નગર - 17 Praveen Pithadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નગર - 17

નગર-૧૭

( આગળનાં પ્રકરણમાં આપણે વાંચ્યુઃ- ઇશાનને એક પછી એક સરપ્રાઇઝ મળે છે. એલીઝાબેથને વિભૂતીનગરમાં તેના ઘરે આવેલી જોઇને તે ડઘાઇ જાય છે. ત્યારબાદ તેઓ પ્રણયના ઉંફાણમાં તણાય છે. એ તોફાન ઓસર્યા બાદ.....)

“ મને ભયાનક સ્વપ્નાઓ આવે છે ઇશાન....” એલીઝાબેથે ઇશાનની છાતી ઉપર માથુ ઢાળ્યું હતું. તે એ સ્વપ્નાઓ વિશે વિચારતા પણ ડર અનુભવતી હતી. તેણે ઇશાન સમક્ષ એ સ્વપ્નાઓનું વર્ણન કર્યું. ઇશાનને તેમાં કંઇ નવાઇ લાગી નહી. રાતનાં ઘણી વખત એવા સ્વપ્નાઓ કયારેક ને કયારેક બધાને સતાવતા જ હોય છે તેમાં આશ્ચર્ય પામવા જેવું કંઇ હોતું નથી. આ એક માનવ-સહજ પ્રક્રિયા છે જેના ઉપર કોઇનાંથી કંન્ટ્રોલ થઇ શકતો નથી.

ઇશાન એલીઝાબેથની બાલીશતા ઉપર હસી નાંખવા માંગતો હતો. તેણે એવું કર્યુ પણ હોત...પરંતુ એકાએક તે ઠરી ગયો. હમણાં થોડીવાર પહેલાંજ કોમ્યુનીટી હોલના પરીસરમાં જે ભયાવહ દ્રશ્ય તેણે પોતાની સગ્ગી આંખોએ નીહાળ્યુ હતું એને તે ઝુઠલાવી શકે તેમ નહોતો. કયાંક ને કયાંક એ દ્રશ્ય સાથે એલીઝાબેથનાં સ્વપ્નાઓનું અનુસંધાન જોડાતું હોય એવું તેને લાગ્યું. પણ એવું કેમ બને....? પોતાનાંજ વિચારોમાં તે ગુંચવાઇ ઉઠયો. અચાનક તેને બધું વિચિત્ર લાગવા માંડયુ....વિચિત્ર અને રહસ્યમય. એલીઝાબેથને ભલે તેણે કોઇ જવાબ આપ્યો ન હોય પરંતુ તે પોતેજ એ રહસ્યમયી ઘટનાઓનો જવાબ શોધવા મથી રહયો હતો. એકાએક તેનાં મનમાં એક વિચાર ઉદ્દભવ્યો, “ “ યસ્સ.....રોશન પટેલ આ બાબતમાં જરૂર કંઇક રોશની પાડી શકશે....”” મનમાં જ તે બોલ્યો. આમપણ સવારે તે તેને મળવા હોસ્પિટલે જવાનું મન બનાવી ચુકયો હતો.

હળવે રહીને તેણે એલીઝાબેથને પોતાના ઉપરથી હટાવા અને પલંગ નીચે ઉતર્યો.

“ તું કપડા પહેરી લે. આપણે બહાર ટાઉનમાં એક લટાર મારી આવીએ......” તે બોલ્યો અને તેણે પણ કપડા પહેર્યા. થોડીવારમાં બંને તૈયાર થઇને નીચે ઉતર્યા.

@@@@@@@@@@@@@@

નગર ટ્રસ્ટની હોસ્પિટલના કંમ્પાઉન્ડમાં ઇશાને “ સ્વીફ્ટ ” ઉભી રાખી અને દરવાજો ખોલી નીચે ઉતર્યો. બીજી તરફથી એલીઝાબેથ ઉતરી. હોસ્પિટલનું બિલ્ડિંગ નાનું પરંતુ સ્વચ્છ અને સુઘડ હતું. બે માળની એ બિલ્ડિંગમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર ઓ.પી.ડી. અને રિશેપ્સનિસ્ટ વિભાગ હતો. ઉપરાંત જનરલ ડોકટરોનો અલાયદો વિભાગ પણ હતો. જ્યારે ઉપરનો માળ સ્પેશિયલ વિભાગ હતો. ત્યાં ગંભીર દર્દનાં પેશન્ટોને રાખવામાં આવતા. એ માળ પરજ આઇ.સી.યુ. વિભાગ અને ઓપરેશન થિએટર્સ્ હતાં.

ઇશાન અને એલીઝાબેથ રિસેપ્શન ડેસ્ટ પર આવ્યા અને તેમણે રોશન પટેલ વિશે પૃચ્છા કરી. રિસેપ્શન કાઉન્ટર સંભાળતી છોકરીએ તેમને ગ્રાઉન્ડ ફલોરનાં છેલ્લા કમરા તરફ જવા સુચવ્યું. એ કમરામાં રોશન પટેલને રખાયો હતો. તે બંને હોસ્પિટલની લોબીમાં ચાલતાં લોબીના છેવાડેનાં કમરાનાં દરવાજે આવ્યા અને દરવાજા સમક્ષ ઉભા રહયા. કમરાની અંદરથી કોઇ વાતો કરતું હોય એવા અવાજો બહાર આવતાં હતાં. ઇશાને દરવાજો ખટખટાવ્યો.

“ યસ્સ....કમ ઇન.....” અંદરથી કહેવાયું એટલે પહેલાં ઇશાન અને તેની પાછળ એલીઝાબેથ અંદર પ્રવેશી. તેઓને કમરાની અંદર પ્રવેશવાનું કહેનાર એક પોલીસ અફસર હતો. તે એક સ્ટૂલ ઉપર બેઠો હતો. તે અફસરની સામે પલંગ ઉપર જાડીયો રોશન પટેલ સુતો હતો અને પલંગની બીજી કોર(તરફ) એક કોન્સ્ટેબલ હાથમાં દંડો પકડીને ઉભો હતો. લાગતું હતું કે તે અફસર રોશન પટેલની પુછપરછ કરી રહયો હતો તેમાં ઇશાન અને એલીઝાબેથના આગમનથી ખલેલ પડી હતી. અફસર રુઆબદાર જણાતો હતો. તેણે ઇશાન તરફ પ્રશ્નસૂચક નજરે જોયું

“ યસ્સ.....! કોનું કામ છે તમારે....? ” તેણે પુછયું.

“ ઇશાન....તું....? અહિયા....? ” ઇશાન બે-ઘડી મુંઝાયો હતો. તેને આમ અચાનક કોઇ પોલીસ અફસરનો સામનો કરવાનો થશે એનો અંદેશો નહોતો. તેણે પોતાનો પરીચય આપવા મોં ખોલ્યું જ હતું કે એકાએક રોશન પટેલ તેનાં બેડમાં અધૂકડો બેઠો થઇ ગયો હતો અને પોતાનાં બાળપણનાં મિત્રને અહીં જોઇને આશ્ચર્ય ઉછાળ્યું હતું.

“ ઇશાન....! ” અફસરે નામ દોહરાવ્યુ અને તે ઉભો થયો. તેણે પહેલા ઇશાન તરફ જોયું અને પછી તેની પાછળ ઉભેલી એલીઝાબેથને નીરખી. એક વિદેશી યુવતીને અહીં જોઇ તેને આશ્ચર્ય થયું હતું. એ દરમ્યાન ઇશાન આગળ આવ્યો અને તેણે એ અફસર તરફ પોતાનો હાથ લંબાવ્યો.

“ માય સેલ્ફ ઇશાન તપસ્વી. ”

“ ઇશાન તપસ્વી....! ” અફસરની આંખો ઝીણી થઇ. “ તમે દેવધરદાસ તપસ્વીનાં કોઇ રિલેટીવ છો....? ”

“ જી....એ મારા દાદા થાય....” ઇશાને જવાબ આપ્યો.

