પિન કોડ - 101 - 24 Aashu Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

પિન કોડ - 101 - 24

પિન કોડ - 101

પ્રકરણ-24

આશુ પટેલ

‘તારી ફ્લાઈંગ કાર રસ્તાની ઊંચે સો ફૂટ જ ઉપર કેમ ઊડશે?’ રાજ મલ્હોત્રા સાહિલને પૂછી રહ્યા હતા.
‘એટલા માટે કે મુંબઈ કે કોઈ પણ મોટા શહેરમાં ઍરપોર્ટસ પર વાહનો સતત લેન્ડ અને ટેકઓફ થતાં રહેતાં હોય છે. માની લો કે ફ્લાઈંગ કાર મુંબઈના વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈ-વે કે ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇ-વે પરથી આથી વધુ ઊંચાઈ પર ઊડતી હોય તો ગમે ત્યારે હવાઈ દુર્ઘટના થવાની શક્યતા રહે. આ જ કારણથી તો ઍરપોર્ટની આજુ-બાજુ કેટલાંક વિસ્તાર સુધી અમુક ફૂટથી વધુ ઊંચાઈની ઈમારતો બનાવવાની પણ પરવાનગી નથી અપાતી.’ સાહિલે તર્કબધ્ધ જવાબ આપ્યો.
‘ઓકે. પણ આટલી ઊંચાઈ પર જ કાર ઉડવાની હોય તો મુંબઈ- દિલ્હી જેવા ગીચ વિસ્તારમાં એક સાથે કેટલી કાર ઉડ્ડયન કરી શકે?’ રાજ મલ્હોત્રાએ તરત જ બીજો સવાલ કર્યો.
‘મુંબઈ જેવા શહેરના કોઈ મધ્યમ કક્ષાના રસ્તા પર એક સાથે વીસ કાર ઊડી શકે. દરેક કાર વચ્ચે ઉપર - નીચે, આજુ-બાજુમાં પાંચ ફૂટનું અંતર રાખવું પડે. દરેક ફ્લાઈંગ કારમાં ઈલેક્ટ્રોનિક ડિવાઈસ ફીટ કરેલી હશે જે બીજી કારને પાંચ ફૂટથી વધુ નજીક નહીં આવવા દે...’ સાહિલે થોડી મિનિટ્સ સુધી સવિસ્તાર સમજાવ્યું.
‘પણ ક્યારેક કોઈ કારની ડિવાઈસમાં ગરબડ થઈ ગઈ તો અકસ્માતના ચાન્સ તો રહેવાના જ ને?’ રાજ મલ્હોત્રાએ વધુ એક સવાલ પૂછ્યો.
‘એમ તો રસ્તા પર અકસ્માતો થાય જ છે ને! અને ક્યારેક બે ટ્રેન કે બે પ્લેન અથડાઈ પડે એવી ઘટના પણ બને છે ને?’ સાહિલે દલીલ કરી પણ પછી તરત જ તેને સમજાયુ કે તે એટલા મોટા માણસ સાથે વાત કરી રહ્યો છે, જેની સાથે દલીલ ન કરવાની હોય એટલે તરત તેણે વાત વાળી લીધી: ‘આઈ મીન સર, અણધારી દુર્ઘટનાઓ તો બનવાની જ પણ જેમ બે પ્લેન કે બે ટ્રેન કે બે જહાજ એકબીજા સાથે ટકરાઈ પડે એવી દુર્ઘટનાઓ અપવાદરૂપ હોય એમ આ કારના કિસ્સામાં પણ એવા અકસ્માતો અપવાદરૂપ હશે.’
‘ગુડ. પણ તને એમ નથી લાગતું કે આવી કાર માર્કેટમાં મૂકવા માટે અને તેના ઉડ્ડયન માટે પરવાનગી લેવાનું બહુ મુશ્કેલ બનશે?’
