દીકરી મારી દોસ્ત
.....મનપાંચમના મેળે..વાતો વહાલપની...
મધુરતાથી મહેકતી ...સ્નેહે છલકતી ...આંગણને અજવાળતી.
વહાલી ઝિલ, આજે ફોનમાં તારી સાથે કેટલીયે વાતો કરી. હવે આપણી વાતોનું કેન્દ્ર શુભમ બની ગયો છે. એ તને ખ્યાલ પણ કદાચ નહીં આવ્યો હોય. પણ મને તો બરાબર ખ્યાલ આવે છે. તારી વાતો ફરીફરીને કેન્દ્ર પાસે અનાયાસે પહોંચી જાય છે. અને હું મનોમન મલકાઉ છું. પણ એવું તને મોઢે જલ્દી થોડું કહેવાય ? તો તું ગુસ્સે થઇ ને તરત કહે, ‘ જાવ, નહીં કરું એની વાતો બસ...? અને મારી લાડલી રિસાઇ જાય એ મને કેમ પોષાય ? હું તો તારી મિત્ર પણ ખરી ને ? “ મળે જીવનને તાલ, ઉડે જો પ્રેમનો ગુલાલ ” તારા જીવનને પ્રેમનો શુભમરૂપી તાલ મળવાથી ગુલાલના રંગો જીવનમાં ઉડી રહ્યા છે. એ રંગોની સુરભિથી જીવનઝરણું ખળખળ નહીં ..પણ ધસમસતું વહી રહ્યું છે. અને એના કાંઠે ઉભીને અમે પણ ભીંજાઇએ છીએ.
મનમાં તો કંઇક ઘોડા દોડતા હોય છે.( તું એમ ન કહેતી કે ઘોડા જ કેમ ? ગધેડા કેમ ન દોડે ? કહીને હા હા કરતી હસી પડીશ.) એ હસવાની સાથે હું યે મલકી રહું છું. મનમંડપમાં પ્રસંગોના મેળા ઉભરાય છે. અને હું એ મનમેળામાં મહાલી રહું છું.(રમેશ પારેખના મનપાંચમનો મેળો અનાયાસે ડોકિયુ કરી જાય છે.) યાદ આપું મારા મલકાટના રહસ્યની. ?
” સજયો કેસરિયો સીમે શણગાર જો, ના ગમતું ગનાન, વાત વહાલપની માંડ ”
હા, તો વાત કરું છું વહાલપની..
તારી સ્કૂલના પહેલા વરસનો પહેલો દિવસ તને તો કયાંથી યાદ હોય ? ત્યારે તું પૂરા ત્રણ વરસની પણ નહોતી. પહેલે દિવસે બીજા બધા બાળકોની જેમ સ્કૂલે તો તું રડી નહીં. મને થયું કે અમે તને સ્કૂલ માટે પહેલેથી મેન્ટલી તૈયાર કરેલી.. એટલે વાંધો ન આવ્યો. અને હું મનોમન એને મારી સફળતા ગણી હરખાતી હતી.! ત્યાં....ત્યાં ઘેર આવી ને તેં તો કર્યો ભેંકડો ચાલુ. અને મેં કારણ પૂછયું તો કેવી યે નિર્દોષતાથી જવાબ આપ્યો, ‘ મને યે સ્કૂલમાં રડવું આવતું હતું..પણ ટીચરની બીક લાગતી હતી. એટલે ન’તી રડી..! હવે ઘેર તો રડું ને ?...’ અમે કેમે ય હસવું રોકી નહોતા શકયા. સ્કૂલમાં રડવાનું રહી ગયું હતું..એટલે ઘેર આવી ને પૂરુ તો કરવું ને ? વાહ બેટા, શાબાશ..! હું નકામી મારા પર હરખાતી હતી. જો કે ઘર પોતાનું છે..અહીં પોતે ધારે તે કરી શકે..