેળવી પૂછ્યું, ‘ઘરમાં કોણ કોણ છે? મારે દરેક સાથે વાત કરવી છે. કરવી પડશે.’

‘હું છું. માય મોમ મેઘના. શી ઇસ ટેકિંગ શાવર. અને મારી નાની બહેન છે રૂપલ.’ સોનલે કહ્યું, ‘રૂપલ ઇસ નોટ ફિલિંગ વેલ તો એ સૂતેલ છે.’

‘ઓકે, તો સોનલ, વિ વીલ સ્ટાર્ટ ફ્રોમ યૂ. ગઈ કાલે રાતે જે કંઈ તારા ધ્યાનમાં આવ્યું હોય. કંઈ અન્યૂઝુઅલ? તું તો તારા ફાધરની જેમ વહેલી તો સૂઈ જતી નથીને? બાય ધ વે, તું શું કરે છે સ્ટડી?’

‘હું સ્ટડી કરું છું. માસ્ટર ઇન પેથોલોજી, મીન્સ એમએસસી. લાસ્ટ સેમેસ્ટર.’

‘…અને તારી સિસ્ટર રૂપલ?’

‘એ કોલેજના પહેલાં વરસમા છે. સાયન્સ’

‘ભવાન્સ કૉલેજ?!’ કરકરેએ પૂછ્યું,

‘યસ.’

‘ગૂડ. તો સોનલ. ટેલમી ગઈ કાલે રાતે જે કંઈ તારા ધ્યાનમાં આવ્યું હોય. કંઈ અન્યૂઝુઅલ?’ કહી કરકરે સીતા અને ગુપ્તે પાસે આવ્યા અને એમને કંઈ સુચન આપ્યું. એથી બન્ને બહાર ગયા.

‘રાતે?’ સોનલ વિચારવા લાગી.

‘એસક્યુઝ મી.’ દેસાઈએ કરકરેને કહ્યું, ‘મારે બાથ લઈ નીકળવું પડશે. જોબ પર જવાનો સમય થયો. હું સ્ટેટબેન્કમાં છું.’

‘નો પ્રોબ્લેમ. યુ કેરી ઓન. મિ. દેસાઈ. થેન્ક યૂ વેરી મચ ફોર યોર કોઓપરેશન. વિ વિલ કન્ટીન્યૂ વિથ યોર ફેમિલિ.’

અંદરનાં ઓરડામાંથી મેઘના એક ટ્રેમાં ચાના ચાર કપ લઈને આવી. એક કપ કરકરેને આપતા કહ્યું. ‘સર, ચા તો પીતા જ હશો?’

‘સો કાઇન્ડ ઓફ યૂ.’ મેઘનાનાં હાથમાંથી કપ લેતા કરકરેએ કહ્યું, ‘ખરેખર ચાની જરૂર હતી જ.’ એક ઘૂંટ પી હસીને કહ્યું, ‘નાઈસ ટી.’

‘થેંક્સ, તમારો બીજો સ્ટાફ ક્યાં ગયો?’

‘એ ઉપર ટેરેસ પર ગયા છે.’ કહી કરકરેએ વાતનો દોર સોનલ સાથે સાંધતા કહ્યું, ‘…તો સોનલ, ટેલ મી અબાઊટ યસ્ટરડે નાઈટ. અને મિસિસ દેસાઈ તમને પણ કંઈ અજૂગતું લાગ્યું હોય. કંઈ ધ્યાનમાં આવ્યું હોય.’

‘સાહેબ જવા દોને. વાત જ કરવા જેવી નથી. અમે તો કંટાળી ગયા હતા. ફરિયાદ કરી કરીને. એ છોકરાઓ વિશે.’ સોનલને બદલે મેઘના જ વાત કરવા લાગી.

સોનલે વચ્ચે વાત કાપતા કહ્યું, ‘ગઈ કાલે પણ એઓ મોટે મોટેથી વાત કરતા હતા. હું બાલ્કનીમાં બેસી મારું એસાઇનમેન્ટ તૈયાર કરતી હતી. બરાબર અમારી બાલ્કનીની જ ઉપર એ સિગરેટ પીતા હશે તે ગંધ આવતા બાલ્કનીનો ગ્લાસ ડોર બંધ કરી હું તો અંદર આવી ગઈ હતી.’

‘…અને રાતે હું જ્યારે ગાર્બેજ નાંખવા માટે બહાર ગઈ હતી ત્યારે મેં પાટીલને ગુસ્સામાં ટેરેસ પરથી ઊતરતા જોયા હતા.’ મેઘનાએ કહ્યું, ‘અમારે ગાર્બેજ ડિસ્પોઝલ માટે વેન્ટ છે એમાં ગાર્બેજ બેગ નાંખી દેતા નીચે એ સીધું ડંપ્સ્ટરમાં જાય.’

‘વિલાસરાવ પાટીલને? કેટલાં વાગે?’

‘હા. સમય તો મને બરાબર યાદ નથી. પણ એ બહુ ગુસ્સામાં હોય એમ લાગ્યું હતું અને ટેરેસના દાદર ઉતરી ઝડપથી લિફ્ટમાં નીચે જતા રહ્યા હતા. લિફ્ટ ટેરેસ સુધી નથી જતી. અને એ ફર્સ્ટ ફ્લોર પર રહે છે વન એમાં, એટલે અમારા ફ્લોર પર આવવું પડે.’

‘એ નીચે ઉતર્યા ત્યારે છોકરાઓ ઉપર હતા?’

‘આઈ રિયલી ડોન્ટ નો. અમે તો એમને ઇગ્નોર કરતા હોઈએ એટલે મેં ધ્યાન ન આપ્યું.’

‘ગૂડ ઇન્ફોર્મેશન!’ કહી કરકરે બાલ્કનીમાં આવ્યા. બાલ્કનીમાંથી નીચે નજર કરી. ઉપર ટેરેસ તરફ નજર કરી. સીતા અને ગુપ્તે અગાશીમાં પહોંચી ગયા હતા અને બાલ્કનીની બરાબર ઉપર ઊભા રહી મોટેથી વાત કરતા હતા એ એમને બાલ્કનીમાં સંભળાતું હતું.

‘જય સાથે જે છોકરાઓ હતા એ કોણ હતા? એનાં નામ, પતા તમને કોઈને માલૂમ હોય તો…?’

‘ના, અમને એની જાણ નથી. પણ શાયદ એક પન્ના ટાવરમાં જ રહે છે. બટ વી ડૉન્ટ નો એક્ઝેટલી.’

‘લાસ્ટ ક્વેશ્ચન.’ બાલ્કનીમાંથી કરકરે અંદર બેઠક ખંડમાં આવતા બોલ્યા, ‘સોનલ, ડૂ યુ એન્ડ યોર સિસ્ટર હેવ ફ્રેન્ડશિપ વિથ જય ઝવેરી?’

‘નો. જનરલી વી ઇગ્નોર હીમ!’ થૂંક ગળતા એ બોલી.

‘થેન્ક યૂ વેરી મચ ફોર યોર ટાઇમ. ઘણી માહિતી મળી જે કામ આવશે ઇન્વેસ્ટિગેશનમાં. અમે રજા લઈશું. જો કે, જરૂર પડે અમે ફરી આવીશું.’

‘નો પ્રોબ્લેમ. એની ટાઇમ.’

‘મે આઈ હેવ યોર એન્ડ યોર ફેમિલી સેલ ફોન નંબર? જસ્ટ ફોર ઇન્ફો.’

‘વાય નોટ?’ સોનલે ચારે ય ફોન નંબર લખાવી દીધા જે કરકરેએ નોંધી લીધા.

‘ઓફિસર,’ અંદરથી તૈયાર થઈ મનીષ દેસાઈ આવ્યા, ‘ઇટ ઇસ રિયલી સેડ! વિ ફીલ વેરી સોરી ફોર ઝવેરી ફેમિલિ. મારે ઓફિસ જવાનો સમય થયો તો હું રજા લઈશ.’

‘અમે પણ હવે જઈશું જ. થેન્કસ વન્સ અગેઈન!’ કહી કરકરે ફ્લેટની બહાર આવ્યા. બહાર એમની રાહ જોતા સીતા અને ગુપ્તે ઊભા હતા.

‘વોટ ડૂ યૂ થિન્ક સીતા? ક્યા લગતા હૈ?’

‘મામલા ગરબડ હૈ…’ સીતાએ હસીને કહ્યું, ‘યે વિલાસરાવ બહુત કુછ જાનતા હોગા…’

છઠ્ઠા માળે બીજા ત્રણ ફ્લેટનાં રહેવાસીઓ સાથે વાત-ચીત પૂછપરછ કરી વધુ માહિતી મેળવી. અન્ય ફ્લેટ બંધ હતા.

લિફ્ટમાં ત્રણે પહેલાં માળે આવ્યા. વિલાસરાવ પાટીલ પહેલાં માળે રહેતા હતા એના દરવાજાની કોલબેલની સ્વિસ દબાવી.

નોકરે દરવાજો ખોલ્યો. અંદરથી કોઈ સ્ત્રીએ પૂછ્યું, ‘રામુ, કોણ આહે?’

‘પોલીસ આહે.’

‘વિલાસરાવ હૈ ક્યા ઘરપે?’ કરકરેએ પૂછ્યું.

‘ના જી,’ અંદરથી એક સ્ત્રી હાથ સાફ કરતા કરતા આવી, ‘વો તો નિકલ ગયે પોલિસ સ્ટેશન જાને વાલે થે. સાબ, બહુત બુરા હૂઆ કલ.’

હવે એમને યાદ આવ્યું કે, દશ વાગે વિલાસરાવને પોલીસ સ્ટેશને પન્ના ટાવરના દરેક રેસિડન્ટની માહિતિ લઈને મળવા અંગે એસ પી જાવલકરે કહ્યું જ હતું. એમણે તરત જ પોલીસ સ્ટેશને ફોન કરી વિલાસરાવ આવે તો એમને રોકી રાખવા કહ્યું.

‘સીતા, ગુપ્તે, સ્ટેશને મળીએ. તમે વ્હિકલ તો લાવ્યા જ છોને?’

‘જી સર.’ ગુપ્તેએ જવાબ આપ્યો.

દશ મિનિટમાં કરકરે પોલીસ સ્ટેશને પહોંચી ગયા. વિલાસરાવ હજૂ આવ્યા ન હતા. જયનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવી ગયો હતો અને એમનાં ડેસ્ક પર પડ્યો હતો. માથામાં, પૅલ્વિસ પર, સ્પાઈન પર મલ્ટિપલ ફેક્ચર અને હેમરેજ થવાથી મોત થયું હતું. ધારણા મુજબ લોહીમાં આલ્કોહોલનું ખાસું પ્રમાણ હતું. પણ ડ્રગ્સનાં અવશેષ ન હતા. જયનાં દેહનાં વિવિધ એન્ગલથી લેવાયેલ ફોટાઓ પણ આવી ગયા હતા. એનો દેહ પીઠ પર પડ્યો હતો એનો ચહેરો આકાશ તરફ.

-તો આત્મહત્યા નાહી!

-સામાન્યતઃ કૂદીને આત્મહત્યા કરનારની પીઠ આકાશ તરફ હોય. જ્યારે અહીં ઉલટું હતું! માથાનાં પાછળનાં ભાગમાં મલ્ટિપલ ફેક્ચર હતા. કૂદીને આત્મહત્યા કરનારના કપાળ, જડબા પર પર કે માથાનાં આગળનાં ભાગે, છાતી પર, ફેક્ચર હોવાની શક્યતા વધુ હોય.

‘સર, આવું કે?’ પુછતા વિલાસરાવ કરકરેની ઓફીસમાં દાખલ થયા.

‘અરે વિલાસરાવ, આઈએ આઈએ. હું તમારી જ રાહ જોઈ રહ્યો હતો. હું તમારા ઘરે, આઈ મીન પન્ના ટાવર પર પણ જઈ આવ્યો, બસા…બસા.’

‘કરકરે સાહેબ,’ વિલાસરાવ કરકરેનાં ટેબલની સામે ગોઠવેલ ખુરશી ખસેડી બેસતા વિલાસરાવે કેટલાંક કાગળો આપતા કહ્યું, ‘આ અમારા પન્ના ટાવરનાં રેસિડન્ટનું લિસ્ટ.’

