તરસ લાગી છે પાણીની બોટલ ખરીદી લો upadhyay nilay દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

તરસ લાગી છે પાણીની બોટલ ખરીદી લો

તરસ લાગી છે ? પાણીની બોટલ ખરીદી લો.

વિચારો, આજથી પાંચ કે દસ વર્ષ પહેલા આપણે બહારગામ જતા હોઇએ તો પાણીની બોટલ સાથે લઇને જતા હતા. હવે જઇએ છીએ ? સ્ટેશને કે રસ્તામાંથી લઇ લઇશું, હવે બધું મળે છે. ઘરે પીવાનું પાણી સરકાર ભલે પહોંચાડે પણ હવે અસંખ્ય ઘરો એવા છેકે જે પાણીની 25-30 લીટરની બોટલો મંગાવતા થઇ ચૂક્યાં છે. શું છે એનું રહસ્ય ?

- નિલય ઉપાધ્યાય

હાલમાં જ એક અહેવાલ આવ્યો હતો. સોફ્ટડ્રીંકની બજાર દિવસે ન વધે એટલી રાત્રે વધી રહી છે. સોફ્ટ ડ્રીંકમાં ય એનર્જી ડ્રીંક પીવાનો જાણે ટ્રેન્ડ થઇ ગયો છે. કાર્બનિક પીણા હવે આરોગ્યની થોડા અંશે વધતી જતી જાગૃતિથી ઓછાં પીવાય છે એટલું સારું છે. એનર્જી ડ્રીંક કે કાર્બનિક પીણા કરતાંય મોટું બજાર પેક બોટલમાં વેચાતા પાણીએ સર કરી લીધું છે ! આ વાત પાણી જેટલી ચોખ્ખી અને સ્પષ્ટ છે. એક તાજા સંશોધનમાં બહાર આવ્યું છેકે, પેકેજ્ડ વોટરની માર્કેટ 25 ટકાના દરે વધતી જાય છે. સોડા કે સોફ્ટડ્રીંક કરતા પેકેજ્ડ વોટરનો વૃધ્ધિદર બમણો અથવા વધારે છે.

વિચારો, આજથી પાંચ કે દસ વર્ષ પહેલા આપણે બહારગામ જતા હોઇએ તો પાણીની બોટલ સાથે લઇને જતા હતા. હવે જઇએ છીએ ? સ્ટેશને કે રસ્તામાંથી લઇ લઇશું, હવે બધું મળે છે. આ સંવાદ સામાન્ય થઇ ગયો છે. એવી જ રીતે ઘરે પીવાનું પાણી સરકાર ભલે પહોંચાડે પણ હવે અસંખ્ય ઘરો એવા છેકે જે પાણીની 25-30 લીટરની બોટલો મંગાવતા થઇ ચૂક્યાં છે. પેકેજ્ડ બોટલની બજાર બિનસંગઠિત છે એટલે બ્રાન્ડેડ અને અનબ્રાન્ડેડ એમ બે ફાટા પડી ચૂક્યાં છે. આપણે તો અહીં બ્રાન્ડેડ પેકેજ્ડ વોટરની વાત કરીએ છીએ પણ બિનસંગઠિત ક્ષેત્રે તો પીવાના પાણીનો બહુ જ મોટો વેપલો ચાલે છે. મીનરલ કે બોટલ્ડ સિવાયના પાણી શુધ્ધ ન હોઇ શકે એવું આપણે હવે મક્કમતાપૂર્વક માનતા થઇ ગયા છીએ. અમેરિકામાં આ વર્ષે પ્રથમ વખત એવું બન્યું છેકે, બોટલ્ડ વોટરનું વેચાણ કોલ્ડ્રીંક્સ કરતા વધારે રહ્યું છે. અમેરિકામાં પેપ્સિકોએ પીવાનું પાણી ખૂબ વેંચ્યું છે. આ જ કંપનીના કોલ્ડ્રીંક્સના વેચાણ ઘટ્યા છે. ભારતમાં ય આ ટ્રેન્ડ શરું થયો છે.

ખાંડ અને કાર્બનના અતિશયોક્તિભર્યા પ્રમાણને લીધેહવે સોફ્ટ કે કોલ્ડ્રીંક્સનો વ્યાપ ન દેખાય એવા દરથી ઘટતો જાય છે, આરોગ્યને નુક્સાન થતું હોવાની નકારાત્મક પબ્લિસીટી કોલાને મળી છે એમ સંશોધક સંસ્થા યુરો મોનીટર ઇન્ડિયાનું કહેવાનું થાય છે. ભારતીયો પણ હવે પોતાના ડાયેટમાં પોષક ચીજોને ઉમેરવા લાગ્યા છે. લોકો બોટલ્ડ પાણી ખૂબ પીવે છે. હવે તો બ્રાન્ડની સાથે એમાં ય ડુપ્લીકેશન અને બોગસ માલ પધરાવવાનું દુષણ ફૂલ્યું ફાલ્યું છે. છતાં ય કંપનીઓનું ય ગાડું દોડે છે અને ડુપ્લીકેટ બનાવનારા ય ચાલ્યે જાય છે.