સલામતીની આ કુદરતી ભાવના દરેક બાળકના મનમાં રહેલી હોય જ છે. બહારગામથી આવતા તમે ભાઇ બહેન થોડી વાર તો ઘરમાં બધા રૂમમાં ફરતા ફરતા કેવા કૂદકા મારતા..! એ મને બરાબર યાદ છે. પોતાના ઘરમાં તો દરેક બાળક રાજાપાઠમાં જ હોય ને ? એકવાર મને જોન્ડીસ થયેલ..હું હોસ્પીટલમાં હતી.ત્યારે તું સીનીયર..કે.જી.માં અને મીત એલ.કે.જી. માં હતા. ત્યારે તમને બંનેને મમ્મીની ચિંતા થયેલ.! કેવી ચિંતા ? લાકડાની ચિંતા.. પપ્પા આગળ એ ચિંતા વ્યકત પણ કરેલ, ‘ પપ્પા.મમ્મી મરી જાય તો આપણે યે કેટલા બધા લાકડા લેવા પડે ને ? ’ પપ્પાને તો હસવું કે રડવું એ યે સમજ ન પડી. ટી.વી.માં કયાંક તમે જોઇ લીધેલ અને હોસ્પીટલ, મરવા અને લાકડાનો સંબંધ તમારી રીતે જોડી લીધેલ. બાકી મરી જવું એટલે શું ? એ તમને કયાં ખબર હતી ?
કયા શિશુ પાસેથી આવું કંઇ ને કંઇ કયા મા બાપે નહીં સાંભળ્યું હોય ? ” શિશુમુખેથી ” એ નિર્દોષ ચંચળતા વાંચી ને.. અનુભવીને મલકયા વિના રહી શકાય ? સ્મિત...સાચા આનંદની શીતળ લહેરખીઓ આંતરમનને સ્પર્શ્યા વિના રહે જ નહીં ને ? દરેક મા બાપ માટે...ખાસ..તો જીવન સંધ્યાએ.. એ સ્મૃતિઓ જીવનનો ઉલ્લાસ બની રહે છે. જે જીવનને સભર..લીલુછમ્મ રાખે છે. અને એ સ્મરણોને વાગોળવાનો આનંદ તો આ ઉમરે જ સમજાય. ખાસ કરીને બાળકો જયારે ભૌતિક રીતે દૂર હોય..ઘરમાં એકાંત કે એકલતા હોય..ત્યારે દરેક મા બાપ માટે આ યાદો અણમોલ ખજાનો બની રહે છે. આજે અમે યાદ કરીએ છીએ..ત્યારે મને તો એમ કહેવાનું મન થાય છે..
” મુજ વીતી તુજ વીતશે...નહીં...., .પણ...મેં માણ્યું..તું માણશે...”
એ દિવસો યાદ છે ? તું ત્યારે તારી બધી બહેનપણીઓ સાથે મોળાવ્રત કરતી. અમારી જેમ જ. અમે પણ નાના હતા ત્યારે આ વ્રત કરતાં. અને પપ્પાના સ્વભાવને ઓળખતાં ઘણાં મિત્રો મને કહેતા, ‘ તમે અક્ષત ચોખાથી ગોરમા પૂજયા લાગે છે.. ’ દીકરીને સારો વર મળે એવી ભાવનાથી થતા આ વ્રત આજે તો ધીમે ધીમે શહેરમાંથી અદ્ર્શ્ય થતા જાય છે..એની પાછળ ઘણાં કારણો હશે ..છે..પણ એની ચર્ચા કયારેક કરીશું. અત્યારે તો આ વાત એટલે યાદ આવી કે હમણાં એક પાર્ટીમાં આ વિષયની ચર્ચા અમારા બધા વચ્ચે ચાલતી હતી. ત્યારે કોઇ એકહ્યું કે આ બધા વ્રતો છોકરીઓને કરાવવા પાછળનો હેતુ એ હતો કે સાસરે દીકરીને કદાચ સમયસર ખાવા ન મળે કે કયારેક કોઇ સંજોગોને લીધે ઓછું..