‘થેન્કસ!’ એ લેતાં કહ્યું. ટેબલ પરનો કોલબેલ દબાવી બે ચા માટે એક જમાદારને કહી દીધું.

‘તો વિલાસરાવ,’ ઊંડો શ્વાસ લઈ કરકરે બોલ્યા, ‘લગતા હૈ આપ બહુત કુછ જાનતે હૈ.’

‘અરે સાહેબ! જો કુછ હુઆ બહુત બુરા હુઆ. મેં બે વાર તો ટેરેસનાં દરવાજાનાં લોક બદલ્યા. તો પણ…’

‘ગઈ કાલે રાતે શું થયું હતું એ કહો.’

‘કાલે રાતે હું જસ્ટ ચેક કરવા ટેરેસ પર ગયો હતો. તો જય ઝવેરી, સુનિલ મોરે અને કોઈ એક બીજો છોકરો ટેરેસ પર બેસી બિયર પી રહ્યા હતા ને સાથે સાથે સ્મોકિંગ પણ. તો મારો પિત્તો ગયો. એટલો ગુસ્સો આવ્યો હતો મને કે, ત્રણેયને એક એક લગાવી દેવાનો વિચાર પણ આવી ગયો હતો. મેં એમને બહુ સંભળાવ્યું. જયને તો હું બરાબર ઓળખું છું. પણ એ જ વધારે દલીલ કરવા લાગ્યો. બીજા બે છોકરાઓ પણ એનો સાથ આપવા લાગ્યા. મને કહે તમારાથી થાય તે કરી લેજો. નફ્ફટ થઈ એકે તો મારા તરફ સિગરેટનો ધૂમાડો પણ ફૂંક્યો. શાયદ બિયરના નશાને કારણે એને ભાન ન હતું.’

‘ઓહ!’ એટલાંમાં ચા આવી ગઈ, ‘લો ચાય પીઓ, ફિર ક્યા હૂઆ?’

‘મારી તો એમને જાણે કોઈ અસર જ ન થઈ હોય એમ ત્રણે મારી સામે બિયરની બાટલી ખાલી કરી. એટલે મેં પોલીસને ફોન કરવાની ધમકી આપી તો બે તો લથડિયાં ખાતા દાદર ઉતરી છઠ્ઠે માળે આવ્યા અને લિફ્ટમાં બેસી નીચે ઊતરી ગયા. જયને બહુ સમજાવ્યો. એણે મને સોરી કહ્યું. પછી અમે બન્ને સાથે નીચે આવ્યા. એ એનાં ઘરે ગયો અને હું મારા ફ્લેટ પર.’

‘…તો તમે તાળું ન માર્યું ફરીથી?’

થૂંક ગળી વિલાસરાવ બોલ્યા, ‘સાહેબ, રાત થઈ ગઈ હતી. મારી પાસે એકસ્ટ્રા લોક પણ ન હતું. અને એકવાર ધમકાવ્યા બાદ રાતેને રાતે તો ફરી લડકે લોગ ટેરેસ પર તો નથી જવાનાં તો બીજા દિવસે તાળું મારીશ એમ વિચારી મેં તાળું ન માર્યું. ગલતી હો ગઈ. જો મેં તાળું માર્યું હોત તો આવું ન થાત. બહુત અફસોસ હોતા હૈ અબ.’

‘અગાઉ આવું થયું હતું તો તમે પોલીસને જાણ કેમ ન કરી?’

‘સાહેબ, ઝવેરી ને મોરે ફેમિલિને મેં કમ્પલેઈન કરી જ હતી કે આવું વારંવાર થવું ન જોઈએ. ઓર સાબ, લડકે લોગ થે. કોઈ ક્રિમિનલ તો નહીં થે. સબ કાલિજમેં પઢતે થે. તો ઉનકે ભવિષ્યકે બારેમેં સોચ કર હમને પુલિસકો બિચમેં ન લાનેકા સોચા. સહી બાતને?’

કરકરે વિલાસરાવ સાથે વાત કરતા કરતા નોંધ પણ કરતા હતા એ પેડ પર એમણે વિલાસરાવનું નામ લખી સામે મોટાં પ્રશ્નાર્થચિહ્નની નિશાની કરી!

‘તમારી પાસે મોરે ફેમિલિનો ફોન નંબર તો હશે જ?’

‘હા જી!’ એમનાં ફોનમાં જોઈ એમણે એ નંબર લખાવ્યો.

‘મને તમારો નંબર પણ લખાવી દો પ્લીસ.’

‘૬૦૧ ૪૪૭ ૦૩૦૨’ વિલાસરાવે એમના સેલફોનનો નંબર કહેતા કહ્યું, ‘કરકરે સાહેબ, મારી કોઈ પણ જરૂર હોય તો જણાવશો.’

‘બાય ધ વે, તમે શું કરો છો? બિઝનેસ?’

‘હું એસ્ટેટ બ્રોકર છું!’ બિઝનેસ કાર્ડ આપતા વિલાસરાવે કહ્યું.

‘વાહ! કામકે આદમી હો.’ કરકરેએ હસીને કહ્યું.

‘એની ટાઇમ. પ્રોપર્ટી લેવાના હોય તો જણાવશો. નો કમિશન ફોર યૂ! હું રજા લઈશ. એક બે એપોઇન્ટમેન્ટ છે તો…’

વિલાસરાવના ગયા બાદ કરકરેએ મોરે ફેમિલીને ફોન કરી સુનિલ મોરેને જેમ બને એમ જલ્દી અંધેરી પોલીસ સ્ટેશને એમને મળવા આદેશ આપ્યો અને એમણે જયનું લેપટોપ ચાલુ કર્યું. એમની નવાઈ વચ્ચે કોઈ પાસવર્ડ વિના એ શરૂ થઈ ગયું. ફાયરફોક્સ બ્રાઉઝર શોર્ટકટ પર ક્લિક કરી એમણે ફાયરફોક્સ શરૂ કર્યું. ગૂગલનું હોમ પેઈજ હતું. એઓ સીધા એની હિસ્ટ્રી પર ગયા. એની બ્રાઊઝિંગ હીસ્ટ્રી જોતા જ એમનાં ચહેરા પર હાસ્ય આવ્યું. એમની ધારણા સાચી પડી. જયે સીત્તેર ટકા એડલ્ટ સાઈટની મુલાકાત લીધી હતી. વારંવાર. એક સાઈટ પર તો ટ્રિપલ એક્સ વિડીયો ફ્રી જોઈ શકાય એવી હતીઃ રિયલી સ્પોઇલ્ડ કીડ!

એટલાંમાં એક યુવક ડરતો ડરતો એમની ઓફીસમાં આવ્યો, ‘મી મોરે! તમે ફોન કર્યો હતોને મળવા.’

‘આવ આવ, સુનિલ મોરે?’

‘જી?’

‘તો સુનિલ તારે મને કહેવાનું છે કાલે રાતે શું શું થયું હતું? બેસ શાંતિથી.’

ડરતો ડરતો સુનિલ ખુરશી પર ગોઠવાયો.

‘કોણ કોણ હતું તારી સાથે જય સિવાય?’

‘જય, હું અને મુકેશ.’

‘મુકેશ પણ પન્ના ટાવરમાં જ રહે છે?’

‘ના. એ અમરદિપમાં રહે છે!’

‘તમે રોજ મળો છો?’

‘હું અને જય રોજ મળીએ.મુકેશ ક્યારેક મળે.’

‘અને ડ્રીન્ક?’

‘…………….?’

‘રોજ પીઓ છો?’

‘ના...ના…, ક્યારેક ક્યારેક જ પીએ.’ થૂંક ગળી સુનિલ બોલ્યો, ‘રોજ તો નથી પીતા.’

‘કાલે ક્યારે ભેગા થયા હતા તમે ત્રણે અને ક્યાં?’

‘મારા પર જયનો એસએમએસ આવ્યો હતો ત્યારે મારી સાથે મુકેશ હતો. તો મેં એને પણ સાથે જોડાવાનું કહ્યું. સીધાં ટેરેસ પર પહોંચ્યા હતા અમે બન્ને.’

‘કેટલાં વાગે ભેગા થયા હતા ટેરેસ પર?’

‘રાતનાં એરાઉન્ડ નાઈન…!’

‘બિયર કોણ લાવ્યું હતું?’

‘જય.’

‘દર વખતે એ જ લાવતો કે….?’

‘મોટે ભાગે તો એ જ લાવતો. એની પાસે પૈસા રહેતા.’

‘ઓકે. ત્યારબાદ શું થયું?’

‘અમે પીવાની શરૂઆત કરી. જયને જરા ઝડપથી પીવાની ટેવ હતી. એણે એક બોટલ તો ખાલી પણ કરી નાંખી હતી અમે જોડાયા ત્યારે.’

‘પછી…?’

‘થોડા સમય બાદ અચાનક વિલાસ અંકલ ટેરેસ પર આવ્યા.’

‘કેટલા વાગ્યે?’

‘એ તો બરાબર જાણ નથી. પણ આશરે એકાદ કલાક પછી આવ્યા હતા. બહુ ગુસ્સામાં હતા. એ આવ્યા એટલે મેં પણ મારી બોટલ ઝડપથી ખાલી કરી અને હું ઊભો થઈ ગયો તો જયે મારો હાથ પકડી મને બેસાડી દીધો. મને એણે કહેલઃ ડર મત. વો કુછ નહીં કરેગા. ચિલ્લમ ચિલ્લી કે શિવા.’

‘એમ? જે હોય એ સાચું જ કહેજે.’

‘હા. પણ વિલાસ અંકલ ખૂબ ગુસ્સે થયા. ને મોટેથી ગાળા ગાળી કરવા લાગ્યા. એટલે કંટાળીને હું અને મુકેશ ટેરેસ પરથ દાદર ઊતરી છઠ્ઠા માળે આવ્યા અને લિફ્ટમાં બેસી હું મારે ઘરે ગયો અને મુકેશ એના ઘરે.’

‘અને જય?’

‘એ તો ટેરેસ પર જ હતો અને પીતા પીતા વિલાસઅંકલ સાથે ઝગડી રહ્યો હતો. અમે નીચે ઉતર્યા ત્યારે બન્ને વચ્ચે બરાબર બોલાચાલી થતી હતી.’

‘પછી શું થયું હતું?’

‘હું ઘરે જઈને સૂઈ ગયો હતો. મને તો છેક સવારે જયની ખબર પડી!’

‘તને શું લાગે છે?’

‘શાનું?’

‘જય સાથે શું થયું હશે?’

‘મને શું ખબર?’

‘તારો અને મુકેશનો મોબાઇલ નંબર લખાવી દે. મુકેશને ફોન કરી અહીં આવવા જણાવી દે. હમણાં જ.’

સુનિલે બન્ને નંબર લખાવી મુકેશ સાથે વાત કરી ડરતા ડરતા કહ્યું, ‘સાહેબ, મુકેશ કાલે આવે તો? આજે પંઢરપુર ગયેલો છે ફેમિલિ સાથે.’

‘ઓકે! નો પ્રોબ્લેમ. પણ કાલે જેવો એ આવે એટલે મને મળવા જણાવી દેજે. હું એને ફોન નથી કરવાનો સમજ્યો?’ કરકરેએ કરડાકીથી કહ્યું, ‘તુ હમણાં જઈ શકે છે. પણ મુંબઈ છોડી ન જતો ક્યાંય પણ. અને મોબાઈલ ફોન બંધ ન કરતો.’

‘સાહેબ, મેં કંઈ કર્યું નથી. આઈ શપ્પથ. જય કૂદી પડ્યો એમાં મારો કોઈ વાંક નથી.’ થૂંક ગળી એ બોલ્યો, ‘સાહેબ, વિલાસ અંકલકો શાયદ માલૂમ હોગા.’

‘વો તો હમ પતા લગા હી દેંગે.’

કરકરેએ વિલાસરાવનાં નામ આગળ બીજું એક પ્રશ્નાર્થચિન્હ કર્યું.

