પિન કોડ - 101 - 20 Aashu Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

પિન કોડ - 101 - 20

પિન કોડ - 101

પ્રકરણ-20

આશુ પટેલ

ઓમર નીકળ્યો એટલે પેલા માણસે તરત જ વિશાળ રૂમના બીજા છેડે બેઠેલા યુવાનોમાંથી એક યુવાનને બોલાવીને કહ્યું: ‘અય્યાઝ, યે આદમી પર નઝર બનાયે રખના. ભરોસેવાલા લગતા હૈ લેકિન...’
‘જી ઇકબાલભાઈ. વાજીદ ઔર યાકુબ ઉસ કે પીછે હી હૈ. વો જહાં ભી જાતા હૈ દોનોં મેં સે એક ઉસ કે પીછે હી રહેતા હૈ. કોઈ ઐસી-વૈસી બાત નહીં લગ રહી હૈ.’
‘કોઈ ભી ખતરા લગે તો મુઝે બતાના. ઔર ભૂલે સે ભી પુલિસ ઉસ તક પહુંચે યા વો પુલિસ તક પહુંચે તો...’
‘સમજ ગયા ભાઈ,’ અય્યાઝે કહ્યું.
***
સાહિલ આજે તો તારે બહાર સૂવું હોય તો લોબીમાં સૂવું પડશે, કારણ કે અહીં તો એક જ રૂમ છે.’ હોટેલના રૂમમાં પ્રવેશ્યા પછી નતાશાએ મજાકમાં કહ્યું.
‘તું બેડ પર સૂઇ જા, હું નીચે સૂઇ જઇશ.’ નતાશાની મજાકને અવગણીને સાહિલે કહ્યું.
‘કેમ ડર લાગે છે મારાથી?’ વોડકાના બે લાર્જ અને એક સ્મોલ પેગની અસર નતાશાના અવાજમાં થોડી થોડી વર્તાતી હતી. તેણે હાથ ખેંચીને સાહિલને બેડ પર ખેંચ્યો. ‘ચૂપચાપ સૂઇ જા અહીં બેડ પર મારી બાજુમાં.’
‘નતાશા, અત્યારે મને તારાથી નહીં, મારાથી ડર લાગી રહ્યો છે.’ સાહિલ પણ બિયરની બે બોટલની અસર હેઠળ હતો.
નતાશાએ કંઇ બોલ્યા વિના તેની આંખમાં આંખ પરોવીને જોયું.
નતાશાની મદહોશ આંખોએ સાહિલને લોહચુંબકની જેમ નતાશાની તરફ ખેંચી લીધો. બંને ઉત્કટતાથી એકબીજાને વળગી પડ્યા.
બન્ને પોતાની જાત પરનો કાબૂ ગુમાવવાની અણી પર હતાં, પણ અચાનક સાહિલ નતાશાથી અળગો થઈ ગયો.
‘સાહિલ!’ નતાશાએ આશ્ર્ચર્યભરી નજરે તેની સામે જોતાં કહ્યું.
‘નહીં નતાશા. અત્યારે આપણે બન્ને આલ્કોહોલની અસર હેઠળ છીએ. આપણી વચ્ચે અત્યારે કંઈક થઈ જશે તો સવારે બેયને અફસોસ થશે.’
નતાશા થોડી વાર તેને તાકતી જરહી ગઈ! પછી તેણે સાહિલને કહ્યું: ‘કઈ માટીનો બનેલો છે તું! તારી જગ્યાએ બીજો કોઈ પણ પુરુષ હોત તો પોતાની જાત પર કાબૂ ના રાખી શક્યો હોત. કાલે તો મેં મજાકમાં પૂછ્યું હતું પણ અત્યારે સિરિયસલી પૂછું છું: તું ઇમ્પોટન્ટ કે ગે નથીને?’
‘ના. હું નોર્મલ પુરુષ જ છું. એક્ચ્યુઅલી હું પણ થોડી ક્ષણો માટે મારા પર કાબૂ નહોતો રાખી શક્યો એટલે જ તને વળગી પડ્યો હતો, પણ પછી મારા મનમાંથી જાણે કરન્ટ પસાર થઈ ગયો અને મેં મારી જાતને રોકી લીધી.’