‘સર, તમારા જેવા મોટા માણસ માટે સરકાર પાસેથી આવી પરવાનગી લેવાનું બહુ મુશ્કેલ નથી. વળી આ તો એવો પ્રયોગ છે જે ઘણી બધી રીતે દેશને પણ આગળ લઈ જઈ શકે, એટલે કદાચ સરકાર જોઈન્ટ વેન્ચર કરવા પણ તૈયાર થઈ જાય.’
‘રાજ મલ્હોત્રાના ચહેરા પર સહેજ મલકાટ આવ્યો. ગમે એટલા મોટા માણસને પણ પોતાની પ્રશંસા સાંભળવાનું ગમતું હોય છે. જો કે તેમના ચહેરા પર મલકાટ આવવાનું બીજું પણ કારણ હતું. સાહિલના જવાબથી તેમને સમજાયું હતું કે આ છોકરો અત્યંત ચોકસાઈપૂર્વક તૈયારી કરી રહ્યો છે અને તેની પાસે દરેક સવાલનો જવાબ છે.
છતાં તેમણે તેમના મનમાં ઉઠેલો વધુ એક સવાલ પૂછી લીધો: ‘જે માણસ ફ્લાઈંગ કાર ખરીદવા તૈયાર થશે એ હેલિકૉપ્ટર ખરીદવાનું પસંદ નહીં કરે?’
‘પણ મુંબઈ કે દિલ્હી જેવાં શહેરોમાં હેલિકૉપ્ટર ગમે ત્યાં ઉતારી ન શકાય ને, સર? કાર પાર્કિન્ગની જગ્યા માટે પણ તકલીફ છે ત્યા હેલિકૉપ્ટર રાખવાની જગ્યા ક્યાંથી મળશે? જ્યારે ફ્લાઈન્ગ કાર તો બીજી બધી કાર જેટલી જગ્યામાં પાર્ક કરી શકાશે. વળી હેલિકૉપ્ટરની કિંમત અને એને જાળવવાનો ખર્ચ સાંભળીને કેટલાંય કરોડપતિઓ પણ વિચાર પડતો મૂકે છે.’
‘તો આ કાર અંદાજે કેટલી કિંમતમાં માર્કેટમાં મૂકી શકાય એવી તારી ગણતરી છે?’
‘બીએમડબલ્યુ કે મર્સિડીસ જેવી કારના નીચામાં નીચા મોડેલની જે કિંમત હોય તેથી પણ થોડી ઓછી કિંમતમાં આ કાર માર્કેટમાં મૂકી શકાય અને વેચાણ કિંમતથી ત્રીજા ભાગના ખર્ચે આ કારનું ઉત્પાદન કરી શકાય એવી મારી ગણતરી છે, સર.’
‘મારા માન્યામાં નથી આવતું! બીજું, કોઈ પણ કારને દોઢસોથી અઢીસો કિલોમીટરની ઝડપે ઉડાવવાની વાત તો બાજુએ રહી રસ્તા પર દોડાવો તો પણ એ કેટલા પેટ્રોલનો ધુમાડો કરે એનો તને અંદાજ છે?’
‘હું જાણું છું સર. પણ આ કારમાં પેટ્રોલનો ઉપયોગ નહીં થાય.’
‘તો ઍરક્રાફ્ટ્સમાં વપરાતા ઈંધણનો, ગેસોલીનનો થશે. એની કિંમત તો ઓર ઊંચી જાય!’
‘ના સર. આ કારમાં ઈંધણ તરીકે એનએચથ્રીનો ઉપયોગ થશે.’
‘એટલે?’
સાહિલને સમજાયું કે તે ઉત્તેજનામાં ઈંધણનું સાયન્ટિફિક નામ બોલી ગયો હતો. તેણે તરત સુધારી લેતા કહ્યું: નાઈટ્રોજનના એક અણુ અને હાઈડ્રોજનના ત્રણ અણુના સંયોજનથી બનેલા ગેસથી, આઈ મીન નાઈટ્રોજન અને હાઈડ્રોજન ગેસના કોમ્બિનેશનથી બનતા એમોનિયા ગેસથી આ કાર દોડશે અને ઊડશે. અને આ ઈંધણ સૌથી ઓછી કિંમતે મેળવી શકાય છે. હ્યુમન