“ ઓહ....સગ્ગા દાદા....? ”

“ જી....”

“ તમે અહી કેમ....? ” તેણે ફરી સવાલ કર્યો.

“ આ રોશન પટેલ.....” ઇશાને બેડ તરફ ઇશારો કરતાં કહયુ. “ મારો લંગોટીયો મિત્ર છે. હું હાલમાંજ ઓસ્ટ્રેલીયાથી આવ્યો છું. મને ખબર મળી કે રોશન હોસ્પિટલમાં એડમીટ છે એટલે તેની ખબર પુછવા આવ્યો છું. ” ઇશાને ખુબ જ સંભાળીને જવાબ આપ્યો હતો. રોશનને અહીં શું કામ લાવવામાં આવ્યો હતો એ તેને પેલા લાઇબ્રેરીવાળા છોકરા મારફતે મળ્યું જ હતું પરંતુ અત્યારે તેણે પોતે કંઇજ જાણતો નથી એ રીતે વર્તવાનું જ યોગ્ય લાગતું હતું.

“ ગુડ.....વેરી ગુડ....” તે વ્યંગમાં બોલ્યો. “ તો મી.ઇશાન....તમે તમારા મિત્રનાં વ્યવસ્થિત રીતે ખબર-અંતર પુછી લો... અને હાં, બની શકે તો એક સરસ કહાની ઘડવામાં તમે તેની મદદ કરજો, જેથી અહિથી નીકળીને તેને સીધા જેલમાં જવાની જરૂર ન રહે...”

“ શું.....? આઇ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ, વોટ યુ સે...? ” ઇશાનને સમજાયું નહિ કે તે અફસર કહેવા શું માંગે છે.

“ એ તમને આ પટેલ કહેશે. ટેક યોર ટાઇમ જેન્ટલમેન.....” તે દરવાજા તરફ ડગલા ભરતા બોલ્યો. તેની પાછળ પેલો કોન્સ્ટેબલ પણ રવાના થયો. દરવાજો ખોલીને તેઓ બંને બહાર ચાલ્યા ગયા.

“ શું છે આ બધુ રોશન....? અને આ અફસર કેમ આવી રીતે વાત કરતો હતો.....?” તાજ્જુબીથી ઇશાને રોશનને પુછયુ. તે અને એલીઝાબેથ રોશનનાં પલંગ ફરતે ગોઠવાયા.

“ એકદમ ખડૂસ માણસ છે તે.....? ગમેતેમ કરીને તે મને આ મામલામાં ફીટ કરી દેવા માંગે છે.....”

“ પણ શું કામ....? શું ખરેખર એ ખૂન તે કર્યા છે......? નામ શું છે આ અફસરનું.....?” ઇશાને સવાલોનો ખડકલો કર્યો.

“ જયસીંહ રાઠોડ નામ છે તેનું. એન્ડ બીલીવ મી ઇશાન.....! એ ખૂન મેં નથી કર્યા. પણ આ રાઠોડ હાથ ધોઇને મારી પાછળ પડી ગયો છે. યેનકેન પ્રકારે તે મને ફસાવવા માંગે છે....”

“ ખરેખર, તે આ ખુન નથી કર્યા....? ” ઇશાને સીધુંજ પુછયુ.

“ બિલકુલ નહી.......”

“ તો કોણે કર્યા...? એ સમયે તું ત્યાં હતો. એમાં અત્યારે તું એકલો જ જીવીત છે એટલે સ્વાભાવીક છે કે તું જ ગુનેગાર હોવાનો....”

“ ના...ના...ના....” અચાનક રોશન પટેલનો સૂર બદલાયો અને તે રીતસરનો ચીખી ઉઠયો. “ મેં તેમને નથી માર્યા. તેઓ આપમેળે જ મરી ગયા.”

