દીકરી મારી દોસ્ત (પ્રકરણ - 3) Nilam Doshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દીકરી મારી દોસ્ત (પ્રકરણ - 3)

દીકરી મારી દોસ્ત

 • 3....
 • અન્યના ઘરમાં રણકતું દીકરીનું ઝાંઝર.
 • બારમાસી વાદળી, હેતે ઝરમરતી, વરસતી બારે ય માસ.

  મારી લાડલી..ઝિલ,

  કાલે તારો ફોન બહુ મોડો આવ્યો. તમે બંને પિકચર જોવા ગયા હતા..એટલે મોડુ થઇ ગયું. શુભમે તને કહ્યું પણ ખરું કે હવે આટલો મોડો ફોન કરી ને મમ્મીની ઉંઘ ન બગાડ. કાલે સવારે વહેલો કરી લેજે. પણ તને ખબર હતી કે મમ્મી ને ત્યાં સુધી ઉંઘ નહીં જ આવી હોય.! મમ્મી રાહ જોતી જ હશે..અને તું સાચી હતી. ‘મમ્મા....,’ ઉત્સાહથી છલકાતો તારો અવાજ ન સાંભળુ ત્યાં સુધી ઉંઘ કેમ આવે ? અને તારી વાતો સાંભળી મને નિરાંત થઇ. આમ તો મને શુભમ ના સ્વભાવની ખબર છે જ. છતાં તારી પાસેથી સાંભળી ને મનમાં એક સંતોષ થાય છે. તું સંવેદનશીલ છે. અને તારી સંવેદનાઓને સમજી શકે તેવો સાથી તને મળ્યો છે એનો આનંદ છે. બસ..તારો ફોન આવી ગયો. હવે મને નિરાંત. હવે તું તારી મીઠી કલ્પનાઓમાં ..મનગમતા સાથી સાથે નવજીવનના સ્વપ્નાઓમાં ને હું ...હું..ફરી એકવાર તારી સાથે યાદોની કુંજગલીઓમાં ... ” આજ અમે બધું સંભારવા બેઠા...પાનખરે લીલી વસંતને ખોળવા બેઠા.” આજે યે મને યાદ છે. તું કળીની જેમ ખીલતી જતી હતી. કેટકેટલા તારા નામ અમે પાડતા..જૂઇ, ચંપાકલી. ચંપુ (અને મૉટી થતા ચંપુ ચાગલી..! )સોનુ, બિટ્ટુ. લાડલી, મીઠી ...મન પડે એ નામે બોલાવીએ તો યે તને સમજાઇ જાય કે આ મને જ કહે છે..અને તું તરત સામે જોઇ મીઠુ હસી દેતી. આ હાસ્યની તોલે કંઇ આવી શકે ખરું ? પપ્પા તો રાત્રે ફળિયામાં ફરતા ફરતા તને બે હાથમાં લઇ ચાંદા મામા અને તારલાઓ બતાવ્યા કરે. ને વાતો કર્યા કરે..ને તું જાણે બધું સમજતી હોય તેમ હોંશથી સાંભળતી રહે. તારી પાણીદાર આંખો ચમકતી રહે. અને એ ચમક પાસે ચાંદ.... તારા.. યે અમને ફિક્કા લાગતા.

  હું ઘણીવાર પપ્પાની મસ્તી કરું કે તમારી દીકરી હજુ છ મહિનાની છે. એ યાદ છે ને ? આ તમારું ભાષણ એ સમજવાની છે ? ’પપ્પા કહેતા ’ એ સમજે કે ન સમજે હું તો મારી દીકરી સાથે વાત કર્યાનો સંતોષ લઉ છું ને.! ‘ આજે યે પપ્પા આવે ને તારી આંખોમાં એક ચમક આવી જાય છે એના મૂળ કદાચ આ હશે.! તારી સાચી ખોટી બધી જીદ પપ્પા હોંશે હોંશે પૂરા કરતા. એમાં મારી ના પણ કયાં ચાલતી ? મને યાદ આવે છે. તું ચાલતા શીખી એ દિવસ..... શિશુ પ્રથમ પગલું ભરે એ મારી જેમ પ્રત્યેક મા માટે એક સંભારણું બની રહે છે. એની આંખોમાં અને અંતરમાં એ દ્રશ્ય હમેશ માટે અંકિત થઇ જાય છે. અને કયારેક એકલા એકલા પણ એ યાદો સાથે મલકાઇ જવાય છે.

