સ્ત્રી સમોવડો પુરુષ બની શકે?
ઘણા વર્ષોથી એક શબ્દ સતત સાંભળવા મળે છે અને એ છે પુરુષ સમોવડી સ્ત્રી. સમય બદલાયો છે, સ્ત્રી વિષેની માન્યતા બદલાઈ છે, જમાનો બદલાયો છે પણ હજુ નથી બદલાઈ માનસિકતા. પુરુષપ્રધાન સમાજની માનસિકતા હજુ એ જ છે જે એક સદી પહેલા હતી, અને તેમ છતાં આપણો આ સમાજ હરખાય છે કે સ્ત્રીને છૂટ મળી છે, બહાર નીકળવા દેવાય છે, તેને ગમતું કરવા દેવાય છે, તેને જે અને જેવા કપડા પહેરવા છે તેવા પહેરવા દેવાય છે, તેને ચોઈસ આપવામાં આવે છે, જડ વલણ ઢીલા પડ્યા છે અને સ્ત્રીને પુરુષ સમોવડી બનાવામાં મદદ અપાય છે.
શું ખરેખર સ્ત્રીને પુરુષ સમોવડી બનવાની જરૂર છે? અથવા તો શું ખરેખર સ્ત્રી પુરુષ સમોવડી છે કે તેનાથી એક ડગલું આગળ? સ્ત્રી પુરુષ કરતા પણ અનેક ગણું કરે છે અને તેમ છતાં ફક્ત આ જ લેબલ? કે સ્ત્રી પુરુષ સમોવડી છે? નાં સ્ત્રી પુરુષ સમોવડી નહિ પણ તેનાથી આગળ છે.
અને હવે સમાજે આ સ્વીકારવાની જરૂર છે અને નાં સ્વીકારે તો પણ શું? આમ પણ આપણો સમાજ તો પુરુષપ્રધાન જ છે ને. સ્ત્રી હંમેશા થી પોતાને સાબિત કરતી આવી છે, શું નાં કરી શકે સ્ત્રી? પણ બસ હવે સ્ત્રી એ પોતાને સાબિત કરવાની જરૂર નથી, તેણે જીવતા શીખવાનું છે , જીવનને માણતા શીખવાનું છે, આ મોર્ડન યુગમાં પણ સ્ત્રીને સતત અગ્નિ પરિક્ષા આપવી પડે છે અને પોતાની જાતને સંભાળવી પડે છે, પણ આ એકવીસમી સદી છે , બદલાવની સદી.
સ્ત્રી બધું જ કરે છે, પોતાનું બધું જ છોડી ને પણ એક સાવ જ નવી જગ્યાએ અને નવા જ વાતાવરણમાં અને નવા લોકોની સાથે પોતાની જાત ને સેટ કરવા મથતી રહે છે પોતાની જાત ને ભૂલીને, દરેક શોખ, ઈચ્છાઓ ને છોડીને પણ પોતાના થી બનતા દરેક પ્રયત્નો કરતી હોય છે , પોતાની રોજબરોજ ની ટેવ અને આદતો માં બદલાવ લાવવાનું કૌશલ્ય પણ એના માં જ છે ને? પોતાના વ્યક્તિઓ ને છોડી ને બીજાઓને અપનાવવાનું સામર્થ્ય પણ એના માં જ છે ને? ઘરની દરેક જવાબદારી નિભાવે છે , પાણી ભરવાથી લઇ ને રસોઈ બનાવવા સુધી, શાકભાજી થી લઇ ને અનાજ સુધી, દરેક ઋતુઓ પ્રમાણે બદલાવ લાવે છે, બેડશીટ થી લઇને કાલા હિટ સુધીની ખબર રાખે છે, બાળકોના નાસ્તા, સ્કુલના શીડ્યુલ, ટ્યુશનથી લઈને હોમવર્ક, પેન્સિલ થી લઇને સ્કુલ બેગની સંભાળ પણ તે જ રાખે છે, બાળકોના પ્રોજેક્ટ બનાવતા બનાવતા ક્યારેક પોતે જ પ્રોજેક્ટ બની જાય છે હસતા હસતા, કુટુંબની દરેક વ્યક્તિની જરૂરિયાતો અને ઇચ્છાઓ તેના મગજની એક્ષેલ શીટમાં ગોઠવાયેલી હોય છે. પતિદેવનાં કપડા થી લઈને સોય દોરાની ડબ્બીમાં પણ એ પરોવાયેલી હોય છે, ઈસ્ત્રીમાં આપેલ કપડા થી લઈને ડી.સી. આપેલ કપડાઓ ની ગણતરી તેના મગજ માં ચોક્કસ હોય છે , જાણે કે એક મંથલી બજેટ તેના મગજમાં ફીટ હોય છે અને એ રીતે જ બધાને મેનેજ કરે છે, સમયને પણ.
