પૂર્ણા Lata Hirani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પૂર્ણા

પૂર્ણા

લતા જ. હિરાણી

પૂર્ણાના પગ હિંચકાને ઠેસ માર્યે જતા હતા, તદ્દન યંત્રવત !! એને કંઇ જાણ જ નહોતી, એ ક્યાં છે, એણે શું કરવાનું છે !! એનું મન વારે વારે એને એક સવાલ પૂછ્યા જ કરતું.

“કઇ ઘડીએ મારું નામ પૂર્ણા રાખ્યું ? શા માટે આવું નામ રાખ્યું ?”

એ જેવી નવરી પડતી કે આ વિચાર એને ઘેરી વળતો. એને પોતાના નામ માટે નફરત થવા માંડી હતી. એમાંયે મમ્મી જ્યારે એને નામ દઇને બોલાવતી ત્યારે તો એના રૂંવાડે રૂંવાડે આગ લાગી જતી. એના ગળામાં ચીસ આવીને અટકી જતી. પોતાની નોટ ચોપડીઓમાં એ પી. આર. ત્રિવેદી જ લખતી.

ક્યારેક મમ્મી સારા મૂડમાં હોય ત્યારે એણે પુછી લીધું’તું. કેમ કે સામાન્ય રીતે મમ્મીને આવા ‘વાહિયાત’ સવાલો માટે સમય ન હોય. એ દિવસે પપ્પા મમ્મી માટે નવી સાડી લઇ આવ્યા હતા અને મમ્મી ખુશ હતાં.

”મમ્મી, મારું નામ ‘પૂર્ણા’ કોણે રાખ્યું ?”

“નામ એટલે નામ, એમાં પંચાત શું ?”

”એ તો સાચું મમ્મી, પણ જરા કહોને કે કોણે રાખ્યું ?”

”તારો જન્મ થયો ત્યારે મારી એક બહેનપણી આવી’તી. એ કહે કન્યા રાશી છે તો પૂર્ણા નામ પાડી દો એટલે એ રાખી દીધું.”

મમ્મીની બહેનપણીને કલ્પનાયે થોડી હોય કે આ છોકરી અધૂરપના દરિયામાં ઉછરશે !!

આમ તો એ પોતાના નામ વિશે વિચારવા જેટલી સભાન નહોતી. પણ ગુજરાતીના ટીચરે શબ્દોની જોડણી અને નવા શબ્દોના અર્થ જોવા માટે એકવાર ક્લાસમાં શબ્દકોશ લાવીને બતાવ્યો, એમાં જોતાં શીખવાડ્યું અને પૂર્ણાને કુતુહલ જાગ્યું કે મારા નામનો અર્થ શું થતો હશે !! એણે જોયું, પૂર્ણા એટલે જે સંપૂર્ણ છે તે. તરત તો એના મનમાં કોઇ ઝબકારો જાગ્યો નહોતો. પણ પછી એ અર્થે એના મનને પીડાથી વલોવી નાખ્યું. ‘ના, હું ખાલીખમ ઠુંઠું, પૂર્ણા તો નહિ જ.’ મમ્મી ક્યારેક કહેતી, “સાવ મૂઢ જેવી છો !!” અને મોટાભાગે એના મનની સ્થિતિ એવી જ રહેતી.

ગઇકાલની જ વાત. એના ક્લાસટીચરે એને ખખડાવી નાખી હતી.

”ક્યાં ધ્યાન છે તારું ? તારી નોટ્સ કદી પૂરી નથી હોતી. બોર્ડ પર શું લખાય છે, તને એનીયે ખબર રહે છે ? એકવાર તો તું ફેઇલ થઇ. નથી તારા મા-બાપને ફુરસદ કે આવીને મળે !! આમ ને આમ રહેવું હોય તો ભણવાની જરૂર નથી.”

આખો ક્લાસ સાંભળી રહ્યો હતો ને પૂર્ણા નીચી મુંડીએ ઊભી ઊભી આંખ લુછતી હતી.

”અને પીલુડા પાડવાની જરૂર નથી. તું દયા ખાવાને લાયક નથી.”

ઘરમાંયે મમ્મી આમ જ કહેતી, એની ભૂલ થાય કે એના હાથે કંઇ તૂટફૂટ થાય ત્યારે.

”વાતવાતમાં પીલુડા શેના પડે છે ? તને કોઇએ મારી છે ? હોકાની જેમ કામ કરે છે તે, મફત આવે છે ઘરમાં બધું ?”

એની તંદ્રા તૂટી અને પગની ઠેસ પણ અટકી.

”ઊભી થા ને રોટલી કરી નાખ ઝટ. હમણાં પૂરવ ને તારા પપ્પા આવશે.”

