શું છે લા નીના અને અલનીનો upadhyay nilay દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શું છે લા નીના અને અલનીનો

લા નીનાની અસરે ભારતમાં સારાં ચોમાસાની આગાહી

શું છે લા નીના અને અલનીનો ?

પેટા...

પ્રશાંત મહાસાગરની સપાટી આ વર્ષે ઠંડી પડવાની સંભાવના વધારે છે, આ સ્થિતિને લા નીના તરીકે ઓળખવામાં આવે છે : આવા વર્ષોમાં વરસાદ સામાન્ય કરતા વધારે પડતો હોય છે

- નિલય ઉપાધ્યાય

સળંગ બે ચોમાસાંમાં વરસાદ ખૂબ ઓછો પડયો છે. ભારત જેવા દેશમાં ઓછાં વરસાદનું પરિણામ શું આવે એ આપણે અનુભવી રહ્યા છીએ. પીવાના પાણીની સમસ્યા હવે ઠેર ઠેર છે. ખેતી માટે પાણી અપાતું નથી. કારણ ડેમો તળિયા ઝાટક થઇ ગયા છે. આવશ્યક ચીજવસ્તુઓના ભાવ ઉંચકાતા જાય છે. ગામડાં-શહેરીજનોની ખરીદશક્તિ ઘટી છે અને એની અસર દેશના ઉત્પાદકિય ક્ષેત્ર પર પડી છે. અર્થતંત્રનો વિકાસ શિથિલ થઇ ચૂક્યો છે. જળ એ જ જીવન એ ઉક્તિ હવે સાર્થક લાગે છે. જળને લીધે સર્જાયેલી સમસ્યા હવે જળ જ દૂર કરી આપે એવી શક્યતાઓ વધી છે. જૂનમાં બેસી ચૂકેલું ચોમાસું સારું નીવડશે એવી આગાહીઓ થતાં ખેડૂતો જ નહીં લોકો અને સરકારના હૈયા તરબતર બન્યા છે. જોકે જુલાઇ પૂરો થવા આવ્યો છે પણ વરસાદ ઓછો છે. આ વખતે લા નીનાની અસરથી વરસાદ વધશે એવું કહેનારા હવામાન શાસ્ત્રીઓની બોલતી બંધ થઇ ગઇ છે. આપણે એ વાતોમાં નથી પડવું આપણે તો આ લા નીના કે અત્યાર સુધી સંભળાતો અલ નીનો છે શું એ જાણવું છે.

બે વરસથી આપણે અલ નીનો એવો શબ્દ સાંભળતા આવ્યા છીએ. અલ નીનોનું પરિબળ વરસાદ થવા દેતું નથી. આ વખતે આ શબ્દ ઓછો અને લા નીના એ શબ્દ વધુ સાંભળવા મળી શકે છે. એમ કહીએ કે 2016માં અલ નીનોની અસર ક્ષીણ થઇ જશે અને લા નીના સક્રિય થશે. ખેડૂતો અને લોકોને આવા શબ્દોમાં બહુ ઓછો રસ હોય છે. એને તો બસ ખેતી માટે સારો વરસાદ થાય એટલી જ મંછા હોય છે. ખેડૂતો માટે તો એટલું જ કહેવાનું કે અલ નીનો એટલે નબળું ચોમાસું અને લા નીના એટલે અધિક વરસાદ.

અલ નીનો અને લા નીના ખરેખર શું છે ?

પૃથ્વીના વિષુવવૃત પાસે આવેલા પ્રશાંત મહાસાગરમાં સર્જાતી હવામાનની બે તદૃન વિરોધાભાસી પેટર્નને અલ નીનો અને લા નીના તરીકે ઓળખવામાં આવે છે. સાદી ભાષામાં અલ નીનો ઓછો વરસાદ કે દુષ્કાળ સર્જે છે. લીલો દુષ્કાળ લા નીના સર્જે છે. ક્યાંક પૂર તો ક્યાંક સામાન્ય કરતા ઘણો સારો વરસાદ આ પેટર્ન લાવતી હોય છે. ટૂંકમાં પૃથ્વી પર આવેલા સમુદ્રની સપાટી એક તરફ અત્યંત ગરમ થઇ જાય છે અને એક તરફ ઠંડી પડી જાય છે. બન્ને એકબીજાથી જુદી કામગીરી કરે છે.

