ટાઈટલ વાચી ને જ આઘાત લાગ્યો ને? પણ હા આ આપણા ભારતના ઈતિહાસનું એક કાળું પ્રકરણ છે. જે મહદ અંશે ભુલાયેલું છે પણ આનાં પરથી એક મલયાલમ મુવી ‘મુલાચી’ બનવાનું છે જેનો અર્થ થાય છે સ્તનવાળી સ્ત્રી. જે નોવેલીસ્ટ તકાજી શિવશંકર પિલ્લાઇ નાં પૌત્ર ડો.રાજ નાઈક બનાવવાના છે અને એના માટે એન્જેલીના જોલીનો પણ સંપર્ક કરવામાં આવ્યો છે. એ કારણે લોકોના અથવા તો એમ કહી શકાય કે આજની પેઢીના ધ્યાનમાં આ આવ્યું કે આપણો ઈતિહાસ આવી ઘણી ઘટનાઓ થઈ ખરડાયેલો છે.
વાત છે આજથી લગભગ ૨૦૦ વર્ષ પહેલાની, કેરળનાં ત્રાવણકોર સ્ટેટમાં આવેલ ચેર્થલા નામના ગામની સ્ત્રી નાંગલીની. એ સમયે દલિત પછાત વર્ગના લોકોને અનેક પ્રકારના કર ચુકવવા પડતા અને આવા કચડાયેલા વર્ગને નીચાજોણું થાય અને ઉચ્ચ વર્ગથી એ નીચા છે એ બતાવવા માટે આવા કર ફરજીયાત હતા અને જે એ કર નાં ભરે તેમને સજા પણ થતી.
તે સમયે નીચલા વર્ગની સ્ત્રીને ઘરેણા પહેરવા માટે, પુરુષને મુછ ઉગાડવા માટે કર ભરવો પડતો પણ આ બધાથી એ વધારે ભયાવહ તો એ કર હતો જે નીચલા વર્ગની સ્ત્રીઓએ સ્તન ઢાંકવા માટે ચૂકવવો પડતો. તે સમયે ત્રાવણકોર સ્ટેટનાં રાજા બાલારામ વર્મા હતા. અને તે સમયે નીચલા અને કચડાયેલા વર્ગને આ કર ભરવો ફરજીયાત હતો. છોકરી માસિક ધર્મમાં બેસે એટલે આ કરની શરૂઆત થઇ જતી હતી. ઘરમાં ઉપવસ્ત્ર પહેરી શકાય પણ ઘરની બહાર નીકળતી વખતે સ્ત્રીએ ઉપવસ્ત્ર ઉતારીને જ નીકળવાનું અને આ કર અથવા તો દંડ સ્ત્રીના સ્તનની સાઈઝ પર અને સુંદરતા પર નક્કી થતો. જો સ્ત્રીના સ્તન વધુ ભરાવદાર હોય તો તે પ્રમાણે વધારે કર ચૂકવવો પડતો. એવું જતાવવા માટે આવા દંડની જોગવાઈ કરવામાં આવેલી કે ઉચ્ચ વર્ગની સ્ત્રી પસાર થાય તો ઓળખાઈ આવે અને શોષિત વર્ગનું વધુ ને વધુ અપમાન થયા કરે અને એ લોકો શોષણની માનસિકતામાંથી બહાર નીકળી જ નાં શકે. આ કર વસુલવા માટે કર વસુલ અધિકારીઓ ઘરે ઘરે જઈને કર વસુલતા હતા.