મળે . અને પહેલાના જમાનામાં ઘરના બધા જ સભ્યો જમી લે પછી જ વહુથી જમાતું હતું. એટલે નાનપણથી વ્રત વિગેરે કરવાની આદત હોય તો તે સહન કરી શકે..!! અને કોઇ પણ વાતને ધર્મ સાથે જોડી દો..એટલે એનું પાલન થવાનું જ ને ? અને પુત્રી હોંશે હોંશે કરે.! એટલે એ વ્રતની સાથે સારા વરની ભાવના જોડી દીધી. છોકરાઓને કોઇ વ્રતો કરવાની જરૂર નથી પડતી.. છોકરીઓ તો સારી જ હોય ને બધી..!! ખેર.! આ બધા રિવાજો તે સમયના સમાજનું પ્રતિબિંબ પાડે છે. ત્યારે સમાજમાં દીકરીનું...સ્ત્રીનું સ્થાન કેવું હતું..એનો પરિચય મળે છે. દીકરીને ઘેર માતા પિતાથી ખવાય નહીં..ઘણાં સમાજમાં આવો નિયમ પણ જોવા મળે છે. જોકે સમય સાથે પરિવર્તન આવતું જાય છે. પણ છતાં હજુ યે આ પરંપરા સાવ નાબુદ તો નથી જ થઇ. આની પાછળ પણ સાચું કારણ એટલું જ કે દીકરી...સ્ત્રી ત્યારે સાસરામાં એટલી સ્વતંત્ર નહોતી કે ઘેર આવેલ મા બાપને પોતાની ઇચ્છાથી જમાડી શકે.!!
એટલે દીકરીને દુ:ખ ન થાય માટે રિવાજ બનાવી દીધો.. સમાજને સુધારી ન શકયા..પણ દીકરી સહજતાથી સ્વીકારી શકે માટે નિયમ જ બનાવી દીધો. જન્મદાતા મા બાપને એ જમાનામાં દીકરી પોતાની ઇચ્છાથી પાણીનો પ્યાલો આપવા પણ કયાં સમર્થ હતી ? દીકરીના મા બાપ જાણે સદાના ઓશિયાળા..! દહેજનો કુરિવાજ પણ એ સમયના સંજોગોને લીધે અસ્તિત્વમાં આવ્યો. કે દીકરીને ભવિષ્યમાં કોઇ તકલીફ આવે તો એ સ્ત્રી ધન તેનું ગણાય. અને તેને મદદરૂપ થઇ શકે. એટલે દીકરીને સાસરામાં તકલીફ પડે એ વાત કેટલી સામાન્ય ગણાતી હશે..જેથી આવો રિવાજ શરૂ કરવાની જરૂરિયાત ઉભી થઇ હશે !
દીકરીને મદદરૂપ થવાની ભાવનાથી શરૂ થયેલ આ રિવાજ આજે દેખાદેખીથી વિકૃતિ પામી દીકરાના મા બાપ માટે જાણે વણલખ્યો અધિકાર બની ગયો..દીકરીના માતા પિતા પાસેથી લેવાનો. અને દહેજ ના ખપ્પરમાં કંઇ કેટલીયે દીકરીઓ હોમાતી ગઇ. સરકાર કાયદો કરી શકે પણ..એનો અમલ સંપૂર્ણ રીતે તો સમાજ..કે પછી દીકરી જાતે કરી શકે..હું તો સ્પષ્ટ રીતે માનું છું કે આજે પુત્રીએ જાતે જ દહેજની માગણી કરનાર છોકરા સાથે જીવન જોડવાનો ઇન્કાર કરવો જોઇએ. આજે એકવીસમી સદીમાં યે ઘણી જગ્યાએ દીકરાના ભાવતાલ થાય છે. છોકરો જેમ વધુ ભણેલ હોય તેમ દહેજનો આકડો ઉંચો.... દીકરાને ભણાવ્યો તેનો ખર્ચો જાણે દીકરીના મા બાપ પાસેથી વસૂલ કરવાનો તેમનો હક્ક છે. શિક્ષિત ગણાતા દક્ષિણના રાજ્યોમાં આજે પણ આ રિવાજ...કુરિવાજ અમલમાં છે જ.
