દીકરી મારી દોસ્ત - 24 Nilam Doshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દીકરી મારી દોસ્ત - 24

દીકરી મારી દોસ્ત

  • ..
  • છાનું ને છપનું કંઇ થાય નહીં....
  • મીઠી ગઝલ...ખનકતી ચૂડલી...રણકતા ઝાંઝર

    વહાલી ઝિલ, “ છાનું ને છપનું કંઇ થાય નહીં

    ઝમકે ના ઝાંઝર તો

    ઝાંઝર કહેવાય નહીં ”

    ઝાંઝરનો ગુણ રણઝણવાનો. જે રણકે નહીં એને ઝાંઝર કહી જ કેમ શકાય ? અને આજે તો દીકરીનું ઝાંઝર જ નહીં સમગ્ર અસ્તિત્વ રણકી ઉઠે છે.

    આજે સંગીતની સૂરાવલિઓથી વાતાવરણ ગૂંજતું હતું. જૂઇએ કરેલ સરસ મજાના ડાન્સે એક શમા બાંધી હતી. નન્દિતા અને શિશિરે જુદી જુદી રમતો માં બધાને જ સામેલ કર્યા. હાસ્યની છોળો ઉડી રહી હતી.

    તું બાજોઠે બેસી ધીમું ધીમું મલકતી હતી. તને સૌ પ્રથમ ચાંદલો કરવા મારે ઉભુ થવાનું હતું. હું સજળ નયને ઉભી થઇ. તારી સામે જોતા હૈયામાં હરખ અને આંખો માં તો પાણી અનરાધાર.! તને ચાંદલો કર્યો, અક્ષત ચોખાથી વધાવી અને ...અને તારી અને મારી નજર મળી. અને એક અનોખુ ભાવવિશ્વ ઉમટયું આપણી આંખોમાં. એક ક્ષણ માટે સમય પણ જાણે થંભી ગયો હોય તેમ આપણે અનુભવી રહ્યા. મારા અસ્તિત્વના પ્રત્યેક અણુ માંથી વહાલભરી આશિષો અનાયાસે નીકળતી રહી. સુરેશ દલાલની આ પંક્તિ છાનીમાની આવી મનમાં ટહુકો કરી ગઇ.

    ”આંખડીમાં હસતી ગુલાબકળી આંસુ, ને સ્પન્દનની મહેકતી આ ધૂપસળી આંસુ,

    અણદીઠા દરિયાનું મોતી એક આંસુ ને વાદળાની વીજ આંખ રોતી એ જ આંસુ ” પહેલા બર્થ ડે પર તને પ્રથમ વાર ચાંદલો કરેલ તે એક પળ માટે મનોઆકાશમાં ઉગી આવ્યો. નાનકડા હાથમાં ચાંદલાનું પેકેટ પકડી ઉભેલ તને હું મન:ચક્ષુ સમક્ષ નીરખી રહું છું. અને સજળ નયને બીજાને જ્ગ્યા કરી આપવા હું દૂર ખસી ગઇ. આમ જ હવે મારે તારા વિશ્વમાં કોઇને જગ્યા કરી આપી ને દૂર ખસી પ્રકૃતિના નિયમને અનુસરવું રહ્યું. એક પછી એક બધા તને વહાલથી વધાવતા રહ્યા. ગીતોની રમઝટ વચ્ચે હાસ્યની છોળો ઉડતી રહી. તું મલકતી રહી. અને તારો મલકાટ જોઇ હું હરખાતી રહી. અને મનમાં આ પંક્તિ રમી રહી. મારી એક આંખ તારું નાનકડું સ્વરૂપ જોઇ રહી હતી. અને બીજી આંખ તારું આજનું સ્વરૂપ માણી રહી હતી.

    “સાતતાળી લીધી ને પછી ઉંચે જોયું,

    ને ફરી જોયું તો બાળપણ ગૂમ સોનપરી,નીલપરી આવી કહે,’બાય’.....એનું પડઘાતું રૂમઝૂમ..રૂમઝૂમ” સોનપરી, નીલપરીએ તો કયારનું “ બાય ” કહી દીધું હતું. અને તારા અસ્તિત્વના પ્રત્યેક અણુ માં શુભમ પ્રત્યેનો પ્રેમ છલક્તો હું જોઇ શકતી હતી..અનુભવી શકતી હતી. અને મનમાંથી મૂક દુવાઓ સરતી હતી.

    જૂઇએ ખાસ આ પ્રસંગ માટે તૈયાર કરેલ ડાન્સ “ બોલે ચૂડિયા ” કરી મહેફિલમાં ચાર ચાંદ લગાવી દીધા.