વૈજ્ઞાનિક દ્રષ્ટિએ અલ નીનોની સ્થિતિ ઊગજઘ (અલ નીનો સાઉથર્ન ઓસીલેશન- લોલકની માફક બદલાતું હવામાન) સાયકલને લીધે ઉદૃભવે છે. વિષુવવૃતિય રેખા આસપાસ મધ્ય-પૂર્વના સમુદ્રમાં (લગભગ આંતરરાષ્ટ્રીય ડેટ લાઇન અને 120 ડિગ્રી પશ્ચિમે) અને બહારના વાતાવરણમાં ભારે મોટાં ફેરફારો ઊગજઘ સાયકલ ચાલુ હોય ત્યારે આવ્યા કરતા હોય છે. ઊગજઘનો ઠંડોગાર તબક્કો ઘણી વખત લા નીનામાં પરિવર્તન પામે છે. અલનીનો ગરમ તબક્કો ગણાય છે. ઊગજઘને આધારે જ વૈશ્વિક સ્તરે હવામાન અને આબોહવા નક્કી થતી હોય છે. હવામાન શાસ્ત્રીઓ કહે છેકે, અલ નીનો અને લા નીના નવથી બાર મહિનાની પેટર્ન હોય છે. જોકે ઘણી વખત તેનો ગાળો લાંબો થઇ જાય છે. જોકે ઘણી વખત આ પેટર્ન વારંવાર સર્જાય છે. થોડાં સમયથી સરેરાશ બેથી સાત વર્ષ સુધી અલ નીનો અને લા નીના પેટર્ન જોવા મળે છે. ખાસ તો ગ્લોબલ વોર્મીંગને લીધે અલ નીનોનો સમયગાળો વધી રહ્યો છે. હવે દર બે કે ત્રણ વર્ષે અલ નીનો સર્જાય છે.

અલ નીનોનો અર્થ સ્પેનીશ ભાષામાં નાનકડો છોકરો એવો થાય. અલ નીનોની ઓળખ ઇસવીસન પૂર્વે 1600માં એક ફિશરમેને (માછીમારે)દક્ષિણ અમેરિકાના સાગરતટમાં કરી હતી. પ્રશાંત મહાસાગરમાં સામાન્ય કરતા ઉંચુ તાપમાન એ વખતે નોંધવામાં આવ્યું હતુ. ફિશરમેને સમુદ્રનું આવું વાતાવરણ ડિસેમ્બર મહિનામાં ખોળ્યું હતુ. સામાન્ય રીતે એ વખતે ઠંડીની સિઝન ચાલુ હોય છે.

લા નીના એટલે સ્પેનીશ ભાષામાં નાનકડી છોકરી. તેને અલ વીજો, એન્ટી અલ નીનો કે કોલ્ડ ઇવેન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. વિષુયવૃત્તથી તદૃન નજીક પૂર્વ અને મધ્ય પ્રશાંત મહાસાગરમાં સામાન્ય રીતે હોવું જોઇએ તેનાથી નીચું તાપમાન લા નીના સર્જે છે. લા નીનાના વર્ષો દરમિયાન શિયાળાનું હવામાન સામાન્ય કરતા સહેજ ગરમ હોય છે.

પ્રશાંત મહાસાગરમાંના પશ્ચિમી ભાગ પર ગરમ વાતાવરણ સર્જાય અને પછી તે પૂર્વ તરફ ગતિ કરે અને દક્ષિણ અમેરિકાના સમગ્ર સાગરતટ પર છવાવા લાગે ત્યારથી અલનીનોની સાયકલ શરૂ થતી હોય છે. સામાન્ય રીતે ગરમ પાણી ઇન્ડોનેશિયા અને ફિલિપીન્સ તરફ ફંટાય છે. અલનીનો દરમિયાન દક્ષિણ અમેરિકાના ઉત્તર-પશ્ચિમના ઓફશોર ભાગમાં પણ પ્રશાંત મહાસાગરની સપાટી અત્યંત ગરમ બની જાય છે. આમ બન્ને સમુદ્રમાં ગરમી વધે અને તે પૂર્વ તરફ ફંટાય ત્યારે સત્તાવાર અલ નીનો જાહેર થાય છે. અલ નીનો સમયે પવનની ગતિ નબળી પડે છે અને ઉલ્ટી થવા લાગે છે. 2015માં અલનીનોની પેટર્ન ઘણી મજબૂત રહી હતી એટલે જ વિશ્વના ઘણા ભાગોમાં પાણીની અછત સર્જાઇ હતી.