“ વોટ....? આપમેળે મરી ગયા મતલબ..? ”

“ હાં ઇશાન. બહુ ભયાનક રાત હતી એ. અમે પાર્ટી કરી રહયા હતા કે અચાનક ગહેરા ધુમ્મસના વાદળો કોણ જાણે કયાંથી અમારી બોટ ઉપર આવી ચડયા. એ સમયે નતાશા, સમીરા અને હું બોટની કેબીનમાં હતા. માર્ગી બોટની મોટર ચેક કરવા બહાર નીકળ્યો હતો. માર્ગીને સમય લાગતા હું તેની પાછળ ગયો અને બહારનું દ્રશ્ય જોતાંજ હું ઠરી ગયો હતો. માર્ગી બોટની ફર્શ ઉપર ચત્તોપાટ પડયો હતો. તેની છાતીમાં સોનેરી મુઠવાળી તલવાર ખૂંપેલી હતી. તે મરી ચુકયો હતો. હું હજુ કોઇ પ્રતિક્રિયા કરું એ પહેલા તો કેબીનનાં કાચ તોડીને પહેલા નતાશાનો દેહ બહાર ફંગોળાયો હતો અને પછી સમીરાનો. તે બંનેના ચહેરા અતિ બિભત્સ રીતે કોઇકે સળગાવ્યા હોય એવું લાગતું હતું. બસ, મેં આટલું જ જોયું અને પછી હું બેહોશ થઇ ગયો હતો. ” રોશન એકશ્વાસમાં બોલી ગયો. આટલું કહેવામાં પણ તે થર-થર ધ્રુજતો હતો.

“ પરંતુ.....” ઇશાન કંઇક પુછવા માંગતો હતો પણ રોશને તેને મોકો ન આપ્યો.

“ પહેલા તું મારી પુરી વાત સાંભળી લે. પછી તારે જે પુછવુ હોય તે પુછજે. ” તે બોલ્યો. “ હું જ્યારે ભાનમાં આવ્યો ત્યારે હજુપણ ડેસ્ક પર જ હતો. ત્યાં ડેસ્ક ઉપર ગહેરા ધુમ્મસનું વાતાવરણ છવાયેલું હતુ અને તેમાં ભારે ગડમથલ ચાલતી હતી. મેં જોયુ તો.....એ ધુમ્મસમાં એક વિકરાળ ચહેરો સર્જાયો. સખત ડરનાં કારણે મારુ લોહી થીજી ગયું હતું. એ ચહેરામાં દેખાતી આંખો જાણે મને જ તાકી રહી હતી. જેમ-તેમ કરીને હું બેઠો થયો અને કેબીન તરફ દોડયો. કેબીનમાં ઘુસીને ધડાધડ કરતો હું ભંડાકીયામાં ઉતર્યો. પેલું ધુમ્મસ મારી પાછળ મને ખાવા ધસતું હોય એમ તીવ્ર ગતીથી ફેલાતું ભંડાકીયામાં ઘુસ્યું હતું. એ સમયે ખબર નહિ કેમ, પણ હું કોલ્ડસ્ટોરેજ તરફ ભાગ્યો હતો. કોલ્ડસ્ટોરેજમાં ઘુસીને મેં તેનો દરવાજો અંદરથી બંધ કરી લીધો. મારા આશ્ચર્ય વચ્ચે ધુમ્મસનો એ ઓછાયો કોલ્ડસ્ટોરેજમાં પ્રવેશ્યો નહી. કોલ્ડસ્ટોરેજના બંધ દરવાજા બહાર ઘણી ધમા-ધમી મચતી હોય એવા અવાજો મેં સાંભળ્યા હતા પરંતુ મેં દરવાજો ખોલ્યો જ નહી. એ કોલ્ડસ્ટોરેજે મને બચાવી લીધો ઇશાન......” કહીને રોશન અટકયો. તે સખત દોડયો હોય તેમ હાંફી રહયો હતો. તેના ચહેરા ઉપર પરસેવાની બુંદો ચમકી ઉઠી હતી.

“ હમ્મ્....” ઇશાને ફક્ત હું-કાર કાઢયો.

