દીકરી મારી દોસ્ત
......
ફૂલ જેવા અવસરની આવી છે કંકોતરી.. મધુર યાદ...સ્મરણોની સુગંધ, ધૂપ થૈ જલે,
વહાલી ઝિલ,
કોઇ કળીને ફૂલ થવાનું આહવાન આપતો ટહુકો દૂર સુદૂરથી..સાત સાગર પારથી આવીને દીકરીના મનને ઝંકૃત કરી જાય છે. અને મા ના મનને એક રેશમી અવસાદ વીંટી વળે છે. એના કાનમાં તો રણકે છે દીકરીની વિદાયના ભણકારા. વરસોથી જાજેરા જતન કરીને મોટી કરેલ દીકરીને આજે અન્યને આંગણે વળાવવાનો એહસાસ મનમાં સતત રમતો રહે છે. આખા ઘરમાં તો ફૂલ જેવા અવસરની હડિયાપટ્ટી ચાલી રહી છે
” દિશાઓને કંઠે ડૂમો અને હવાની આંખમાં ઝળઝળિયા...”
સુરેશ જોશીની કંઇક આવી પંક્તિ મનમાં વિસ્તરી રહી છે. અને બહાર તો મોટેથી ગીતના ગુંજારવ છલકાઇ રહ્યા છે.
”કંકુ છાંટી કંકોતરી મોકલો...”
લગ્ન લખાઇ રહ્યા હતા. સગા સ્નેહીઓની ધમાલ, મસ્તી, ઉત્સાહ છલકી રહ્યા હતા. અંતરમાં જાતજાતની ઉર્મિઓ ઉછળતી હોય..પણ અત્યારે તો જેનો પ્રસંગ છે..એ દીકરી પાસે યે નિરાંતે બેસવાની ફુરસદ કોઇ મા પાસે કયાંથી હોય ? તું પણ બ્યુટીશીયન સાથે વ્યસ્ત હતી..જોકે તારી મને સખત તાકીદ હતી કે તારે મારી આજુબાજુ માં જ રહેવાનું છે. હું આંટાફેરા કરતી રહેતી. કોઇની પૂછપરછ, કોઇની ફરિયાદ, કોઇની માગણી,...હું શું કરું છું..એની મને યે પૂરી ખબર કયાં હતી ? બસ..જે ક્ષણ સામે આવતી હતી..એ જીવાતી જતી હતી. અને એ દરેક ક્ષણ મને તારાથી દૂર લઇ જતી હતી કે શું ? ત્યારે.. એ સમયે ખરા અર્થમાં હું એ જ ક્ષણમાં જીવતી હતી. છલકતી આંખો છાનીમાની લૂછતી હું બધાના પ્રશ્નોના જવાબ દેતી રહેતી. આંખને હું કેટલીયે સીલ કરું...પણ...... આંખ મીંચી ને આજે જોઉ છું..તો એ ક્ષણોમાં ..એ ચંદ દિવસોમાં મેં કેટલાયે યુગો જીવી લીધા હતા. ” સ્મૃતિની ક્ષણમાં જીવું યુગ, યુગ જેવા યુગની પણ કરું ક્ષણ. ”
ની જેમ ભીના ઝરમરતા સ્મરણોની સુગંધ આજે યે મનને મહેકાવી રહી છે. આમે ય દીકરી જાય પછી દરેક મા પાસે રહી જાય ફકત સ્મરણોની સુવાસ જ ને ?
દરેક માતા પિતા બધી રીતે સારું ઠેકાણુ શોધી ને જ પુત્રી ને પરણાવે છે. અને છતાં...છતાં અગણિત છોકરીઓના જીવનમાં પારાવાર પ્રશ્નોની પરંપરા સર્જાતી રહે છે. દીકરીના લગ્ન વખતે માતા પિતાના મનમાં આનંદની સાથે અવસાદ અને એક પ્રશ્ન...એક ચિંતા પણ જરૂર હોય છે. દીકરી સુખી તો થશે ને ? માણસો ખરેખર સારા નીકળશે ને ? કેમકે લગ્ન પહેલાં જે પરિચય થયો હોય..તે સામાન્ય રીતે એક મહોરા સાથે જ થતો હોય છે. બંને પક્ષ સારા દેખાવાનો સભાન પ્રયત્ન કરતા હોય છે. અને લગ્ન પછી એ પ્રયત્નો છૂટી જાય છે..અને અસલી રંગો..અસલી ચહેરો બહાર આવે છે. અનિલકાકાની ઇશાની તો તને ખબર છે ને ? તેની સગાઇ થઇ ત્યારે આપણને પણ થયું હતું કે ઇશા નશીબદાર છે .ડોકટર છોકરો. શ્રીમંત ઘર, નાનુ કુટુંબ, પાંચમાં પૂછાય એવી સમાજમાં પ્રતિષ્ઠા, ઘરના બધા સભ્યો ભણેલ ગણેલ....અને સગાઇ પછી ઇશા ને તેડી ગયેલ ત્યારે કેવી સરસ રીતે ઇશા ને રાખેલ...ઇશા ત્યાંથી આવી ને કેટલી ખુશ હતી. મારું ઘર..મારું ઘર કરતાં થાકતી નહોતી.