વેસ્ટ અને કચરામાંથી આ ગેસનું ઉત્પાદન કરી શકાય. મહાનગરોની ગટરોનો કરોડો લિટર કચરો દરિયામાં ઠલવાય છે એને બદલે કોઈ વિશાળ પ્લાન્ટ ઊભો કરીને એમાંથી એમોનિયા ગેસનું ઉત્પાદન થઈ શકે. અત્યારે આખા વિશ્ર્વમાં તેલની અછતની શરૂઆત થઈ છે એ જોતા એક-બે દાયકામાં તો પેટ્રોલ-ડિઝલ જેવા ઈંધણના પરંપરાગત સ્ત્રોત ખતમ થઈ જશે ત્યારે ફરજિયાત ઈંધણના બીજા સ્ત્રોત ઊભા કરવા પડશે...’
‘પરન્તુ સીએનજી જેવા ઈંધણનો ઉપયોગ પણ થઈ શકે ને?’ રાજ મલ્હોત્રાએ તેની વાત વચ્ચેથી જ કાપતા પૂછી લીધું.
‘વાત ફરીફરીને ત્યાં જ આવીને ઊભી રહેવાની, સર. નેચરલ ગેસ પણ છેવટે તો પૃથ્વીના પેટાળમાંથી જ મળે છે ને? વળી સીએનજી કે એલપીજી કરતાં એમોનિયાનું રિફાઈન્ડ વર્ઝન ફ્લાઈંગ કારના એન્જિન માટે પણ વધુ અસરકારક રહેવાનું...’
સાહિલે વિસ્તારપૂર્વક તેમને સમજાવ્યુ.
રાજ મલ્હોત્રા સાહિલને સવાલ પૂછતા રહ્યા અને સાહિલ તેમને માહિતી આપતો ગયો. છેવટે રાજ મલ્હોત્રાએ ધારદાર નજરે તેની સામે જોતા કહ્યું: ‘તે મને કહ્યું કે તે મોટરબાઈકના એન્જિન પર પ્રયોગ કર્યો હતો, પણ તારી મોટરબાઈક થોડા ફૂટ ઊંચકાયા પછી ધડાકા સાથે નીચે પટકાઇ હતી એનો અર્થ એ કે તારો પ્રયોગ નિષ્ફળ જ રહ્યો હતો!’
‘એ પ્રયોગ નિષ્ફળ રહ્યો હતો એમ જરૂર કહી શકાય પણ મેં કોઈ જાતનાં સાધનો અને આર્થિક સહાય વિના મોટરબાઈકને થોડા ફૂટ ઉપર ઉડાવી હતી, એટલે મારી થિયરી તો ખોટી નહોતી જ. હા, મેં એક ભૂલ કરી હતી
‘શું?’
‘મેં ઈંધણના કોમ્બિનેશનમાં ભૂલ કરી હતી. મેં નાઈટ્રોજન અને હાઈડ્રોજનની સાથે ઓક્સિજનની થોડી માત્રા ઉમેરી હતી. હું એકવાર વિખ્યાત વૈજ્ઞાનિક ડૉ. જે.જે. રાવલનું અંતરિક્ષ વિજ્ઞાન વિશેનું પ્રવચન સાંભળવા ગયો હતો એ વખતે તેમણે પ્રવચનમાં કહેલી એક વાત મને યાદ રહી ગઈ હતી કે સ્પેસક્રાફ્ટમાં એચટુઓટુ એટલે કે હાઈડ્રોજન અને ઓક્સિજનના મિશ્રણથી બનેલું ઈંધણ ઉપયોગમાં લેવાય છે જેનાથી સ્પેસક્રાફ્ટ અકલ્પ્ય ઝડપથી ઊડી શકે છે. મેં દોઢડહાપણ કરીને નાઈટ્રોજન અને હાઈડ્રોજનની સાથે થોડા ઓક્સિજન ગેસનો, નાઈટ્રોજનથી વધુ અને હાઈડ્રોજનથી ઓછી માત્રામાં, ઉપયોગ કરવાની મૂર્ખાઈ કરી એટલે વિસ્ફોટ થયો હતો એમને પછી સમજાયું. હું મુમ્બઈ આવ્યા પછી ડૉક્ટર જે. જે. રાવલને મળવા ગયો હતો એ વખતે મેં તેમને મારા પ્રયોગ વિશે કહ્યા વિના પૂછ્યું હતું કે આવા કોમ્બિનેશનથી વાહન ચલાવવાની કોશિશ કરીએ તો શું થાય? તેમણે મને કહ્યું હતું કે આવા કોમ્બિનેશનમાં સહેજ પણ ગરબડ થાય તો પ્રચંડ વિસ્ફોટ થાય અને આજુબાજુ હોય એ બધા લોકો માર્યા જાય! જો કે મેં નાઇટ્રોજન, હાઈડ્રોજન અને ઓક્સિજનની બહુ ઓછી માત્રા સાથે પ્રયોગ કર્યો હતો એટલે હું મરતા મરતા બચ્યો. પણ દરેક સફળતાની પાછળ ઘણી બધી નિષ્ફળતાઓ હોય છે. પણ હવે હું વધુ સજ્જ થઈ ગયો છું.’
‘પણ જ્યા સુધી પ્રેક્ટિકલી તું આવું કઈ કરી ના બતાવે ત્યા સુધી માત્ર તારી પાસે થિયરી જ છે એમ કહેવાય. ‘રાજ મલ્હોત્રાએ ઠંડકથી કહ્યું.
‘મને તમે કોઈ એક જૂની
કાર, થોડાં સાધનો, થોડી સામગ્રી અને જગ્યા અપાવો તો હું તમને બેજ મહિનામાં મારા આઈડિયાને વાસ્તવિકતામાં પલટાવીને બતાવી શકું.’ સાહિલે આત્મવિશ્ર્વાસભર્યા શબ્દોમાં કહી દીધું. એ શબ્દો બોલતી વખતે તે થોડી સેક્ધડ્સ ભૂલી ગયો કે તે ‘ધ’ રાજ મલ્હોત્રા સાથે વાત કરી રહ્યો છે.
***
સવારે નતાશા સાથે બ્રેકફાસ્ટ લીધા પછી સાહિલ તૈયાર થઈને નીકળ્યો એટલે નતાશા ફરી ઊંઘી ગઈ હતી. રાતે વોડકા પીધો હતો એટલે થોડા હેંગઓવરને કારણે તે સુસ્તી અનુભવી રહી હતી. ફરીવાર તેની ઊંઘ ઊડી ત્યારે તેણે સમય જોયો એ સાથે તે સફાળી ઊઠી ગઈ. પોણાબાર વાગી ગયા હતા. તે ફટાફટ તૈયાર થઈ. તે બાથરૂમમાંથી બહાર આવી એ વખતે તેના રૂમના ફોનની રિન્ગ વાગી. કદાચ ચેકઆઉટ ટાઈમ થઈ ગયો એટલે રિસેપ્શન પરથી કોલ હશે, નતાશાએ વિચાર્યું. તેણે ફોનનું રિસીવર કાને માંડીને કહ્યું, ‘હલ્લો.’
‘મેડમ, આપ ઓમર હાશમી કી ઑફિસ મેં મત જાના. વો આદમી સહી નહી હૈ. આપ વહા જાઓગી તો શાયદ બડી મુશ્કિલમે ફંસ જાઓગી!’ કોઈ અજાણી વ્યક્તિએ ચેતવણીના સૂરમાં કહ્યું.
એ શબ્દો સાંભળીને, જાણે પોતાનાથી થોડા ફૂટ દૂર બૉમ્બ ફાટ્યો હોય એ રીતે, નતાશા પગથી માથા સુધી ધ્રૂજી ઊઠી! તેને લાગ્યું કે તેના ધ્રૂજી રહેલા હાથમાંથી ફોનનુ રિસિવર પડી જશે. તે આ હોટેલમાં રોકાઈ છે એવી સાહિલ સિવાય બીજા કોઈને ખબર નહોતી!

(ક્રમશ:)

રેટ કરો અને રિવ્યુ આપો

Priti Patel

Priti Patel 4 દિવસ પહેલા

Hina Thakkar

Hina Thakkar 4 માસ પહેલા

Sp Sp

Sp Sp 7 માસ પહેલા

yogesh

yogesh 2 વર્ષ પહેલા

Lata Suthar

Lata Suthar 2 વર્ષ પહેલા