ભારતમાં બિસલેરી, પેપ્સિકોની એક્વાફિના અને કોકા કોલાની કિનલે ધૂમ ચાલે છે. કોકા કોલા આંતરરાષ્ટ્રીય સ્તરે બોન એક્વા નામક બ્રાન્ડ ચલાવે છે. હવે ભારતમાં ય મૂકી છે. પાણી તો ચોખ્ખું જ પીવું એની જાગૃતિ વધી છે પરંતુ એની સાથે નળ વાટે ઘરે ઘરે આવતું પાણી પીવાલાયક નથી એવી છાપ લોકોના મગજમાં ઘર કરી ગઇ છે. લોકો કોર્પોરેશનના પાણીને અછૂત જેવું માનવા લાગ્યા છે. લોકો ઘરે આર.ઓ. ફીટ કરાવીને પાણીમાં અશુધ્ધિઓ છે એવું માપીને બીજા ને ય ઠસાવતા થઇ ગયા છે. કહેવાનું એટલું કે મીનરલ કે બોટલ્ડ કંપનીઓ પર ભરોસો બેસી ગયો છે. બિસલેરીની વાત કરીએ તો વાર્ષિક વેચાણ વૃધ્ધિદર 30 ટકા છે ! બિગ બજાર ચલાવતા ફ્યુચર ગ્રુપનું તો એવું કહેવાનું થાય છેકે, દેશણાં બધા જ બેવરેજ કેટેગરીના પીણા કે જેમાં પાણી, જ્યૂસ અને કાર્બોનેટેડ પીણા આવી જાય તેનું વેચાણ વ્યક્તિદીઠ તો હજુ ઘણું ઓછું છે. એ કારણે હજુ બજાર તો બહુ મોટી થશે.

યુરો મોનીટરના સર્વે પ્રમાણે 2015માં બોટલ્ડ વોટરનું વેચાણ 5.6 અબજ લીટર હતુ. 2016માં તે 6.8 અબજ લીટર થશે. જ્યારે કાર્બોનેટ પીણાનું 4.6 અબજ લીટર હતુ તે વધીને 5 અબજ લીટર સુધી પહોંચશે.

ભારતમાં તો પાણીના વેપારમાં ડિસ્કાઉન્ટ પણ મોટાં ચાલે છે. કંપની જે ભાવે બનાવીને હોલસેલરને આપે છે એના કરતા તો છૂટક ગ્રાહક પાસે અનેક ગણા વધારે ભાવ તોડવામાં આવે છે. બે કે ત્રણ રુપિયામાં બની જતું પાણી આપણને પંદર કે વીસ રુપિયે મળે છે. એમાં ય મલ્ટીપ્લેક્સ કે એવી બધી ખાસ જગ્યાઓ પર તો પાણી માટે ય તમારે ખિસ્સા ખોલી નાંખવા પડે !

ભારતમાં બોટલ્ડ વોટરની બજારનો ઇતિહાસ તપાસીએ તો 2013માં 60 અબજ રૂપિયાનું કદ હતુ. એ આવતા વર્ષમાં વધીને 160 અબજ રુપિયાનું થઇ જવાનો અંદાજ છે. ટર્નઓવરની રીતે કોલ્ડ્રીંક્સ કરતા આંકડો નાનો છે પરંતુ વૃધ્ધિદર ખૂબ મોટો છે. 2018 સુધીમાં બોટલ્ડ વોટરનો વેચાણવૃધ્ધિ દર 22 ટકાનો રહેવાનો છે. બોટલ્ડ વોટરમાં ચાર પ્રકારની કેટેગરી છે. નેચરલ મીનરલ વોટર, પ્રીંગ વોટર, પ્રિમીયમ નેચરલ મીનરલ વોટર અને પેકેજ્ડ ડ્રીંકીંગ વોટર. છેલ્લાં પ્રકારનું પાણી 85 ટકા જેટલું ટર્નઓવર ધરાવે છે. બાકીના બધા 15 ટકામાં આવી જાય.

ફ્યૂચર ઓફ ગ્લોબલ પેકેજીંગ ઇન 2020 નાના એક અહેવાલમાં એવું ટાંકવામાં આવ્યું છેકે, દુનિયામાં બોટલ્ડ વોટરનો વેપલો 2015માં 840 અબજ ડોલરનો હતો તે 2020માં 998 અબજ ડોલરનો થઇ જવાનો છે. બોટલ્ડ વોટરને કારણે કઠણ પ્લાસ્ટીકની માગ પણ જોરદાર વધી છે ! પ્લાસ્ટીકની બોટલો, રેપર અને તેના પ્રિન્ટીંગ કરનારાઓના ધંધા પણ જામી ગયા છે. હવે તો પ્લાસ્ટીક ક્ષેત્રએ સંશોધનો થયા છે અને નવા ટ્રેન્ડ આવી રહ્યા છે. પાણી ભરવાનું હોય એ પ્લાસ્ટીક લોકોના આરોગ્યને નુક્સાન ન કરે એ માટે ખાસ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં કોકા કોલાએ પહેલ કરી છે. કોકા કોલા બાયોપ્લાસ્ટીક પ્લાન્ટ બોટલ આપશે. બીજી કંપનીઓ પણ એ રસ્તે હવે વળતી જશે. ભારતમાં ઇકો પ્લાસ્ટીક ક્યારે આવશે એ હજુ નક્કી નહીં !