નાંગલી વિષેની વાત એવી છે કે નાંગલીએ આ અન્યાય સામે લડવાનું નક્કી કર્યું અને ઉપવસ્ત્ર પહેરીને બહાર નીકળી અને આ વાત કર વસુલ અધિકારીઓ પાસે પહોચી એટલે અધિકારીઓ નાંગલી પાસે કર વસુલવા આવ્યા ત્યારે નાંગલીએ તેમની સંસ્કૃતિ પ્રમાણે એક પાંદડામાં પોતાના બંને સ્તન કાપીને આપ્યા. આ જોઇને અધિકારીઓ તો ત્યાંથી ભાગ્યા અને તેનો પતિ ચીરુકંદન જ્યારે ઘરે આવ્યો ત્યારે તેને પોતાની પત્નીને દરવાજા પર જ મૃત હાલતમાં જોઈ અને આખા શરીર માંથી લોહી નીકળતું જોયું. અને અત્યાર સુધી એવું હતું કે પત્ની પોતાના પતિ પાછળ સતી થાય પણ નાંગલીની પાછળ એનો પતિ પણ ચિતામાં કુદી ગયો. અને આ જ સંદર્ન્ભે એવી વાત પણ છે કે બાળકને સ્તનપાન કરાવવા માટે કર ચૂકવવો પડતો અને નાંગલીએ પોતાના બાળકને સ્તનપાન કરાવ્યું પછી આ ઘટના બની. પછી આ વાત રાજા સુધી પહોચી પણ કોઈ ફેર નાં પડ્યો અને નાંગલીના મૃત્યુના ૯ વર્ષ બાદ આ કર નાબુદ થયો અને એ પણ કોઈ રાજવીના નિર્ણયથી નહિ પણ મદ્રાસનાં ગવર્નર નાં હુકમથી. એ સમયે ત્રાવણકોર સ્ટેટનાં દીવાન કોલોનલ જ્હોન મુનરોએ એવી શરત રાખી કે જે લોકો પોતાના કુટુંબ સાથે ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરશે તેને ખ્રીસ્તી સ્ત્રીઓની જેમ ઉપવસ્ત્ર પહેરવાની છૂટ આપવામાં આવશે અને ઘણા કુટુંબએ ખ્રિસ્તી ધર્મ અંગીકાર કર્યા બાદ રાજવીઓને લાગ્યું કે આમ તો હિંદુ ધર્મનું પતન થશે અને આ કર નાબુદ થયો.
એક સ્ત્રીને પોતાનું સ્ત્રીત્વ સાચવવા માટે કેટલું જજુમવું પડતું હશે એ સમયે. અને અવાજ ઉઠાવવાની તો કોઈને પરવાનગી જ નહિ. આવા સમયે આવી સ્ત્રીઓએ પોતાની લાજ ખાતર અન્યાય સામે અવાજ ઉઠાવ્યો હશે અને બલિદાન આપ્યાં હશે. નાંગલીના બલિદાન સાથે જ એક ચિનગારી પ્રગટી હતી અન્યાય સામે લડવાની, આવી બર્બરતાનો સામનો કરવાની અને પોતાના મળવા પાત્ર હક્કોને મેળવવાની, અને આ કર ઉઘરાવવામાં આવતો હતો પદ્મનાભસ્વામી મંદિરના વિકાસ માટે. આજ જ્યારે આપણે આટલી સંપતિથી સમૃદ્ધ મંદિર વિષે વિચારીએ ત્યારે એવું લાગે કે કેટલા મોટા લોકોએ પોતાનો ફાળો આપ્યો હશે અને મંદિરની આટલી સંપતિ થઇ હશે. પણ ના આ ફાળો મોટા અને ઉચ્ચ વર્ગનો નહિ પણ કચડાયેલ વર્ગનો હતો. જે તેમની પાસે થી ફરજીયાત પણે લેવામાં આવતો હતો. કોઈ પણ પ્રકારની માણસાઈને નેવે મુકીને આવા કર ઉઘરાવવામાં આવતા હતા. સ્ત્રીને એક ઓબ્જેક્ટ તરીકે ત્યારે પણ જોવામાં આવતી હતી, પુરુષો પોતાની હીન માનસિકતાને આવી રીતે પંપોળતા હશે અને જ્યારે કર નાબુદી થઇ ત્યારે ઉપવસ્ત્ર પહેરવાની છુટ્ટી મળી પરંતુ ઉચ્ચ વર્ગની સ્ત્રીઓ જે પ્રકારના કપડા અને જે પ્રકારની સ્ટાઈલ થી કપડા પહેરે તે રીતે તો નહિ જ .