અને એ જ ઇશાના લગ્ન થયા પછી તેને બહુ જલ્દી સમજાઇ ગયું કે જેને એ પોતાનું ઘર માનતી હતી...એ ઘર પોતાનું હતું જ નહીં કે કયારેય પોતાનું થઇ શકે તેમ પણ નહોતું. એ તો હતું સોનાનું પિંજર માત્ર..
દરેક વાતમાં ઇશા ઉતરતી છે...ગમાર છે. મોટાના ઘરના રીતરિવાજની ભાન નથી ...એ અહેસાસ સતત આખો દિવસ તેને કરાવવામાં આવતો. પતિ પણ દરેક સાચી કે ખોટી વાતમાં મા નો જ સાથ આપતો..અને મા ની ફરિયાદ પરથી ઇશા ને મારવા સુધી પહોંચી જતો. સાધારણ કુટુંબની છોકરીને પરણી ને પોતે તેના પર ઉપકાર કર્યો છે.. એવું હમેશા કહેતો રહેતો. સગાઇ થઇ ત્યારે કરેલ મોટી મોટી વાતો...
“ અમારે તો ખાલી છોકરી સારી અને સંસ્કારી જોઇએ..પૈસાની અમારે શી જરૂર ? ભગવાને અમને ઘણું આપ્યું છે...” વિગેરે કઇ હવામાં ઉડી ગયું...એની ખબર સુધ્ધાં ન પડી. અને એમાં યે ઇશાને પ્રથમ પુત્રી આવી ત્યારે તો તે જાણે મોટી ગુનેગાર બની ગઇ.. બહાર પુત્રી પ્રેમની મોટી વાતો જરૂર કર્યા કરતા...પણ ઇશા ને માનસિક ત્રાસ આપવામાં કોઇ કસર નહોતા છોડતા.અંતે ઇશા ઘર છોડવા મજબૂર બની ગઇ. સમાજમાં બનતા આવા કિસ્સા કંઇ એકલદોકલ નથી. ઇશા જેવી અગણિત છોકરીઓ સોનાના પિંજરમાં હીબકા ભરતી, મૂક રૂદન કરતી સમયના પ્રવાહમાં તણાતી રહે છે. કોઇ પોતાનો રસ્તો શોધવાના પ્રયત્નો કરે છે..કયારેક સફળ થાય છે મોટે ભાગે નિષ્ફળ..કેમકે ઘણાં સામાજિક આર્થિક કે માનસિક કારણો આડા આવે છે. એમાં યે સંતાન હોય ત્યારે તો છોકરીની સ્થિતિ વધુ કફોડી થતી હોય છે. સંતાનની લાગણી..મમતા એને રોકી રાખે છે. અને જીવનભર એ હિજરાતી રહે છે.
આ માટે જ હવે દરેક માતા પિતા દીકરીને શકય તે રીતે ભણાવીને આર્થિક રીતે પગભર કરવાના પ્રયત્નો કરતા રહે છે. અને પહેલાના સમયમાં જયારે છોકરીઓને બહુ ભણાવવામાં નહોતી આવતી ત્યારે આ માટે જ કદાચ તેને માતા પિતા તરફથી કપડા..દાગીના વિગેરે આપવાની પ્રથા અમલમાં આવી..જેનું લીસ્ટ બનાવીને દીકરી ને અને બંને પક્ષને બધા માણસોની હાજરીમાં આપવામાં આવતું .જેથી ભવિષ્યમાં કયારેય દીકરીને કોઇ તકલીફ થાય તો એ સ્ત્રી ધન તેનું ગણાય અને તેને કામમાં આવી શકે. અને આર્થિક મદદરૂપ બની શકે. એના પરથી એટલું તો જરૂર કહી શકાય કે છોકરીને તકલીફ પડી શકે એવું ધારી લેવાનું આપણા સમાજમાં બહુ સામાન્ય હતું અને આજે પણ છે જ.. અને આ રિવાજ પણ આજે ઘણી જગ્યાએ અમલમાં છે જ.
