દીકરી મારી દોસ્ત (પ્રકરણ - 1) Nilam Doshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દીકરી મારી દોસ્ત (પ્રકરણ - 1)

દીકરી મારી દોસ્ત

1....દીકરીનો જન્મ છલકતી ખુશી કે ફફડતી ચિંતા ?

દીકરી......પ્રેમનો પર્યાય

વહાલનો ઘૂઘવાટ...

અંતરનો ઉજાસ

તારીખ: 11-12-2004

વહાલી ઝિલ, આજે તારી સગાઇ થઇ. તારા મનપસંદ પાત્ર સાથે. તારી આંખોમાં છલક્તી ખુશી હું માણી શકી. આજે પહેલીવાર તું સાસરે ગઇ. મારી નાનકડી દીકરી આટલી મોટી થઇ ગઇ અને મને ખબર સુધ્ધાં ન પડી. દરેક દીકરી માની નજર સમક્ષ મોટી થાય છે. અને છતાં મારી જેમ કોઇ માને કયારેય ખબર નથી પડતી કે દીકરી આટલી મોટી કયારે થઇ ગઇ ? આજે તારી સગાઇની સાથે સાથે મન:ચક્ષુ સમક્ષ કેટલીયે યાદોનો અંબાર ઉમટી આવ્યો.

“ મેળાની જેમ દિલ મહીં ઉભરાય પ્રસંગો, આંસુ થઇ આંખમાં છલકાય પ્રસંગો.”

અશ્રુથી ધૂંધળી બનેલ મારી આંખોમાં વીસ વરસ પહેલાનું દ્રશ્ય તરવરી રહે છે. નવજાત, ગોરી ગોરી, નાનકડી સુંદર ઢીંગલી ને પ્રથમવાર નર્સ મારા પડખામાં મૂકી ગઇ. હું તને ટગરટગર જોઇ રહી હતી. આ...આ મારું સંતાન છે ? મારા જ અસ્તિત્વનો એક અંશ ? તારી આંખો બંધ હતી. કદાચ મનમાં હશે કે પહેલાં મમ્મી બોલાવે તો જ આંખો ખોલુ. મેં ડરતાં ડરતાં ધીમેથી....એક નાજુકાઇથી તને પ્રથમ સ્પર્શ કર્યો..અંતરમાં કેટલીયે મિશ્ર લાગણીઓના પ્રતિઘોષ ઉઠતા હતા..નવ મહિનાથી કલ્પના તો કરી હતી તારા આગમનની...પણ જયારે ખરેખર તું અવતરી..ત્યારે હું કદાચ મૂઢ થઇ ગઇ હતી. કંઇ સમજાતું નહોતું. હું શું કરું ? હવે શું કરવાનું ? મારી અંદર ઉઠી રહેલ ઉર્મિઓના છલકતા પ્રચંડ પૂરને હું સમજી નહોતી શકતી.

અચાનક તેં તારી નાનકડી આંખો ખોલી અને મારી સામે સ્મિત ફરકાવ્યું કે પછી....... મને એવું લાગ્યું....તે આજે યે પૂરી ખબર નથી.

’ મા, હું....તારી નાનકડી દીકરી...મા, મને વહાલ કરીશ ને ? આ દુનિયા મને દેખાડીશને ? સમજાવીશને ? મને બીક તો નહીં લાગે ને ? ના,રે તું છો મારી પાસે પછી મને ડર શાનો ?....’

આવું આવું તું કંઇ કહેતી નહોતી.....પણ હું સાંભળતી હતી. એક શિશુ... જેનો બધો આધાર તમારા એક પર હોય...એવું અનુભવો ત્યારે કેવી લાગણીઓ અંદર ઉઠે ? હું ડરતી હતી....આને ઉપાડાય ? તેડાય ? કંઇ થઇ તો નહીં જાય ને ? વાગી તો નહીં જાય ને ? કયારેય કોઇ નવજાત બાળકને તેડયું તો શું જોયુ પણ નહોતું. આપણા આખા કુટુંબમાં તું પહેલી જ હતી ને ? મનમાં ઊર્મિઓના ધોધ ઉછળતા હતા..પણ હું સમજી નહોતી શકતી. હું તો હમણાં સુધી કોલેજમાં ભણતી હતી. મસ્તી કરતી એક છોકરી હતી. અને આજે મા બની ગઇ ! નવ મહિનાથી આ પ્રસંગની ખબર હતી..છતાં આ ક્ષણે એને સ્વીકારતાં, સમજતાં મને થોડી મિનિટો જરૂર લાગી હતી. મનમાં એક મુગ્ધતા હતી. એક અવઢવ હતી. કંઇ ખબર નહોતી પડતી..હવે..? હવે શું કરવાનું ?