જમવાનો સમય થઈ ગયો હતો. ટીફિન આવી ગયુ હતું ઘરેથી. એ ખોલી કરકરે જમવા બેઠાં.

કરેકરેના આસિસ્ટટંટે આવી એમણે કહેલ એ દરેક ફોન નંબરનાં રેકર્ડ આવી ગયા હતા એના પેપરની થોકડી નંબર પ્રમાણે ગોઠવીને આપી.

એમાંથી એમણે ઝંખના ઝવેરી, જય ઝવેરી, વિલાસરાવ, જયની બહેન, જયે જેને એસએમએસ કરેલ એ બે ફોન નંબર, સુનિલ મોરે અને મુકેશના રેકર્ડની યાદી અલગ કરી આસિસ્ટન્ટને આપતા કહ્યું, ‘એક બે કોન્સ્ટેબલને તારી સાથે બેસાડી દે સાળુંકે. આમાંથી સહુથી પહેલાં મને ઝવેરી ફેમિલીનાં ફોનની માહિતી જોઇએ. જે નંબર પર સહુથી વધારે વાત થઈ હોય એની યાદી તૈયાર કરાવ.’

‘ઓકે સર!’

જયનાં પિતા લલિત ઝવેરી દુબઈથી આવી ગયા હતા એ પોલીસ સ્ટેશને આવ્યા. બહુ ગમગીન હતા. એમણે કંઈ ખાસ વાત ન કરી. વાત કરી શકે એવી હાલતમાં એઓ હતા જ નહીં.

‘મિસ્ટર ઝવેરી,’ કરકરેએ ઊભા થઈ એમનાં ખભા પર હાથ મૂકી કહ્યું, ‘આઈ હેવ ફૂલ સિપંથી વિથ યુ એન્ડ યોર ફેમિલી. તમારા સનની બોડી તમે લઈ જઈ શકો છો.’

‘……………….’ ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યા લલિત ઝવેરી, ‘અરે ઇન્સપેક્ટર સાઆઆઅહેબ, હું ત્યાં દુબઈમાં મારા ફેમિલીને કાયમ માટે લઈ જવાની તજવીજમાં હતો. અને…આવું થઈ ગયું.’

‘આઈ એમ રીયલી સોરી.’ એમને પાણીનો ગ્લાસ આપતા કરકરેએ કહ્યું, ‘બહુ જ જલ્દી અમે સચ્ચાઈનો પતો મેળવી લઈશું.’

‘હવે ગમે એવી સચ્ચાઈ શું કામની જ્યારે મારો એકનો એક સન જ નથી રહ્યો!’

કરકરેએ એમનો ખભો થપથપાવ્યો. મનોમન વિચાર્યું: તમે પૈસા કમાવામાં રહ્યા અને અહીં તમારૂં આખું ફેમિલી ખર્ચાય ગયું.

લલિત ઝવેરી ઊઠીને જતા રહ્યા.

સાંજે કરકરે એસ.પી. ધ્યાન જાવલકરને મળ્યા અને જયનાં કેસની વિગતથી વાકેફ કર્યા.

‘ડુ વોટએવર યુ નીડ ટૂ ડુ કરકરે!’

‘યસ સર!’

રાતભર કરકરે જયના કેસ વિશે જ વિચારતા રહ્યા. બીજા દિવસે સવારે ફોનકોલનો રેકર્ડ આસિસ્ટંટ સાળુંકેએ એક્સલ સ્પ્રેડ શિટ પર વ્યવસ્થિત નોંધ સાથે કરકરેને આપતા કહ્યું, ‘સર, વિલાસરાવ ઓર મિસિસ ઝંખના ઝવેરીકે બીચ ચક્કર ચલતા હૈ ઐસા લગતા હૈ!’

‘ક્યા બાત હૈ?’

‘જય કે ડેથકે પહેલેભી ઉનકે બીચ રોજ બારબાર બાત હોતી રહેતીથી! જયના ડેથના દિવસે પણ ચાર વાર વાત થઈ અને રાતે એના મર્ડર પછી પણ. એ બધું મેં હાઈલાઈટ કરેલ જ છે!’

‘મુઝે શક તો થા!’ ઝંખના ઝવેરીના ફોનનાં રેકર્ડનાં પાનાઓ ઊથલાવતા કહ્યું, ‘લોકેશન પણ અલગ અલગ છે.’

‘અરે! એક વાર તો મહાબળેશ્વર પણ ગયા છે બન્ને! લાસ્ટ યર જાન્યૂઆરીમાં.’

‘ઑફ સિઝન ઈલૂ ઈલૂ?’ હસીને કરકરેએ વિચાર્યું: જાન્યૂઆરીની ઠંડીમાં મહાબળેશ્વર કોઈ પ્રવાસી ન હોય તો બન્નેએ મજા કરી હશે. ધીમે ધીમે એમનો વિશ્વાસ, આત્મવિશ્વાસ વધી ગયો હશે અને ઝંખનાનાં ઘરે પણ એઓ ભેગા થતા હશે. લલિત ઝવેરીની લાંબો સમય ગેરહાજરી, ઝંખના ઝવેરીની જીસ્માની જરૂરિયાતને વિલાસરાવ સંતોષતો હશે. બાય ચાન્સ જય, એમને ઓકવર્ડ પોઝીશનમાં જોઈ ગયો હશે. જુવાન લોહી ગરમ થઈ ગયું હશે માના અફેરને કારણે. એણે એના ફાધર લલિત ઝવેરીને કહી દેવાની ધમકી આપી હશે. જે ઉમરે દીકરાએ અફેર કરવો જોઈએ એ ઉમરે મા જો આડા સંબંધ બાંધે તો શું થાય?

-શાયદ ઝંખનાએ પણ જયને વચમાંથી હઠાવવા અંગે વિલાસરાવને કહ્યું હોય!

-આજના આ સાયબરયુગમાં કંઈ પણ બની શકે.

-સતયુગ પછી કળિયુગ નથી આવ્યો. સેક્સયુગ આવ્યો છે. શિના બહોરાને એની મા, સગી મા ઇન્દ્રાણીએ જ ખતમ કરીને?

હજૂ જયના સેલફોનની માહિતી આવી નથી એનો ખયાલ આવતા એમણે સાયબર સેલનાં ઇન્ચાર્જને ફોન કર્યો, ‘ગૂડ મોર્નિંગ સેવાલે, મિ કરકરે હીયર. જયનાં સેલફોન અનલોક થયો કે નહીં?’

‘ગૂડ મોર્નિંગ સરજી, ડેમેજ થયેલ છે. વાર લાગશે. પણ વી વીલ ગેટ ઈટ ડન.’ સહેજ અટકીને એમણે કહ્યં, ‘એક વાત અજીબ છે!’

‘શું?’

‘જ્યારે ફોન અમારી પાસે આવ્યો એ પહેલાં ફોરેન્સિક પાસે હતો બરાબર?’

‘હા. એમણે ક્રાઇમ સિન પરથી કબજે કર્યો હતો!’

‘તો એનો રિપોર્ટ તો તમારી પાસે હશે જ. પણ મારા ધ્યાનમાં આવ્યું તો થયું કે તમારી સાથે શેર કરું! ફોરેન્સિક ડીડ નોટ ફાઈન્ડ એની ફિંગરપ્રિન્ટ ઓન ઇન્સ્ટ્રુમેન્ટ. એ આઈ ફોન પર કોઇ ફિંગરપ્રિન્ટ જ ન હતી. ઇવન મરનાર જયની પણ ફિંગરપ્રિન્ટ ન હતી.’

‘ગોટ ઈટ…! થેન્ક્સ સેવાલે, મારું ધ્યાન દોરવા બદલ.’

-તો આ ચોક્કસ મર્ડર જ છે! નહીંતર એટલીસ્ટ જયના ફિંગરપ્રિન્ટસ તો મળવા જ જોઈએ.

-જેણે જયનું ફેઈસબૂક સ્ટેટ્સ અપડેટ કર્યું હશે અને ગ્રૂપ એસએમએસ કર્યો હશે એણે સાવચેતીપુર્વક એની ફિંગરપ્રિન્ટ સાફ કરી હશે.

-વાહ વિલાસરાવ વાહ…!

-તો વિલાસરાવને ને ઝંખનાને ઊઠાવવાનો સમય આવી ગયો! એમણે ઘડિયાળમાં જોયું.

‘સેવાલે, વન મોર ફેવર. અત્યારે વિલાસરાવ અને ઝંખનાનાં ફોન લોકેશન ક્યાં છે?’

‘ગીવમી ફ્યૂ મિનિટસ્‍! કેન યુ હોલ્ડ?’

‘સ્યોર, થેન્કસ!’

‘બન્ને એમનાં ઘરે આઈ મિન અંધેરી જ છે. પન્ના ટાવર!’

‘ગૂડ! બન્નેને ઊઠાવી લઉં છું!’

‘ઓલ ધ બેસ્ટ સર!’

ઝડપથી એમણે બે ટીમ તૈયાર કરી. એમની માનીતી સીતા તો ખરી જ ઉપરાંત બે કોન્સ્ટેબલને લઈને સીધા ગયા પન્ના ટાવર પર. ત્રણ દિવસમાં કેસ ઊકેલાય જશે એવી કરકરેની ધારણાં ન હતી. ફોન કરી એમણે એસ.પી. ધ્યાન જાવલકરને જણાવી એમની પાસે ગ્રીન સિગ્નલ મેળવી લીધો.

કલાકમાં તો બન્ને આરોપી વિલાસરાવ અને ઝંખના ઝવેરી એમની કસ્ટડીમાં હતા. અલબત્ત બન્નેની ધરપકડ અલગ અલગ કરવામાં આવી. બન્ને આરોપીઓને અલગ વાહનમાં લવાયા અને અલગ કોટડીમાં રખાયા જેથી બન્ને એકબીજાની ધરપકડથી અજાણ હતા.

ઝંખનાને એક જગ્યાએ ફક્ત બેસાડી રાખવાનું નક્કી કરી ઇં. કરકરેએ જે કોટડીમાં વિલાસરાવને બેસાડવામાં આવેલ એની સામે ખુરશી ગોઠવી, ‘ક્યું મારા જયકો?’

‘ઇન્સ્પેક્ટર!’ ગુસ્સે થતા વિલાસરાવે કહ્યું, ‘બહુત ગલતી કર રહે હો!’

‘ગલતી તો તારાથી થઈ ગઈ છે!’

‘બહુત ગલત ફહેમી થઈ છે તમને!’ વિલાસરાવ ગુસ્સામાં જ હતો. જ્યારે કરકરે શાંત રહી મરક મરક મરકતા હતા.

‘હમને જયકો નહીં મારા?’

‘કૌન હમ?’ હસીને કરકરે બોલ્યા, ‘તુમ ઔર તુમ્હારી પ્રેમીકા ઝંખના ઝવેરી?’

એટલામાં એક કોન્સ્ટેબલે આવી કરકરેનાં કાનમાં કંઈક કહ્યું. કસ્ટડીની કોટડીમાંથી કરકરે બહાર આવ્યા. એમની ઓફિસમાં લલિત ઝવેરી ચિંતાતુર ચહેરે બેઠા હતા.

‘ઇન્સ્પેક્ટર સાહેબ, ઝંખના આઈ મીન મારી વાઈફ…’

‘મિસ્ટર ઝવેરી, અમારી પાસે પુરતાં પુરાવા છે મિસિસ ઝવેરી સામે. એમની પુછ પરછ કરવી જરૂરી છે.’

‘ન હોય શકે. તમારી કોઈ ભૂલ થતી હશે. સર!’

‘કોઈ જ ભૂલ નથી થતી. સોરી ટુ સે,’ લલિતનાં બન્ને ખભાઓ પર હાથ મુકતાં કરકરેએ કહ્યું, ‘મિસિસ ઝવેરી સંડોવાયેલ છે. બરાબરનાં. તમે ઘરે જાઓ. અમને અમારું કામ કરવા દો. જો એઓ નિર્દોષ હશે તો એમને કોઈ વાંધો ન આવશે.’ સહેજ અટકીને બોલ્યા, ‘પણ ચાન્સ બહુ ઓછા છે!’

