દીકરી મારી દોસ્ત
....
મહેંદી તે વાવી માળવે ને.... મહેંદી રંગ... ઉઘડતો હાથમાં...હૈયે ઉજાસ. ઝિલ, “ મહિયરના માંડવે મહેંદી મૂકાતી, મહેંદીમાં ઉઘડયા સાજનના હેત, રાતાચોળ રંગમાં ઓરતા અકબંધ કુમકુમ પગલામાં કુંવારી ભાત. ”
કેવું મનભાવન દ્રશ્ય છે. એકીસાથે કેટલા બધા હાથોમાં મહેંદી મૂકાઇ રહી છે. બધા વારે વારે પોતાના હાથની ડિઝાઇન જોતા રહે છે..એકબીજાને બતાવતા રહે છે. કોની વધુ સારી મૂકાણી છે..એની સરખામણી થતી રહે છે. અને કોને વધુ સારો રંગ આવશે એની મસ્તી તો ચાલુ જ છે. જેના સાજનનો પ્રેમ વધારે એને વધુ સરસ, લાલ ..રાતોચોળ રંગ આવે..એવી માન્યતાને આધારે હંસી મજાક થતા રહે છે. મસ્તી મજાક અને મહેંદીના ગીતોથી વાતાવરણ ની પ્રસન્નતાને એક નવો ઓપ મળે છે. આજે તો ઉમંગ સદેહે છલકી રહ્યો છે.
એમાં કોઇએ કહ્યું, ‘ દુલ્હનની વધેલી મહેંદીમાંથી જો કુંવારી છોકરીને મૂકવામાં આવે તો એને જલ્દી દુલ્હન બનાવાનો યોગ આવે..! ‘ અને પછી તો ઉમરલાયક કુંવારી દીકરીઓ ના હાથમાં તારી મહેંદીમાંથી ટપકા થતા રહ્યા. અને એ દીકરીઓની આંખમાં પણ મેઘધનુષી સપના ઉગી નીકળ્યા. ઇશ્વર..એ મેઘધનુષી સપનાઓને વાસ્તવિકતાનું રૂપ આપવામાં કંજૂસાઇ કે આળસ ન કરતો હોં. આવી બધી માન્યતાઓ કયાંથી..કેમ આવી હશે ? તારા હાથમાં મહેંદીથી શુભમનું નામ લખાયું..અને એનું પ્રતિબિંબ તારી આંખોમાં અને હૈયામાં છલકયું. ’શુભમને જલ્દી દેખાય નહીં એમ લખજો હોં...’ સૂચનાઓ આવતી ગઇ.
મહેંદીની જેમ જાતે પીસાઇને અન્યને રંગ આપવાનો, પ્રસન્નતા અર્પવાનો પ્રયત્ન સમાજમાં મુઠ્ઠી ઉંચેરા માનવીઓ કરતા રહે છે. કદાચ એવા થોડા માનવીઓથી જ સમાજ ટકી રહ્યો છે. એવા લોકોની સંખ્યા વધે તો સમાજ ની મૂરત પલટાઇને સોનાની સૂરત બની જાય. સમાજમાં એક પોઝીટીવ પરિવર્તન દેખાય. કુદરત ના દરેક તત્વ માનવજાતને કંઇ ને કંઇ સંદેશ મૌન રહી ને આપે જ છે ને ? જરૂર છે ફકત એ સંદેશ સાંભળવાની...સમજવાની...અને એનો અમલ કરવાની...એ સંદેશ આપણે કેમ ન સાંભળી શકીએ ?તમે ભણતા ત્યારે એક કહેવત આવતી ..યાદ છે..? “ મન હોય તો માળવે જવાય.” હા, સાવ સાચી વાત છે.મન હોય તો...અર્થાત્ મનોબળ હોય..સંકલ્પશક્તિ હોય તો દુનિયામાં કોઇ કાર્ય અશકય નથી. અણુશક્તિ કરતાં પણ ઇચ્છાશક્તિ વધુ પ્રબળ છે. હેલન કેલર વિષે આપણે બધા જાણીએ જ છીએ ને ? આંખ, કાન કે જીભ ત્રણ ત્રણ ઇન્દ્રિયો બંધ હોવા છતાં...પી.એચ. ડી. સુધી ભણ્યા..વિશ્વખ્યાતિ મેળવી...અને આવા એક નહીં અનેક ઉદાહરણો ઇતિહાસમાં મોજુદ છે. તો આપણા પર તો ઇશ્વરની અનહદ કૃપા છે. જરૂર છે ફકત મન ને કેળવવાની.
મહેંદીની વાત કરતાં કરતાં મનમાં આવતા વિચારો ડાયરીના પાનાઓમાં આપમેળે આવતા રહે છે.