આ ઉપરાંત પ્રોફેશનલ લાઈફ્ની પણ એ ક્વીન હોય છે. ઓફીસમાં પહેરવાના કપડા, ચપ્પલ, મેચિંગ એસેસરીઝ, બ્રાન્ડેડ ટીફીન અને બોટલનું મેનેજમેન્ટ અને સાથે સાથે બે મિનિટમાં ઓફીસ જતા તૈયાર થવાના નુસખાઓમાં પણ એ માહેર છે. ઓફીસમાં પોતાનું કામ બખૂબી કરે છે અને ઓફિસથી આવતા રસ્તામાં પાણીપુરી કે દાબેલી ખાવાનો સમય પણ કાઢી લે છે. સ્ત્રી માટે સાંજે થાક્યા પાક્યા ઘરે આવ્યા પછી પણ આરામ નથી હોતો, એ જ રસોઈ,બાળકો, હોમવર્ક, મહેમાનગતી અને એમાં પાછું સોશિયલ મીડિયા, પતિદેવની સેવા અને છેક છેલ્લે આરામ અને તેમ છતાં લોકો નો અસંતોષ. આ બધાની વચ્ચે થોડો સમય પોતાના માટે પણ નાં નીકળે તેમ છતાં કોઈ ફરિયાદ નથી હોતી, આ બધું જ કરવા છતાં જો થોડો સમય મોબાઈલ માં વિતાવાય તો લોકોની ચાર આંખ થઇ જાય કે આ તો મોબાઈલમાં જ હોય છે, જો થોડો સમય બહાર ફરવામાં વિતાવે તો એમ થાય કે આ તો રખડું છે ઘર માં પગ જ નાં હોય એને , જો તૈયાર થઇ ને બહાર નીકળે તો લોકો કહે કે મેડમ લટક મટક થઇ ને નીકળ્યા, જો ફેન્સી કપડા પહેરે તો કહે કે પોતાની જાત ને હીરોઈન સમજે છે, જો કામવાળા રાખે તો કહે કે સળી નાં બે કટકા એ નથી કરવા, જો પોતાને ગમતું કરવા બીજાનું નાં સાંભળે તો કહે કે પાવર તો આને જ છે, આમ દરેક વખતે ચાર આંખ કરી ને લોકો નું ધ્યાન સતત હોય કે એ શું કરે છે, ક્યા જાય છે , કેમ જાય છે.
ઘણું વધારે નથી કરતી સ્ત્રી? ઘણું વધારે સહન નથી કરતી સ્ત્રી? પોતાનું અસ્તિત્વ ખોઇને પણ સતીત્વ ટકાવી રાખવા નથી મથતી સ્ત્રી? સતત ઉપેક્ષાઓ નો ભોગ બન્યા પછી પણ પોતાનાઓ માટે પોતાનો ભોગ આપવા સતત તૈયાર નથી હોતી સ્ત્રી? પુરુષથી પણ ચઢિયાતી નથી? કેટલા બધા રોલ નથી ભજવતી સ્ત્રી? પુરુષથી પણ વધારે? અને આપણા સમાજના પુરુષો કે જે સેવાથી ટેવાયેલા છે એ લોકો કશું જ વધારે નાં કરી શકે? જાતે કપડા અને ટોવેલ નાં લઇ શકે? ઓઢવાનું પોતે નાં વાળી શકે? બુટ ને પોલિશ જાતે નાં કરી શકે? બાળક ને તૈયાર કરવામાં મદદ નાં કરી શકે? સફાઈમાં મદદ નાં કરી શકે? પોતાની જમેલી થાળી પોતે નાં ઉપાડી શકે? અને ક્યારેક ઓફિસથી થાકીને આવેલી પત્ની ને પાણી નાં આપી શકે? મોબાઈલ ચાર્જ કરવાનું પોતે યાદ નાં રાખી શકે? ક્યારેક પત્ની માટે સરપ્રાઈઝ ગીફ્ટ નાં લાવી શકે? આ બધાનો ઠેકો લીધો છે સ્ત્રી એ? નાં નથી લીધો, સમય બદલાઈ રહ્યો છે.
હવે સ્ત્રી પોતાને ગમતું કરે છે, ક્યારેક મોડે સુધી સુઈ ને પોતાની ઊંઘ પૂરી કરી શકે છે, પોતાને ગમતી પ્રવૃતિઓ કરી શકે છે, ગમતી ઈવેન્ટ્સમાં હાજરી પુરાવી શકે છે, રાત્રે મોડે સુધી બહાર ફરી શકે છે, કોઈ સાથે નાં હોય તો પણ એકલી આઈસ્ક્રીમ ખાવા જઈ શકે છે, દરેક પ્રોફેશન ને અજમાવે છે, સ્ટ્રગલ કરે છે અને જીવન પણ જીવે છે, તેના દુખો ને સીઝલીંગ બ્રાઉની વિથ આઈસ્ક્રીમ ઉપર ઢોળવામાં આવતી ચોકલેટ ની જેમ સીઝલ કરીને ખાઈ જાય છે. તેને ગમતી વ્યકિતને બિન્દાસ પ્રપોઝ કરે છે અને પછી નાં ફાવે તો બ્રેક અપ કરી ને ફ્રેન્ડસ ને બ્રેક અપ પાર્ટી પણ આપે છે અને હાલતા ને ચાલતા પાઉંટ કરીને સેલ્ફી લેવામાં પણ માહેર. હા એટલે જ આ સદી છે બદલાવ ની, માનસિકતાના બદલાવની . પોતાની દરેક જવાબદારી નિભાવે છે અને તેમ છતાં સમાજ તરફ થી એક નર્યો અસંતોષ હોય છે સ્ત્રી પ્રત્યે, શું એવું નથી લાગતું કે સમય હવે પુરુષ સમોવડી સ્ત્રી બને તેનો નહિ પણ સ્ત્રી સમોવડો પુરુષ બને તેનો હોય ? શું ઈગો હર્ટ થયા વગર પુરુષ કોશિશ કરી શકે ? જો કરી શકે તો આ એક નવી શરૂઆત થશે , અંતે વાત તો સમાનતાની જ છે ને.