‘કોઈ જોર જબરદસ્તી ન કરશો એની સાથે પ્લીસ.’ કરગરતાં લલિતે કહ્યું.

‘અમને પણ પણ જબરદસ્તી, થર્ડ ડીગ્રી અજમાવવાનો કંઇ શોખ થતો નથી.’ સહેજ હસીને કરકરેએ કહ્યું, ‘તમને જાણ છે તમારા સનનું મર્ડર થયું છે? જય ડીડ નોટ કમિટેડ સ્યૂસાઈડ. હી વોઝ બિંઈંગ કિલ્ડ!’

‘ઓહ ગોડ!’ લલિત ઝવેરીએ બન્ને હાથોએ એમનું માથું પકડી લીધું એક અસીમ નિરાશાથીઃ હજૂ તો એમના એકના એક પુત્રની ચિતાની રાખ પણ ઠંડી પડી ન હતી અને એમની પત્ની એ જ પુત્રનાં ખૂન માટે કસ્ટડીમાં હતી, ‘ઇન્સ્પેક્ટર સાહેબ, હું એક વાર ઝંખનાને મળવા માંગુ છું! પ્લીસ!’

‘સોરી! હું હાલે એની પરમિશન આપી શકું એમ નથી! તમે સમજી શકો છો. હજૂ મિસિસ ઝવેરીનું ઇન્ટેરોગેશન થયું નથી.’

સાવ નિરાશ, હતાશ થઈ લલિત ઝવેરી પોલીસ સ્ટેશનમાંથી બહાર આવ્યા.

‘ચલો. વિલાસરાવજી બતા દો ક્યા ક્યા હૂઆ થા?’ કરકરેએ વિલાસરાવ જે ખુરશી પર બેઠેલ હતા એ ખુરશીની સામેની ખુરશી પર બેસતા પુછ્યું, ‘સચ સચ બતાના. વર્ના હમે સચ ઉગલવાના આતા હૈ!’

‘કરકરે સાહેબ! સચ કહેતા હું. મેં જયને નથી માર્યો. હા, ધમકી જરૂર આપી હતી. એ જાણી ગયો હતો કે એની આઈ અને મારી વચ્ચે ચક્કર ચાલે છે.’

‘કેવી રીતે એ જાણી ગયો હતો?’

‘ઝંખનાએ એકવાર એનાં ઘરે બોલાવ્યો હતો મને.’ નીચી નજરે વિલાસરાવે કહ્યું, ‘મોટે ભાગે અમે બપોરે મળતા. જ્યારે જય અને એની છોકરી શિવાની કોલેજ ગયેલ હોય. પણ એ દિવસે જય વહેલો આવી ગયો. એની પાસે ઘરની ચાવી હશે અને એ સાવ અચાનક જ આવી ગયો અને અમે…’

‘લિવિંગ રૂમમાં જ…?’

હકારમાં ગરદન ધૂણાવી વિલાસરાવે.

‘કેટલા સમયથી જયને જાણ થઈ હતી તમારા અફેરની?’

‘બે મહિના પહેલાં.’

‘તારીખ યાદ છે?’

‘ના તારીખ યાદ નથી.’

‘ઓકે. પછી શું થયું?’

‘જયે એની આઈને ધમકી આપી કે એ એનાં ફાધરને કહી દેશે અફેર વિશે. અને એની આઈએ મને કહ્યું કે હવે મળવાનું બંધ કરવું પડશે.’

‘તો તમે મળવાનું બંધ કરી દીધું?’

‘અમે ઘરે મળવાનું બંધ કર્યું. પણ બહાર અઠવાડિયામાં એકાદ વાર મળતા. હોટેલમાં જતા. અમે મળ્યા વિના રહી ન શકતા.’

‘ઓહ! તો બહાર મળતા એની જયને જાણ થઈ હતી?’

‘હા. એક દિવસ એણે સંતાઈને અમારો પીછો કર્યો હતો. ત્યારબાદ એની અને એની આઈ વચ્ચે બરાબર ઝગડો થયો. મને પણ જયે ધમકી આપી કે એ મારા ફેમિલિને કહી દેશે.’

‘અને એ કંઈ કરે એ પહેલાં જ તેં એને ધકેલી દીધો અગાશી પરથી? બરાબર?’

‘ના…!’ વિલાસરાવે કહ્યું, ‘તમે કહો એના શપથ. મેં એને નથી માર્યો. એ જ જાતે કૂદી પડ્યો છે.’

‘તેં કહ્યું કે એ રાતે તું અને જય સાથે નીચે ઉતર્યા હતા ટેરેસ પરાથી અને સાથે લિફ્ટમાં બેસી પોતપોતનાં ઘરે ગયા હતા. પણ અમારી પાસે માહિતી છે કે તું એકલો જ ઊતર્યો હતો અગાશી પરથી અને એકલો જ લિફ્ટમાં બેસી નીચે ઉતર્યો હતો.’

‘…………….’ વિલાસરાવ મૌન.

‘ત્યારે જ મને તારા પર શક ગયો હતો.’

‘એ મારાથીસ સાવ સહજ કહેવાય ગયું હતું. પણ, તમે ગમે તે કહો. મને મારી નાંખો પણ હું સાચું જ કહું છું. મેં જયને નથી માર્યો.’ વિલાસરાવ એની વાતને વળગી રહેતા કહ્યું, ‘હકીકત છે એ હકીકત છે. આઈ શપ્પથ. હા, મને એને મારી નાંખવાનો વિચાર આવ્યો હતો ખરો. એ પણ ખરૂં. પણ જો મારે એને મારવો હોય તો હું જાતે શું કામ મારૂં? તમે જ વિચારો કરકરે સાહેબ. લાખ બે લાખ આપતા કોઈ પણ સુપારી લેવા તૈયાર થઈ જાય.’ સહેજ વિચારીને એ બોલ્યા, ‘સર, જય પાસે મોટરસાયકલ છે. હોન્ડા. આખો દિવસ ચક્કર મારતો રહે તો ટક્કર મારીને એનું કામ તમામ કરી શકાય, કરાવી શકાય, સમજ્યાને? મારી પાસે એવા કોન્ટેક્ટ્સ પણ છે. પણ મારે એને મારવો ન હતો. હું ખૂની નથી. હા, હું એ રાતે ટેરેસ પરથી નીચે ઉતર્યો ત્યારે એ ટેરેસ પર જ હતો. શાયદ એ પાળ પર બેઠો હશે અને નશાને કારણે બેલેન્સ ગુમાવતા પડી ગયો હોય.’

‘વાહ વિલાસરાવ વાહ!’ હસી પડતા કરકરે બોલ્યા, ‘તો હવે તું અમને થિયરી પણ બતાવવા લાગ્યો. પણ તેં જ જયનાં સેલફોન પરથી એના ફેઈસબૂકના સ્ટેટસને અપડેટ કર્યું ૧૦.૩૭ વાગે આઈ એમ ગોઈંગ ટૂ ડાઈ. ત્યારબાદ તરત જ ૧૦.૩૮ કલાકે ગ્રૂપ મેસેજ કર્યો કે, આઈ ડોન્ટ વોન્ટ ટુ લાઈવ. આઈ એમ ડુઈંગ સ્યૂસાઈડ બીકોઝ ઓફ માય મધર અફેર! આઈ ક્વિટ. પછી તેં એનાં આઈફોનને બરાબર લૂંછી તરત જ ફેંકી દીધો. જેથી એના પર તારા ફિંગરપ્રિન્ટસ ન રહે. બરાબર?’

‘અરે! સાહેબ એ મેં નથી કર્યું!’ એકદમ ઉત્તેજીત થઈ વિલાસરાવ બોલ્યો, ‘જરા વિચાર કરો સાહેબ, જો મેં જયના વતી એના ફોન પરથી એસએમેસ કર્યો હોય તો હું એની આઈના અફેરની વાત શું કામ લખું?! એની આઈનો અફેર તો મારી સાથે જ હતો ને? તો હું શું કામ મારા પગ પર જ કુહાડી મારું? સોચીએ. સાહેબ. કોઈ ગેઈમ રમી ગયું છે. મોટ્ટી ગેઈમ.’

-કરકરે વિચારમાં પડી ગયાઃ વાત તો સાચી.

‘કરકરે સાહેબ. સોચો સોચો.’ વિલાસરાવ કરકરે સાથે નજર મેળવતા કહ્યું, ‘ઓર એક બાત, સાહેબ, હું કોઇને પણ એસએમએસ કરું તો ઇંગ્લિશમાં નથી કરતો. આઈ મીન હિંદીમાં લખું પણ અંગ્રેજી અક્ષરનો, વો ક્યા કહેતે હૈ આપ..અંગ્રેજી ફોન્ટસ્‍નો ઉપયોગ કરીને. જ્યારે આ બન્ને મેસેજ પ્યોર ઇંગ્લિશમાં છે. દેખો મેરા સેલ. મેં જેટલા મેસેજ કર્યા એ બધા જ એમાં છે. અને મેં આવું ચોખ્ખું ઇંગ્લિશ લખ્યું જ નથી.’

‘બરાબર! પણ તું એ જયના ફોન પરથી કરતો હતો એટલે જય લખે એવું લખવું જોઈએ એમ વિચારી તેં પ્યોર ઇંગ્લિશમાં મેસેજ કર્યો હશે.’

‘અરે સાબ. મેં એ મેસેજ કર્યો જ નથી. મેં જયને નથી માર્યો. શાયદ એણે આત્મહત્યા કરી હશે. આપ મારી વાત માનો.’ કરકરેનાં બન્ને હાથ પકડી વિલાસરાવ કરગર્યો, ‘વો ક્યા કહેતે હૈ આપ જીસમેં સચકા પતા ચલતા હૈ.. હા.. લાઈ ડિટેક્ટશન. મેં તૈયાર હું. મેરા વો ટેસ્ટ લેકે દેખો. હા, મારો એની આઈ સાથે સંબંધ હતો. મેં જયને મારી નાંખવાની ધમકી પણ આપી યહ બાતભી મેં કૂબુલ કરતા હું. પણ મેં એને નથી માર્યો.’ લગભગ રડી પડતા વિલાસરાવ બોલ્યો.

‘જરૂર પડશે તો લાઈ ડિટેક્ટશન પણ કરીશું!’ હવે કરકરે વિચારમાં પડ્યા.

કોટડીમાંથી એ બહાર આવ્યા. સીતાને લઈ એ જે કોટડીમાં ઝંખનાને બેસાડવામાં આવેલ ત્યાં આવ્યા.

‘મિસિસ ઝવેરી, અમને જાણ છે કે તમારું અને વિલાસરાવનું ચક્કર ચાલે છે. એની જાણ તમારા સનને થઈ જતા તમે અને વિલાસરાવે મળીને જયનો કાંટો તમારા રસ્તામાંથી દૂર કર્યો. વિલાસરાવે…’

ઝંખના ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગી.

‘અબ રોનેસે કુછ હાંસિલ નહીં હોને વાલા.’ ખુરશી પર બેસતા કરકરે બોલ્યા, ‘ક્યા આપકો પતા થા કે વિલાસરાવ ઐસા કરને વાલા થા?’

ઝંખના હજૂ રડતી હતી.

સીતાએ એમને પાણીનો ગ્લાસ આપતા કહ્યું, ‘પીજીએ! રોના બંધ કરીએ ઓર જો સચ હૈ વો બતા દો !’

ઝંખનાએ ગ્લાસ ટેબલ પર મુકતા કહ્યું, ‘સા’બ.’ ધ્રૂસકું માંડ રોકી ઝંખના બોલી, ‘સાહબ, જય મારો એકનો એક દીકરો હતો. હું એને કેવી રીતે મારું?’

‘તમે ક્યાં માર્યો છે? તમે એને મારી નંખાવ્યો છે તમારા યાર પાસે.’

‘અરે સાહેબ.. એ મારું ખૂન હતો એનું જ હું ખૂન કરાવું?’

‘ઇશ્ક શું શું ન કરાવે?’

ઝંખના ફરી ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગી. રડતા રડતા એ બેહોશ થઈ ગઈ અને જે ખુરશી પર બેસાડેલ એનાં પર એ ઢળી પડી.