બપોરે તને જમાડવા શુભમ આવ્યો હતો. તારા હાથમાં મહેંદી હતી એટલે.! દુલ્હનના લાડ કંઇ ઓછા હોય છે ? આજે તો માનપાન માગવાનો તારો હક્ક હતો ને.! અને તેં હસતા હસતા શુભમને ધમકી યે આપી હતી કે જોજે રંગ નથી આવ્યો તો...તો તારું આવી બન્યુ છે હોં.! શુભમ હસતો હતો. રંગ ન આવે એવું બને જ નહીં ને ! એ તને જમાડતો હતો પ્રેમથી..કોળિયા ભરાવતો હતો. એ ખોરાકના કોળિયા કયાં હતા ? એ તો લાડના, સ્નેહના, લાગણીના ઘૂઘવતા મોજા હતા. એ મોજા સદા ઘૂઘવતા રહેવા જોઇએ. લગ્ન એ પ્રેમનો અંત નથી. શરૂઆત છે. કદાચ એ રોમાન્સનો અંત હોઇ શકે..પણ સાથે સાથે રોમાંચક જિંદગીની શરૂઆત પણ છે..પ્રતીક્ષા નો આનંદ હવે પૂરો..પણ પ્રાપ્તિનો આનંદ ઝાંખો ન પડવો જોઇએ. બસ..ઇશ્વર, આ આનંદમાં ભરતી થતી રહે એટલું જરૂર કરજે. માના દિલમાંથી જાણે પ્રાર્થના નીકળતી હતી. આખો દિવસ ..મોડી રાત સુધી મહેંદી ચાલી. જાતે પીસાઇને અન્યને રંગ,સુગંધ આપતી હીનાની લાલાશ અંતરમાં પણ ઉગતી હતી.
” મહેંદી તે વાવી માળવે ને એનો જોનારો પરદેશ રે..મેંદી રંગ લાગ્યો...” મહેંદીનું નામ આવે અને આ જૂનુ ને જાણીતું સદાબહાર ગીત યાદ ન આવે
એવું બને જ નહીં ને ?
જોકે અહીં તો એનો જોનારો આવી પહોંચ્યો હતો. રાત્રે છેલ્લે મારો વારો આવ્યો. દીકરીની ખુશાલીમાં સહભાગી થવા મારા હાથમાં પણ મહેંદીના રંગો ખીલી ઉઠયા. અને એ મનહર દ્રશ્યો કચકડાની પટ્ટીમાં કંડારાઇને સ્મૃતિ રૂપે સચવાઇ રહ્યા.
ફૈબા તો આ બધા સમય દરમ્યાન કેટલી યે ધમાલ કરે છે. કાચના કૂંડા માથે મૂકીને જાતજાતની મોનો એકટીંગ કરી બધાને હસાવતા રહે છે. રાત જામતી જાય છે. ઢોલીડાને યે કેફ ચડયો છે. અને એનો અવાજ દૂર સુદૂર રેલી રહે છે. લાઇટોની ઝગમગતી રોશનીમાં દીકરીનું હાસ્ય ચમકતું..રણકતું રહે છે. મારાથી આપોઆપ ઇશ્વરને હાથ જોડાઇ જાય છે.
ઇશ્વરે દીકરીમાં આટલી માયા ,મમતા કેમ મૂકી હશે ? પછી તેં તો પપ્પાને પણ બોલાવ્યા, ‘ મમ્મીના હાથમાં મહેંદી મૂકી છે. ચાલો, તેને ખવડાવો.’ અને દીકરીનો ઓર્ડર તો આજે બાપે કોઇ દલીલ વિના જ માનવો રહ્યો ને ? ચારે તરફ હસી ખુશીનું સામ્રાજય છલકાઇ રહ્યું છે.
સામે જ શુભમને ઘેર આજે ગઝલનો કાર્યક્રમ રાખેલ છે. એકએકથી ચડિયાતી ગઝલોના સૂર વાતાવરણને રંગીન બનાવતા રહે છે. રાતને રળિયામણી કરતા રહે છે. કોઇને અટકવાનું મન કયાં થાય છે ? ગઝલના સૂર પર કોઇને તાન ચડે છે..અને પગ થિરકવા લાગે છે. અને પછી તો દરેકના મન અને પગ માં જોશ નો જાણે ઉભરો આવે છે. મોડી રાત સુધી વાતાવરણ મસ્ત સૂરોથી રોશન થતું રહે છે. ચાંદ સિતારા પણ જાણે આ બધું સાંભળવા...માણવા થોડીવાર થંભી ગયા છે. તારી આંખોમાં હવે ઉંઘના વાદળ કદાચ ઘેરાઇ રહ્યા હતા.
” ઝોલે ચડી છે રાજકુમારીની વાર્તા, ગોખે થરકતા એક દીવાના ઉજાસમાં ” અમિત વ્યાસના શબ્દો છે કદાચ. આજે મારી રાજકુમારી પણ ઝોલે ચડી હતી. રોજ વાર્તા માટે ઝંખતી એ આજે એ વાર્તા સાંભળવાના મૂડમાં પણ કયાં છે ? કદાચ અર્ધ ઉંઘમાં વાલમના બોલ સંભળાતા હશે એને.!!