એકવીસમી સદી જરૂર આવી પહોંચી છે...પણ સમાજનું માનસ ન બદલાય ત્યાં સુધી સદીઓ તો આપમેળે બદલાતી રહેશે...જરૂર છે માનસિકતા બદલવાની. આજે કે ત્યારે છોકરાને તકલીફ પડી શકે તેવા વિચાર ની કોઇ આવશ્યકતા નહોતી..એટલે તેને માટે એવી કોઇ જોગવાઇની જરૂર પણ ન જ હોય ને ?
ન જાણે કેમ આવા કેટલાયે સ્મરણોથી મન ઉભરાતું રહે છે. આવવા..ન આવવાના અનેક વિચારો મનમાં આવતા રહે છે. આમે ય મનને કોઇ રોકી શકયું છે ખરું ? વિચારોને રોકી શકે એવી શક્તિ તો આંદામાન ની જેલની સખત દીવાલો પાસે પણ કયાં હતી ?
બાકી તે દિવસે તો સ્મરણો માટે યે સમય કયાં હતો ? ગીતોની રમઝટ વચ્ચે ગોરમહારાજ લગ્ન લખતા હતા. એક તરફ લગ્નને વધાવાય છે. બીજી તરફ જમવા ચાલોની બૂમો પડતી રહે છે. હવે તારો ચાર્જ તારી બહેનપણીઓએ સંભાળી લીધો છે. પણ હું યે તક મળ્યે તારી આસપાસ પતંગિયાની જેમ મંડરાતી રહું છું. હકીકતે મારું ધ્યાન કોઇ વસ્તુમાં કેન્દ્રિત થતું નથી. ઘડીક ગોર મહારાજ બોલાવે છે. તો ઘડીક ફોટોગ્રાફર...તો વળી લાઇટીંગવાળાની ડેકોરેશન બરાબર છે કે નહીં તે જોઇ જવાની બૂમો પડતી રહે છે. તો ઘડીકમાં બધાની વચ્ચેથી તારો સાદ “મમ્મી”મારા કાનમાં ગૂંજતો રહે છે. પપ્પા સતત કોઇને સૂચનાઓ આપ્યા કરે છે. અંદર તો ધોધમાર હેત વરસતું રહે છે. પણ એ બધાથી અલિપ્ત રહી ને બહાર તો ચાલે છે વહેવારોની..રિવાજોની પરંપરા.
“ અવસરના મહોર્યા છે મોલ, માંડવડે રોપ્યા છે કોડ, ગીતોની છલકતી હેલ, તોરણ ના ટહુકયા રે પાન.”
કોઇ આણુ પાથરવાની શિખામણ આપે છે. કે બધાને બતાવવું તો જોઇએ ને ? દીકરીને શું આપ્યું છે તે. હું સ્પષ્ટ ના પાડુ છું. હું..અમે કોઇ એમાં માનતા નથી. હું એથી તો કયારેય કોઇને ત્યાં પણ કોઇનું આણુ જોવા જતી નથી. દીકરીને જે આપ્યું હોય તે..કોઇને દેખાડો કરવાની કોઇ જરૂર નથી. અને ઓછું કે વધારે..જે પણ હોય તે એમાં કોઇને બોલવાનો હક્ક નથી. અને તારા સાસરાવાળા પણ એવા કોઇ જ રિવાજમાં માનતા નથી. એટલે કોઇ ફોર્માલીટી ની જરૂર નહોતી. જયાં સ્નેહના સંબંધો હોય ત્યાં એ બધું ગૌણ હોય છે અને હોવું પણ જોઇએ. અને કોઇ મા દીકરીથી વિશેષ બીજું શું આપી શકે ? પોતાના અસ્તિત્વના અંશ થી વિશેષ શું હોઇ શકે ? આ આણુ પાથરવું..બધાને બતાવવું..એ બધા રિવાજ કયા કારણસર અસ્તિત્વમાં આવ્યા હશે તેનો વિચાર ઘણીવાર આવે છે..આણુ શબ્દ જ મને તો સંશોધન નો વિષય લાગે છે. કદાચ દીકરી ને જે આપ્યું છે તેમાં સૌને સાક્ષી રાખવાના ઇરાદાથી આ પ્રથા અસ્તિત્વમાં આવી હોય તેવું બની શકે. દરેક નાની વાત કેટલી વિચારીને રિવાજરૂપે ગોઠવાઇ હશે?