‘સાલી, નાટક કરતી હૈ…’ કહી સીતાએ યંત્રવત જે ગ્લાસ ઝંખનાએ ટેબલ પર મૂકેલ એમાંથી ઝંખનાનાં ચહેરા પર પાણી છાંટ્યું, ‘ડ્રામેબાઝ!’

‘સંભાલના.’ સીતાને કરકરેએ ઠડી પાડતા કહ્યું, ‘ઉસે ભાનમેં લાઓ. પ્યારસે. ચાય પીલાઓ. શાયદ એણે કંઈ ખાધું ન હશે. ડીહાઈડ્રેશન લાગે છે. કુછ હો જાયેગા તો હમ મુસીબતમેં ફસ જાયેગેં, સમજીને?’

‘જી સાબ!’ હસીને સીતા બોલી, ‘સમજ ગઈ. યહ લાતો વાલા ભૂત નહીં હૈ, બાતો વાલા ભૂત હૈ.’

ઝંખના સાથે કેવી રીતે કામ લેવું? વિચારતા કરકરે એમની ઓફિસમાં આવ્યા, ‘અરે! કોઈ ચા બોલો.’

ચા આવી ગઈ. હજૂ તો એક ઘૂંટ પીધો હતો ને એક યુવક એમની ઓફીસમાં આવ્યો, ‘મેં મુકેશ હું. મુકેશ માળવંકર. કાલે સુનિલે મને અહીં આવવા કહ્યું હતું.’

‘બેસ,’ કરકરે મુકેશને ધ્યાનથી નિહાળતા કહ્યું, ‘તારી જ રાહ જોતો હતો.’

‘કેમ સાહેબ?’ મુકેશ ખુરશીમાં ઉભડક બેઠો.

‘તને જાણ તો છે ને કે જય મર ગયા હૈ. અને જય સાથે જેને જેને છેલ્લે એને મળેલ એમાં તું પણ હતો. તું અને સુનિલ મોરે. તમે બન્ને એની સાથે એ મરી ગયો એના થોડી મિનિટો પહેલાં સાથે હતા. બરાબર?’

‘……………….’ મુકેશ ચૂપ રહ્યો.

‘તું એ રાતે એની સાથે અગાશી પર હતો કે નહીં?’

‘હતો…’ થૂંક ગળીને મુકેશ બોલ્યો, ‘સાબ, મને તો સુનિલ સાથે લઈ ગયેલ. હું તો જવા માંગતો ન હતો. પણ…’

‘…પ…ણ તુ સુનિલ સાથે કેમ ગયો હતો?’ અવાજમાં ગરમી લાવી કરકરેએ મુકેશની નજર સાથે નજર મેળવી કહ્યું, ‘મુકેશને કેમ તારી જરૂર પડી હતી? સચ સચ બતા દે.’

‘સાબ, સુનિલને નહીં બતાયા?’ મુકેશને પરસેવો વળી ગયો.

‘હું તારી જુબાને સાંભળવા માંગુ છું!’

‘સાબ, મેં ખામખાં બીચમેં ફસ ગયા!’

‘ફસ તો ગયા હૈ. લેકિન સચ બતા દેગા તો નીકલ ભી શકતા હૈ…’

‘સાબ, સુનિલે જય પાસેથી ખાસા પૈસા લીધા હતા.’

‘કેટલા?’

‘પચાસ હજાર અને જય એની ઉઘરાણી કરતો હતો. એને એનાં પૈસા જોઈતા હતા અને સુનિલ કડકા હો ગયા થા. આઈપીએલમાં એણે સટ્ટો ખેલેલ એમાં એ હારી ગયો હતો.’

‘તો એ તને સાથે શા માટે લઈ ગયેલ. તું પૈસા આપવાનો હતો?’

‘ના,’ થૂંક ગળી મુકેશ બોલ્યો, ‘હું જયને ધમકી આપવાનો હતો સુનિલને આપેલ પૈસા એ ભૂલી જાય. નહિંતર એનાં હાડકા ભાંગી નાંખીશું’

‘તો હાડકા ભાંગી જ નાંખ્યાને? જયને ઉપરથી ફેંકીને? પચાસ હજાર માટે જાન લઈ લીધી જયની?’

‘ના..ના. મેં નથી માર્યો. આઈ શપ્પથ. અમે હજૂ તો એક બિયર પીધો કે વો ખડ્ડુસ અંકલ ટેરેસ પર આ ગયે થે. ક્યા નામ? વિલાસરાવ. તો સુનિલે મને જવા માટે ઇશારો કર્યો. અમે બિયર પૂરો કરી તરત સાથે જ નીકળી ગયા હતા. જય અને વિલાસરાવને અગાશીમાં છોડીને.’

‘સચ?’

‘આઈ શપ્પથ…’

‘મને કેમ એમ લાગે કે તું કંઈ છૂપાવે છે. જો પાછળથી અમને કંઈ ખબર પડી તો…’

‘હા… સાહેબ, એક ઓર બાત. સુનિલ અને જયની બહેન વચ્ચે થોડો સમય ચક્કર ચાલેલ.’

‘અફેર?’

‘હા. પણ સુનિલે તો મને કહેલ કે એની સાથે બ્રેક અપ થઈ ગયેલ.’

‘સુનિલ અને જયની બહેન શિવાની વચ્ચે અફેર હતો એની જયને જાણ હતી?’

‘માલા માહિત નાહીં.’ એકદમ યાદ આવ્યું એમ મુકેશ બોલ્યો, ‘પણ સુનિલને એ જાણ હતી કે જયની આઈ અને વિલાસરાવ વચ્ચે ઇલુ ઇલુ છે. એને શિવાનીએ કહેલ. બ્રેક અપ થવા પહેલાં.’

‘એ રાતે અગાશી પરથી તું અને સુનિલ સાથે ઉતરીને ક્યાં ગયેલ?’

‘હું મારા ઘરે ગયેલ.’

‘… અને સુનિલ?’

‘એ પણ એના ઘરે જ ગયો હશે.’

‘હશે જ મતલબ? તને નથી ખબર કે એ એનાં ઘરે જ ગયો હતો?’

‘સાબ, લીફ્ટ એના ફ્લોર પર અટકી હતી. અને એ બહાર નીકળ્યો હતો. હું તો છેક ગ્રાઉન્ડ ફ્લોર પર ઊતર્યો હતો.’

‘તું શું કરે છે? ભણે છે?’

‘……………….’ મુકેશ મૌન રહ્યો.

કરકરેએ આંખોથી સવાલ કર્યો.

‘સાબ! કામ ઢૂંઢતા હું!’

‘સુપારી લેતા હૈ ક્યા?’

‘નક્કો…’

‘સંભલ કે રહેના, હમારી નજર રહેગી તુજ પર.’

‘સાહેબ. મેં કંઈ નથી કર્યું.’

‘વો તો હમ ઢૂંઢ લેંગે.’

‘લાસ્ટ ચાન્સ દે રહા હું.’ કરકરેએ મુકેશના બન્ને ખભા પર એમનાં મજબૂત પંજા મુકતા કહ્યું, ‘સચ બતા દે. તુને તો નહી મારા જયકો?’

‘ના.’ તરત જ મુકેશ બોલ્યો.

‘પક્કા?’

‘એકદમ પક્કા.’ મુકેશ બોલ્યો, ‘મારે એને ધમકાવવાનો જ હતો. પણ એનો ચાનસ પણ ન મળ્યો.’

‘તુ જા શકતા હૈ અબ.’ કરકરેએ મુકેશને બાવડાથી પકડી ઉભો કરતા કહ્યું, ‘પર જરૂર પડ્યે બોલાવીશું તો આવી જજે. મુંબઈની બહાર ન જતો. અને હા…સેલ ફોન બંધ ન કરતો. તારો નંબર મારી પાસે છે જ. ગમે ત્યારે જરૂર પડ્યે બોલાવીશ તો હાજર થઈ જજે. સમજ્યો?’

‘હા. સાહેબ! થેન્કયુ.’ કહી મુકેશ ગયો.

મુકેશનાં ગયા બાદ કરકરેએ શિવાની અને સુનિલના ફોન રેકર્ડ જોયાઃ તો બ્રેક અપની વાત ખોટી છે. હજૂ ય બન્ને વાતો કરે જ છે. હસીને કરકરે જયની મા ઝંખના ઝવેરીને જે રૂમમાં બેસાડવામાં આવેલ ત્યાં ગયા. ઝંખના હોશમાં આવી ગઈ હતી.

‘કેમ લાગે છે હવે એમને?’ સીતા તરફ જોઈ પૂછ્યું, ‘ચા-ફોફી આપ્યા એમને?’

‘જી સાબ.’ જરા મરકીને બોલી, ‘મેડમે માંડ કોફી પીધી.’

‘ગુડ. જુઓ ઝંખનાજી, આપે અમને પહેલાં જ કહી દેવું જોઈતું હતું કે તમારી અને વિલાસરાવ વચ્ચે અફેર છે. તમે છુપાવ્યું અને અમારો શક વધ્યો. એની વે.’ હસીને કરકરે બોલ્યા, ‘હું તમને એટલું તો કન્ફર્મ કહી શકું કે તમારા સન જયે સ્યૂસાઈડ નથી કર્યું. એનું મર્ડર થયું છે. કોઈએ જયને ફેંકી દીધો છે છેક છઠ્ઠે માળેથી અને ફેઈસબૂકનું સ્ટેટસ અપડેટ કર્યું અને એ સ્યૂસાઈડ કરી રહ્યો છે એવો મેસેજ એના ફોન પરથી કર્યો બરાબર એને ઉપરથી ફેંકવા પહેલાં. એણે શાયદ એટલો નશો કરેલ હતો કે એ પ્રતિકાર પણ ન કરી શક્યો હશે. તમારા અને વિલાસરાવના અફેરની જાણ જય સિવાય અન્યને પણ હશે. એનો લાભ લઈ ખૂનીએ જયનાં ખૂનને આત્મહત્યામાં ફેરવવા પ્રયત્ન કર્યો અને તમારા અફેરની ઓથ લીધી.’

‘મારા અને વિલાસરાવ વચ્ચેના આડાસંબંધને કારણે એ ઘણો અપસેટ થયો હતો. મારી સાથે ખાસો ઝઘડો થયો હતો. ત્યારબાદ એણે મારી પાસે પૈસા પણ વધારેને વધારે માંગવા માંડ્યા હતા. હું પણ એને પૂછ્યા વિના આપતી રહી. પણ સાહેબ, મેં એને નથી મરાવ્યો.’

‘તમારા અફેરની વાત તમારી દીકરી શિવાની પણ જાણે છે. એને જયે વાત કરેલ. એણે એનાં બોયફ્રેન્ડ સુનિલને કહેલ. શું તમને એ જાણ છે કે સુનિલ અને શિવાની વચ્ચે અફેર છે?’

‘ઓ ભગવાન!’ નિસાસો નાંખી ઝંખનાએ કહ્યું, ‘શું થવા બેઠું છે? મને કંઈ જાણ નથી. સુનિલ અને શિવાની??’

‘હા, બન્ને વચ્ચે ખાસી વાત-ચીત થતી રહે છે. મારી પાસે ફોન રેકર્ડ આવી ગયા છે. સુનિલે એનાં એક મિત્રને જણાવેલ કે શિવાની સાથે બ્રેક અપ થઈ ગયેલ છે. પણ જે રાતે જયનું મર્ડર થયેલ એ રાતે પણ શિવાનીએ સુનિલને સાત વાર ફોન કરેલ. જો કે દર વખતે શિવાની જ ફોન કરતી. પણ વાતો લાંબી ચાલતી અને મર્ડરની રાતે પણ વાત થયેલ છે. પહેલાં અને ત્યાર પછી પણ શાયદ એસએમએસ થયેલ હશે. અમે તપાસ કરી રહ્યા છે. શિવાની અને જય વચ્ચે કેવા સંબંધ હતા. આઈ મીન બન્ને વચ્ચે લડાઈ-ઝઘડા, બોલાચાલી થતી?’