પૂર્ણા એમ જ રસોડા તરફ દોરાઇ. રોટલી વણતાં વણતાં વારે વારે એને વણેલી રોટલી ભાંગીને ફરી લુવો વાળવો પડતો હતો એના આંસુ અટકતાં નહોતાં. એણે રેડિયો ચાલુ કર્યો અને ગીત રેલાયું, ‘મા મુઝે અપને આંચલમેં છુપા લે, ગલે સે લગા લે.......’ એણે એટલા ઝાટકાથી સ્વીચ ઓફ કરી, જાણે રેડિયો તોડી નાખવો ન હોય !!

એણે થોડી મોટી મોટી રોટલી કરી નાખી અને ફરી હિંચકે બેઠી. એને ખબર હતી કે મમ્મી વઢશે પણ હવે એની કયાં નવાઇ હતી ? આજે એ ટાઇમમાં થઇ હતી, એના પિરીયડનો પહેલો દિવસ હતો અને એના પગ સખત દુખતા હતા. એનાથી ઊભું નહોતું રહેવાતું. આવે વખતે જો કે મમ્મીની વાત એમ જ હોય,

”હજી ઊગીને ઊભા થાવ છો ને પગ શેના દુખે ? હું તને જરાય પપલાવવાની નથી સમજી ? સાસરે જશો ત્યારે ભારે પડશે. તમારા જેવડા અમે હતા ત્યારે આવા વખતેય બેડાં લઇને કૂવે પાણી ભરવા જતા.”

એવું ભાગ્યે જ થતું પણ ક્યારેક મમ્મી શાંતિથીયે કહેતી,

“જો, છોકરીની જાતને કામ કરવામાં નખરા ન ચાલે. સાસરે જશો તો કામ તો કરવું જ પડશે ને ? અને વાતે વાતે આંસુડા શું પાડવાના ? જરા કઠણ થતાં શીખ. આમ ઢીલા રહીએ તો દુખી જ થઇએ.”

એના મનમાં વિચારોનો ધોધ વરસી પડ્યો.

“મમ્મી, તમે થોડુંક વહાલ કરોને તો મારાથી બધું જ થશે. ક્યારેક તો મારા માથે હાથ ફેરવો, ક્યારેક તો મને બે સારા શબ્દો કહો, ક્યારેક તો તમારા ખોળામાં સુવડાવો !! નાની હતી ત્યારે એમ થતું કે તમે મારી સાચી મમ્મી નહિ જ હો, નહિતર આવું થોડું હોય !! મેં ફૈબાને પૂછ્યું ત્યારે એ હસવા માંડ્યા હતા, ‘ગાંડી, એ તારી સાચી મા જ છે પણ એ છે જ એવી. એને પોતાની જાતમાંથી ફુરસદ મળે તો બીજાનો વિચાર કરે ને !! ભલે ભગવાને એને સ્ત્રીનો અવતાર આપ્યો પણ કાળજું આદમીનું આપ્યું છે. એનામાં માયા જેવું કંઇ છે જ નહિ !!’ એ દિવસે હું ફૈબાના ખોળામાં લપાઇને કેટલું રડી હતી !!

મમ્મી તમે થોડુંક ઓછું વઢોને !! તમારું ‘ડોબા જેવી’, ‘અક્કલ વગરની’, ‘ઘોઘા જેવી’ ‘ભેંસ જેવી’....સાંભળી સાંભળીને મને લાગતું જ નથી કે હું માણસ છું !! મને લાગતું જ નથી કે મારાથી કોઇ કામ સારી રીતે થાય !! કોઇપણ કામ હાથમાં લઉં ને મારા હાથ-પગ ધ્રુજવા માંડે, ગભરામણ થવા માંડે. કોઇ બહારના માણસની સાથે વાત કરવી હોય ને મારી જીભ લોચા વળવા માંડે. મનમાં ‘અક્કલ વગરની’ શબ્દો ઘુમરાયા જ રાખે. વાંચવા બેસું ને આ શબ્દો યાદ આવે કે આંખ સામે અંધારા છવાઇ જાય ને પાનાં પરના શબ્દો દરિયામાં ડૂબી જાય.

મમ્મી તમને મારા માટે ક્યારેય ટાઇમ જ નથી હોતો ? શેરના કાગળિયા લઇને તો તમે કલાકો બેઠાં રહો છો. તમારી બહેનપણીઓ સાથે ફોન પર પણ કલાકો વાતો કરો છો. હું ખાલી પાઉડર લગાવવા જરાક અરીસા સામે ઊભી રહું ને તમારી વઢ પડે, ‘બહુ ટાપટીપ કરવાની જરૂર નથી’ પણ તમે કેટલી જાતના

ફેઇસક્રીમ વાપરો છો !! મારા વાળ ખેંચીને બાંધી દ્યો અને તમે કેવી સ્ટાઇલથી માથું ઓળો છો !!

