પિન કોડ - 101 - 22 Aashu Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

પિન કોડ - 101 - 22

પિન કોડ - 101

પ્રકરણ-22

આશુ પટેલ

‘વો લડકી ઓમરકી ઑફિસમે કબ જાનેવાલી હૈ પતા હૈ તુઝે?’ સિનિયર ઇન્સ્પેક્ટર દત્તાત્રેય વાઘમારેએ ઓમરના માણસ અને પોતાના ખબરી સલીમને પૂછ્યું.
‘અભી દોપહર કો એક બજે જાયેગી વો લડકી. વો લડકી કોઈ બહુત બડી મુશ્કીલ મે ફસેગી ઐસા લગ રહા હૈ. ઉસકા ચક્કર શુરુ હુઆ હૈ તબસે ઓમર હર રોજ અપના નયા નમ્બર દેતા હૈ હમકો. મૈને એક બાર ગલતીસે ઉસકે રેગ્યુલર નમ્બર પે કોલ કર દીયા થા તો ઉસને મુઝે ગાલી દી થી. મામલા કુછ જ્યાદા હી ગરબડવાલા લગ રહા હૈ વાઘમારેસા’બ.’ સલીમે વાઘમારેના સવાલનો જવાબ આપવાની સાથે થોડી વધુ માહિતી આપી દીધી અને પોતાનુ નિરીક્ષણ પણ કહી દીધુ.
‘ઓમર કહા હૈ અભી? ઑફિસમે?’
‘નહી. અભી વો યારી રોડ પે કબ્રસ્તાન કે પાસ ઉસકા કોઈ પહેચાનવાલા હૈ ઉધર ગયા હૈ. શાયદ કોઈ મૌલવી હૈ. આજકલ ઉસકા વહા આનાજાના બઢ ગયા હૈ.’
‘લેકિન વો લડકી ઉસકો મિલને આ રહી હૈ ઐસા તૂને બતાયા અભી.’
વો એક બજે કે પહલે ઑફિસમે પહુંચ જાયેગા ઐસા ઉસને બતાયા હૈ. ઉસને બોલા હૈ કિ વો લડકી જબ હોટેલસે મેરી ઑફિસકે લિયે નીકલે ઉસ વક્ત મુઝે કોલ કર દેના ઔર અગર વો મેરી ઑફિસકી બજાય કહી ઔર જાતી હૈ તો મુઝે ઉસી વક્ત બતા દેના. વો લડકી કો ઉઠાને કા પ્લાન હૈ ઐસા મુઝે લગ રહા હૈ. ’
‘સલીમ, મેરી બાત ધ્યાન સે સૂનો...’ સિનિયર ઇન્સ્પેક્ટર દત્તાત્રેય વાઘમારેએ પોતાના ખબરી
એવા ઓમર હાશમીના માણસને સૂચના આપવા માંડી.
‘જી વાઘમારેસા’બ. હો જાયેગા. મૈં આપકો થોડી દેરમેં હી વાપસ કોલ કરતા હૂં.’ વાઘમારેની સૂચના સાંભળીને સલીમે ખાતરી આપી.
***
‘ના સર. મેં આવું વાહન બનાવ્યું નથી હજી મારી પાસે પૈસા નથી નહીં તો મેં આવું વાહન અત્યાર સુધીમાં ચોક્ક્સ બનાવી લીધું હોત. તમારી પાસે મુલાકાતનો સમય માગવા પાછળ મુખ્ય કારણ જ એ હતું કે તમને વિનંતી કરી શકું કે મને મદદ કરો તો હું મારું આ સપનું સાકાર કરી બતાવું.’ રાજ મલ્હોત્રાના સવાલનો જવાબ આપતા સાહિલ કહી રહ્યો હતો.
‘પણ હમણાં તો તેં કહ્યું કે તેં તારી ટેકનોલોજી પ્રેક્ટિકલી ચકાસી જોઈ છે!’
‘હા સર. મેં મારી ટેકનોલોજીનો નાના પાયા પર પ્રયોગ કરી જોયો છે. મેં એક મોટરબાઈકનું એન્જિન મોડીફાઈ કરીને તેની એવરેજ વધારીને ખાતરી કરી હતી. મેં મારી મોટરબાઈકના એન્જિનમાં ફેરફાર કરીને પ્રયોગ કરી જોયો હતો અને મોટરબાઈક એક લિટર પેટ્રોલથી ૨૦૦ કિલોમીટર ચલાવી હતી’
ગોટ ઈટ. તારા મલ્ટિપર્પઝ વેહિકલમાં તું એ પ્રકારનું એન્જિન બનાવવા માગે છે, રાઈટ?’ રાજ મલ્હોત્રાએ તેની વાત અધવચ્ચેથી જ કાપતા કહ્યું.
‘યસ સર.’
‘પણ તને નથી લાગતુ કે તું મલ્ટિપર્પઝ વેહિકલને બદલે તારી ટેક્નોલોજીથી એવું એન્જિન વિકસાવે કે જે ડબલથી વધુ એવરેજ આપે તો એ વિશ્ર્વની બહુ મોટી શોધ તરીકે તને પૈસા અને પ્રસિદ્ધિ અપાવશે?’ રાજ મલ્હોત્રાએ તેમના મનમાં ઊઠેલો સવાલ પૂછી લીધો.