યાદ છે..આપણી બાજુમાં રહેતા ડોકટર નાયરને એક દીકરી હતી. તેમને પુત્રની ખૂબ ઇચ્છા હતી. છતાં બીજા સંતાન માટે તેઓ વિચારતા નહોતા. પૂછ્યું ત્યારે જવાબ મળ્યો કે ‘ કદાચ બીજી દીકરી આવે તો...? WE CAN NOT AFFORD SECOND DAUGHTER. ’
શિક્ષિત માણસની પણ આ હાલત હોય તો બીજા સામાન્ય લોકોની દશા કેવી હશે ? દીકરીના મા બાપની મજબૂરી સાંભળીએ ત્યારે મન ઉદાસ બની જાય છે. આ માટે દીકરીએ જાતે જ હિમત કરીને આગળ આવવું રહ્યું. દહેજની માગણી કરનાર છોકરા સાથે લગ્ન કરવાની ના પાડવાની હિમત દીકરીએ જ કેળવવી રહી. અને માતા પિતાએ એને સાથ, સહકાર, હિમત આપવા જોઇએ. કોઇ પણ છોકરી દહેજ માગતા છોકરા સાથે પરણે જ નહીં..તો..અંતે એણે સ્વીકાર કરવો જ પડે ને ? બાકી એ ન થાય ત્યાં સુધી તો આ પરિસ્થિતિમાં ‘દીકરી વહાલનો દરિયો ‘ નહીં.. ચિંતાનો દરિયો જ બની રહે ને ? પરિવર્તન આવવું જ રહ્યું..સમય બદલાયો છે ત્યારે આ બધા રિવાજોમાં બદલાવ કેમ નહીં ?
મનમાં પ્રશ્નો ઉઠતા રહે છે....એ આશા સાથે કે ....દહેજના દૂષણનો એક દિવસ જરૂર અંત આવશે અને ત્યારે દીકરી દરેક વર્ગમાં સાચા અર્થમાં વહાલનો દરિયો બની રહેશે..
દીકરીની વાત આવે એટલે હું મનને રોકી શકતી નથી. મનમાં જે વિચારો આવે છે તે ડાયરીના આ પાનાઓ પર ઉતાર્યે જાઉ છું. કયારેક તું વાંચે ત્યારે વિચારજે. કદાચ હું આ દુનિયામાંથી વિદાય લઉં ત્યાં સુધીમાં આ રિવાજ સાવ નાબુદ ન પણ થાય. પરંતુ જયારે પણ તને લાગે કે હવે દહેજનો આ કુરિવાજ લગભગ બંધ થઇ શકયો છે ત્યારે મમ્મીને યાદ કરીને આ જ ડાયરીમાં બે લાઇન જરૂર લખજે..એ દિવસ જરૂર આવશે જ એવી અંતરમાં શ્રધ્ધા છે.
” શ્રધ્ધા જ મારી લઇ ગઇ મંઝિલ ઉપર મને......” આ પળે તો એ મંઝિલ મળી રહે..એ પ્રાર્થના કરું છું. અને ફરી એકવાર વર્તમાન સાથે તાર જોડવાનો પ્રયત્ન કરું છું. આજે તારી સૃષ્ટિ ..તારું વિશ્વ સ્વાભાવિકતાથી બદલાઇ ગયું છે. પરિવર્તન જીવનનો સહજ, કુદરતી ક્રમ છે. તારી આંખોમાં આજે ભાવિના..જીવનસાથીના સપના ડોકાય છે. અને અમારી આંખે ઉઘડે છે અતીતની યાદો. દરેક અવસ્થાનું એક ગૌરવ..એક આગવું સૌન્દર્ય હોય છે. એ સ્વીકારી ને અમે દરેક પળને આનંદથી માણી રહ્યા છીએ. કોઇ અફસોસ વિના.