ચીનનો નંબર બોટલ્ડ વોટરમાં પ્રથમ આવે છે. બે દાયકાથી ઉત્પાદન અને વપરાશમાં ચીન અગ્રેસર છે. ચીન 2020 સુધીમાં 50 લાખ ક્યુબિક મીટર બોટલ વોટર ઉત્પાદન ક્ષમતા સર્જવાનું લક્ષ્ય રાખે છે. 2012માં ચીનમાં 2014માં તિબેટે 1,53,000 ક્યુબીક મીટર પાણી ઉત્પાદન કર્યુ હતુ. તિબેટ અને ચીનમાં હિમાલયના પીગળતા ગ્લેશીયરનું પાણી આવે છે તેમાંથી ઉત્પાદન કરવામાં આવે છે. ચીનમાં ક્યુન્ઘાઇ અને તિબેટની પ્લેટાઉ નદીમાંથી ઘણું પાણી ઉલેચાયું છે. ત્યાં એ કારણે જ આ ઉદ્યોગ વિકસી ચૂક્યો છે. એ સામે પર્યાવરણ ખાતાએ જોખમ હોવાની પણ ચેતવણી આપી છે. દુનિયામાં બોટલ્ડ વોટરનો વપરાશ 74.70 અબજ ગેલન જેટલો 2014માં હતો. હવે તો અનેકગણો વધી ગયો છે, વધી રહ્યો છે. આવનારા દિવસોમાં આપણે ત્યાં પણ માટલાં તો હશે પણ એમાં પાણી મીનરલ કે ફિલ્ટર કરેલું હશે. ભવિષ્યમાં તો માટલાં ય નીકળી જશે અને બોટલ્ડ વોટર સીધું જ ફ્રીજમાં અને બાદમાં પેટમાં પધરાવવામાં આવશે.

----

દુનિયાની ટોચની કંપનીઓ

કંપનીનું નામ (બ્રાન્ડ)વેચાણની આવક

1. નેસ્લે વોટર્સ (પ્યોર લાઇફ, એક્વા પન્ના, ડીયર પાર્ક)લાખ ડોલર

2. હેંગઝોઉ વાહાહા ગ્રુપ50,740 લાખ ડોલર

3. ડેનવન(બોનાફોન્ટ, એક્વા, ઇવીયન)લાખ ડોલર

4. કોકા કોલા કંપની (દસાની, સીલ, કિન્લે)લાખ ડોલર

5. નોંગફુ પ્રીંગ કંપની22,177 લાખ ડોલર

6. ટીનજી હોલ્ડીંગ કોર્પો.લાખ ડોલર

7. પેપ્સિકો (એક્વાફિના)લાખ ડોલર

8. ચાઇના રિસોર્સીસ બેવરેજ લી.લાખ ડોલર

9. ફીજી વોટર2,500 લાખ ડોલર

10. બિસલેરી ઇન્ટરનેશનલ946 લાખ ડોલર

------

રોકીઝ પર્વતમાળાની શુધ્ધ

હવા પણ બોટલમાં મળે છે !

કેનેડીયન મૂળની વીટાલીટી એર નામની એક કંપની કેનેડાના એડમન્ટનમાં 2014માં ખૂલી છે. આ કંપની રોકીઝની પર્વતમાળાની તાજી હવા બોટલમાં પેક કરીને વેંચે છે !! ચીનમાં પ્રદૂષણ અને વસ્તીવધારો જોતા હવે ત્યાં પણ આવી સ્થિતિ સર્જાશે. તાજી હવા બોટલમાં પેક કરીને વેંચવા માટે અનેક કંપનીઓ લાગી ગઇ છે. ચીનમાં બિઝનેસ પણ મળવા લાગ્યો છે. હવાની બોટલો મોંઘી છે પણ વેંચાય છે. 2016ના આરંભનો ભાવ ઉપલબ્ધ છે એ પ્રમાણે રોકીઝ પર્વતમાળાની હવા શ્વાસમાં ભરવી હોય તો 15.4 ડોલરમાં ત્યાં પડે. અહીં તો આ બોટલ બહુ જૂજ આવે છે. ભારત અને અમેરિકા કરતા ચીનમાં વધારે મોકલાય છે, વેચાય પણ છે. ભારતમાં એક બે શીપમેન્ટ આવ્યા હતા તે તેની કિંમત રૂ. 1900 રૂપિયા (પ્રતિ સાડાસાત લીટર)થઇ હતી. કંપનીએ બોટલમાં હવા વેંચવાનું શરું કર્યુ ત્યારે લોકોમાં હાસ્યાસ્પદ પણ બની હતી.

----