    પછી શરૂ થઇ અંતાક્ષરી. બધા થનગની રહયા. થીમની શરૂઆત નંદિતાએ પ્રેમ શબ્દથી કરી. અને વાતાવરણ પ્રેમથી કલરવ કરી રહ્યું. એક તરફ કન્યા પક્ષ હતો અને બીજી તરફ વર પક્ષ. અને વચ્ચે વર કન્યા...મતલબ તું અને શુભમ.....પછી ગીતોની રમઝટ ન જામે તો જ નવાઇ ને ? અને પૂરા બે કલાક અંતાક્ષરી ચાલતી રહી. પણ હાર જીત નક્કી કરી શકાય તેવું હતું જ નહીં .બધા પૂરા ઉત્સાહમાં હતા. મૂડમાં આવી શુભમે પણ એક ગીત ગાયું. બંને વેવાઇઓ પણ કેમ પાછળ રહી જાય ? આમે ય તેઓ વેવાઇ કયાં હતા ? વરસોથી મિત્રો જ હતા ને ? અને હમેશા દરિયાકિનારે રાત્રે ચાલવા જતા ત્યારે તેમની જુગલબંદી ચાલુ જ રહેતી. તો આજે ન ગાય એવું તો બને જ નહીં ને ? અને અંત લગ્ન ની થીમ થી કરી. પછી સમય ના અભાવે પૂરુ કરવું પડયું. કેમકે હજુ મોડી રાત્રે ગઝલનો અને જૂના સદાબહાર ગીતોનો કાર્યક્રમ તો બાકી હતો.

    લગ્નનો પ્રસંગ ઘરમાં કેવો ઉલ્લાસ ભરી દે છે.! થોડીવાર બધું ભૂલાઇ જવાય છે. રોશનીની ઝાકઝમાળ ઘરમાં કમ્પાઉન્ડમાં હતી. રોશની સાથે વેલકમના શબ્દો જાણે હવામાં ઝૂલી રહ્યા હતા. અને આવનારનું સ્વાગત કરી રહ્યા હતા. આ લહાવો કયા મા બાપને માણવો ન ગમે ?

    બેટા, સાચકલા સુખોની ક્ષણોથી જીવતરને શણગારજે. મા બાપ પાસે આશીર્વાદના શબ્દો નથી હોતા. આશીર્વાદની ભાવના તેમના અણુ અણુમાં થી પ્રગટતી હોય છે. “ ઉરે હતી વાત હજાર કહેવા, કિન્તુ નહીં ઓષ્ઠ દ્વય જરી યે ઉઘડયા, જલ્યા કર્યા અંતર સ્નેહ દીવા. ” એ સ્નેહ દીવાનો પ્રકાશ આજે ફકત તારા સુધી જ નહી સાસરે જતી દરેક દીકરી સુધી પહોંચે એ ભાવના સાથે. કેમકે આજે અહીં તારી વાત કરી ને તને દરેક દીકરીની પ્રતિનિધિ બનાવી છે ને? ” એક એક થતા તમ બેઉના હૈયામાં....રણકી રહો સ્નેહ ઝાંઝરી..”

    રાત્રે મોડે સુધી ગઝલની રમઝટ ચાલી. અરજણના બુલંદ સ્વરોથી વાતાવરણ ગૂંજી રહ્યું. તેની પસંદગી ની પણ દાદ દેવી જ રહી. શુભમે અને તેના ભાઇ બહેનોએ પણ સરસ ડાંસ કરી મહેફિલ ને એક ઉંચાઇએ પહોંચાડી. આજે તો ખાસ કદરદાન આમંત્રિતો જ હાજર હતા. સૂવાવાળા સૂઇ ગયા હતા. અને બાકી કોઇ ને આ મહેફિલ ખતમ કરવાનું મન નહોતું થતું. બધા શોખીન જીવો ને જાણે ગઝલનો નશો ચડયો હતો. અને મોડી રાત્રે અંતે મહેફિલ વિખરાણી ત્યારે પણ બધાના હૈયા ગાતા હતા.

    “ ખળખળ વહી જતી પળો,કાલે ન પણ મળે ઉગતા સૂરજનો રંગ છે આજે હાથમાં મુઠ્ઠી ભરી ગુલાલ ઉડાડીએ. ” મનભરીને માણતા સ્નેહીઓને જોઇ એક બહુ જાણીતું ઉદાહરણ યાદ આવી ગયું. એક ભવ્ય મંદિરનું બાંધકામ ચાલતું હતું. એક દિવસ મુખ્ય સ્થપતિ કામની તપાસ કરવા આવ્યા. એક મજૂરને જઇ પૂછયું, ‘ તમે શું કામ કરો છો ? ’ મજૂરે જવાબ આપ્યો, ‘ પથ્થર ફોડુ છું. ‘ બીજા મજૂરને પણ આ જ પ્રશ્ન પૂછ્યો, ત્યારે જવાબ મળ્યો , ’દીવાલ ચણીએ છીએ.’ ત્રીજા મજૂરને આ જ પ્રશ્ન પૂછતાં તેણે ઉત્સાહથી રણકતા અવાજે જવાબ આપ્યો,’ હું ભગવાનનું ભવ્ય મંદિર બાંધું છું. ’