‘સંબંધ તો સારા જ હતા. કોઈ કોઈ વાર બન્ને લડતા. પણ ભાઈ-બેન વચ્ચે તો સામાન્ય લડાઈ ઝઘડા થતા રહે એવા ઝઘડા થતા.’

‘મારે શિવાની સાથે વાત કરવી પડશે! જે રાતે જયનું મર્ડર થયેલ એ રાતે શિવાની તમારા ઘરે જ હતી?’

ઝંખના વિચારવા લાગી, ‘હા સાહેબ, એ મારી સાથે જ હતી.’

‘ચોક્કસ? તમે એને બચાવવાની કોશિશ તો નથી કરતાને?’

‘ના. એ મારી સાથે જ હતી. અમે બન્ને સાથે બેસી ટીવી જોતા હતા. અને કોઈએ આવીને ખબર આપ્યા કે…’ ઝંખનાની આંખ ફરી ભીની થઈ.

‘સુનિલ મોરે તમારી ઘરે આવતો જતો રહેતો હતો?’

‘કોઈ કોઈ વાર.’

‘તમારી હાજરીમાં કે ગેરહાજરીમાં?’

‘ગેરહાજરીમાં ય શાયદ આવતો તો હશે જ.’

‘તમને કદી તમારા આશિક વિલાસરાવે કહ્યું કે એ જયની સાથે કંઈ કરશે? એને ખામોશ કરવા?’

‘એમણે મને કહ્યું તો હતું કે જયને એ સમજાવશે.’

‘એટલે?’

‘એટલે જય જેવું સમજે એવું નથી એમ સમજાવવાનો પ્રયાસ કરશે.’

‘…કે જયને સદા માટે ખામોશ કરવાનો પ્રયાસ કરશે?’ કરકરે ઝંખના સાથે સીધી નજર મેળવી.

‘સાબ,’ એ નજરોનો દોર પકડી રાખતા ઝંખના બોલી, ‘સાચું કહું તો મારી મોટ્ટી ભૂલ થઈ ગઈ કે વિલાસરાવ સાથે સંબંધ બાંધી બેઠી. ઘરનાં, ફ્લેટનાં કામ-કાજ માટે એ આવતા. ફ્લેટ એમનાં મારફત જ લીધેલ. ન જાણે ક્યારે…’ ઝંખના નીચું જોઈ ગઈ, ‘પણ એક વાત કહું, વિલાસરાવ છેક એવા નથી કે જયનું ખૂન કરી નાંખે.’

‘આ એક મા બોલે છે કે એક પ્રેમિકા?

‘બન્ને!’ ધારદાર સ્વરે ઝંખના બોલી, ‘સાહેબ, હવે મારું જીવન તો સાવ જ બરબાદ જ થઈ જવાનું. થઈ ગયું છે. મારા પતિ પણ મને ધિક્કારશે ને મેં દીકરો પણ ખોયો. સાચું કહું તો મને પણ મરી જવાનું મન થાય છે. થાયદ મરી જ જઈશ. પણ જો હું મરી જઈશ તો જય તો પાછો જીવતો નથી થવાનોને? ઉપરાંત, હું મરી જઈશ તો જયનો ખૂનનો આરોપ જે મારા પર છે એ સાબિત થઈ જશે કે મેં જ એને મારી નંખાવ્યો. હું જીવતી રહીશ ધિક્કાર સહન કરતી કરતી. એ જ મારી સજા છે.’ ફરી ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગી ઝંખના.

કરકરેએ સીતાને ઇશારો કર્યો એટલે સીતાએ ઝંખનાને પાણી ધર્યું.

‘ઝંખનાજી, અત્યારે તો તમે ઘરે જઈ શકો છો. સીતા તમને છોડી આવશે. તમે હજૂ પણ શકના દાયરામાં છો એ ન ભૂલશો. મુંબઈની બહાર જઈ ન શકશો. તમારો પાસપોર્ટ સીતાને આપી દેજો. તમને એની રિસિપ્ટ મળશે. ઉપરાંત કંઈ ખોટું પગલું ન ભરશો. સમજ્યા?’

‘હા જી!’ નીચી નજરે ઝંખનાએ હકારમાં ગરદન ધૂણાવી.

‘…અને તમારી દીકરી શિવાનીની પણ અમારે પૂછપરછ કરવી પડશે. તો સીતા સાથે એને મોકલાવશો.’

‘સાહેબ,’ રડતા રડતા ઝંખના બોલી, ‘જયને મેં નથી મરાવ્યો. પણ જેણે મરાવ્યો હોય એને સજા થાય, મોતની સજા થાય એવું હું જરૂર ચાહું.’

સાવ નિરાશ, હતાશ થઈ ઝંખના પોલિસ સ્ટેશનમાંથી બહાર આવી સીતા સાથે જીપમાં બેઠી.

એના ગયા બાદ ઇં. કરકરેએ સુનિલ મોરેને ફોન કરી પોલીસ સ્ટેશને તરત હાજર થવાનો આદેશ આપ્યો અને એ વિલાસરાવને જ્યાં બેસાડવમાં આવેલ એ ઓરડીમાં આવ્યા, ‘તો વિલાસરાવ, ક્યા કીયા જાય આપકા? આપકી માશુકાને તો આપકા ભાંડા ફોડ દીયા!’ ચહેરા પર કુટિલ સ્મિત લાવતા કરકરે વિલાસરાવ સામે ખુરશીમાં ગોઠવાયા.

‘હું માનતો નથી.’ વિલાસરાવે મક્કમતાથી કહ્યું, ‘મેં ઝંખનાકો જાનતા હું. પહેચાનતા હું. ઇશ્ક કીયા હૈ હમને. એ એવું ન જ કહે.’

‘વાહ.. વિલાસરાવ. આપ તો ફિલ્મી બન ગયે. આ ઇશક નથી. વાસના છે. જિસ્મની ભૂખ.’

‘આપ જો નામ દો ઉસે. પર મેંને જયકો નહીં મારા!’ વિલાસરાવ મક્કમ રહ્યા, ‘તમારી પાસે કારણ જરૂર છે. મારા પર શક કરવાનું. એ શક ખોટો છે. સાવ ખોટ્ટો છે.’

‘ખોટો કે સાચો એ તો અમે શોધી જ કાઢીશું.’ હસીને કરકરે બોલ્યા, ‘અને સાબિત પણ કરીશું. પણ હાલે તો તમને જવા દઈએ છીએ. પણ મુંબઈ છોડી ક્યાંય બહાર જશો નહીં. સેલ ફોન બંધ ન રાખશો. અમારી તમારી દરેક હીલચાલ પર નજર હશે. સમજ્યા?’

‘થેન્કયુ.’ વિલાસરાવને રાહત થઈ, ‘ સાબ, તમારો આભાર. મને મુંબઈ પોલીસ પર પુરો વિશ્વાસ છે અને જયના ખૂનીને તમે શોધી જ કાઢશો એમાં કોઈ શક નથી. મારું કંઈ પણ કામ હોય તો જરૂર રીંગ કરશો. હાજર થઈ જઈશ.’

‘એ તો થવું જ પડશે!’ હસીને કરકરેએ કહ્યુ, ‘તમે અમારા રડાર પર છો જ. એવું ન માનશો કે…’

‘સાહેબ, માનવાની વાત નથી. હકીકત છે. મેં જયને નથી માર્યો.’ કહી વિલાસરાવ વિદાય થયા.

-કોકડું બરાબરનું ગુંચવાયું છે. કરકરેએ વિચાર્યુઃ વિલાસરાવ, ઝંખના, મુકેશ. ત્રણે ય પોતાને નિર્દોષ કહી રહ્યા છે.

-તો પછી કોણ?

-સુનિલ મોરે?

-શિવાની?

એટલામાં સુનિલ ડરતો ડરતો એમની ઓફીસમાં દાખલ થયો.

‘આવ સુનિલ,’ હસી પડતા કરકરે બોલ્યા, ‘થીન્ક ઓફ ધી ડેવિલ એન્ડ ડેવિલ ઇસ હીયર!!’

સીતાને એસએમએસ કરી શિવાનીને અલગ બેસાડવા માટે જણાવતા કહ્યું કે એ સુનિલ સાથે છે. સીતા જાણતી હતી કે સુનિલ અને શિવાની વચ્ચે ચક્કર ચાલે છે.

‘સુનિલ મોરે,’ ઊંડો શ્વાસ લેતા કરકરેએ કહ્યું, ‘ આઇપીએલમાં કેટલા ખોયા?’

‘સમજા નહીં,’ થૂંક ગળી સુનિલ બોલ્યો, ‘મેં કુછ સમજા નહીં.’

‘આઓ મારે સાથ!’ સુનિલનો હાથ પકડી કરકરે એને ઇન્ટેરોગેશનની ઓરડી તરફ દોરી ગયા, ‘સમજાતા હું સબ કુછ. પ્યારસે…’ અને સુનિલને ખુરશી પર બેસાડ્યો. સામે એ ગોઠવાયા, ‘ચલ બચ્ચુ, શૂરૂ હો જા.’

‘……………….!’ સુનિલ ખામોશ. એની આંખોમાં એક ડર હતો.

‘તુજે ક્યા ચાવી દેની પડેગી?’ કહી કરકરેએ સુનિલનો ડાબો કાન પકડ્યો અને કસકસાવીને મરોડ્યો. સુનિલથી રાડ પડાય ગઈ, ‘સુનિલ, તેં બહુ સટ્ટો રમ્યો ક્રિકેટ પર. હવે તને સટ્ટો મારે રમાડવાનો છે!’

‘સાબ…મેને કુછ નહીં કિયા!’ સુનિલની આંખો છલકાય આવી.

‘જયની પાસે તેં પૈસા લીધા હતા? બરાબર? એ વાત કેમ છુપાવી?’

‘સાબ, ગલતી હો ગઈ!’ નીચી નજર કરી સુનિલ બોલ્યો, ‘આપે મને પુછ્યું પણ ક્યાં હતું?’

‘તો અબ બતા દે, કમીને, જયે પૈસા માંગ્યા એટલે તેં એને ધકેલી દીધો. એક મિત્રને મારી નાંખ્યો? એ પણ પૈસાની ખાતર?’ એક સણસણતો તમાચો સુનિલને પડ્યો, ‘જયની સિસ્ટર શિવાની સાથે તારું ચક્કર ચાલે એ પણ તેં છુપાવ્યું. તેરી તો…’ બીજા બે તમાચા વારા-ફરતી ગાલો પર મારતા કરકરેએ કહ્યું, ‘દેખ, સવારથી જ મારૂં ભેજું છટકેલું છે. સચ સચ બોલ.’

હવે સુનિલ ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગ્યો હતો, ‘સાબ, સચ બાત હૈ કી જયની પાસે મેં પચાસ હજાર લીધા હતા. યે ભી સચ હૈ કી મેં પુરા પૈસા હાર ગયા આઈપીએલમેં. યે ભી સચ હૈ કી શિવાનીકે સાથે મેરા અફેર થા. પર જયને મેં નથી માર્યો. સાવ સાચું કહું છું. એ રાતે મુકેશ સાથે હું એને ધમકી આપવાનો જ હતો. પણ એ પહેલાં જ વિલાસ અંકલ અચાનક અગાશીમાં આવી ગયા. અમને એમણે બહુ ધમકાવ્યા. તો બિયર પી હું અને મુકેશ અગાશી પરથી જતા રહ્યા હતા. તમે કહો એની કસમ. જયને મેં નથી માર્યો. એણે જ જાતે ઝંપલાવી દીધું છે. એનું ફેઈસબૂક પર સ્ટેટસ જુઓ. એનો એસએમએસ વાંચો. શિવાનીએ એ એસએમએસ મને ફોરવર્ડ કર્યો હતો.’

‘એ બધું તેં જ કરેલ છે. જેથી એ ખૂન ન લાગે અને એક આત્મહત્યા લાગે.’ કરકરેએ સુનિલના વાળ પકડી બરાબર ખેંચ્યા.

‘ના…ના….મેં એ નથી કર્યું.’ પીડાથી સુનિલ કરાંજ્યો.

‘…અને શિવાની સાથે લફરાંનું શું?’

‘સાબ, મેં તો એની સાથે બ્રેકઅપ કરી લીધું છે. પણ એ જ મારો પીછો નથી છોડતી.’