“ વોટ હી સેઇડ...?” એલીઝાબેથ અત્યાર સુધી ખામોશ ઉભી હતી. ઇશાન અને રોશન વચ્ચે થતી વાતચીત તેને સમજાતી નહોતી એટલે તેણે પુછયુ.

“ નથીંગ.....!” ઇશાન બોલ્યો. “ તે અહી હોસ્પિટલમાં કેવી રીતે આવ્યો એ જણાવે છે.” તેણે ઇંગ્લીશમાં કહયું.

“ ઓહ.....” એલીઝાબેથે કંટાળાજનક સ્વરે કહયુ. તેને આમ ખામોશ ઉભા રહેવું કયારેય પસંદ નહોતું. ઇશાને તેના ચહેરા ઉપર પથરાતા ભાવો વાંચ્યા અને બોલ્યો.

“ તું એક કામ કર એલી....! હું જ્યાં સુધી મારા ભાઇબંધ જોડે વાતો કરુ છું ત્યાં સુધીમાં તું અમારા નગરની આ હોસ્પિટલમાં એક ચક્કર લગાવી આવી. એ બહાને તને ખ્યાલ આવશે કે ભારતના એક નાનકડા ટાઉનની હોસ્પિટલ કેટલી અફલાતુન છે. મારો તને ફોર્સ નથી. જો તારી ઇચ્છા હોય તો.....!”

“ ચોક્કસ મને એ ગમશે. યુ કેરીઓન ગાયઝ.....” એલીને ઇશાનનો પ્રસ્તાવ પસંદ આવ્યો હતો. તે કમરામાંથી બહાર નીકળી હોસ્પિટલની લોબીમાં આવી. લોબીમાં ઝાઝી ચહલ-પહલ નહોતી. અહીથી સામે તેને રિસેપ્શન ડેસ્ક દેખાતું હતું. તે એ તરફ ચાલી.

“ તારી ગર્લફ્રેન્ડ છે.....?” એલીઝાબેથ બહાર નીકળી એટલે રોશને ઇશાનને પુછયું.

“ હાં......”

“ ઓહ....તો આંચલનું શું....? આઇ થીંક તું એને પસંદ કરતો હતો.”

“ એ સમય અલગ હતો રોશન. અત્યારે તો હું એલી વિશે સિરિયસ છું....પણ છોડ એ બધી પળોજણ. એ વિશે ફરી કયારેક વિચારીશું. અત્યારે તારી મેટર અગત્યની છે. તું જે કહે છે એ મને ગળે ઉતરતું નથી. મને તો શું, કોઇને તારી કહાની ઉપર વિશ્વાસ આવશે નહી.”

“ એટલે તો મેં કોઇને આ વાત કહી નથી. સારું થયુ અણીના સમયે તું અહી આવી ગયો. હવે તું કંઇક વિચાર અને મને આમાંથી બહાર કાઢ. નહીતર પેલો ઇન્સ્પેકટર ચોક્કસ મને જેલના સળીયા પાછળ ધકેલી દેશે.....”

“ પરંતુ હું આમા શું કરી શકું....?”

“ એ મને નથી ખબર.....!” રોશન બોલ્યો. “ પણ મને એ ખબર છે કે ગમે તેવી મુશ્કેલીઓમાંથી રસ્તો તું કાઢી શકીશ. મને તારી બુધ્ધીક્ષમતા ઉપર પુરો ભરોસો છે.”

હવે ઇશાન કેમ કરીને રોશનને સમજાવે કે તે પણ ઓસ્ટ્રેલીયાથી નાસીપાસ થઇને ભારત પરત આવ્યો છે. એ તો સારુ થયુ કે એલીઝાબેથ તેની પાછળ-પાછળ તેને શોધતી અહી આવી ચડી. નહિતર તેની પોતાની હાલત પણ કોઇ મનોરોગી જેવી થઇ હોત. એલીઝાબેથે અચાનક ટપકી પડીને તેને ઉગારી લીધો હતો.