તને પ્રથમ સ્તનપાન કરાવ્યું ! નર્સે શીખવાડવું પડયું. તારા નાનકડા , ગુલાબી હોઠનો એ પ્રથમ સ્પર્શ..એ રોમાંચ.. આજે યે મારી અંદર જીવંત છે. એ ક્ષણની અનુભૂતિ ને શબ્દોમાં વર્ણવવી અશકય છે. તારી આંખોમાં અપાર વિસ્મય છલકતું હતું. આસપાસની સૃષ્ટિને તું ઓળખવા મથતી હતી કે શું ? કે પછી હું કયાં આવી ચડી છું ? એવું વિચારતી હતી ? કયારેક ઉંઘમાં યે મંદમંદ મલકતી તને હું અપાર આશ્ર્વર્યથી જોઇ રહેતી. અને મારા બત્રીસ કોઠે જાણે દીવા પ્રગટતા.

કોઇ કહેતું કે બાળકને છ મહિના સુધી એનો પૂર્વ જન્મ યાદ હોય.. એટલે એની સ્મૃતિથી નવજાત શિશુ મલકતું હોય. એ જે હોય તે ખબર નથી. પણ ત્યારે મારા મનમાં એક વિચાર જરૂર આવતો કે વૈજ્ઞાનિકો આટલી બધી શોધો કરે છે..તો નાના બાળકના મનમાં શું ચાલે છે..એ જાણવાની કોઇ રીત કેમ નહીં શોધતા હોય ? હસવું આવે છે ને ? મને યે આવતું હતું...!

તારા નાનકડા હાથનો સ્પર્શ મારા પ્રત્યેક અણુને ઝંકૃત કરી મૂકતો. પ્રથમ શિશુનો પ્રથમ સ્પર્શ...એની તો મૌન અનુભૂતિ જ હોય..વર્ણન નહીં..શબ્દો નહીં..! ધીમે ધીમે તારી આંખોમાં યે મારી ઓળખાણનો અણસાર છલકવા લાગ્યો. મારી સામે જોઇ તું સ્મિત કરી ઉઠતી અને મારું ભાવવિશ્વ ઉજાગર થઇ ઉઠતું. એ સ્મિતના દરિયામાં તણાવાનો અદભૂત લહાવો હું માણતી.

તારી એક એક નાની ક્રિયાઓ મારે માટે અલૌકિક બની રહેતી. તારી આંખોમાં નાની નાની વસ્તુઓ માટે છલકતા અચરજને હું પરમ આનંદ અને બમણા અચરજથી અનુભવી રહેતી. મારા ભાવવિશ્વમાં ભરતી આવતી. તું હસતી ત્યારે હું લીલીછમ્મ બની જતી. અને કયાંક વાંચેલી આ સુંદર પંક્તિ મારા મનઝરૂખે તાદ્રશ થઇ જતી.

“ પ્રથમ શિશુએ પ્રથમ હાસ્ય છેડયું,

શત શત ટુકડા થયા એ હાસ્યના,

વેરાયા એ ચોમેર જયારે;

તે દિન પરીઓના દેશ વસ્યા. ”

તું રડતી ત્યારે હું કેવી યે ઘાંઘી થઇ ને બાજુવાળા માસીને બૂમાબૂમ કરી મૂકતી. ‘ માસી, જલ્દી આવો ને...જુઓને આને શું થાય છે ? કયારની રડે છે. ‘ માસી હસતા