‘એ રાતે પણ તમે બન્નેએ આઠ મિનિટ વાતો કરેલ. શું વાત કરેલ? જયને વાંધો હતોને તારા અને શિવાનીનાં અફેરને કારણે? સાચે સાચું કહી દે. વર્ના તારી ચામડી અમારો હવાલદાર ઉતારશે.’

‘સાહેબ! શિવાનીને મારા વિના ચાલતું ન હતું. એણે બ્રેક અપ કરવું ન હતું. એટલે એ મને રોજ ફોન કરતી રહેતી. આઈ લવ યુ ના એસએમએસ કરતી. જૂઓ આ રહ્યા બધા એસએમએસ. મેં એનો જવાબ પણ નથી આપ્યો.’ એનો સેલ ફોન બતાવતા કહ્યું.

‘જવાબ તો તું હવે અમને આપશે. એકદમ સાચો જવાબ. અમારો બજરંગી તારી પાસે કઢાવશે. અરે! કોઈ ભાઈજાનને બોલાવો.’ દરવાજા પાસે જઈ કરકરેએ બૂમ પાડી. એટલે છ ફૂટ ઊંચો કદાવર જમાદાર રૂમમાં દાખલ થયો, ‘બોલો સાહેબ, કેમ યાદ કર્યો?’

‘યે સુનિલ હૈ. જુબાન પે તાલા લગાકર બેઠા હૈ. તો વો તાલા તોડના હૈ.’ કહી કરકરેએ ઓરડીમાંથી બહાર નીકળી ગયા અને જમાદાર બજરંગીએ સુનિલને ફટકારવાનું ચાલુ કર્યુ અને સુનિલે ચીસો પાડવાનું શરૂ કર્યું.

કરકરે બહાર આવ્યા અને સીધા સીતા પાસે ગયા જેની સાથે શિવાની બેસેલ હતી.

‘અચ્છા શિવાની, તેરા લવર સુનિલને સબ કુછ બતા દીયા હૈ.’ શિવાનીની બાજૂમાં ગોઠવેલ ખુરશી પર બેસતા કરકરેએ કહ્યું.

‘……………….’ શિવાનીએ કરકરે તરફ જોતા પ્રશ્નાર્થ નજરે જોયું. એની આંખો રાતી હતી. પણ એમાં જરાય ડર ન હતો, ‘શું કહ્યું સુનિલે? સુનિલે માર્યો છે ભાઈને?’

‘હા…’ કરકરેએ કહ્યું, ‘અને સુનિલે કહ્યું કે તારા કહેવાથી એણે જયને…’

‘લાયર.’ શિવાનીએ ગુસ્સામાં કહ્યું, ‘સાહેબ એ જૂઠ્ઠો છે. તદ્દન જૂઠ્ઠો. એણે મારી સાથે ધોખો કર્યો.’ શિવાનીએ કરકરેની આંખમાં આંખ મેળવતા કહ્યું, ‘અને હવે એ એમ કહે કે મેં ભાઈને મારી નાંખવાનું કહ્યું?’

‘તો એ રાતે તારી અને સુનિલ વચ્ચે શું વાત થઈ હતી. જયનાં ખૂન થયા બાદ તરત.’

‘અરે સાહેબ. જયના ડેથ વિશે મને જાણ થઈ તો નીચે જવા પહેલાં મેં એને ફોન કર્યો. તો એણે વાત કરવાની આના-કાની કરી. મેં એને કહ્યું કે જયની લાશ નીચે પડી છે. એ જય સાથે અગાશીમાં હશે એવું મને લાગ્યું હતું તો મેં એને ફોન કર્યો. તો એણે આવવાની ના પાડી અને મને ગુસ્સો આવ્યો.’

‘તેં ફોન કર્યો ત્યારે ક્યાં હતો?’

‘એણે એવું કહ્યું હતું કે એનાં ઘરે જ છે. નશો કરવાને કારણે એના પપ્પા ગુસ્સે થયા છે. એટલે એ આવી શકે એમ નથી. જયને કંઈ થયું છે એ વાત એણે માની જ નહી. એ એમ સમજ્યો કે હું એને મળવા માટે બહાનું હતું.’

‘ફોન રેકર્ડ બતાવે છે કે તેં જ એને વારંવાર ફોન કર્યા છે.’

‘હા. મેં જ ફોન કર્યા છે. કારણ કે આઈ લવ હીમ. હું હજૂ ય એને ચાહું છું. એ શું સમજે પ્યારને?’

‘એ તો કહે છે કે તારા ભાઈ જયને પ્રોબ્લેમ હતો તારા એની સાથેના અફેરને કારણે. અને તેં જયને વચ્ચેથી હટાવવા એને કહ્યું એટલે એણે જયને ધકેલી દીધો ઉપરથી!’ કરકરેએ સીતા તરફ આંખ મારતા કહ્યું. સીતા જાણી ગઈ કે કરકરેસાહેબ પોલીસ પોલીસ રમે છે.

‘સાહેબ, એ લાયરની વાત ન માનશો. લાયર છે. અને હું શું કામ ભાઈને મારવા કહું? એને મેં કદી જયને મારવાની વાત કરી જ નથી અને એણે જયને માર્યો હોય એ પણ હું માનતી નથી. આઈ એમ સ્યોર. સુનિલ ગમે એવો હશે. પણ કદી એ ખૂન ન કરે. એમાં ય ભાઈનું ખૂન તો ન જ કરે. ભાઈએ એને પૈસા આપ્યા છે. એને ઘણી વાર બચાવ્યો છે. એની ફી પણ ભરી છે.’ શિવાની મક્કમતાથી બોલી, ‘અને તમે મને સુનિલ વિશે જે વાત કરો છો એ પણ સાચી નથી. તમે રમત રમો છો. પણ ફેક્ટ એ છે કે મેં સુનિલને કદી નથી કહ્યું કે ભાઈને મારે.’

બારણે ટકોરા પડ્યા. એટલે કરકરે બહાર આવ્યા. બહાર હવાલદાર બજરંગી હતો, ‘સાહેબ, બહુ ધોયો. પણ એ તો એક જ વાત પકડી રાખે છે કે એણે કંઈ નથી કર્યું.’

‘ઓહ…’ કરકરેના ચહેરા પર ચિંતા છવાય ગઈ. જો સુનિલ દોષી ન હોય તો એનું ફેમિલી પોલીસ પર કેસ ઠોકી દેશે. સુનિલનાં પિતા પણ બહાર આવીને બેઠાં જ હતા. વકીલ પણ સાથે હતો.

‘ઉસકો જાને દો.’ કરકરેએ હતાશ થઈ કહ્યું. હવે એમને લાગવા માંડ્યું હતું કે, ક્યાંક કાચુ કપાઈ રહ્યું છે. જયનું ખૂન થયું છે જરૂર પણ એમણે જે તીર માર્યા બધા જ અંધારામાં માર્યા.

એટલામાં જ એમનાં સેલફોનની રીંગ વાગી એટલે સ્ક્રીન પર નામ જોઈ એમણે કહ્યું, ‘કહો શેવાલે? શું ન્યૂઝ છે જયનાં ફોન ઇન્સ્ટ્રુમેન્ટનાં.’

‘વી હેવ ઓલ ઇન્ફો. મેં તમને બધા એસએમએસ અને પિક્ચર ઈમેઇલ કરી દીધા છે એ જણાવવા જ ફોન કર્યો. ઘણા એસએમએસ છે. કેટલાંક નક્કામા છે. તો પણ મેં એની ઇન્ફો પીડીએફમાં કન્વર્ટ કરી ડેઈટ, ટાઇમ સાથે સેન્ડ કરી છે.’

‘એની ક્લિપીંગ.. યુ નો સમથિંગ સસ્પીશિયસ?’

‘યેસ,’ શેવાલે સામેથી હસીને કહ્યું, ‘હું એ જ કહેવા જતો હતો. એક ફોટો છે જેમાં મર્હૂમ જય કોઈ છોકરીને કીસ કરે છે. એ ફોટો બરાબર અઢાર દિવસ પહેલાં બપોરે ત્રણ ને દશ મિનિટે લેવાયો હતો. અને એ ફોટો મર્ડરની રાતે જ ડીલીટ થયો હતો બરાબર ૧૦.૩૫ કલાકે. સમજ્યાને? પણ જેણે ડીલીટ કરેલ એને જાણ ન હશે કે આ ફોનમાં ફોટો ડીલીટ કરતા કમ્પલિટલી ડીલીટ થતો નથી પણ ડીલીટેડ ફોટાનું એક ડિફોલ્ટ ફોલ્ડર તૈયાર થાય અને ડીલીટ કરેલ ફોટો એ ફોલ્ડરમાં જતો રહે.’

‘ગ્રેઈટ...’ કરકરે ઉત્તેજીત થઈ ગયા. ફોન પર વાત કરતા કરતા જ એમનાં ડેસ્ક પર ગયા, ‘થેન્ક યૂ વેરી મચ શેવાલે. લેટમી ચેક યોર ઈમેઇલ. જરૂર પડ્યે હું ફરી રિંગ કરીશ.’

‘યૂ આર વેરી વેલકમ્ડ. એની ટાઇમ. અમારે એપલનાં ટેકનિશિયનની મદદ લેવી પડી એટલે લેઈટ થયું અને ફોન છેક ઉપરથી ફેંકાયેલ, શાયદ જોરથી ફેંકેલ એટલે ડેમેજ પણ ઘણું થયેલ. વર્ના…’

‘કોઈ વાંધો નહીં.’ કહી ફોન ડિસકનેક્ટ કરી કરકરેએ શેવાલેની ઈમેઇલ ઓપન કરી. ક્લિક કરી સીધો ફોટો જ એમણે સ્ક્રીન પર જોયો. જયે કોઈ યુવતીને કસકસાવીને પકડી હતી અને એનાં હોઠ સાથે હોઠ મેળવી ચુંબન કરતા કરતા સેલ્ફી લીધેલ હતી. યુવતીનો ચહેરો જો કે ફોટામાં બરાબર દેખાતો હતો. એને પ્રિન્ટ કરી એ સીધા શિવાની પાસે ગયા. ફોટાનાં બેકગ્રાઉન્ડમાં એક ચિત્ર દેખાતું હતું એ ક્યાંક જોયું હોય એમ એમને લાગ્યું.

‘આ છોકરી કોણ છે?’ ફોટો બતાવતા કહ્યું, ‘આ ફોટો ક્યાં લીધેલ છે? કહી શકશે તું?’

શિવાનીએ ધ્યાનથી ફોટો જોયો. એ સહેજ હસી.

‘તું જાણે છે કોણ છે આ ગર્લ?’

‘સાહેબ આ તો રૂપલ દેસાઈ છે.’

‘રૂપલ દેસાઈ!? કોણ રૂપલ દેસાઈ??’

‘અમારા પન્ના ટાવરમાં જ રહે. સિક્સ્થ ફ્લોઅર પર. એફ સિક્સ્થમાં’ ફોટો ધ્યાનથી જોતા શિવાનીએ કહ્યું, ‘લિફ્ટમાં છે બન્ને.’

‘એટલે જ મને થતું હતું કે આ બેકગ્રાઉન્ડનું પિક્ચર મેં ક્યાંક જોયું છે.’ કરકરે હસ્યા, ‘ શિવાની, તને જાણ હતી કે જય અને રૂપલ વચ્ચે…’

‘સાહેબ એ દેસાઈ સિસ્ટરસ બહુ એટીટ્યૂડ બતાવે છે. ઘમંડી. શાયદ, ભાઈને રૂપલ પર ક્રશ હશે. ભાઈને એ ગમતી હશે. પણ મને જાણ ન હતી. આ વાતની.’