@@@@@@@@@@@@

“ એલીઝાબેથ....” એક હળવો ફુસફુસાતો અવાજ એલીઝાબેથના કાને અફળાયો. સહસા ચોંકીને તેણે આજુ-બાજુ નજર ધુમાવી. ત્યાં કોઇ નહોતું. લોબી સંપૂર્ણપણે ખાલી હતી. અહી ઇશાન સીવાય તેને કોઇ ઓળખતું નહોતું તો પછી તેને કોણે બોલાવી હશે, એ વિચાર તેના મનમાં ઉદ્દભવ્યો. સામાન્યતહઃ હોસ્પિટલોમાં કંઇ જોવા જેવુ હોતું નથી. તેમ છતાં ઇશાનને થોડી “ સ્પેસ ” મળી રહે એ ઇરાદાએ તે બહાર નીકળી હતી અને રિસેપ્શન કાઉન્ટર વટાવી તેણે કાઉન્ટરની બાજુમાં પડતા કોરીડોરમાં પગ મુકયો જ હતો કે તેના કાને એ અવાજ પડયો હતો. એકદમ ધીમા સાદે કોઇકે તેને બોલાવી હતી.

“ એલીઝાબેથ.....” ફરી વખત કોઇએ તેને સાદ પાડયો. આ વખતે અવાજ સ્પષ્ટ સંભળાયો હતો. એલીઝાબેથ થડકી ઉઠી અને થોડો ડર પણ તેણે અનુભવ્યો. એક અજાણ્યા દેશમાં એકલું હોવું ઘણી બધી રીતે ખતરનાક બની રહેતું હોય છે. તેની નીલી-ભૂખરી આંખોમાં ડરનો ઓછયો તરી આવ્યો. અવાજ કોરીડોરનાં સાવ છેલ્લે ખૂણામાંથી આવ્યો હોય એવું તેને લાગ્યું. શું કરવું જોઇએ.....? ઇશાન પાસે પરત ફરવું જોઇએ કે એ અવાજની દિશામાં જવું જોઇએ એ નિર્ણય તે કરી શકી નહી. તે ત્યાંજ થોડીવાર અનિર્ણીત દશામાં ઉભી રહી. “ એલીઝાબેથ....” ફરીવખત કોઇએ તેનું નામ દોહરાવ્યુ. અવાજ પુરુષનો હતો...આખરે એલીઝાબેથે એ અવાજની દિશામાં જવાનું મન બનાવ્યુ. ધડકતા હ્રદયે તેણે કોરીડોરના અંત ભાગ તરફ કદમ ઉઠાવ્યા. છેવાડે પહોંચીને તે એક કમરાના દરવાજા સામે ઉભી રહી. કોરીડોરમાં બંને તરફ રૂમો હતી. તે હોસ્પિટલનો સેમી સ્પેશયલ વોર્ડ હતો. એ કમરોઓને અલગ-અલગ નંબર અપાયા હતા. એલીઝાબેથ જે કમરા સમક્ષ ઉભી હતી તે સાત(૭) નંબરનો કમરો હતો. સાત નંબરના કમરાની બરાબર સામેની લાઇનમાં આઠ(૮) નંબરનો રૂમ હતો. કોરીડોરના આ સૌથી છેલ્લા કમરા હતા. લોબીનાં અંતમાં ચણાયેલી પારાફીટ ઉપર લોંખડની ગ્રીલ ઝડવામાં આવી હતી. એ ગ્રીલમાંથી ચળાઇને આવતો બપોરનો તડકો લોબીની ફર્શ ઉપર પથરાતો હતો.