ક્યારેક માથું દુખતું હોય તો તમે કહેશો, ‘દવા લઇ લે.’ તમારા કહેવામાં ભાવ પણ એવો હોય જાણે હું કામ ન કરવા માટે ઢોંગ કરતી હોઉં !! કદી બેસીને તમે માથું દબાવી નથી આપ્યું. માનો પ્રેમભર્યો હાથ ફરે તો દર્દ એમ જ ગાયબ થઇ જાય પણ મારા એવા નસીબ ક્યાંથી ? મારું તો જવા દો, મેં તમને કદી પપ્પાનુંય માથું કે પગ દબાવતા જોયા નથી. એમનેય કંઇ થાય એટલે તમારા હાથમાં દવાની ગોળી જ હોય. મમ્મી, તમે આવા જડ કેમ છો ?

મને ગાવું કેટલું ગમે છે ને તમે કહેશો, ‘રાગડા તાણવાના બંધ કરો ને ભણવામાં ધ્યાન આપો.’ તમે આખો દિવસ રેડિયા સાથે ગાયા રાખો એનું કંઇ નહિ.

પૂરવ આખો દિવસ બહાર રખડ્યા કરે. એને કોઇની જરૂર નથી હોતી. એ તો તમારી સામેય ગુસ્સે થઇને બોલી લે છે. પપ્પાયે તમારાથી ડરે છે. એટલે એ ઘરમાં જ ઓછા રહે છે. ક્યારેક પપ્પા મારો પક્ષ લેવા જાય તો તમે એમનેય ખખડાવી નાખો એટલે એ બોલતા બંધ થઇ ગયા છે. મમ્મી તમને કોઇ કંઇ જ ન કહી શકે. ભલે તમે તમારું ધાર્યું કરો પણ મમ્મી, જરાક તો પ્રેમ બતાવો, કદીક થોડુંક વહાલ તો કરો મમ્મી !! એકવાર મને ‘બેટા’ કહોને મમ્મી !! ફઇબા કહેતા’તા કે “તારી માને તને ધવડાવતાંય શરમ આવતી’તી ને તને ‘બેટા’ કે’તાં એને લાજ આવે છે.”

હે ભગવાન, તેં મને જ કેમ આવી હૈયાસૂની મા આપી ? બીજી છોકરીઓની મમ્મી એને કેવું વહાલ કરે છે ને મારી મા જ આવી કેમ ? કોઇ જન્મ આપે અને ખવડાવે પીવડાવે એટલાથી જ મા થોડું થઇ જાય !!

પૂર્વાના મનમાં એકની એક વાતોનો દરિયો ફરી ફરી ઉછાળા લેવા માંડ્યો. એ એવો દરિયો હતો જે એના મનને રણ જેવું સુક્કુંભઠ્ઠ કરી મુકતો હતો. એ અધૂરપનો દરિયો હતો, તરસનો દરિયો હતો. એ એના નામમાં ભરેલા શૂન્યાવકાશનો દરિયો હતો. ‘કોણ કહે છે એ પૂર્ણા છે !! એ તો સાવ અધૂરી, અપૂર્ણા છે. એનામાં કોઇ જ એવું તત્વ નથી, એનામાં જીવવાનીય કોઇ લાયકાત નથી. સાવ મૂરખ, અક્કલ વગરની, મૂઢ જેવી, હોકા જેવી.....’ પૂર્ણાના મન પર હથોડા પડતા રહ્યા અને એ ક્યારે ચક્કર ખાઇને નીચે ઢળી પડી એને ખબર ન રહી. એ ઊંધે માથે પડી, એનું માથું લોખંડના કબાટ સાથે અથડાયું અને દાઢીની નીચે લોહીની ધાર ફૂટી.

પછી શું થયું એને કંઇ ખબર નથી પણ એ જ્યારે હોંશમાં આવી ત્યારે ચહેરા પર બુકાનીની જેમ મોટો પાટો બંધાયેલો હતો. એ ચારેબાજુ ચકળવકળ જોઇ રહી. એને પોતાની આંખો પર વિશ્વાસ ન આવ્યો. આ સપનું હતું કે સત્ય ? એને થયું ભલે આનાથીયે મોટા ઘા પડતા રહે અને એને કદી રુઝ ન આવે !!

હા, એનું માથું એની મમ્મીના ખોળામાં હતું ને મમ્મી એને કહી રહી હતી,

“લે, તને ભાવે છે ને એટલે શીરો બનાવ્યો છે. ખાઇ લે. આમ જો, જરા મોઢું ખોલ તો.... બેટા....... પૂર્ણા !!”

હૈયામાં ખોડાયેલા કાળમીંઢ ખડકોને વીંધીને ફૂટી નીકળ્યું, ‘બેટા.....પૂર્ણા’ શબ્દોનું ઝરણું... ને એ એમાં લથબથ, સુખની બેહોશીમાં સરી પડી.....