‘હું તારી જગ્યાએ હોત તો મારી જાત પર કાબૂ ના રાખી શકી હોત!’
‘હું તારી જગ્યાએ હોત તો મેં પણ મારી જાત પર કાબૂ ના રાખ્યો હોત, પણ હું પુરુષ છું એટલે મારી જવાબદારી વધી જાય છે.’
‘એટલે તું મને પ્રેમ કરે છે, પણ મારી સાથે સેક્સ્યુઅલ રિલેશનથી દૂર જ રહીશ! પ્લટોનિક રિલેશનશિપ રાખીશ!’
‘ના. એવું હરગિજ નહીં કહું, પણ અત્યારે આપણે ક્ષણિક આવેગમાં હતાં. અને ઘણી વાર ક્ષણિક આવેગમાં કોઈ પગલું ભરાઈ જાય એનો પાછળથી બહુ અફ્સોસ થતો હોય છે.’
બન્નેના દિમાગ પરથી શરાબની અસર દૂર થઈ ગઈ. બેય મોડે સુધી વાતો કરતાં રહ્યાં. છેવટે ઊંઘતાં પહેલાં નતાશાએ સાહિલને ગાઢ આલિંગન આપ્યું અને તેના ગાલ પર ચુમ્બન કર્યું. તેણે કહ્યું: ‘સાહિલ, આજે મારો તારા પ્રત્યેનો આદર અનેક ગણો વધી ગયો. હવે તો તું બેડ પર મારી બાજુમાં જ સૂઈ જજે. હવે મારો પણ મારી જાત પર કાબૂ રહેશે!’
***
સાહિલ સવારે અગિયારને બદલે દસ વાગ્યે મહાલક્ષ્મી પહોંચી ગયો. તેણે રાજ મલ્હોત્રાની કંપનીઝના હેડક્વોર્ટર ‘મલ્હોત્રા હાઉસ’થી થોડે દૂર એક રેસ્ટોરાંમાં બેસીને થોડો સમય પસાર ર્ક્યો. નતાશાએ તેને એ.સી. ટેક્સીમાં રાજ મલ્હોત્રાને મળવા મોકલ્યો હતો. તેણે કહ્યું હતું કે તું લોકલ ટ્રેનની ભીડમાં જઈશ તો તારાં કપડાં ચોળાઈ જશે. તારા શરીરમાંથી પરસેવાની વાસ આવશે અને એને કારણે તારો આત્મવિશ્ર્વાસ ડાઉન થઈ જશે. નતાશાએ જબરદસ્તી કરીને તેને દસ હજાર રૂપિયા પણ આપ્યા હતા. તે તો કપડાંનાં બિલ, ડિનર-ડ્રિન્કનાં બિલ અને હોટેલના રૂમના ભાડાના પૈસા બાદ કરતાં બાકી બચેલા પૈસાના સરખા ભાગ પાડતી હતી, પણ સાહિલે આનાકાની કરતાં તેણે નમતું જોખવું પડ્યું હતું. તોય છેવટે દસ હજાર રૂપિયા તો તેણે સાહિલને પરાણે આપ્યા હતા.
નતાશા સાથે વિતાવેલી બે રાતની વાતો સાહિલના માનસપટ પર ઊભરી આવી. કોઇએ સાહિલને બે દિવસ પહેલાં એવું કહ્યું હોત કે આવતા અડતાલીસ કલાકમાં તારી જિંદગીમાં આવું બધું થવાનું છે તો સાહિલ એવું કહેનારા પર હસી પડ્યો હોત. સાહિલને નતાશાની વાત યાદ આવી ગઇ કે સમય બદલાય ત્યારે માણસ સપનામાં પણ વિચારી ના શકે એ રીતે તેની જિંદગી બદલાઇ જતી હોય છે.