” આયખુ જમનાજળ, વહેવાનું ખળખળ,
મારગડે મળે કોઇ પળ બે પળ ”
જીવનવાટમાં કેટલાયે લોકો મળતા રહે છે. સારા નરસા અનુભવો થતા રહે છે. દરેક અનુભવ આપણને કંઇક શીખડાવતો જાય છે. અને અત્યારે કદાચ એનું મહત્વ ન સમજાય પણ એક દિવસ જીવનસંધ્યા ના સમયે એ અનુભવો જીવનપાથેય બની રહે છે.
શું વાતો કરી આજે શુભમ સાથે ? ભણવાનું કેમ ચાલે છે..એ પૂછીશ તો હમેશની જેમ તારો એ જ જવાબ હશે..રીઝ્લ્ટ આવે એટલે જોઇ લેવાનું. અને રીઝલ્ટ જોયા પછી કયારેય મારે કંઇ પૂછવાનું તમે ભાઇ બહેને રાખ્યું નથી જ. એટલે એ જવાબ મને ચાલી જાય છે.
પત્રના જમાના તો ગયા હવે. બારસાખે ઉભી ટપાલી ની પ્રતીક્ષા કરતી યુવતી ની વાતો તો કોઇ કવિના કલ્પના પ્રદેશમાં જ..કાવ્ય માં જ જોવા મળે ને ?
હવે તો ..ફોનની ઘંટડીઓ રણકતી રહે અને કી બોર્ડની ચાંપો દબાતી રહે...
અને હાય...અને બાય....છલકતા રહે... બસ..ખુશ રહો...બેટા,ખુશહાલ રહો..
” આંગણામાં વાવ્યું છે વૃક્ષ મેં કદંબનું, એ છે પ્રતીક આપણા સ્નેહના પ્રસંગનું. ”
“ બેટા, લગ્ન એટલે સહજીવનની શરૂઆત. સાચા અર્થમાં એ સહજીવન બની રહેવું જોઇએ. દીકરી તરીકે અત્યાર સુધી તારે ભાગે ફરજ કરતાં હક્ક નો વહાલભર્યો દાવો વધારે આવ્યો છે. હવે નવજીવનમાં તારે કર્તવ્ય નો ભાગ બજાવવાનો વધુ આવે તો એમાં યે મારી દીકરી પાછી નહીં જ પડે..એની મને ખાત્રી છે..પતિના તેના કુટુંબ સાથેના સંબંધો તારા એ ઘરમાં પ્રવેશવાથી ઓછા થવાને બદલે વધવા જોઇએ. દરેક વખતે તારી જાતને બીજાની જગ્યાએ મૂકી ને જોતા શીખીશ તો મોટા ભાગના પ્રશ્નો ઉપસ્થિત જ નહીં થાય. કોઇ પણ મા હોંશથી દીકરાને પરણાવે છે..ત્યારે દીકરાને માથી વિખૂટા પાડવાની ભૂલ મારી દીકરી ન જ કરે. એક દિવસ તું યે મા બનવાની જ છે ને ? અને તારી મમ્મી પણ એક દીકરાની મા છે જ ને ? બસ...બધું આમાં આવી ગયું.. બેટા, લોહીની સગાઇ માં બેદરકારી કદાચ પોષાય. મા દીકરી એક બીજાને ગમે તે કહી લે..પણ બંને જાણે છે કે એમના હૈયાનો સ્નેહ અકબંધ છે. પણ હવે જયારે તું અન્યના આંગણે જાય છે ત્યારે સંબંધોની માવજત કરવી પડે છે. એને કાળજીથી ઉછેરવા પડે છે. સંબંધોનું જતન, માવજત કરવી જ રહી. કયારેય પિયર અને સાસરાની સરખામણી કરીશ નહીં. બાકી તારી સમજણ પર મને પૂરો વિશ્વાસ છે જ.. તમારું સહજીવન સખ્યજીવન પણ બની રહો....”