  એ દિવસે પ્રથમ વાર રણકેલ તારા ઝાંઝરના છમછમ અવાજે અમારું વિશ્વ ગૂંજી ઉઠેલ. તું એક પગલું માંડતી. .વળી ગબડી પડતી. અને ફરી એકવાર પ્રયત્ન કરવા ઉભી થઇ જતી. અને અંતે ચાલી ને દૂર મૂકેલ રમકડા સુધી પહોંચી જ જતી.અને કેવા વટથી, ગૌરવથી અમારી સામે જોઇ રહેતી. કંઇક મૉટી સિધ્ધિ મેળવી લીધી હોય તેમ.! બેટા, જીવનના ચડાવ ઉતાર પણ આમ જ પાર કરતી રહીશ..એની ખાત્રી છે. અને ત્યારે વટથી તારા તરફ જોવાનો વારો અમારો હશે. અને અમે એ ગૌરવ માણી રહીશું.

  યાદ છે ને એલીનોર પોર્ટરનું પુસ્તક “ પોલીએના. “ ( રશ્મિબહેન ત્રિવેદીએ એનો સુંદર અનુવાદ ગુજરાતીમાં પણ કરેલ છે .) આપણે સાથે કેટલીયે વાર વાંચેલ છે. અને મેં તો મારા બધા વિધાર્થીઓ પાસે પણ અવારનવાર આ પુસ્તકની વાત કરેલી છે. અને અખંડ આનંદ મેગેઝિનમાં પણ આ પુસ્તકનું રસદર્શન એટલે જ કરાવેલ..કે આ તો વાંચી ને વહેચવા જેવો ગુલાલ છે..શ્રી મકરંદ દવે ના કહ્યા મુજબ ગમતું મળે તો એને ગૂંજે થોડું ભરી રખાય છે ? જીવન પ્રત્યે સતત હકારાત્મક અભિગમ નો સંદેશ આપતું આ પુસ્તક મને ખૂબ પ્રિય છે. અને હું તો માનુ છું દરેક વ્યક્તિએ આ પુસ્તક વાંચવું જ જોઇએ. એક વાર નહીં અનેકવાર...વારંવાર...! દસ વરસની માસુમ છોકરી પોલીએના નો જીવન તરફનો અભિગમ તો જુઓ.! ..

  1 ..આપણી પાસે કપડા વધારે ન હોય તો..?.. બધું જલ્દી ગોઠવાઇ જાય. 2...ફૂલો જલ્દી કરમાઇ જાય છે..તો જ બીજા તાજા નવા ફૂલો જલ્દી લઇ શકાય ને? 3...પગ ભાંગ્યો છે તો....એક જ ભાંગ્યો છે ને ? હાશ ! બીજો તો સલામત છે.! 4 ...સોમવાર નથી ગમતો....તો બીજો સોમવાર આવવાને તો હજુ છ દિવસની વાર છે ને ? એમ વિચારીને ખુશ કેમ ન થઇ શકાય?

  કોઇ ભારેખમ શબ્દો વિના, કોઇ સલાહ સૂચનો વિના આવા કેટલા યે સુંદર ઉદાહરણોથી સભર આ પુસ્તક આપણને ગમે તેવા નિરાશાજનક સંજોગોમાં પણ કેમ ખુશ રહેવું એ “ રાજી રહેવાની રમત “ દ્વારા શીખવાડે છે. દરેક વાતમાંથી કંઇક રાજી થવા જેવું શોધી કાઢવું એ આ રમતનું હાર્દ છે.