‘યસ સર. મને પણ આ વિચાર આવ્યો હતો. પણ મારા માટે મલ્ટિપર્પઝ વેહિકલની અને મેં વિચારેલી અનોખી કારની શોધ આખા વિશ્ર્વ માટે ક્રાંતિકારી પુરવાર થશે. વધુ એવરેજવાળા એન્જિન બનાવવા માટે તો રાત દિવસ કેટલાય દેશોની કેટલીય કંપનીઝમાં કેટલાય માણસો સતત કોશિશ કરતા હોય છે એટલે એ તો આજે નહીં ને કાલે કોઈ શોધી જ કાઢશે, પણ મારી કલ્પનાનું મલ્ટિપર્પઝ વેહિકલ અને મેં વિચારેલી અનોખી કાર વિશે કદાચ ઘણાં લાંબા સમય સુધી કોઈને વિચાર પણ નહીં આવે. અને મેં એવરેજ વધારવા માટે વિચારેલી ટેક્નોલોજીનો તમે બીજાં વાહનો માટે પણ ઉપયોગ કરી શકો છો. એ બાય પ્રોડક્ટ હશે.’
‘ઓકે.’ રાજ મલ્હોત્રાએ કહ્યું અને પછી તરત જ બીજો સવાલ કરી લીધો: ‘તું એક અનોખી કાર વિશે વાત કરવા માગતો હતો એ કારમાં શું નવું હશે?’ રાજ મલ્હોત્રાએ પૂછ્યું.
‘એ કાર દેખીતી રીતે તો નોર્મલ જ હશે પણ તેને જેટલી સહેલાઈથી રસ્તા પર દોડાવી શકાશે એથી વધુ સરળતાથી ઉડાવી શકાશે.’ સાહિલે જવાબ આપ્યો.
‘યુ મીન જેમ્સ બોન્ડની કારની જેમ એ રસ્તા પર ચાલી શકે, પાણીમાં તરી શકે અને ઊડી પણ શકે એવી?’ રાજ મલ્હોત્રાએ સહેજ મજાકમાં કહ્યું.
જોકે સાહિલે તો તેમના શબ્દો ગંભીરતાથી જ લીધા. તેણે કહ્યું, ‘ના સર. પાણીમાં ચાલે એવી એમ્ફિબિયસ કારના બહુ પ્રયોગ થયા છે. આપણો દેશ આઝાદ થયો એ પહેલાં આપણાં દેશના કેટલાક રાજાઓ પાસે પણ એમ્ફિબિયસ કાર હતી...’
‘અને ઊડી શકે એવી કાર માટે કેટલાંય વર્ષોથી પ્રયોગો થઈ રહ્યા છે!’ રાજ મલ્હોત્રાએ ફરી એકવાર સહિલની વાત વચ્ચેથી કાપતા કહ્યું. તેઓ આ છોકરો કેટલો સજ્જ છે એ ચકાસી રહ્યા હતા.
‘હા સર. મને ખબર છે. પણ અત્યારે ઉડતી કાર માટે જેટલા પણ રિસર્ચ થઈ રહ્યા છે એ બધાથી મારી કાર અનોખી, વધુ એડવાન્સ હશે.’ સાહિલે આત્મવિશ્ર્વાસપૂર્વક કહ્યું.
‘કઈ રીતે?’ રાજ મલ્હોત્રાએ પૂછ્યું.
‘હું જે કાર બનાવવા માગું છું એ કાર નોર્મલ ટ્રાફિકમાં દોડશે પણ તે ટ્રાફિકમાં ફસાશે એ વખતે માત્ર ત્રીસ સેક્ધડમાં ટ્રાફિક વચ્ચેથી જ હેલિકૉપ્ટરની જેમ ટેકઓફ કરીને પચાસથી સો ફૂટ ઉપર જઈ શકશે અને પછી દોઢસોથી અઢીસો કિલોમીટરની ઝડપે ઊડી શક્શે’
‘તારી મોટરબાઈકની જેમ તે આવો કોઈ પ્રયોગ પણ કરી જોયો છે કે પછી આ માત્ર તારી થિયરી જ છે?’ રાજ મલ્હોત્રાએ ફરી વાર સાહિલની વાત વચ્ચેથી કાપતા પૂછ્યું.