“ એલીઝાબેથ....” ફરીવાર એ અવાજ આવ્યો અને એલીઝાબેથે સાત(૭) નંબરના કમરાનાં બારણાને બંને હાથે ધક્કો મારી ખોલી નાંખ્યું. બારણું ખુલતાં જ ઠંડી હવાનો એક ભભકો તેના ચહેરા સાથે અફળાયો. તે હોસ્પિટલનો “મોર્ગ” રૂમ હતો. એરકન્ડીશન્ડ મોર્ગ માં મૃત વ્યક્તિઓની ડેડબોડીઓ સાચવીને રખાતી હતી. વિભૂતી નગર જેવા નાના ટાઉનમાં આવા મોર્ગરૂમની બહુ જરૂર વર્તાતી નહી. નગરમાં ભાગ્યે જ કોઇ દુર્ઘટના ઘટતી. સામાન્યતહઃ આ રૂમ હંમેશા ખાલી, વપરાયા વગરનો પડયો રહેતો.....પરંતુ અત્યારે રૂમમાં ત્રણ સ્ટ્રેચર પડેલા એલીઝાબેથે જોયા. એ.સી. ની ઠંડી હવામાં ભારે દુર્ગંધ પણ ભળેલી હતી એટલે અનાયાસે તેનો હાથ તેનાં નાક તરફ વળ્યો. તેણે કમરામાં પગ મુકયો. કમરો નાનો હતો. કમરાનો દરવાજો એલીઝાબેથના જમણા હાથ બાજુ ખુલતો હતો. એ દિવાલને સમાંતર બે સ્ટ્રેચર પડયા હતા. એક સ્ટ્રેચર એ દિવાલને બરાબર સામે, એટલે કે કમરાની પાછલી દિવાલે બનેલી બારી પાસે હતું . એ બારી બંધ હતી. કમરાની ઠંડી હવા બહાર વહી ન જાય એ માટે હંમેશા તેને બંધ રખાતી હોવી જોઇએ. બારણાની દિવાલને અઢેલીને પડેલા બંને સ્ટ્રેચર ઉપર કોઇકની ડેડબોડીઓ પડી હતી અને એ ડેડબોડી ઉપર સફેદ કલરની ચાદર ઢાંકેલી હતી. સામે, બારી પાસે જે સ્ટ્રેચર હતું તેના પર પણ એક મૃત શરીર પડયુ હતુ અને તેને પણ ચાદર ઢાંકેલી હતી. એલીઝાબેથને કંઇક વિચિત્ર લાગણી અનુભવાતી હતી. કોઇ હતું જે વારંવાર તેનું નામ પોકારી તેને આ કમરામાં ખેંચી લાવ્યું હતું. થોડો ડર, થોડી ઉત્તેજના, થોડી જીજ્ઞાસા અનુભવતી તે હવે શું કરવું જોઇએ તેની સમજ ન પડતાં અનિર્ણિત દશામાં બારણા પાસે ઉભી હતી. થોડી ક્ષણો એ જ સ્થિતીમાં વીતી. કમરામાં ફેલાયેલી એરકન્ડીશન્ડની ઠંડી હવા, દિવાલ ઉપર લગાવેલી ટયુબલાઇટમાંથી વેરાતો આછો સફેદ પ્રકાશ, બ્લ્યુ રંગે રંગાયેલી દિવાલો, ત્રણ સ્ટ્રચર અને તેના ઉપર ઢાંકેલી ત્રણ દેહાકૃતિઓ.....અને એ બધા વચાળે એકલી ઉભેલી એલીઝાબેથ. કોઇ ડરામણી હોરર ફિલ્મમાં ભજવાતા સિન જેવું દ્રશ્ય રચાયું હતુ. પરંતુ આ કોઇ ફિલ્મ નહોતી, હકીકત હતી.