દરેક દીકરીના આ પ્રસંગે માના ભાવવિશ્વમાં આવી જ ભરતી આવતી હશે ને ? અને આવી જ સંવેદનાઓ છલકાતી હશે ને ? ઉંઘવાનો સમય તો કયારનો યે થઇ ગયો હતો..પણ..આજે ઉંઘ એક માના દિલથી કોસો દૂર હોય એ સ્વાભાવિક છે...દિલમાં દિમાગમાં વિચારોનું વાવાઝોડું..અને સંવેદનાનું પૂર છલકતું હોય ત્યારે...નીંદરરાણી ને એ ન જ ગમે ને ? એને તો પોતાનું એકનું અબાધિત આધિપત્ય જ ખપે ને ? એના ચાગ કંઇ ઓછા છે ?
“ આખું યે આભ મારી આંખમાં જાગે, લઇ પંખીના સૂરની સુવાસ, એક એક પાંદડીમાં પ્રગટયું પાતાળ, ઝાકળ નો ભીનો ઉજાસ ” ઝાકળનો આ ભીનો ઉજાસ મારા અંતરમાં અને આંખોમાં ડોકિયા કરી રહ્યો છે. આજે મારી પાસે કોઇ શબ્દો નથી. આ ક્ષણે તો ખાલી..સાવ ખાલી છું હું. શબ્દો તો કયારના ખૂટી ગયા છે કે પછી શબ્દોમાં એ સામર્થ્ય કયાંથી જે આ પ્રસંગને સંપૂર્ણતાથી વ્યકત કરી શકે ? આજે તો શમણાઓએ પણ સાથ છોડી દીધો હતો કે શું ? એ પણ દૂર ખસતા રહ્યા. અને મનમાં એક શૂન્યતા છવાઇ રહી. કંઇ પણ વિચારવાને..અનુભવવાને અશક્ત એવી પ્રગાઢ શૂન્યતા.
“આંખ મીંચી ને હવે જોયું તો દેખાય છે, કયાંક કંઇ ખુલી રહ્યું,કયાંક કૈંક બિડાય છે,
જે ઝળકતું હોય છે તારકોના મૌન માં, એ જ તો સૌરભ બની આંગણે છલકાય છે.” શ્રી રાજેન્દ્ર શુક્લ.
“ બેટા, મનમાં ઘણીવાર ભાવના ના પૂર ઉમટે..કયારેક રોષનો ..ગુસ્સાનો વંટોળ ઉઠે.....પણ મનમાં ઉઠતી દરેક ભાવનાને તાત્કાલિક શબ્દોમાં બહાર કાઢવાની ભૂલ કદી કરીશ નહીં. ક્ષણિક આવેશ ને હમેશા કાબુમાં રાખજે..એક શબ્દ ઉમેરી ગમે ત્યારે શકાશે..પાછો ખેંચી નહીં શકાય. બોલાઇ ગયેલ શબ્દ તમારો માલિક છે. ન બોલાયેલ શબ્દ તમારો ગુલામ છે. તમારી પાસે માલિક કરતાં ગુલામની સંખ્યા વધારે હોય એ ઇચ્છનીય નથી ? માટે વાણીમાં સંયમ જાળવતા દરેક છોકરીએ શીખવું જ જોઇએ.( છોકરાઓ માટે ..કે કોઇ પણ માનવી માટે આ નિયમમાં કોઇ અપવાદ નથી જ.) ઘણીવાર શબ્દો જે કાર્ય નથી કરી શકતા..એ મૌન કરી જાય છે. અને મૌન પછી ની વાણીમાં આપોઆપ એક નિખાર પ્રગટે છે. મન ના ઘોડાની લગામ આપણા હાથમાં જ રહેવી જોઇએ. મનને તો જે સહેલું હોય તે જ કરવું હમેશા ગમે..મનને જે ઇચ્છા થાય તે દરેક પૂરી થવી જોઇએ..તેવો દુરાગ્રહ રાખવાને બદલે નીરક્ષીર તારવી જીવનના નિર્ણયો પૂરી શાંતિથી...વિચાર કર્યા બાદ જ લેવાવા જોઇએ. જેથી કયારેય પસ્તાવાનો સમય ન આવે. જીવનગણિત ના સમીકરણો ઉલટાવી શકાતા નથી..કે જીવનકિતાબને ફરીથી લખી શકાતી નથી જ...માટે એ કિતાબના પાનાઓ આલેખવામાં બેટા, પૂરી સાવધાની રાખવી જ રહી. ”
સુરેશ દલાલની સરસ મજાની પંક્તિ મનમાં આ પળે છલકી રહી છે.
“ તૂરું તૂરું બોલવું નહીં, કોઇનું બૂરુ બોલવું નહીં આપણી વાણી પીપળ પાન...પોઢયા જાણે શ્રી ભગવાન આપણી વાણી સફેદ હંસ...કંસનો નહીં કપટી ડંસ આપણી વાણી આપણા જેવી...શિયાળામાં તાપણા જેવી. શબ્દો એ અર્થ પણ છે. અને અનર્થ પણ છે. સામા માણસની ચેતનાનું એ હરણ પણ કરી શકે અને એને જીવન પણ બક્ષી શકે.