સાહિલની આંખોમાં ચમક આવી. તેણે કહ્યું, હા મે આવો પ્રયોગ પણ કરી જોયો છે. મે મોટરબાઈકના એન્જિનમાં ફેરફાર કરીને નિર્જન વિસ્તારમાં મોટરબાઈક ઉડાવવાની કોશિશ કરી હતી. મારી મોટરબાઈક જમીનથી થોડા ફૂટ ઊંચકાઈ અને થોડા ફૂટ સુધી ઉડી પણ ખરી. પણ પછી સાધનોના અભાવે અને એન્જિનની ગરમી કેટલી વધશે એની ગણતરીના અભાવે એન્જિન ભયંકર ગરમ થઈ ગયું અને ધડાકા સાથે ફાટ્યું. હું મોટરબાઈક સાથે નીચે પછડાયો. મારી મોટરબાઈક ભંગારમાં ફેંકી દેવી પડી અને મને પણ બહુ ઈજાઓ થઈ એટલે મારે બે મહિના હોસ્પિટલમાં રહેવું પડ્યું અને હોસ્પિટલનું ત્રણ લાખ રૂપિયા બિલ થયું એટલે મારા ભાઈએ મને સાફ શબ્દોમાં કહી દીધું કે હવે કોઈ ઉધામા નથી કરવાના અને મારી સાથે ધંધામાં જોડાઈ જવાનું છે. હું થોડો સમય મારા ભાઈની સાથે ધંધામાં જોડાઈ ગયો, પણ દિવસ-રાત મુંઝારો અનુભવતો હતો એટલે પછી મેં ભાઈને અને ઘરને છોડીને મુંબઈ આવી જવાનું નક્કી કર્યું. સર તમને સાચી વાત કહું છુ. હું મારા ભાઈને કે બીજા કોઈને પણ કહેત કે મેં મોટરબાઈક ઉડાવવાની કોશિશ કરી છે તો તેણે મને પાગલખાનામાં જ ધકેલી દીધો હોત અથવા તો કોઈ સાઈકિયાટ્રીસ્ટ પાસે મારી સારવાર શરૂ કરાવી દીધી હોત. એટલે હું મારા એ પ્રયોગ વિશે આજ સુધી ચૂપ જ રહ્યો છું. મુંબઈમાં હું ઘણાં સમયથી સંઘર્ષ કરી રહ્યો છું. જો કે મારા એક ફ્રેન્ડના કારણે ખાવા-પીવાની કે રહેવાની ચિંતા નથી પણ...’
એકધારા બોલી રહેલા સાહિલને અચાનક અહેસાસ થયો કે તે રાજ મલ્હોત્રા જેવા પાવરફૂલ બિઝનેસ ટાઈકૂન સામે કામની વાત કરતા-કરતા પોતાની અંગત વાત ઉખેળી બેઠો હતો! તે એકદમ નર્વસ થઈ ગયો. તેને
લાગ્યું કે તેણે મોટો લોચો મારી દીધો છે. તેની હથેળીમાં ફરી એકવાર પરસેવો વળી ગયો. રાજ મલ્હોત્રા સાથે વાત કરતા-કરતા પોતે ભરડી માર્યું છે એવો અહેસાસ થયો એટલે તે ભયંકર નર્વસ થઈ ગયો. સાહિલને થયું કે અંગત વાત ઉખેડવાની બેવકૂફી કરીને પોતે હાથમાં આવેલી અમૂલ્ય તક ગુમાવી દીધી. તેને પોતાના પર ગુસ્સો આવી ગયો. રાજ મલ્હોત્રા કશું બોલ્યા વિના તેની સામે તાકી રહ્યા હતા.
રાજ મલ્હોત્રા કોઈ રીએક્શન આપ્યા વિના તેની સામે તાકી રહ્યા હતા એ જોઈને સાહિલ વધુ નર્વસ થઈ ગયો. સાહિલને થયું કે તેણે માફી માગીને વાત વાળવાની કોશિશ કરવી જોઈએ. તેણે કહ્યું, ’સર, આઈ એમ એક્સ્ટ્રીમલી સોરી. હું પહેલીવાર તમારા જેવા મોટા માણસને મળી રહ્યો છું એટલે હું નર્વસ છું અને એમા હું કામની વાત કરતા-કરતા મારી અંગત વાતો આપને કહી બેઠો. સર, ફરગીવ મી, પ્લીઝ. આઈ નો કે તમારી એક-એક સેક્ધડ કેટલી કિમતી હોય છે...’
સાહિલ હજી તેની વાત પૂરી કરે એ પહેલાં જ રાજ મલ્હોત્રાની સેક્રેટરી શીતલ ઉતાવળે ધસી આવી. તેણે કહ્યું, ’સર, સુપરસ્ટાર દિલનવાઝ ખાન આવી ગયા છે. હી હેઝ જસ્ટ એન્ટર્ડ ઈન ધ લિફ્ટ.’
સાહિલને લાગ્યું કે અંગત વાત કહેવાની મુર્ખાઈ થકી તેણે જિંદગીની સૌથી મોટી ભૂલ કરી નાખી છે!

(ક્રમશ:)

રેટ કરો અને રિવ્યુ આપો

Priti Patel

Priti Patel 4 દિવસ પહેલા

Jignesh Thakkar

Jignesh Thakkar 1 માસ પહેલા

Hina Thakkar

Hina Thakkar 4 માસ પહેલા

Sp Sp

Sp Sp 7 માસ પહેલા

Mv Joshi

Mv Joshi 1 વર્ષ પહેલા