અલ નીનો શા માટે સર્જાય છે એના વિષે તો વૈજ્ઞાનિકો પણ કોઇ સચોટ તારણ પર આવી શક્યા નથી. કારણકે દરેક વખતે અલ નીનો સરખાં નથી હોતા કે હવામાન અને સમુદ્ર એક સરખી રીતે વર્તતો જોવા મળતો નથી. દરેક વખતે અલ નીનો કે લા નીનાની આગાહી કરવી પણ મુશ્કેલ બની જતી હોય છે કારણકે હવામાન અને સમુદ્રનું વર્તન ફેરફાર પામતું રહે છે. છતાં અલ નીનો માટે એવી ગણતરી ધ્યાને લેવામાં આવે છે કે જેમાં વૈજ્ઞાનિકો દરિયાની સપાટીથી 200 મીટર ઉપરનું તાપમાન ધ્યાને રાખે છે. પ્રશાંત મહાસાગરના પશ્ચિમ છેડેથી પૂર્વ તરફ વહેતા પવનો અને તાપમાનને આધારે અલ નીનો નક્કી થાય છે. દાખલા તરીકે 2014ની વસંત ઋતુ દરમિયાન પ્રશાંત મહાસાગરમાં પાણીની સપાટી અત્યંત ગરમ થઇ ગયેલી. તેને કેલ્વીન વેવની સ્થિતિ તરીકે ઓળખવામાં આવે છે. એ વખતે અત્યંત શક્તિશાળી અલ નીનોની આગાહી થઇ ગઇ હતી પરંતુ પછી આપોઆપ જ સ્થિતિ અત્યંત સામાન્ય થઇ ગઇ ને વરસાદ પણ સારો પડેલો. અલ નીનો પેટર્ન ઘણી વખત ગંભીર અસરો છોડતી જાય છે. 1982-83માં તેની અસરથી 10 અબજ અમેરિકી ડોલરનુ નુક્સાન વિશ્વભરને થયું હતુ. એ વખતે અલ નીનોની અસર સૌથી સખત હતી.

ચોમાસા માટે લા નીનાની વાત કરીએ તો 1900ના વર્ષ પછી સર્જાયેલી 26 જેટલી લા નીના પેટર્નના અભ્યાસ પછી વૈજ્ઞાનિકો કહે છે, 50 ટકા સિઝનમાં સામાન્ય વરસાદ થયો હતો. બાકીની સિઝનમાં થોડો વધારે વરસાદ નોંધવામાં આવ્યો હતો. અગાઉ લા નીના 2010થી 2012માં જોવા મળી હતી. ભારતમાં જૂન દરમિયાન અલ નીનોની અસર હળવી થતી જોવા મળે એવી આગાહી છે. જોકે વર્તમાન સમયે ખાનગી આગાહીકારોએ એવું જણાવ્યું છે. મોસમ વિભાગ એપ્રિલ માસના અંત ભાગમાં સત્તાવાર આગાહીની જાહેરાત કરશે એટલે આ વખતે ચોમાસા દરમિયાન લા નીના જોવા મળે છેકે કેમ તેનો સાચો અંદાજ આવી શકશે.

આ વખતે લા નીનાની સ્થિતિ ઉદૃભવે એવી શક્યતા 50 ટકા જેટલી હોવાનું તાજી આગાહીઓમાં બહાર આવ્યું છે. જૂનમાં પ્રશાંત મહાસાગર ઠંડો પડવા લાગે એવી શક્યતા ઓસ્ટ્રેલિયન હવામાન ખાતાએ વ્યક્ત કરી છે. હવામાન માપવાના આઠમાંથી પાંચ મોડેલ્સમાં લા નીનાનો તબક્કો આવશે એવું જોવા મળ્યું છે. ઓસ્ટ્રેલિયામાં વસંત ઋતુ અર્થાત પ્રીંગ સિઝનમાં લા નીના સર્જાય એવા ચિહનો મળી રહ્યા છે. ત્યાં સપ્ટેમ્બરમાં પ્રીંગ સિઝન હોય છે એટલે 2016નું વર્ષ અલ નીનોને સ્થાને લા નીનાનું હશે એમ સૌ કોઇ માનવા લાગ્યું છે.

