કેરીઓકી upadhyay nilay દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કેરીઓકી

કૅરીઑકી : ઓરકેસ્ટ્રા વિના પણ કમ્માલનું મ્યુઝીક

- જાપાનની ટેકનોલોજી ગણાતા આ રેડીમેઇડ મ્યુઝીકે લોકોને એકઠાં કરીને પરસ્પર સંગીતમય સંબંધથી જોડવાનું પણ બહુ ઉમદા કામ શરૂ કર્યુ છે

- નિલય ઉપાધ્યાય

ભાગદોડભરી જીંદગીમાં સતત બીઝી રહેતા લોકો થોડુંકેય રીલેક્સેસન મળે એટલે શોખનું કામ કરતા હોય. કોઇ મૂવી કે સિરીયલ જોઇને હળવા થાય તો કોક વળી કલા-સાહિત્યમાં ડૂબીને ડ્રોઇંગ કે વાંચન કરીને સમય પસાર કરે છે. બધા શોખમાં સંગીત સર્વોપરી છે. શાસ્ત્રીય હોય કે ફિલ્મી કે પછી વેસ્ટર્ન ભલેને હોય દરેક લોકોને સંગીત સાંભળવાનું પહેલા સૂઝે. સંગીત છેજ સંમોહક. બે-ચાર ગાયનો સાંભળીને લોકો ફરીથી મનથી ફ્રેશ થઇ જતા હોય છે. જોકે આ તો થઇ સાંભળવાની વાત.

ગાયનો ગાવાનો પણ ઘણા શોખ રાખે છે. ભલે માસ્ટરી ન હોય તો કંઇ નહિં. માત્ર નિજાનંદ મેળવવા પણ લોકો મોજમાં ને મોજમાં કંઇક ગણગણતા જ હોય છે. ગાયનો સાંભળવા અને ખાસ તો ગાવા રિલેક્સ થવાનો સરળ માર્ગ છે. ગાવાના શોખિનો માટે મૂળ જાપાને શોધેલી ટેકનોલોજી સોલ્લિડ પૂરવાર થઇ રહી છે. આ ટેકનોલોજી એટલે કૅરીઑકી.

કૅરીઑકી આજકાલ બહુ પોપ્યુલર છે. તબલા, કી બોર્ડ, ઓક્ટાપૅડ, ગીટાર, કોંગો અને ખંજરી વગાડનારા કોઇ જ કલાકારોની હાજરી વિના એક જ વ્યક્તિ હાથમાં માઇક પકડીને ગાયનો ગાતો ઘણી વખત હવે સ્ટેજ, હોટેલ કે મૉલમાં દેખાય છે. વન મેન શૉ હોવા છતાં જો કાબેલ ગાયક હોય તો એમ જ લાગે કે આ તો ગાયનની એમપીથ્રી જ વાગી રહી છે. આ કમાલ છે કૅરીઑકીની.

દસ-પંદર વર્ષ પહેલા કૅરીઑકી શબ્દ વિચિત્ર લાગતો. કોઇને એકલા એકલા ગાતા જોઇને ઘણાય ને આશ્ચર્ય પણ થતું. હવે કૉમન થતું જાય છે. કૅરીઑકીનોઉચ્ચાર આપણે ત્યાં કરાઓકે થાય છે. જાપાનીઝ લેંગ્વેજનું શુધ્ધ ગુજરાતીકરણ ! હકીકતે આ ટેકનોલોજીનું સાચું નામ કૅરીઑકી છે.

જાપાનીઝ ડિક્શનરી પ્રમાણે ‘KARA’ (KARAPPO)એટલે ખાલી. ‘OKE’ (OKESUTURA નું શોર્ટ ફોર્મ). બન્ને શબ્દો ભેગા મળીને એક શબ્દ બનાવાયો છે ‘KARAOKE’.. તેને આપણે કૅરીઑકી કે કરાઓકેથી ઓળખીએ છીએ. કૅરીઑકીનો સીધો અર્થ ખાલી ઓરકેસ્ટ્રા થાય. ઘણા સીંગ એલોંગ ટ્રેકના નામે પણ જાણે છે. સંગીત ક્ષેત્રે કૅરીઑકી ખરેખર ક્રાંતિકારી શોધ સાબિત થઇ છે. 1970ના વર્ષોમાં કૅરીઑકીની ખરી શોધ શરુ થઇ. જાપાનના કાન્સાઇ પ્રાંતના કોબે શહેરમાંથી કૅરીઑકીનો ઉદય થયાનું કહેવાય છે. જોકે કેટલાકના મતે 1960 આસપાસ અમેરિકન ટેલિવિઝનમાં સીંગ એલોંગ ટાઇપના કાર્યક્રમો આવતા. પહેલા ટેકનોલોજી ખૂબ જ પાયાની હતી એટલે ગાયનોના રેકોર્ડીંગમાં વપરાતી. હવે તો અવનવી શોધ સંશોધનો થતા કૅરીઑકી ખૂબ જ આધુનિક બની ગયુ છે.