કેમકે એ જાણતા કે મારું એ ‘કયારનું’ બે મિનિટથી વધું ન જ હોય. પણ એ બે મિનિટમાં મારી અંદર ઉથલપાથલ મચી જતી. દરેક મા પોતાના નવજાત શિશુના રુદને આમ જ બેબાકળી બની જતી હશે ને ? અહીં તારી વાત કરું છું...પણ તું એકલી હરખાઇ ન જતી...અહીં તું એટલે દરેક દીકરી..મા એટલે દરેક મા ..અને પિતા એટલે વિશ્વનો દરેક પિતા.! આજે વાત માંડવા માટે તને પ્રતિનિધિ બનાવી છે.. એટલું જ હોં.! બાકી વિશ્વની દરેક મા પાસે પોતાના સંતાનના આવા સ્મરણો મોજુદ હોય જ ને ? એટલે તારા દ્વારા..તારી વાતો દ્વારા હું દરેક માતા પિતાને અને દીકરીને પોતે અનુભવેલ એ ભાવવિશ્વમાં ફરી એક્વાર ઝાંખી કરવાની યાદ આપુ છું. દરેક મા દીકરી પાસે પોતીકા પ્રસંગો હોય છે. દરેકની ઘટનાઓ...શબ્દો અલગ હશે . પણ સંવેદના, વાત્સલ્ય, તો દરેક નું સરખું જ હોવાનું ને ? વહાલનું ઝરણું તો દરેક મા દીકરીના અંતરમાં સરખું જ વહેતું હોય છે ને ? કોઇ તેને શબ્દોમાં મૂકે....કોઇ ન મૂકી શકે ..એ અલગ વાત છે..બાકી લાગણી , વાત્સલ્ય અને ખટમીઠા સ્મરણોની સ્મૃતિથી કઇ મા નું વિશ્વ ઉજાગર નહીં થતું હોય ? અને એમાં યે જીવન સંધ્યાએ જયારે પુત્રી પરણી ને દૂર પોતાના અલગ માળામાં વસતી હોય ત્યારે તો યાદોનો આ ખજાનો ઘણીવાર જીવનનું પ્રેરકબળ બની રહે છે...જીવનનો ઉજાસ બની રહે છે.

કદાચ એટલે જ આજે ડાયરીમાં પત્ર સ્વરૂપે તારી સાથે વાતો કરવાનું શરૂ કર્યું છે. બની શકે કયારેક એ તારી પાસે પહોંચે......કે મારા સુધી જ સચવાઇ રહે. આ પળે તો મને ખબર નથી . બસ....ઇચ્છા થાય છે દીકરી સાથે વાતો કરવાની....એટલે કરું છું. મનમાં ઉઠતા દરેક વિચારને અહીં વાચા આપીશ. તને વાંચવું ગમશે....એની મને જાણ છે. આ ક્ષણે તો ફરી એકવાર એ સ્મરણોની કુંજગલીઓમાં ફરવાનો આનંદ માણી રહી છું. બની શકે મારી આ શબ્દયાત્રામાં કોઇ માનસિક રીતે સામેલ થાય અને આમાં પોતાનું કે પોતાની પુત્રીનું પ્રતિબિંબ જોઇ શકે, અનુભવી શકે..અને એવું બનશે તો મને એનો અપાર આનંદ થશે.

તારા જન્મ સમયે હું....અમે તો છલકતા હતા. પણ ત્યારે જ બનેલ એક ઘટના આજે યે મારા મનને હચમચાવી મૂકે છે.

તારા જન્મની ખુશાલીના અમે પેંડા..( બરફી નહીં ) વહેંચતા હતા ત્યારે બાજુના બેડ પર સૂતેલ નેહાબહેનની આંખો સતત છલકતી હતી. કારણ ફકત એટલું જ કે તેમને પુત્રી અવતરી હતી ! અને તેના પતિ, સાસુ અને ઘરમાં બધાને પુત્ર જ જોતો હતો. અને પુત્રી આવી હોવાથી કોઇ તેને બોલાવવા કે રમાડવા આવતું નહોતું. ! અને ઘેર જઇ ને હવે શું થશે..કેમ બોલાવશે..કેવું વર્તન કરશે તે ચિંતામાં એક મા ફફડતી હતી.! આપણા પુરુષપ્રધાન સમાજની આ કડવી વાસ્તવિકતા છે. હું તેને આશ્વાસન આપતી હતી...પણ પોતાની પરિસ્થિતિથી તે પૂરેપૂરી વાકેફ હોવાથી મારું આશ્વાસન તેને કામ કેમ લાગે ? આવા તો કેટલાયે નેહાબહેનો સમાજમાં હશે..! જેમને પોતાનું સંતાન છોકરી હોવાથી તેના જન્મનો આનંદ માણવાને બદલે ચિંતા અને અફસોસ કરવો પડતો હશે ? સમાજનું વલણ આ એકવીસમી સદીમાં યે નહીં બદલાય ? “ દીકરી વહાલનો દરિયો..” શું સાહિત્ય માટે કે સમાજના ગણ્યાગાંઠયા વર્ગ માટે જ રહેશે ?

પ્રશ્નો તો અનેક ઉઠે છે મનમાં. પણ જવાબ......?

મન થોડું ઉદાસ જરૂર થઇ જાય છે. આવા વિચારોથી.. પણ, નિરાશ શા માટે થવું ?