લા નીનાના વર્ષમાં એશિયામાં વાવાઝોડાં વધારે આવતા હોય છે. પ્રશાંત મહાસાગરના પશ્ચિમી ભાગમાં તોફાનો વધારે સર્જાય છે. ચીનમાં તેનો ભય વધારે રહેશે. 2008માં લા નીનાને લીધે મલેશિયા, ફિલીપાઇન્સ અને ઇન્ડોનેશિયા જેવા દેશોમાં અતિ ભારે વરસાદ થયો હતો. કારણકે એ વખતે દરિયાની સપાટીનું તાપમાન 2 ડિગ્રી સેલ્સિયસ કરતા પણ વધારે ઘટી ગયું હતુ.

પ્રશાંત મહાસાગર હવે ઠંડો પડવા લાગે એવી સંભાવના વધી રહી છે એટલે જ ચોમાસાની આગાહી કરનારાઓ સારાં ચોમાસા માટે આશાવાદી બન્યા છે. જપાનથી અમેરિકા અને ઇન્ડોનેશિયાના આગાહીકારોએ આ વર્ષે લા નીનાની ઉદૃભવશે એવી સંભાવના વ્યક્ત કરી છે. ઓસ્ટ્રેલિયાનું હવામાન ખાતું કહે છે, 2016ના મધ્યભાગમાં અલ નીનોની અસર હળવી થવા લાગશે અને એ પછી લા નીના જોવા મળી શકે છે. 1997-98 પછી ભારતમાં સૌથી ઓછો વરસાદ 2015માં અલ નીનોના કારણે પડ્યો હતો. આ વખતે હવે જોઇએ શું થાય છે.

****

બોક્સ . . . .

ભારતમાં કેરળ અને મદ્રાસથી ચોમાસાંનો આરંભ થાય છે

બ્રિટીશ ઇન્ડિયા અર્થાત ભારત, બાંગ્લાદેશ અને પકિસ્તાનમાં ચોમાસાનો વરસાદ બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાંથી આવે છે. વરસાદની સિસ્ટમ દક્ષિણ ભારતથી પશ્ચિમ તરફ ગતિ કરતી હોય છે. તેને આપણે સાઉથ વેસ્ટ મોનસુન કહીએ છીએ. એ વખતે વાતા પવનોને નૈઋત્યના પવનો તરીકે ઓળખવામાં આવે છે. જૂનથી સપ્ટેમ્બર મહિના સુધી સત્તાવાર ચોમાસું ગણાય છે. ચોમાસાનો આરંભ કેરળથી થાય. કેરળમાં વરસાદ પડે એટલે ચોમાસું બેસી ગયું ગણાય છે. બંગાળની ખાડીમાંથી શરું થતી ચોમાસાની સિસ્ટમ ઉત્તર અને પૂર્વ ભારતમાં વરસાદ લાવે છે. વરસાદની શરૂઆત મદ્રાસ ખાતેથી થાય છે.

ભારતમાં ચોમાસા દરમિયાન જ 80 ટકા જેટલો વરસાદ પડતો હોવાથી કૃષિ ક્ષેત્ર માટે તે ખૂબ જ મહત્વનું સાબિત થાય છે. મોટાંભાગના ખરીફ પાકો જૂનના આરંભે વવાય જાય છે એટલે સમયસર વરસાદ પડે તો ભારતીય અર્થતંત્ર દોડવા લાગે છે. કારણકે ભારતીય અર્થતંત્રમાં ઉદ્યોગોનું વજન ભલે વધવા માંડ્યું હોય પણ ખેતી અને ગામડાં નબળા પડે એટલે બધા જ ક્ષેત્રોને અસર થયા વિના રહેતી નથી.

----