આખરે મન મક્કમ કરી એલીઝાબેથ કમરામાં આગળ વધી. ખરેખર તો તેણે ત્યાંથી બહાર ચાલી જવુ જોઇતું હતું. તે હળવે ચાલતી બારી પાસેના સ્ટ્રેચર નજીક આવી. ધડકતા હ્રદયે હાથ લંબાવીને એક ઝાટકે તેણે ડેડબોડી ઉપર ઢાંકેલી ચાદર હટાવી. ચાદર ડેડબોડીની કમર સુધી સરકી. એલીઝાબેથ આંખો ફાડીને સ્ટ્રેચર ઉપરનાં મૃત શરીરને જોઇ રહી. તે એક પુરુષની લાશ હતી, સંપૂર્ણ નગ્ન લાશ. તેનો ચહેરો, નાક, હોઠ બધુ સફેદ પડી ચુકયું હતું. ઉપરાંત તેનો આખો દેહ પણ સફેદ પડી ચુકયો હતો. એલીઝાબેથ નહોતી જાણતી કે મૃત અવસ્થામાં સ્ટ્રેચર ઉપર સૂતેલો વ્યક્તિ કોણ છે....? એ તેને પછી ખબર પડી હતી. તે માર્ગી હતો. મી.પીટર ડીકોસ્ટાનો પુત્ર. “ જલપરી ” વાળા હાદસા બાદ, તેની સમીરા અને નતાશાની લાશોને પોસ્ટમોર્ટમ બાદ હોસ્પિટલનાં આ કમરામાં રખાયા હતાં.

એલીઝાબેથને માર્ગીની લાશ જોઇને અચરજ થયું. થોડીવાર તે ત્યાં જ ઉભી રહી અને પછી તેણે ચાદરને ફરીથી માર્ગીના ચહેરા ઉપર ઢાંકી. તે પાછી વળી અને દરવાજા પાસેના સ્ટ્રેચર સુધી આવી. પહેલા તેણે નતાશાના ચહેરા ઉપરથી ચાદર હટાવી અને પછી સમીરાના ચહેરા ઉપરથી. અજાણી યુવતીઓની લાશ જોઇ તેણે ભારે આશ્ચર્ય અનુભવ્યુ. આ લોકોના મોત કેવી રીતે થયા હશે....? એ તે વિચારી શકતી નહોતી. તેના હ્રદયમાં વિચિત્ર પ્રકારની લાગણીઓ ઉદ્દભવતી હતી. અચાનક તેને ત્યાંથી ભાગી જવાનું મન થયું. કમરામાંથી બહાર નીકળવા તેણે પગ ઉઠાવ્યા જ હતા કે ફરી વખત પેલો અવાજ તેના કાને અફળાયો..... “ એલીઝાબેથ.....” તે ઠરી ગઇ. તેના પગ ત્યાંજ, જમીન ઉપર ચોંટી ગયા. તેનાં દેહમાંથી ભયનું એક લખલખુ પસાર થયુ અને તેની રુવાંટીઓ ખડી થઇ ગઇ. અવાજ તેની પીઠ પાછળથી આવ્યો હતો. જાણે કોઇ સાંપ ફુસ-ફુસાતો હોય એવા સ્વરમાં કોઇએ તેને બોલાવી હતી. એવોજ અવાજ જે તેણે હમણા થોડીવાર પહેલા હોસ્પિટલની કોરીડોરમાં સાંભળ્યો હતો. તે હજુ પાછળ ફરીને જોવાનો વિચાર કરતી જ હતી કે એક હાથ તેના ખભા પર મુકાયો. સખત લાકડા જેવો કડક ઠંડો હાથ...... એલીઝાબેથનાં શ્વાસોશ્વાસ ત્યાં જ અટકી ગયા. ભયાનક ડરથી તેનું સમગ્ર શરીર ધ્રુજી ઉઠયુ. તેનું મોઢુ ખુલ્યુ અને તે પાછળ ફરી. તેણે હમણાંજ જોયો હતો તે માર્ગીનો મૃતદેહ તેનાં સ્ટ્રેચર ઉપરથી ઉઠીને તેની પાછળ આવ્યો હતો. એલીઝાબેથ પાછળ ફરી એ સાથે જ તેનો અને માર્ગીનો ચહેરો એકબીજાની એકદમ નજીક, આમને-સામને આવ્યા. એ સાથેજ મૃત માર્ગીના હોઠ ફફડયા..“ ખૂન નો બદલો ખૂન....! ખૂન કા બદલા ખૂન...! ”

એલીઝાબેથનો જીવ તાળવે ચોંટી ગયો અને તેના ગળામાંથી ચીખોની શૃંખલા નીકળી પડી.....

( ક્રમશઃ-)