“ Every Cloud Has A Silvar Lining ” આવું કંઇક સ્કૂલમાં ભણ્યા હતા..એ ભૂલી કેમ જવાય ? આશાની એ ઉજળી કિનાર સાથે ફરી એકવાર હું મારા ભાવવિશ્વમાં વિહરી રહુ છું. આજે અગણિત દ્રશ્યો ઉર્મિઓના મોજા પર સવાર થઇ ને યાદો બની મારા મનોઆકાશમાં ચમકી રહ્યા છે. તારા જીવનના કેટકેટલા તબક્કાઓ મેં જોયા છે...જાણ્યા છે...અનુભવ્યા છે. પણ એ બધા તબક્કા વખતે મને ખબર હતી કે હું તારી સામે હાજર છું.

આજે તારી સગાઇ થઇ. નજીકના ભવિષ્યમાં તું લગ્ન કરી મારાથી દૂર...સાત સાગર પાર....... ચાલી જઇશ. ત્યારે જીવનના એ તબક્કામાં હું .....તારી મા... જેણે તને આ દુનિયામાં જન્મ આપ્યો..તે તારી પાસે પ્રત્યક્ષ હાજર નહીં હોય..કોઇ પણ મા ન હોય.....જીવનનો એ સ્વાભાવિક ક્રમ છે. અને ત્યારે મારા સમગ્ર ચેતનમાંથી તારા નવજીવન માટેની મંગલ કામના પ્રગટે જ ને ? અને માના મૂક આશીર્વાદની અમીવર્ષા તો જીવનની પ્રત્યેક ક્ષણે ...મૃત્યુ પછી યે દરેક પુત્રી પર દ્રશ્ય કે અદ્ર્શ્ય રીતે વરસતી જ રહેવાની ને ? આજે તારી જિંદગીમાં તારી મનગમતી વ્યક્તિનો પ્રવેશ થયો છે. ત્યારે હું દૂર રહીને તારા જીવનના પ્રથમ તબક્કાને માણુ છું..અને તું તારા નવસ્વપ્નો સાથે એક અલગ ભાવવિશ્વમાં વિહરી રહી છે. તારા લગ્નને તો હજુ એક વરસની વાર છે..પણ મારા કાનમાં તો અત્યારે યે શરણાઇના મંગલ સૂરો ગૂંજી રહ્યા છે..આંખો અનાયાસે છલકી રહી છે અને અંતરમાંથી આશીર્વાદની અમીધારા સહસ્ત્રધારે વરસી રહી છે. આ ક્ષણે મનમાં ગૂંજી રહી છે કયાંક વાંચેલી આ પંક્તિ....

“ કેલેન્ડર કહે છે...આજે આપનો જન્મદિન એ દિવસે, વરસો પૂર્વે...તમે ખોલી હશે આંખ. ચોતરફ અજાણ્યો....અજાણ્યાનો... ઘૂઘવતો હશે સંસાર....એવામાં મળી હશે વત્સલ જનનીની...લાગણી નીતરતી પાંખ ને તે જ ક્ષણે તમને લાગ્યું હશે.

” આપણે બંદા નથી રે રાંક.! ”

હા, બેટા, તારી મા તારી સાથે છે..તું કયારેય રાંક ન હોઇ શકે.

વિશ્વની કોઇ દીકરી કયારેય રાંક ન બને એ પ્રાર્થના સાથે...

દરેક દીકરીની માની આ નિયતિ છે. દીકરીને પારકે ઘેર મોકલવાની છે..અને વહેતા સમયની સાથે એક દિવસ એ દીકરી પણ મા બનવાની છે. અને એ રીતે તે જીવનપરંપરાનો એક અંશ બની રહે છે. પુત્રીના જન્મ સમયથી દરેક મા જાણે છે કે પુત્રીને સાસરે વળાવવાની છે. અને હોશે હોંશે એ માટેની તૈયારી પણ સતત કરતી રહે છે. હવે આજે અંતરમાં ઉમટતા , ઉછળતા લાગણીઓના પૂર ને લીધે છલકતી આંખે આગળ નહીં વધી શકાય ફરી જરૂર મળીશું. અવારનવાર અહીં આ ડાયરીના પાનામાં શબ્દો સ્વરૂપે મળતા રહીશું. સ્મરણોના સથવારે ઘૂમતા રહીશું. તારી સગાઇથી શરૂ કરેલ આ પત્રરૂપી ડાયરી તારા લગ્ન સાથે કદાચ પૂરી થશે. તારા લગ્નની મારા તરફથી અંગત ભેટરૂપે તને એ મળશે. મા ની લાગણીઓની..એક માના આશીર્વાદની ભેટ. જે હું નહીં હોઉં ત્યારે પણ તારી સાથે રહેશે..અને આપણે મા દીકરી દૂર હોવા છતાં મળી શકીશું.. મા દીકરીનું ભાવવિશ્વ આ ડાયરી..કે પત્રોમાં ઉઘડતું રહેશે..

