શિયાળામાં નહિં બારેય મહિના ખાવ ખજૂર upadhyay nilay દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શિયાળામાં નહિં બારેય મહિના ખાવ ખજૂર

શિયાળામાં નહિં બારેય મહિના ખાવ ખજૂર

પેટા...

આયુર્વેદે ખજૂરને સમષીતોષ્ણ એટલેકે ન તો ઉષ્ણ ન તો શીતળ ગણાવ્યો છે : રોજ ચાર-પાંચ પેશી ખજૂર તો અબાલવૃધ્ધ દરેક લોકોએ ખાવો જ જોઇએ

- સૌરાષ્ટ્રમાં વર્ષે એકથી સવા લાખ ટન ખજૂર આયાત થાય છે : મુંબઇ ય પણ આયાતનું પીઠું : ભારતમાં વર્ષે ત્રણથી સાડા ત્રણ લાખ ટન ખજૂર ઉતરે છે !

- નિલય ઉપાધ્યાય

ચોમાસું ચાલે છે અને ઠંડીના દિવસોની આમ તો હજુ ઘણી ય વાર છે. છતાં ય આપણે આજે ઠંડીમાં જ યાદ કરાતા ખજૂરની મસ્ત મજાની વાતો કરવી છે. આપણે ઠંડીમાં જ ખાતા હોઇએ છીએ પણ ખરેખર તો ખજૂર બારેય મહિના ખાઇ શકાય એટલો જ સ્વદિષ્ટ અને આરોગ્યપ્રદ હોય છે. અખાતી દેશોમાં અમૃતફળ ગણાતો ખજૂર ભારતમાં ય હવે તો ખવાય-વપરાય છે. છતાં ચટણી કે ખજૂર પાક સિવાય લોકો હજુ ખજૂરના નિયમિત સેવનથી દૂર છે. ખજૂર સાથે દોસ્તી જેટલી વહેલી થાય એટલી ફાયદામાં છે !

આયુર્વેદે ખજૂરને સમષીતોષ્ણ એટલેકે ન તો ઉષ્ણ ન તો શીતળ ગણાવ્યો છે. ટૂંકમાં ગમેત્યારે ખાઇ શકાય. રોજ ચાર-પાંચ પેશી ખજૂર તો અબાલવૃધ્ધ દરેક લોકોએ ખાવો જ જોઇએ. વધારે ખવાઇ જાય તો ય નુક્સાન નથી. ખજૂર ઉપર એક ગ્લાસ દૂધ ગટગટાવવાનું ય વૈદરાજો કહેતા આવ્યા છે. ખજૂરમાં આરોગ્યપ્રદ તત્વો કુદરતી રીતે જ સમાયેલા છે. પ્રચૂર માત્રામાં પ્રોટીન, મીનરલ્સ અને એ, બી વન-ટુ તથા બીબી જેવા વિટામીન્સ પ્રયોગશાળામાં મળી આવ્યા છે.

ખજૂરનો સૌથી મોટો ગુણ હોય તો તે માંસપેશીઓમાં ટીશ્યૂ બનાવવાનો છે. એટલે જ નાના બાળકો માટે તો ખજૂર અતિ ઉત્તમ છે. શરીરનું ઘડતર એનાથી થાય છે. કોકો, ખાંડ કે કહેવાતા વિટામીન્સ મિશ્રિત દૂધ પાવડરો વાપરવા કરતા ખજૂરમાં કઢેલું ગરમ દૂધ ઘણી વધારે શક્તિ આપે છે. આયુર્વેદના દાક્તરોએ પ્રસૂતાને રોજ ખજૂર ખાવાની સલાહ આપેલી છે. લીવર માટે ખજૂર બૅસ્ટ છે તો મગજ અને શરીરના થાકમાં ય ઘટાડો કરે છે. પચવામાં સાવ હળવો ખજૂર મુત્રના રોગો માં ય અકસીર છે. કીડનીની સફાઇ પણ કરી આપે છે.

દરેક ખાદ્યપદાર્થો અતિ સમયે નકારાત્મક અસર છોડતા હોય છે. ખજૂરમાં એવું કશું નથી. કોઇ આડઅસર આજ સુધી ખજૂરથી થઇ હોય એવું દુનિયામાં ક્યાંય નોંધાયું નથી. આરબ દેશોમાં તો ખજૂર અમૃતથી કમ નથી. દરેક તહેવારમાં લોકો ખજૂરને સ્વીટેસ્ટ મીઠાઇ તરીકે અપનાવે છે. એટલે જ તેઓ કદાવર બાંઘાના હોય છે.

ખજૂરનું મહત્વ આંકીએ તેટલું ઓછું છે. કારણકે ધાર્મિક ગ્રંથો અને આયુર્વેદમાં ઠરે ઠેર તેનો ઉલ્લેખ થયેલો છે. બાઇબલમાં 50 કરતા વધુ વખત ખજૂરનો મહિમા વર્ણવેલો છે અને કુરાનમાં 20થી વધારે વખત ખજૂરનો ઉલ્લેખ મળી આવ્યો છે. ઇસ્લામીક સંસ્કૃતિમાં રમઝાનમાં ઇફતાર પછી ખજૂરનું સેવન પહેલા થાય છે. હિન્દુ સંસ્કૃતિમાં હોળી વખતે ખજૂરનું ધાર્મિક મહાત્મય રહેલું છે.