  પોલીએનાને ..આ નાનકડી બાળકીને એકવાર ઢીંગલી જોઇતી હતી..તેના બદલામાં મળે છે તેને અપંગો માટેની કાંખઘોડી. અને હવે આમાં કેમ ખુશ થવું એ પોલીએના વિચારી શકતી નથી..ત્યારે એના પિતા એને કહે છે ‘ આ કાંખઘોડીની તારે જરૂર તો નથી..! એમ વિચારીને તું ખુશ ન થઇ શકે ? ’ અને બાળકી ખુશખુશાલ થઇ જાય છે. અને પછી તો તે નાનકડી છોકરી આ સુંદર રમતનો ચેપ કેટલા લોકોને લગાડી તેમના જીવનમાં કેવા સુંદર બદલાવ લાવે છે..તે લેખિકાએ સરસ મજાના પ્રસંગો દ્વારા દર્શાવેલ છે. ‘ અને આ રાજી રહેવાની આ રમત જેમ અઘરી તેમ રમવાની વધુ મજા આવે..’ આમ કહી પોલીએના દરેક વાતમાંથી ખુશ કેમ થઇ શકાય તે શોધી કાઢે છે. પોતે રમે છે અને બીજા ને પણ આ અદભૂત રમત રમતા કરી સૌના જીવનમાં ખુશહાલી ભરી દે છે. એનો અંત..યાદ છે ને ? પોલીએનાને અકસ્માત થાય છે. એ હમેશ માટે અપંગ થઇ જાય છે. અને થોડા સમય માટે તે આ “ રાજી રહેવાની આ રમત “ રમી નથી શકતી...અને ત્યારે આજ સુધી જે જે લોકોને તેણે ખુશ કર્યા હતા..તે લોકો તેની પાસે છલકતી ખુશી લઇને આવે છે. અને અંતે પોલીએના ફરી એકવાર એ રમત રમી શકે છે. અને શોધી કાઢે છે ,’ હું કેમ ખુશ ન થઇ શકું ? મારે કયારેક તો પગ હતા ને ? ‘ અને એ ખુશખુશાલ થઇ જાય છે. અહીં વાર્તા પૂરી થાય છે. આવા પુસ્તકો કેવો સુંદર સંદેશ અનાયાસે, સહજતાથી આપી જાય છે. હકારાત્મક અભિગમનો સંદેશ આપતા ઘણાં પુસ્તકો વાંચેલ છે. પણ મને તો આ સૌથી સુંદર અને સહજ લાગ્યું છે. કોઇને પણ ભેટ આપવા માટે મને તો આ પુસ્તક ખૂબ ગમે છે.

  રાજી રહેવાની આ રમત હમેશા યાદ રાખજે, બેટા, તો જીવનમાં કયારેય નિરાશ નહીં થવાય. આવા સુંદર પુસ્તકો જીવનને સભર બનાવે છે. લીલુછમ્મ રાખે છે. “ books are our never failing friends” એનાથી તું કયાં અપરિચિત છો ? પાનખરને સામાન્ય રીતે પાંદડું ખર્યાની વેળા કહેવાય છે. પણ હકારાત્મક અભિગમ ધરાવતી વ્યક્તિ એને કૂંપળ ફૂટયાની વેળા જ કહે ને ? કોઇને ખરતું પર્ણ દેખાય કોઇને ફૂટતી કૂંપળ દેખાય. આપણું ધ્યાન હમેશ ફૂટતી કૂંપળ તરફ રહે તો જીવનમાં કયારેય નિરાશા કેમ પ્રવેશી શકે ?

  થોડી બીજી વાતે ચડી ગઇ ને ? પણ તું તો જાણે છે..પુસ્તકોની વાત આવે એટલે હું બધું ભૂલી જાઉ છું. તમે બંને દૂર હો છો ત્યારે એ જ તો મારા સાચા સાથી , સંગાથી બની રહે છે.

  ”સ્મરણોની કિતાબના આજે ખોલ્યા છે પાના, વીતેલા પ્રસંગો મહેકતા મળે છે છાનાછાના.”

  તે દિવસે તું ચાલતા શીખી અને પછી તો મારી જૂઇની કળી દિવસે દિવસે વિકસતી જતી હતી. રોજ પપ્પા ઓફિસેથી આવે ત્યારે પહેલો પ્રશ્ન એ જ હોય કે આજે ઝિલ નવુ શું શીખી. અને હું તારા નખરા કહેવા માટે ઉભરાતી હોઉં. જગતની બધી દીકરીઓ..બધા બાળકો આ બધું કરતા જ હોય છે. બધા નખરા શીખતા જ હોય છે. દરેક મા બાપના તેના બાળકને પૂછાતા સનાતન પ્રશ્નો..અમે યે પૂછતા. Where is your eyes ? અને એના જવાબમાં તું આંખો પટપટાવતી....અને એવા બધા પ્રશ્નોના જવાબ હજુ બોલતા ન શીખી હોવાથી તું તારા શરીરના અંગોને સ્પર્શ કરીને આપતી..અને અમે તો કેવા યે હરખાતા..જાણે અમારી દીકરી કેટલું યે શીખી ગઇ.! અને દરેક મા બાપની જેમ અમને યે એમ જ થતું કે ઓહો.. અમારી ઝિલ કેવી સ્માર્ટ ! જાણે દુનિયામાં અમારી એકની દીકરી જ હોંશિયાર ..અને બાકી બધા જાણે ભાજી મૂળા..! પણ કદાચ આ સ્વાભાવિક લાગણી હશે.. દરેક મા બાપ માટે. અને કદાચ એથી જ કહેવત પડી હશે કે ” સીદીભાઇને સીદકા વહાલા ”