1970માં જાપાનમાં આવ્યા પછી પૂર્વ અને દક્ષિણ પૂર્વ એશિયામાં કૅરીઑકી ફેલાયું. ક્લૅરીઓન નામની ઓડિયો કંપનીએ પ્રથમ વખત કોમર્શીયલી લોન્ચ કર્યુ. આરંભમાં ઘરઘંટી કરતા ય મોટાં અરે કેટલાક તો લોખંડના નાના કબાટ જેવડા દેખાય એવી સાઇઝના મશીનો આવતા. એમાં બે માઇક આપેલા હોય સાથે ટીવી જોડેલું હોય. ટીવીમાં ગાયનના શબ્દો ડિસ્પ્લે થાય. વાંચીને ગાયન ગાવાનું. જાપાનમાં આરંભના વર્ષોમાં હોટેલ કે રેસ્ટોરામાં કૅરીઑકી પર ફરમાઇશ થતી તો એક ગાયનના 100 યેન (59 રૂપિયા) લેવાતા. 1990માં કૅરીઑકી પૂરા એશિયા પૅસિફિકમાં પ્રસિધ્ધ થઇ ગયેલું. પહેલા કૅરીઑકી બોક્સ ના નામે મળતા. હવે તો ટેકનોલોજીએ બોક્સને બદલે ડીવીડી પ્લેયર જેવડા કૅરીઑકી બનાવી કાઢ્યા છે. એટલું જ નહિં ઘરે ઘરે પોપ્યુલર છે અને લોકો ગાતા પણ થઇ ગયા છે !

ભારતમાં કૅરીઑકીને લોકો ઓળખતા-પારખતા થયા એને દાયકા કરતા વધુ સમય પણ નથી થયો. હવે તો ઘણી કંપનીઓ કૅરીઑકીના સૉફ્ટવેર બનાવે છે. એમાં બે-ચાર હજાર પ્રિરેકોર્ડેડ (ઓફકોર્સ વૉકલ વિનાના) ગીતો ઇન્સ્ટોલ કરેલા હોય. ટીવીમાં કે મ્યુઝીક પ્લેયરમાં લગાડીને બસ ગાયે જાવાનું. હવે તો ઇન્ટરનેટ પર પણ અઢળક વેબસાઇટો એવી છે કે જેમાથી કૅરીઑકીના હિન્દી-અંગ્રેજી સહિતની ભાષાઓના સોંગ મફતમાં ડાઉનલોડ થઇ શકે છે. કૅરીઑકી આજકાલ ખૂબ સરળ થઇ ગયું છે.

પણ...

કૅરીઑકી મળવાથી કામ થઇ જતું નથી. એમાં ગાવું એટલું જ અઘરું છે. કૅરીઑકી ઓરિજીનલ ગીતની રિધમ, ટેમ્પો અને સમય પ્રમાણે રેકોર્ડેડ હોય છે. એના સમયમાં જ ગાયન ગાઇને પૂરું કરવું પડે. અહિં જ પરંપરાગત ઓરકેસ્ટ્રા અને કૅરીઑકીનો ભેદ શરૂ થાય. ઓરકેસ્ટ્રાનો યુગ આપણે ત્યાં આઝાદી મળ્યા પછીના દશકાથી શરૂ થયાનું જાણમાં છે. કૅરીઑકીને બહુ સમય નથી થયો. છતાં થોડાં વર્ષોમાં કૅરીઑકી ઓરકેસ્ટ્રા પર ભારે ચોક્કસ પડવા લાગ્યુ છે. ઓરકેસ્ટ્રામાં ટેમ્પો, રીધમ વગેરે બઘુ વગાડનારાના આધારે ધીમું કે ગતિમાં થઇ શકે એટલે ગાયક તેની રેન્જ પ્રમાણે અવાજ કાઢી શકે. કૅરીઑકીમાં એવું નથી. ટ્રેક મળે તેમાં ઓરિજીનલની જેમ જ ગાવું પડે. પૂરતું લીસનીંગ ન હોય તો ટ્રેક ચૂક્યા એટલે ગાયન હાથમાંથી ગયું સમજો.