ભારતમાં ક્યાંય ખજૂર પાકતો નથી. આપણે ત્યાં કચ્છના રણ પ્રદેશમાં લીલી-સૂકી ખારેક થાય છે, એ ખજૂરનું પાયાનું સ્વરુપ છે. પરંતુ અસ્સલ ખજૂર તો આપણે ત્યાં અખાતી દેશોમાંથી જ લાવવામાં આવે છે.

ખજૂર પકવનારા ટોપ ટેન દેશોમાં સૌથી પહેલું ઇજીપ્ત આવે છે. 2011ના આંકડા પ્રમાણે 13 લાખ ટનનું ઉત્પાદન એકલું ઇજીપ્ત કરે છે. સાઉદી અરેબિયામાં 11.22 લાખ ટન, ઇરાનમાં 10.16 તથા દુબઇમાં 9 લાખ ટનનો પાક થાય છે. આ સિવાય અલ્જીરીયા, ઇરાક, પકિસ્તાન, ઓમાન, ટ્યુનીશીયા અને લિબિયા પણ અગ્રેસર છે. દુનિયામાં બધો મળીને 70થી 80 લાખ ટન ખજૂર પાકે છે.

અખાતી દેશોમાં ખજૂરની અલગ અલગ 150થી વધુ જાતો શોધાયેલી છે. ભારતમાં જાયદી, સાહની, મસ્કતી, કબકબ, કીમીયા વગેરે જેવી અતિ પ્રચલિત જાતો જ આવી રહી છે. તમામ જાતોમાં અજવા જાત કિંગ ઓફ ખજૂર કહેવાય છે. ખજૂર આમ તો કિલોએ 50થી 200 રૂપિયામાં મળી જાય. પણ સૌથી મોંઘો ખજૂર અજવા પ્રકારનો ગણાય છે, એનો ભાવ કિલોએ રુ. 1650-1700 જેટલો હોય. સાઉદી અરેબિયાના મદીના મુનવ્વરામાં અજવા ખજૂર પાકે છે. અજવા માટે કહેવાય છેકે, કોઇ વ્યક્તિ સાત સીડ સવારે ખાઇ લે તો એને આખા દિવસમાં ક્યારેય ઝેર ચડતું નથી ! ઘણા લોકો અજવા ખજૂરને સ્વર્ગનું ફળ ગણે છે. અજવા પ્રકારના ખજૂર કાર્બોહાઇડ્રેટ સહિતના તત્વોથી ભરપૂર હોય છે. ઘણા હદયરોગ સામે રક્ષણકર્તા માને છે. એન્ટી એજીંગ અર્થાત વૃધ્ધત્વને પાછળ ઠેલનારો, ઝેર ઉતારનાર, જાતિય નબળાઇ સામે અકસીર, બોન્સ-દાંત માટે પણ શ્રેષ્ઠ મનાયો છે. અજવા ખજૂર અત્યંત સોફ્ટ અને ફ્રુટી હોય છે. ગુજરાતમાં મળવો મુશ્કેલ છે પણ મુંબઇમાં બહુ ઓછાં જથ્થામાં અજવા ખજૂર મળી રહે છે.

ભારતમાં વર્ષે દહાડે ત્રણથી સાડા ત્રણ લાખ ટન ખજૂરની આયાત કરવામાં આવે છે. નવેમ્બર મહિનાથી આયાત શરું થાય એ પછી છેક માર્ચ સુધી ધીરે ધીરે આયાત થતી હોય છે. જાણવા યોગ્ય બાબત એ છેકે સૌરાષ્ટ્ર ખજૂરની આયાતનું મુખ્ય કેન્દ્ર છે. સૌરાષ્ટ્રમાં પોરબંદર, જામનગર, સિક્કા, કંડલા અને મુંદ્રા બંદરે નાના-મોટાં પાયે ખજૂર ઉતરતો હોય છે. સૌરાષ્ટ્રમાં વર્ષે એકથી સવા લાખ ટન ખજૂર આવતો હોવાની આયાતકારોની ધારણા છે. એ સૌરાષ્ટ્ર વિસ્તાર માટે ગૌરવની બાબત ગણવા જેવી ખરી.

સૌરાષ્ટ્રમાં ખજૂરની આયાત કરનારા લોકો પાંચ કે છની સંખ્યામાં જ છે. એ પણ રાજકોટ અને જામનગરમાં જ કેન્દ્રીત છે. એ રીતે દેશભરમાં ખજૂરનો મોટો વેપાર સૌરાષ્ટ્રીઓના હાથ પર છે. રાજકોટના એક આયાતકાર કહે છે, ખજૂરનો ધંધો જુગાર જેવો છે. આયાત કર્યા પછી જો વપરાશ વધે નહિં અને અખાતી દેશમાં ભાવફેર થાય તો લાખોની ખોટમાં ઉતરી જવાય.