તા.ક. પુત્રીને સાસરે વળાવતી વખતે એટલે કે લગ્ન પહેલાં દરેક મા પુત્રીને લગ્નજીવન માટેનું જીવનપાથેય..સંસ્કારોનું અમૂલ્ય પાથેય આપે છે. નવી પેઢીને સલાહ કે શિખામણ રુચતી નથી..એટલે એ શબ્દો નહીં વાપરું. પણ

“ કેવી રીતે મકાન ઘર થશે.... દીકરીને હું એ જણાવું છું. ”

દરેક મા બાપ ઇચ્છે છે કે પોતે કરેલ ભૂલો એનું સંતાન ન કરે. અને હેરાન ન થાય.એટલે પોતાના અનુભવોને આધારે તૈયાર થયેલ જીવનપાથેય ..કે સલાહ શિખામણો અનાયાસે આપતા રહે છે..હું એમાંથી બાકાત કેમ રહું ?

લગ્નની શરણાઇની શરૂઆત એટલે સગાઇ. આજે તારી સગાઇ થઇ. પ્રથમ પગથિયુ તું ચડી. આ પ્રથમ પગથિયે તારી માની પ્રથમ વાત...તેજી ને ટકોર જ હોય. હું થોડુ કહીશ..તું ઝાઝુ કરીને વાંચજે , વિચારજે અને યોગ્ય લાગે તો થોડો અમલ કરવાનો પ્રયત્ન જરૂર કરજે. રોજ એક એક કડી હું અહીં આપીશ. બની શકે કયારેક તને કામ લાગે.....તારી મા તરફથી આ આશીર્વાદ છે..સાચું દહેજ ...આણુ કે કરિયાવર..જે કહે તે છે. સ્વીકારીશ ને ? “ બેટા, સગાઇ અને લગ્ન બંને વચ્ચેના ગાળામાં જયારે તમે બંને એકબીજાને મળો છો ત્યારે સામાન્ય રીતે બંને એકબીજાને ખુશ કરવાના પ્રયત્નો કરો છો. બંનેને એકબીજાની દરેક વાત સુંદર લાગે છે. પ્રાપ્તિ કરતાં પ્રયત્નનો આનંદ કદાચ વધારે મીઠો હોતો હશે.! અને જયારે તમે હમેશ માટે સાથે રહેવાનું શરૂ કરશો ત્યારે એકબીજાના ગુણ જ નહીં...અવગુણ પણ સામે આવશે...જેને એ જ મીઠાશથી , પ્રેમથી સ્વીકારવાના છે. લગ્ન એટલે રોમાન્સ નો અંત હોઇ શકે પરંતુ રોમાંચક જિંદગીની શરૂઆત પણ એ જ હોય છે. કોઇ પણ વ્યક્તિ કયારેય સર્વગુણ સંપન્ન ન હોઇ શકે. એટલે પોતાની વ્યક્તિનો સંપૂર્ણપણે સ્નેહથી સ્વીકાર ..એ જ લગ્નજીવનની સફળતા હશે. તારી..તમારા બંનેની દ્રષ્ટિ હમેશા ગુણગ્રાહી બની રહે. મા ના દિલની એ મંગલ કામના વ્યકત કે અવ્યક્ત રીતે હમેશાં તારી સાથે રહેશે જ. બેટા, એક વાત હમેશા યાદ રાખજે. લગ્ન થાય એટલે સ્ત્રીના સ્વતંત્ર અસ્તિત્વનો લોપ નથી થતો. દૂધમાં સાકર ભળે એમ તું તારા કુટુંબમાં ..તારા પતિમાં ભળી જજે. પણ સાકર જે રીતે દૂધમાં ભળી ને યે મીઠાશરૂપે પોતાનું આગવું અસ્તિત્વ જાળવી રાખે છે..તેમ મીઠાશરૂપે તું તારું વ્યક્તિત્વ જાળવી રાખજે. તારી હાજરી દૂધમાં છે જ....એની અસર પણ છે જ..એ એહસાસ તને અને ઘરના દરેક સભ્યને મીઠાશરૂપે થાય એ તું ચૂકીશ નહીં.. તું દૂધમાં સાકર બની રહે એ આશીર્વાદ અને પ્રાર્થના સાથે. માનું વહાલ. .. God smiled , when He made daughter,

Because He knew, He had created

Love and happiness

For every mom and dad.