  જો કે તું કંઇ સીદી જેવી જરાયે નહોતી હોં. તારો ગૌરવર્ણ જોઇને તો બધા તને જૂઇની કળી કહેતા. કે કોઇ ચંપાનુ ફૂલ કહેતા. અને અમે હરખથી ઢોળાઇ જતા..બા કહેતા કે ’ છોકરી ઉજળી છે. છોકરો સારો મળશે. આપણા વાણિયાભાઇની છોકરીઓ જેવી ઘઉંવર્ણી નથી. ‘ બા કાળી શબ્દ ન વાપરતા. ચણિયાચોલી પહેરી, હાથમાં ઘણી બધી બંગડીઓ અને પગમાં ઝાંઝર ઝમકાવતી તું પપ્પા સાથે હાથ પકડી ચાલવા નીકળતી ત્યારે ઘણાં તો ખાસ તને જોવા માટે બહાર નીકળતા. અને કોઇ મને હસીને કહેતા, ‘ તમારી ઝમકુડી નીકળી....’ અને હું હોંશે હોંશે મારી ઝમકુડીને નીરખી રહેતી.

  આજે મારી ઝમકુડી કોઇ બીજા ઘરમાં રણકી રહે છે. દરેક ‘ ઝમકુડી ‘ ને અન્યના ઘરમાં જઇ રણકવાનું છે. ઇશ્વર એ બધાનો રણકાર હમેશા ગૂંજતો રાખે. બસ..આંખ ને હવે વરસવાની ટેવ..કુટેવ પડી ગઇ છે. ધીમે ધીમે ટેવાતું જવાશે. આજે તો તમે તમારા કોઇ સગાને ત્યાં જમવા ગયા હતા ને ? કેવું વિચિત્ર લાગે છે.”.તારા સગા..” તારા ને મારા સગા જુદા પડી ગયા ? એક રાતમાં બિલાડીના ટોપની જેમ કેટલા સંબંધો ફૂટી નીકળ્યા નહીં ? આપણે ત્યાં એટલે જ કહેવાયું છે. સગાઇથી ફકત છોકરો છોકરી જ નથી જોડાતા..જોડાય છે બે કુટુંબ..! જોડાય છે બે અલગ માહોલ.! બે અલગ રીતે ઉછરેલ વ્યક્તિત્વો.! જેને એક થઇ ને સામંજસ્ય સાધવાનું છે. દ્વૈતમાંથી અદ્વૈત તરફ જવાનું છે. પણ કેટલા જઇ શકે છે ? એક છોકરીમાં..સ્ત્રીમાં જ આ તાકાત...આ શક્તિ છે..બીજાને આટલી જલ્દીથી , સહેલાઇથી અપનાવી શકે..પારકાને પોતાના કરી શકે..! જયાં જન્મ લીધો...પ્રથમ આંખો ખોલી..મુકત મને મુકત વાતાવરણમાં ઉછરી...એ બધું છોડી.. એક નવી જવાબદારી સાથે અન્યને ઘેર જઇ સામંજસ્ય સાધવાનું કાર્ય આસાન નથી જ. અને છતાં સ્ત્રી ના જીવનમાં આ સદીઓથી એટલી સહજ રીતે વણાઇ ગયું છે..કે કોઇ ને આ વાત અઘરી નથી લાગતી..કોઇને આમાં કંઇ નવું નથી લાગતું. જયાં જશે ત્યાં પ્રેમ મળશે કે કેમ ? લાગણી મળશે કે કેમ કોઇ ખાત્રી ખરી ? જેને ભાગ્ય માની સ્વીકારેલ છે..એ એને લાયક હશે કે કેમ ? કેટકેટલા પ્રશ્નો ? જેનો કોઇ ચોક્કસ જવાબ નહીં. અને છતાં દરેક છોકરી હોંશે હોંશે જાય છે. પ્રેમાળ માતા પિતાને છોડી ને જાય છે. પોતાના આગવા વિશ્વમાં તેનું આ પ્રયાણ સુખરૂપ બની રહે. એ પ્રાર્થના જ કરવાની રહી ને ?