સૌરાષ્ટ્રમાં ઉતરેલો ખજૂર મધ્ય-ઉત્તર ભારતમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, હરિયાણા, પંજાબ તરફ જાય છે. પૂર્વ અને દક્ષિણના રાજ્યોમાં મુંબઇગરા ખજૂર સપ્લાય કરે છે. મુંબઇથી ફરી શ્રીલંકા, રશિયા, સીંગાપોર અને મલેશિયા તરફ થોડી નિકાસ પણ થાય છે. સૌરાષ્ટ્રની જેમ મહારાષ્ટ્રમાં મુંબઇ ખજૂરનું કેન્દ્ર ગણાય. ટૂંકમાં મુંબઇ અને સૌરાષ્ટ્ર એક-બે વર્ષ ખજૂરની આયાત બંધ કરી દે તો ખજૂર શોધવા જવો પડે ! મુંબઇમાં વર્ષે બેથી અઢી લાખ ટન ખજૂર ઉતરે છે, ત્યાં આયાતકારોની સંખ્યા ય મોટી છે.

ઇતિહાલમાં ડોકિયું કરીએ તો. ખજૂરનો પાક મીડલ ઇસ્ટ દેશોમાં હજારો વર્ષો પહેલેથી થાય છે. ઇસવીસન પૂર્વે 4000માં ઇરાક અને પછી ઇજિપ્તમાં ખજૂર પાકતો હોવાનું અર્કિયોલોજીસ્ટોએ નોંધ્યુ છે. ઇજિપ્તના લોકો ખજૂરના ઝાડમાંથી નીકળતા રસનો ઉપયોગ વાઇન બનાવવામાં કરતા. પૂર્વ અરેબિયામાં ઇસવીસન પૂર્વે 6000માં પાક થતો. ઇસવીસન પૂર્વે 2600 અને પછી 1900 સુધી હડપ્પન સંસ્કૃતિ વચ્ચે ય ખજૂર થતો હતો. પછી ધીરે ધીરે પશ્ચિમ એશિયા, ઉત્તર આફ્રિકા, સ્પેન અને ઇટાલીમાં ય થતો. અત્યારે તો અમેરિકાના દક્ષિણ ફ્લોરિડા અને મેક્સિકોના સોનોરામાં ય ખજૂર થોડાં પ્રમાણમાં થાય છે. ભારતમાં હવે થતો નથી એટલે આયાત પર નિર્ભર રહેવું પડે છે.

ખજૂર જે ઝાડ પર પાકે છે તેને અંગ્રેજીમાં ડેટ પામ કહે છે. આ ઝાડ ચારથી આઠ વર્ષે મોટું થાય છે અને પછી ફળ આપવાનું શરું કરે છે. સાત કે દસ વર્ષે એમાંથી ખજૂર પ્રચૂર માત્રામાં મળવા લાગે. પુખ્ત ઝાડ હોય તો સિઝનમાં 68થી 170 કિલો ખજૂર પાકી જાય. ડેટ પામના અસંખ્ય ઝાડથી આખું ડેટ પામ જંગલ બની જતું હોય છે. ભારતની મંડીઓમાં જેમ લારીમાં સફરજન, અનાનસ કે કેરી લટકે છે એમ ઇરાન, ઇરાક કે કુવૈતની બજારમાં ખજૂર લટકાવવામાં આવે છે. આ દેશોમાં તો ખજૂર રોજ ખવાય છે.

ખજૂરથી આરોગ્યને લાભ જ લાભ છે છતાં લોકો હજુ બહુ જાગૃત નથી. શિયાળામાં કોઇ કોઇ ઘરોમાં ઘી સાથે ખજૂર ખવાય છે પણ ખરેખર તો રોજીંદા આહારમાં સ્થાન આપવા જેવું છે. ઘણા લોકો ખજૂરને પચવામાં ભારે માને છે પણ એ માન્યતા ખોટી છે.

ખજૂર આમ તો બારેય મહિના હવે મળે છે પણ શિયાળાના દિવસો દરમિયાન સસ્તો અને સુલભ હોય છે. એનું કારણ એ છેકે, અરબી દેશોમાંથી નવરત્રિ બાદ આપણએ ત્યાં આયાત શરુ થઇ જતી હોય છે. આયાત પૂરી થયા પછી આઠ મહિના કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહ થતો હોય છે.

ખજૂરનો આસવ ગ્રહણીના રોગમાં અકસીર છે. આચાર્ય ચરકે ખાંસ અને દમના રોગમાં લીંડી પીપીર, દ્રાક્ષ, મધ-ઘી અને સાકર સાથે લેવાનું કહ્યું છે. જોકે આ તો માત્ર બિમારીઓની વાત થઇ. સ્વાદના શોખીનો માટે હવે બજારમાં મીઠાઇઓમાં પણ ખજૂર વપરાય છે. ખજૂર પૂરી, ખજૂર પાક અને ખજૂરના લાડું પણ મીઠાઇની દુકાનોએ મળે છે. જોકે ઘરે જ આવી મીઠાઇઓ બને તો ફાયદામાં છે.

---