    કામ તો બધાનું એ જ હતું. પણ મનની ભાવના કેટલી અલગ..! મજૂરી ભક્તિમાં ફેરવાઇ જાય ત્યારે કામ ઉત્તમ કક્ષાનું બની રહે અને કામ વેઠ બનવાને બદલે આનંદ અર્પી રહે. જીવનમાં આ વાત હમેશા યાદ રાખજે. કોઇ કામ વેઠ નથી. પૂરી તન્મયતાથી જીવનના દરેક કર્તવ્ય

    આનંદ..ઉત્સાહ સાથે કરીશ તો કાર્ય દીપી ઉઠશે. પથ્થરફોડા તો ઘણાં હોય છે. જીવનશિલ્પી બની શકવાનું સામર્થ્ય દરેકમાં હોતું નથી.

    અહીં પણ સગા, સ્નેહીઓ દિલના ઉત્સાહથી છલકતા હતા..તેથી દરેક પ્રસંગ ફકત ઔપચારિક વિધિ રહી જવાને બદલે રળિયામણા બની રહેતા હતા.

    અને હવે કાલે ?

    કાલે હજુ ગરબા..રાસની રમઝટ...તો બાકી જ છે. રોજ એક એક કાર્યક્રમ જ રાખેલ છે. જેથી બધા નિરાંતે માણી શકે. પૂરા છ દિવસ સુધી લગ્નની ઉજવણી ચાલવાની હતી.

    પણ કોઇને થાક કયાં લાગતૉ હતો ? કે લાગતો હતો..પણ ઉત્સાહના પૂરમાં એ દેખાતો કે અનુભવાતો નહોતો. એ બધું તો પ્રસંગ પૂરો થાય પછી જ ખબર પડે ને ? બસ...બેટા, હવે..હવે...છેલ્લા બે દિવસ.. વરસો, મહિનાઓ, દિવસો, કલાકો ગણતી રહેતી હું બે દિવસ પછી શું ગણીશ ? અને મનમાં ઉમટી આવી શ્યામ સાધુની આ પંક્તિ.

    “ તારા સ્મરણની એમ કૈં અસર પડી, ફૂલોની વચ્ચે જાણે કે મારી સફર પડી. ગુલમહોર ઝૂકી શેરીઓ સામે મળી છતાં...તારા વગર સવારની સૂની નજર પડી. ”

    તારા વગરની સૂની સવારની આદત પાડવાની રહી ને ?

    “ બેટા, જીવનમાં ગુલમહોરના રંગો મહોરી ઉઠે એ માટે સતત પ્રયત્નશીલ રહેવું પડે છે. ગુલમહોરની જેમ ઉનાળાનો તડકો ખમવો પડે છે. ત્યારે જીવનમાં ગુલમહોરની રતાશ પ્રગટી શકે છે. અને જીવનને ઠંડક અર્પી શકે છે. જીવનમાં સુખની ભરતી પણ આવશે અને દુ:ખની આંધી પણ કયારેક આવી ચડે...સુખની કિંમત દુ:ખના સમયમાં જ સમજાય છે. પણ કયારેય ઇશ્વર પ્રત્યેની શ્રધ્ધા ગુમાવીશ નહીં..

    ” જેટલી વેદના ,તેટલો સ્નેહ; જેટલી લૂ ઝરે,તેટલો મેહ ધન્ય છે કિરતાર તારી કળા, તેં દીધી ચેતના,તેં દીધી ચેહ.”

    પરમ ચેતનાનો તું અંશ છે. તારી અંદર ઇશ્વરે એક અદભૂત શક્તિ મૂકી છે. એ

    શક્તિને ઓળખી..તેનો આદર કરી..એને દિવ્યતા અર્પવાનો પ્રામાણિક પ્રયત્ન કરજે. કોઇની લીટી નાની કર્યા સિવાય તારી લીટી મોટી કરવાની ભાવના રાખજે. આજે પૈસો ખૂબ જરૂરી છે.. એ વાત સાચી છે. પણ કોઇ પણ ભોગે નહીં જ..એ કયારેય ભૂલીશ નહીં કે ભૂલવા દઇશ નહીં. જીવનની બાગડોર સ્ત્રીના હાથમાં જ છે. બેટા, એને સંભાળી રાખજે. જીવનમૂલ્યોના જાજેરા જતન કરજે અને કરાવજે.”

    “ પછી શાને કહીએ અસુંદર છીએ ; પરમના હાથે ઘડાયું, એ ઘડતર છીએ. “

    પરમના હાથે ઘડાયેલ ઘડતરનો આદર તો કરવો જ રહ્યો ને ?