નતાશાની ઇશ્ર્વર પરની આસ્થા અને નસીબમાં હોય એ જ થાય એવી બધી માન્યતા યાદ આવી એટલે સાહિલના ચહેરા પર સ્મિત ફરકી ગયું. તે અને નતાશા આ મુદ્દે બે અંતિમ ધ્રુવ પર વિચારતાં હતાં. આ મુદ્દે જ નહીં, બીજા કેટલાય મુદ્દે તે બેય અંતિમ છેડાના વિચારો ધરાવતાં હતાં અને એવા કોઇ મુદ્દે ચર્ચા થાય ત્યારે બંને વચ્ચે બરાબર જામી પડતી હતી. જોકે તે બેય વચ્ચે તેમના વિચારભેદને કારણે ક્યારેય એવી નોબત નહોતી આવી કે તેમની દોસ્તી તૂટી જાય. સાહિલ અને નતાશા એક મુદ્દે સંપૂર્ણપણે સહમત હતાં કે દોસ્તો વચ્ચે મતભેદ હોવા જોઇએ, પણ વાત ક્યારેય મનભેદ સુધી ના જવી જોઇએ.
વિચારોમાં ખોવાયેલા સાહિલનું ધ્યાન અચાનક ઘડિયાળ પર પડ્યું. પોણાઅગિયાર વાગી ગયા હતા. તે ફટાફટ ‘મલ્હોત્રા હાઉસ’ તરફ ચાલતો થયો. ‘મલ્હોત્રા હાઉસ’માં જઇને તેણે રિસેપ્શન પર પોતાનું નામ આપ્યું. રિસેપ્શનિસ્ટે રાજ મલ્હોત્રાની સેક્રેટરી શીતલ સાથે ઇન્ટરકોમ પર વાત કરી.
રિસેપ્શનિસ્ટે રાજ મલ્હોત્રાની સેક્રેટરીને ઈન્ટરકોમ પર સાહિલના આગમનની જાણ કરી અને પછી સાહિલને વિશાળ લોબીમાં ‘ઈ’ શેપમાં ગોઠવાયેલા સોફા પર બેસવા કહ્યું. સાહિલે રિસેપ્શનિસ્ટ પાસેથી સોફા સુધી પહોંચવા માટે ઘણું ચાલવું પડ્યું. તેણે સોફા પર બેસીને લોબીમાં નજર દોડાવી. પચ્ચીસ ફૂટથી વધુ હાઈટ ધરાવતી લોબીમાં વચ્ચોવચ ઓછામાં ઓછું દસ ફૂટનું શેન્ડેલિયર લટકતું હતું અને એના પછી બંને બાજુએ એનાથી જુદી-જુદી નાની સાઈઝના, ક્રમ પ્રમાણે ત્રણ-ત્રણ શેન્ડેલિયર ગોઠવાયેલા હતા. એના કારણે કોઈ સેવન સ્ટાર સુપર ડીલક્સ હોટેલની લોબી જેવું વાતાવરણ લાગતું હતું. સાહિલે અનુમાન કર્યું કે ઓછામાં ઓછી પાંચ હજાર ફૂટ જગ્યા હશે. મુંબઈમાં ૫૦૦ ફૂટનો, એક બેડરૂમનો ફ્લેટ ખરીદવાની ઈચ્છા પણ લાખો માણસો પૂરી નથી કરી શકતા હોતા. એમને તો રાજ મલ્હોત્રાના આવા ઐશ્ર્વર્યની કલ્પના પણ ન આવે. રાજ મલ્હોત્રા વિશે ન્યુઝપેપરના બિઝનેસ સેક્શનમાં જેટલું છપાતું હતું એથી વધુ તો તેઓ પેજ થ્રી પર ચમકતા હતા.
માત્ર મુંબઈ કે ઈન્ડિયાના જ નહીં, વિશ્ર્વભરના ઘણા, સુપર રિચ કેટેગરીમાં આવતા, ધનપતિઓને રાજ મલ્હોત્રાની લાઈફસ્ટાઈલની ઈર્ષ્યા આવતી હતી. રાજ મલ્હોત્રા વિશે ઘણી વાર લાઈફસ્ટાઈલ મેગેઝિન્સમાં કવર સ્ટોરી થતી હતી. એવાં કેટલાંક ગ્લોસી મેગેઝિન્સ સોફાની સામે ગોઠવાયેલા કાચના ટેબ્લ્સ પર પડ્યાં હતાં. સાહિલનું ધ્યાન એક મેગેઝિનના કવર પર પડ્યું, જેમાં રાજ મલ્હોત્રાને હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની બે ટોચની હિરોઈન વળગીને ઊભી હતી. એ મેગેઝિનના કવર પર ઈન્વર્ટેડ કોમામાં હેડલાઈન હતી: ‘માય લાઈફ મન્ત્રા: વર્ક હાર્ડ એન્ડ સેલિબ્રેટ હાર્ડ!’ રાજ મલ્હોત્રાનું આર્થિક સામ્રાજ્ય વિશ્ર્વના ડઝનબંધ દેશોમાં ફેલાયેલું હતું અને અવારનવાર જુદા-જુદા દેશોના પ્રાઈમ મિનિસ્ટર્સ કે પ્રેસિડન્ટ્સ સાથે તેમની મુલાકાતો વિશેના ન્યુઝ વિશ્ર્વભરનાં ન્યુઝપેપર્સમાં અને ન્યુઝ ચેનલ્સમાં ચમકતા રહેતા હતા. વિશ્ર્વનાં લગભગ બધાં જ મેગા સિટીઝમાં તેમના વિશાળ બન્ગલોઝ હતા. એમના ઘણા બન્ગલોઝ તો પેલેસ કહેવા પડે એટલી વિશાળ જગ્યામાં અને આલીશાન રીતે બંધાયેલા હતા. તેમના કેટલાય બન્ગલોઝ મુંબઈથી સાન ફ્રાન્સિસ્કો સુધીનાં શહેરોમાં જુદા-જુદા દરિયાકિનારે હતા. એક ન્યુઝ ચેનલે તો તેમના દરિયાકિનારાના બન્ગલોઝ વિશે એક કલાકનો સ્પેશ્યલ પ્રોગ્રામ ટેલિકાસ્ટ કર્યો હતો. રાજ મલ્હોત્રા પાસે વિશ્ર્વની બેસ્ટ કહેવાય એવી કાર્સનો કાફલો હતો. તેમની પાસે વિશ્ર્વના જુદાં-જુદાં શહેરોમાં પોતાનાં હેલિકોપ્ટર્સ હતાં. વિદેશોમાં જવું હોય ત્યારે તેઓ પોતાના પ્રાઈવેટ જેટનો ઉપયોગ કરતા હતા. તેમની પાસે અનેક લક્ઝુરિયસ યોટ પણ હતી, જેમાં તેઓ મધદરિયે પાર્ટી કરતા હતા. તેમની પાર્ટીઝમાં ટોચના ફિલ્મસ્ટાર્સથી માંડીને ક્રિકેટર્સ અને ઉદ્યોગપતિઓ અને મિનિસ્ટર્સની હાજરી રહેતી. સાહિલને વિચાર આવી ગયો કે પોતે રાજ મલ્હોત્રા જેવા કોઈ પાવરફુલ માણસના ઘરે જન્મ્યો હોત તો પોતાને સંઘર્ષ ના કરવો પડતો હોત. એ વિચાર મનમાં ઝબક્યો એની બીજી ક્ષણે તેને પોતાના શેખચલ્લી જેવા વિચાર પર મનોમન હસવું આવી ગયું.
***
‘વાઘમારેસા’બ, વો ઓમર હાશમી એક લડકી કે પીછે હૈ. ઉસને કલ વો લડકી કો અપની ઓફિસ મેં બુલાયા થા ઔર આજ વો લડકી વાપસ ઉસ કી ઓફિસ મેં આનેવાલી હૈ. કોઈ ચક્કર હૈ. મુઝે ઔર દૂસરે એક આદમી કો વો લડકી પે વોચ રખને કે લિયે ઉસને બોલા હૈ. ઔર વો બાર-બાર કોલ કરકે રિપોર્ટ ભી લે રહા હૈ કિ વો લડકી કહાં હૈ, ક્યા કર રહી હૈ, કિસ કે સાથ હૈ...’ ઓમર હાશમીનો ખાસ માણસ સલીમ મુમ્બઈ પોલીસના ક્રાઈમ ઇન્ટેલિજન્સ યુનિટના સિનિયર ઇન્સ્પેક્ટર દત્તાત્રેય વાઘમારેને ફોન પર કહી રહ્યો હતો!

(ક્રમશ:)

રેટ કરો અને રિવ્યુ આપો

Priti Patel

Priti Patel 4 દિવસ પહેલા

Hina Thakkar

Hina Thakkar 4 માસ પહેલા

Disha

Disha 9 માસ પહેલા

Janak  Patel

Janak Patel 1 વર્ષ પહેલા

Ridhima Bhatt

Ridhima Bhatt 2 વર્ષ પહેલા