નાંગલીની ઘટના બાદ તે ગામને ‘મુલાચીપરામ્બુ’ એટલે કે સ્તનવાળી સ્ત્રીનું ગામ તરીકે ઓળખવામાં આવતું હતું અને વર્ષો બાદ આ ગામને ચેર્થલા નામ આપવામાં આવ્યું હતું. નાંગલી એક એવી સ્ત્રી હતી જેણે પોતાના કાયદાનો વિરોધ કર્યો, બલિદાન આપ્યું અને આવનાર પેઢી માટે અન્યાય સામે અવાજ ઉઠાવવાના દ્વાર ખોલી દીધા. તેના બલિદાનને કદાચ આપણા ઈતિહાસ એ ઓછું આંક્યું હશે પણ એ બલિદાન કોઈ પણ રીતે ઓછું આંકી શકાય તેમ નથી. આજે પણ ત્યાં નાંગલીને ખુબ જ માનપૂર્વક યાદ કરવામાં આવે છે. પણ તેના માનમાં કોઈ સ્મારક પણ જોવા મળતું નથી અને કોઈ પુસ્તકોમાં પણ ખાસ ઉલ્લેખ નથી. ફક્ત એવા લોકો જાણે છે જે લોકો વૃદ્ધ છે અને આ વાત સાંભળતા આવ્યા છે અને બીજા અમુક ઈતિહાસકારો જાણે છે.
ક્યારેક એવું લાગે કે, આપણા ભારતના ભવ્ય ઈતિહાસને જોઈએ તો પણ કેટલો મોટો એવો વર્ગ હશે જેના કારણે આપણામાં અન્યાય સામે લડવાની તાકાત આવી છે, અવાજ ઉઠાવાની, સાચું-ખોટું સમજવાની માનસિકતા કેળવાઈ છે. આવી દરેક સ્ત્રી અને આવા દરેક પુરુષના બલિદાનને સલામ કરવી જ રહી. આ એવી સ્ત્રીઓ હતી જેમને ઘરમાં ઉપવસ્ત્ર પહેરવાની છૂટ પણ રાજ દરબારના કોઈ પણ માણસો, બ્રામ્હણો કે બહારની બીજી કોઈ પણ વ્યક્તિ સામે અથવા તો કોઈ મંદિરમાં જાય ત્યારે ઉઘાડા સ્તન સાથે ફરવું પડતું. તે સમયે લગભગ ૧૨૦ જેટલા આવા અલગ અલગ પ્રકારના કર ચૂકવવા પડતા અને તેમાંથી ૧૧૦ જેટલા કર ફક્ત નીચલા વર્ગ માટે હતા.
આ પ્રકારનાં નિયમો અમુક ઉચ્ચ વર્ગની સ્ત્રીઓ માટે પણ હતા જેમ કે, તે સ્ત્રીઓએ ફક્ત પોતાના પતિ સાથે જ બોલવાનું અને ઘરની બહાર પગ નહિ મુકવાનો આવી સ્ત્રીઓ નામ્બુર્થીની સ્ત્રી તરીકે ઓળખાતી હતી. આવી સ્ત્રીઓને અમુક પ્રસંગે જ્યારે તેમના પતિ દ્વારા બહાર નીકળવાની છૂટ મળતી ત્યારે તેમને પાંદડાથી પોતાના ચહેરાને ઢાકીને નીકળવું પડતું અને આવા દરેક નિયમો જેને આપણે અન્યાયના પ્રતિક તરીકે ગણીએ છે તેવા નિયમો તે સમયે સંસ્કૃતિ ગણાતી હતી, તેના માટે કોઈને શરમ પણ નહોતી.
આમ, આવી કેટલીયે સ્ત્રીઓને આપણે સલામ કરવું પડે જે લોકો એ તે સમયે અવાજ ઉઠાવ્યો જ્યારે સમાજ ખુબ જ રૂઢીચુસ્ત હતો અને પોતાનું મનનું માન્યું કર્યું જેના કારણે આજ પણ તેઓ માનના હક્કદાર છે.