કરકરેએ ફોટો ધ્યાનથી જોયો. જયે બળજબરી કરી હતી એવું લાગી જ આવતું હતું. ઉપરાંત લીફ્ટ બંધ હતી અને અટકાવેલ હતી. શાયદ જયે આગળ પણ કંઈક કર્યું હશે કે કરવાની કોશિશ તો કરી જ હશે. આ ફોટાને કારણે એ રૂપલને બ્લેકમેઈલ પણ કરતો હોય અને…

તરત જ કરકરે ફરીથી પોતાના ડેસ્ક પર ગયા. કમ્પ્યુટર શેવાલેએ મોકલાવેલ જયનાં ફોનની બધી જ માહિતી, એસએમએસ, ફેઈસબૂકના અપડેટસ-ચાટની વિગત પ્રિન્ટ કરી. જય પણ શુદ્ધ અંગ્રેજીમાં એસએમએસ- ચાટ કરતો ન હતો, પણ ગુજરાતી કે હિંદીમાં જ કરતો અને ઇંગ્લિશ ફોન્ટનો ઉપયોગ કરતો. દેસાઈ બહેનોના ફોન નંબર એમની નોટમાં હતા એ શોધી એમણે જયનાં ફોન રેકર્ડ સાથે સરખાવ્યા. જય સાથે એમની વાત-ચીત તો થતી ન હતી. પણ જયે રૂપલને ત્રણ વાર એસએમએસ કર્યા હતા. ત્રણેમાં એણે ફોટાનો ઉલ્લેખ કરી એક વાર મળવાની વાત કરી હતી. છેલ્લો મેસેજ મર્ડરના ત્રણ દિવસ પહેલાં કર્યો હતોઃ દેખ રૂપલ, મેં તુઝે બહુત પસંદ કરતા હું. એક બાર મિલ મુઝે જીભરકે. ક્યા સમજી? વર્ના અપની કિસ વાલા ફોટા ફેઈસબૂક પે અપલૉડ કર દૂંગા. જો કે રૂપલે એનો જવાબ આપ્યો ન હતો.

એમણે એમના સાયબર સેલના એક કર્મચારીને બોલાવી દેસાઈ સિસ્ટરર્સના ફેઇસબૂક એકાઉન્ટ હેક કરવા કહ્યું. થોડી મથામણ પછી બન્નેના પ્રોફાઈલની સઘળી માહિતી આવી ગઈ. બન્નેએ જયને બ્લોક કર્યો હતો. એથી એ એમનાં ફ્રેન્ડ લિસ્ટમાં ન હતો. બન્ને શુદ્ધ અંગ્રેજીમાં એમનાં સ્ટેટસ રજૂ કરતી હતી. ખાસ સક્રિય ન હતી અને પસંદ કરેલ મિત્રો જ હતા યાદીમાં.

ફોન કંપની પાસે બન્નેનું લોકેશન મેળવી લીધું. રૂપલ કોલેજમાં હતી. જ્યારે સોનલ ઘરે જ હતી. એમણે બે ટીમ તૈયાર કરી. એક ટીમને લઈને એ કોલેજે પહોંચ્યા અને રૂપલને લેવા. જ્યારે સીતા પહોંચી પન્ના ટાવરે જુનિયર ઇન્સ્પેક્ટર સાથે. શિવાનીને જવા દેવામાં આવી હતી જેને સીતાએ પન્ના ટાવરે ઉતારતા કહ્યુઃ અપના મુંહ મત ખુલના. દેસાઈ બહેનો વિશે. ક્યા સમજી? કિસિકો કુછભી નહિં બતાના. તલાશ કરને કે બાદ હમ બતાયેગેં.

વીસ મિનિટમાં તો સોનલ અને રૂપલ પોલીસ સ્ટેશન પર હતા અને બન્ને એકબીજાની ધરપકડથી અજાણ હતા.

‘રૂપલ દેસાઈ!’ ઈં. કરકરેના ટેબલની સામેની ખુરશી પર જ રૂપલને બેસાડવામાં આવી હતી, ‘તને એક ફોટો બતાવવા માંગું છું!’ કહી કરકરેએ જયનો એને ચુંબન કરતો ફોટો રૂપલ તરફ ધીમેથી સરકાવ્યો.

‘ક્યું મારા જયકો?’

‘……………….’ રૂપલ ધ્રૂજવા લાગી. એની આંખોમાં ભય છવાય ગયો.

‘તને એ બ્લેક મેઈલ કરતો હતો. બરાબરને?’

‘……………….’ રૂપલ ખામોશ.

‘ખામોશ રહેવાથી કંઈ થવાનું નથી.’ કરકરે રૂપલને કરડાકીથી કહ્યું.

રૂપલ રડવા લાગી ધ્રૂસકે ધ્રૂસકે. કરકરેએ એને થોડો સમય રડવા જ દીધી.

‘ચાલ, હવે શાંત થઈ જા. અમે પોલીસ તારી સાથે જ છીએ. એ રાતે શું થયું હતું એ કહી દે બેટા. હું જાણું છું જય સાવ નક્કામો છોકરો હતો.’

‘ઇન્સ્પેક્ટર સાહેબ…’ નાક સાફ કરતા રૂપલ બોલી, ‘અમે નથી માર્યો.’

‘જો રૂપલ, તું સાચી વાત કરશે તો તને કંઈ નથી થવાનું.’ પાણીનો ગ્લાસ રૂપલને આપતા કહ્યું, ‘તું અને તારી બહેન સોનલ અગાશીમાં ગયા હતા બરાબરને? પછી શું થયું હતું?’

‘વિલાસ અંકલ અગાશીમાંથી ગયા એ મેં જોયું હતું. જય એકલો જ હતો અગાશીમાં એટલે મેં દીદીને વાત કરી. દીદી જાણતી હતી. ફોટા વિશે. જયે મને બીજીવાર પણ લિફ્ટમાં હેરાન કરવાની કોશિષ કરી હતી. મેં દીદીને વાત કરી પપ્પાને જણાવવાનું કહ્યું. પણ પપ્પાને હાઈ બ્લડ પ્રેસર છે અને એક વાર હાર્ટ એટેક પણ આવી ગયેલ. એટલે દીદીએ મને એમને જણાવવા ના પાડી. જય કોલેજમાં પણ મને હેરાન કરતો હતો. ગંદી ગંદી કોમેન્ટ પાસ કરતો.’

‘તો એ રાતે તું અને તારી દીદી સોનલ અગાશીમાં ગયા પછી શું થયું?’

રૂપલે પાણીનો ગ્લાસ ખાલી કરતા કહ્યું, ‘એ રાતે?’

‘હા, એ રાતે વિલાસરાવ અગાશીમાંથી ગયા બાદ તમે બન્ને ઉપર ગયા. બરાબર?’

‘અમે ઉપર ગયા ત્યારે જય અગાશીમાં ફ્લોર પર બેઠો હતો. અમને જોઈ એ હસ્યો. હસતા હસતા બોલ્યો કે, અચ્છા કીયા. તેરી દીદીકોભી સાથ લાઈ. બાઈ વન ગેટ વન ફ્રી.. પછી એ મારા તરફ લપક્યો. પણ દીદીએ એને પકડી લીધો. તો એણે દીદીને જોરથી ધક્કો માર્યો. દીદી પટકાય હતી ફ્લોર પર.એને માથામાં વાગેલ.’

‘પછી?’

‘દીદી તરત જ ઊભી થઈ ગઈ હતી. જય પણ જરા ગભરાય ગયો હોય એમ અમને લાગ્યું એ અગાશીની પાળ પર બેઠો અને ફોનમાંથી મને આ ફોટો બતાવતા એણે કહ્યુઃ દેખ અભી સબકો સેન્ડ કરતા હું. દીદી જય તરફ ઝડપથી લપકી અને ફોન ઝૂંટવવા લાગી અને….’ રૂપલ ફરી ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગી.

‘અને….?’

‘દીદીનો ધક્કો લાગ્યો કે ગમે એ હોય પણ જય પાળ પરથી ઉથલાયો. દીદીના હાથમાં એનો ફોન તો આવી ગયો. પણ…’

‘જય સીધો ટેરેસ પરથી સીધો નીચે જમીન પર, એમ જ થયું ને?’

‘સાહેબ, અમે જાણી જોઈને…’ રડતા રડતા રૂપલ બોલી, ‘બધું સાવ અચાનક બની ગયું. એકદમ અચાનક.’

કરકરેએ સીતાને ઈશારો કર્યો એટલે એ સોનલને લઈને આવી.

‘તું? તને પણ?’ સોનલ રૂપલને જોતા ચમકી.

‘સોનલ,’ કરકરેએ સોનલ તરફ જોતા કહ્યું, ‘રૂપલે અમને બધું જ કહી દીધું છે. હવે તું કહે તેં જયનાં ફોન સાથે શું કર્યું?’

‘સાહેબ એ એક એક્સિડંડ જ હતો. ફોનને બચાવવા જતા જયે અગાશીની પાળ પર બેલેન્સ ખોયું અને એ પડ્યો. સાચ્ચે જ. મેં એને ધક્કો નથી માર્યો.’

‘ઓ કે… ઓ…કે! તારી વાત માની પણ લઈએ. પણ ફોન સાથે તેં શું કર્યું?’

‘સાહેબ એનો ફોન અનલોક જ હતો અને સ્ક્રીન પર આ ફોટો હતો એટલે મેં તરત જ ડીલીટ કર્યો. તરત એનાં ફેઈસબૂક પ્રોફાઈલ પર જઈ સ્ટેટસ અપડેટ કર્યું ગ્રૂપ એસએમએસ કરી બરાબર સાફ કરી ફોન ફેંકી દીધો.’

‘તો તને જાણ હતી કે જયની મધર ઝંખના અને વિલાસરાવ વચ્ચે અફેર છે? તેં કેવી રીતે એનાં મધરની વાત એસએમએસમાં લખી?’

‘હું નીચે મારી બાલ્કનીમાં ઊભી હતી ત્યારે અગાશીમાં જય અને વિલાસરાવ મોટ્ટેથી ઝઘડતા હતા. જયે વિલાસ અંકલને એની માનો પીછો છોડી દેવા મોટ્ટેથી કહ્યું હતુઃ મેરી માકા પીછા છોડ દો વર્ના બહુત બુરા હોગા એમ એણે કહ્યું તેં મેં સાંભળ્યું હતું. ત્યારબાદ બન્ને વચ્ચે ભારે બોલ-ચાલ થઈ. વિલાસ અંકલે જયને મારી નાંખવાની ધમકી પણ આપી હતી. એ પણ મેં સાંભળેલ. એટલે મેં….’

‘એટલે તેં જયના ફોન પર એના વતી એસએમએસમાં લખી દીધું કે આઈ ડોન્ટ વોન્ટ ટુ લાઈવ. આઈ એમ ડુઈંગ સ્યૂસાઈડ બીકોઝ ઓફ માય મધર અફેર! આઈ ક્વિટ. જયના ફોન પરથી ગ્રૂપ એસએમએસ જેને જેને કર્યો હતો એમને તું જાણતી હતી?’

‘એડ્રેસ બૂકમાં એની બહેનનું નામ આવ્યું એટલે એ સિલેક્ટ કર્યું અને બીજા ત્રણ નામ નંબર તો રેન્ડમ જ સિલેક્ટ કર્યા હતા.’

‘બહુ મોટી ભૂલ કરી. તમે બહેનોએ. સોરી! પણ મારે તમારી ધરપકડ કરવી પડશે. તમારે પોલીસ પાસે આવવું જોઈએ. કોઈ તમને બ્લેકમેઈલ કરતું હોય તો.’ ઇન્સ્પેક્ટર કરકરે રાહતનો શ્વાસ લેતા સીતા તરફ ઇશારો કર્યો એટલે સીતાએ બન્ને બહેનોને ઊભી કરી બાવડેથી પકડી બન્નેને બહાર દોરી ગઈ.

કરકરેએ ફોન કરી એસ.પી. ધ્યાન જાવલકરને માહિતી આપી, ‘સર, જય મર્ડર કેસ ઇસ સોલ્વ્ડ.’

‘વેલ ડન…કરકરે!’ હસીને જાવલકરે કહ્યું, ‘મને ખાતરી હતી કે તમે જલ્દી સચ સામે લાવશો. સાંજે પ્રેસકોન્ફરંસ માટે બ્રીફ તૈયાર કરો. યુ વિલ લીડ ધ કોન્ફરંસ.’

‘યસ સર..થેન્ક યૂ. જય મહારાષ્ટ્ર…’

(સમાપ્ત)