સ્કુલ, કોલેજ, મેરેજ કે બર્થડેના ફંકશનોમાં હવે લોકો કૅરીઑકી ટ્રેકની ડિમાન્ડ કરતા થયા છે એટલી પ્રસિધ્ધિ છેલ્લાં પાંચેક વર્ષમાં કૅરીઑકીને મળી છે. કૅરીઑકી ટ્રેક વૉકલ રિમૂવર સૉફ્ટવેરથી મોટાંભાગે બનતા હોય છે પણ એમાં કંપનીના કોપીરાઇટના પ્રશ્નો સર્જાવાની શક્યતા ખરી. કેટલાક લોકો એવા છેકે જે જાતે જ મ્યુઝીક કંપોઝ કરીને આખેઆખા ટ્રેક રચે છે. ખૂબ જ મહેનતનું કામ છે આ. ગીતોમાં આવતું એક એક ઇન્સ્ટ્રુમેન્ટ વગાડવાનું. તેમાં ય પાછો સીંગરનો અવાજ નહિં આવવો જોઇએ.

કૅરીઑકી ટ્રેક પર ગાવાનું અઘરું છે એના કરતા તે બનાવવાનું કામ એથી ય કપરું છે. એક ટ્રેક બનાવતા ઓછાંમાં ઓછાં ચાલીસેક કલાક કે તેનાથી વધુ સમય પણ થઇ જતો હોય છે !

ગાયક બનવા માગતા ગૂડ સીંગર-લીસનરને કૅરીઑકીએ ચોક્કસ ફાયદો કરાવ્યો છે. ઓરકેસ્ટ્રા પર પ્રેક્ટિસ કરવા કી બોર્ડ, તબલા કે પેડ તો જોઇએ જ. વળી નવા નવા ગાયકને આવી પ્રેક્ટિસ કોઇ જાણકાર ઓરકેસ્ટ્રા કેવી રીતે કરાવે ? અત્યારે તો ઓરકેસ્ટ્રાના કલાકારો ય ક્યાં વળી સસ્તાંમાં આવે છે.

કૅરીઑકીમાં એક જ સ્ટેપ આવે. પ્લગ એન્ડ પ્લે... માત્ર નિજાનંદ માટે વપરાતું કૅરીઑકી હવે પ્રોફેશ્નલ ઉપયોગમાં ય આવે છે. મોલ કે મોટાં શોપીંગ સેન્ટરોમાં કંપનીના ડેમો ક્યાંક ને ક્યાંક ચાલતા જ રહે છે. હવે તો હોટેલોમાં ય સસ્તું ભાડું અને સિધ્ધપુરની જાત્રાની માફક બે-ત્રણ કૅરીઑકી સીંગર ટ્રેક પર ગાયનો લલકારતા દેખાય છે. કૅરીઑકી પ્રોગ્રામ કરનારાને ફાયદો એ કે આખેઆખો ઓરકેસ્ટ્રાનો ખર્ચો બચી જાય.

કૅરીઑકી છેલ્લાં પાંચ વર્ષમાં એટલું બધુ પોપ્યુલર થઇ ગયું છે કે હવે તો મ્યુઝીક સિસ્ટમ કે સ્પીકરમાં પણ કૅરીઑકી માટે માઇક પોર્ટ, ઇકો- બાઝ આપવામાં આવે છે. ભૂતકાળમાં લગભગ 1994-95 આસપાસ વીડીયોકોન, બીપીએલ કે ફિલીપ્સના ટુ ઇન વનમાં માઇકનો પોર્ટ આપીને કૅરીઑકી સપોર્ટેડ કે સીંગ અલોંગ એવું લખાતું. એ વખતે બહુ ઓછાંને ગતાગમ પડતી પણ હવે જમાનો બદલાય ગયો છે, લોકો સગવડ માગે છે. હવે લોકોને ઇન્ટરનેટ પરથી પણ ટ્રેક ડાઉનલોડ કરવા હોય તો જોઇએ તેટલી વેબસાઇટો ઉપલબ્ધ છે. લોકો ડાઉનલોડ કરીને મોબાઇલમાં નાંખીને સહેલાઇથી ગાઇ શકે છે. ઘણા લોકો કેરીઓકીને શોખથી ગાય છે તો ઘણા લોકોએ પ્રોફેશ્નલ સ્વરુપ પણ આપી દીધું છે. કેરીઓકી પર પ્રોગ્રામો કરીને કમાણી કરનારા રાજકોટમાં ઘણા ય છે. બીજા શહેરોમાં ય ઠેર ઠેર આવા ગાયકો મળી આવશે. મુંબઇ, ગોવા, અમદાવાદ, પૂના, વડોદરા અને સુરત જેવા શહેરોમાં કેરીઓકી શો ચાલ્યા કરતા હોય છે.

---------