દીકરીને આપવાની હોંશ કયા માતા પિતાને ન હોય ? પોતાની શક્તિ મુજબ દરેક મા બાપ આપતા જ હોય છે. દહેજ આપવું એ કાયદાની દ્રષ્ટિએ ગુનો ગણાય છે..પણ એકલો કાયદો શું કરી શકે ? લોકોમાં જાગૃતિ ન આવે..યુવાનો.. દહેજ લેવાની ના પાડે કે યુવતીઓ દહેજ માગતા છોકરાને પરણવાની ના પાડવાની હિમત દાખવે તો જ કંઇક ચોક્કસ પરિણામ આવી શકે..બાકી આજે પણ અમુક વર્ગમાં દહેજના દાવાનળમાં કેટલીયે દીકરીઓના અરમાન જલતા રહે છે. સુધારો આવી રહ્યો છે..પણ બહુ ધીમે...અમુક ચોક્કસ વર્ગમાં જ. બાકી તો જયાં સુધી લોકોમાં..સ્ત્રીઓમાં જાગૃતિ ન આવે, શિક્ષણનો વ્યાપ ન ફેલાય ત્યાં સુધી ફકત કાયદા થી કશું નક્કર ન થઇ શકે.
આણુ બતાવવાના ઉલ્લેખ સાથે મનમાં આવા કેટલાયે વિચારો ઉમટી આવ્યા. મન થોડુ ઉદાસ પણ થઇ ગયું. પણ વધુ વિચારે ચડું ત્યાં ફૂલવાળા ને લાઇટવાળા બોલાવવા આવ્યા..અને મારું મન બીજી દિશાએ વળી શકયું. અને બહાર તો રિવાજોની પરંપરા ચાલી રહી છે. ગોરમહારાજ કંઇ ને કંઇ ડીમાન્ડ કરતા રહે છે. અને છોકરાઓ દોડી દોડી ને વ્યવસ્થા કરતા રહે છે. અને હું પણ એમાં અટવાતી રહુ છું.
જોકે કદાચ એ સારું જ છે. કોઇએ સમજી વિચારીને જ આ બધું ગોઠવ્યું હશે. જેથી દીકરીની મા ને કે ઘરનાઓને રડવાનો..વિચારવાનો કે લાગણીઓને પંપાળવાનો સમય જ ન રહે. એક પછી એક વિધિઓમાં ખોવાતા રહેવાય છે..કંઇ ખબર નથી પડતી..પણ એક પછી એક વિધિઓ એની જાતે પૂરી થતી રહે છે. ને દિવસ પૂરો થાય છે. કાલે તો મહેંદી રસમ છે. સવારથી આખો દિવસ મહેંદીની ધમાલ છલકશે. બધાના હાથોમાં મહેંદી મૂકાશે અને મહેંદીમાં ઉઘડશે..પ્રેમના રંગ....!! દરેક દીકરીનો એ રંગ કદી દિલમાંથી ઝાંખો ન પડે ..દિલની એ શુભેચ્છાઓ સાથે....કાલે મળીશું ને ?
ત્યાં તો જમવાની બૂમ પડી અને બધા એ તરફ વળ્યા.
“કેસર ઘૂંટયા દૂધ કટોરા, સોનાનું તરભાણું રે, મઘમઘ રૂડા ટાણા જેવા, પીરસાણા શા ભાણા રે.!”
ચાલ બેટા,
” ચાન્દા પોળી, ઘીમાં ઝબોળી ઝિલના મોં માં હબૂક પોળી કરાવું? ”
ते हि नो दिवसो गता: “ બેટા, જીવનમાં સમાધાન તો દરેક પગલે કરવાનું આવશે..અને કરવું જ જોઇએ. નાની નાની વાતોમાં અપસેટ થઇ ફરિયાદ કરવાને બદલે પરસ્પર સમજૂતી કરવી જ રહી. એકબીજાની અણગમતી વાતો ઘણીવાર સામે આવશે ત્યારે તે તરફ આંખમીંચામણા કરી..હકારાત્મક અભિગમ અપનાવવો જ રહ્યો. પરંતુ એનો અર્થ એ નથી કે કોઇ પણ અન્યાય મૂંગા રહી ને સહન કરી લેવો. સાસરેથી તો દીકરીની અર્થી જ ઉઠે...કે દીકરી તો સાસરે જ શોભે.. એ માન્યતા ના ગુલામ ન જ થવું. એને જડની જેમ વળગી ને જીવનભર અન્યાય સહન કરવાને બદલે પ્રતિકાર કરતાં શીખવું જ જોઇએ..તો જ છોકરાઓ પણ તેનું સ્વમાન જાળવતા શીખવા પ્રેરાશે. હા, સ્વમાન અને અભિમાન વચ્ચેની બારીક ભેદરેખા જળવાવી જોઇએ. આત્મસ્વમાન એ દરેક નો..સ્ત્રી કે પ્રુરુષનો હક્ક છે. અભિમાન તો વિનાશ જ નોતરી શકે. દ્વૈત માંથી અદ્વૈત તરફ જવાનો પ્રયત્ન દરેક દંપતિ એ સાથે મળી ને કરવો જ રહ્યો. સહજીવનનું ગૌરવ તારા અને દરેક દંપતિના જીવનમાં જળવાઇ રહે એ ભાવના સાથે..અસ્તુ.. ”