  આજે તો તારી આંખોમાં શમણાઓ ગુલમહોર થઇ ઉગે છે. એ શમણાઓ સૌ સાકાર બનો. જીવનમાં એ રંગો ખીલી ઉઠે.. એ આશિષ સાથે ..આજે આટલું જ. હવે કાલે મળીશું ને ? તારા લગ્ન થાય ત્યાં સુધી રોજ શબ્દોના સહારે મારી આ ડાયરીના પાનાઓમાં હું તને મળતી રહીશ કદાચ તારી જાણ બહાર.

  ” શમણામાં ચૂંટેલું મોગરાનું એક ફૂલ, પાનેતર પહેરે પરોઢમાં...”

  “ બેટા, દરેક પુત્રી સાસરે જાય છે ત્યારે આંખમાં અગણિત સપનાઓ હોય છે. ભાવિ જીવનની મધુર કલ્પનાઓ હોય છે. સામે પક્ષે દરેક સાસુને પણ દીકરાને પરણાવવાની હોંશ....ઉમળકો હોય છે. બેમાંથી કોઇ પક્ષ કયારેય એવું વિચારીને નક્કી કરતા નથી હોતા કે વહુને દુ:ખ દેવું , કે સાસુને હેરાન કરવી..કોઇ ના મનમાં પહેલેથી એ વાત કયારેય નથી હોતી..અને છતાં...છતાં અગણિત કિસ્સાઓમાં એવું બનતું આપણે જોઇએ છીએ કે સાસુ, વહુ વચ્ચે એ મીઠાશ જળવાઇ રહેતી નથી. કારણો એનાં ઘણાં હશે.....દરેક માટે અલગ અલગ હશે..પરંતુ બંને પક્ષ થોડી સમજદારી દાખવે તો સાસુ , વહુ વચ્ચે ઉભા થતાં ઘણાં પ્રશ્નો સોલ્વ થઇ શકે. લગ્ન થાય એટલે ફકત પતિ સાથે જ સંબંધ..અને બાકી બધા પારકા..એ ભાવના કયારેય મનમાં ઊગવા દઇશ નહીં. જે દીકરાને વરસોથી સ્નેહથી મૉટો કરેલ છે..એ દીકરા પર શું વહુ આવે એટલે બધો અધિકાર એક મા નો જતો રહે ?

  વહુ આવે એટલે પોતાના અધિકારમાં કોઇ ભાગ પડાવે છે..એવું વિચાર્યા સિવાય સાસુ એ પણ હોંશથી આવનાર વહુને અપનાવવી જોઇએ જ. એ પોતાના માતા, પિતા બધાને છોડીને આવી છે.. તમારા વિશ્વાસે..ત્યારે એને સ્નેહથી અપનાવવી એ સાસુની ફરજ છે જ. એ નાની હોવાથી,.કયારેક કોઇ ભૂલ પણ થાય..તમારા અને એના કુટુંબનું વાતાવરણ અલગ હોય ..એ સ્વાભાવિક છે. ત્યારે વહુનું કોઇ વર્તન સાસુને યોગ્ય ન લાગે તો પાસે બેસાડી સ્નેહથી તેને તેની ભૂલ બતાવો..મનમાં કોઇ પૂર્વગ્રહ રાખ્યા સિવાય..સમજાવો..તો ઘરમાં જરૂર સંવાદિતા સધાઇ શકે.

  વહુ વિચારે કે મારો ભાઇ મારી મમ્મી સાથે આવું વર્તન કરે તો ? અને સાસુ વિચારે કે મારી પુત્રી સાથે કોઇ આવું વર્તન કરે તો ? જરૂર છે ફકત દ્રષ્ટિ બદલવાની. બસ.. “ તેજી ને તો ટકોર જ ને ? “